ઘણાં ભાવકોને હજી
બીજાના બેસણા ઉપર સરખો હાથ બેઠો ન હોવાથી પ્રવર્તમાન બેસણાં પદ્ધતિને તેઓ સમજી
શક્યા નથી અને લોચા મારીને આવે છે.
પ્રસ્તુત ભાવલેખમાં નવોદિત બેસણાંકારોને તાલીમ આપવાનો નમ્ર
પ્રયાસ થયો છે. (બેસણાં દરમ્યાન મોંઢા પર રાખવાના હાવભાવો દર્શાવતા કલર-
ફોટોગ્રાફ્સની રંગીન પુસ્તિકા માટે આજે જ અમારું સૂચિ-પત્રક મંગાવો.)
(૧) તમે જાઓ
તો એવી રીતે જાઓ કે, બહારવટે આવ્યા છો કે બેસણાંમાં, તેની એટલીસ્ટ શોકગ્રસ્ત
પરિવારજનોને ખબર પડવી જોઈએ. આમાં રૂમઝુમ કરતા જવાય નહિ. તમારા ચેહરા ઉપર શોક અંદર બેઠા હો ત્યાં સુધી દેખાવો
જોઈએ. બેઠા પછી બાજુવાળો કોક ઓળખીતો નીકળે. તો રાજી થઈને એના ખબર અંતર ન
પૂછાય, ‘આહા... તમે અહીં ક્યાંથી ? બહુ વખતે મળ્યા...!’ તમને એ ખબર હોવી જોઈએ કે, પેલો અહીં બેસણું છે માટે
આવ્યો છે. રમી રમવા નથી આવ્યો. તમારો બીજો સવાલે ય અભદ્ર છે. પેલાના નસીબ એટલાસારા છે કે, એ તમને બહુ વખતે મળ્યો, રોજેરોજ બેસણાંમાં જવાનો
એણે વાર્ષિક પાસ કઢાવી ન રાખ્યો હોય કે, એ
રોજેરોજ મળે.
(૨) બેસણામાં
બેસવાની એક સ્ટાઇલ હોય છે. રાત્રે બંધ દુકાનના ઓટલે ઢીચણ ઊંચો કરીને હાથના ટેકે બેઠા હો, એમ અહીં ન બેસાય. અહીં કેવી પલાઠી વાળીને બેસવું, બેઠાબેઠા
નીચે પાથરેલી ચાદર તરફ શોકગ્રસ્ત નજરે જોયે રાખવું, કેટલીવાર
બેસવું તેમજ ઊભા થતી વખતે બાજુમાં બેઠેલાના પગના આંગળા ચગદાઈ ન જાય તેનું ઘ્યાન કેવી રીતે રાખવું. તે સમજી લેવું
જરૂરી છે. કેટલાક લોકો બેસણાંમાં અદબ વાળીને ટટ્ટાર બેઠા બેઠા બધા આવતા-
જતાને જોયે રાખે છે. જોતી વખતે એમના ભાવ બરોબર હોતો નથી. કેમ જાણે
એમને નવાઈઓ લાગતી હોય કે,
‘આ અહીં
ક્યાંથી ? આના બેસણાંમાં તો હું જઈ આવ્યો છું.’ આ પદ્ધતિ બરાબર નથી.
(૩) મરનારનો
ફૂલ ચઢાવેલો ફોટો જોઈને એમના તેજ, ઐશ્વર્ય અને
પ્રભાવના વખાણ કરો- ખોડ ન કરો, બેઠા
પછી વાંકા વળીને બાજુવાળાને એવું ન પૂછાય કે, ‘સદ્ગત
મૂછો ઉપર બી મેંહદી લગાવતા હતા. નહિ ?’ આ સવાલ તેઓ જીવિત હતા ત્યારે પૂછી લેવો જોઈએ. સદ્ગત તો આંખોની ભ્રમર ઉપરે ય હેરડાઇ
લગાવતા હોય તેનું આપણે શું કામ છે ? આ તો એક વાત થાય છે.
