Search This Blog

29/03/2013

'હલચલ' ('૭૧)

ફિલ્મ : 'હલચલ' ('૭૧)

નિર્માતા-દિગ્દર્શક : ઓપી રલ્હન
સંગીત : રાહુલદેવ બર્મન
ગીતો : ગીતો વગરની ફિલ્મ હતી.
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : રૂપમ (અમદાવાદ) 
કલાકારો : ઓપી રલ્હન, કબીર બેદી, ઝીનત અમાન, સોનિયા સાહની, પ્રેમ ચોપરા, અંજલિ કદમ, મદનપુરી, સરદાર અખ્તર, હૅલન, ટુનટુન, રમેશદેવ, રામમોહન, જગદિશરાજ, ગજાનન જાગીરદાર, ચાંદ ઉસ્માની, ચંદ્રશેખર, ચંદ્રિમા ભાદુરી, સપ્રૂ, અમરીશ પુરી, મૂલચંદ, તબસ્સુમ અને મનિષા.


બહુ નસીબદાર હો તો આવી આઉટરાઈટ કૉમેડી ફિલ્મ જોવા મળે... અને તે પણ સૅન્સિબલ કૉમેડી. હમણાંની કમ-સે-કમ બે ફિલ્મો જોઈને તો બાળકની જેમ ખડખડાટ અને ધૂમધામ હસ્યો છું - પૂરી ફિલ્મમાં. એ બન્ને વિનય પાઠકની ફિલ્મો છે, 'ભેજા ફ્રાય' (પહેલો જ પાર્ટ, બીજો બંડલ હતો!) અને બીજી મીસ વર્લ્ડ બની ચૂકેલી લારા દત્તા સાથેની 'ચલો દિલ્હી'. એવી જ ધૂંઆધાર કૉમેડી ફિલ્મો હતી, 'ફસ ગયે ઓબામા' અને 'તેરે બિન લાદેન'. મારા ઉપર જરીકે વિશ્વાસ હોય ને હસતા હવે ફાવી ગયું હોય તો આ ફિલ્મોની ડીવીડીઓ મંગાવીને જોઈ જ લેજો.

આજની ફિલ્મ ઓપી રલ્હનની 'હલચલ' એવી જ નમૂનેદાર કૉમેડી હતી. એનો નિર્માતા, દિગ્દર્શક અને આ ફિલ્મનો હીરો ઓપી રલ્હન બહુ ઊંચા ગજાંનો કૉમેડિયન હતો. રામ જાણે કેમ એણે પોતાની ફિલ્મો સિવાય ભાગ્યે જ ઍક્ટિંગ કરી છે. રાજેન્દ્રકુમારનો એ સગો સાળો થાય, માટે તો રલ્હન પ્રોડક્શન્સની ફિલ્મો 'ગહેરા દાગ' અને 'તલાશ'માં એને હીરો બનાવ્યો. એણે છેલ્લે છેલ્લે તો અમિતાભ બચ્ચનને લઈને 'બંધે હાથ' નામની ફ્લૉપ છતાં ખૂબ સરસ થ્રિલર પણ બનાવ્યું. મીના કુમારી અને ધર્મેન્દ્રવાળી સુપરહિટ ફિલ્મ 'ફૂલ ઔર પથ્થર' (જેના શૂટિંગ દરમ્યાન મીના-ધરમ પ્રેમમાં પડયા.) અને શર્મીલા-રાજેન્દ્રવાળી 'તલાશ' હિટ ફિલ્મો હતી.

'હલચલ' ઝીનત અમાન અને કબીર બેદીની પણ પહેલી ફિલ્મ હતી. ઝીનત સુપરસ્ટાર હીરોઈન બની ગઈ ને કબીર બેદી ઈન્ડિયાની ફિલ્મો પૂરતો ફ્લૉપ, પણ ઇટાલીમાં આજે ય એ સુપરસ્ટાર ગણાય છે. ત્યાં વર્ષો પહેલાં 'સૅન્ડોકન' નામની મીની-ટીવી સીરિયલ આવતી હતી, એનો એ હીરો. 'જૅમ્સ બૉન્ડ' (રૉજર મૂર)ની ફિલ્મ 'ઑક્ટોપુસી'માં ય કબીરે વિલનના બૉડી ગાર્ડ 'ગોવિંદા'નો અત્યંત ફાલતુ રોલ કર્યો હતો... જસ્ટ બીકૉઝ, જૅમ્સ બૉન્ડની ફિલ્મમાં કામ કરવા મળે, એમાં આખા વિશ્વમાં તમારું નામ થઈ જાય.

