Search This Blog

22/02/2013

ગ્યારહ હઝાર લડકિયાં

ગીતો
૧. કામ કી ધૂન મેં હૈં રવાં... ગ્યારહ હઝાર લડકીયાં... મહેન્દ્ર કપૂર-સાથી
૨. સબ લોક જીધર વો હૈં, ઉધર દેખ રહેં હૈં... આશા ભોંસલે
૩. પેહચાનો હમ વો હી હૈં, દેખો તો આંખ મલ કે... લતા-સાથી
૪. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે... આશા-રફી
૫. ગમ ગયા તો ગમ ન કર, ગમ નયા જગા લે... આશા ભોંસલે
૬. દિલ કી તમન્ના થીં મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર... મુહમ્મદ રફી
૭. મેરે મેહબૂબ મેરે સાથ હી ચલના હૈ તુઝે... મુહમ્મદ રફી
(ગીત નં. ૧ અને ૭ કૈફી આઝમી, બાકીના મજરૂહ) 


ફિલ્મ : 'ગ્યારહ હઝાર લડકિયાં' ('૬૨)
નિર્માતા : અલી સરદાર જાફરી - એસ.કે. મેહતા
દિગ્દર્શક : ખ્વાજા એહમદ અબ્બાસ
સંગીત : એન. દત્તા
ગીતો : મજરુહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
કલાકારો : માલા સિન્હા, ભારત ભૂષણ, હેલન, જગદિશ કંવલ, નર્મદા શંકર, બૅબી ફરીદા, લોટન, મુરાદ, મુકરી, ઈન્દિરા, ડૅવિડ, સોની સુલતાના અને નિર્મલા મનસુખાની. 

ફિલ્મ 'ગ્યારહ હઝાર લડકિયાં' નામ સાંભળીને એ વખતે ઘણા ફિલમ જોવા ગયા અને ભરાઇ પડેલા હોવાનું મને ય યાદ છે. ભારત ભૂષણ હોય એટલે ભરાઇ પડવામાં કોઇ નવી વાત નથી હોતી. કૌતુક આજ સુધી એક વાતનું ચાલ્યું આવે છે કે, મુહમ્મદ રફીસાહેબના એકમાત્ર ગીત, 'દિલ કી તમન્ના થી મસ્તી મેં, મંઝિલ સે ભી દૂર નીકલતે, અપના ભી કોઇ સાથી હોતા, હમ ભી બહેકતે ચલતે ચલતે...' ગીતે આજ સુધી ચાલે એવી કમાલ કરી રાખી છે કે, એક માત્ર આ ગીતને કારણે ફિલ્મનું નામ આજ સુધી લેવાય છે. એમ તો આ ગીત આશા સાથે યુગલ-સ્વરૂપે પણ હતું, પણ એ કોને યાદ રહ્યું છે? રફી સાહેબે ગાયેલા ઉત્તમ ગીતોના અમારા લિસ્ટમાં પણ આ ગીત ૧થી ૧૦માં આવે છે.

કમનસીબે, આવું બ્લૅકબૅરીની કૉસ્ટનું ગીત એન.દત્તાને ફળ્યું નહિ. એક તો અમથી ય એમની કરિયર કૅઇ શૅઇપ લેતી નહોતી, રફી અને સાહિર લુધિયાનવીની કાયમી ત્રિપુટી બનાવવા છતાં ય, '૫૫થી '૮૦ સુધીની ટોટલ કારકિર્દીમાં માત્ર ૫૫ ફિલ્મો આવી અને એમાંની કેટલી બધી ફિલ્મોમાં કેટલું મોટું કામ કર્યું? યાદ છે દત્તા નાઇકની એ સંગીત સમર્પિત ફિલ્મો? મરિન ડ્રાઈવ, મિલાપ, ચંદ્રકાંતા, મિસ્ટર ઍક્સ, લાઈટ હાઉસ, સાધના, ભાઇ-બહેન, બ્લૅક કૅટ, ધૂલ કા ફૂલ, જાલસાઝ, દીદી, ધર્મપુત્ર, કાલા સમુંદર અને છેલ્લે છેલ્લે તલતના 'અશ્કોં મેં જો પાયા હૈ, વો ગીતો મેં દિયા હૈ..'વાળી ફિલ્મ 'ચાંદી કી દિવાર...' આ માણસને પોતાનો માલ વેચતા નહિ આવડયો હોય, એટલે ટિકિટબારી ઉપર તો ફક્ત 'ધૂલ કા ફૂલ' જ તગડી સાબિત થઇ ને બાકીની ફ્લૉપ ગઇ, એમાં એમના સંગીતની ય નોંધ ન લેવાઇ! દાદા બર્મનના સહાયક તરીકે કારકિર્દી શરૂ કરનાર દત્તા નાઈક આ ફિલ્મ 'ગ્યારહ હઝાર લડકિયાં'ના તમામ ગીતોમાં બહુ બુરી રીતે નિષ્ફળ ગયા, તો ય રફીનું એક ગીત કાફી હતું, એમને આગળ લઇ જવા માટે... ન જવાયું, એ દુર્દૈવ... બીજું શું?

અલબત્ત, '૬૧ની સાલમાં આ ફિલ્મ રીલિઝ થઇ, તે સાથે જ ભાંગી પડેલી. કેટલાક શહેરોમાં તો બીજે દિવસે ઉતારી લેવી પડેલી. આમ તો '૬૧ની સાલમાં મેં જોયેલી ફિલ્મોના થીયેટરો આજ સુધી યાદ છે, પણ આ તો ક્યારે, ક્યાં આવી અને ક્યારે ઉતરી ગઇ, તેની ખબર નથી, મને પરફૅક્ટ યાદ છે કે, એ દિવસોમાં અમદાવાદના રીગલમાં શમ્મી કપૂરનું 'દિલ તેરા દીવાના', કૃષ્ણમાં 'અનપઢ', લાઇટ હાઉસમાં દેવ આનંદનું 'અસલી-નકલી', નોવેલ્ટીમાં મીના કુમારીનું 'મૈં ચૂપ રહુંગી', એલ.એન.માં આઇ.એસ. જોહરનું 'મૈં શાદી કરને ચલા', પ્રકાશ ટૉકીઝમાં મારા ફૅવરિટ શશી કપૂર અને નંદાનું 'મેંહદી લગી મેરે હાથ' રૂપમમાં અશોક કુમારનું 'રાખી' અને રીલિફમાં દાદુ હીરો શમ્મી કપૂરનું 'પ્રોફેસર'... મને પરફૅક્ટ યાદ છે, રીલિફની બહાર સિંગચણાની લારીવાળો ય ઊભો રહેતો હતો... (આટલા ઝડપી ઈમ્પ્રેસ ન થઇ જાઓ... સિંગચણાની લારીવાળા તો દરેક થીયેટરની બહાર ઊભા હોય...!)

આમે ય, આપણી આ કૉલમ માટે આ ફિલ્મ જોવાનો ય નહતો, પણ ભાવનગરના બીજા 'મૂકેશ' અને ત્યાં જૂનાં સંગીતને જીવતું રાખનાર રાજેશ વૈષ્ણવે આ ફિલ્મની સીડી મોકલાવી, એ પછી આકર્ષણ ખ્વાજા એહમદ અબ્બાસના નામનું હતું. રાજ કપૂરની ઘણી ફિલ્મોમાં અબ્બાસનું પ્રદાન રાજપ્રેમીઓ જાણે છે. એમાં ય નિર્માતા તરીકે એક નામ જોરદાર હતું, શાયર અલી સરદાર જાફરીનું. ખુશ થઇ ગયો કે 'ઈપ્ટા'વાળા બધા સામ્યવાદીઓએ ભેગા થઇને આ ફિલ્મ બનાવી છે, એટલે કશુંક સત્વશીલ તો હશે જ...!

સાલું કાંઇ ન નીકળ્યું. ફિલ્મ ધાર્યા કરતા વધુ બદમાશ નીકળી. અમદાવાદની ભાષામાં પેલું શું કહે છે, ''આપણું કરી નાંખ્યું, આ ફિલ્મે!'' એક તો વીસીડીવાળાએ પહેલેથી લખી નાંખ્યું હતું કે, ફિલ્મ જૂની હોવાથી દર્શકો માફ કરે, એટલે આપણાથી કાંઇ બોલાય નહિ. બીજું આખેઆખી ફિલ્મ સેપિયા કલરમાં જોવાની. ફિલ્મની વાર્તા કે કોઇના અભિનય માટે જયઅંબે બોલવાનું હોય, તો હજી અઢી રૂપિયાનો પ્રસાદ ચઢાવી આઇએ, પણ માલા જેવી સિન્હા પણ હોવા છતાં ઍક્ટિંગમાં 'બોલો... રામેરામો...' અને ફ્રૅન્કલી કહું છું કે, આ બધું ય 'હરહર ગંગે'ના નાદ સાથે, બે લોટા ઠંડા પાણીના રેડીને નહાઇ નાંખ્યું તો ય મોંઢામાંથી એક હરફ સુધ્ધાં ન ઉચ્ચારત, પણ સવા ત્રણ કલાક સુધી ભારત ભૂષણને સહન કેવી રીતે કરવો... અને એ ય પાછો ઍન્ગ્રી યંગ મૅનના રોલમાં...? તારી ભલી થાય ચમના... ગામમાં બીજાં કોઇ 'ઠંડા યંગ મૅનો' નહોતા મળતા તે ભા.ભૂ.ને 'ઝંઝીર'વાળા અમિતાભ જેવો ગરમ ખૂનવાળો રોલ પહેરાઇ દીધો? એ શોભે? 'ગંગા જમુના'નો દિલીપ કુમારવાળો રોલ તમે ગામઃ જોરાજીના મુવાડા, તાઃ ઉત્તરસંડાના દરજી ભાઇ શામજી વિઠ્ઠલને સોંપો, એ ચાલે? એક તો અગાઉથી જ ભા.ભૂ. અમારી આખી પોળની દાઢમાં કે, રફી સાહેબના ઉત્તમમાં ઉત્તમ ગીતો આ માણસ લઇ ગયો છે...!