(૪) ઘેર મળવા
ગયા હો, તો પહેલા એ જાણી લો કે, મરનારના જવાથી ઘરના બધાને પારાવાર દુઃખ થયું છે કે, એ લોકો
ડોહાથી માંડ છૂટ્યા છે, એની કળ વાળીને બેઠા છે ? ઘણાંના ઘેર આવું થતું હોય છે કે, ઘરવાળા તૂટી ગયા હોય, ડોહો છેલ્લા ૪- ૫ વર્ષથી
પથારીમાં પડ્યા પડ્યા, ‘‘આજે જઉં છું... કાલે જઉં છું...’’ના દિલાસા
આપી આપીને ખેંચે રાખતો હોય, એની જ ઉંમરના, એની ખબર
કાઢવા આવનારાઓ સમજી- વિચારીને આ ફાની દુનિયા છોડીને ચાલી
નીકળ્યા હોય ને આવડો આ હજી ટટ્ટાર બેઠો હોય. એની સારવારમાં ઘર આખાની આવક અને
બચત હજમ થઈ ગઈ હોય. જેટલું ટકે, એટલો
ખર્ચો જ હોય. કોઈ બહાર ન બોલે પણ, ‘હવે કાકા છૂટે તો સારું...’ એવા
નિહાકા ઘર આખું ખાતું હોય. હકીકતમાં, ડોહો
ફાઇનલી ઉપડે ત્યારે આખું ઘર એની બૉડી પચ્ચીસવાર ચેક કરી લે કે, ડોહો આખો મર્યો છે કે, શરીરના કોઈ અંગમાં થોડો જીવે ય બાકી રહી ગયો છે ? આખો ના મર્યો હોય, ને બે-ચાર અવયવો હજી ચાલતા હોય, તો ય ફફડાટ પેસી જાય. ખાત્રી થાય કે, હવે ખેરખર
ગયો છે, પછી જ એ લોકો પંચમહાભૂતોને બોલાવે. એ લોકોએ આને
પાછો પોતાનામાં વિલીન કરવો હોય, એટલે પાંચે મહાભૂતો નગરપાલિકાની જન્મ મરણની નોંધણી કચેરી થઈને આવે. ખોટો ધક્કો ના પોસાય.
(૫) દાખલ
થતાં પહેલાં જ, ક્યારે ઊભા થવાનું છે, તેની ગોઠવણ વાઇફ સાથે પહેલેથી કરી લેવી. મહી બેઠા પછી વાઇફને ‘છીછ... છીછ...’ વાળા
સિસકારા મારીને નહી બોલાવવાની. એને બદલે કોઈ બીજી ઊભી થઈ જાય તો
તકલીફમાં તમે આવી જાઓ. આટલા માટે જ, બેસણામાં નજરના બાણ મારીને વાઇફને ઉભા થવાનું નહિ
કહેવાનું. બાણોનું કંઈ નક્કી ન કહેવાય. વાઇફને સમયસર ઊભી
કરવાનો એક કોડ-વર્ડ રાખી લેવો સારો.
(૬) બની શકે કે, મરનાર વિશે તમારી પાસે કોઈ બાતમી પાકી ન હોય તો ભૂલમાં
ખોટા બેસણામાં જઈ ચઢો. પહેલો ઝાટકો તો સદ્ગતના ફોટાને જોઈને જ લાગે કે, મરતા પહેલા તો કાકા પુરુષ હતા... મર્યા પછી સ્ત્રી કેવી રીતે થઈ ગયા ? અત્રે યાદ રહે કે, ખોટા
બેસણે ચઢી બેસવાની તમને ખબર પણ પડે તો ય શોક તો સાચી
જગ્યાએ કરવો. તમારા વાળી પાર્ટી ન મરી હોય ને અહીં ફોટો બીજાનો હોય તો
ચિંતા નહી કરવાની હવે તો ખિસ્સે ખિસ્સે મોબાઇલ થઈ ગયા છે. ત્યાં બેઠા બેઠા
જ પૂછી લેવાનું કે, ‘આપણાવાળા ભાનુકાકા છે કે ગયા... ?’ ઘ્યાન એ રાખવાનું કે, સામે છેડે ફોન ઉપાડનાર
ભાનુકાકો પોતે ન હોય.
ખોટા બેસણાંમાં જઈ ચઢવાનો મોટો ફાયદો એ થાય છે કે, ત્યાં આપણે સાચો શોક કરવો પડતો નથી. મોંઘાભાવની શોકની બચત થાય છે અને ખરે
વખતે એ જ શોક વાપરી શકાય છે. વળી, આવા
બેસણામાં આપણું કોક ઓળખીતું આપણને જોઈ ગયું તો છાપ સારી પડે છે કે, ‘જોયું ? અશોક દવે કેવા વ્યવહારૂ છે... સાવ નામની જ ઓળખાણ
હશે, તો ય આવા
પ્રસંગે હાજર થઈ ગયા ને ?’
(૭) અલબત્ત, હવેના મોડર્ન બેસણાં સવારે ૮થી ૧૦માં ભરાય, એને જ નથી ગણતા, તમે એ વખતે ન જઈ શકો તો ‘અમે રહી
ગયા ને તમે લઈ ગયા’નો ખેદ વ્યક્ત કરવા, એ લોકોને
આવું જ એક બીજું બેસણું ગોઠવી દેવાની ફર્માઇશ કરી શકાતી નથી, પણ અઠવાડિયામાં
તમારી અનુકૂળતા મુજબ જઈ આવવાનું હોય છે. ‘નેકસ્ટ’ ટાઇમ આમાં ફોર્માલિટીને
બદલે તમારો અંગત ‘ટચ’ આપવાની
ભાવના રહેલી છે. અહીં બેઠા પછી પૂછવાપાત્ર થતા
સવાલોનો સેટ બજારમાં તૈયાર જ મળે છે. ૧. કાકાને શું થયું’તું ?, ૨.
માંદા હતા ?, ૩. ઉંમર કેટલી હતી ?, ૪. આ ત્રીજો એટેક હશે... નહિ ?
યાદ રાખો. આવી
વિઝીટોમાં એટલો જ શોક વ્યક્ત કરો, જેટલો એ લોકોને
લાગ્યો હોય.
(૮) વાઇફને
સાથે લઈ જતી વખતે ખાસ ઘ્યાન રાખવાનું કે એ આર કરેલી કડકકડક સફેદ સાડી પહેર્યા પછી વાળ છૂટા ન રાખે. બેસણામાં
તમારી વાઇફ, ફિલ્મ ‘કોહરા’માં પર્વતની
ટોચ ઉપર આંટા મારતી વહિદા રહેમાન જેવી ન લાગવી જોઈએ.
(૯) કદી
કોઈના પણ બેસણાંમાં ઉભા થતા થતા, ‘‘ચલો ત્યારે.... હજી
બીજા બેસણાંમા જવાનું છે... ફરીવાર આવું કંઈ હોય તો
કહેવડાવજો...’’ આવું ન બોલાય. એવી જ રીતે રાજ કપૂર ભલે કહી ગયા કે, ‘મેહમા જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા
હૈ... હોઓઓ’ બેસણામાં કદાપિ ચા-પાણીની અપેક્ષા રાખવી ન જોઈએ.
અલબત્ત, એ લોકોને આઘાત બહુ ભારે લાગ્યો હોય અને બધાના ગયા
પછી અંદર ‘ડ્રિન્ક્સ’ રાખ્યું
હોય, તો ના ય ન પાડવી.
(૧૦) બેસણાંમા
તમારી બાજુમાં બેઠેલા અજાણ્યા સાથે સવાલ- જવાબોમાં ન ઉતરી પડવું. મને એનો માઠો અનુભવ છે. ‘આપ... ? આપ
કોણ... ?’ એવું મારી બાજુવાળાએ મને વાંકા વળીને પૂછ્યું. મને એમ કે, આ લોકોના બસણામાં ખરખરો કરવા આવનારે ફૉર્મ-બોર્મ ભરવાનું હશે, એટલે મેં કહ્યું, ‘હું
અશોક...’
‘જી આપ શું કરો છો, અશોકભાઈ ?’
‘જી, મારે
નારોલ અને વટવામાં દેસી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ છે...’
‘જી.... ???’
આ વધારાનું ‘જી’ બોલાઈ ગયું પછી એ બીજું કાંઈ બોલ્યા વિના ઊભો થઈ
ગયો અને સીધો ફોટાવાળા પાસે પહોંચ્યો. કાનમાં કંઈ બોલ્યો
હશે, એટલે ઝભ્ભાવાળો બેઠો બેઠો ઊંચો થઈ ગયો. દસ મિનિટમાં આખું બેસણું
સમેટાઈ ગયું.
સિક્સર
પાકિસ્તાની ક્રિકેટરોનું ઇંગ્લિશ... તોબા- તોબા... અને એમાં
ય ઇન્ઝીભાઈ... ઇન્ઝમામ-ઉલ-હક્ક ? મેચ જીત્યા પછી કમૅન્ટેટર શું પૂછશે. એનો અંદાજો હોય એટલે કોઈને પૂછીને સ્ટાન્ડર્ડ જવાબ તૈયાર રાખ્યો
હોય પણ ટોની ગ્રૅગે ઇન્ઝીને જુદો જ સવાલ પૂછ્યો, ‘‘વાહ ઇન્ઝી... તારી વાઇફ બીજી વખત પ્રેગનન્ટ બની છે. તમને ખૂબ આનંદ થતો હશે...’’
ઇન્ઝીનો જવાબ: ‘‘થેન્ક્સ
ટૉની... ઑલ ક્રેડિટ ગોઝ ટુ બોયઝ... બધાએ ખૂબ મહેનત કરી હતી... ખાસ તો આફ્રિદીએ. એ દાવ લેવા ગયો ત્યારે
સીચ્યુએશન જરા ટાઇટ હતી. પણ ઇન્શાઅલ્લાહ... બઘું અમારા કોચની નજર હેઠળ
હતું અલ્લાહને ચાહા તો દુસરી બાર ભી હમ સબ જોર
લગા કે ઐસા હી રીઝલ્ટ લાયેંગે...!’’