કબીરની લાઈફ સ્ટાઈલ જ ઈન્ડિયાને પોસાય એવી નહોતી. એ ચાર વાર પરણ્યો હતો. એની પહેલી પત્ની 'પ્રોતિમા બેદી' અત્યંત કાળી છતાં અત્યંત સૅક્સી ઓડિસી-ડાન્સર હતી. સૅક્સની બાબતે આ પતિ-પત્નીના વિચારો તોડફોડ કરાવી નાંખે એવા હતા. યાદ હોય તો જસ્ટ ફન ખાતર... પ્રોતિમા જુહુ બીચ પર સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં દોડી હતી... પ્રેસ ફોટોગ્રાફરોને સામેથી બોલાવી રાખીને! એના ઘેર પોસ્ટમેન આવ્યો, ત્યારે પણ એ સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતી, છતાં એ જ સ્થિતિમાં એ દરવાજો ખોલવા ગઈ, એ જોઈને પોસ્ટમૅન ભડકીને ભાગ્યો, પણ પ્રેસને આ વાત એણે ખુદ કરી હતી. એના પૂર્ણ વિકસિત સ્તનો લગભગ અડધા દેખાય, એવા બ્લાઉઝ પહેરીને તે પાર્ટીઓમાં કબીરની સાથે જતી અને પુરૂષો ગુટર ગુટર જોયે રાખતા, એ જોઈને કબીર સિવાય બધા તંગ અને દંગ થઈ જતા. એ વખતના મૅગેઝીન 'સ્ટારડસ્ટ'માં એક કૉલમ આવતી, 'કૉર્ટ માર્શલ', જેમાં કબીરને આ જ સવાલ પૂછાયો કે, 'પાર્ટીઓમાં તમારી પત્નીના છાતીના ભાગને લોકો એકીટસે જોયે રાખે છે, એથી તમે ખીજાતા નથી? તો કબીરે જવાબ આપ્યો હતો, ''એમાં ખીજાવાની વાત જ ક્યાં છે? 'બહારોં કો ભી નાઝ જીસ ફૂલ પર થા, વો હી ફૂલ હમને ચૂના ગુલસિતાં સે...' કહીને ખુશ થયો હતો કે, ''ભ'ઈ... જે સ્ત્રીને લોકો લાલચુભરી નજરે જુએ છે, એ મારી પત્ની છે... મારે તો રાજી થવું જોઈએ!''

આ કબીર-પ્રોતિમાએ ડિવૉર્સ લીધા એ પહેલાં, પૂજા બેદી અને સિધ્ધાર્થ નામના બે સંતાનો થયા. એ પછી પરવિન બાબી સાથે એ વગર લગ્ને વર્ષો સુધી રહ્યો. આ સિધ્ધાર્થ યુવાનીમાં જ Schizophrenia (ઉચ્ચાર 'સ્કિત્ઝોફ્રેનિયા')ના રોગનો શિકાર બનીને આપઘાત કરીને ૨૬-વર્ષની ઉંમરે ગૂજરી ગયો. સાદી ભાષામાં કહીએ તો એ ગાંડો થઈ ગયો હતો. એ પછી કબીર બ્રિટીશ મોડેલ સુઝાન હમ્ફ્રીઝ સાથે પરણ્યો, જેનાથી આદમ બેદી નામનો પુત્ર થયો. આદમ ઈન્ટરનેશનલ મૉડેલ છે અને હિંદી ફિલ્મ 'હૅલ્લો, કૌન હૈ?'માં એ ચમક્યો છે. એ પછી કબીર ટીવી અને રેડિયો જૉકી નિક્કી બેદીને પરણ્યો. સંતાન-ફંતાન ન થયું ને એમાંથી ય રસકસ ઊડી જતા એને ય ડાયવૉર્સ પધરાવી દઈને હાલમાં તે બ્રિટનમાં જન્મેલી પરવિન દુસાન્જ નામની સ્ત્રી સાથે ફરી એક વાર લિવ-ઈન રીલેશનશીપથી રહે છે...

(આ આખી વાત વાંચીને આપણામાંથી સહુએ સંયમ રાખવાનો છે. કબીર બેદીના જીવનમાંથી પ્રેરણા લઈને કોઈ તોફાન કરવાની કે રૅકોર્ડ-બૅકોર્ડ તોડવાની જરૂર નથી... કહેતા હો તો પંખો હું ચાલુ કરું...!)

સ્ટોરી કાંઈ ઝીનત અમાનની ય ખુશ થવા જેવી નથી. દેવ આનંદ પોતાની આત્મકથા Romancing with life માં ઉઘાડેછોગ કબુલી ચૂક્યો છે કે, હું ઝીનતના પાગલ પ્રેમમાં હતો. તાજ ઑબેરોયની ટેરેસ રેસ્ટરામાં હજી એ 'આઈ લવ યૂ' પ્રપોઝ જ કરવા જતો હતો, ને સામેથી આવતા રાજ કપૂરે તેને બોલાવી લીધી અને એજ ઘડીએ ઝીનતે કોઈ ડીસન્સી-બીસન્સી રાખ્યા વગર દેવ આનંદને છોડી દીધો ને 'સત્યમ, શિવમ, સુંદરમ' મેળવી લીધું. સત્ય જરા ય સુંદર નથી હોતું, એની રાજ કપૂર કરતા વધારે ખબર દેવ આનંદને પડી હશે!

સોનિયા સાહની કોમેડિયન આઈ.એસ. જોહરની કાયદેસરની પત્ની હતી (કયા નંબરની તે યાદ નથી!) ને એણે ય જોહર સાથે છુટાછેડા લઈને ગુજરાતના જ કોઈ મહારાજા સાથે પરણી છે.

'હલચલ'માં મદન પુરીની પત્ની બનતી અભિનેત્રી સરદાર અખ્તર છે, જેણે ૧૯૪૦-માં મેહબૂબખાને બનાવેલી ફિલ્મ 'ઔરત'માં એ રાધાનો રોલ કર્યો હતો, જે રાધા ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નરગીસ બની હતી. સરદાર અખ્તર મેહબૂબખાનને પરણી અને ફિલ્મ 'મધર ઈન્ડિયા'માં નાના સુનિલ દત્ત (બિરજૂ)નો રોલ કરનાર સાજીદખાનની સાવકી માં બની. સાજીદને મેહબૂબ ખાન કોક ઝૂંપડપટ્ટીમાંથી લઈ આવ્યા હતા. પણ ખુશી ખુશીથી મોટો કરીને અમેરિકા ભણવા ય સરદાર અખ્તરે મોકલ્યો.
'હલચલ'માં નોકરાણી બનતી મનિષાની આ પહેલી ફિલ્મ હતી. મનિષાને તમે રાજેશ ખન્નાની ફિલ્મ 'બાવર્ચી'માં જોઈ છે, જે જયા ભાદુરી સાથે નૃત્યમાં હરિફાઈ કરે છે, મનિષાનો નૃત્યગુરૂ પૅન્ટલ બને છે.

'હલચલ'ની તો વાર્તા જ કમ્માલની છે. ઓપી રલ્હન રેલ્વેના બ્રીજ નીચે કામ કરતો ફિટર છે. મોડી રાત્રે ત્યાં કામ કરતા, બ્રીજ પર બેઠેલા એક કપલની વાત એનાથી સંભળાઈ જાય છે કે, એ મહેશ જેટલી નામનો માણસ એની પત્નીનું ખૂન કરીને આ પ્રેમિકા સાથે પરણી જવા માંગે છે. નીચે બેઠેલો રલ્હન આ સાંભળી જાય છે ને ઉપર જઈને પીછો કરવા જતા પહેલાં પેલું કપલ નીકળી ચૂક્યું હોય છે. પોલીસને ખબર આપે તો પોલીસના લફરામાં ફસાવું પડે, એટલા માટે એને વિચાર એવો આવે છે કે, હું જ આ મહેશ જેટલીની વાઈફને ફોન કરીને જણાવી દઉં કે, તારો ગોરધન તારું ખૂન કરવા માંગે છે. ટેલિફોન-ડિરેક્ટરીમાં ત્રણ મહેશ જેટલીઓ નીકળવાથી રલ્હન મૂંઝાય છે, એટલે એ ત્રણ મહેશ જેટલીઓના ઘેર ફોન કરીને ત્રણેની વાઈફના ઘરમાં હલચલ મચાવી દે છે. એમાંનો પહેલો મહેશ જેટલી મદનપુરી એની આસિસ્ટન્ટ લૅડી ડૉક્ટર સાથે વધારે રહે છે, એમાં રલ્હનનો ફોન આવવાથી એની પત્ની સરદાર અખ્તરના મનમાં ઠસી જાય છે કે, મને લંગડીને સાજી કરવાના બહાને મારો વર મને ઝેરનું ઈન્જૅક્શન આપીને મારી નાંખશે. બીજો મહેશ જેટલી પ્રેમ ચોપરા છે. પ્રેમ ચોપરા ફેશન મૉડેલનો સ્ટુડિયો ચલાવે છે ને ઝીનત અમાનને મોડલ બનાવવા માંગે છે. જેની સુંદર અને સુશીલ પત્ની (અંજલી કદમ)ને પણ શંકા છે કે, ઝીનતના પ્રેમને ખાતર આ મને મારી નાંખશે. જ્યારે ત્રીજો મહેશ જેટલી કબીર બેદી છે, એ ફિલ્મ ઍક્ટ્રેસ સોનિયા સાહનીને પરણ્યો છે અને શંકા છે કે, સોનિયા એની ફિલ્મના ડાયરેક્ટર રમેશ દેવ સાથે સંબંધમાં છે. સોનિયાના મનમાં રલ્હને ઠસાવેલું છે જ કે, કબીર તારૂં ખૂન કરવાનો છે, એટલે એના ઘરમાં ય હલચલ મચી છે... પણ બીજાનું ભલું કરવા જતા ખુદ રલ્હનના પોતાના ઘરમાં મોટી હલચલ મચી છે. એને નાનપણથી ક્રિશ્ચિયન ટુનટુને ઉછેર્યો છે અને પોતાની દીકરી હેલન સાથે એના લગ્ન નક્કી થયા છે. ટુનટુન માનતી નથી, એટલે રલ્હનને ભૂત-ફૂત વળગ્યું છે, એમ માનીને ભૂવાઓને બોલાવે છે. છેવટે હૅલન અને રલ્હન ભેગા મળીને આ ત્રણમાંથી પત્નીનું ખૂન કરવા માંગતો મહેશ જેટલી કોણ છે, એ શોધી કાઢવાના પ્લૉટ ઘડે છે, જે મુજબ એ ત્રણેની જાસુસી કરીને, પોતાની પત્નીને સાચો પ્રેમ કોણ કરે છે, એ શોધી કાઢવા ત્રણે સાચો પ્રેમ કરનારા સાબિત થાય છે, પણ કબીર બેદીને શંકા જતા, એ રૂ. પાંચ હજારમાં સોનિયાનું ખૂન કરવા કામચલાઉ ગુંડા બનેલા રલ્હનને કામ સોંપે છે...
બસ. આગળની વાર્તા સ્પૉઈલરમાં આવતી હોવાથી, ફિલ્મ તમે જોવાના હો તો રસભંગ ન થાય, માટે અહીં અટકીએ.

યસ. આ ફિલ્મમાં મદન પુરી પણ છે. ખૂબ સારો ઍક્ટર. બહુ વર્ષો પહેલાં મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયાથી મોટરબોટમાં અમે ઍલિફન્ટા ગૂફાઓ જોવા જતા હતા, ત્યારે બૉટમાં અમારી સાથે મદન પુરી અને અનિલ ધવનની પત્ની રશ્મિ પણ હતી. એ લોકો 'એક નારી, દો રૂપ'નું શૂટિંગ કરવા જતા હતા. રશ્મિ આપણી ગુજરાતી વૅમ્પ બિંદુની બહેન થાય. મદન પુરી સાથે ઘણી વાતો કરવાનો મોકો પણ મળ્યો. આ ફિલ્મમાં એના નાના ભાઈ (ત્રીજો ભાઈ ચમનપુરી) અમરીશ પુરીને પણ કરિયરની શરૂઆત છતાં ઘણો મોટો રોલ મળ્યો છે, સરકારી વકીલનો. સહુને ખબર છે કે, અમરીશ પુરીને પહેલો ચાન્સ દેવ આનંદે એની ફિલ્મ 'પ્રેમ પુજારી'માં આપ્યો હતો.

ફિલ્મમાં ગીત-બીત કાંઈ નથી, પણ રાહુલદેવ બર્મનની કમાલો એક ડાન્સમાં જોવા મળે છે. માત્ર ભારતના તમામ રાજ્યો નહિ, વિશ્વના તમામ દેશોના ડાન્સીઝની ઝલક આપતા એક ડાન્સમાં બર્મન પૂરજોશથી ઝળક્યા છે. આર.ડી.એ. ફિલ્મનું ફક્ત બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ આપ્યું છે, પણ મારી જેમ દેવ આનંદની ફિલ્મ 'જ્વૅલ થીફ' ૧૫-૨૦ વખત જોઈ નાંખનારાઓને તરત ખ્યાલ આવી જશે કે, એના ટાઈટલ મ્યુઝિકના ઘણા ટુકડા આખી ફિલ્મ 'હલચલ'માં એણે રીપિટ કર્યા છે. (આખી ફિલ્મમાં ગીત નથી, પણ આર.ડી. પોતે અને આશા ભોંસલે ફિલ્મના ટાઈટલ્સ અને વચ્ચે વચ્ચે માત્ર ''હલ... ચલ'' ગાયે રાખે છે. આ સિવાય કોઈ શબ્દ નથી, એટલે સવાલ થાય છ કે, આટલું ''હલ...ચલ'' લખનારના ગીતકાર કોણ હશે...? તમને ખબર પડે તો જણાવશો.)

ફિલ્મમાં bloopers તો ઘણી નીકળે એમ છે. bloopers એટલે ભૂલો. વિશ્વભરના ઈંગ્લિશ ફિલ્મોના શોખિનો ફિલ્મ રીલિઝ થાય પછી નૅટ ઉપર આવી bloopers લખી મોકલે કે, શૉન કૉનેરી ટેબલ પર બેઠો છે, ત્યારે વ્હિસ્કીનો ગ્લાસ ફૂલ ભરેલો છે ને બીજી જ પળે ફરીથી શૉનને બતાવાય છે, ત્યારે ગ્લાસ અડધો ખાલી થઈ ગયો છે... બ્રુસ વિલિસ ગાડીમાંથી ઉતરે છે, ત્યારે સામેની ફૂટપાથ ઉપર બીજી એક કાર ઊભી હોય છે એ જ ક્ષણે એ કારનો દરવાજો બંધ કરીને બહાર ઉતરતો બતાવાય છે, ત્યારે પેલી ગાડી ગૂમ થઈ જાય છે.

એમ આ ફિલ્મ 'હલચલ'માં મદન પુરીથી ડરીને એની પત્ની બંગલાની બત્તીઓ બુઝાવી દે છે, જેને શોધવા મદન ટૉર્ચ કાઢે છે, તો સ્વિચ કેમ ચાલુ કરતો નથી? ફ્યૂઝ થોડો ઊડી ગયો છે?

ગળી કલરનું રલ્હનને ઓબ્સેશન હોવું જોઈએ. દરેક પાત્ર પાસે એક એક વખત તો ગળી કલરના કપડાં પહેરાવ્યા છે. જરા હસી પડો કે, તદ્દન ગળી કલરના પાટલૂનમાં રમેશ દેવ કેવો લાગતો હશે?

બસ. ત્રણ કલાક ખડખડાટ હસવું હોય તો આ સિચ્યૂએશન કૉમેડી જોવાનું ચૂકતા નહિ.

('ગૂંજ ઉઠી શેહનાઈ' અમદાવાદની નૉવેલ્ટી સિનેમામાં નહિ, કૃષ્ણમાં આવ્યું હતું, એ તરફ અનેક વાચકોએ ધ્યાન દોર્યું છે. આટલી ઝીણવટથી આ કૉલમ વાંચનારાઓનો આભારી છું.) 

No comments: