Search This Blog

31/07/2016

ઍનકાઉન્ટર : 31/07/2016

* ગુજરાતીઓને હિંદી બોલવાના આટલા ધખારા કેમ છે ?
- મને ખ્યાલ છે, ત્યાં સુધી એ લોકો હિંદીમાં સાંભળી પણ શકે છે !
(ધ્રુવ પંચાસરા, વીરમગામ)

* કોંગ્રેસે આ દેશનું ઘણું ભલું કર્યું છે, છતાં તમે હંમેશા કૉંગ્રેસને ઈગ્નોર કેમ કરો છો ?
- બસ. આખા વર્ષમાં આખા દેશમાંથી કોઈ પણ એક જ કૉંગ્રેસી, દેશ માટે માત્ર એક વાત કરે...ભાજપની નહિ... તો મને વાંધો નથી ! પાકિસ્તાન કે આતંકવાદીઓ માટે એ લોકોને કાંઈ કહેવું નથી ?
(નિર્મલસિંહ પરમાર, મુંદ્રા)

* જો સ્માર્ટ ફોન ની હોય તો ?
- રીક્ષા કરીને એના ઘેર જઈ આવવું.
(વેદાંત સોની, નવસારી)

* તમે ભૂતપ્રેતમાં માનો છો ?
- આપણને કોઈની પર્સનલ લાઈફોમાં ડોકાં કરવાની આદત જ નહિ !
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)

* જન્માક્ષર/જ્યોતિષ હિંદુ ધર્મમાં જ કેમ ?
- જગતના કોઈ પણ ધર્મ કરતા હિંદુઓમાં ભગવાનનો સ્ટૉક સૌથી વધુ છે...૩૬ કરોડ દેવતા, ૧૨૫ કરોડની વસ્તીમાં !
(ધીમંત ભાવસાર, બડોલી)

* વિજય માલ્યા ક્યારે પાછો આવશે ?
- એ કોઈ ધૂળજી છે તે એના પાછા આવવાની ચિંતા કરો છો !
(હેમલ દેસાઈ, ગાંધીનગર)

* આજના યુવાનો માટે તમારો કોઈ સંદેશ ?
- એજ કે, કોઈને મફતમાં સંદેશ આપવો નહિ.
(ક્રિષ્ણા ભેસાણીયા, રાજકોટ)

* આ વખતે ભારત ટી-૨૦ વર્લ્ડ કપ કેમ ન જીતી શક્યું ?
- કારણ કે, હારી ગયું હતું.
(અર્પણ વિ. શાહ, સુરેન્દ્રનગર)

* જ્યોતિષની દ્રષ્ટિએ રાહુલબાબાનો લગ્નયોગ ક્યારે છે ?
- ચાલુ પાર્લામૅન્ટે ઊંઘવાનું બંધ કરે ત્યારે.
(જયેશ સુથાર, કણજરી)

* જ્યારે ટપુ જન્મ્યો નહોતો ત્યારે દયાભાભી જેઠાલાલને 'ટપુ કે પાપા'ને બદલે શું કહીને બોલવતા હશે ?
- 'આનેવાલેટપુ કે પાપા...!'
(કૃતાર્થ વૈષ્ણવ, રાજકોટ)

* મારી દ્રષ્ટિએ નાથુરામ ગોડસે એક રાષ્ટ્રપ્રેમી વ્યક્તિ હતો...
- રાષ્ટ્રપ્રેમમાં ખૂન કરવાનું ન આવે !
(કલ્પેશ પટેલ, કેનેડા)

* મહાલક્ષ્મી માતા સપનામાં આવીને તમને કહે, 'સાત દિવસમાં તને રૃા. ૧૦૦ કરોડ મળવાના છે.' તો તમારૂં શું રીઍક્શન હોય ?
- 'માતાજી...બોલીને ફરી તો નહિ જાઓ ને ?'
(હસમુખ બી. રાવલ, અમદાવાદ)

* લગ્ન પછી સામેનું પાત્ર બદલાઈ ગયું હોય, એવું લાગતું હોય તો ?
- એને જોયા પછી કહું.
(ભરત ડી. સાંખલા, ડિસા)

* કાગડા દેખાતા નથી, તો પછી શ્રાદ્ધ વખતે અગાસીમાં કાગવાસ કોને નાંખવો ?
- આવી વાતોમાં સ્ત્રી-પુરૂષના ભેદભાવો રખાય જ નહિ...કોઈ કાગડી પકડી લેવી !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* આ દવાદારૂમાં દવા તો સમજ્યા, પણ દારૂનું શું ?
- તમારી વ્યવસ્થા થાય તો મને ય કહેવડાવજો.
(અમરિશ બધેકા, ભાવનગર)

* મારે પણ 'તિતિક્ષા'ની બેન્કમાં ખાતું ખોલાવવું છે...શું કરૂં ?
- ઓહ...હવે સ્ત્રીઓ પણ...???
(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)

* નવા અને જૂનામાંથી તમને કયા ગીતો વધારે ગમે ?
- ઑડિયન્સ તૈયાર હોય તો નવું/જૂનું...કોઈ બી ગીત વ્યાજબી ભાવે ગાઈ આપવામાં આવશે.
(શૈલેષ દરજી, અમદાવાદ)

* લંડનના મૅડમ તુસાડ્ઝ મ્યુઝીયમમાં તમારૂં પૂતળું હજી કેમ નથી મૂકાયું ?
- જોઇને ય હસવું આવે, એવું પૂતળું બનાવવા એ લોકો તૈયાર નથી !
(જયેશ જરીવાલા, સુરત)

* તમે ત્રણ દિવસની ત્રણ કૉલમ લખીને બીજા ચાર દિવસ શું કરો છો ?
- ચાર દિવસ તો એ ત્રણની રાહ જોવામાં જ નીકળી જાય છે !
(શીતલ ટર્નર, મુંબઈ)

* બ્રેથવૅઇટે બૅન સ્ટોક્સની ઑવરમાં ચાર છગ્ગા માર્યા, ત્યારે તમને કેવું લાગ્યું હતુ?
- ઉપાડી ઉપાડીને ઝીંકી દીધી કહેવાય !
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)

* તમારો પંખો વારેવારે કોણ બંધ કરી જાય છે ?
- વીજળી ઘરવાળા.
(સતિષ ટર્નર, મુંબઈ)

* અરવિંદ કેજરીવાલ કોંગ્રેસે કરેલા ભ્રષ્ટાચારો વિશે કેમ બોલતા નથી ?
- એ માણસ પબ્લિસિટીનો ભૂખ્યો છે...એના નામનો સવાલ પૂછીને તમે ય એનું ધાર્યું કરાવો છો !
(મૂકેશ શાહ, વડોદરા)

* ગાંધીનગરમાં ચૂંટણી જેવું કાંઈ લાગતું જ કેમ નથી ?
-ઝપો ને !
(વીરેન્દ્ર મણીયાર, ગાંધીનગર)

* હવે...બિહારમાં પણ દારૂબંધી ?
- તે તમારે ક્યાં ત્યાં જઈને પીવો છે !
(મિલન પિપલીયા, અમદાવાદ)

* તમારા મતે રાજકારણ એટલે શું ?
- જેની રાહુલ ગાંધીને કાંઈ ખબર પડતી નથી એ.
(પ્રકાશ લછવાણી, આદિપુર-કચ્છ)

30/07/2016

નૅપકીન જેવા થેપલાં

આકારમાં અફ કૉર્સ, હું ખાધે-પીધે સુખી અને શિક્ષિત જનાવર જેવો લાગું છું, પણ એ લોકો જેટલો મારો ખોરાક નથી. મને જમવા બોલાવવો ખાસ કાંઇ ભારે પડે એવું નથી. જાતનો સરસ મજાનો બ્રાહ્મણ છું, એટલે જમવા તો-ઉપરવાળા સિવાય જે બોલાવે, એને ત્યાં ટાઇમસર પહોંચી જાઊં છું. બીજી વાર બોલાવે, એ માટે ત્યાં હું જે જમ્યો હોઊં, એના દે-ઠોક વખાણો કરૂં છું, એમાંના કેટલાક તો સાચા વખાણ પણ હોય. આપણાં મનમાં પાપ નહિ... પેટમાં પણ જગ્યા જેટલું જ પાપ....!

પણ વખાણો કરવામાં હાળું ભરાઇ પડાય છે. ધત્તુભ’ઇના ઘેર મને જમવા બોલાવ્યો, તે કાંઇ મંગળ-બંગળવારના થેપલાં પડ્યા હશે, એ મને પ્રેમના ફૉર્સો કરીકરીને વહાલથી જમાડ્યો. એ લોકોને ગોડાઉન ખાલી કરવું હશે ને મારાથી વઘુ શક્તિશાળી ‘થેપલા-ખાઉ’ એમને નહિ મળ્યો હોય, એટલે હડફેટમાં મને લીધો ને એવા થેપલાં હું ખાઇ પણ ગયો. બ્રાહ્મણ જેનું ખાય એનું કદી ખોદે નહિ એટલે મારા ય ગળે ન ઉતરે એવા વખાણો કર્યા.

પત્યું. એમને તો એમના થેપલાંનો બ્રાન્ડ-ઍમ્બેસેડર મળી ગયો. મારા અગાઉ આવી ભૂલ કોઇએ નહિ કરી હોય, એ કારણે એ લોકો તો એમના પ્રચાર-સાહિત્યમાં પણ મારૂં નામ જોડવા લાગ્યા. ‘‘ભ’ઇ... આ પેલા અશોક દવે નહિ...?.... અમારા થેપલાં ખઇખઇને ‘બુધવારની બપોરો’ લખે છે...! એમના લેખનો પહેલો અક્ષર અમારા થેપલાંના પહેલા બાઈટથી લખાય. ચામાં બોળી બોળીને થેપલું ખાધા પછી જ દાદુ ઇન્સ્પાયર થાય....!’’

એ પછી તો ધત્તુભ’ઇનું આખું ઘર ભાન ભૂલ્યું. ઘરમાં થેપલાં કાયમી થઇ ગયા. શ્રીખંડમાં પણ થેપલાં બોળીબોળીને ખવાવા માંડ્યા. બ્રેકફાસ્ટમાં ખાખરાનું સ્થાન થેપલાંએ લીઘું. જગતનો પહેલો થેપલાંની ફલૅવરનો આઇસક્રીમ ધત્તુભ’ઇએ શોઘ્યો. કોઇ ચીજવસ્તુનું વર્ણન કરતી વખતે વાત જો એની ગોળાઇની કરવાની હોય તો, ‘‘ઓહ ન્નો....હાઉ સ્વીટ ? પમ્મીનો ફૅસ બિલકુલ થેપલાં જેવો રાઉન્ડ-રાઉન્ડ છે, નહિ, ડૅડ....?’’ ઘરનો માહૌલ એટલી હદે થેપલાંમય થઇ ગયો કે, કોક તો વળી એવું ય બોલ્યું હતું કે, આપણાં ઇટાલીયન-સોફાના કવરો પણ થેપલાંના લોટમાંથી બનાવો. અફ કૉર્સ, ઘરના નૅપકીનો તો પહેલેથી થેપલાં જેવા સિવડાવ્યા હતા. ટેસ્ટમાં બહુ ઝાઝો ફરક નહોતો. એમનો નૅપકીન ચાવો તો થેપલાં જેવો લાગે અને થેપલું આપ્યું હોય, તો આપણને એમ કે, મોંઢું લૂછવા આપ્યું છે. સાલું, પછી તો ઘરનું નામ પણ ‘ધત્તુ-સદન’ બદલીને ‘થેપલાં-ભવન’ કરી નાંખ્યું. એ વધારે પડતું ન કહેવાય ? (જવાબ : બહુ વધારે પડતું કહેવાય. જવાબ પૂરો)

ખબર હોય તો, આજકાલ હવે નવરી પડેલી મોટા ભાગની ગુજરાતણો ઘેર ચૉકલેટો બનાવતી થઇ ગઇ છે. જેને ઘેર જાઓ, એ નાસ્તાને બદલે ડિશમાં ચૉકલેટો ધરે છે અને ભારપૂર્વક કહે, ‘‘લો ને... લો ને.... ઘેર જ બનાવી છે...!’’ ચૉકલેટ જેવો એની ચામડીનો કલર બેશક હોય, પણ ડિશમાં ચોળાફળીની માફક ચોકલેટો ગોઠવીને મૂકી હોય, એ જોઈને સવાલ થાય કે, આ તું ધમકી આપે છે કે બીવડાવે છે ? વચમાં વચમાં મીઠાના ગાંગડા આવતા તારા ગઇ વખતના વઘારેલા ભાત હજી યાદ છે, ચોપડેલા ટીંચર-આયોડીન જેવી લસણની ચટણી હજી યાદ છે... આઇસ્ક્રીમની સાથે પણ ડુચાં મારવા માટે આપેલાં થેપલાં હજી યાદ છે, બેન ! હવે તારી ચૉકલેટોમાંથી તો મને છુટો કર...!

આ જ ગ્રાઉન્ડ પર, ધત્તુભ’ઇનું ફૅમિલી નિર્દયી બન્યું હતું અને પ્લાસ્ટિકના આકર્ષક અને ચળકતાં રૅપરમાં વીંટાળેલા થેપલાં એમણે સગાં-સંબંધીઓ કે ફ્રૅન્ડ્ઝને ઘેરઘેર મોકલવા માંડ્યા. ભોગ બનતા સગાંસંબંધીઓમાંથી કેટલાકે તો જ્યોતિષીઓની સલાહ લીધી કે, ‘‘ધત્તુભ’ઇના થેપલાં પાછળ પડી ગયા છે... મારી દીકરીના રીસેપ્શનમાં સ્ટેજ પર આવીને ધત્તુભ’ઇ આશીર્વાદની સાથે થેપલાનું પૅકેટ આપી ગયા હતા કે, ‘હનીમૂનમાં બહુ કામ આવશે...’ આમાંથી છુટવાનો કોઇ ઉપાય બતાવો, મહારાજ.’ ત્રિકાળજ્ઞાની જ્યોતિષીએ સરસ ઉપાય દર્શાવ્યો,

‘‘
૨૧-મંગળવાર કરો..... દુશ્મનો સીધા થઇ જશે. પાપગ્રહો નાશ પામશે.’’
‘‘૨૧-મંગળવાર....? નકોડા કે દૂધ-ભાત ખાઇને....?’’
‘‘ના...ફક્ત થેપલાં ખાઇ ને...!’’

કહે છે કે, સદરહૂ જ્યોતિષીને સૉસાયટીની બહાર ઘસડી લાવીને આ લોકોએ ઢોર માર માર્યો હતો. નજરે જોનારાઓનું બયાન છે કે, માર ખાધા પછી ઇલેકટ્રીકના થાંભલા નીચે પડેલા જ્યોતિષીનું મોંઢું પણ સૂઝીને....! (વાંચકો ખાલી જગ્યા ભરી દે...!)

ધત્તુભ’ઇની બા ઘણીવાર ખીજાતા કે, ‘‘બેટા ધત્તુ... થોડો સંયમ રાખો. છોકરાઓ ચ્યૂઈંગ-ગમની જગ્યાએ થેપલાંનાં ડૂચાં ભરવા માંડ્યા છે.’’ બાને એ ખબર નહોતી કે, એ થેપલાં ચ્યૂઈંગ-ગમની જેમ વર્ષો સુધી ચાવો તો ય એનો અંત આવે એમ નથી. આમાં તો પમ્મીની માંડમાંડ થયેલી સગાઇ પણ તૂટી ગઇ... પૈણનારાની મમ્મી એટલું તો વિચારે ને કે, આપણા ઘેર આવનારી છોકરી આવા કડડભૂસ્સ થેપલાં બનાવતી હોય તો, મારે મારા છોકરાને થેપલે-થેપલે મારી નથી નાંખવો.... નિકાલ કરતી વખતે એક એક જીદ્દી થેપલું પેટમાં ચોંટી રહે, તો અમે કોને બતાવવા જઇએ...?’

એમની પ્રોડક્ટનો બ્રાન્ડ-ઍમ્બેસેડર મને બનાવ્યો હતો, એટલે સમાજમાં વાતાવરણ એવું બનવા માંડ્યું કે, ઓળખીતા વાચકો મને પૂછવા માંડ્યા, ‘‘શું આપની સફળતાનું રહસ્ય ધત્તુભ’ઇના થેપલાં છે ?’ લક્સ સાબુ તનબદન પર ચોળી ચોળીને નહાતી હીરોઇનોની જેમ, વાચકો મને શરીર પર થેપલાં ચોળી ચોળીને નહાતો કલ્પશે, તો મારી માર્કેટ-વૅલ્યૂ શું રહેશે, એ ભય મને ખરો. પછી તો સ્વાભાવિક છે, મને થેપલાં બહુ ભાવતા હશે, એમ માનીને જેને ઘેર હું જઊં, ત્યાં આ એક જ ડિશ મને અપાય. સાલાઓ આપણી છાતીમાંથી આરપાર કોઇએ કપડાં સૂકવવાની નાયલોનની દોરી ખેંચી કાઢી હોય એવી સિક્સરો મારે, ‘‘ભ’ઇ, ભલે અમારા થેપલાં ધત્તુભ’ઇ જેવા નહિ હોય, પણ તમારા ભાભીને જેવા આવડ્યા છે, એવા બનાવ્યા છે... આજે તો ખાવા જ પડશે.’’

મારા વસીયતનામામાં મારે શું લખતા જવું, એની ય મને ચિંતા થવા માંડી. ડોહો સંપત્તિમાં થેપલાં સિવાય કાંઇ મૂકતો જવાનો નથી, એવું માનીને મારો પરિવાર મને ઘરડાંના ઘરમાં મોકલી દે તો મારૂં શું થશે, એ ભયથી હું ફફડતો હતો. એકવાર તો મોટા અંબાજી જઇને હું ૨૨-દિવસ સુધી થેપલાં નહિ ખાવાનું વ્રત લઇ આવ્યો, પણ પારણાંમાં મને થેપલાં જ ખવડાવ્યા. હું ય માણસ છું... મરી ન જાઊં ? (જવાબ : નવી માહિતી આપવા બદલ આભાર... જવાબ પૂરો)

....
ભગવાન પરશુરામે આખી પૃથ્વીને નક્ષત્રી કરી નાંખવાની પ્રતિજ્ઞા લીધી હતી....!

સિક્સર
‘‘
મૂકેશ અંબાણી એમના ૧૬૫-રૂમો ધરાવતા એક અબજ ડૉલર્સના મકાન ‘ઍન્ટીલા’માં રહેવા જશે... તમે આવું કંઇ વિચારો છો ?’’ એક વાચકે મને પૂછ્યું.
-
જી. મને એટલું નાનું મકાન ના ફાવે. હું લગભગ અઢી અબજ ડૉલર્સના મકાનમાં શિફટ થવાનું વિચારી રહ્યો છું... વિચારવાના ક્યાં પૈસા પડે છે ?

(Published on 27/10/2010)

29/07/2016

ફિલ્મ : 'તુમ સે અચ્છા કૌન હૈ ?' ('૬૯)
નિર્માતા-દિગ્દર્શક : પ્રમોદ ચક્રવર્તી
સંગીત : શંકર-જયકિશન
ગીતકાર : લિસ્ટ મુજબ
રનિંગ ટાઇમ : ૧૮-રીલ્સ
થીયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : શમ્મી કપૂર, બબિતા કપૂર, પ્રાણ, મેહમુદ, શોભા ખોટે, ધૂમલ, લલિતા પવાર (ડબલ રોલમાં) મોહન ચોટી, લતા સિન્હા, સ્નેહલતા, જયંતિ, રૂણા ઈરાની, લીલા મીશ્રા, ઇંદિરા બંસલ, અસિત સેન, બિરબલ, જગદિશ રાજ, મુરાદ, ઉલ્હાસ, મનમોહન, મદન પુરી, પૉલસન, હરિ શિવદાસાણી અને રહેમાન. 


ગીતો 
  ગંગા મેરી માં કા નામ, બાપ કા નામ હિમાલા.... મુહમ્મદ રફી 
  જનમ જનમ કા સાથ હૈ, નિભાને કો, સૌ સૌ.... મુહમ્મદ રફી 
  કિ.... કિ... કિ.... કિસકો પ્યાર કરૂં ? કૈસે પ્યાર કરૂં ? મુહમ્મદ રફી 
  પ્યાર કા લેકર ઊડનખટૌલા, ચલા યે પ્રેમપૂજારી..... શારદા-રફી 
  રંગત તેરી સૂરત સી કિસી મેં કહીં નહિ.... લતા-રફી 
  કભી હમને નહિ સોચા થા, ઐસા દિન ભી આયેગા.... મુહમ્મદ રફી 
  આંખો મેં આંખેં ના ડાલો, મુઝે કુછ હોતા હૈ.... લતા મંગેશકર 
ગીત નં. ૨, , ૬ અને ૭ હસરત જયપુરી... બાકીના રાજીન્દર કિશન 

રાજીન્દર કિશન જેવા ગીતકારે પણ કેવી મૂર્ખામીભરી ભૂલ કરી છે ? મુહમ્મદ રફીના ગીતના શબ્દો છે, 'ગંગા મેરી માં કા નામ, બાપ કા નામ હિમાલા...' હિંદુ ધર્મશાસ્ત્રો મુજબ, ગંગાને હિમાલયની પુત્રી કહેવાઇ છે અર્થાત, ગંગા અને હિમાલય બાપ-દીકરી થયા (શિવજીની જટાને પ્રતિકાત્મક રીતે હિમાલયનું શિખર માની એમાંથી ગંગાનું અવતરણ થયું છે, એ ધોરણે ગંગા હિમાલયની પુત્રી કહેવાઇ) અને અહીં બન્નેને પતિ-પત્ની બનાવી દેવાયા છે !

અને એવી....ભૂલ ગણવી હોય તો ભૂલ અને ફિલ્મનગરીની તેહઝીબ ગણવી હોય તો એ...કે સગા કાકાજી સસરા અને ભત્રીજા વહુને 'જનમ જનમ કા સાથ હૈ, નિભાને કો, સૌ સૌ બાર મૈંને જનમ લિયે...'વાળા પ્રેમીઓ બનાવી દેવાયા હોય, આજની ફિલ્મ 'તુમ સે અચ્છા કૌન હૈ'માં!

શમ્મી કપૂર (જન્મ તા. ૨૧ ઑક્ટોબર, ૧૯૩૧) અને બબિતા (જન્મ તા. ૨૦ ઍપ્રિલ, ૧૯૪૮) ભલે આ ફિલ્મમાં પ્રેમીઓનો કિરદાર છે, પણ જન્મ તારીખો વાંચીને એ બન્ને વચ્ચેની ઉંમરનો તફાવત ગણી કાઢો. એ તો ઠીક... સગપણમાં શમ્મી બબિતાના કાકાજી થાય.... એમાં કોનો વાંક એ જોવાનો વિષય આપણો નથી અને હિંદી ફિલ્મોમાં આવા વિચિત્ર જોડાં અનેક જોવા મળે એમ છે. એ જ બબિતા શશી કપૂરની હીરોઇન હતી, એ જ શશી કપૂરની સાથે એની ય ભત્રીજા-વહુ નીતુ સિંઘ પણ પ્રેમિકા તરીકે આવી ચૂકી છે.

હિંદી ફિલ્મનગરીમાં આવું કશું જોવાતું નથી. એમાં નૈતિકતા-ફૈતિકતા કશી આવતી નથી... પ્યૉર બિઝનૅસ છે અને યુદ્ધ અને પ્રેમની માફક.... ફિલ્મોમાં ય બધું જાઇઝ છે.

પ્રમોદ ચક્રવર્તીની આ ફિલ્મ હતી, એટલે એની વાર્તા શું હશે કે ફિલ્મ કેવી હશે, એ કાંઇ પૂછવાનો અર્થ નથી. એ કેવળ મનોરંજન માટે ફિલ્મો બનાવતા હતા. પ્રોબ્લેમ એ હતો કે, મેહમુદ-ધૂમલ અને શોભા ખોટે જેવી બેનમૂન ત્રિપુટી કૉમેડી કરવા માટે મળી હતી તો ચક્કી દા ની અગાઉની ફિલ્મો ઝીદ્દી અને લવ ઇન ટોક્યો કરતા કાંઇક તો નવું લાવવું હતું ? એ ત્રણેની ત્રણે ફિલ્મોમાં એકની એક સ્ટોરી અને એકની એક કૉમેડી. મેહમુદ ફરી પાછો પેલી 'થપક લૂંગા'વાળી હૈદ્રાબાદી જબાન બોલે જાય છે (જે ફિલ્મ 'ગુમનામ'માં સારી લાગી હતી), પણ બે-ત્રણ અપવાદોને બાદ કરતા ક્યાંય હસવું આવતું નથી.... ઉપરથી ત્રણે બૉર કરે છે. યસ. ફિલ્મ કોઇપણ થર્ડ-ક્લાસ હો, શમ્મી કપૂરનો અભિનય બેનમૂન જ રહેવાનો.... એના રોલમાં તો આમે ય ભાગ્યે જ કોઈ ફિલ્મમાં ઠેકાણાં હતા, પણ કિરદાર ગમે તેવો મળ્યો હોય, વાત શમ્મીના અભિનયની કરવાની હોય તો એ પોતાના હન્ડ્રેડ-પર સૅન્ટ આપતો.

આ ફિલ્મ વખતે ૩૮-વર્ષના શમ્મીએ શરીર કેવું જાળવ્યું હતું કે, રબ્બરની જેમ બૉડી વાળી શકતો. કપડાંમાં કોઇ આછકલાઇ નહિ. ઇન્સર્ટ કર્યા વિનાનું સીધેસાદું બુશશર્ટ અને આજે તો હસવું આવે એવી પહોળી મોરીના પાટલૂન. આપણામાંથી મોટા ભાગનાઓને ૩૫-૪૦ની ઉંમરે તો માથેથી વાળ ખાલી થવા માંડે છે, જ્યારે શમ્મીનો તો વાળનો જથ્થો ય અકબંધ. આ કૉલમ વાંચનારાઓ જાણે છે કે, શમ્મીને નૃત્યગીતમાં કોરિયોગ્રાફર (ઍટલે કે, ડાન્સ-ડાયરેક્ટર)ની કદી જરૂર પડતી નથી.

ગીતની દરેક લાઇને (તમે એને ડાન્સ કહેતા હો તો) ડાન્સના સ્ટૅપ્સ માત્ર શમ્મી કપૂરની મૉનોપૉલીવાળા હોય. બીજા કોઇ ઍક્ટરને એ શોભે ય નહિ, પણ ગીતના એક મીસરામાં શમ્મીએ જે સ્ટેપ્સ લીધા હોય, એ કૅન્સલ થાય તો બીજાવારના શૂટિંગમાં સ્ટૅપ બદલાઇ ગયા હોય, પણ જોનારાને તો મોરલો મન મૂકીને ટહૂકતો હોય એવું લાગે. ખાવા 'પીવા'ના આટલા વૈભવ છતાં આટલી ઉંમર સુધી પેટને વધવાની સહેજ પણ છૂટ ન આપવી, એમાં રોજે રોજ કસરતો અને ડાયેટ-કન્ટ્રોલ કરીને શરીરને કેવું ચુસ્ત રાખવું પડયું હશે. બસ, રીટાયર થઇ ગયા પછી દેવ આનંદ કે દિલીપકુમારને બાદ કરતા અનેક હીરોલોગના શરીરો કેવા કોથળા જેવા ફૂલી ગયા હતા ? રાજ કપૂર, રાજેન્દ્ર કુમાર, જૉય મુકર્જી, શશી કપૂર.... પણ ધર્મેન્દ્ર કે જીતેન્દ્ર જેવાઓએ આજે હીરો તરીકે કામ કરવાનું ન હોવા છતાં શરીરને ફૂલવા નથી દીધા.... (દારૂ પીવાની માત્રામાં એક ચમચી ય ઘટાડો કર્યા વિના.... બોલો ! આ બતાવે છે કે, દારૂને શરીર ફૂલવા સાથે કોઇ સંબંધ નથી.... શરીરનો નાશ કરવા સાથે ઘર જેવો સંબંધ ભલે હોય!)

શમ્મી કપૂર, મુહમ્મદ રફી અને સંગીતકાર જયકિશન-ત્રણે એકબીજાથી ક્યારેય છૂટા ન પડયા હોય એવા દોસ્તો હતા. શમ્મીની બધી ફિલ્મોમાં શંકર-જયકિશને ૧૯-ફિલ્મોમાં સંગીત આપ્યું છે તેમ છતાં ય, એકલા જયકિશને જ રફી પાસે શમ્મી માટે મોટા ભાગના ગીતો ગવડાવ્યા છે. પણ, મારા માટે તો શંકર-જયકિશનથી મોટા સંગીતકારો બીજા હતા ય ક્યા... છતાં ઑનેસ્ટલી કબુલવું પડે કે, ૧૯૬૯-ની સાલમાં ઉતરેલી આ ફિલ્મ સુધીમાં તો બન્નેના દહાડા-પાણી ભરાઇ ગયા હતા. તદ્દન 'મમરી-બ્રાન્ડ'નું સંગીત આવવા માંડયું હતું આ ગાળામાં અને છેવટ સુધી ! 'મમરી-બ્રાન્ડ'નું સંગીત આવવા માંડયું હતું આ ગાળામાં અને છેવટ સુધી ! 'મમરી-બ્રાન્ડ' એટલે લારીવાળો ધંધો સમેટતો હોય ને છેલ્લો ઘરાક આવે, એટલે ભજીયા-ગોટાને બદલે ઘરાકી સાચવવા મમરીનો ભૂકો પધરાવી દે, એ બ્રાન્ડ ! 'આંખો મેં આંખેં ના ડાલો, મુઝે કુછ હોતા હૈ....' લતા મંગેશકરે આવા છીછરા ગીતો ગાવાની પહેલેથી ના પાડી હતી અને માટે જ ફિલ્મ 'સંગમ'માં 'મૈં કા કરૂં રામ મુઝે બુઢ્ઢા મિલ ગયા....' રાજ કપૂરે જેમ તેમ કરીને ગવડાવી તો લીધું, પણ એવી જ જેમ તેમ કરીને લતાએ પોતે એ ગીત સૅન્સરમાં અટકાવી દીધું અને રૅડિયો પર ન વાગે (સિવાય, રેડિયો સીલોન) એના પ્રયાસમાં સફળ પણ થઈ. તો પછી આ ફિલ્મમાં 'આંખોં મેં આંખે ના ડાલો....' જેવું ગીત લતાએ કેમ ગાયું, એ સવાલ સાવ નાનો નથી... ભલે જવાબ આપણા એકલાથી સમજાય એવો નથી... સિવાય કે, લતા પોતે આપણી મદદે આવે !

ચક્કી દા ની એ વખતની ફિલ્મોના હીરો-હીરોઇનોના નામ 'અશોક' અને 'આશા' હતા. (ઝીદ્દી, લવ ઇન ટોક્યો અને તુમ સે અચ્છા કૌન હૈ?) મેહમુદ-શોભા ખોટે અને ધૂમલ ચક્કી દા ની બધી ફિલ્મોમાં. 'લવ ઈન ટોક્યો'થી પ્રાણનો પ્રવેશ થયો, એમાં આ ફિલ્મ પછી ચક્કી દા એ ફિલ્મ બનાવવાની સ્ટાઇલ બદલી નાંખી અને જૉય મુકર્જી કે શમ્મી કપૂરને બદલે ધર્મેન્દ્ર આવી ગયો, પણ પ્રાણ તો બધામાં રહ્યો. પ્રાણ એક જ એવો સદભાગી, ટૅલેન્ટેડ અને સ્વભાવનો ફરિશ્તો હતો કે, રાજ-દિલીપ-દેવ આનંદ જ નહિ, રાજેન્દ્ર, શશી, મનોજ, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર... અરે, એકોએક હીરો સાથે એની ફિલ્મો આવી અને બધા એનો આદર કરે. એની વિલનીમાં કૉમિક પણ ઉમેરતો જેમ કે, આ અને આ સમયની ઘણી ફિલ્મોમાં એ સિલ્કની સાડીઓમાંથી બનાવેલા (સાડીની જ ડીઝાઇનના) શર્ટ્સ પહેરતો. શરીર છેવટ સુધી માફકસરનું જાળવી રાખ્યું હોવાથી દરેક કપડાં એને શોભતા.

પણ હીરોઇન બબિતા માફકસરની ઍક્ટિંગ જીવનભર કરી જ ન શકી. એ જમાનામાં દરેક હીરોઇનને હીરોઇન ઉપર આધારિત ફિલ્મો મળતી. બબિતા પાસે ખૂબસુરત ચેહરા સિવાય ફિલ્મજગતને આપવા જેવું કશું નહોતું. બબિતા સિંધી છે અને તેના પપ્પા હરિ શિવદાસાણી દાયકાઓથી ફિલ્મોમાં છે, પણ બાપને ઍક્ટિંગ ચઢી હોય તો બેટીમાં આવે ને ? તળપદી ગુજરાતીમાં આવા અર્થની એક કહેવત પણ છે, પણ... ઈટ્સ ઓકે! યસ. એ સુંદર તો હતી અને હીરોઇનને શોભે એટલી સુંદર હતી... પણ એની હૅરસ્ટાઇલો જોઈને હસવું આવવા કરતા હૅડકીઓ આવી જાય, એવી ફની અને ગોબરી વિગ વાળી હતી. એના પોતાના વાળ સુંદર હતા, છતાં આપણે જોઇ ન શકીએ, એવી ખરાબ વિગ પહેરીને મોટા ભાગની ફિલ્મોમાં એ આવી.... ઉપરથી ઍક્ટિંગમાં કોઇ શકરવાર નહિ!

નવાઇ લાગે, પણ ફિલ્મની પબ્લિસિટી કે ઈવન ટાઇટલ્સમાં ય રહેમાનનું નામ જ નહિ. મને એ ખૂબ ગમતો. પ્રદીપકુમારની માફક રહેમાને ય કિરદારો કાયમ કરોડપતિ શેઠોના જ કર્યા છે... રાજ કપૂરની 'ફિર સુબહ હોગી' જેવા થોડા અપવાદોને બાદ કરતા ! ઘણા વાચકો હિંદી ફિલ્મોના લગભગ જુનિયર આર્ટિસ્ટોના નામ પૂછાવે છે, એ મુજબ, ફિલ્મ 'વક્ત'માં 'આગે ભી જાને ન તુ...' ગાનારી ફોરેનર ધોયળી અભિનેત્રીનું નામ 'ઍરિકા લાલ' હતું, તો એ સમયની મોટા ભાગની ફિલ્મી પાર્ટીઓમાં ગોરા ધોળીયાનો રોલ કરતો ભૂરી આંખોવાળો ડોસો 'સોપારીવાલા' છે.

તદ્દન ખપાટીયા જેવું પતલું બૉડી ધરાવતો કૉમેડિયન 'જૅરી' છે. આજની આ ફિલ્મના પ્રારંભમાં અંધ બહેન જયંતિ (સાઉથની ફિલ્મોમાં એ સૅક્સ-બૉમ્બ કહેવાતી.) સાથે એનો ભાઈ શમ્મી કપૂર બહેનને કહે છે, 'તુ સબ કુછ દેખ સકતી હૈ....' એ વખતે પાછળ ઊભેલી અને સેંકડો ફિલ્મોમાં આપણે જોયેલી કદરૂપી ડોસી મેહરબાનુ છે. ફિલ્મ 'આનંદ'માં જ્હૉની વૉકર જે બાદશાહને 'ઝીંદગી ઔર મૌ તો ઉપરવાળે કે હાથ મેં હૈં, જહાંપનાહ...' એ ચશ્માવાળો બુઢ્ઢો જહાંપનાહ નઝીર કાશ્મિરી છે. ફિલ્મ 'જ્વૅલ થીફ'માં અશોક કુમારનો સાથી બનતો કાળો-શીળીના ચાઠાવાળો ગુંડો સૅમસન છે.

'જ્હૉની મેરા નામ'માં જ્યોતિષી બનેલા આઇ.એસ.જોહરનો સાથી પોલીસવાળો સુબ્રતો મહાપાત્ર અને જોષ જોવડાવવા આવેલો કાળા રંગનો ગુંડો બિહારી છે. 'પિયા તુ અબ તો આજા...' ગીતમાં હૅલનની સાથે પિંજરમાં ડાન્સ કરતો ડાન્સર ચીનુ છે. આજની ફિલ્મમાં સ્નેહલતાનો પ્રેમી બનતો બદમાશ મૂળ ગુજરાતી અને આજના દિગ્દર્શક નીતિન મનમોહનના પિતા ખલનાયક મનમોહન છે, તો બીજી સાઇડ-હીરોઇન લતા સિન્હાને ટ્રેનમાં ભગાડી જનાર પ્રેમી કિર્તી કુમાર છે. 'અમર, અકબર, ઍન્થની'માં પરવિન બાબીનો બૉડીગાર્ડ બનતો પહેલવાન યુસુફ ખાન છે. એ સમયની ઑલમોસ્ટ દરેક ફિલ્મની ફાઇટિંગમાં દેખાતો કાળો ડિબાંગ વાંકડીયા વાળવાળો હબસી જુલિયન છે.

અને છતાં ય, સાલ તો હજી '૬૯-ની હતી, તો ય અરૂણા ઇરાનીની ઓળખાણ આપવી પડે, એટલી એ નવીસવી હતી. એ પછી તો મેહમુદની કાયેદસરની પત્ની બનવા એને ઘેર જઇને ધમપછાડા કરનાર અરૂણા ઇરાની આ ફિલ્મમાં શોભા ખોટે હોવા છતાં મેહમુદની સાથે છે.

લલિતા પવાર જેવી અસરકારક ચરીત્ર અભિનેત્રી કદાચ બીજી નહિ થાય. ગુસ્સા અને વૈભવવાળી માલેતુજાર સ્ત્રી કે દાઝકણી સાસુના કિરદારો એના પહેલા કે પછી બીજી કોઇ અભિનેત્રી કરી શકી નથી. ઠેઠ મૂંગી ફિલ્મોના જમાનાથી ફિલ્મોમાં આવી ગયેલી લલિતા પવારનું સાચું નામ 'અંબિકા લક્ષ્મણ શગૂન' હતું અને તે સિલ્કના અબજોપતિ પિતાની દીકરી હતી. એના પ્રથમ પતિ પંડિત હનુમાનપ્રસાદ હિંદી ફિલ્મોના જાણીતા થતા થતા રહી ગયેલા સામાન્ય સંગીતકાર હતા, પણ એ જ હનુમાનપ્રસાદે 'ગીતાદત્ત'ની શોધ કરી હિંદી ફિલ્મોને કેવો મધૂરો અવાજ આપ્યો હતો. લલિતાના બીજા પતિ જી.પી. પવાર હતા. ફિલ્મ 'પ્યારી કટાર', રેશમી સાડી' અને 'રૂપૈયા' જેવી ૩૧-ફિલ્મોના એ લેખક કે દિગ્દર્શક તો એ ય હતા (જેની અટક પત્ની તરીકે લલિતાએ સાચવી રાખીને ત્રીજા લગ્ન રાજકુમાર ગુપ્તા સાથે કર્યા હતા, જેણે ફિલ્મ 'જાગૃતિ' (૧૯૫૬)માં એક નાનકડો રોલ કર્યો હતો. જેની આંખ જોઇને સામાન્ય સ્તરના પ્રેક્ષકો મશ્કરી કરે છે. એમને ખબર ન હોય કે, '૪૦-ના દશકની એક ફિલ્મમાં વાસ્તવિકતા લાવવાના આશયમાત્રથી આ સાહસિક અભિનેત્રીએ લાફો મારનાર સાઇડ-અભિનેતા 'કદમ'ને સાચો લાફો મારવાનું સજેશન કર્યું હતું.

લાફો ખોટી જગ્યાએ વાગી જશે, એની કોઇને કલ્પના નહિ, એમાં લલિતાબાઇની આંખ કાયમ માટે ફાંગી થઇ ગઇ.... એ તો ઠીક, એ ફિલ્મ સુધી તો લલિતા પવાર હીરોઇનના રોલ કરતી હતી (અને એ જમાનામાં ફિલ્મી-પરદા ઉપર ચુંબનના દ્રષ્યો પણ આપ્યા હતા). અનેક વાચકો કૉમેડિયન મા.ભગવાનદાદાને એ થપ્પડ મારનાર કલાકાર સમજે છે, જે ગલત છે. મેં અહીં નામ 'કદમ' લખ્યું છે, એમાં એકાદ-બે દોરાની આઘીપાછી હોઇ શકે છે..... અગાઉનું વાંચેલું અત્યારે પરફૅક્ટ યાદ નથી આવતું.

ફિલ્મ 'પ્યાર કિયે જા'માં મેહમુદ ઓમપ્રકાશને હૉરર-સ્ટોરી કહીને બીવડાવે છે, એ સમયે ધુમધામ હસાવી નાંખે એવી કૉમેડી બની હતી, પણ પછી મેહમુદે પોતે જ આવનારી ઘણી ફિલ્મોમાં એનો ઑવરડૉઝ કર્યો એમાં એની કૉમેડી તો ઠીક, કોઇપણ બાજુથી કલા જ ન રહી. અહીં એ ઘરના નોકર તરીકે બબિતાને રાત્રે ડરાવવા આવી ભૂતની સ્ટોરી કહે છે, જેમાં નથી કૉમિક કે નથી કલા.... સિમ્પલી બોરિયત છે ! યસ. એક વાતે દાદ મેહમુદને દેવી પડે કે, બબિતાને આ સ્ટોરી કહેવા માટે મેહમુદે એક પણ રીટૅક લીધા વગર સળંગ સાડા ત્રણ મિનીટનો શૉટ આપ્યો છે. 'પ્યાર કિયે જા' માટે એણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, એ શૉટમાં સંવાદ કે દિગ્દર્શન-કાંઇ નહોતું. શૂટિંગ વખતે જ મેહમુદ સ્ટૉરી બનાવતો ગયો ને ઓમપ્રકાશ ગભરાતો રહ્યો. ખુદ મેહમુદના કહેવા મુજબ, એ કૉમેડીનો ખરો યશ ઓમપ્રકાશને જાય છે, જેણે ગભરાવવાના પરફૅક્ટ હાવભાવ સ્પૉન્ટેનીયસ આપીને શૉટમાં ખરી સ્વાભાવિકતા લાવ્યો હતો. અહીં પણ બબિતાએ પણ સામાન્ય કામ નથી કર્યું. ગભરાવાના હાવભાવ બબિતાએ પણ શક્તિમુજબ ઠીકઠીક આપ્યા છે.