Search This Blog

13/04/2016

ભારત માતાકી જય

ઑનેસ્ટલી કહેજો... આપણા ધી ગ્રેટ ભારત દેશનો તિરંગો ઝંડો લહેરાતો તમે જુઓ, ત્યારે એક ક્ષણ માટે ઊભા રહી જઇને એને વંદન, પ્રણામ કે સૅલ્યૂટ કરો છો ? ખોટી હા ય પડાય એવી નથી કારણ કે નથી જ કરતા. તિરંગો દેખાય એટલે પ્રણામ કરવા જ જોઇએ, એવું હજી સુધી કોઇએ શીખવાડયું નથી, કોઇએ બધાની વચ્ચે આપણા ગાલ ઉપર જોરદાર થપ્પડ મારીને તિરંગાને વંદન કરાવ્યા નથી, તિરંગાને પ્રણામ કરવા જોઇએ, એ સાલું હજી મનમાં ઊગ્યું પણ નથી... હા, તિરંગો આપણે જે ધર્મ પાળતા હોઇએ, એની ધ્વજા હોત, તો હજી વિચારે ય કરત. પહેલી વાર જે મળે એને તમે, ''અમારા નાગર બ્રાહ્મણો-સૉરી, નાગરોમાં તો આમ ને નાગરોમાં તેમ... '' કહીને ગર્વ અનુભવો છો. જૈન છો, એ જ તમારૂં મોટામાં મોટું ક્વૉલિફિકેશન છે, એ તો તમે ય માનો છો. બ્રાહ્મણથી ઊંચી બીજી કોઇ જ્ઞાતિ નથી એવું સદીઓથી તમારા મનમાં તમે પોતે ઠસાવ્યું છે... 

પણ એકે ય વાર, તમારી ઓળખાણ કોઇ નાગર, જૈન કે બ્રાહ્મણ તરીકે નહિ, 'ભારતીય' તરીકે આપી છે ખરી ? હવે નાગર, લોહાણા, દલિત કે વૈષ્ણવ બહુ થયું... બે વર્ષ માટે આ બધી ફાંકાફોજદારી બાજુ પર મૂકીને ''હું ચુસ્ત ભારતીય છું'' એવું કહેવાનું કમ-સે-કમ શરૂ તો કરો અને હવે તમારા એ જ ભગવાનો કે ધર્મોના સૌગંદ ખાઇને સાચો જવાબ આપવાનો છે કે, તમને અભિમાન બ્રાહ્મણ હોવાનું વધારે છે કે ઇન્ડિયન હોવાનું ?... સવાલ જ પેદા થતો નથી. અમે પહેલા જૈન... ને પછી બાકી જે કાંઇ ગણાવવું હોય તે !

આજે ૪૦-૫૦ કે ૬૦-ની ઉંમરના થયા, હજી સુધી એકે ય વાર મનમાં આવ્યું નથી કે, ભારત આપણી માતા છે. આજે જે કાંઇ ખાઇએ-પીએ છીએ, એ આપણો ધર્મ નથી આપતો... આપણો દેશ આપે છે... બસ, ગાલ ઉપર એક સણસણતો તમાચો મારીને કોઇ ભારત માતાને સાષ્ટાંગ પ્રણામ નથી કરાવતું, એટલે પ્રેમ કે વફાદારી જ નહિ, બીકના માર્યા ય અમે ભારત માતાને માતા નથી કહેતા. મરચાં તો બહુ લાગશે પણ, આપણા માટે ભારતનો તિરંગો કાપડના એક ટુકડાથી વિશેષ કાંઇ નથી.

છેલ્લે છેલ્લે ટી-૨૦ ક્રિકેટના વર્લ્ડ કપમાં લાઇનબદ્ધ ઊભેલી ઇન્ડિયન-ટીમ આદરપૂર્વક રાષ્ટ્રગીત ગાતી હતી, ત્યારે આપણામાંથી ટીવીની સામે ઊભા થઇ જઇને સલામ સાથે કેટલાએ રાષ્ટ્રગાનને આદર આપ્યો હતો ? (''ક્યાં આપણે હાથમાં બૅટ પકડવાનું હતું ?'') કાશ્મિરમાં પાકિસ્તાની ઝંડા ફરકતા જોઇને ય આપણું લોહી ઉકળતું નથી, એનો એક અર્થ એ પણ થયો કે, આપણે જ્યાં રહીએ છીએ, એ નારણપુરા ચાર રસ્તા વચ્ચે ય કોઇ પાકિસ્તાની ઝંડો ફરકાવે તો ય... ''આપણા બાપનું શું જાય છે ?''

સાલા, આપણા કરતા તો કૂતરાં સારા કે જેનું ખાય એની સામે ભસે તો નહિ ! કૂતરૂં ય પોતાની જગ્યા સાફ કરીને બેસે છે.

અસદુદ્દીન ઓવૈસીને તમામ ભારતીયો ભાંડતા હશે કે, એણે ''ભારત માતા કી જય'' બોલવાની ના પાડી. દેશ આખો ખીજાઇ ગયો... રાજ્યસભામાં 'ભારત માતા કી જય' નહિ બોલવાના ઓવૈસીના ઍલાન પછી ફિલ્મી ગીતકાર જાવેદ અખ્તરે ઓવૈસીને ધરખમ ગુસ્સાથી આડેહાથે લીધો હતો અને ચોખ્ખા શબ્દોમાં જાવેદે કહ્યું, એ સાહબને મોટા લીડર હોવાનો ભ્રમ થઇ ગયો, જે વાસ્તવમાં હૈદ્રાબાદના એક મોહલ્લાના નેતાથી વિશેષ કાંઇ નથી. ભારતનું બંધારણ એમને 'ભારત માતા કી જય' બોલવાની ફર્જ નથી પાડતું, એવો એમનો દાવો છે, તો ભારતનું બંધારણ તો એમને શેરવાની કે ટોપી પહેરવાનું ય નથી કહેતું. 'ભારત માતા કી જય' બોલના મેરા કર્તવ્ય નહિ, મેરા ''અધિકાર'' હૈ...' એટલું બોલીને જાવેદ સાહેબે પૂરા જોશોજૂનુનથી બુલંદ અવાજમાં ત્રણ વખત 'ભારત માતા કી જય' મુઠ્ઠી પછાડીને ગર્જનાઓ સાથે કહ્યું હતું, રાજ્યસભામાં.

વાસ્તવમાં, મોટો આભાર આ ઓવૈસી જેવા નાના મચ્છરનો માનવો જોઇએ કારણ કે, દેશભરના નાગરિકોમાં એણે અજાણતામાં રાષ્ટ્રઝનૂન ભરી દીધું. એણે ભારત માતાનું અપમાન કરીને આપણને માન આપતા કરી દીધા. એને ખબર હોત કે એની આ બદતમીઝીથી સાલા ભારતીયોમાં રાષ્ટ્રભાવના પેદા થશે, તો એ કદી આવું ન બોલ્યો હોત ! ઓવૈસીને કારણે, અત્યાર સુધી જે ''ભારત માતા કી જય'' નહોતા બોલતા, એ ય બોલતા થઇ ગયા કે, ''તું ના શેનો બોલે ? અમે બોલીએ છીએ ને, ''ભારત માતા કી જય''!

જે કામ રચનાત્મક રીતે અક્ષય કુમારની ''ઍરલિફટ'' જેવી ફિલ્મોએ કર્યું, તે ખંડનાત્મક ઢબે આ માણસે કર્યું. હું લખી તો ગયો જ છું કે, આ ફિલ્મ 'ઍરલિફ્ટ'ના એક દ્રષ્યમાં ભારતનો તિરંગો લહેરાતો દેખાય છે, એ સાથે જ અમદાવાદના થીયેટરોના પ્રેક્ષકો આપમેળે આદરપૂર્વક ઊભા થઈને તિરંગાને વંદન કરતા હતા અને હજી ટીવી પર આ ફિલ્મ બતાવે, ત્યારે ય કરે છે.

આ તો મફતમાં મળેલી આઝાદીની કોઇ કિમત નથી, નહિ તો આઝાદીના એ દિવસોમાં દેશભક્તિના કેવા ઝનૂનો પૂરા દેશમાં બરકરાર હતા, એ તો મારા-તમારા કરતા મારા-તમારા પિતાશ્રીઓને વધારે ખબર છે. આપણે તો લાઇફ-ટાઇમમાં એકે ય વખત ''ભારત માતા કી જય'' બોલવાનું આવ્યું જ નથી... સિવાય કે ક્યાંક ફરજના ભાગરૂપે બોલવું પડયું હોય ! યસ. આપણી જ્ઞાાતિનું હજાર માણસ ભેગું થયું હોય, ત્યાં ઑમ નમઃશિવાય, જયશ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર કે જય જલારામનો સાદ દેવડાવો... હજાર માણસ આકાશ ફાડી નાંખશે પોતાના પ્રચંડ નાદથી... 

... અને એ જ હજાર માણસ પાસે 'ભારત માતા કી જય' બોલાવી જુઓ... (સૉરી, ઝેરના પારખાં ન હોય !) ક્યારેક વિચાર આવ્યો છે ખરો કે, આ આઇઍસના આંતકવાદીઓ ઇન્ડિયાને મસળી નાંખવા માટે હજી વિચારે ય કરતા નથી. એમનો આતંક પૂરી દુનિયાના ધર્મો સામે છે-એક માત્ર ભારત સામે નહિ. દુનિયાભરના દેશો આતંકવાદ સામે ટક્કર આપવા એક થઇ રહ્યા છે, ત્યારે આપણે હજી 'જય જીનેન્દ્ર' અને 'ઓમ નમઃશિવાય'માંથી માથું ઊંચું કરતા નથી. અબજો નહિ, ખર્વો રૂપિયાના દાન માત્ર ધર્મ માટે આપીએ છીએ... દેશ માટે તો સીજી રોડ ઉપર એક મૂતરડી બનાવવાનું દાને ય કોઇ આપે એમ નથી. પણ જે દિવસે એ લોકો ભારતને નિશાના પર લીધું ત્યારે સામો વાર કરવા તો ઠીક, આપણા આ જ ''વહાલા'' ધર્મને બચાવવાની આપણામાં તાકાત છે ?

વાસ્તવિકતા એ છે કે, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી ભારતીયોને પાક્કા દેશભક્ત નહિ બનાવી શકે... પાકિસ્તાન કે આઇઍસના આતંકવાદીઓ આપણને ઇન્ડિયન બનાવશે... ઘેર આવીને તમાચા મારી મારીને !

બસ. ફક્ત બે વર્ષ માટે તમારો ધર્મ અને ભગવાનને આદર સાથે રૅસ્ટ આપીને ફક્ત 'ભારત માતા'ની સેવામાં લાગી જઇએ... હજી બધું ગુમાવવાની શરૂઆત થઇ નથી.

સિક્સર
ટી-૨૦નો વર્લ્ડ કપ હારી જવા છતાં ભારત કેટલો મહાન દેશ છે, તેની સાબિતી મળી. વર્લ્ડ-ચૅમ્પિયન બનનાર વૅસ્ટ ઇન્ડીઝની ટીમના એકેએક ખેલાડીએ ભવ્ય અને તોફાની વિજય પછી પોતાની મરૂન જર્સીઓ કાઢીને ઉઘાડા શરીરે પૂરા મેદાનનું ચક્કર તોફાની ઉલ્લાસમાં માર્યું હતું.

કારણ ખબર છે ? એમને પોતાના જર્સી પણ પોતાના પૈસે ખર્ચવી પડે છે. એમનું બોર્ડ એનો એક રૂપીયો ય નથી આપતું... .વર્લ્ડ-કપ જીતવા કરતા પોતાના બૉર્ડને આવી પૉઝિટીવ લપડાક મારવાનું એ જૂનુન હતું.

ખબર પડી એટલે ભારતના તમામ ક્રિકેટપ્રેમીઓએ પોતાનો પરાજય ભૂલીને વૅસ્ટઇન્ડિઝના ભવ્ય વિજયને આદર સાથે બિરદાવ્યો હતો.

આ ભારત છે.

2 comments:

Unknown said...

આમાં પાછુ બઉ બોલાય પણ નહીં, અમુક ભગવાન ને જો ખોટુ લાગી ગ્યું તો કેટલાય મારવા ધોડી આવે !

જય હિંદ.

'બધિર' અમદાવાદી said...

સચોટ! આજે ફરી વાર આ લેખ વાંચ્યો.
વાંચતા જ દરેકને પોતાના મૂળ સંસ્કાર યાદ અપાવે એવા પ્રેરક કિસ્સાઓ સાથે સટીક વિવરણ.
આવા લેખ વારંવાર આવતા રહે એ જ અભ્યર્થના.
વાચક અને ફેન