Search This Blog

05/08/2012

ઍનકાઉન્ટર : 05-08-2012

* દરેક પુરૂષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે. આપને કેમનું છે?
- હું એટલો બધો નબળો નથી.
(મીરાબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* મૂરઝાયેલી વસંતને પૂરબહારમાં ખીલવવા શું કરવું?
- ‘ગુજકોમાસોલનું ખાતર વાપરો.
(સુમન એમ. ચૌહાણ, રાજકોટ)

* ગાંધીનગરમાં રહેતી સ્ત્રીઓ રાજકારણમાં વઘુ રસ લે છે, એ સત્ય છે?
- એ સ્ત્રીઓ રાજકારણથી વઘુ નજીક છે, એમ કહેવાય.
(આરતી વોરા, જામનગર)

* ગામડાની ગોરી અને શહેરની છોરી વચ્ચે શું તફાવત?
- એ તો એ જોવાના જેને બબ્બે મોકા મળ્યા હોય, તે જાણે!
(અર્જુન રાજપુત, રાંટીલા-દિયોદર)

* ઘરસંસાર માંડવો સહેલો છે, પણ નિભાવવો અઘરો છે. તમે શું માનો છો?
- નિભાવે છે તો એકોએક... મંડાતા ઘણા તૂટી જાય છે...!
(હોઝેફા બારીયાવાલા, ગોધરા)

* તમારા લાંબા આયુષ્ય માટે પત્ની કોઇ વ્રત કરે છે ખરા?
- ‘એટલુંલાંબુ એ નથી વિચારતી..!
(વલ્લભ પારેખ, કાલોલ)

* ફૂલથી વઘુ કોમળ અને કાંટાથી વઘુ કાતિલ કઇ ચીજ છે?
- તમારો કોઇ કુંડાળામાં પગ પડી ગયો લાગે છે...!
(અલફેઝ અશરફ સાંધા, ધોરાજી)

* પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ હવે શું કરતા હશે?
- બસ... આપણા ખર્ચે ને જોખમે લહેર કરવા આયાતા... લહેર પૂરી થઇ ગઇ... હવે પેઢીઓની પેઢીઓ-..... .....
(શ્રીમતી સુવર્ણા વિરાટ શાહ, સુરત)

* કેશુબાપા કહે છે, ‘આખું ગુજરાત ભયથી ફફડે છે.પણ ખરેખર કોણ ફફડે છે, એનો ફોડ તેઓ કેમ પાડતા નથી?
- ચૂંટણીઓ પતી જવા દો...! બાપા હારી જશે, તો ગુજરાત વધારે ફફડશે.. જીતી જશે તો ગુજરાતની ગલીએ ગલીએ તમને કેશુભાઇ પટેલો જોવા મળશે. જે સી ક્રસ્ણ.
(યશ્વી હેમાંગ માંકડ, જામનગર)

* પુરૂષ કરતા સ્ત્રીઓને માન વઘુ કેમ મળે છે?
- પુરૂષો તો નવરા છે... કોઇ સ્ત્રીને બીજી સ્ત્રીને માન આપતા જોઇ?
(અક્ષય હીરાણી, તળાજા-ભાવનગર)

* દિલ્હીમાં ચારેકોર ઉચ્ચ હોદ્દે બિરાજમાન સ્ત્રીઓ જ હોવા છતાં, સ્ત્રીઓની સલામતી ત્યાં જ કેમ નથી...?
- તમને ખબર નથી. દિલ્હીમાં સોનિયા ગાંધી અને શીલા દીક્ષિત સંપૂર્ણ સલામત છે.
(મોહન વી. જોગી, ગાંધીનગર)

* ચૂંટણી પહેલા આપવામાં આવતા વચનો ચૂંટણી પછી નેતાઓ ભૂલી કેમ જાય છે?
- એ લોકો સુવર્ણ વસંત માલતી બહુ ખા ખા કરે છે, એટલે!
(સુખદેવ શિયાણી, રાણાવાવ-પોરબંદર)

* આજે રામ-લક્ષ્મણ જેવો બંઘુપ્રેમ કેમ જોવા મળતો નથી?
- જુઓ ને... ઘરમાં જ ક્યાંક આસપાસ પડ્યો હશે!
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* અશોકભાઈ, તમે ડિમ્પલભાભીને ખરખરો કર્યો?
- અમારામાં ખરખરા ન હોય... બધા ખરા-ખરાહોય!
(ઈલ્યાસ તરવાડી, ચલાલા-અમરેલી)