નહિ તો, આ જ ભારત ભૂષણ પર્સનલ લાઇફમાં એક ગ્રેટ હસ્તિ હતો. હાલમાં ડિમ્પલ કાપડીયા જે 'આશીર્વાદ' બંગલામાં રહે છે, તે બંગલો રાજેશ ખન્નાએ રાજેન્દ્ર કુમાર પાસેથી લીધો હતો, જેણે એ ભારત ભૂષણ પાસેથી ખરીદ્યો હતો. ભા.ભૂ.નો એ વખતનો રૂઆબ નોખો અને ઠસ્સેદાર હતો. આ જ બંગલામાં નુસરત ફત્તેહઅલીખાનના વાલીદ એટલે કે પિતાજીના સંગીતના અનેક જલસા ભા.ભૂ.ના બંગલે થતા, ત્યારે દિલીપ, રાજ કે દેવ આનંદ જેવાઓને પણ સામેથી આમંત્રણ માંગીને આવવું પડતું... જેને ને તેને તો પ્રવેશે ય નહતો. ફિલ્મ જગતની સમૃધ્ધ સાહિત્યિક લાયબ્રેરી એક તો આપણા 'જાની' રાજકુમારને ઘેર હતી અને બીજી ભારત ભૂષણને ત્યાં. અંતિમ દિવસો નજીક આવ્યા ત્યારે બધું ગુમાવી/લૂટાવીને અત્યંત ગરીબ થઇ ગયેલા આ ઍકટરને છેલ્લે તો પેટ પૂરૂં કરવા હિંદી ફિલ્મોમાં રોજના ૧૦૦ રૂપિયાના મેહનતાણાંથી પેલા ફિલ્મી પાર્ટીઓમાં ઊભા હોય છે, એવા જુનિયર આર્ટિસ્ટના રોલ કરવા પડયા હતા. એની છેલ્લી ફિલ્મ ગુલઝારની 'માચિસ' હતી.

ફિલ્મનું નામ આવું હતું, 'ગ્યારહ હઝાર લડકીયાં' એટલે એ બધું હતું શું? ફિલ્મમાં ય એકે જગ્યાએ આ શબ્દોનો મતલબ થાય છે ખરો? સૉરી. સહેજ પણ નહિ.

સૉરી, સહેજ તો ખરો.. પણ મહાપરાણે બંધબેસાડેલો ! હાલમાં ભારત સ્ત્રીઓ ઉપરના અત્યાચારો કે બળાત્કારોના દૌરમાંથી પસાર થઇ રહ્યું છે, એ જ મુદ્દા પર કે.એ. અબ્બાસે આ ફિલ્મ બનાવી, પણ 'રૂપીયાવાળી' બ્રાન્ડના પ્રેક્ષકોને આકર્ષવા નામ આવું રાખ્યું, જેનો અબ્બાસના મત મુજબ અર્થ એવો નીકળે છે કે, ઘર સંભાળવાની સાથોસાથ નોકરી કરતી દેશની ૧૧,૦૦૦ છોકરીઓ ઉપર 'બૂરી નજરવાલે, તેરા મુંહ કાલા' છાપના એમના સાહેબોને સીધા કરવાની જરૂર છે. ગરીબ ઘરની ૫-૬ બહેનોવાળી માલા સિન્હાની એક બહેન ઉપર નાઇટ-ક્લબનો મૅનેજર (જગદિશ કંવલ... જે ફિલ્મ 'પાકીઝા'માં રાત્રે સૂતેલી મીનાકુમારીના કોઠામાં ઘુસીને એની ઉપર બળાત્કાર કરવા જાય છે ને સાપ કરડતા આ જગો મૃત્યુ પામે છે.) બૂરી નજર રાખે છે, એમાં માલાની નાની બહેન, (માધવી, જે શમ્મી કપૂરની ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે) પેલાને મારી નાંખે છે. માલા સિન્હા આ પાપ પોતાને માથે ઓઢી લે છે. ભારત ભૂષણ અદાલતમાં એને છોડાવે છે કારણ કે, માલુને છોડાવે તો જ ભા.ભૂ.ય ડાળે વળગે એમ હતું.

કુદરતે ય કેવા ચોકઠાં ગોઠવે છે? આ ફિલ્મમાં માલા સિન્હાની સાથે ભા.ભૂ... ઓકે? તો ભા.ભૂ. પાછો વાસ્તવિક જીવનમાં મધુબાલાનો પ્રેમી. આજે ઘણા બબ્બે મોબાઇલ રાખે છે, એમ મધુ બબ્બે પ્રેમીઓ સાથે જ રાખતી, (પછી પ્રેમનાથ અને દિલીપ કુમારના નૅટવર્કોનો લાભ લીધો) એમાં પ્રદીપ કુમાર પણ ખરો. આ બાજુ પ્રદીપ કુમાર અને માલા સિન્હાનું ચક્કર નૅટવર્કના કોઇ પ્રોબ્લેમો વગર મસ્ત ચાલે. પણ જે દિવસે માલા સિન્હાને ખબર પડી ગઇ કે, પ્રદીપ તો ભેગાભેગું માધુબાલાનું ય સીમકાર્ડ લઇ આવ્યો છે, ત્યારે વિફરેલી વાઘણ બનીને પદુભ'ઇને ઘેર જઇને થપ્પડ ચાર ઠોકી આવેલી. એ દિવસે એક સામટી ચારચાર બાઓ ખીજાયેલી.

સાલ '૬૧-ની હતી, એટલે ઘડીભર તો ચોંકી જવાય કે, ગબ્બરસિંઘ ઉર્ફે અમજદખાન આમાં ક્યાંથી આવ્યો? પણ ફિલ્મમાં ભા.ભૂ.નો દોસ્ત બનતો કલાકાર અમજદનો ભાઇ અને વિલન જયંતનો મોટો પુત્ર ઈમ્તિયાઝ છે. અમજદે તો બહુ વર્ષો પહેલા રાજ કપૂરની ફિલ્મ 'અબ દિલ્હી દૂર નહિ'માં બાળ ન હિ, પણ કિશોર-કલાકાર તરીકે કામ કર્યું હતું.

નવાઇ લાગે કે ફિલ્મના ટાઇટલ્સમાં આ ઈમ્તિયાઝ, માધવી, અચલા સચદેવ કે મીર્ઝા મુશર્રફના નામો જ નથી. આ મીર્ઝા એ જમાનાનો એક માત્ર કૉમેડિયન હતો, જે (બહુ પતલો ડોસો, ચશ્મા અને ઈંગ્લિશ સ્ટાઇલના કપડાં પહેરે) મોટે ભાગે દરેક ફિલ્મમાં એક વાક્ય ઈંગ્લિશમાં બોલીને તરત જ એનો હિંદીમાં અનુવાદ કરીને બોલે. ''યૂ આર એ ડૉન્કી...'' ''તુમ ગધે હો...''

બધાને જે ભૂલ લગભગ થઇ જતી મુરાદ અને સપ્રૂને ઓળખવામાં, તે મુરાદ અહીં ભા.ભૂ.નો પિતા બને છે. જજ તરીકે નર્મદા શંકર છે, (જે દેવ આનંદને ફિલ્મ 'ગાઇડ'માં બીજા એક સાધુ સાથે સંસ્કૃત શ્લોકનો અર્થ પૂછે છે.) કોઇ સંવાદ કે મહત્વ વિનાની અર્જુન હિંગોરાનીવાળી સૅક્સી હીરોઇન આશુ પણ અહીં કૉર્ટમાં બેઠી છે. આ આશુએ 'ગમ કી અંધેરી રાત મેં, દિલ કો ન બેકરાર કર, સુબહા જરૂર આયેગી' ગીતવાળી ફિલ્મ 'સુશીલા'ની હીરોઇન હતી. અર્જુનની એક સમયની 'કબ, ક્યું ઔર કહાં' જેવી ફિલ્મોમાં એ ચેનચાળાવાળા સૅકસી રોલ કરતી. હેલનને વેડફી નાંખવામાં આવી છે. એમ તો બે કેબરે ડાન્સ કરાવ્યા છે, પણ સૉરી દત્તા નાઈક... તમે કૅબરે માટેના ગીતો બનાવ્યા છે કે દેશભક્તિના, એ હેલન પણ ડાન્સ કરતા સમજી નહિ શકી હોય! બસ. રફી સાહેબના 'દિલ કી તમન્ના થી મસ્તી મેં...' માટે તો આ ફિલ્મને નહિ તો એન.દત્તાને ૪૦-૫૦ સલામો ભરવી પડે.

No comments: