Search This Blog

07/01/2015

ચલો, એક ગીત ગાઓ

આજકાલ તો એકબીજાના ઘરે જવાનું, સમજો ને... ઓલમોસ્ટ બંધ થઇ ગયું છે. ખાલી ચા-પાણી માટે તો તમારા ઘર સુધી કોઇ લાંબુ થાય એવું નથી, પણ જમવા બોલાવી જુઓ.. એ ય કોઇ નથી આવતું. એકબીજાના ઘરે જમવા- બમવાના જમાના તો વર્ષોથી ગયા ! કબુલ કે, એક વખત તમારા ઘરે જમી ગયેલી પબ્લિક બીજી વખત આરોગ્યના ધોરણે ય હિમ્મત ન કરે, (બધું અહીંને અહીં ભોગવવાનું છે!) પણ એક જમાનો હતો, જ્યારે એકબીજાને ઘરે જવું નિહાયત ખુશીની વાત હતી. આપણને ગમતું કોઇને ઘેર જવું અને કોઇ આવે, એ તો ખૂબ ગમતું.

ક્યાં ગયા એ બધા દિવસો ? પગમાં ગૂમડાં ફૂટી નીકળ્યા હોય એવો શહેરનો સડેલો ટ્રાફીક, બોપલ, પ્રહલાદનગર સુધી લાંબુ થઇ ગયેલું અમદાવાદ અને આટલે દૂર લાંબા થઇને જઇએ, ને સાલાઓ,''નાસ્તો લેશો ?'' પૂછે. કેમ જાણે આપણે એમ કહેવાના હોઇએ કે, ''તમતારે લાવો ને હવારનું જે કાંઇ વધ્યું- ઘટયું હોય એ... પતાઇ દઇશું...'' ઘરેથી જમીને નીકળેલો માણસ ય આવા રાક્ષસી ટ્રાફિક અને લાંબા અંતરને લીધે ભૂખ્યો ડાંહ થઇ જાય, પણ વૈભવ જેમ જેમ વધતો ગયો, એમ સ્ત્રીઓમાં ચાંપલાશો ય વધવા માંડી. એક નાની પ્લેટમાં ખૂબ નાજુક હાથોમાં પ્લેટ પકડીને છ-પીસ કાજુ અને છ-પીસ બદામના મૂકે. જેને પીવડાવવા હોય, એ પૂછતા નથી કે, ચા લેશો કે કોફી ? એ મૂકી જ દેતા હોય, પણ હવે પોતે કેટલા સુધરેલા છે, એ બતાવવા પેલી 'ડીપ-ડીપ'ની દોરી હલાવવાની 'બ્લેક-ટી' આપવાની ફેશનો વધી ગઇ છે. કસમ નંદુ ચાવાળાની... કે આપણે લોકો આપણી અસલ દેશી ચા પીને જ સંતોષ માનનારાઓ છીએ...પેલી 'ડીપ-ડીપ'માં આપણાવાળી ચાનો સ્વાદ ક્યાં ? મને હજી પણ ચાનો અસલી સ્વાદ રકાબીમાં આવે છે... ફૂંકો મારી મારીને કપમાં નહિ ! યસ. હવે તો ઘરે બોલાવવા કરતા બારોબાર ડિનર પર કોઇ હોટલ કે ક્લબમાં બોલાવવાની સ્ટાઇલો વધી ગઇ છે.

પૉસિબલ તો એ પણ છે કે, મોટા ભાગની સ્ત્રીઓ પોતાની રસોઇની આવડતથી ફફડતી હોય છે. જેનો હાથ સારો બેસી ગયો હોય, એને તો મેહમાનો બોલાવીને જમાડવા ગમે.....આ જુઓ ને, અમે ક્યાં કોઇને બોલાવીએ છીએ ?

પણ નવો ક્રૅઝ ચાલ્યો છે, ડોહા-ડોહીની બર્થ-ડે મૅરેજ-ઍનિવર્સરીની 'સરપ્રાઇઝ-પાર્ટી' રાખવાનો ! તારી ભલી થાય ચમના... ડોહો હજી અડીખમ છે, એ જ મોટું સરપ્રાઇઝ અથવા આઘાત છે. ડિનરો આવા કરૂણ પ્રસંગે હવે રખાવા માંડયા છે. આપણે ભરાઇ જઇએ, ડોહા-ડોહી માટે ગિફ્ટ લેતા જવામાં કે, શું લઇ જવું ? ૯૦-ક્રોસ કરી ચૂકેલા ડોહા માટે દાંતનું ચોકઠું લઇ તો જઇએ, પણ ફિટ ન બેઠું તો બીજો ૯૦-વાળો ક્યાં શોધવો ? ડોસીનું બૉડી એટલું ચીમળાઇ ગયું હોય કે, એમને માટે શૉલ લઇ જઇએ તો, રેતીના ટેકરા ઉપર કાચબો બેઠો હોય, એવું ફક્ત એમનું ડોકું દેખાય.

આમાં અમે ભરાઇ પડયા મસ્તુભ'ઇની બર્થ-ડૅ પાર્ટીમાં. ખબર તો હતી કે, એક જમાનામાં મસ્તુભ'ઇ સાયગલના ગીતો ગાતા હતા, એમાં સાયગલ વહેલા ગૂજરી ગયા. એના છોકરાએ મેહમાનોને સમજણ આપી કે, 'પપ્પા એટલે સાયગલ અને સાયગલ એટલે જ પપ્પા !' આમાં ચૉકી અમે બધા ગયા કે, આનો ફાધર ગણવો કોને ? મસ્તુને કે સાયગલને ? જૂના જમાનામાં શિયાળામાં નહાવા માટે પાણી ગરમ કરવાનો તાંબાનો બંબો આવતો. એ બંબા ઉપર કંતાન ઢાંક્યું હોય. એવી શૉલ ઓડીને મસ્તુભ'ઇ હાર્મોનિયમને અડીને બેસી રહેલા. એમનો ઉત્સાહ મ્હાંતો નહતો. મહાન રાજા પોરસને ધૂન ચઢેલી કે, સિકંદરના એક એક સૈનિકનો આજે ખાત્મો બોલાવી દઉં, એમ મસ્તુભ'ઇ ગાતા પહેલાં ઘણી કાતિલ નજરે વારાફરતી અમારા સહુ ઉપર જોઇ લેતા હતા કે, 'આજે નહિ છોડું.' બાલ્કનીના તાર ઉપર પ્લાસ્ટિકની ક્લિપો ભરાવેલા કપડાં નોકર એક પછી એક કાઢવા માંડે, એમ મસ્તુભ'ઇની ક્લિપ જેવી આંગળીઓ વડે હાર્મોનિયમમાંથી સૂરો કાઢવા માંડયા. મેહફીલમાં બેઠેલ દરેક વ્યક્તિ કાંઇ સંગીતની જાણકાર ન હોય, એમાં ગીત શરૂ કરતા પહેલા મસ્તુભ'ઇએ ઉંમરને આધિન બે-ત્રણ ખોંખારા ખાધા, એમાં તો 'ક્યા બ્બાત હૈ... 'વન મોર'... ને 'જીયો મેરે રાજ્જા'ની દાદ મળવા માંડી.

'જબ દિલ હી તૂટ ગયા,
હમ જી કે ક્યા કરેંગે....'

ભારે પવનને કારણે કોઇ ઝૂંપડા ઉપરનું છાપરૂં ખખડતું હોય, એવા ઝટકે-ઝટકે મસ્તુભ'ઇએ ગીતના શબ્દો લહેરાવ્યા. જેમ મુખ્ય મેહમાન તરીકે કોઇ હૉલમાં લાઇનમાં બેઠા હો ને ગમે કે ન ગમે, 'વાહ વાહ'ની દાદો દેવી પડે, મોંઢા હસતા રાખવા પડે ને ચાલુ પ્રોગ્રામે કોઇ અધૂરૂં અરમાન પૂરૂં કરવા બે ઘડી બહાર જઇ આવવું હોય તો ય શરમના માર્યા જવાય નહિ, એમ અહીં તો નાનકડા રૂમમાં બધા મુખ્ય મેહમાનો હતા. હિમ્મત એ વાતની ઉપડી કે, એક સાથે સાગમટે બધાને પેલા અરમાનો પૂરા કરવાના ઝનૂનો ઉપડયા. ઈન ફૅક્ટ, વૉશરૂમમાં તો એકે ય મરદ શોધ્યો ન જડે.... કોઇ બાલ્કનીમાં સિગારેટ પીવાના બહાને જતું રહ્યું, તો કોક લૉબીમાં અડધી રાત્રે મૉર્નિંગ વૉક લેવા નીકળી પડયું હતું. એક જણને તો ત્રણ જણે પકડીને બાલ્કનીમાંથી ઊંધો લટકાવ્યો ય ખરો... એની ભૂલ એટલી કે, એ એટલું જ બોલ્યો, 'કાકા ગાય છે સારૂં, નહિ ?'

કહે છે કે, સાચા ગાયકને કદી શ્રોતાઓની જરૂર પડતી નથી. મસ્તુભ'ઇએ નહિ નહિ તો ય ૬-૭ ગીતો ખેંચી નાંખ્યા હશે. નજરે જોનારાઓ તો કહે છે, સાતમાં ગીતે ખુદ-એનો છોકરો ય વૉશરૂમમાં જતો રહ્યો હતો, તે હજી બહાર નીકળ્યો નથી. મસ્તુભ'ઇએ એની પાસે એટલી જ સલાહ માંગી હતી કે, 'ઈન્ટરવલ જેવું કંઇ પાડવું છે ?' મને યાદ છે, ત્યાં ઉપસ્થિત હરએક મેહમાને પરમેશ્વરને એવી પ્રાર્થના કરી હતી કે, 'મસ્તુકાકાને વહેલા ઉપાડી ન લેતો....' સાલું ૨૦-૨૫ વર્ષ પછી આપણો છોકરો ય એમના ઍરીયામાંથી પસાર થાય, તો મસ્તુભ'ઇએ ગાયેલા સાયગલના ગીતો આસમાનમાંથી, સડકની સપાટી ઉપરથી, કોઇ દુકાનની અર્ધખુલી બારીમાંથી કે, ફાધરે ત્યજી દીધેલા કોઇ બેસહારા પિપળાના વૃક્ષની ડાળીઓમાંથી પણ સંભળાશે.

એ રાત્રે તો ઘેર જવા મળ્યું. પણ વાઘ લોહી ચાખી ગયો હતો. મસ્તુભ'ઇએ તે રાત્રે ગાયેલા ગીતોનું ઘેર જ રૅકોર્ડિંગ કરાવીને એની સીડી બનાવી હતી. મસ્તુપુત્રનો હૃદયદ્રાવક આગ્રહ કે, 'શાંતિથી પપ્પાની સીડી સાંભળીને આપનો અભિપ્રાય વહેલી તકે મોકલશો. અને પપ્પાજીનો ખાસ આગ્રહ છે કે, આવી બીજી મેહફીલ ગોઠવવી હોય તો કહેવડાવશો.'

અભિપ્રાય લખવો, એટલે નરાધમ જુઠ્ઠું બોલવું. ન મોકલીએ તો એમના છોકરા સાથે સંબંધો બગડે. પણ અમારામાં ૯૦-ટકા તો બ્રાહ્મણ, જૈન, વૈષ્ણવ, લોહાણા અને પટેલો હતા ને આ લોકો એમ કાંઇ બદલો લીધા વિના તમને છોડે ? મસ્તુભ'ઇને ચીફ ગૅસ્ટ બનાવીને અમારામાંથી જ કોકના ઘેર સંગીતની મેહફીલ રાખી. શર્ત એટલી કે, ગાવાનું ફરજીયાત બધાએ... મસ્તુભ'ઇ સિવાય !

ફિર ક્યા... ? આ શિયાળામાં મસ્તુભ'ઇ ચોકડીવાળો કોટ અને પાટલૂન પહેરીને મેહફીલમાં આવ્યા.. અમે બધાએ નક્કી કર્યું હતું કે, દરેકે અમર ગાયક સ્વ. કુંદનલાલ સાયગલના આવડે એટલા ગીતો હિમેશ રેશમીયાના અવાજમાં ગાવા. દરેક ગીતને મિનિમમ પાંચ વાર 'વન્સ-મૉર' મળવું જોઈએ.

'અમારા પૂજ્ય પિતાશ્રી મસ્તુભ'ઇનું અકાળે અવસાન થયું છે. સદગતનું બેસણું પરિમલ ગાર્ડનમાં, આવતી કાલે સાંજે ૫ થી ૬ દરમ્યાન રાખવામાં આવ્યું છે.'

સિક્સર
- કેમ મૂછો કાઢી નાંખી ?
- વચમાં આવતી'તી.

1 comment:

Unknown said...

One of the best B B. Love it