* ટીવીના રીયાલિટી શોમાં નિર્ણાયકો ઘણા હરિફોની વઘુ પડતી મજાક ઉડાવે છે...!
- એ શોભતું નથી, છતાં મને એમાં પ્રોબ્લેમ લાગતો નથી. પોતાને કલાકાર માનતા લોકોએ જાહેરમાં આવતા પહેલા સાડી-સત્તરવાર પોતાની કલાને તપાસી જવી જોઇએ... કોઇ હાસ્યાસ્પદ ગાતું હોય, તો આપણાથી હસ્યા-હસાવ્યા વગર કેવી રીતે રહી શકાય?
(અફરોઝબેન મીરાણી, મહુવા)

* અગાઉ મોટા પરિવારોમાં ય સુખ હતું ને આજે નાના પરિવારો ય દુઃખમાં કેમ જીવે છે?
- અશોકપુરી ગોસ્વામીનો હજી બીજા બસ્સો વર્ષ ચાલે એવો શેર છેઃ 
પોટાશ જેવો આજનો આ વર્તમાન છે
ને કમનસીબે આપણી રૂની દુકાન છે!
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* આજકાલ ફિલ્મોના નામો કેવા રદ્દી આવે છે...!
- એ ફિલ્મ જેટલું એનું નામ રદ્દી નથી હોતું!
(તરલ પી. મેહતા, ભાવનગર)

* ૨૦-૨૫ વર્ષના પુત્ર-પુત્રીઓની મમ્મી હીરોઇનો જેવા કપડાં પહેરે, એ વિચિત્ર નથી લાગતું?
- સહેજ પણ નહિ. દરેક વ્યક્તિએ પોતાને સર્વોત્તમ બનાવીને જ ઘરની બહાર નીકળવું જોઇએ. મને તો ૭૦ વર્ષના વડીલો જીન્સ-ટી-શર્ટ પહેરે, એ પણ ખૂબ વહાલા લાગે છે.
(કેશવ કક્કડ, અમદાવાદ)

* રસ્તામાં તમને ભગવાન મળે, તો શું માંગો?
- એમનો મોબાઈલ માંગી લઉં. એમના તમામ કૉન્ટૅક્ટ-નંબરો હાથ લાગી જાય, પછી રોજ રોજ જુદા જુદા મંદિરોએ જવાની બબાલ તો નહિ! સુઉં કિયો છો?
(હિતા/દર્શન, વીરમગામ)

* આજના યુવાનો વૃઘ્ધ માં-બાપની સેવા કેમ કરતા નથી?
- આજના માં-બાપોએ ખુમારીથી મોટા થવું જોઇએ કે, કોઇના ઓશિયાળા થવું ન પડે!
(મીરાં એચ. કારીયા, મુંબઈ)

* ‘કન્યા પધરાવો, સાવધાનમાં પધરાવવાનો ભાવ શા માટે?
- ‘કન્યા વળગાડોસારૂં ન લાગે માટે.
(હસમુખ ટી. માંડવીયા, પોરબંદર)

* ‘ઘરડાં ગાડાં વાળે’... કેશુબાબા વાળશે?
- એમાં એક ગાડું એમનું પોતાનું ય હશે!
(મોહન બદીયાણી, જામનગર)

* કેટલા નેતાઓએ દેહદાન કે ચક્ષુદાનની જાહેરાત કરી છે?
- ગેરકાયદે પુત્ર પેદા કરવાનું એન.ડી. તિવારીએ વગર જાહેરાતે જે દાનકર્યું, એ પછી તમામ નેતાઓ એમને પગલે ચાલવા કટિબઘ્ધ છે. અસલી વિકી-ડોનર તો તિવારીજી છે.
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* શું ઍનકાઉન્ટરઆપના ડાબા હાથનો ખેલ છે?
- હા. હું ડાબોડી છું.
(બિપીન ર. ત્રિવેદી, જંબુસર)

* આ લોહી પીતા નેતાઓની તો બેસણાની જાહેર ખબર કદી ય વાંચવા મળતી નથી...!
- તમારૂં દુઃખ હું સમજી શકું છું. તમામ છાપાવાળાઓ એમની આ જા.ખ. વિના મૂલ્યે છાપવા તૈયાર છે, તો ય કોઇ આગળ નથી આવતું...!
(જયેશ પંચોલી,રાજપિપળા)

No comments: