Search This Blog

24/08/2012

‘બોમ્બે ટુ ગોવા’ (’૭૨)

ફિલ્મ : બોમ્બે ટુ ગોવા’ (’૭૨)
નિર્માતા : મહેમુદ
નિર્દેશક : એસ. રામનાથન
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતો : રાજીન્દર કિશન
રનિંગ ટાઈમ : ૧૪૪-મિનીટ્‌સ
થીયેટર : રૂપાલી (અમદાવાદ)
કલાકારો : અમિતાભ બચ્ચન, અરૂણા ઈરાની, મેહમુદ, અનવરઅલી, દુલારી, યુસુફખાન (બોક્સર) અને એના ચમચાના રોલમાં બબ્બનલાલ યાદવ, લલિતા પવાર, સુંદર, રણધિર, મુકરી, મનમોહન, આગા, અસિત સેન, મનોરમા, પરવિન પોલ, બિરબલ, કમ્મો, ઈંદિરા બંસલ, શેખ રાજકિશોર, ઓસ્કર, રોબર્ટ ડીકોસ્ટા, શોભા, મોના, નઝીર હુસેન, કેષ્ટો મુકર્જી, દિલીપ દત્ત... અને શત્રુધ્ન સિન્હા. (મેહમાન ભૂમિકા : કિશોર કુમાર અને ઉષા ઐયર (ઉથ્થુપ).

ગીતો
૧...હાય હાય ઠંડા પાની, ભીગી મેરી જવાની, ઐસા જલે મેરા દમ... આશા ભોંસલે-કોરસ
૨...Listen to the pouring rain ......... ઉષા ઐયર (ઉથ્થુપ)
૩...અય મહેકી ઠંડી હવા, યે બતા, મેરે યાર કી ગલી... કિશોર કુમાર
૪...દેખા ના હાય રે સોચા ના, હાય રે રખ દૂં નિશાને પે જાન... કિશોર કુમાર
૫...દિલ તેરા હૈ તેરે પ્યાર કી કસમ, જગ છોડા હૈ, તેરે..... લતા-કિશોર
૬...તુમ મેરી જીંદગી મેં કુછ ઈસ તરહ સે આયે....... લતા-કિશોર

કોઈના માનવામાં હવે આવે ખરૂં કે, ફિલ્મ બોમ્બે ટુ ગોવામાં જે રોલ અમિતાભ બચ્ચને કર્યો, તે આ ફિલ્મના નિર્માતા કોમેડીયન મેહમુદે આપણા સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીને ઓફર કર્યો હતો ?

યસ. માની લો. કારણ કે, અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્વ. ઈંદિરા ગાંધીના કે.એ. અબ્બાસ ઉપરના ભલામણ-પત્રથી ફિલ્મોમાં આવ્યો હતો અને ગાંધી-બચ્ચન પરિવારોના સગા ભાઈઓ જેવા સંબંધોને કારણે રાજીવ ગાંધી અને અમિતાભ બચપણના જીગરજાન દોસ્ત હતા. એ તબક્કો તો એવો હતો કે, રાજકારણ સાથે રાજીવને કોઈ લેવાદેવા પણ નહોતી... જે કાંઈ કોઠાકબાડાં કરતા, એ સંજય ગાંધી કરતા. મતલબ, રાજીવ વોઝ એ ફ્રી બર્ડ. બચ્ચનને કારણે એમને પણ ફિલ્મી હસ્તિઓ સાથે આવરો-જાવરો રહેતો. મહેમુદે બચ્ચનને ફિલ્મ બોમ્બે ટુ ગોવાનો હીરો બનાવતા પહેલા રાજીવને ઓફર કરી દીધી, હીરો બનવાની, પણ ભલે સંજોગવશાત હશે કે, ફિલ્મનો પનો રાજીવને ત્યારે પણ ટુંકો પડ્યો હશે હીરો બનવા માટે... એટલે થોડા વર્ષો પછી દેશના હીરો (!) બની ગયા...! કાળક્રમે એમના ગયા પછી ગાંધી-કુટુંબ સાથે બચ્ચનોનો નાતો પર્મેનેન્ટ તૂટી ગયો.

પણ ઈંદિરાજીની ભલામણ તો અબ્બાસની એક ફિલ્મ સાત હિંદુસ્તાનીપૂરતી ચાલે. એ પછી તો જાતમેહનત, જાતનસીબ અને જાતભટક...! મુંબઈમાં બચ્ચનને ભટક-ભટક કરવાના એ દિવસો હતા. રહેને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા....ના ધોરણે રહેવા માટે ઘર તો મળ્યું, મેહમુદના સગા ભાઈ અનવરઅલીનું ઘર. એ ત્યાં જ રહેતો હતો. મેહમુદે જ રાજીવે ના પાડતા, બીજી તાબડતોબ ઓફર અમિતાભને કરી ને બચ્ચન બોમ્બે ટુ ગોવાનો હીરો બની ગયો.

એ દિવસોમાં બચ્ચનનો બીજો જીગરજાન દોસ્ત હતો, શત્રુધ્ન સિન્હા. એ તો બચ્ચન કરતા ઘણો સીનિયર અને સફળ, કારણ કે, એ તો જવલ્લે જ બનતી ઘટના મુજબ, વિનોદ ખન્નાની જેમ વિલનમાંથી હીરોબન્યો હતો. નવાસવા બચ્ચનની સામે એ જમાનાની બધી હીરોઈનોએ આ ફિલ્મમાં એની સાથે કામ કરવાની મેહમુદને ચોખ્ખી ના પાડી દીધી. એક માત્ર અરૂણા ઈરાની તૈયાર થઈ અને મુખ્ય કારણ તો મેહમુદ સાથે ચાલતો એનો રોમાન્સ અને બીજું. આમેય હિરોઈનના રોલની ના પાડી શકાય, એટલી સફળ અભિનેત્રી એ નહોતી.

એ જોતાં, માત્ર હિરોઈન જ નહિ, બચ્ચનની સામે કોઈ વિલન બનવા ય તૈયાર નહોતું. સાવ ખેંખોટી જેવું પતલું-પતલું શરીર, મોંઢાની સાઈઝ કરતા વાળની સાઈઝ મોટી, ડાયનિંગ-ટેબલના પાયા ઉખાડીને પેટ નીચે ભરાવી દીધા હોય, એવા લાંબા લાંબા પગ અને આ લમ્બી લમ્બી હાઈટ... કોઈ વિલન ક્યાંથી તૈયાર થાય ? માંડ હીરો બનવા મળ્યું હતું, માંડ એક હીરોઈન તૈયાર થઈ ને વાત વિલનના રોલ પર અટકી હતી. શત્રુદોસ્ત હતો, પણ એની ય વિલની માંડમાંડ છુટી હતી, એટલે ફરી પાછો વિલન બનવા એ ક્યાંથી તૈયાર થાય ?

પણ દોસ્તાના ખાતર એ તૈયાર થયો. અફ કોર્સ, બચ્ચનની આંખે પાણી આવી ગયા એને સમજાવતા સમજાવતા, અને આમ બોમ્બે ટુ ગોવાની બસના મુસાફરો માંડમાંડ ભેગા થયા. એ ફિલ્મમાં શત્રુધ્નનો ચમચો બનતો સેકન્ડ વિલન મનમોહન (આજના દિગ્દર્શક નીતિન મનમોહનના પિતા) ગુજરાતી હતા. એ વાત જુદી છે કે, હિંદી ફિલ્મોમાં તો તમામ રાજ્યોના કલાકારો કામ કરે છે, એમાંથી એક માત્ર ગુજરાતી કલાકારોને જ ચૂંક આવે છે, એ જાહેર કરવાની કે, અમે ગુજરાતી છીએ. આશા પારેખ, સંજીવ કુમાર, દેવેન વર્મા, મનમોહન, બિંદુ, પરવિન બાબી, પરેશ રાવળ, સંગીતકાર જયકિશન, ડાન્સર મઘુમતિ અને (મોટું મન રાખીને એક ગુજરાતણને મારા ખાતર માફ કરી દેજો- ડિમ્પલ કાપડિયા) જેવા અનેક નામી-અનામી ફિલ્મસ્ટારો ગુજરાતી છે, ને મને યાદ નથી કે એ લોકોએ ગુજરાતી હોવાનું ગૌરવ તો જાવા દિયો, ઉલ્લેખ પણ કર્યો નથી એમના ઈન્ટરવ્યૂઝ કે જાહેર સમારંભોમાં...! બીજી બાજુ, સલામ છે મરાઠી માણુસને, પછી એ ગાવસકર, મંગેશકર, બાળ કે બચ્ચુ ઠાકરે કે રિતેશ-ફિતેશ દેશમુખ... જય મહારાષ્ટ્રની વાત આવી એટલે ગર્વપૂર્વક મરાઠી હોવાના ટંકારો કરે. આપણી બિમલ રોયના જમાનાની કે ઈવન ન્યુ થીયેટર્સની યાદો કરો, ફિલ્મ બંગાળીએ બનાવી હોય એટલે ન છુટકે જ બિનબંગાળી ફિલ્મમાં ઘૂસી શકે. પંજાબીઓ તો આપણી પાસે ય, ‘‘બલ્લે બલ્લે’’ કરાવી શકે છે...

ભારતીય હોવાનું ગર્વ અલગ વાત છે... હવે બધા પ્રાંતવાદની ખીચડી પકવવા માંડ્યા છે, ત્યારે સાલો એક ગુજરાતી આગળ આવતો નથી, આપણા ગુજરાતની અસ્મિતાનું ગૌરવ ગુજરાતની બહાર પણ સાચવવા ખાતર !

અઘૂરામાં પૂરૂં આ ફિલ્મની હીરોઈન પણ ગુજરાતી છે. ક્યારેય એની પાસેથી સાંભળી ગુજરાતણ હોવાની વાત ? યસ. ગુજરાતી ફિલ્મો કે ગુજરાતમાંથી એવોર્ડ-ફેવોડ્‌ર્સ લેવાની વાત આવે એટલે આ બધા તાબડતોબ ગુજરાતી બની જાય છે. તરત એમને ઢોકળા અને ખાખરા યાદ આવે. આપણે સાલા બેવકૂફો કે, એ લોકો એક શબ્દ ગુજરાતીમાં બોલે, એટલે ખુશ થઈને કહીએ, ‘‘અરે વાહ... ગુજરાતીમાં આવજોબોલ્યો...!’’

સુવિખ્યાત એનાઉન્સર અમીન સાયાણી ગુજરાતી છે.. મુંબઈમાં મારે સુરસાગર સ્વ. જગમોહનનો શ્રઘ્ધાંજલી કાર્યક્રમ આપી રહ્યો હતો, એમાં અમીનભાઈ ચીફ ગેસ્ટ હતા. સ્વાભાવિક છે, ઉપસ્થિત સંપૂર્ણ ગુજરાતી ઓડિયન્સ (પ્રોગ્રામ જગમોહન દાદાની દીકરી નૂપુરેઆયોજીત કર્યો હતો.) માં એમણે વિશ્વવિખ્યાત ‘‘ભાઈયો ઔર બહેનોં...’’થી કરી, ને મે એમને ગુજરાતીમાં બોલવાની રીક્વૅસ્ટ કરી, એમાં હિચકિચાયા, પણ બે-ચાર વાક્યો પૂરતું ગુજરાતી બોલ્યા, ત્યારે શ્રોતાઓ કેવા બાળક જેવા ખુશ થઈ ગયા હોય, એ તમે સમજી શકો છો.

ને આમ જોવા જાઓ તો ‘‘બોમ્બે ટુ ગોવા’’માં અડઘુ ભારત સમાયેલું હતું. અમિતાભ યુ.પી.નો, અરૂણા ગુજરાતણ, શત્રુધ્ન બિહારી, રાહુલદેવ બર્મન બંગાળી, મેહમુદ તમિળ, ચરીત્ર અભિનેત્રી દુલારી રાજસ્થાની અને લલિતા પવાર મરાઠી. પણ ફિલ્મ પૂર્ણપણે આઉટરાઈટ હિંદી કોમેડી બની છે. આપણે ત્યાં સળંગ કોમિક ફિલ્મોનો અભાવ રહ્યો છે, ત્યારે મેહમુદે આવી અનેક ફિલ્મો પોતાના ખર્ચે ને જોખમે આપી છે. હું અગાઉ પણ લખી ચૂક્યો છું કે, હિંદી ફિલ્મોમાં આજ સુધી મેહમુદ જેવો સંપૂર્ણ કોમેડિયન બીજો કોઈ નથી થયો. ફિલ્મે-ફિલ્મે એનો રોલ, એની ભાષા, ચેહરા પર હજાર બ્રાન્ડ્‌સના પરફેક્ટ-એક્સપ્રેશન્સ, એનો અવાજ, એનો ગેટ-અપ અને એની કોમેડી પણ ભિન્ન હોય, એથી ય વઘુ સિઘ્ધિ એ કે, એ ઉત્તમ પ્રકારનો મિમિક હતો. જહોની વોકરથી માંડીને જોહર સુધીના તમામ કોમેડિયનો આ એક જ વાતે માર ખાઈ ગયા કે, એ બધા સંવાદ-લેખકોના મેહરબાન હતા. દિગ્દર્શક અને ડાયલોગ-રાઈટર સારા હોય તો જ એ હસાવી શકે. મેહમુદને આવા કોઈ બંધનો નહિ. એ પોતાના એકલાના બલબુતા પર આખી ફિલ્મ ખેંચી જઈ શકતો. અહીં એક દ્રષ્યમાં મજાક ખાતર ગીતકાર હસરત જયપુરી માટે હસરત ભેલપુરીશબ્દો વાપર્યા છે.

ઈવન, આપણી પોતાની જીંદગી સમજવા માટે ય, આ ફિલ્મના હીરો-હીરોઈનના જન્માક્ષરો તપાસવાની થ્રિલ આવે એવી છે. એક એ અમિતાભ હતો, જેની સાથે હીરોઈન બનવાનું સ્વીકારીને અરૂણા ઈરાનીએ ‘‘ઉપકાર’’ કર્યો હતો, એને સમયે આજે ક્યાંનો ક્યાં પહોંચાડી દીધો અને બીજી બાજુ એ અરૂણા ઈરાની છે, જેનો પ્રવાસ ‘‘બોમ્બે ટુ ગોવા’’થી આગળ જ વઘ્યો નહિ. જીવનભર એ નંબર ફોર કે ફિફ્‌થ હીરોઈન જ રહી. (જો કે, હર દુઃખિયારી સ્ત્રીને મા દશામાં સાચવી લે છે, એમ હર દુખિયારી હીરોઈનોને માં ગુજરાતી ફિલ્મો સાચવી લે છે, એમ અરૂણા ગુજુ ફિલ્મોની સુપરસ્ટાર બની શકી...!

આ ફિલ્મનું ટાઈટલ-સોંગ રાહુલદેવે સીઘ્ઘુ Beach Boys માંથી Help me, Rhoda ની સીધી નકલ કરી છે. અમિતાભ તદ્‌ન નવોસવો એટલે અભિનય આજના જેવો સબળ તો નહિ, એટલે ડાયલોગ્સ બોલવામાં લોચા ય પડતા. આ મોટા ભાગની ફિલ્મનું શૂટિંગ લકઝરી-બસની નાની જગ્યામાં કરવાનું અને અમિતાભ બચ્ચનને ડાન્સ સાથે આમે ય કોઈ લેવા-દેવા નહિ, એમાં ચાલુ બસમાં દેખા ના હાય રે સોચા ના હાય રે...ગીતનું શૂટિંગ કરાવતા મેહમુદને ગાંડપણ આવી જાય, એટલી હદે બચ્ચન પાસે રીટેઈક્સ લેવડાવવા પડ્યા હતા.

પણ શમ્મી કપૂરે વિડિયો પર સ્વયં એના મોંઢે કીધેલી ને મારા કાને સાંભળેલી વાત છે કે, ‘‘ફિલ્મ કલાકારનો અવાજ પર પ્રભાવ હોવો બેહદ જરૂરી છે. આ જુઓ અમિતાભ બચ્ચન...! ક્યા આવાજ પાઈ હૈ... અને ખાસ તો પોતાના આવા સરસ અવાજનો એને ઉપયોગ કરતા ખૂબ આવડે છે...!’’ એમ સામે દસ ગુંડા ઊભા હોય ને બચ્ચન કહેતો હોય, ‘‘એક એક કો ભૂન કે રખ દૂંગા...!’’ તો આપણે કન્વિન્સ થઈ શકીએ કે, આ સાચું કહે છે. એના શરીર કરતા એના કંઠનો પ્રભાવ વિશેષ છે.

મેહમુદે દોસ્તી નિભાવવા ખાતર, એ જમાનામાં જેનું એકચક્રી શાસન ચાલતું હતું, તે રાજેશ ખન્નાને દિલફેંક મહત્વ આપ્યું છે. પોતાનું નામ ખન્નાઅને એના ભાઈનું નામ રાજેશરાખીને આખી ફિલ્મમાં પહેલો બૂમ પાડે, ‘રાજેશ....’, એના જવાબમાં બીજો બોલે, ‘ખન્ના...કોને કેટલું મહત્વ આપવું, એની સૂઝ મેહમુદમાં હતી. રાહુલદેવ બર્મન અને કેટલેક અંશે રાજેશ રોશન પણ એની જ ભેટ છે. મેહમુદે પોતાના નામની પ્રોડક્શન કંપની ચાલુ કરી, એમાં ૫૬-માં પૈસા હી પૈસા’, ‘સાઘુ ઔર શૈતાન’, ‘પડોસનઅને બોમ્બે ટુ ગોવાનો સમાવેશ થાય છે. એ તો બધાને ખબર છે કે, મેહમુદ સાઉથનો મુસલમાન હતો. તમિલમાં આ ફિલ્મ મદ્રાસ-ટુ-પોન્ડિચેરીના નામે બની હતી. બર્મને તો હાથ આવે એ બધી ફિલ્મો ફેણવા માંડી હતી, એટલે આ ફિલ્મનું ય એકપણ ગીત મુલ્ક-મશહુર ન થયું, પણ ઉષા ઐયરને પહેલી વાર ફિલ્મોમાં ય એ જ લાવ્યો. આ ફિલ્મમાં ઉષા પાસે એની સ્ટાઈલના ઈંગ્લિશ ગીતોના મઘુરા ટુકડા ગવડાવ્યા છે. એ વાત જુદી છે કે, અહીં તમે એને જુઓ તો માની ન શકો કે, આજે અમદાવાદના નેહરૂ બ્રીજ જેવી ફૂલીફલેલી ઉષા એક જમાનામાં આટલી બધી પાતળી હતી ?

