Search This Blog

30/12/2011

‘બેમિસાલ’ (’૮૨)

ફિલ્મ ‘બેમિસાલ’ (’૮૨)
નિર્માતા : દેવેશ ઘોષ.
દિગ્દર્શક : ૠષિકેશ મુકર્જી
વાર્તા : આશુતોષ મુકર્જી
સંગીત : આર.ડી. બર્મન
ગીતો : આનંદ બક્ષી
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ
કલાકારો : અમિતાભ બચ્ચન, રાખી ગુલઝાર, વિનોદ મહેરા, દેવેન વર્મા, શીતલ, અરૂણા ઇરાની, એ.કે. હંગલ, ઓમ શિવપુરી, અસિત સેન,પ્રતિમાદેવી, વિજય શર્મા, મીના રૉય, સમર રૉય, ગૌતમ સરીન, ગોગા કપૂર અને અંજન શ્રીવાસ્તવ. 

ગીતો 
૧. કિતની ખૂબસુરત યે તસ્વીર હૈ,યે કશ્મિર હૈ... કિશોર-સુરેશ વાડકર 
૨....એ રી પવન.... લતા મંગેશકર 
૩...ખફા હૂં, ખફા હૂં..... કિશોર કુમાર 
૪....એક રોજ મૈં તડપકર..... કિશોર કુમાર 

અમિતાભ બચ્ચનને વર્લ્ડ-કલાસ ઍક્ટર કહેવામાં થોડું ઘણું ય જે જોખમ હતું.... કે કેમ ભ’ઇ, સંજીવ કુમારો, દિલીપ કુમારો કે અશોક કુમારો ભોંયરામાં બેઠા છે, તે તમને એક માત્ર આ આઠ માળનું બિલ્ડિંગ જ દેખાય છે ?... તે જોખમ એની આ ફિલ્મ ‘બેમિસાલ’ જોયા પછી રદબાતલ થઇ જાય છે. અહીં તમે આંખ મીંચીને બેધડક કહી શકો કે, Go East or West, Bachchan is the best. એ તો ૠષિકેશ મુકર્જી અને બચ્ચન બાબુની જેમ આપણી ય કમનસીબી કે, ’૮૨-માં આ ફિલ્મ આવી, ત્યારે ગમે તે કારણ હોય, થોડી બી ચાલી નહિ અને એ પછી અમિતાભનો ગમે તેટલો જીક્ર થાય, આ ફિલ્મ ક્યાંય ચર્ચામાં પણ નહોતી આવતી-નથી આવી હજી-રાધર ! એ ખૂબી એની પોતાની હતી કે, આમ સામાન્ય કક્ષાની કહેવાય તેવી ફિલ્મ ‘શરાબી’ એકમાત્ર અમિતાભના જોર ઉપર ‘ક્લાસિક’ની કક્ષાએ પહોંચી ગઇ. ‘જંઝીર’, ‘દીવાર’, ‘શોલે’ જેવી કમર્શિયલ ફિલ્મોમાં એક ઍક્ટર અને હીરો તરીકે એની ધાંયધાંય સફળતા પછીનો જે લૉટ આવ્યો, તે ફિલ્મો ‘બ્લૅક’, ‘પા’ કે ‘ચીની કમ’ બ્રાન્ડનો, એમાં એના દુશ્મનોને પણ સ્વીકારવું પડ્યું કે, ‘‘કમ ઑન... આનાથી વધારે સારો બીજો કોઇ ઍક્ટર નથી જ !’’ 

બહુ ઓછાને ખબર હશે કે, મિસ્ટર અમિતાભની સાચી અટક ‘શ્રીવાસ્તવ’ છે. ‘બચ્ચન’ તો એમના પિતાશ્રી હરિવંશ રાયે એમના તખલ્લુસ તરીકે રાખ્યું હતું. બચ્ચન તો આજે ય પિતાશ્રીને કેવા આદરણીય નામે યાદ કરે છે, ‘‘બાબુજી.’’ એ બધી દ્રષ્ટિઓ ભેગી કરીને જોવા જઇએ, તો અમિતાભમાં અડઘું હિંદુસ્તાન સમાયેલું છે. જન્મે એ યુ.પી.નો કહેવાય, પણ માતા ‘તેજી’ (પંજાબી) સીખ્ખ હતા. (એકોએક લેખકો-પત્રકારો સીખ્ખોનો ઉચ્ચાર અને જોડણી ખોટી ‘શીખ’ કરે છે. તાજ્જુબીની વાત છે કે, ખુદ સરદારજીઓ જ એનો વિરોધ કરતા નથી.) બચ્ચને યુવાનીના મોટા ભાગના વર્ષો કોલકાતા (બંગાલ)માં કાઢ્‌યા. પત્ની જયા ભાદુરી (મઘ્ય પ્રદેશના) ભોપાલની છે. પ્રેમિકા રેખા મદ્રાસ (સાઉથ)ની છે. પોતે રહે છે, મહારાષ્ટ્ર (મુંબઇ)માં, બ્રાન્ડ ઍમ્બેસેડર આપણો, એટલે કે (ગુજરાતનો) અને પોતાની વાત સાબિત કરવા વાત પરાણે જોડી કાઢેલી લાગે, પણ રાજસ્થાનીઓ પોતે કહે છે કે, બચ્ચન સાહેબ અમારા કરતા વઘુ ચોખ્ખી અને સાચી રાજસ્થાની કે મારવાડી બોલે છે. અને માટે જ, ફિલ્મ ‘બેમિસાલ’ની વાર્તાનું પુસ્તક તમે ટ્રેનમાં બેઠા બેઠા વાંચી જાઓ, તો એણે જે રોલ ડૉ. સુધીર રૉયનો કર્યો છે, એમાં તમને કોઇ ખાસ સ્કૉપ ન દેખાય કે, આમાં તો શું ઍક્ટિંગ કરી શકાય ? ઇંગ્લિશમાં જેને, ‘A run of the mill’ કહે છે, તે બ્રાન્ડનો ચીલાચાલુ રોલ જણાય.... પણ ભા’આ... ભા’આ... ય, આ માણસના હાથમાં તમે પિત્તળ પકડાવો તો એનો ય નૅકલૅસ બનાવી આપે ને માણેક ચૉકમાં સોનાના ભાવે વેચી આવો, તો ય સોનીની બા ના ખીજાય ! અભિનય વિશે પોતાની સૂઝબુઝથી બચ્ચન બાબુએ ડૉ. સુધીર રૉયના રોલને નવવઘુના શરીર પર પહેરાવેલા તમામ ઘરેણાં જેવો કિંમતી અને આકર્ષક બનાવી દીધો છે.

શું છે આ ફિલ્મમાં ? નો વૅ....આ ફિલ્મ એક સોશિયલ થ્રિલર જેવી હોવાથી એની વાર્તા-ફાર્તા કે ટુંકસાર-ફુંકસાર કહેવાનો મજો નહિ આવે ! એ તો ગરજ હોય તો જાતે ડીવીડી મંગાવીને જોઇ લેવી પડે ! લખવા બેસીએ, એટલે ગૅરન્ટી-ફૅરન્ટીની જબાનમાં અમારાથી પડકારૂં નો ફેંકાય, પણ જાવ ને, તો ય ફેંયકો... આપણે રૂપિયાભાર પડકાર ફેંયકો.... અમિતાભ બચ્ચનની તમે જોયેલી તમામ ફિલ્મોમાં એક ઍક્ટર તરીકે-આ ફિલ્મથી વધારે મજબુત બીજો બચ્ચન એકે ય ફિલ્મમાં નહિ લાગે ! અફ કૉર્સ, એની એકલી ઍક્ટિંગ જોઇને જ બેસી રહેવાનું નથી, ફિલ્મ ૠષિકેશ મુકર્જીની છે, એટલે કોઇ સામાન્ય ફિલ્મ તો હોય નહિ ! ને પાછી આ તો થ્રિલર છે, એટલે ફિલ્મ શરૂ થાય તે અંત સુધી જકડાઇ તો રહેવું પડશે... ઠંડી શરૂ થઇ ગઇ છે, એટલે બઘું જકડાવાનું જાતે નહિ કરવું પડે !

યસ. અગાઉ આશ્રમ રોડના પેલા અજંટા-ઇલોરા, કે શિવ અને શ્રી જેવા ૪-૫માંથી કોઇ એક થીયેટરમાં ‘બેમિસાલ’ આવી ત્યારે જેમણે જોઇ હતી, તેમને થોડું યાદ અપાવવા માટે જરા સરખું જીસ્ટ આપી દઇએ, એટલે બાકીનો લેખ વાંચવાના કામે એ લોકો ય વળગે.

ઓમ શિવપુરી અદાલતના ન્યાયાધિશ હોવા છતાં ન્યાયી હતા, એટલે પોતાના સગા દીકરા (વિનોદ મેહરા)ની સાથે સાથે રસ્તા પરથી ઉપાડીને લાવેલા એક ગરીબ અને ‘જરા બિગડેલ’ સુધીર (બચ્ચન)ને પણ સગા પુત્રની જેમ જ ઉછેરીને, બન્નેને ડૉક્ટર બનાવે છે. (ન્યાયતંત્ર ઉપરથી એમને કેટલો વિશ્વાસ ઉઠી ગયો હશે કે, બેમાંથી એકે ય ને વકીલ કે જજ ન બનાવ્યા...! આ તો એક વાત થાય છે !) ફરવા નીકળ્યા પછી કાશ્મિરના પહેલગામમાં આ બન્ને દોસ્તોને કવિતા ચતુર્વેદી (રાખી ગુલઝાર)નો ભેટો થાય છે ને બન્ને સરખે હિસ્સે એની એકલીના પ્રેમમાં પડી જાય છે. પેલીને તો બન્ને બાજુ ઘી-કેળાં હતા, એટલે છાપાના વધારાની જેમ માંગા નીકળ્યા, એટલે રાખીએ બન્નેના લવાજમ ભરી દીધા. પેલા બન્નેની દોસ્તી એવી કે, ‘તું એકલો ખા... આમાં વહેંચીને ના ખવાય... આપણે પાંડવો નથી’ એટલે છેવટની ગિફટ-કૂપન વિનીયો લઇ જાય છે.. આઇ મીન, વિનોદ મહેરા. જે પૈણીને ઘરમાં રહેવાને બદલે પરદેશ ભેગો થઇ જાય છે... (આવા સુખ માટે ઘણા પરણેલાઓએ એની કૂંડલી મંગાવી હશે !) બીજી બાજુ આ ભાઇ એના પાગલ મોટા ભાઇના અપમાનનો બદલો લેવા મોટા ભાઇ (અધીર-એ ય બચ્ચન પોતે.. ડબલ રોલમાં)ની શિષ્યા શીતલને હેરાન-પરેશાન કરી નાંખે છે.

...બસ! આ તો થ્રિલર હોવાથી આગળની વાત સ્પૉઇલર ગણાશે, માટે વાર્તા પૂરતું અહીં જે શી ક્રસ્ણ. પણ ૠષિ દા ની તમામ ફિલ્મો હેતુલક્ષી હોય. દિગ્દર્શક તરીકે એવા મજેલા કે, એમની ફિલ્મોમાં એક ગીત પણ કારણ વગરનું ન હોય.. મોટે ભાગે તો ગીતની સાથે સાથે વાર્તા અડોઅડ વહેતી હોય અથવા ગીત માટેની સીચ્યૂએશન સાર્થક હોય. એવું નહિ કે, હવે જરા ગૅપ પડ્યો છે, એટલે વચમાં એક ગીત મૂકી દઇએ. આ ફિલ્મના ૪-૫ ગીતો જ હોવા છતાં, એક વખત વાર્તા કસોકસ જામવા માંડી, એટલે ગીતો-ફીતો બંધ. પ્રેક્ષકોની લિન્ક તૂટી જાય. નૉર્મલી, એમની ફિલ્મોમાં આઉટડોર શૂટિંગ જવલ્લે જ હોય, પણ અહીં વાર્તાનુસાર, કશ્મિરના પહેલગામ અને સોનમર્ગના બહારી દ્રષ્યો એમને બખૂબી ફિલ્માવ્યા છે.આ બન્ને સ્થળોએ જઇ આવનારાઓ સાથે બેસીને તો ફિલમ જોવાય પણ નહિ, નહિ તો વાતે વાતે, ‘‘એ... આ પેલું ઝરણું... યાદ છે... આપણે અહીં ગયેલા... તારી ભાભીનો પગ લપસી પડેલોઓઓઓઓ....! ઓહ... આ બ્રીજ ઉપર તો આપણે કેટલા બધા ફોટા પડાવેલા....!... ને છેલ્લો ફોટો પાડી લીધા પછી હાથમાંથી કૅમેરો નીચે નદીમાં પડી ગયેલો... યાદ છે ને ?’’

ફિલ્મના બાકીના કલાકારો મેહમાન કલાકારો જેવા છે. એકાદ મિનીટ આવીને વયા જાય. સાઉથની સૅક્સ બૉમ્બ ખુશ્બુ આ ફિલ્મમાં ચાઇલ્ડ-આર્ટિસ્ટ છે... ‘ઍ ચાઇલ્ડ-બૉમ્બ.’ આપણા અરૂણાબેન ઇરાની, દેવેનભાઈ વર્મા જેવા પ્યૉર ગુજરાતીઓ ઉપરાંત એ.કે. હંગલ કે ઓમ શિવપુરી તો મેહનત કરો તો આજે ય યાદ આવી જાય, એવા જાણિતા નામો છે, પણ ૠષિ દાની ફિલ્મોમાં ઍક્ટરોની એક ચોક્કસ ટીમ રહેતી. વિજય શર્મા બધાને યાદ નહિ આવે. પણ જયા ભાદુરીની ‘મિલી’માં એ એનો લશ્કરી ભાઇ થતો હતો. આજકાલની ફિલ્મોમાં રાક્ષસ જેવા દેખાવા માંડેલા ગોગા કપૂર અને અંજન શ્રીવાસ્તવ આમાં ઘ્યાનથી જુઓ તો માણસો જેવા લાગે છે. 

ૠષિકેશ મુકર્જીની ફિલ્મોમાં નિર્બંધપણે એક નોકર હોય જ અને એનું નામ ‘રધુકાકા’ જ હોય. એ જમાનામાં વખણાયેલી કરતા જરા વગોવાયેલી વૅમ્પ શીતલને આ ફિલ્મમાં મીટી રોલ મળ્યો છે-બન્ને બચ્ચનોની પ્રેમિકા અને દેવેન વર્માની વાઇફ બનવાનો. (બોલો....એક ભવમાં તત્તણ ભવો...? આ આર્યનારીને શોભે છે ? જવાબ : જરીકે નથી શોભતું. જવાબ પૂરો) ૠષિ દાએ આ ફિલ્મ તેમના જીગરી બંગાલી દોસ્ત અને બંગાલના આજ સુધીના સર્વોત્તમ લોકપ્રિય અભિનેતા સ્વ. ઉત્તમકુમારને અર્પણ કરી છે. ઉત્તમ દા ને તમે હિંદી ફિલ્મો ‘છોટી સી મુલાકાત’ (વૈજ્યંતિમાલા) અને ‘અમાનુષ’ (શર્મિલા ટાગોર)માં જોયા છે. 

ફિલ્મ ૠષિ દા ની હોય, એટલે એનું હ્યૂમર પણ ટીપીકલ બેંગોલી-બ્રાન્ડનું હોય... (એટલે કે, સારૂં હોય !) કાશ્મિરના પહેલગામમાં બચ્ચન અને વિનોદ મેહરા પહેલી વાર રાખી ગુલઝારને જુએ છે, ત્યારે બન્ને વચ્ચે શરત લાગે છે કે, ‘આ છોકરી ગુજરાતની છે કે યુ.પી.ની ? મેહરા પકડી રાખે છે કે, એ ગુજરાતની જ છે, ત્યારે બચ્ચન જરા કટાણા મોંથી કહે છે,’ ‘‘ઐસી નશીલી ચાલ વાલી લડકી ગુજરાત કી તો હો હી નહિ સકતી... વહાં પર તો દારૂબંધી હૈ !’’

ફિલ્મના સંગીતમાં આપણે કાંઇ કમાવા જેવું નથી. એકે ય ગીતમાં ઠેકાણાં નથી. The rise and fall of RD Burman નામનું કોઇ પુસ્તક લખવાની તમે તૈયારી કરી રહ્યા હો, તો પહેલા ચૅપ્ટરમાં જ ખાસ લખજો કે, લોભીયાની માફક જ્યાં ને ત્યાંથી પૈસા, પૈસા ને પૈસા ફેણી લેવા જતા આર.ડી. બર્મન મૃત્યુ સુધીમાં ઘણું બઘું ગૂમાવી બેઠા હતા. એના પિતાશ્રી સચિનદેવ બર્મન સાથે સરખામણી કરી લેવા જેવી છે. એક જમાનામાં, બર્મન દા પાસે પોતાની ફિલ્મમાં સંગીત અપાવવા માટે નિર્માતાને રીતસર છટકું ગોઠવીને ચમચાગીરી કરવા જવું પડતું ને તો ય દાદા હા જ પાડશે, એની કોઇ ગૅરન્ટી નહિ. બહુ બધાને પેલી જાણિતી વાત ખબર છે કે, દાદા કોલકાતામાં ફૂટબૉલની મૅચ હોય ત્યારે મુંબઇમાં હોય જ નહિ. મુંબઇના નિર્માતાને જર્મન-સિલ્વરની ચોરસ પેટીમાં દાદાની મનગમતી જાફરાની પત્તીના પાન સાથે લઇ જઇને સીધા ઇડન ગાર્ડન્સ પહોંચીને દાદાને શોધવા મંડી પડવાનું. મળે એટલે પાનની પેટી ધરી દેવાની. મૅચ પૂરી થાય ને મોહન બગાન જીત્યું હોય તો નિર્માતા અડધી મૅચ જીતી ગયો કહેવાય. દાદા બગીચામાં જઇને રજનીગંધાના ફૂલો ચૂંટવાના આદી હતા, જ્યારે એમનો સુપુત્ર એ હાલતે પહોંચી ગયેલો કે, વહેલી પરોઢે કચરાવાળીઓ રસ્તા પરથી કાગળના જે ડૂચા મળે, તે ટોપલામાં નાંખતા જવાનું, એવા વલખાં મારીને હાથમાં જે ફિલ્મ આવે, તે લઇ જ લેવાની. ગીતોની ક્વૉલિટી કે કન્સિસ્ટૅન્સી (ગુણવત્તા અને સાતત્ય) ક્યાંથી જળવાય ? જે માણસે હિંદી ફિલ્મ-સંગીતમાં જબરદસ્ત ક્રાંતિઓ આણી, તે સૂર-તાલને બદલે ગમે ત્યાંથી-મળે ત્યાંથી પૈસા ભેગા કરવાની લાલચ પર ચઢી ગયો. તમે એના ગમે તેટલા ડાય-હાર્ડ ફૅન હો, થોડી ગણત્રી કરી જુઓ, બઘું મળીને રાહુલદેવ બર્મને ૩૩૧-ફિલ્મોમાં સંગીત આપ્યું. એક ફિલ્મમાં સરેરાશ ફક્ત પાંચ જ ગીતો ગણીએ તો ૧૫૦૦-ગીતો થયા. પ્રામાણિકતાથી જવાબ આપો, આ ૧૫૦૦-માંથી કેટલા ગીતો ઈવન, તમારા જેવા ફૅનને પણ યાદ છે ? હજી કાંઇ બાકી રહી જતું હોય, તેમ પાંચ હિંદી-મરાઠી ટીવી સીરિયલોનું સંગીત તો જુદૂં. નૉન-ફિલ્મી આલ્બમો નહિ ગણવાના....? ઈવન, આ જ ફિલ્મ ‘બેમિસાલ’ના ચાર જ છતાં ક્યું ગીત તમે ગુનગુનાવો છો ?... જો એકે ય યાદ હોય તો ! એને ગીત કહેવાય કે, ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની હૅડલાઇન, એવો છણકો આર.ડી. એ ખુદ ગુલઝારને કર્યો હતો, ‘મેરા કુછ સામાન લૌટા દો...’ ગીત લખીને કવિ આવ્યા ત્યારે...! અને છતાં ય, એવું ગીત આર.ડી.એ બનાવ્યું ય ખરૂં ! શું કામ ભ’ઈ ? બજારમાં આવો માલસામાન આવવા માંડે, ત્યારે ગ્રાહકોમાં ય થોડી અક્કલ તો હોય, માલ પરખવાની. ‘છોટે નવાબ’, ‘અમર પ્રેમ,’ ‘કટી પતંગ’ કે ‘આપકી કસમ’ જેવી ફિલ્મોમાં ભગવાન શંકરને પણ મજ્જા પડી જાય, એવું સંગીત આપનાર આ મહાન સંગીતકારને છેલ્લે છેલ્લે તો ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ અને જે તે ઘટીયા ફિલ્મોમાં બહુ વ્યાજબી ભાવે (ગ્રાહકને પોસાય એટલા ભાવે) સંગીત આપવાની તૈયારી બતાવનાર ‘પંચમ દા’ ઉર્ફે રાહુલદેવ બર્મનના સંગીતને કમનસીબે, ફિલ્મ ‘બેમિસાલ’નું એક માત્ર કલંક કહેવું પડે, તે એક જમાનાના એના મારા જેવા ચુસ્ત ફૅન માટે બહુ આકરૂં પડે છે !

(દેવ આનંદના મૃત્યુ સાથે આ કૉલમનો કેવો દર્દનાક યોગાનુયોગ જોડાયો ! રૅર કહી શકાય, એવી ત્રણ ફિલ્મો ‘સરહદ,’ ‘મંઝિલ’ અને ‘શરાબી’ની સીડીઓ માટે આખા ગામમાં ને ગામની બહારે ય તપાસો કરી.. ન મળી, ત્યારે જામનગરના શ્રી ચંદુભાઈ બારદાનવાલાએ કાચી સેકંડમાં એ મોકલાવી આપી, એટલે ‘ફિલ્મ ઇન્ડિયા’ માટે અનાયાસે જ એ ત્રણે ફિલ્મો વિશે લખીને મુંબઇ મોકલાવી દીઘું, ત્યારે કલ્પના ય નહોતી કે, ત્રણે લેખો છપાશે, ત્યારે સ્વ. દેવ સાહેબ ત્રણ સપ્તાહ જૂનાં થઇ ગયા હશે. ઉપરોક્ત લેખો લખાયા, ત્યારે તેઓ જીવિત હતા.)

23/12/2011

શરાબી (’૬૪)

ફિલ્મ : શરાબી (’૬૪) 
દિગ્દર્શક : રાજ ૠષિ 
સંગીત : મદન મોહન 
ગીતો : રાજેન્દ્ર કૃષ્ણ 
ફિલ્મની લંબાઇ : ૧૬-રીલ્સ
થીયેટર (અમદાવાદ): લાઇટ હાઉસ
કલાકારો : દેવ આનંદ, મઘુબાલા, રાધાકિશન, લલિતા પવાર, બદ્રીપ્રસાદ, ડૅઝી ઇરાની, રામ મોહન, રાજનાથ, રતન ગૌરાંગ, શાર્દુલ, અને રવિકાંત 

ગીતો
૧. ચાંદ કી ચાલ ભી હૈ બહેકી હુઇ....સાવન કે મહિને મેં.....મુહમ્મદ રફી

૨. જાઓ જી જાઓ, દેખે હૈં બડે, તુમ જૈસે ચોર લૂટેરે....આશા ભોંસલે-રફી
૩. તુમ હો હંસિ કહાં કે, હમ ચાંદ આસમા કે....આશા ભોંસલે-રફી
૪. સોચતા હૂં પિયું, પિયું ન પિયું...સાવન કે મહિને મેં-ભાગ-૨...મુહમ્મદ રફી
૫. મુઝે લે ચલો, આજ ફિર ઉસ ગલી મેં, જહાં પહેલે પહેલે.....મુહમ્મદ રફી
૬. સાવન કે મહિને મેં, એક આગ સી સીને મેં ભાગ-૩.....મુહમ્મદ રફી
૭. કભી ન કભી, કહીં ન કહીં, કોઇ ન કોઇ તો આયેગા...મુહમ્મદ રફી
૮. દો દો હાથ, દો દો પાંવ, કામ જો લેગા ઇન ચારોં સે...મુહમ્મદ રફી

મઘુબાલા સરીખી હિંદી ફિલ્મોની આજ સુધીની અપ્રતિમ સુંદર સ્ત્રી સાથે, એની બરોબરીમાં ઇક્વલ ઊભો રહી શકે એવો હૅન્ડસમ હીરો તો એકમાત્ર દેવ આનંદ જ હતો. મારો આ અંગત મત મારી પાસે જ રાખું છું, છતાં તમારી જીદમાં જરા ઢીલા પડવું હોય તો એ બન્નેની ફિલ્મ ‘કાલા પાની’ જોઇ લેજો.... કોણ વધારે મનમોહક લાગે છે, એની ચર્ચાઓ નડિયાદથી નાયગ્રા (... અથવા વાયગ્રા) સુધી ચાલશે. અભિનયમાં તમને છુટ છે, મઘુની સાથે તમે દિલીપકુમાર મૂકો કે રાજ કપૂરને.... આપણી વચ્ચે કોઈ ઝગડો નથી, પણ ધારીયા ઉછળશે-ખાસ ખાડિયામાં બનેલા... જો ભૂલેચૂકે ય મઘુબાલાની નાનકડી સરખામણી ભારત ભૂષણ કે પ્રદીપકુમાર સાથે કરી છે તો ! ઍક્ટિંગ હોય કે દેખાવ... આ લોકોને શી લેવા-દેવા ? પ્રદીપકુમાર તો મઘુ સાથે રાજમહેલના શાહી રથમાં બેઠો હોય કે ભાડાની સાયકલ ઉપર, એને કોઇ ફરક પડવાનો નથી. ભારત ભૂષણ તમારા મઘુભાભી સાથે ફિલ્મનું રૉમેન્ટિક ગાણું ગાય કે જૈન-સ્તવન, આપણે ‘જય જીનેન્દ્ર’ બોલીને ઊભા જ થઈ જવાનું હોય... બાકી તો મઘુબાલાના ફાધર અતાઉલ્લા ખાનમાં ય પઇની અક્કલ નહિ કે, ફક્ત પૈસા ખાતર એ મઘુને, રોંગ-પાર્કિંગમાં ગૅરેજની બહાર ગોઠવેલા રોડ-રોલર જેવા પ્રેમનાથ સાથે ય ફિલ્મો તો કરવા દીધી, પણ પ્રેમનાથનો ફિલ્મી સિક્કો ચાલતો હતો, ત્યાં સુધી મઘુબાલા-પ્રેમનાથના પ્રેમ-પ્રકરણનો ય કોઇ ઉઘાડેછોગ વાંધો ન લીધો. અરે વાત ટૂંકાવો ભ’ઈ, આપણી આંખે એવા તે ક્યા પાપો કર્યા’તા કે, આવી અપ્સરાને આપણે બારમાસી વિલન સજ્જન સાથે કે દિલીપકુમારના નિષ્ફળ ભાઈ નાસિરખાન સાથે ય હીરોઇન તરીકે જોવી પડતી હતી.... બા કેવા ખીજાતા, એ તો તમને આવતાં અંકે કહીશ !

પણ દેવ આનંદ સાથે મઘુ આવે, એટલે બારે મહિનાનો ગુસ્સો ઉતરી જાય. કોઇ ફાલતુ નિર્માતા-દિગ્દર્શકોથી બનેલી આ ઘણી સારી ફિલ્મ ‘શરાબી’ જેટલી કોઇ યાદ રહી ગઇ છે આપણને બધાને, એના દિલડોલ સંગીતને કારણે, પણ એ તો સાંભળવાના કામમાં આવે, બાકી જોવા માટે ય આ બન્ને સાથે હોય તો ખર્ચો ખોટો નહિ ! સુઉં કિયો છો ? એમાં ય, દેવ આનંદ તો પાછો ગરીબ શરાબી બતાવ્યો છે, એટલે પહેરી પહેરીને કેવા કપડાં પહેરે ? શૂટ-બૂટ તો હોય નહિ ! અને છતાં ય, કપડાંની પસંદગીમાં ય એની એક સ્ટાઇલ હતી. આજે તો હસવું આવે એ જમાનાના પહોળા-પહોળા પાટલૂનો, ને એની ઉપર કાળો પટ્‌ટો, શૂઝ પહેર્યા હોય તો ય પાટલૂન જમીનને કદી ન અડે ને હીરો સારા ઘરનો બતાવવાનો હોય તો, આડી લિટીઓ કે ચોકડાંવાળું શર્ટ, જે દુનિયાભરના ગમે તે રંગો છાંટીને પહેર્યું હોય, દેખાવાનું તો બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ જ.

ઓહ યસ. એ દિવસોમાં તો હજી આ ધરમદેવ પિશોરીમલ આનંદમાં ટૅબલ-ફૅનની માફક ડોકી ધુમાય-ધુમાય કરવાની કે આંખો ઝીણી કરવાની ‘સ્ટાઇલો’ આવી નહોતી ને દિલીપકુમાર અને રાજકુમારની જેમ શર્ટના ગળા અને હાથના કાંડા સુધીના શર્ટ દેવ આનંદની હબખે ચઢ્‌યા હજી નહોતા. એટલે ક્યાંક તો એ સફેદ લેંઘા-ઝભ્ભામાં ય દેખાણો છે.

મઘુબાલાને બહુ સિમ્પલ બતાવી છે, એ પ્રમાણમાં પૈસાદાર બાપની ‘‘ઇકલૌતી બેટી’’ હોવા છતાં ! પણ એના મુક્ત સ્માઇલોના હૂલ્લડો અહીં પણ ફાટી નીકળ્યા છે. દેવ આનંદના ખાલી જગ્યાવાળા દાંત અને મઘુનું હજાર રૂપિયે સૅન્ટીમીટરવાળું ખડખડાટ હાસ્ય.... મોંઘવારી બહુ વધી ગઇ કહેવાય, નહિ ?

આ કપડાં-ફપડાંના વર્ણનો વાંચીને કેટલાકને ઝાટકા વાગી શકે કે, ફિલ્મોના પરિચય-લેખોમાં બહુ બહુ તો ફિલ્મોના અવલોકન કરો, ઍક્ટિંગની વાતો કરો.... આ બઘું શું કે, દેવ આનંદની ચાલ કેવી હતી કે કપડાં કેવા પહેરતો હતો ! એ શૅક્સપિરિયન વાચકોને એટલું જ કહેવાનું કે, આ કૉલમ ‘ફિલ્મ ઇન્ડિયા’માં ઘ્યાન એ વાતનું રખાય છે કે, એ ’૫૦ કે ’૬૦-ના દાયકાઓમાં આપણી ફૂલગુલાબી જુવાનીઓમાં આપણે ફિલ્મો ક્યા ઍન્ગલથી જોતા હતા ! એ વખતે ‘કોરિયોગ્રાફી’ શબ્દ ય સાંભળ્યો નહતો, એટલે ‘નાચગાના’ બોલી નાંખતા. ‘સન-ઍન્ડ-સૅન્ડ’ જેવી હોટલમાં હીરો જાય તો ત્યાં કેવા કપડાં પહેરાય કે ઝાડ ભલે થોરનું હોય, એની બાજુમાં હીરોઇનને બેસાડ્યા પછી આપણે કેવા પોશ્ચરમાં બેસાય ને શું શું બોલાય ને શું ના બોલાય, એ બઘું શીખવાની ઉંમરો હતી. આજે પણ આપણા હરએકમાં ક્યાંક ને ક્યાંક ભલે બુઢ્‌ઢો તો બુઢ્‌ઢો રાજેન્દ્રકુમાર પડ્યો છે, દિલીપકુમાર પડ્યો છે કે શશી કપૂર પડ્યો છે... કે ચલો ભ’ઇ, એક જમાનામાં કોઇ આપણને ડાબી બાજુથી થોડા દૂરથી જુએ, તો ક્યાંક આપણો કાન શમ્મી કપૂર જેવો ને ખભા દેવ આનંદ જેવા લાગતા હતા. આ ફિલ્મ ‘શરાબી’માં દેવ આનંદ ‘જાઓજી જાઓ, દેખે હૈં બડે...’  એ આશા-રફીના યુગલ ગીતમાં આડી લાઈનોવાળું બહુ સુંદર શર્ટ પહેરે છે, તે મને આજે ય સિવડાવી લેવાનું મન થયું છે... આ પ્રભાવ હતો, મારી ઉંમરના એ દિવસોના જુવાનો ઉપર એ લોકોનો, માટે એવા સંસ્મરણોની વાતો પણ આ કૉલમમાં લખીએ છીએ. મને દેવ આનંદ વધારે ગમે એનું એક કારણ એ પણ ખરૂં કે, મારા સ્વર્ગસ્થ પિતા અને દેવ આનંદ બિલકુલ સરખી ઉંમરના....! કાકા માટે અહોભાવ હજી એટલા માટે થાય કે, આજે એને જન્મે ૩૨,૧૯૬-દિવસો (૮૮.૧૭ વર્ષો) પછી પણ એણે પોતે જુવાની છોડી નથી. પૉઝિટિવ થિન્કિંગનો એ સ્માર્ટ વિદ્યાર્થી છે.

એક ઍક્ટર તરીકે કમનસીબે ‘હરે રામા હરે ક્રિશ્ના’ પછી એણે પોતે એનું સત્વ ખોઇ નાંખ્યું, પણ આપણા જમાનાની એ બ્લૅક-ઍન્ડ-વ્હાઈટ ફિલ્મોમાં એની અભિનયક્ષમતા પણ કોઇનાથી ઉતરતી નહોતી, એનો પરમ દાખલો આ ફિલ્મ ‘શરાબી’માં જોવા મળશે. ફિલ્મ તો બહુ સરસ છે, પણ અદાકાર તરીકે દેવ પૂરો ખીલ્યો છે.

કેશવ (દેવ) અને કમલા (મઘુ) વચ્ચે પ્રેમ હોવા છતાં-બન્નેના અનુક્રમે માતા (લલિતા પવાર) અને પિતા (બદ્રીપ્રસાદ) રાજી હોવા છતાં લગ્ન એટલા માટે રોકાઇ ગયા હતા કે, કેશવ ગરીબ હોવા છતાં રોજ ચિક્કાર ઢીંચતો હતો અને છોડવાનું નામ લેતો નહતો. એમાં ને એમાં બાપ ગૂજરી ગયા, ત્યારે માતાના આક્રોશ સામે નમતું જોખીને એણે શરાબ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી. એ સાચ્ચે જ આવી પ્રતિજ્ઞા પાળી બતાવે, તો જ દીકરીનો હાથ કેશવના હાથમાં આપવાની કમલાના પપ્પાની જીદ. કમનસીબે, દરેક શરાબીઓને થાય છે તેમ, એકવાર છોડ્યા પછી બીજો ઝટકો આવતો જ હોય છે, તેમ કેશવ પણ અકસ્માતે ફરી શરાબી બની જાય છે પણ એ ભૂલનો એહસાસ થતા ફરી નહિ પીવાની નવી પ્રતિજ્ઞા પણ લઇ લે છે.

૨૦મી ફેબ્રુઆરી, ૧૯૫૮-ના રોજ બન્નેના લગ્નની તારીખ નક્કી થાય છે, પણ દારૂડીયા દોસ્ત શંકર (રાધાકિશન)ની અસરમાં કેશવ ફરી પાછો પીવા ઉપર ચઢી જતા ૧૬ ફેબ્રુઆરી, ૧૯૫૮-ના રોજ મઘુબાલાના ફાધર આ મૅરેજ ફક્ત ફોક જ નથી કરાવતા, મરતા પહેલા મઘુ પાસેથી પ્રોમિસ લઈ લે છે કે, એણે દેવ સિવાય ગમે તે આલીયા-માલીયા સાથે પરણવાનું.... (... એમ કરતા ય ડોહો શ્વાસ છોડતો હોય તો ભલે, કહીને!) મઘુ પિતા કી આજ્ઞા સ્વીકારી લે છે. આ બઘું જાણ્યા પછી દેવને મોટો આઘાત લાગતા નવેસરથી પીવાનું બહાનું મળી જાય છે ને ચિક્કાર પીવા માંડે છે. ફિલ્મ પૂરી થતા સુધીમાં તો દેવ સુધરવાનો જ છે, એટલી મઘુબાલાને ખબર એટલે પોતાનો આલિશાન બંગલો છોડીને દેવના ગરીબ મકાનમાં રહેવા જ આવી જાય છે. દેવ તો એને સ્વીકારતો નથી કે, પહેલા મને શું કામ છોડ્યો હતો ? છેવટે શરાબના નશામાં, જ્યાં દેવ નોકરી કરતો હતો તે કોલસાની ખાણમાં એની ભૂલથી મોટો બ્લાસ્ટ થાય છે ને ઘણા મજૂરો મરી જાય છે અને મજૂરણ તરીકે કામ કરતી તેની માં (લલિતા પવાર) પણ બન્ને પગ ગૂમાવી દે છે. પસ્તાવો અને પિક્ચર પૂરૂં. જૂની ફિલ્મોના શોખિનો માટે એ જમાનાના મશહૂર કૉમેડીયન/વિલન રાધાકિશન બહુ પ્રેમભર્યું નામ છે. ‘રામરામરામ...’ એનો તકીયા-કલામ. દેવનો માનીતો હોવાથી એની સાથે કોઇ ૪-૫ ફિલ્મોમાં આવ્યો હતો. રાધાકિશને એના બિલ્ડિંગની અગાસી ઉપર ચઢીને નીચે પડીને આત્મહત્યા કરી હતી... કેમ કરી હતી, તે બહાર આવ્યું નહિ.

આ ફિલ્મનું નામ ‘શરાબી,’ એટલે ડાયરેક્ટરે કોઇ સમજી વિચારીને જ ફિલ્મના ગીત-સંગીત અસલી જીંદગીના મશહૂર શરાબીઓ રાજેન્દ્ર કૃષ્ણ અને મદન મોહનને પીતા-પીતા સંગીત બનાવવાનું કામ સોંપ્યું. ગીતો એવા મઘુરા બન્યા છે કે, અહીં ચર્ચા તમારા ઉપર છોડીએ છીએ કે, બન્ને પીતા હતા માટે આટલું સુંદર કામ કર્યું કે, ‘છતાં’ આટલું સરસ સંગીત આપ્યું ? આપણે જવાબમાં ‘છતાં’ જ રાખવું પડશે કારણ કે, ફિલ્મનો હીરો દેવ આનંદ પોતે દારૂ પીતો નહતો. હજી બીજા ૫૦-વર્ષ સુધી યાદ રહી જાય એવા રફી સાહેબના આ ફિલ્મના ગીતો, પણ એ કદી પીતા નહોતા... છતાં, રફી સાહેબના કેવા ઉત્તમોત્તમ ગીતો બન્યા છે ! દેવ આનંદ અને રફી સાહેબ-બન્નેના ચાહકો માટે દુઃખની વાત એ છે કે, છેલ્લે છેલ્લે બન્ને વચ્ચે કોઈ મોટું મનદુઃખ થયું હતુ, તે શું હતું, તે કદી બહાર આવ્યું નહિ. એક ક્લીયર છે કે, ફિલ્મઇન્ડસ્ટ્રીમાં આ બે માણસો પરફૅક્ટ જૅન્ટલમૅનની છાપ ધરાવે છે. બેમાંથી કોઇ એકબીજા માટે નબળું કદી ય બોલ્યા નથી, પણ ફરિયાદ દેવ માટે કરવી જ પડે કે, એની આત્મકથામાં કૂતરાં-બિલાડા બધા માટે લખ્યું છે પણ મુહમ્મદ રફી સાહેબનો એકપણ વખત નામોલ્લેખ પણ નથી. બન્ને વચ્ચે વિવાદ ગમે તે હોઇ શકે, એક પ્રોફેશનલ તરીકે સ્વીકારવું તો પડે જ કે, મોટા ભાગના ઉત્તમોત્તમ ગીતો રફીએ ગાયા છે, તેમને આવી રીતે નીગ્લૅક્ટ કેવી રીતે કરી શકો ? 

18/12/2011

ઍનકાઉન્ટર : 18-12-2011

* વડીલો તો કહેતા, ‘પાપની જાહેરાત કરવી અને પૂણ્ય છુપું રાખવું’. આજે આ કથન કેટલું પ્રસ્તુત છે.
- વડીલો એ વખતે એ જ કહેતા’તા, જે આજે કહે છે. પાપ-પૂણ્ય આપણા નહિ. બીજાના માટે આ વાત કહેવાઈ છે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* ગાંધી-પરિવારના ફરજંદ એમની આ એક માત્ર લાયકાતથી શું ભારતના વડાપ્રધાન બની જશે ?
- એ એક માત્ર લાયકાત બાકીના ૧૦૦-કરોડને વડાપ્રધાન બનતા રોકી શકે એમ છે.
(અનિષા વ્યાસ, જામનગર)

* મેં અનેક કૂકિંગ-કલાસીસ ભર્યા, વાનગીના પુસ્તકો વાંચ્યા, છતાં મારી રસોઈ મારા પતિ વખાણતા નથી. શું કરૂં ?
- તમારી રસોઇના કોક બીજીના પતિ વખાણ કરે, એ ટ્રીક કોઈ ક્લાસ-બાસ ભર્યા વગર શીખી લેવી !
(હિના નાણાવટી, રાજકોટ)

* બૉમ્બ-વિસ્ફોટોના અનેક કોયડા ટીવી પરની ‘સીઆઈડી’ સીરિયલવાળાને તરત મળી જાય છે તો સરકારને કેમ નહિ ?
- હા, પણ એટલા માટે સરકાર ચલાવવા કાંઈ સીઆઈડીવાળાઓને ના અપાય!
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* સ્ત્રીઓ આખલાથી નથી બીતી, એટલી ગાયથી કેમ બીએ છે ?
- પુરૂષોથી શું બીવાનું ?... હંહ...!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* લગ્નને માંડવે સાસુ જમાઈનું નાક કેમ ખેંચે છે ?
- નાડું ના ખેંચાય એટલે.
(અનિલ દેસાઈ, નિયોલ- સુરત)

* માણસ મરી ગયા પછી ક્યાં જતો હશે ?
- ઓ બેન... હવે તો પૂછપરછ બંધ કરી, એને હખે મરવા તો દો ! હવે ક્યાં ખોટું બોલવાનો છે...?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* બૅન્કોમાં કમ્પ્યુટરોમાં પ્રોગ્રામ બદલે ત્યારે ઘણીવાર ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે.. તેનું શું ?
- તો ય ખાતું દરજીની દુકાનમાં કે અંધજન મંડળમાં ન ખોલાવાય !
(મઘુરી આઈ. લાકડાવાલા, સુરત)

* લોકોને મઘુબાલા આટલી બધી ગમતી હતી, તો ઈશ્વરે ગામેગામ આવી ૮-૧૦ મઘુબાલા સર્જી હોત તો ?
- એ તો બરાબર છે, પણ ગામે-ગામ આટલા બધા અશોક દવેઓ ક્યાંથી લાવવા?
(મીના નાણાવટી, રાજકોટ)

* આટઆટલા સીસીટીવીઓ મૂકવા છતાં ચોર-આતંકવાદીઓ પકડાતા કેમ નથી ?
- પોલીસનો મંત્ર છે, ‘પકડા-પકડી ત્યાં નહિ પરમેશ્વર’.
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

* અંગ્રેજીથી પ્રભાવિત લોકો ‘રામ’નું ‘રામા’, ‘શિવ’નું ‘શિવા’ કે ‘યોગ’નું ‘યોગા’ બોલે છે... કેમ ‘ગૉડ’નું ‘ગૉડા’, ‘વૂમન’નું ‘વૂમના’ કે ‘ફાધર’નું ‘ફાધરા’ નથી બોલતા ?
- એવું એમનું ‘હાર્ટા’ નથી માટે.
(નેહલ પટેલ, અમદાવાદ)

* અન્ના હજારેના ઉપવાસનો મતલબ ?
- નવા ઉપવાસનું રીહર્સલ.
(જીનલ/ભવ્યા/ધવલ, અંકેવાળીયા- લીમડી)

* બિરબલના સમયમાં તમે હોત તો ?
- બિરબલ આટલું ફાલતુ લખતો’તો ?
(વિજય ભોગી, મુંબઈ)

* સામેથી આવતા યુવાનને જોઈને યુવતી નીચું કેમ જોઈ જાય છે ?
- કઈ કમાણી ઉપર મોઢું બતાવવું ?
(જયેશ ટી. પંડ્યા, સાણંદ)

* સ્વ. જ્યોતીન્દ્ર દવે તમારા શું સગા થાય ?
- મળવાનું થશે, ત્યારે પૂછી જોઈશ.
(એ.કે. પરમાર, વડોદરા)

* ભેંસ કાળી હોવા છતાં દૂધ સફેદ કેમ આપે છે ?
- ના આલે તો ભેંસની બા ખીજાય !
(અવંતિકા એ. ગજ્જર, પાલણનગર- જી. સુરત)

* ભગવાનને કોણે બનાવ્યા ?
- એમની બાએ.
(જયંત, રાજકોટ)

* રાખી સાવંત જેવી હલકા સ્તરની હીરોઈનોને ટીવીવાળા આટલું મહત્ત્વ કેમ આપે છે ?
- બીજી કઈ તમને સારી લાગી ?
(મુસ્તફા વાય. ત્રવાડી, પોરબંદર)

* આટઆટલા બૉમ્બ-બ્લાસ્ટ્‌સ છતાં ક્યાંય ચૅકિંગમાં ગંભીરતા કેમ નથી દેખાતી ?
- ગંભીરતા તો સીસીટીવી-કૅમેરામાં ય નથી પકડાતી, બોલો !
(પ્રેરક બ્રહ્મભટ્ટ, અમદાવાદ)

* ‘ગુપ્તચર વિભાગ’. આ ગુપ્તચર એટલે શું ?
- ગુપ્ત રહી ચરી આવે એ.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* ગરીબ મંદિરની બહાર અને ધનવાન મંદિરની અંદર ભીખ માંગે છે. આ સિવાય બન્ને વચ્ચે કોઈ ફરક ખરો ?
- હાલમાં તમે ક્યાં ઊભા છો, એ જણાવો તો ખબર પડે !
(ચેતન ઈન્દ્રવદન શાહ, ઝનોર, જી. ભરૂચ)

* ધર્મની બહેન વાસ્તવમાં બહેન નથી હોતી. ધર્મનો ભાઈ ભાઈ નથી હોતો... ધર્મપત્ની...??
- એમાં ‘ધરમ’ નથી હોતો.. ખાલી ‘હેમા’ જ હોય છે !
(દિવ્યા રામનાથન, વડોદરા)

* સવાલોના જવાબો આપી આપીને તમે કંટાળતા નથી ?
- મારા લગ્નને ૩૫- વર્ષ થયા.
(કિંજલ એ. મોદી, પાટણ)

* આપણે કોઈનાથી ડર્યા વગર શાંતિથી લાંચ ક્યારે લઈ શકીશું ?
- હા... પણ એ શું સારૂં લાગશે ?
(સાત્વિક/હર્ષા/ભરત, ગાંધીનગર)

* સરકારને આવેદનપત્ર અપાય, પછી એનું શું થશે ?
- ઓફિસમાં ગોટા-પકોડા ખાઈ લીધા પછી ટેબલ લૂછવાનું ય નહિ ?
(અંકિત ગજાનનભાઈ ત્રિવેદી, મોડાસા)

* પ્રભુ શ્રીરામ વનમાં ગયા, ત્યારે ભરતે એમની પાદુકાને પ્રભુ ગણીને રાજ્ય કર્યું હતું... સોનિયા હમણાં પરદેશ ગયા ત્યારે...?
- ત્યારે ડૉ. મનમોહનજી ફક્ત ‘નાઈકી’ના શૂઝ પહેરતા હતા !
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ- તા. બાયડ)

16/12/2011

‘મંઝિલ’ (’૬૦)


ગીતો

૧. યાદ આ ગઈ, વો નશીલી નિગાહેં, યારો થામ લેના. હેમંતકુમાર
૨. યાદ આ ગઈ વો, નશીલી નિગાહેં, યારો થામ લેના. (કરૂણ) હેમંતકુમાર
૩. ચુપકે સે મિલે, પ્યાસે પ્યાસે કુછ હમ, કુછ તુમ ગીતા દત્ત- રફી
૪. અય કાશ ચલતે મિલકે, યે તીનો રાહી દિલ કે આશા- મન્ના ડે
૫. અરે હટો, કાહે કો જુઠી, બનાઓ બતીયાં મન્ના ડે
૬. હમદમ સે ગયે, હમદમ કી કસમ, હમદમ ન મિલા મન્ના ડે
૭. દિલ તો હૈ દિવાના ના, માનેગા બહાના ના આશા ભોંસલે- રફી
૮. અબ કીસે પતા કલ હો ક્યા, દિલ ભી દિયા તો મન્ના ડે





ફિલ્મ : ‘મંઝિલ’ (’૬૦)
નિર્માતા : કલ્પના પિક્ચર્સ
નિર્દેશક : મંડી બર્મન
લેખક : વ્રજેન્દ્ર ગૌડ
સંગીત : સચિનદેવ બર્મન
કલાકારો : દેવ આનંદ, નૂતન, કે. એન. સિંઘ, અચલા સચદેવ, મનમોહન કૃષ્ણ, પ્રતિમા દેવી, કૃષ્ણ ધવન, મુમતાઝ બેગમ, બદ્રીપ્રસાદ, એસ. કે. પ્રેમ, ઝેબુન્નિસા, ડેવિડ અબ્રાહમ, મઘુ, શીલા વાઝ, કુંદન અને મેહમુદ.


એ જમાનો, એટલે સમજો ને લગભગ ’૬૦ના દાયકામાં પણ અમદાવાદ શહેરની સરહદ ભદ્રના લાલ દરવાજાથી આગળ જતી નહોતી. ત્યાં જ શહેર પૂરું થઈ જતું હતું. ગુજરાત કોલેજની આસપાસ ગણ્યા ગાંઠ્યા બંગલાઓ હતા. સમય એવો હતો કે, આપણી પાસે ક્રિકેટ અને ફિલ્મો સિવાય બીજું કોઈ એન્ટરટેઇન્મેન્ટ નહોતું. ગાડી તો જાવા દિયો, સ્કુટર હોવું એ લક્ઝરી ગણાતી. આજે તો કોઈના ગળે વાત પણ ન ઉતરે, પણ સ્ટેડિયમ પર એમ.સી.સી. કે વેસ્ટ ઇન્ડિઝની ટીમ સામે આપણી ત્રણ દિવસની મેચ હોય, ત્યારે લાલ દરવાજા પર દોરડા બાંધીને લાંબી લાઇનો લાગતી... આટલેથી આટલે જવા મ્યુનિ. બસોમાં ધસારો. આખા શહેરોમાં ધંધો કેમ જાણે સિનેમા પૂરતો જ ચાલતો હોય એમ થીયેટરો બધા લગભગ હાઉસફૂલ, એમ તો મારા પિતાજીની ઉંમરના લોકો એમ પણ કહી શકે કે, અમારા જમાનામાં બે આના કે ચાર આનાની ટિકિટ હતી સિનેમાઘરોમા, પણ ફ્રન્ટ બેન્ચ એટલે ‘‘રૂપિયાવાળી’’ની પ્રસિદ્ધિ આ ’૬૦ના દાયકાથી વઘુ થઈ. રૂા. ૧.૪૦ એટલે અપર સ્ટોલ્સ અન રૂા. ૧.૬૦ એટલે બાલ્કની. જમાનો એ રીતનો હતો કે ડિફરન્સ ૨૦ પૈસાનો જ હોવા છતાં પ્રેક્ષકોને અપરવાળી ન મળે તો જ બાલ્કનીની ટિકિટ લે. (થીયેટરમાં પણ...!)


થીયેટરો બહુધા હાઉસફૂલ રહેવા છતાં, રાજ- દિલીપ અને દેવની ફિલ્મો ભરચક જ હોય, છતાં ચોંકાવનારી વાત એ હતી કે, દેવઆનંદની ઘણી ફિલ્મો થીયેટરોમાં નિષ્ફળ ગઈ હતી. (એ તો પાછી એ જ ફિલ્મો ગાંધી રોડના મોડેલ થીયેટરમાં કે સિનેમા ડી ફ્રાન્સમાં રીપિટમાં આવે, ત્યારે ભરચક જતી.) એમાંની નિષ્ફળ જવા માટે જાણીતી થયેલી ત્રણેય ફિલ્મ ‘સરહદ’, ‘શરાબી’ અને આ ‘મંઝિલ’ આવી ત્યારે પ્રેક્ષકો ખેંચી લાવી નહોતી... અને આ ત્રણ તો રીપિટમાં ય ફેઇલ ગયેલી. ગીતોએ બેશક ઘૂમ મચાવેલી પણ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે નહિ... પાછળથી ગીતો જામવા માંડ્યા. ગીતો સાંભળવાનો સૉર્સ એક જ હતો- રેડિયો અને તે પણ રેડિયો સીલોન અને વિવિધ ભારતી. બપોરે ઑલ ઇન્ડિયા રેડિયો પણ ખરો. ‘બિનાકા’વાળા અમિન સાયાની અને રેડિયો સિલોનના એનાઉન્સરો વિજયાલક્ષ્મી ડિસોરમ, ગોપાલ શર્મા, દલવિરસિંહ પરમાર કે મનોહર મહાજન ફિલ્મી હસ્તિઓ જેટલા જ જાણીતા નામો હતા.


દેવ આનંદ અને નૂતનની કેમિસ્ટ્રી ન્યાયપૂર્ણ હતી એટલે બન્ને વચ્ચે થોડી પણ મહત્ત્વની ફિલ્મો આવી. આજે નવાઈઓ નહિ આઘાતો લાગે છે કે, આવા સિમ્પલ દ્રષ્યો સેન્સર બોર્ડ કાઢી નાંખતું હતું ? ફિલ્મનું નામ અત્યારે યાદ નથી આવતું પણ નૂતનને પોતાની સાયકલના દાંડા પર બેસાડીને દેવ આનંદ ગીત ગાય છે, એ સેન્સર બોર્ડને અશ્વ્લીલ લાગ્યું હતું ને ફિલ્મમાંથી એ વખતે કાઢી નાંખવું પડ્યું હતું. (આજે કંઈ પણ કમ્પૅર થાય એવું છે ?) નૂતન ફિલ્મી હોવા છતાં ભારતીય નારીનું પવિત્ર જીવન જીવી હતી. એના જીવનમાં કોઈ આડો સંબંધ નહિ. ચીપ પબ્લિસિટી ખાતર સંજીવકુમારે નૂતન સાથેની ફિલ્મ ‘દેવી’ના શુટિંગ દરમ્યાન પત્રકારો પાસે એવી હવા ચલાવી હતી કે, નૂતન અને સંજીવ પ્રેમમાં છે. બીજે દિવસે સેટ પર આવીને નૂતને પહેલું કામ સંજીવકુમારને બધાની વચ્ચે સણસણતો તમાચો મારવાનું કર્યું હતું. (ફિલ્મ ‘શોલે’ બની રહી હતી ત્યારે બેંગાલૂરૂની એક ફાઇવ સ્ટાર હોટેલમાં ફાયરબ્રાન્ડ લેખિકા શોભા ડેએ પણ સંજીવને આવી જ ટ્રીટમેન્ટ આપી હતી !)


નૂતનની પર્સનાલિટી જ એવી પવિત્ર હતી કે, કોઈ હીરો એની સાથે છૂટછાટ લઈ શકે એમ નહોતો. ઑન ધ કોન્ટ્રરી એના પતિ રજનીશ બહેલ માટે એ છડેચોક અભિમાન લઈને કહેતી ફરતી કે, ‘‘મને તો ફક્ત ભારતના લોકો જ ઓળખતા હશે, જ્યારે (રજનીશ બહેલ નેવીના મોટા પદાધિકારી હતા) એમણે લખેલા પુસ્તકો દુનિયાની અનેક યુનિવર્સિટીઓમાં પાઠ્ય પુસ્તકો તરીકે ઇવન આજે ય ચાલી રહ્યા છે. એ મારા પતિ છે એનું મને અભિમાન છે.’’ નૂતન અને તેની બહેન તનૂજા સ્વિત્ઝર્લેન્ડની સ્કૂલોમાં ભણીને ઇન્ડિયા આવી હતી. આ શિક્ષિત અને સંસ્કારી કુટુંબનો પુત્ર મોહનીશ બહેલ એક સજ્જન હોવાના કારણે અને બહુ સારો એક્ટર હોવા છતાં, ફિલ્મોમાં ચાલ્યો નહિ ને ટીવી પર પણ સામાન્ય રોલ કરે છે.


ફિલ્મની વાર્તા લખનાર વ્રજેન્દ્ર ગૌડ એટલે રાજેશ ખન્નાવાળી ફિલ્મ ‘આનંદ’ના ગીતો લખનાર ‘યોગેશ’ના મોટાભાઈ (અથવા ફર્સ્ટ કઝિન હતા !) યોગેશે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે એ જ્યારે ગીતકાર બનવા મુંબઈ આવ્યા, ત્યારે વ્રજેન્દ્ર ગૌડે એમની સામે ય જોયું નહોતું.... મદદ કરવાની વાત તો બહુ દૂરની છે !


ફિલ્મની વાર્તા જમાવટ કરે એવી ખાસ નહોતી. પણ નવાસવા દિગ્દર્શક મંડી બર્મનને ફિલ્મ બનાવવાનો કોઈ અનુભવ લાગતો નથી, એટલે અત્યંત ધીમી ગતિએ ફિલ્મ ચલાવી છે- દિગ્દર્શનના એક પણ ચમકારા વિના ફિલ્મ બહુ નહિ, જરા પણ ચાલી નહિ એનું એક કારણ નરીમાન એ. ઇરાનીની ઢંગધડા વગરની છબિકલા પણ હશે. અડધી ફિલ્મ રાતના અંધારામાં શૂટ કરી છે અને તે પણ નેચરલ લાઇટમાં, એટલે લવ-સ્ટોરીને બદલે આપણે તો કોઈ હોરર સ્ટોરી જોતા હોઈએ એવું લાગે. ફ્‌લેશ- લાઇટ્‌સ નહિ, રૂમમાં જે કોઈ રેગ્યુલર લાઇટો હળગતી હોય, એના અજવાળે ફિલમ જોવાની. વાર્તા સામાન્ય હતી છતાં સારા દિગ્દર્શકના હાથમાં આવી હોત તો ચમકારા બતાવી શકાત.


લંડનની રોયલ એકેડેમી ઓફ મ્યુઝિકમાં ભણી-ગણીને આવેલો કરોડપતિ રાજકુમાર મહેતા (દેવ આનંદ) તેના પિતા (કે. એન. સિંઘ), માતા (મુમતાઝ બેગમ) અને બહેન (અચલા સચદેવ) સાથે શિમલામાં રહે છે. સ્વાભાવિક છે, પિતા એને સિવિલ કન્સ્ટ્રક્શન્સના ફેમિલી- બિઝનેસમાં જોડાવા મજબૂર કરે છે, (આ બતાવે છે કે એના કરતા એના બાપામાં વધારે બુદ્ધિ હતી !) પણ ભાઈને સંગીતની દુનિયામાં નામ કમાવવું હતું. દેવ આનંદ તેની નાનપણની પ્રેમિકા જલંધરમાં ઉછરેલી પુષ્પા નાથ (નૂતન) સાથે પ્રેમ હોય છે. મહેતા સાહેબ (એના પિતા)ના મહેણાં- ટોણાં સાંભળીને દેવને ધંધાના વિકાસ માટે મુંબઈ જવાની ફરજ પડે છે. ડોહાએ એનો માનીતો પિયાનો વેચી નાખવાનો નિર્ણય જાહેર કર્યો હોવાથી દેવને ય શિમલામાંથી રસ ઊડી જાય છે. કહેવાય છે કે, હાલની સાસુઓ કરતા ભવિષ્યમાં બનનારી સાસુઓ વઘુ ડેન્જરસ હોય છે, એ ધોરણે પુષ્પીની મોમ એના ભાઈ મંગલ (બદ્રીપ્રસાદ)ને, મુંબઈ ગયેલા દેવ આનંદ ઉપર ચાંપતી નજર રાખવાનું કામ સોંપે છે. પેલો કામ પરફેક્ટ કરી બતાવે છે ને દેવ મુંબઈની એક વેશ્યા તીતલીબાઈ (ઝેબુન્નિસા)ની જાળમાં ફસાયેલો જોવા મળે છે. (આ બતાવે છે કે હાલના સાળાઓ કે ભાવિ સાળાઓ ઉપર કદી વિશ્વાસ કરવો નહિ... સાલાઓ ચાડીયા હોય છે !) પોતાના મામાની વાતોમાં વિશ્વાસ કરવાને બદલે પુષ્પી (નૂતન) સીધી મુંબઈ ઉપડે છે, પણ જાતે દેવ આનંદને પેલી સાથે જોઈ લે છે, એટલે ગુસ્સે થઈને પુષ્પી અંબાલાના લશ્કરી કેપ્ટન પ્રેમનાથ (કૃષ્ણ ધવન)ને પરણી જાય છે. (આજકાલ નહિ... એ જમાનામાં ય સ્ત્રીઓનો કોઈ ભરોસો હતો, ભા’આય...?) હકીકતમાં, જે જોયું એનો એને ભ્રમ હતો. પછી તો ગોરધન નૂતન- દેવના કહેવાતા લફરાથી ગીન્નાઈને દેવને ઠાર મારવા આવે છે, એમાં એક્સિડેન્ટલી પોતે જ કાળધર્મ પામી જાય છે ને પેલા બન્ને એક થાય છે.


ફિલ્મમાં મહેમૂદ નાના રોલમાં છે. મારી સમજ મુજબ, મહેમૂદ જેવો કોમેડીયન આજ સુધી હિંદી ફિલ્મોમાં થયો નથી. એક્ચ્યુઅલી, એ મિમિક હોવાને કારણે ફિલ્મે- ફિલ્મે અવનવા ગેટઅપ કે મેક-અપ, પાત્ર મુજબ એની બોલી તેમજ કેમેરા સામે સુંદર દેખાવાની કોઈ ઘેલછા ન હોવાને કારણે એ ઉત્તમ અભિનય કરી શકતો હતો. આ ફિલ્મમાં તે બનારસી પાનવાળો બન્યો છે, તો એ પરફેક્ટ પાનવાળો લાગે જ. તો કાયમ બુઢ્ઢી જ જોયેલી અચલા સચદેવ અહીં દેવની યુવાન બહેનના રોલમાં છે. કે. એન. સિંઘ તો દેવઆનંદનો ય બાપ હોવા છતાં આખી ફિલ્મમાં એને દબડાવતો ધમકાવતો અને ફટકારતો જ રહે છે... એ માણસ ક્યારેય સુધર્યો નહિ ! આખી ફિલ્મમાં ખુદ- હીરો હીરોઇનને જ કેમેરાનો એકે ય ક્લોઝ-અપ અપાયો ન હોવાથી બાકીના કલાકારો ય કોણ છે, એ જાણવા છતાં એમનું ફિલ્મમાં કોઈ કામ નથી.


કૉમિક એ વાતનું છે કે, ફિલ્મ શરુ થતાં જ કહી દેવામાં આવ્યું છે કે, ફિલ્મની વાર્તા ૧૯૨૯માં સિમલામાં બની છે. ગામ આખું જુવે છે કે ફિલ્મમાં ૧૯૨૯ના ગાળાનું નથી કોઇ બૅકગ્રાઉન્ડ કે નથી એ સાલ દર્શાવવાની કોઈ જરૂર. આઘાતોની હારોહાર હસવું પણ આવે કે, આખી ફિલ્મમાં દેવ આનંદને સૂટ પહેરાવી રાખ્યો છે, તે એટલે સુધી કે અડધી રાત્રે એ નૂતનની સાથે પોતાના બંગલાના કમ્પાઉન્ડમાં ‘ચૂપકે સે મિલે, પ્યાસે પ્યાસે...’ ગાવા ય સૂટ ઠઠાડીને કઈ કમાણી ઉપર આવે છ તે સમજાતું નથી. (કોઈ પંખો ચાલુ કરો !) આ ગીતમાં યુવાન રાહુલદેવ બર્મને મજાનું માઉથ ઓર્ગન વગાડ્યું છે, પણ ગીત દરમિયાન એ એકલું એકલું ય વાગતું રહે અને દેવ આનંદ મોઢામાં નાખીને વગાડે તો ય વાગતું રહે ! યે તો કમ્માલ હો ગયા, ના ? આવું દેવઆનંદના ગળા બાબતે પણ ચિંતા થાય એવું છે. એક ગીત ‘યાદ આ ગઈ, વો નશીલી નિગાહેં...’માં દેવના ગળામાં હેમંતકુમાર ફીટ થયા છે. પછીના ગીતમાં અચાનક મોહમ્મદ રફી આવી જાય છે (દિલ તો હૈ દીવાના ના...) અને હજી એ એક- બે દહાડા રહે ત્યાં સુધીમાં મન્ના ડે આવી જાય છે. (‘હમદમ સે ગયે’) રામ જાણે કઈ કમાલો થઈ ગઈ છે કે, દેવને છોડીને મન્નાદાનો અવાજ સીધો મહેમૂદના ગળામાં ધૂસી જાય છે... તારી ભલી થાય ચમના... દેવ આનંદને વધારાનું એક આશા ભોંસલેનું પ્લેબેક અપાવી દીઘું હોત તો બા થોડા ખીજાવાના હતા... ? આ તો એક વાત થાય છે...! (ફિલ્મના ટાઇટલ્સમાં ગાયકોના વિભાગમાં કોઈ મૃણાલ ચક્રવર્તીનું પણ નામ છે, પણ ફિલ્મના કયા ગીતમાં એનો કંઠ છે, તેની ખબર પડતી નથી.)


એક જરા દેવ આનંદના કોક જાલીમ ચાહકની ખેંચવા પૂરતી ગમ્મત કરી શકાય એવી છે. એને પૂછો, દેવ આનંદને આજ સુધીમાં કોણે કોણે પ્લેબેક આપ્યું ? નામ દેશે, રફી, કિશોર કે હેમંતનું ક્યારેક મન્ના ડે અને મૂકેશ અને હજી નવી કહી શકાય એમ હોવાથી ‘જ્વૅલ થીફ’માં ભૂપેન્દ્રનું નામે ય એને યાદ આવે. પણ હવે આપણી વચ્ચેની વાત કે, દેવ આનંદને સચિનદેવ બર્મને પણ પ્લેબૅક આપ્યું છે, ફિલ્મ ‘કાલાપાની’માં ‘દિલ લગા કે, કદર ગઈ પ્યારે...’માં દેવના મોઢે જે તરાનાના શબ્દો, ‘દિમ તાના...તા... તા તાના...’ ગવાય છે, તે દાદાનો અવાજ છે. એ જ રીતે મહેન્દ્ર કપૂરે ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા’ના પેલા કોરસ ગીતમાં દેવને પ્લેબૅક આપ્યું છે, એ વાતની જાણકારી બહુ ઓછાને છે.


ખાસ કરીને યુગલ ગીતોમાં બર્મન દાદાએ તદ્દન નવા પ્રયોગો શરુ કર્યા હતા યાદ કરો, ‘પેઇંગ ગેસ્ટ’, ‘કાલા પાની’, ‘નૌ, દો, ગ્યારહ’ અને આ ફિલ્મ ‘મંઝિલ’ સરખાવી જુઓ, એ જમાનાના તમારા અન્ય માનીતા યુગલ ગીતો સાથે. દાદાના પ્રત્યેક યુગલ ગીતમાં કોઈને કોઈ ચમત્કૃતિ જોવા મળશે, કોઈ નવાપણું સાંભળવા મળશે. ગીતા દત્ત સાથે મોહમ્મદ રફીનું ‘ચુપ કે સે મિલે, પ્યાસે પ્યાસે કુછ હમ...’ ગીતમાં ઘૂન તો બાકાયદા અનોખી જ છે... ધીમા છપછપ અવાજે બન્ને જણા ગાય છે અને એમાં ‘મઘ્ધમ’ શબ્દનો રીપિટ ઉપયોગ મીઠડો લાગે છે. હેમંતકુમારનું ‘યાદ આ ગઇ વો નશીલી નિગાહેં’ કેવું સોફ્‌ટ બન્યું છે ! મેદાન મારી ગયા છે, મન્ના દાદા. એક- બે યુગલ ગીતો ઉપરાંત મહેમૂદ પર ફિલ્માયેલું ‘બનાઓ બત્તીયાં હટો કાહે કો જુઠી...’માં રિધમ સેક્શનમાં દાદાએ પંડિત શામતાપ્રસાદજી પાસે વગાડાવેલા તબલાંની એ થાપો આજે ય યાદ છે કે નહિ ? 




14/12/2011

યે કૌન ચિત્રકાર હૈ?

મારા ઘરમાં એક પૅઈન્ટિંગ ઘૂમ મચાવી રહ્યું છે, અફ કૉર્સ, એક દોસ્તે ભેટમાં આપ્યું છે... ને આમેય, મારા ઘરમાં કોઈ બી ચીજ નવી આવે, એટલે ઘણા સીઘું પૂછી જ લે, ‘‘કોણે આલ્યું?’’ ખુદ હકી ય ગીફ્‌ટમાં આવી હતી, એટલે મારાથી ગીફ્‌ટો સ્વીકારવાની કોઇને ના નથી પાડી શકાતી. પાડું છું તો બા ય ખીજાય છે!

તે એમાં થયેલું એવું કે, હકી સાથેના લગ્નના મેં (સૉરી, એણે) ૩૫-વર્ષ પૂરા કર્યા, એના માનમાં લોકો પાર્ટી માંગવા માંડ્યા. આવી કઠોરતા આપણા દેશમાં જ જોવા મળે. તારી ભલી થાય ચમના... કોઈ માણસ ૩૫-વર્ષ સુધી બરફની પાટ ઉપર સૂઇ ગયો હોય ને ૩૬-મે વર્ષે ઊભો થાય, એટલે એના બરડે વાત્સલ્યનો હાથ ફેરવવાને બદલે તમે પાર્ટા-ફાર્ટા માંગો? એને તો એવો દિલાસો અપાય કે, ‘‘હશે... જે થવાનું હતું તે થઇ ગયું... બીજી વાર જરી ઘ્યાન રાખજો’’, એને બદલે પાર્ટા...ને ફાર્ટા???

...ને એમાં ય મેં કોઇ સૉલ્લિડ સિઘ્ધિ મેળવી બતાવી હોય એમ પેલા દોસ્તે મને ગીફ્‌ટ આપી, તો આપણે ઢીલા ન થઇ જઈએ...? (જવાબ : આમાં તો બધા ઢીલા થઈ જાય... જવાબ પૂરો) એ કોઇ મસ્ત મજાનું વૉલ-પૅઈન્ટિંગ હતું. ઍબ્સ્ટ્રૅક્ટ હોવાથી પૅઈન્ટિંગ શેનું હતું, એની અમને ખબર પડશે કે તરત જ વાચકોને જણાવી દઈશું. (‘ઍબસ્ટ્રૅક્ટ’ એટલે પેલું શું કહેવાય... ઓકે, ‘ઍબસ્ટ્રૅક્ટ’ એટલે સમજો ને... ઢંગધડા વગરનું... એને બનાવનાર સિવાય કોઇને ન સમજાય એવું... એટલે કે ડૉ. મનમોહનસિંઘ જેવું!)

સદરહૂ પૅઈન્ટિંગ લગાડ્યા પછી હવે કાઢી લેવાય એવું નથી. એના સહાબે અમારી દિવાલ ટકી રહી છે! કથા એવી રીતે આગળ વધે છે કે, જ્યારે આ પૅઈન્ટિંગ દિવાલ પર લગાવવામાં આવી રહ્યું હતું ત્યારે બાજુના ફ્‌લૅટમાં રહેતા પટેલની બા દિવાલની બીજી બાજુ બેઠા હતા. ખીલીઓ ઠોકવામાં ધક્કો જરી જોરથી વાગી ગયો હશે કે, પટેલની બાનો સોફો ખસીને બે વ્હેંત આગળ જતો રહ્યો ને બા ભમ્મ થઈ ગયા. જો કે, અમારા આ પટેલ-પડોસીઓ મારે એવા નથી, એટલે હકી બચી ગઇ... નહિ તો હું તો કહું એવો જ નથી કે, ખીલ્લીઓ હું ઠોકતો’તો...!

ચિત્રમાં બ્લૅક-કૉફી કલરનું કરકરા કાણાંવાળું લાકડાનું પાટીયું હતું. બહુ આકર્ષક રીતે એમાં સ્ક્રૂ જડેલા હતા. જો કે, ચિત્ર ચોડાઈ ગયા પછી એક-બે જોનારાઓએ મારૂં ઘ્યાન દોર્યું કે, મૂળ પૅઈન્ટિંગનો આ પાછળનો ભાગ છે... પાટીયું! અસલી પૅઈન્ટિંગ તમે દિવાલ તરફ ખોડ્યું છે...!

મને ચિત્રો ટીંગાડવાનો બહોળો અનુભવ નહિ, એટલે આવી ભૂલ થાય. હકીના આગ્રહથી એની બાનો જૂનો ફોટો ભીંત પર ટીંગાડવાનો હતો, ત્યારે ફોટા પર કોઈ હૂક-બૂક નહોતા, એટલે મેં એમના મોંઢા પર ખીલ્લી મારીને ભીંતમાં ફોટો મસ્ત જડી દીધો હતો. મને કાચું કામ સહેજ બી ન ગમે. હકી ગીન્નાય, એ અમારા ઘર માટે કાંઈ નવું નથી.

‘‘અસોક... આ સું કયરૂં? મારી બા તમને કિયાં નડતી’તી, તે ખીલ્લી આમ શીઘ્ધી એના નાક પર ખોડાય...? ઉવાં બેઠા બેઠા બાપુજીના આતમાને કેવું વશમું લાગે કે, ઝમાયરાજે (જમાઈરાજાએ) મને તો નો છોયડો... હકુડીની બાને ય નો છોયડી?’’

પસ્તાવા પેટે એની બાના નાક ઉપરથી સ્ક્રૂ ખેંચી કાઢવો આસાન કામ નહોતું. આખું છડદું ઉખડી આવે એમ હતું. નાક પર ખીલી તો ભલે રહી કે, જોનારને એવું લાગે કે, ‘ઇશ્ટ આફ્રિકામાં આવી ફેસનું બવ હોય (ફેશનો બહુ હોય) ...નાક પર ખીલી જેવી ચૂની ને ઇ ય લોઢાની! મહીંમહીં હું પાછો જાણું કે, એની બાનો નાક વગરનો ફોટો સારો નહિ આવે. એ ભાગ ઉપર ગુંદરપટ્ટી ય ન મરાય... એમાં બાપુજી ખીજાય! (અસલના જમાનાના બાપુજીઓ ખીજાતા બહુ... ઘરની બહાર!) છેવટે, સબ્જૅક્ટ એનો એ જ રાખવા (ઍબ્સ્ટ્રૅક્ટ) બાનો ફોટો બદલીને આ પૅઈન્ટિંગ લગાડી દીઘું!

અમારા આખા દવે-ખાનદાનનો મોટો પ્રોબ્લેમ હતો, એ ચિત્રને સમજવાનો. મૅક્સિમમ અમે હિમાલયની તળેટીમાં ભભૂત લગાવીને બેઠેલા મહાદેવજીનો ફોટો જોયેલો અને ગંગા ક્યાંથી નીકળે છે, ગળાનો નાગ કેવો ડાહ્યો થઈને બેઠો છે કે એમનું ત્રીજું નેત્ર ઓળખી બતાવીએ. અમદાવાદના એક ઍબ્સ્ટ્રૅક્ટ-આર્ટિસ્ટે પોતાના પૅઈન્ટિંગ્સના પ્રદર્શનનું ઉદ્ધાટન મારી પાસે કરાવ્યું હતું અને છેલ્લે ‘વિઝિટર્સ-બૂકમાં’ મારો મૅસેજ લખવાનું કીઘું. આપણે ભોળા ભાવે લખી આપ્યું કે, ‘દરવાજા પાસેનું છેલ્લું પૅઈન્ટિંગ અદ્‌ભુત છે. ચિત્રમાં એક જ રંગ વપરાયો છે, છતાં કેવું મનોહર લાગે છે!’ એમાં તો આર્ટિસ્ટ ગીન્નાયો. ‘દવે સાહેબ... મારી ફિલમ ઉતારવા આયા છો... આ મારૂં પૅઈન્ટિંગ નથી... ગૅલેરીનું ઇલેક્ટ્રિક-બૉક્સ છે...’

અમથા ય મારાથી આવા લોચા નિયમિત મરાઈ જ જાય છે. એક ફૅમિલીએ અમને જમવા બોલાવ્યા હતા, તે જમી લીધા પછી કોઈ સારો અભિપ્રાય આપીએ. તો બીજી વાર જમવા બોલાવે, એ ધોરણે મેં નિખાલસતાથી કહ્યું, ‘‘મને તમારા ઘરનો સોપારીનો આઈસ્ક્રીમ બહુ ભાવ્યો...’’ એમાં તો આખા ઘરના મોંઢા ચડી ગયા. કેસરના આઈસ્ક્રીમમાં આખા ને આખા સોપારીના કટકા આવે, તો આપણાથી ના કહેવાય? એ તો એ લોકોને ય પછીથી ખબર પડી કે, હું જેને સોપારી સમજતો હતો, એ આંબલીના કચૂકા હતા.

ધીરે ધીરે મારા ઘેર લોકો આવતા બંધ થઈ ગયા. બધાને ભય પેસી ગયો હતો કે, એના ઘેર જાશું, તો પેલું પૅઈન્ટિંગ જોવા બેસાડી દેશે. બધાને ભો એ છે કે, દાદુ ફક્ત એક વખત આપણે એ ચિત્ર જોઇ લઇને ચુપચાપ બેસી રહેવાનું કહે તો પોસાય... આ તો સવાલો પૂછે છે, ‘‘આ અપ્રતિમ ચિત્ર જોઇને તમારા હૃદયમાં કેવા મનોભાવો થાય છે?’’ ડોહાને એ ય ખબર નથી કે, મનોભાવો મનમાં થાય, હૃદયમાં નહિ!

જો ડર ગયા, સમજો મર ગયા (અથવા તો ઘર ગયા!) મારો આતંક એ લોકોને એ વાત પર લાગે છે કે હું, આ ચિત્ર દ્વારા આર્ટિસ્ટ શું કહેવા માંગે છે? એ પૂછું છું. સાલો મરવાનો થાય, કેમ કે આર્ટિસ્ટ શું કહેવા માંગે છે, એની ખબર પડતી હોત તો એ આવું ચિત્ર બનાવત શું કામ? આપણાં લોહીડાં પીવા?

તો લેખ હવે અહીંથી શરૂ ને પૂરો થાય છે. આવા પૅઈન્ટિંગ્સ બનાવનાર દુનિયાભરના આર્ટિસ્ટો જાણે છે કે, ઍબ્સ્ટ્રૅક્ટને નામે એમણે કૅન્વાસ પર જે કોઈ લાલ-પીળા લિસોટા પાડયા, એ પાછા તમારે સમજી બતાવવાના! એક પૅઈન્ટિંગ જોઇને મેં આર્ટિસ્ટને પૂછ્‌યું, ‘‘આ ભૂંગળું શેનું છે?’’ એમાં તો ખીજાણો. ‘‘આ ભૂંગળું એ ભૂંગળું નથી... એ માનવીનો મનોવિસ્તાર છે. એની અંદર જે બીજાં ભૂંગળા... ઓહ સૉરી, બીજાં વલયો દેખાય છે, એ આપણી સંવેદનાઓ છે.. અને વચ્ચેનું બિંદુ-જેને તમે ડાઘો સમજ્યા, એ લાકડાનું ફર્નિચર છે... બીજું-’’

‘‘તો આ ચારે બાજું પાટીયાં શેના માર્યા છે?’’

‘‘એ પાટીયાં આ પૅઈન્ટિંગની ફ્રેમ છે... રહેવા દો... તમને આ કૃતિ બતાવવાનો કોઇ અર્થ નથી.’’

આપણને એમની કૃતિ ન સમજાય, એમાં દરેક આર્ટિસ્ટનો જવાબ એક જ હોય છે, ‘‘ચિત્ર જોઇને અર્થઘટનો જોનારે વિચારવાના કે, અહીં આર્ટિસ્ટ શું કહેવા માંગે છે? આ રંગો શેના પ્રતિક છે? આ ચિત્રનું નામ ‘ધી મિસ્ટીક’ કેમ આપવામાં આવ્યું છે?’’

તારી ભલી થાય ચમના... તને આવા કુંડાળા દોરતો જોઇને તારી બા ભલે ના ખીજાય, પણ એને જોવામાં અમારા બધાની બાઓ ખીજાય. દરજી એના સંચા ઉપર પિયાનો વગાડતો હોય, એવો ઉપડ્યો હોય ત્યારે ગ્રાહક પાસે એવું ઍક્સપૅક્ટ નથી કરતો કે, ‘અહીં દરજી શું કહેવા માંગે છે? આ દોરાં, ગાજ-બટન ને બખીયા શેના પ્રતિક છે? આ દુકાનનું નામ ‘ગુણવંત લૅડીઝ ટૅલર’ કેમ રાખવામાં આવ્યું છે? ...એ બઘું ગ્રાહકે કહેવાનું... અને સાલી કઇ કમાણી ઉપર, કપડું સિવાઈ ગયા પછી ગ્રાહક પોતાના ગાલે ઘસી જોઇને નક્કી કરે કે, ‘‘આ મહાન આર્ટિસ્ટ (એટલે કે દરજીએ) જે બનાવ્યું છે, તે પગ નાંખીને પહેરવાનું છે કે ગળું નાંખીને? ધૅટ્‌સ ફાઇન... પણ આ કૃતિ એમણે સર્જી છે, તે લેંઘો છે કે ગાડીનું સીટ-કવર, એ કલાકર ઉર્ફે દરજીના મનમાં કૃતિ સર્જતી વખતે જે મનોભાવનાઓ ઊઠી હોય, તેના પરથી નક્કી થાય...!

કદાચ, વિશ્વની આ એક માત્ર કલા હશે, જેમાં જોનારાઓને જે ખબર પડતી હોય, એની કલાકારને ખબર હોતી નથી... અને હૂસેનો જેવા એટલે જ ચાલ્યા કે, આપણા કરોડપતિ કલાપ્રેમીઓ ભારત સરકાર જેવા છે... જેમાં એમને પોતાને સમજણ ન પડે, એને નેશનલ ઍવૉર્ડ આપી દેવાનો. દિવાલ પર કેટલા લાખનું પૅઈન્ટિંગ છે, એ મહત્ત્વનું છે... ભલે પેલો બેવકૂફ બનાવી ગયો!

સિક્સર
વન–ડે ક્રિકેટ ઇન્ટર નૅશનલમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ–રૅકૉર્ડ કોના નામે છે?  ( જવાબ સેહવાગ કે સચિન જેટલો ઇઝી હોત તો તમને આ સવાલ પૂછ્યો ના હોત ! આપો જવાબ હવે. )

13/12/2011

જ્વેલ થીફ


શ્રીધરમદેવ પિશોરીમલ આનંદ એટલે કે, દેવ આનંદ એની આખી કારકિર્દીમાં ફિલ્મ ‘જ્વેલ થીફ’ જેટલો સોહામણો કદી નથી લાગ્યો. આને મારૂં અંગત નિવેદન ગણી લઈએ, તો ય મારી સાથે સહમત થવામાં તમને ક્યાં બા ખીજાવાના છે? એ હૅન્ડસમ તો બેશક હતો અને સાયરાબાનુવાળી ફિલ્મ ‘પ્યાર મુહબ્બત’ અને હેમા માલિનીવાળી ‘જ્હોની મેરા નામ’માં ય ઘણો ચાર્મિંગ લાગ્યો છે. એમને એમ તો ભારતભરની (એ જમાનામાં યુવતીઓ... આજની કાકીઓ!) દેવની પાછળ કાંઈ પાગલ નહિ હોય ને??

આપણે નૉર્મલી એક ફિલ્મ બીજી, ત્રીજી, આઠમી કે ઓગણીસમી વાર ન જોતા હોઈએ. લોકો વાતો કરે, પણ મેં ‘જ્વેલ થીફ’ કેટલીવાર જોયું છે, એ હવે તો ગણવાનું ય બંધ કરી દીઘું છે. ‘મોગલ-એ-આઝમ’ પણ એટલી જ વાર જોયું હશે, પણ એને વારંવાર જોઈને દર વખતે કાંઈ નવું શીખવા/સમજવાનું મળે છે, માટે વારંવાર જોઉં છું અને આ ‘જ્વેલ થીફ’ દર વખતે કંઈકને કંઈક આનંદ આપતું રહે છે, માટે જોયે રાખું છું. (સાચો ઉચ્ચાર ‘જ્વેલ થીફ’ છે, પણ દેસી લોકો હજી ‘જ્વૅલ-થીફ... જ્વૅલ થીફ’ કરે રાખે છે... આપણે તો કેટલું શીખવાડીએ?)

ટોટલ ૧૮૬-મિનિટની આ ફિલ્મ ૧૯૬૭-માં બની હતી અને અમદાવાદના રીલિફ સિનેમામાં રીલીઝ થઈ હતી. એ દિવસોમાં તો રેડિયો પર છ-છ મહિના અગાઉથી, આવનારી ફિલ્મોના ગીતો વાગે, ગુજરાતી ફિલ્મી મેગેઝિનોમાં એને વિશે કંઈકને કંઈક છપાતું હોય, પ્રતાપ સિનેમા અને અશોક ટૉકીઝના કમ્પાઉન્ડમાં આવેલી ફિલ્મી ‘ચોપડીઓ’ની દુકાનેથી જે તે ફિલ્મોના કલરિંગ ફોટા ય દસ-દસ પૈસામાં મળે, એટલે ફિલ્મ શહેરમાં આવતા પહેલા જ એના વિશેની હવા બરોબર જામી ગઈ હોય. ફિલ્મ કોઇ બી હોય, પહેલા બે-ત્રણ વીક તો ટિકીટ જ ન મળે. અમથી ય, કોઈ ફિલ્મ ૧૦-૧૫ વીક્સ તો ચાલે જ... 

ને એમાં ય આ તો દેવ આનંદની ફિલ્મ. એ જમાનામાં કોઇ મિનિસ્ટર આપણને પર્સનલી ઓળખતા હોય, એના કરતા થીયેટરના અફઘાન-પઠાણી લાલાઓ ઓળખતા હોય, એ મોટું સ્ટેટસ ગણાતું. (આજે ય મિનિસ્ટરોની હાલતમાં પ્રજાએ ખાસ કોઇ ફેરફાર કર્યો નથી!) ‘જ્યુઅલ થીફે’ ૨૫-વીક માટે રમતા રમતા કરી લીધા હતા, એમાં ય સંગીતના શોખિનો માટે બીજી મોટી લાલચ એ હતી કે, ઘણાં વર્ષો પછી કિશોર કુમારના ગીતો આ ફિલ્મમાં સાંભળવાના હતા. એ દિવસોમાં કિશોર પોતે તો થોડું જ ગાતો, પણ દેવ આનંદ સિવાય બીજા કોઈને પ્લૅબેક પણ ન આપતો હોવાથી એના પુનરાગમનનું મૂલ્ય ઘણું ઊચું ગણાતું. ‘આસમાં કે નીચે, હમ આજ અપને પીછે’ અને ‘યે દિલ ન હોતા બેચારા...’ એ દેશના ચાહકોએ ગાન્ડા કરી મૂક્યા હતા.

‘જ્વેલ થીફ’ આઉટરાઈટ વિજય આનંદની ફિલ્મ હતી. દેવ આનંદનો ભાઈ. બે મિનિટે ય હખણો ઊભો નહિ રહેતો દેવ હંમેશા ગોલ્ડી, એટલે કે વિજય આનંદ પાસે સીધો ચાલ્યો છે. આ પેલા જાૅક જેવું. માણસ દારૂ પીએ તો સાપની જેમ આડોઅવળો ચાલે, પણ સાપ દારૂ ઢીંચી જાય તો માણસની જેમ સીધો ચાલે. દેવ ક્યારેય સારો ઍક્ટર નહોતો, પણ જ્યારે ગોલ્ડીના હાથ નીચે કામ કરવાનું આવ્યું છે, ત્યારે કસબ અસલી બતાવી શક્યો છે. ‘ગાઇડ’, ‘જ્હૉની મેરા નામ’ કે ‘તેરે મેરે સપને’ આના ઉત્કૃષ્ઠ ઉદાહરણો છે. ઊભા ઊભા અગણિત ટાઈમ સુધી હલે રાખવાનું કે આંખોમાં બબ્બે મિનિટ ફોતરૂં પડતું હોય, એમ ઝીણી કરે રાખવાની, સીધેસીઘું ક્યાંક જોવાનો સીન હોય તો ય, ખભા ઉપર પોતાના ડોકનું આખું ચક્કર મરાવ્યા પછી ઝીણી આંખે જોવાનું... આ બધા નખરા ગોલ્ડી પાસે ન ચાલે, એટલે બચેલા સમયમાં એ ઍક્ટિંગ કરી શકતો. પરિણામે, ‘જ્વેલ થીફ’માં દેવ આનંદ ક્યાંકથી સરસ ઍક્ટિંગ પણ ઉપાડી લાવ્યો છે, એ આશ્ચર્યજનક સમાચાર સાંભળ્યા પછી પ્રજાને બહુ આંચકો લાગ્યો નહોતો.... થૅન્ક્સ ટુ ગોલ્ડી.

ગોલ્ડી બીજા ડાયરેક્ટરો કરતા કેમ ઊંચો હતો, એનો સામાન્ય દાખલો જોઈ લઈએ. કોઈ ચોક્કસ દ્રષ્ય કે ગીતનું ફિલ્માંકન કેમ કરવું, એ બધા ડાયરેક્ટરોને ફાવે એવું કામ નહોતું. રાજ કપૂર, રાજ ખોસલા, બિમલ રૉય, ગુરૂદત્ત કે બી.આર. ચોપરા જેવા ગણ્યા ગાંઠ્યા નામો હતા. ફિલ્મના સૅટ ઉપર મને અને તમને લઈ જઈને ઊભા રાખી દે, ઍક્ટરો કે સંવાદો જેવો મસાલો બધો તૈયાર હોય અને કહે, ‘‘લો, આ દ્રષ્યનું શૂટિંગ કરો.’’ અને એમાં આપણે જ મૂંઝાઈ જઇએ, એવું નહોતું. એ જમાનાના મોટા ભાગના દિગ્દર્શકોના હાથની એ વાત નહોતી. હવે પહોંચો સીધા સેટ પર, જ્યાં દેવ આનંદના પગમાં છ આંગળી વાળું અત્યંત રસપ્રદ દ્રશ્ય ફિલ્માવવાનું છે. યાદ આવ્યું, ગોલ્ડીએ આખી સિચ્યૂએશન કેવી મનોહર-મનોહર કરી દીધી હતી?

અથવા તો, દેવ અને અશોક કુમાર ટ્રેનમાં પ્રિન્સ અમરને શોધવા દોડાદોડી કરી મૂકે છે, એ દ્રશ્યોમાં ટૅન્શન કેવું અદ્ભૂત ઢબે ઊભું કરી બતાવ્યું છે? ‘‘યે દિલ ના હોતા...’’ ગીત જેવું ટૅકિંગ પ્રેક્ષકને ખુદને ફિલ્મના એ લોકેશન પર લઇ જાય છે. સ્વ. શૈલેન્દ્રએ ફિલ્મના લખેલા એક માત્ર ગીત ‘રૂલા કે ગયા સપના’નું ફિલ્માંકન યાદ તો છે ને? સ્ટુડિયોમાં પાણીથી છલોછલ આખો સૅટ ઊભો કર્યો છે. ઑલમોસ્ટ અડધી રાત છે, એટલે વૈજ્યંતિમાલાને નાઇટ-ગાઉન પહેરાવીને બોલાવી છે. દેવ હજી કામમાં વ્યસ્ત હોવાથી એના કપડાં રૅગ્યુલર છે, પણ ગોલ્ડીની કમાલ ગીતના શબ્દોને પણ ફૉલો કરે છે. ‘‘ફિર ભી ન આયા લૂટેરા...’’ પંક્તિ શરૂ થાય, ત્યારે જ દેવ આનંદની હોડી ઝાડીઓમાંથી પ્રગટ થતી દેખાય.

અશોક કુમારની દીકરી ટીવી પર આવી હતી, ત્યારે બિલકુલ બિન્ધાસ્ત કહી દીઘું હતું કે, ‘જ્વેલ થીફ’માં પાપા જ બૅસ્ટ હતા.’’ (એને ખબર નહિ હોય કે, દાદામોની ફક્ત ‘જ્વેલ થીફ’માં જ નહિ, તમામ ફિલ્મોમાં બૅસ્ટ હતા.) યસ. આ ફિલ્મનો બધી રીતે સાચો હીરો તો અશોકકુમાર જ હતો ને? એના સાથીઓ એને સારૂં લગાડવા કે ભયના માર્યા સિગારેટનું લાઇટર ધરે છે, ત્યારે બાપૂ કેવા રૌફથી કહી દે છે, ‘‘તુમ અપના કામ કરો.’’ વૈજુએ સુંદર દેખાવવવાની સાથે સાથે રોલને અનુરૂપ કામ પણ ક્લાસિક આપ્યું છે, પણ ઍઝ યુઝવલ.... જ્યાં તનૂજા હોય ત્યાં (એક અશોક કુમારને બાદ કરતા) બીજા કોઈની ઍક્ટિંગનો ઉલ્લેખ પણ કરવો, એ એશિયાના દેશોમાં તો પાપ ગણાય છે. બહુ નૅચરલ અભિનેત્રી હતી, ને એમાં ય ક્યારેય નહિ ને આ ફિલ્મમાં ગોલ્ડીએ તેની પાસે ‘રાત અકેલી હૈ, બુઝ ગયે દિયે...’ જેવો શ્રૃંગાર-રસથી ભરપુર ડાન્સ કરાવ્યો છે, તે પ્રેક્ષણીય છે. ઇન ફેક્ટ, એની કુદરતી ઢબે ઍક્ટીંગ કરવાની ખૂબીને કારણે ૧૯૬૮-ના ‘ફિલ્મફૅર’ના ‘બેસ્ટ સપોર્ટીંગ ઍક્ટ્રેસ’ના રોલ માટે એને નોમિનેટ કરવામાં આવી હતી, પણ આ ઍવોર્ડ ફિલ્મ ‘રામ ઔર શ્યામ’ માટે મુમતાઝ લઇ ગઈ હતી. આ વર્ષનો સર્વોત્તમ અભિનેત્રીનો ઍવોર્ડ ફિલ્મ ‘મિલન’ માટે નૂતનને મળ્યો હતો.

હૅલન સ્ક્રીન પર દેખાતી હોય, ત્યાં સુધી તમે અન્ય કોઇ ઍક્ટરને ફક્ત બે ઘડી પણ જુઓ, તો તમારી જ્ઞાતિએ તમને ન્યાત બહાર મૂકવા જોઈએ, એવું પુરાણોમાં કીઘું છે. ‘‘બૈઠે હૈ ક્યા ઉસકે પાસ... લલલ્લ્લા લલલ્લા’’ ડાન્સમાં કેવી છવાઈ ગઈ છે. એ વખતે એની સાથે લગોલગ માથે છાણનું પોટલું પડ્યું હોય, એવી વિગ પહેરીને નાચતી (સિલ્વિયા) છોકરીની સામે જોઇએ તો ય સમાજમાં આપણી વાતો થાય. હૅલનને પડતી મૂકીને બીજી ક્યાં ડાફરીયાં મારો છો, એવો કટાક્ષ તો આપણા સસુરજી બાજુની સીટમાં બેઠા હોય, તો કરી મ્હેલે. એ વખતે વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર ગૅરી સોબર્સને પતાવ્યા પછી રાજેશ ખન્નાના ઝાડ પર ઊંધા માથે લટકવા ગયેલી અંજુ મહેન્દ્રુ પણ આ ફિલ્મમાં છે.

ગૉલ્ડી ઉપર ઇંગ્લિશ ફિલ્મોનો પ્રભાવે ય જન્માક્ષરના વખતથી હતો, એટલે ફિલ્મના જે દ્રશ્યમાં દેવ આનંદ દારૂ પીને લથડીયા ખાવાની ઍક્ટિંગ કરે છે, તે આખી સિચ્યૂએશન હૉલીવૂડની ક્લિન્ટ ઈસ્ટવૂડની કાઉબૉય ફિલ્મ ‘ઍ ફિસ્ટફૂલ ઑફ ડૉલર્સ’માંથી ઉઠાવવામાં આવી હતી. આમ તો ફિલ્મનો પ્લોટ પણ દેસી નહોતો. કોઇને ખરાબ ન લાગે, એટલે એ લોકો ચોરીને બદલે ‘ઍડેપ્ટેશન’ નામનો નિર્દોષ શબ્દ વાપરે છે. એ વાત જુદી છે કે, ફિલ્મના ટાઈટલ્સમાં પટકથાલેખક, સંવાદ લેખક અને દિગ્દર્શક તરીકે વિજય આનંદનું નામ આપવામાં આવ્યું છે. અલબત્ત, જેમણે ‘ગાઇડ’ની વાર્તા લખી હતી, એ જ કે.એ. નારાયણે આ ફિલ્મની વાર્તા પણ લખી છે. પણ કોઈ દલીલ કે વિવાદ વગર ઊંચા ઝંડા ફરકાવવા પડે, આ ફિલ્મના દિલડોલ સંગીત અને સંગીતકાર પિતા-પુત્ર બર્મનના. સચીનદેવ બર્મને એક એક રચના એકબીજા ગીતથી ભિન્ન અને અનોખી કરી છે. 

એ પોતે પહાડી ઈલાકામાંથી આવતા હોવાથી, ફિલ્મના સંગીતમાં સિક્કીમનો સ્પર્શ સંભળાય છે, તો સાથે સાથે દીકરા રાહુલદેવને કારણે ભરપુર માત્રામાં વૅસ્ટર્ન-વાદ્યોનો સમુચિત ઉપયોગ થયો છે. ખાસ કરીને આ ફિલ્મનું ટાઈટલ અને ફરિયાલવાળું ડાન્સ-મ્યુઝિક શ્રવણીય છે. હજી ડીવીડી મંગાવીને ‘જ્વેલ થીફ’ જોવાના હો, તો સસ્પૅન્સ તો જાહેર નહિ કરૂં, પણ આ કૉલમ વાંચતા મિત્રોને સૂચન કર્યું કે, આટલા વર્ષો પછી આ ફિલ્મોની યાદ અપાવો છે, તો લેખમાં વચ્ચે ફિલ્મનો પ્લોટ પણ કહી દો, જેથી સાવ ભૂલાઈ ગયેલું થોડું થોડું તો યાદ આવે. એ મુજબ, હીરો વિનય (દેવ) પોલીસ-કમિશ્નર પિતા (નઝીર હૂસેન)ની જીદ છતાં ભણીગણીને પોલીસફૉર્સ જેવી સન્માનનીય નોકરીમાં જોડાવાને બદલે પથ્થરો ફેંદીને એમાંથી હીરા તરાશવાના ‘બેકાર’ કામમાં પડે છે, પણ દીકરો એમના ધાર્યા કરતા વઘુ સ્માર્ટ છે. 

નોકરી કરવાની સાથે સાથે એ જ્વેલર્સ લાલા વિશંભરનાથ (સપ્રૂ)ની છોકરી અંજુ (તનૂજા)ને પણ જીતી લે છે. દરમ્યાન શહેરમાં હીરા-ઝવેરાતના અઠંગ ચોર અમરનો આ વિનય હમશકલ હોવાની એને ખાત્રી કરાવતા રહેવામાં આવે છે, એટલે સુધી કે, સિક્કીમથી આવેલ વિશંભરનાથના જીગરી દોસ્ત અશોકકુમારની બહેન શાલુ (વૈજ્યંતિમાલા) તરફ પણ એટલા કારણે ખેંચાવાનું થાય છે કે, શાલુ વિનયને અમરનો હમશકલ સમજી બેસે છે. શાલુ અમરની મંગેતર હોવાનો દાવો કરે છે. પોતે અમર નહિ, વિનય છે, એ સાબિત કરવામાં દેવ આનંદ આ ફિલ્મના ત્રણ કલાક વાપરી નાંખે છે, પણ આખરે એ ફૂલ્લી-પાસ થાય છે.

ફિલ્મ બન્યાના ૩૦-વર્ષ પછી, દેવ આનંદને એની રાબેતા મુજબની બેવકૂફી ઉપડે છે, તેમ ‘જ્વેલ થીફ’ની સીક્વલ-એટલે કે બીજો ભાગ ‘ધી રીટર્ન ઓફ ‘જ્વેલ થીફ’ ઉતારવાનો ધખારો ઉપડ્યો અને રાબેતા મુજબ ફરી ધોવાઇ ગયો. જૂની ફિલ્મમાંથી ફક્ત અશોક કુમાર જ એની સાથે આ સીક્વલમાં હતો.

પ્રવાસના શોખિનો સિક્કીમ જઈ આવ્યા હોય, એમણે પણ આ ફિલ્મ ફરી જોવી જોઈએ. ફલી મિસ્ત્રીનો પરફૅક્ટ કેમેરો સિક્કિમના આઉટડૉર લોકેશન્સ પર બહુ સાહજીકતાથી ફર્યો છે. આ ફિલ્મના સુપર્બ સાઉન્ડ માટે આપણા ગુજરાતી રૅકૉર્ડીસ્ટ બારોટને ‘ફિલ્મફૅર’ એવૉર્ડ મળ્યો હતો.

એક વાત કહું? આવી મસ્ત મજાની ફિલ્મ હોય, પછી એને વિશેના આવા ફાલતુ લેખો વાંચવાના જ ન હોય.... ફિલ્મ મંગાવીને બીજી વાર જોઇ જ લેવાની હોય...! સુઉં કિયો છો?

11/12/2011

ઍનકાઉન્ટર : 11-12-2011

* તમે ‘એનકાઉન્ટર’ શોખથી કરો છો કે ફરજથી ?
- પબ્લિસીટી માટે.
(મમતા બારડ, સરખડી-કોડિનાર)

* દિવસે દિવસે વધતી મોંઘવારી સામે નેતાઓ જલસા કરે છે...
- ચલો, તમારી પાસેથી જાણવા મળ્યું, મોંઘવારી રાત્રે નથી વધતી !
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર)

* ઘેર આવતા મહેમાનોને બે-ત્રણ વખત આવો-આવો કહેવામાં આવે છે, પણ જાય ત્યારે એક જ વખત ‘આવજો’ કહેવાય છે...
- એ હાળા એક વખતમાં ય આવે એવા હોય છે!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* ત્રણ વેદોનું જ્ઞાન ધરાવનારને ‘ત્રિવેદી’, ને ચારેય વેદોના જાણકારને ‘ચતુર્વેદી’ કહે છે, તો ‘દવે’?
- અમને લોકોને બે જ વેદોમાં બધી સમજ પડી જાય છે. (‘દવે’ એ ‘દ્વિવેદી’નો અપભ્રંશ છે!)
(જયંતી સી. પટેલ, મહેસાણા)

* સારા પ્રસંગે તો જમવાનું હોય, પણ આપણે ત્યાં તો માઠા પ્રસંગે ય જમવાનું હોય છે... !
- એમાં તમારા કાકા, ફૂઆ કે માસાનું શું જાય છે?... ને પાછો આવો સવાલ એક બ્રાહ્મણને પૂછો છો !
(રૂચિત પી. શાહ, સુરેન્દ્રનગર)

* સાનિયા મિર્ઝાની અક્કલ શું ઘાસ ચરવા ગઈ’તી કે, પાકિસ્તાની શોએબ મલિકને બદલે આપણો ઇરફાન પઠાણ ન દેખાયો ?
- આવું ન બોલો. ઇરફાનનો ટેસ્ટ ઊંચો છે.
(મુહમ્મદ ઈલિયાસ ખીલજી, અમદાવાદ)

* ગોગલ્સ આંખોને બદલે માથે ભરાવવાની ફેશનનો શું મતલબ?
- આંખોનું કામ મગજથી લેવા માટે!
(ઝાકીરહૂસેન વાય. રાયલી, ઈખર)

* પહેલો સગો પડોસી, તો પહેલો દુશ્મન કોણ?
- એ ય પડોસી... જો એની વાઇફ સુંદર હોય તો !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મંદિરમાં આરતી પછી કપૂરની ગોળી કેમ પ્રગટાવવામાં આવે છે?
- પ્રસાદ ભેગી ખવાઈ ન જાય માટે.
(બલદેવ એમ. ભટ્ટ, બામરોલી)

* દાદુ, ગઈ જન્માષ્ટમીએ પોલીસની ધોંસ બહુ હોવાથી તમે રમ્યા હતા કે નહિ ?
- અમારે પોલીસ-ચોકીમાં રમવું પડ્યું હતું !
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* નાલાયક નેતાઓ અને લંપટ સાઘુઓની માયાજાળમાંથી ગુજરાત ક્યારે મુક્ત થશે?
- એ લોકોનો નવો લોટ આવે પછી.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

* ભલે તમારો અતોપતો ન આપો, હકીભાભીનો મોબાઈલ નંબર તો આપો!
- ઓ બેન... મેં કાંઈ તોફાન-બોફાન કયરૂં છે?
(નિલા નાણાવટી, રાજકોટ)

* વજન ઉપર ટીકીટ આપવામાં આવે તો મુસાફરી મોંઘી થાય કે સસ્તી?
- મને અને હકીને તો રીક્ષાવાળા ના પાડે છે કે, ‘ચાર જણા નહિ આવે !’
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* જેલમાં જતો રાજકારણી ચોક્કસપણે કહે છે, ન્યાયતંત્રમાં મને પૂરો વિશ્વાસ છે. મતલબ ?
- એ સાચું બોલે છે. આવા ન્યાયતંત્રમાં કોઈ એનું બગાડી શું લેવાનું છે?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* પોતાની હરએક ફિલ્મમાં કોઈ મેસેજ આપનાર રાજ કપૂર, આવી ઉમદા વિચારસરણી ખુદ પોતાના જીવનમાં કેમ ઉતારી શક્યો નહિ ?
- એણે એમ પણ કીઘું હતું કે, ‘મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...’ આવી ઉમદા વિચારસરણીને આધીન એણે કોઈને કાંઈ પાછી નથી કાઢી... !
(ખેવના હેમાંગ માંકડ, જામનગર)

* સરકારી તંત્રમાં આપની દ્રષ્ટિએ સૌથી વઘુ ભ્રષ્ટ ખાતું ક્યું ?
- મને દસેક લાખ મોકલાવો, તો કહું.
(રાકેશ શિવશંકર ભટ્ટ, અમરેલી)

* ઘરમાં પત્નીથી ડરીને ચાલનારો પતિ ઘરની બહાર નીકળતા જ કેમ બહાદુર થઈ જાય છે?
- એ તો બહાદુર હોય એને ખબર... !
(જગદિશ ટી. રાઠવા, ધોંઘંબા)

* બધા જ હાસ્યલેખકો બ્રાહ્મણો જ કેમ હોય છે?
- એ સિવાય તો બીજે ક્યાં બળતણીયા જોવા મળવાના ?
(ઇલ્યાસ એ. પટેલ, સંતરામપુર)

* સ્ત્રીઓને મોબાઈલ પર લળી લળીને વાતો કરતી જોઈને, તમને શું વિચાર આવે?
- પેલો મરવાનો થયો છે... !
(સુરેશ પ્રજાપતિ, નવસારી)

* સત્તા ટકાવી રાખવા હવાતીયાં મારવા, એટલે શું ?
- માયાવતી.
(કવિતા જે. વાળા, સુરેન્દ્રનગર)

* ભારતના એકેય આતંકવાદી હુમલામાં હજી સુધી કોઈ નેતા ભોગ બન્યો નથી. શું કારણ ?
- સ્વ. રાજીવ ગાંધી શરદી થવાથી ગૂજરી ગયા નહોતા.
(રવિરાજ વાળા, સુરેન્દ્રનગર)

* જીવિત માં-બાપની સેવા ન કરનારા મર્યા પછી એમના ફોટા ઉપર હારતોરા કેમ કરે છે?
- ઘરમાં પડેલા વાસી ફૂલોને એમ કાંઈ નાંખી દેવાય છે, ભ’ઈ?
(હેમંત એસ. બારૈયા, કાવઠ)

* તમે લખ્યા મુજબ, ફિલ્મ જોતા જોતા તમને બાજુવાળાને પોપકોર્ન ધરવા દે, એવા હકીભાભી છે ખરા?
- બે-ચાર વાર તો એ ય ખઈ ગઈ’તી... જે પોપકોર્ન મેં નહોતા ધર્યા!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સ્ત્રીને એક કોયડો કહેવાય છે, તો પુરૂષ શું છે?
- ઉકેલ.
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)


* પુરૂષોનું શોષણ અટકાવવા કોઈ કાયદો નહિ ?

- આવે છે... આવે છે... પાર્લામેન્ટમાં પુરૂષોની ૩૩ ટકા અનામત બેઠકોનો કાયદો આવે છે.... હોઓઓઓ!
(જયદીપ આર. સોલંકી, આટકોટ)

* જગતનું સૌથી મોટું સુખ ક્યું ?
- વગર કારણે પણ હસી શકો તે.
(જાહનવી-નિખિલ વસાવડા, મુંબઈ)

* શું ગૃહમંત્રીઓનું પોતાના ઘરમાં કાંઈ ઉપજતું હશે ખરૂં ?
- મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રફુલ્લભાઈ પટેલ એક આદર્શ પતિ છે.
(કાવ્યા પટેલ, સુરત)

09/12/2011

‘સરહદ’ (’૬૦)

ફિલ્મ : ‘સરહદ’ (’૬૦)
બૅનર : અલંકાર ચિત્ર
નિર્માતા : શંકર મુકર્જી
સંગીત : સી. રામચંદ્ર
રનિંગ ટાઇમ : ૧૦ રીલ્સ
થીયેટર : અશોક (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, સુચિત્રા સેન, રાગિણી, ઘૂમલ, મોની ચેટર્જી, લલિતા પવાર, અનવર હૂસેન, અરૂણા ઈરાની, આકાશદીપ, સજ્જન, સૅમસન અને લીલા મીશ્ર.

ગીતો
૧. નાચો ઝૂમ ઝૂમ કે, ગાઓ ઝૂમ ઝૂમ કે... આશા ભોંસલે-ચિતલકર 
૨. આ ગયા મજા પ્યાર કા નશા... આશા ભોંસલે-ચિતલકર 
૩. અય મેરે દિલ, જો ચલ દિયે કૈસે કરાર પાયેંગે... આશા ભોંસલે-કોરસ 
૪. ગોરી ચલી કર કે સિંગાર... આશા ભોંસલે-કોરસ 
૫. કલ ક્યા હોગા... ઠોકર મારો મજા કરો... મુહમ્મદ રફી-આશા 
૬. આ જા રે, આજા, લાગે ના મોરા જીયા... આશા ભોંસલે

દેવ આનંદની ફિલ્મોગ્રાફી તપાસો, તો ચોંકી જવાય એવું છે કે એ જમાનાના સૌથી વઘુ લાડકા આ હૅન્ડસમ હીરોની ઘણી ફિલ્મો એવી છે, જેના નામ એના ‘હાય-મર જાઉં...’ બ્રાન્ડના ચાહકોએ પણ નથી સાંભળ્યા ને સાંભળ્યા હોય તો એ ફિલ્મમાં શું હતું, એના ગીતો કયા કયા હતા કે ખુદ દેવ સાહેબને પણ એ ફિલ્મ યાદ હશે કે નહિ, એવા સવાલો પૂછાય! ચાહક તો આપણે ય ખરા પણ દેવ આનંદની આવી ૪-૫ કે ૬-૭ ફિલ્મો એવી હતી કે, આપણે ય જોઇ ન હોય. અફ કૉર્સ, પુરવાર કરવાનું કશું રહેતું નથી કે, એ ફિલ્મ જ એટલી સામાન્ય કક્ષાની હતી કે, એમાં એ વખતે, એની પહેલાની વખતે કે આ વખતે ય કશું જોવા જેવું ના બળ્યું હોય! 

...ને તો ય મારે દેવ આનંદની ‘સરહદ’ તો જોવી જ હતી. મારી હશે કોઇ આઠેક વર્ષની ઉંમર અને રીલિફ રોડ પરની અશોક ટૉકીઝ પર ‘સરહદ’નું એક પોસ્ટર જોયાનું હજી યાદ... કે એક હાથમાં હન્ટર લઇને કાળા જૅકેટ પહેરેલા દેવ આનંદના પગમાં સુચિત્રા સેન વીંટળાઇને બેસી પડી છે... પાછળ કોક વેરાન રણનું બૅકગ્રાઉન્ડ હતું. બે પથ્થરની માફક નાનું અને મોટું મગજ ચકમકની માફક એકબીજા ઉપર ઘસ્યા એટલે ફક્ત એટલું યાદ આવ્યું કે, આશા ભોંસલેનું ગાયેલું, ‘આ જા રે, આજા, લાગે ના મોરા જીયા...’ આ ફિલ્મનું હતું. યાદ એટલે વધારે રહી ગયું હતું કે, ખાડીયા-સારંગપુરમાં આવેલી અમારી સાધના હાઇસ્કૂલના અમારા પી.ટી. ટીચર અંબુભ’ઇ પટેલ અમને પરેડ કરાવે, ત્યારે સ્કાઉટની રૅલી નીકળી હોય એવા બૅન્ડ જેવું મ્યુઝિક આશા ભોંસલેના આ ગીતમાં વાગતું હતું. 

બાકી મને જ નહિ, જૂની ફિલ્મોના મહારથીઓને પણ કમ-સે-કમ આ ફિલ્મ ‘સરહદ’ વિશે કોઇ જાણકારી નહોતી. અમદાવાદની ‘નગરી-નગરી, દ્વારે-દ્વારે, ઢુંઢુ રે ‘સરહદીયા...’ આ ફિલ્મની ડીવીડી મલે તે માટે હાથમાં લાકડી પછાડ્યા વગર, મારા માણસોને હુકમ કરી દીધા, ‘‘...શહેર કા ચપ્પા-ચપ્પા છાન મારો... શામ કા સૂરજ ઢલને તક ડીવીડી મેરે હાથ મેં હોની ચાહિયે...!’’ 

પણ એ ય પાછા માણસો તો મારા ને? મને હૂકમ આપતા આવડ્યો નહિ હોય કે એ લોકો સાચું ય બોલતા હોય પણ એમાંના બે-ચાર જણે તો ૮-૧૦ દુકાનો-ઘરોમાં જઇ જઇને છરી-ચપ્પા છાની માર્યા, પણ ‘સરહદ’નો પત્તો ન લાગ્યો. મેં પોતે પણ બસ... ફક્ત સબ્જીવાળાઓ કે રેલવેના ફાટકવાળાઓ સિવાય બધાને પૂછી રાખ્યું હતું કે, ‘‘ક્યાંયથી ‘સરહદ’ની સીડી મળશે?’’ હાળૂં, એમાં ય એક વડીલ તો આ ઉંમરે પોતે ગાયેલા શ્રીનાથજીના ભજનોની સીડી આપી ગયા, ‘‘હે મારા ઘટમાં બિરાજતા... શ્રીનાથજી, હોઓઓઓ’’ 

યસ. બાકાયદા એક ફોન તો સીધો સ્વયં દેવ આનંદ સાહેબને કર્યો. આપણે ગુજરાતીમાં અમથું ય બાજુવાળાના ઘેરથી દહીં મેળવણ માંગવાની ટેવો હોય જ, એટલે દેવસાહેબની પાસે સીડી માંગવા નહિ તો પૂછવામાં સ્વ. ચંદુભાઇનું શું જાય છે? (સ્વ. ચંદુભાઇ એટલે મારા પૂજ્ય પિતાશ્રી.). પણ દેવ આનંદની છેલ્લી ફિલ્મ ‘ચાર્જશીટ’ દુનિયાભરના થીયેટરોમાંથી કોઇ એક થીયેટરમાં કહે છે કે, સૌથી વઘુ બે દિવસ ચાલી હતી ને તો ય... એક અફવા મુજબ... સાંભળ્યું છે કે, દેવ આનંદે પોતે પણ આ ફિલ્મ આખી જોઇ હતી, બોલો! નૉર્મલી, પોતાનો ફોન સૅક્રેટરી-બૅક્રેટરી નહિ, જાતે જ ઉપાડતા દેવ સાહેબનો અનેકવાર ફોન લાગ્યો નહિ. પૉસિબલ છે, ‘ચાર્જશીટ’નો આઘાત સખ્ત લાગ્યો હશે! 

દેવ આનંદની ઘણી ફિલ્મો ગુમનામીમાં સરી પડી હતી. એમની છેલ્લી ‘હરે રામા હરે ક્રિશ્ના’ (’૭૨) પછી બહુ દયાળુ બનીને બહુ બહુ તો ‘દેશ-પરદેશ’ને સારી ફિલ્મો ગણો, પણ એ પછી કોઇ માનશે? આ ‘ચાર્જશીટ’ સુધી એમણે ઉતારેલી એકોએક ફિલ્મ (સંખ્યા-૩૨) એમના કોઇ ચાહકને પણ ગમે એવી નથી બની. નથી બની, એ તો જાવા દિયો... થીયેટરોએ પણ આ ફિલ્મોને બડો બદતમીઝ જાકારો દીધો હતો. 

આ ‘સરહદ’ જોયા પછી ખબર પડી કે, ‘ચાર્જશીટ’ તો સારી ફિલ્મ હશે...!... આના કરતા...!! કમ-સે-કમ રંગિન તો ખરી...! ‘સરહદ’ના તો ટાઇટલ્સમાં ય હોમી વાડીયાની જૂની ફિલ્મોની જેમ લખ્યું હતું, ‘અંશતઃ રંગિન’, (Partly Color) પણ સીડી બનાવનારાઓ રામ જાણે કયા દેશના ફિલ્મ-આર્કાઇવ્ઝમાંથી જૂની ફિલ્મો ઉપાડી લાવતા હશે કે, આવી અંશતઃ રંગિન ફિલ્મોના એ રંગિન દ્રશ્યો પણ ઠામુકાં બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ પટ્ટીમાં જ જોવા મળે છે. (આવું કિશોરકુમાર-નૂતનની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’માં ય થયું હતું) 

પણ લેખના પ્રારંભે જે વાત શરૂ કરી હતી કે, જે દિવસોમાં આપણા સહુનો દેવ આનંદ લીલોછમ્મ લાડકો હીરો હતો, એ દિવસોની ય ઘણી ફિલ્મો વિશે ભાગ્યે જ કોઇને કશી ખબર છે. યાદ કરી જુઓ... ફરેબ, બિરહા કી રાત, ખેલ, ઉઘ્ધાર, મઘુબાલા... મોહન...! બાકીની જીત, બાદબાન, અફસર કે નમૂના જેવી ફિલ્મો તો સમજ્યા કે, એના ગીતોને કારણે યાદ રહી ગઇ હોય એટલે દેવ આનંદ આજે પણ ખૂબ ગમતો હોવાથી હઠ કરીને ’૬૦ની સાલની એની આ ફિલ્મ ‘સરહદ’ જોવા માટે મેં મારી અને બીજાઓની પણ કમરો કસી. 

એમાં મારા જામનગરના માફકસરની કમરવાળા વડીલ દોસ્ત અને જૂની ફિલ્મોના કદાચ સર્વોત્તમ જ્ઞાતા શ્રી ચંદુભાઇ બારદાનવાલા પાસેથી ‘સરહદ’ મળી આવી. અસલના રાજાએ રિઝે એટલે પચ્ચી કે પચ્ચા ગામો ભેટમાં દઇ દે. મેં એમની આ મદદ સબબ મારૂં આખું જામનગર વાપરવા આપી દીદું... આપણું મન પહેલેથી મોટું! 

‘સરહદ’ ઉતારનાર બંગાળી ડાયરેકટર શંકર મુકર્જીનો દેવ પહેલેથી માનિતો હીરો હતો. બહુ વર્ષો સુધી એમણે દેવને સાથ આપ્યો ને એક માત્ર કિશોર કુમારની ‘ઝુમરૂ’ને બાદ કરતા પોતાની તમામ ફિલ્મો ‘બારિશ’, ‘સરહદ’, ‘બાત એક રાત કી’, ‘પ્યાર મુહબ્બત’, ‘બનારસી બાબુ’, ‘ફરાર’ અને પેલી ‘યે દુનિયા વાલે પૂછેંગે, મુલાકાત હુઇ, ક્યા બાત હુઇ...’વાળી ‘મહલ’ પણ ફક્ત દેવ આનંદને લઇને જ બનાવી. લિસ્ટ જોઇ લો... એકે ય ફિલ્મમાં ઠેકાણાં હતા? (જવાબ : નહોતા... જવાબ પૂરો) 

એટલે ‘સરહદ’ માટે હું કાંઇ ઍડવાન્સમાં પ્રભાવિત નહતો. આપણો ઈન્ટરેસ્ટ ફક્ત દેવ આનંદમાં... સિવાય કે વચમાં ક્યારે તમારા મઘુભાભી આવી ગયા હોય, તો દેવ પણ બાજુમાં ઊભો રહે! 

અલબત્ત, તમારામાંથી કદાચ કોકે ‘સરહદ’ જોઇ પણ હોય, તો જરી યાદ અપાવવા વાર્તાનો સાર કહી દઉં. માં વિનાના અમર (દેવ આનંદ)ને નાનપણમાં એના પિતા (મોની ચૅટર્જી)નો ઠપકો સાંભળી ઘરમાંથી નીકળી ગયેલા દેવે મોટા થઇને એકલે હાથે જંગલમાં લાતીનો મોટો વેપાર ખેડ્યો. પણ મજૂરો ઉપર ભારે જોરજુલ્મ કરતો ને પીધો હોય ત્યારે પ્રેમ પણ ખૂબ કરતો. એના તુંડમીજાજને ખારીજ કરવા વર્ષો પછી એના ફાધર એક ઓળખિતાની દીકરી (સુચિત્રા સેન)ને લઇને જંગલમાં આવે છે. દેવ એ બન્ને સાથે એટલી જ બદતમીઝી કરે છે. પણ સૂચિ એને સુધારવાની પ્રતિજ્ઞા લઇને, ‘માન ન માન, મૈં તેરા મેહમાન’ની રૂઇએ, ફરજીયાત પેલાને પ્રેમમાં પાડે છે. અમરના પ્રેમમાં પહેલેથી પાગલ રાગિણીએ સુચિનો કાંટો કાઢવા, જંગલના ગુંડા અનવર હૂસેનનો સાથ લઇને ખૂનના આરોપ હેઠળ દેવને જેલ ભેગો કરે છે. એ છ મહિનાનો વિરહ બર્દાશ્ત ન થતા સુચિ ગાંડી થઇ જાય છે, જેને રીપિટમાં ડાહી કરવા દેવનો જૂનો ફ્રૅન્ડ સજ્જન સુચિની સારસંભાળ રાખે છે, એમાં ગાંવવાલોંને મસાલો મળી જાય છે. દેવ સજ્જનને કાઢી મૂકે છે. છેલ્લે બધો ભેદ ખુલી જતા જે શી ક્રસ્ણ થાય છે. 

આપણા જેવા સી. રામચંદ્રના ચાહકોને ઝાંયઝાંય આઘાત લાગે કે, આ અન્ના કરતા’તા શું કે, આવું બંડલ મ્યુઝિક ‘સરહદ’ જેવી તો અનેક ફિલ્મોમાં આપ્યું? ’૫૯ની સાલમાં મુંબઇના મરાઠા મંદિર થીયેટરમાં દિલીપ કુમાર- વૈજ્યંતિમાલા- રાજકુમારવાળી ફિલ્મ ‘પૈગામ’ના પ્રીમિયર શો વખતે લતા મંગેશકર સાથે જીંદગીનો છેલ્લીવારનો કાતિલ ઝઘડો થઇ ગયા પછી અન્ના ક્યાંયના ન રહ્યા. લતા હતી, ત્યાં સુધી બઘું હતું. વ્હિ. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’ને બાદ કરતા લતા વગર અન્ના ક્યાંય હરખા ઝળક્યા નહિ. કહે છે ને કે, ફિલ્મનગરીમાં પરમેશ્વરનો માર ખાધેલો તો કદીકે ઉઠે, પણ લતાનો માર ખાધેલાઓ તો મર્યા પછી ય મરી શકતા નથી! એક વાર મરવામાં ય ડઘાઇ જાય છે...! નહિ તો ’૪૫થી ’૫૫નો દસકો સી. રામચંદ્રને નામે લખાયેલો હતો. ‘સફર, સાજન, નદીયા કે પાર, શેહનાઇ, સમાધિ, નમૂના, ગર્લસ-સ્કૂલ, પતંગા, સિપહિયા, નઝરાના, નિરાલા, સંગીતા, સરગમ, અલબેલા, ખજાના, સરગમ, સંગીતા, શબિસ્તાન, ધૂંઘરૂ, હંગામા, પરછાંઇ, સાકી, શિનશિનાકી બૂબલા બૂ, અનારકલી, ઝમેલા, ઝાંઝર, લહેરેં, શગૂફા, કવિ, મીનાર, નૌશેરવાને આદિલ, શારદા, તલાશ, અમરદીપ, તલાક, સ્ત્રી અને છેલ્લે છેલ્લો ચમકારો ગુરૂદત્ત-માલા સિન્હા-ફિરોઝખાનવાળી ફિલ્મ ‘બહુરાની’માં ‘‘મૈં જાગું સારી રૈન, સજન તુમ સો જાઓ, સો જાઓ...’’ 

ઉફ ઓહ... કોઇ પંખો ચાલુ કરો... લિસ્ટ લાંબુ નીકળ્યું પણ એ મહાન સર્જકની પ્રતિભા યાદ આવી ગઇ. આ લિસ્ટની મોટા ભાગની ફિલ્મોના ગીતો અમને પણ કંઠસ્થ હોય, એ હિસાબે કેટલું ચાહતા હોઇશું, અન્નાસાહેબને? અને એ જ પછી આવી ‘સરહદ’ જેવી ફિલ્મમાં હમૂળગો દાટ વળે તો ઘરમાં બા ખીજાય નહિ? 

તત્સમયના તમામ સંગીતકારોની ઓળખ કયા સંગીતકાર કેટલી વૉયલિનો વગાડતા હતા, તેના ઉપરથી આવે છે. એસ.સી. બર્મનમાં ૧૫ કે ૧૯ વૉયલિનવાદકો હોય, નૌશાદમાં ૧૨-૧૩થી વઘુ નહિ. અનિલ બિશ્વાસમાં તો બહુ ઓછા. અગાઉ એકે ય વાર ન સાંભળેલું કોઇ ગીત અડધેથી ફક્ત એ ગીતની વૉયલિન સાંભળીને મારા જેવા ચાહકો કહી શકે કે, આ સંગીત સી. રામચંદ્રનું છે, અનિલ દા નું કે રવિનું છે. ગાયક તરીકે પોતાને ચિતલકર તરીકે ઓળખાવતા સી. રામચંદ્ર ક્યારેક હવાફેર માટે સંગીતકાર તરીકે અન્ના સાહેબનું પાટીયું પણ મરાવતા. એ શંકર-જયકિશન, ઓપી નૈયર કે નૌશાદની બરોબરીમાં કમર્શિયલી બહુ જામ્યા નહિ બે કારણોથી... એક તો એમના પર્કશન્સ (રિધમ સૅક્શન)માં બધી છાંટ મરાઠી લાવણી સંગીતની વઘુ. મૅન્ડોલિનનો ય બેફામ ઉપયોગ. જેમ અમારા કલ્યાણજી-આણંદજીએ એ જ રિધમ-સૅક્શનમાં ગુજરાતી લોકસંગીતવાળા છાપેલા ઠેકા જ વગાડે રાખ્યા. એમના સંગીતમાં બઘું સંગીતની પાઠશાળામાં શીખવાડ્યું હોય એટલું જ આવે.. રાહુલદેવ બર્મન જેવા તો રિધમને સર્વોચ્ચ સ્થાને બેસાડવા માટે માદલ કે ‘ડિમટી’નો ઉપયોગ પણ બેહિસાબ કર્યો. ઠેકા તો ઓપી નૈયરે પણ પંજાબી જ વગાડ્યા, પણ એમના સંગીતમાં તાલની સાથે લય પણ કરામાતી હતો. કોઇ ગમે તે કહે, મુહમ્મદ રફીનો સર્વોત્તમ ઉપયોગ એકમાત્ર ઓપી નૈયર જ કરી શક્યા છે. ચિતલકર પોતાના પ્રેમમાં વધારે હોવાથી મુહમ્મદ રફી એમને ક્યાંય દેખાયો તો ઠીક, સંભળાયા પણ નહિ હોય... એટલે પોતાની ફિલ્મોમાં ન છુટકે જ રફી સાહેબને લેવા પડ્યા છે... અનિલ બિશ્વાસની જેમ! 

‘સરહદ’માં બીજું કોઇ કોણ હતું, એ જાણવાની ઈચ્છા થાય તો દાબી રાખજો, બહુ ખુશમખુશ થવાય એવું નથી. સુંદરતા સર આંખો પર, બાકી ઍક્ટિંગ-ફૅક્ટિંગમાં ‘છુટ્ટા નથી, આગળ જાઓ’ જેવો મામલો હોવાને કારણે બંગાળણ સુચિત્રાસેન એક ‘દેવદાસ’, ‘મમતા’ અને છેલ્લે છેલ્લે ‘આંધિ’ સિવાય હિંદી ફિલ્મોમાં નો દેખાણી. રાજ કપૂરની લાઇફમાં ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ પછી નરગીસની જગ્યા લઇ લેનાર મદ્રાસી અભિનેત્રી પદ્મનીની બીજી બહેન રાગિણી આ ફિલ્મમાં ત્રીજી બહેન લલિતા ફિલ્મોમાં નહોતી આવી. ફિલ્મ ‘જંગલી’માં સાયરા બાનુનો બાપ બનતા મોની ચેટર્જીની ખાસિયત એ હતી કે, એણે લગભગ બધી ફિલ્મોમાં ખભે સસ્પૅન્ડર્સ પહેર્યા છે. 

ફિલ્મ ‘સરહદ’ માટે દિગ્દર્શક શંકર મુકર્જીનો આભાર એટલો જ કે, સરપ્રાઇઝિંગલી (...ઍન્ડ, થૅન્કફૂલી) આ ફિલમ ૧૦ જ રિલ્સની છે...! 

ઓહ યસ. આપણને તો એમ કે, અરૂણા ઈરાનીએ બાળકલાકારનો કિરદાર ફક્ત ફિલ્મ ‘ગંગા-જમુના’માં જ નિભાવ્યો હતો, પણ અહીં ‘સરહદ’માં ય તે બાળકલાકાર છે. અલબત, ફિલ્મના ટાઇટલ્સ કે પ્રચાર-સાહિત્યમાં તેનું નામ નથી. આપણને આશ્ચર્ય સાથે જોવા મળી ગઇ કે, ‘‘ઓહ... આ તો નાની અરૂણા છે.’’ તેની સાથેનો બાળકલાકાર આકાશદીપ તો એ વખતની ઘણી ફિલ્મોમાં આવી ગયો છે.

08/12/2011

મારા જીવનની ત્રણ ભૂલો

ચિત્રલેખા દિવાળી અંક 2011માં પ્રગટ થયેલો હાસ્યલેખ.


ભૂલ કરવી એ નૉર્મલ માણસનું લક્ષણ છે. ( અથવા તો માણસનું નૉર્મલ લક્ષણ છે.) પણ ભૂલ કબૂલ કરવી એ ડોબાઓનું કામ છે.

આ મહાન નિરીક્ષણને તમે હવે પછી અશોક દવેજીના ક્વોટ તરીકે ઉપયોગ કરી શકશો. રસ્તે ચાલતાં ઠેસ વાગે એ પણ પ્રકાર ભૂલનો જ છે. પણ... જરા જોઇને ચાલતા હો તો...! એવી ઘટનાસ્થળે જ કોઇ સલાહ આપી દે ત્યારે, વાગી એને ઠેસ ન કહેવાય, યોગ કહેવાય અથવા તો જોવામાં ભૂલ તમારી થઇ છે... ચાલવામાં મારી નહીં... મને કોઇ ઠેસ વાગી નથી એવું વગર પુરાવે સાબિત કરી શકો તો તમે જિનિયસ કહેવાવો...!

આવા ઘણા જિનિયસો દિલ્હીની તિહાર જેલમાં છે.

મતલબ સાફ છે. હું ય આ જ દેશનું સંતાન છું. આજુબાજુ જે જોયું એવા સંસ્કાર મારા પર પડ્યા છે. સાઠે પહોંચવા આવ્યો છું. પણ મને યાદ નથી આજ સુધી મે એકેય ભૂલ કબૂલી હોય ! કઠિન કામ અમથાંય મને ફાવતાં નથી. મેં આજ સુધી બાકાયદા એકેય ભૂલ કરી નથી અને ચિત્રલેખા મારી પાસે મારા જ જીવનની ત્રણ જેટલી માતબર સંખ્યામાં ભૂલ કબૂલાવવા ચાહે તો સ્વાભાવિક છે હું બદમાસીઓ પર ઊતરી આવવાનો છું.

અફ કોર્સ, બીજા કોઇએ કરેલી ભૂલો વિશે મને પૂછો... આવા ૫૦ દિવાળી અંકોમાં આપણો લેખ પાકો ! જો કે ચિત્રલેખામાં તો વગર ગુને મારી ત્રણ–ત્રણ ભૂલ કબૂલવાની છે તો એવી સફાઇથી મારી ભૂલો વિશે વાત કરીશ કે વાચકના જીવો બળી જાય કે અગર આને જો ભૂલ કહેવાતી હોય તો અલ્લાહ કસમ... આપણે બી આવી ભૂલો કરવા તૈયાર છીએ.

મારી પહેલી ભૂલ...
૧૯૬૯માં મારી પહેલી સગાઇ નાયરોબીની એક છોકરી સાથે જામનગરમાં થયેલી. ઉંમર હશે એકઝેક્ટ ૧૭ વર્ષ. મારા કરતાં એ એક વર્ષ મોટી હતી. ( અક્કલમાંય... એટલે જ મને પસંદ કર્યો હોયને ? ) તમે સમજી શકો છો કે ૧૭ વર્ષની કુમળી વયે એક માસૂમ યુવાન પાસે પ્રેમના સંદર્ભમાં કેટલી અપેક્ષાઓ રાખી શકો?

આ હું તમને નથી પૂછતો... પેલીને મેં આવું પૂછ્યું હતું. કારણ કે અનુભવ–અનુભવો અભાવે મને સ્પેલિંગની ભૂલો વગરનું આઇ લવ યુ કહેતાંય નહોતું આવડતું. એ અકળાતી હતી તો મેં સાંત્વન આપ્યું કે હજી ‘આઈ લવ યુ’ પર મારો હાથ બેઠો નથી તો થોડો સમય આપ... બહાર થોડો અનુભવ લઇ આવું ને પછી તને એકલીને ‘આઇ લવ યુ’ કહીશ.

આપણા મનમાં કોઇ પાપ નહીં એટલે એ ખાસ કાંઇ બોલી તો નહીં, પણ લાઇફનું પહેલું ચુંબન કરવાનું આવ્યું (લાઇફનું પહેલું એટલે એની લાઇફનું... મારી લાઇફ વિશે મને આધારભૂત જાણકારી નહોતી !) ત્યારનો સમો વાચકોએ નોંધી રાખવા જેવો છે કે પ્રથમ ચુંબનની વેળાએ આજુબાજુ કેવી હવાઓ ચાલતી હોવી જોઇએ (ખાતરના કારખાનાની બહાર જગ્યા સારી મળી ગઇ હોય તો ય ત્યાં પહેલું ચુંબન ના કરાય... બા ખિજાય !), ઝાડપાન કેવાં ફરફર કરતાં હોવાં જોઇએ, અંધારું માફકસરનું કેટલું હોવું જોઇએ એથી સામે છેડે તમને એના હોઠ શોધવામાં તકલીફ ન પડે (ઘણાને તો આવા ટેન્શનમાં પેલીનું મોઢુંય મળતું નથી હોતું !) અને ખાસ તો... પ્રથમ ચુંબનના ચૌદ કલાક પહેલાં ખાવા – પીવાનું ધ્યાન રાખવું જોઇએ. આપણું મોઢું અને ખાતરના કારખાનામાંથી આવતી ગંધ એકસરખી ન હોવી જોઇએ...!

અમે પરફેક્ટ સ્થાને હતાં. લાખોટા તળાવની પાળે ગોવાળની મસ્જિદની બાજુના સમરત સદનની ટેરેસ પર મારા મોસાળમાં આ તખ્તો ગોઠવાયો હતો. ૧૭ વર્ષની ઉંમરે પહેલી વાર આવું કરવાનું આવે તો છોકરું કેવું હેબતાઇ જાય? અફ કોર્સ, મારો ઇરાદો ચુંબન કરવાનો હતો, પણ એમ કાંઈ ચુંબનો રસ્તે પડ્યા છે... ખાસ કરીને પહેલી વારનાં? હું હેબતાતો જતો હતો ને એ ટેન્શનમાં આવતી હતી કે આને કાંઈ આવડતું–બાવડતું લાગતું નથી...! સામે આપણેય નિખાલસ. મેં પણ કહી દીધું :

‘મને પણ આવડતું નથી.’

પછી તો... વો હી હુઆ જો હોના થા... બધું પતી ગયા પછી મારા ચહેરા પર વિજયનો ભાવ અને પેલી તો હેબતાઈ ગઇ કે આ તો ના પાડતો’તો કે એને કશું આવડતું નથી... ને એણે કરી બતાવ્યું. એ તો વર્લ્ડ બેસ્ટ ચુંબનનોના વર્ગમાં મૂકી શકાય એટલું પરફેક્ટ હતું. આઘાત તો મનેય એટલો જ લાગ્યો હતો કે મારાથી પહેલા બૉલે સિક્સર વાગી કેવી રીતે ગઇ ?!

અહીં જીવનની પહેલી ભૂલ કરી. બસ, આનંદ ઉપરાંત પહેલો જંગ જીતવાના ઉન્માદમાં મારાથી પ્રતિજ્ઞા લેવાઇ ગઇ કે હવે પછી જીવનમાં આવું ચુંબન બીજી કોઇને નહીં કરું... ઈતિહાસ રોજેરોજ બનાવવાના ન હોય !

ફિર ક્યા... ? કો’ક કારણસર સગાઇ તૂટી ગઈ અને મારે બીજી સાથે સગાઈ કરવી પડી. બીજી ઈનિંગ્સમાં પણ પેલી પ્રતિજ્ઞા પાળવી તો પડે...! એ પ્રતિજ્ઞા પાળીને અધમૂવો થઇ ગયો... આ તો સારું છે કે આપણી પાસે નવી પ્રતિજ્ઞાઓનો જથ્થો વિપુલ પ્રમાણમાં પડ્યો હોય એટલે પહેલી વાળી પ્રતિજ્ઞા લૂંછી નાંખી ને નવી શરૂ કરી કે હવે પછી કોઇને ના ન પાડવી !

મારી બીજી ભૂલ...
આ બીજી ભૂલમાં કૉમેડી કરતાં કરુણા વધારે હતી.

અમદાવાદના એક જાણીતા અખબારમાં પત્રકાર તરીકે મારી નોકરી નાઈટની. જુવાની ધગધગતી અને હાસ્યલેખક તરીકે મારું ફૅન–ફોલોઈંગ પણ મોટું હોય એવું ધારીને મારી સાથેના એક રોમાન્ટિક (હાલ સ્વર્ગસ્થ) પત્રકાર રોજ મને ઉશ્કેરતા રહે : ‘દાદુ... તમને તો ઘણી બધી છોકરીઓ ઓળખે. એકાદી સાથે આપણો પરિચય કરાવોને !’

મેં મજાક ખાતર કાગળ પર એને ત્યાં ને ત્યાં ઉપજાવી કાઢેલા ૮–૧૦ ટેલિફોન નંબરો લખી નાખ્યા કે જાઓ રાજ્જા... લહેર કરો.

માત્ર મજાક ખાતર કરેલી આ ભૂલ મને બહુ મોંઘી પડી. 

ઘેર જઇને એણે તો બધાં ચકરડાં ઘુમાવી જોયાં ને બીજા દિવસે ખુશ થતો મારી પાસે આવ્યો : ‘થેન્ક યુ, દાદુ... થેન્ક યુ... મારું કામ બની ગયું... તમે આપેલા નંબરો પરથી એક મળી ગઈ.... મસ્ત મસ્ત !’

હવે હું ચમકી ગયો કે આ ડોબો તો સાચું માની ગયો છે એટલે ખિજાઈને સ્પષ્ટતા કરી દીધી કે ભ’ઇ... આ તો બધા ખોટા નંબરો મેં તને મજાક ખાતર આપેલા... આમાંની કોઇને હું ઓળખતો નથી... ! બંધ કરી દે આ બધું... ક્યાંક ભરાઇ જઈશ તો મરી રહીશ...!

એણે નફ્ફટાઇથી જવાબ આપ્યો : ‘કોઇ વાંધો નહીં... મને ય ખબર હતી કે તમે મને ઉલ્લુ બનાવો છો ને નંબરો ખોટા આપ્યા છે, પણ એ મજાકમાંય મારું કામ થઇ ગયું, બૉસ... થેન્ક યુ.’

આ બાજુ જેને એ નંબર લાગ્યો હતો એ અમદાવાદના એક કવિ–પ્રોફેસરની વાઇફ હતી. આણે શરૂઆતથી જ રોમાન્ટિક અને અભદ્ર ભાષામાં પોતાના અરમાનો કહેવા માંડ્યાં. પેલાં બહેન ડરી તો ગયાં, પણ સ્વસ્થતા રાખીને એ વખતે હાએ હા કરીને બીજે દિવસે ફરી ફોન કરવાનું ઇજન આપ્યું અને પોતાના પતિને બધી વાત કરી દીધી. પ્રોફેસરે ઠંડે કલેજે પોતાના મિત્રોને વાત કરી ને બીજે દિવસે સવારે વાસણા બસ–સ્ટૅન્ડ પર ભાઇને બોલાવવા પત્નીને જણાવ્યું. ગુપ્તવેશે પોલીસો અને મારઝૂડ કરી શકે એવા થોડા યાર–દોસ્તોને પણ બોલાવ્યા. હજી બન્નેએ એકબીજાને જોયાં તો નહોતાં, પણ ફોનમાં વર્ણનોની આપ–લે થઇ હતી એ મુજબ બહેને લાલ સાડી પહેરીને બસ–સ્ટૅન્ડ પર આવવાનું હતું અને આ ભાઇએ પોતાના વર્ણનમાં ઝભ્ભો–લેંઘો, કાળાં ચશ્માં, ટૂંકા સફેદ–કાળા મિક્સ વાળ અને થોડી ફાંદ જણાવી હતી.

છટકું પૂરું ગોઠવાઇ ગયું હતું. શાર્પ ટાઇમે રિક્ષામાં ભાઇ આવ્યા. બન્નેએ એકબીજાને જોયા. ખબર પણ પડી ગઇ કે આપણી પાર્ટી આ જ છે. હવે અહીં ભૂલ એ થઇ ગઇ કે આજુબાજુ પોતાના માણસો છે કે નહીં એની ખાતરી કરવા બહેનજીએ જોયું એમા પેલાને શંકા પડી અને કાચી સેકન્ડમાં એ જ રિક્ષામાં પલાયન થઇ ગયો.

પ્લૉટ નિષ્ફળ ગયો. ઘવાઇને એણે પેલાં બહેનને ફોન કર્યો ને ખખડાવ્યાં : આવા છટકાં ગોઠવીને મને બોલાયો’તો... ? સામે પેલાં બહેને યોજના મુજબ સામો ગુસ્સો કર્યો : 

‘ઓ માય ગૉડ... તો રિક્ષામાંથી ઊતર્યા એ તમે જ મારા દેવ હતાં... ?  જાઓ, હવે મારી સાથે તો બોલશો જ નહીં... એક તો હું મારા પતિને દગો કરીને તમને મળવા આવી ને તમને એટલો વિશ્વાસ પણ ન આવ્યો ? હવે કદી મને ફોન કરશો નહીં.’

પલળી ગયેલાએ પસ્તાવાવાળી સોરી કહીને ફરી મળવાની યાચના કરી. યાચના યોજના મુજબ તાબડતોબ મંજૂર થઇ ગઇ. બીજે દિવસે સવારે ટાઉન હોલના કમ્પાઉન્ડમાં... એ જ લાલ સાડી સાથે !

એ દિવસોમાં હું દિવસે એક કૉ–ઓપરેટિવ બૅન્કમાં નોકરી કરતો હતો ને રાત્રે પ્રેસમાં પાર્ટ–ટાઇમ. એ મારી બૅન્કમાં આવ્યો. થોડો ગભરાયેલો હતો : 

‘દાદુ... દાદુ... એક નાનું કામ કરવાનું છે. આવતી કાલે સવારે પેલીએ મને ટાઉન હૉલ બોલાવ્યો છે. તમે મારી સાથે ચલો. ખાલી એટલું જ જોવાનું છે કે એ આવી છે કે નહીં. કદાચ કોઇ છટકું–બટકું ગોઠવ્યું હોય ને ડાયરેક્ટ મને જુએ તો હું મરી જઉં... હું પાછળ બસ–સ્ટેન્ડ પર બેઠો હોઇશ. મને ઈશારો કરજો કે એ આવી છે કે નહીં. પછી તમે જતા રહેજો.’

આ વખતે હું ગુસ્સે થયો: હવે ચેતી જા... હું તો આવીશ નહીં, પણ તનેય નહીં જવા દઉં... સાલા, મરીશ !

એ કરગર્યો : ‘દાદુ... મારું બસ... એક આટલું કામ કરી આપો... હું તો આટલો કદરૂપો છું ને મને પેહલી વાર આવી કોઇ સારી છોકરી મળી છે... તમે સપોર્ટ કરો.’

પહેલી ભૂલ, મજાકમાંય આવા ડોબાને ખોટા ફોન નંબરો આપવાની અને બીજી, એના નાટકને તાબે થઇને ટાઉન હૉલ જવાની હા પાડવાની.

ટાઉન હૉલ પર જમાવટ થઈ ગઈ હતી. પોલીસખાતાના છૂપાવેશે અનેક માણસો, અન્ય ભાડૂતી ભાઇલોગ અને થોડા પત્રકારો. પત્રકારો એટલા માટે કે પ્રોફેસરે પેલાના ફોન ટ્રેસ કરાવ્યા એમાં શહેરના ચોક્કસ એરિયાની ખબર પડી હતી અને એ જમાનામાં ટેલિ–પ્રિન્ટરો હતાં એટલે એના ખટખટાખટખટ...ના નિરંતર અવાજોને કારણે ધારણા એટલી બંધાઇ હતી કે આ રોમિયો છે તો કોઇ પ્રેસનો. પ્રેસનો જ નીકળે તો ઉપસ્થિત પત્રકારો તરત ઓળખી શકે.

નિયત સમયે અમે પહોંચી ગયા. પેલો બસ–સ્ટૅન્ડે અને હું ટાઉન હૉલના કમ્પાઉન્ડમાં. નજર તરત પડી કે લાલ સાડીવાળા બહેન ચોક્કસ બાંકડે બેઠેલાં છે. મારો રોલ એટલું જોઇને બહાર પેલાને દૂરથી ફક્ત ઈશારો કરીને પૂરો થતો હતો કે જાઓ  સિધાવો... પેલા આવી ગયા છે.

મારા આઘાતની વચ્ચે એ ત્યાં હતો નહીં. હું ચમક્યો એટલે એની તપાસ કરવા ફરી કમ્પાઉન્ડમાં આવ્યો અને એને શોધ્યો. ન મળ્યો એટલે બે બાંકડા છોડીને એને મેસેજ આપવા પૂરતો થોડી રાહ જોવા બેસી ગયો. બહેને મને સ્વસ્થતાથી જોયો. વ્યૂહરચના એવી હતી કે બહેન ઇશારો કરે કે પેલો આવી ગયો છે અને આ જ છે એટલે બધાએ રોમિયો પર તૂટી પડવાનું હતું. હું નિશ્ચિતતાથી એટલે બેઠો હતો કે મારા પર તો ડાઉટ જવાનો કોઇ સવાલ જ નથી, કારણ કે રોમિયોનો અવાજ એમણે અનેક વખત ફોન પર સાંભળ્યો છે. વાસણા બસ–સ્ટૅન્ડે એને હૂબહૂ જોયો પણ છે.

પ્લાન મુજબ એમણે મને જોઇને પેલા લોકોને કોઇ ઇશારો ન કર્યો, પણ એ દરમિયાનમાં એક સિનિયર પત્રકાર બહુ ઉમળકાથી મને મળવા આવ્યા. એ યોજનાના ભાગરૂપ હતા અને મારા જ કાર્યાલયમાં હોવાથી પહેલો ડાઉટ એમને મારા પર પડ્યો હતો. આડીઅવળી વાતો કરીને મને મારી અહીં ઉપસ્થિતિનું કારણ પૂછ્યું. હું જવાબ અને એમને બન્નેને ટાળી શક્યો, પણ અસ્વસ્થતા મને થઇ એટલે ક્ષણ બગાડ્યા વિના હું ત્યાંથી નીકળી ગયો.

અમારી આ મુલાકાતની બરોબર ૧૨ મિનિટ પહેલાં એ જ પત્રકાર ટાઉન હૉલની બહાર પેલા બસ–સ્ટૅન્ડ પાસે મૂળ રોમિયોને મળ્યા હતા. રોમિયોની પીઢ ઉંમર જોતાં એ પત્રકારે નિખાલસતાથી રોમિયોને અંદર બનવા જઇ રહેલી ઘટના વિશે બાફી માર્યું.

અમારો આ રોમિયો અગાઉ આ પત્રકારશ્રીએ આપેલી વિગતો પરથી પેલા પ્રોફેસરનું નામ ઓળખી ગયો. એને હવે ખબર પડી કે અજાણતાંમાં એ પોતાના જાણીતા પ્રોફેસરની પત્નીને જ આવા ફોન કરતો હતો ! સ્વાભાવિક છે કે આટલું સાંભળ્યા પછી એ ત્યાં એક ક્ષણ પણ રોકાય ? કલાક પછી મારી બૅન્કે પાછો આવ્યો. ગભરાટમાં મને એણે બધી વાત કરી દીધી કે આવો લોચો થયો છે.

હવે મે એને પૂરા ગુસ્સાથી હાથ જોડ્યા : ‘હજી ચેતી જા... હવે મરી રહીશ.’ માફી તો એણે માંગી લીધી, પરંતુ નવી ભીખ પણ માગી:

‘દાદુ... મારી વાઇફ પ્રેગનન્ટ છે... જો એને કાલ ઊઠીને ખબર પડશે તો અમારું આવનારું બાળક મરી રહેશે. ભગવાનને ખાતર... ગમે તે થાય તમે કોઇને મારું નામ નહીં દેતા... આપણે બન્ને બ્રાહ્મણ છીએ... ભગવાન શંકર ખાતરેય મારી લાજ રાખજો. જીવનભર હું તમારો ગુલામ રહીશ, પણ મારું નામ ન દેતા !’

બ્રાહ્મણોની સાલી આ એક કમી હોય છે. એક વખત વચન આપે પછી મરી જાય તોય ફરી ન જાય, કારણ કે એમની પાસે ખિસ્સામાં આપવા જેવાં વચનો જ પડ્યાં હોય છે, પૈસા નહીં.
********
બીજા દિવસની રાત્રે લગભગ અગિયારેક વાગે બે શિક્ષિત માણસો કાર્યાલયમાં મારા ટેબલ પર આવ્યા : ‘અશોક દવે આપ જ ?’

મને એમણે પોતાનું નામ દીધું એ સાથે જ હું સમજી ગયો કે પેલો રોમિયો મરવાનો થયો છે. આ લોકો અહીં સુધી આવી ગયા છે એટલે સ્વાભાવિક છે, મનેય થોડી પૂછતાછ કરશે, પણ મે તો અભયવચન આપ્યું છે એટલે હું તો કહી દઈશ : મને કશી ખબર નથી. પેલાનો મરવાનો સમય આવી ગયો હશે તો મરશે, પણ હું શું કામ એનું કારણ બનું?

‘આપને વાંધો ન હોય તો થોડી વાતો કરવી છે... બહાર આવશો?’

ના પાડવાનું મારી કોઇ પણ કારણ અને વિકલ્પ નહોતો. મારું સ્કૂટર અને એ લોકોની ત્રણેક ગાડીઓ સાથે રાત્રે સવા અગિયારે કાફલો વી.એસ.હૉસ્પિટલ પાસે પહોંચ્યો. મારે સ્કૂટર પાર્ક કરવાનું હતું, જેથી બાજુની રેસ્ટોરાંમાં ચા–પાણી માટે બેસી શકાય, પણ અચાનક જ કશુંક ભયજનક બની ગયું. મારા આવતાંની સાથે જ એમના ચાર–પાંચ માણસોએ જબરદસ્તીથી મને એમની મોટી એમ્બેસેડરમાં ધકેલી દીધો. હું કાંઈ સમજું એ પહેલાં બધી ગાડી એકસાથે પૂરી સ્પીડ સાથે ઊપડી. શરૂઆત થઇ મને મારઝૂડ કરવાની. હું કાંઇ સમજી શકું એટલો સમય પણ એ લોકો મને આપવા માંગતા નહોતા એટલી ઝડપ એમના મારવામાં હતી. ગાળાગાળી સાથે અને હવે તો તારી લાશના ટુકડા કરીને નાંખી દઈશું એવી ચીસાચીસ સાથે મને મારતા રહ્યાં. વચમાં અજાણતામાં ક્યાંક મોઢું ખોલવાનો મળી ગયો એમાં હું એટલું પૂછી શક્યો : મને કેમ મારી રહ્યાં છો ? પ્રોબ્લેમ શું છે ? ઐ તો કહો... પ્રોબ્લેમ એમણે કીધો : ‘હરામજાદા... કો’કની પત્નીને ગંદા ફોન કરવાની સજા હવે તને મળશે, નીચ...!’

આ સાંભળીને મારા જીવનનો આનાથી મોટો આંચકો તો બીજો કયો આવવાનો હોય ? મે તરત કહી દીધું :
‘ઓકે...તો આ ગેરસમજ છે... અરે ભાઇ તમારો ગુનેગાર હું નથી... તમારો ગુનેગાર તો પેલો XXXX છે... વિશ્વાસ ન હોય તો એ બહેનને ફોન કરી મારો અવાજ સંભળાવો કે મને રૂબરૂ લઈ જાઓ... એમણે તો વાસણા બસ–સ્ટેન્ડ પર પેલાને જોયો છે... મને જોય પછી તો એ તરત કહેશે કે એ હું નથી !’

કોઇ પરિણામ નહીં. માર વધતો ગયો. એ લોકોએ ગાડીઓ હાઇ–વેને બદલે કન્ટ્રી–સાઇડના રસ્તા પરથી લીધી હતી, જેથી મારું અપહરણ કોઇ જોઇ ન જાય. એમને બીજો ફાયદો એ પણ જોઇતો હતો કે એક જ ગાડીમાં બેઠેલાઓ અશોક દવેને ફટકારે રાખે તો બીજાને આવો ચાન્સ ક્યારે મળે ? ગાડીઓ બાકાયદા ઊભી રહેતી. બીજી ગાડીઓવાળાય તબિયતથી એમનો હાથ સાફ કરવા મને મારવા આવતા ને પાછા ગાડીમાં બેસી જતા !

અચાનક મને યાદ આવ્યું કે હું તો કોઇ કાળેય પિક્ચરમાં નહોતો તો પછી આમને હું ક્યાંથી દેખાયો ? મને મારઝૂડ કરવાના ઝનૂનમાં ઐ લોકો મને સાંભળવા પણ તૈયાર નહોતા ત્યારે અચાનક મે મારું અસલ ખાડિયા (અમદાવાદ) અને બ્રાહ્મણ પરશુરામ–સ્વરૂપ ખોલીને એક–બેને તો ત્યાં ઝાપટી લીધા ને સામા ત્રણ–ચાર મુક્કા પુરજોશથી ફટકાર્યા ઉપરાંત એક વાક્ય અનાયાસ જ મારાથી બોલાઇ ગયું :
‘સાલાઓ સાંભળતા નથી... હુંય ખાડિયાની ઔલાદ છું... હવે તમેય જુઓ !’

ખાડિયાનું નામ પડતાં એ લોકો હેબતાઇ ગયા. ગાડીઓને બ્રેક વાગી ગઇ. મારા ગાડીમાં બેઠેલા પ્રોફેસરને કોઇ ઝબકારો થયો :
‘અરે, પેલા ફોન તો વાસણાથી આવતા હતા... રાત્રે અને અશોક તો ખાડિયા રહે છે. દેખીતું છે, કોઇ માણસ આવા ફોન કરવા રોજ વાસણા સુધી લાંબો ન થાય... બહુ બહુ તો રાણપુર કે રેલવેપુરા જાય ને ત્યાંથી કોઇ ફોન આવ્યા નથી... માય ગૉડ... અશોક નિર્દોષ છે... સૉરી... સૉરી... ગાડીઓ રોકો.’

તખ્તો પલટાઇ ગયો.
‘તમને મારું નામ દીધું કોણે ? ’
‘ XXXXએ તો કીધું કે આ ફોન તમે કરતા હતાં....!’
‘શુંઉઉઉઉઉઉ...? XXXXએ મારું નામ દીધું ?’
બીજે દિવસે એ જ ઘટનાનું પુનરાવર્તન... માર ખાનાર ફક્ત વિલન જ બદલાયો હતો... ખૂબ માર્યો એને એ લોકોએ. ઘેર આવીને મારી પત્ની અને મા–બાપ પાસે પણ માફી માંગી. મારા અખબારના માલિક તંત્રી પાસે પેલાને તૂટેલાં હાડકે લઇ જઇને મે લેખિતમાં કબૂલ કરાવ્યું કે માત્ર ઇર્ષાથી અને મારી જાતને બચાવવા મે અશોક દવેનું નામ દઇ દીધું હતું.... આજની તારીખે પણ પેલા તંત્રીશ્રી પાસે રોમિયોએ લખેલું કબૂલનામું સહીસલામત પડ્યું છે.

મારી ત્રીજી ભૂલ...
કોઇના પર પણ વિશ્વાસ મૂકવાના વિષયમાં મારા પર વિશ્વાસ મૂકી શકાય એવો નથી. આમ તો મેં એવાં કોઇ કામ કર્યા નથી કે અંતે મારે પસ્તાવું પડ્યું હોય, પણ એક વાત શીખી ગયો છું કે વિ્શ્વાસ તો સ્વયં ઇશ્વર પર પણ મૂકી શકાય એવો નથી...! કોઇએ પોતાની પર્સનલ ગણતરી કરી જોઇ ખરી કે આજ સુધી પરમેશ્વરે તમારી સાથે કેટલા કિસ્સાઓમાં વિશ્વાસઘાત કર્યા છે?
...અને તોય હું આ ત્રીજી ભૂલ કરે જ જઉં છુ, કોઇની પણ પર આંધળો વિશ્વાસ મૂકવાની !
છેતરાતા રહેવાનીય સાલી એક લજ્જત હોય છે !