સખ્ત ખીજાઈ જવાય એવો દાટ વાળ્યો છે, ગીતકાર રાજીન્દર કિશને. અહીં તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એકમાત્ર સંવાદ લેખક છો, જેની પાસેથી અદભુત હાસ્યસંવાદોની અપેક્ષા રાખી શકાય. તમે આખી ફિલ્મમાં એકપણ સંવાદ લખી ન શક્યા અને લખ્યો તો હસરત ભેલપુરીજેવો છીછરો સંવાદ. બહુ ઓછાને પોતાના સંવાદો બોલવા માટે, જે નેચરલ કોમેડીયન છે, તે મેહમુદ મળ્યો છે, સખ્ત અવાજના ધની અમિતાભ અને શત્રુધ્ન મળ્યા છે... સાલો એક સંવાદ પણ તમે લખી ન શકો જે, પ્રેક્ષકોને આજ સુધી યાદ રહી જાય ? ‘મધર ઈન્ડિયા’, ‘મુગલ-એ-આઝમકે જીસ દેશ મેં ગંગા બહેતી હૈતો તમારી પહોંચ બહારની તાકાત કહેવાય, પણ તમે તો ગીતો લખવામાં ય ફૂટપાથીયું કલ્ચર બતાવ્યું છે... આખા ગીતોની સજા તો કોઈને નહિ કરૂં, પણ આ ફિલ્મના ગીતોની એક એક લાઈન આ લેખમાં ગીતોના ચોકઠામાં મૂકી છે, વાંચકો વાંચી તો જુઓ ! આ એ રાજિન્દર કિશન હતો જેણે, ‘અદાલતકે જહાનઆરાના ગીતો લખ્યા હતા ? ધંધો સાચવવા માટે, ઈ જેવી ફિલ્મ, તેવા ગીતોના બહાના કાઢવા હોય તો અમારી પાસે હસરત જયપુરી, મજરૂહ સુલતાનપુરી કે રાજા મેંહદી અલીખાનો છે જ... તમે સાહિર લુધિયાનવી કે નીરજની કક્ષાએ કેમ ન પહોંચી શકો, જ્યારે તમારી પાસે એ બન્ને જેવું સામર્થ્ય તો છે જ !

યસ. આ ફિલ્મ ઘૂમધામ સફળ થઈ, એના મુખ્ય કારણોમાં તો મેહમુદ પોતે અને એના દિગ્દર્શક એસ. રામનાથન, કે જેમણે નહોતી ત્યાંથી ય કોમેડી ઊભી કરી છે... ભલે સ્થૂળ હોય. અમે તો હજી કોલેજમાં હતા અને એ વખતની હાસ્યની અમારી સૂઝ મુજબ, નાની નાની વાતોમાં ય હસવું આવે. હજી યાદ છે, આ ફિલ્મમાં સાઉથ ઈન્ડિયન બ્રાહ્મણ બનતા મુકરીનો જાડોપાડો ને ઉઘાડો પુત્ર ચાલુ બસે ભૂખ લાગે છે, એટલે ‘‘પકોડા... પકોડા...’’ દેકારો મચાવી દે છે, એ યાદ કરીને શહેરભરમાં પકોડા..પકોડાબહુ ચાલતું. મેહમુદ નબળા સંવાદોને લીધે માર ખાઈ ગયો, એનું નુકસાન એણે પોતાની હળવી શૈલીથી પૂરૂં ભરપાઈ કરી આપ્યું છે.

કોમેડી ફિલ્મોમાં વાર્તા-ફાર્તાનું એવું તો કોઈ મહત્વ હોય નહિ, એટલે એનો ઉલ્લેખ કર્યા વિના જ જે શી ક્રસ્ણ કરી નાંખીએ.

No comments: