Search This Blog

31/07/2011

ઍનકાઉન્ટર : 31-07-2011

* ગુજરાતી મીડિયમ કરતાં ઇંગ્લિશ મીડિયમમાં ફી આટલી મોંઘી કેમ ?
- આપણે ત્યાં ‘દેસી’ કરતા ‘ઇંગ્લિશ’ મોંઘી છે.
(જગદીશ બી. સોતા, મુંબઈ) 

* હમણાં હું ડિમ્પલ ભાભીને મળી, પણ સાથે અશોકજી નહોતા.. કોક બીજું હતું. આમ કેમ ?
- એ તો કોક એનો ભ’ઇ- બઈ હશે...! 
(મેઘાવી હેમંત મેહતા, સુરત) 

* વાઇફનો ચેહરો એની મા જેવો લાગવા માંડે, તો શું કરવું ?
- આ તમારા સસુરજીએ ચિંતા કરવા જેવો સબ્જેક્ટ છે, તમારે નહિ ! 
(વંદિત નાણાવટી, રાજકોટ) 

* જન્માષ્ટમીને જુગાર સાથે શું લેવા- દેવા હશે ?
- લેવા-દેવાની 
(નૈષધ દેરાશ્રી, જામનગર) 

* હજી હમણાં સુધી દૂધ લિટરના રૂા. ૮/- હતા તેના રૂા. ૩૫/- થઈ ગયા, તો ક્યાં જવું ?
- દૂધ લેવા તો દૂધવાળાની દુકાને જ જવું પડે...! 
(ઉષા જે. સોતા, મુંબઈ) 

* ભારત માટે કેવા રાજકીય પરિવર્તનો સંભવિત છે ?
- દેશના પ્રધાનમંત્રી માનનીય અજમલ કસાબ સાહેબે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી પ્રવચન કરતા દેશની જનતાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા ભારતની કોંગ્રેસ સરકારની શુક્રગુઝાર રહેશે. 
(નયન ભટ્ટ, મુંબઈ) 

* માયા, મમતા, શીલા, અને જયલલિતા... આ બધા વચ્ચે શું સામ્ય છે ?
- એ જ કે, આ ચારે ય ડોસીઓ ‘ઓફિશીયલી’ કુંવારી છે. 
(મણિબેન પટેલ, ઊંટડી- વલસાડ) 

* અન્ના હજારે મહાત્મા ગાંધીની નકલ કરવા જાય છે. શું કાગડા કદી હંસ થાય ?
- કાગડા- કૉમ્યુનિટીનું આવું અપમાન ન કરો. 
(રજાહુસૈન બચુભાઈ, મહુવા) 

* ઍન્કાઉન્ટર ઊભું હતું... હવે પાછું આડું... ! હવે આડે હાથે દેવા માંડી કે શું ?
- પાનાની બહાર જતું ન રહે, એટલી જ મારે ચિંતા. 
(ફ્રાન્સિસ પરમાર, નડિયાદ) 

* મંદિરોની બહાર ઘાસ ફક્ત ગાયોને ખવડાવવામાં આવે છે, ભેંસોને કેમ નહિ ?
- આવું કોઈનામાં બહ ઊંડુ ન ઉતરવું....! ભેંસોને ખાવું હોય તો આવે... આપણે શું યાર ? 
(ઇન્દ્રવદન શિવલાલ જોગી, મુંબઈ) 

* લગ્ન પછી સ્ત્રીની ભૂગોળ અને ઇતિહાસ વિશે કેવી રીતે જાણવું ?
- સીઘ્ધા ઇતિહાસના શિક્ષક પાસે પહોંચી જવું... એને ખબર હશે કે કયા મોરલાએ પેલીની ભૂગોળ બગાડી છે ! 
(નયન લિંબાચીયા, વીરમગામ) 

* ‘મને નબળો માનનારા ભૂલ કરે છે’- ડૉ. મનમોહનસિંઘ.
- કૌચાપાક ખાઈને કંઈક કરી બતાઓ, કાકા ! 
(નિરત ઉનડકટ, રાજકોટ) 

* ઇશ્વર દયાળુ હોવા છતાં ઘણાંની જિંદગીમા દુઃખો બેશુમાર આવે છે...શું કારણ હશે ?
- સૉરી... હમણાં એ મારા પર્સનલ કામોમાં રોકાયેલો છે. 
(શમીમ ઉસ્માની, મુંબઈ) 

* હવામાન ખાતાની આગાહીઓ કાયમ ખોટી કેમ પડે છે ?
- કાયમ નહિ... મને યાદ છે, આજથી સો વર્ષ પહેલાં, સો વર્ષ પહેલાની એક આગાહી સાચી પડી હતી...! 
(સંદીપ દવે, જૂનાગઢ) 

* જીવનમાં કંઈક પામવા માટે કંઈક ગુમાવવું પડે છે... શું ગુમાવવું પડે છે ?
- મારું કામકાજ ગુજરાતી વાર્તાના હીરો જેવું નથી... મને તો કાયમ બઘું મળ્યું છે... ગુમાવ્યું હજી સુધી કાંઈ નથી. 
(સુમન વડુકૂળ, રાજકોટ) 

* આ ‘ઍનકાઉન્ટર’નો કેવો પ્રતાપ... ! ચાર- પાંચ વાર અમારા સવાલો છપાયા, એમાં આખા ગામમાં અમારા માન વધી ગયા. ‘તમે પેલા ઍનકાઉન્ટર’માં આવો છો, એ ?
- એ પ્રતાપ આખા ગુજરાતી વિશ્વમાં સૌથી મોટું નામ ધરાવતા આ વિશાળ અખબારનો છે. 
(શ્રુતિ અમીન, નડિયાદ) 

* બીજાનું નુકસાન એ આપણું જ છે અને બીજાનો ફાયદો એ આપણો જ છે, એવું માણસ ક્યારે સમજતો થશે ?
- તમે એકલા સમજે રાખો... ! કાલ ઉઠીને બાજુવાળો સાલો પૈણીને ઘેર આવે, એમાં એ આપણો જ ફાયદો છે ને ? એવું અમારાથી તો ના સમજાય... બા ખીજાય. 
(હિતેશ દેસાઈ, તલીયારા- નવસારી) 

* દેશની અધોગતિનું કારણ ?
- હું નથી. 
(નિકુલ એમ. પાઠક, જામનગર) 

* ‘ડૉક્ટર’ શબ્દમાં ‘કટર’ સમાયેલો હોવાનું કોઈ કારણ ? 
- એ લોકો એમના નામની આગળ ફક્ત ‘ડૉ.’ જ લગાવે છે. 
(ઝુબેદા યુ. પુનાવાલા, કડી) 

* સૌરાષ્ટ્રમાં પહેલા ‘પાળિયા’ બાંધવામાં આવતા, તે હવે બંધ કેમ થઈ ગયા ?
- શૂરવીરોને હવે તલવારો વીઝવી નથી પડતી... દસની એક નોટમાં કામ પતી જાય છે ! 
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ) 

* તમારા સાસુના કેટલા સવાલોના જવાબ આપી શકો છો ?
- હું આખી સાસુ આપી દેવાનો આગ્રહી છું. 
(મૃદુલ ચિત્તરંજન વરીયા, સુરેન્દ્રનગર) 

* બોલીવુડની જેમ હોલીવુડમાં પણ સંતાનો માટે અનામત પ્રથા ખરી ?
- હૉલી જ નહિ, બોલીવુડમાં પણ ફક્ત લાયકાતના ધોરણે આવવું અને ટકવું પડે છે. 
(રેણુકા ચિત્તરંજન વરીયા, સુરેન્દ્રનગર) 

* સફેદ કપડાવાળાઓએ આખા દેશને કાળો કરી નાખ્યો છે... આપનો અભિપ્રાય ?
- સૉરી... આજે હું સંપૂર્ણ વ્હાઇટ ડ્રેસમાં છું. 
(આનંદ ધીરૂભાઈ વાઢાળા, ગારીયાધાર) 

* તમે મારા સવાલોના જવાબ કેમ આપતા નથી ?
- તમે પ્રશ્ન પૂછો છો કે નિબંધ લખો છો એ સમજી શકતો ન હોવાથી ! 
(ડૉલી પટેલ, અમદાવાદ) 

* ‘બુધવારની બપોરે’માં તમે સ્વામીઓ, બાપુ, મહારાજશ્રીઓ, ગુરૂજીઓ કે ભાઈઓને હિંમતપૂર્વક ઉઘાડા પાડ્યા, એ પછી તમને ડર નથી લાગતો ?
- એક ગેરસમજ દૂર કરો. મારા માટે આજે પણ એ લોકો પવિત્ર સંતો છે- ભલે પવિત્રતાનો અનુવાદ અબજો રૂપિયા ભેગા કરવામાં થતો હોય, પણ મારી અપેક્ષા એ લોકો પોતાની પ્રચંડ લોકપ્રિયતાનો લાભ ઉઠાવીને ભક્તોમાં દેશદાઝ સ્થાપે એટલા પૂરતી છે. એ વાત જુદી છે કે, ‘‘એક પણ’’... રીપિટ... ‘‘એક પણ’’ સંત દેશદાઝ તો બહુ દૂરની વાત છે, ભારત દેશ માટે ગર્વ થાય એવું ભૂલેચૂકે ય બોલતો નથી, એટલે દુઃખ થાય છે. 
(ચેતના કસ્તુરભાઈ, અમદાવાદ)

29/07/2011

‘તેરે ઘર કે સામને’ (’૬૩)

ફિલ્મ : ‘તેરે ઘર કે સામને’ (’૬૩)
નિર્માતા : દેવ આનંદ (નવકેતન)
દિગ્દર્શક : વિજય આનંદ
સંગીત : સચિનદેવ બર્મન
ગીતકાર : હસરત જયપુરી
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : કૃષ્ણ (અમદાવાદ)
કલાકારો : દેવ આનંદ, નૂતન, રાજેન્દ્રનાથ, ઝરિન કાત્રક, પરવિન ચૌધરી, ઓમ પ્રકાશ, હરિન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય, રશિદખાન, જાનકી દાસ, મુમતાઝ બેગમ, ધન્નાલાલ, ઉમાદત્ત, રતન ગૌરાંગ, મેહર બાનુ, પ્રતિમાદેવી અને એક દ્રષ્ય માટે વિજય આનંદ

ગીતો
૧.... દેખો રૂઠા ના કરો, બાતેં નઝરોં કી સુનો... લતા-રફી
૨... યે તન્હાઈ હાય રે હાય જાને ફિર આયે ના આયે... લતા મંગેશકર
૩..... તૂ કહાં યે બતા, ઇસ નશીલી રાત મેં.... મુહમ્મદ રફી
૪.... દિલ કી મંઝિલ કુછ ઐસી હૈ મંઝિલ.... આશા ભોંસલે
૫... દિલ કા ભંવર કરે પુકાર, પ્યાર કા રાગ સુનો.... મુહમ્મદ રફી
૬..... સુન લે તુ દિલ કી સદા, પ્યાર સે પ્યાર સજા.... મુહમ્મદ રફી
૭..... તેરે ઘર કે સામને એક ઘર બનાઉંગા.... મુહમ્મદ રફી
(ગીત નં. ૬ બે ભાગમાં છે.)

બસ. એ ’૬૩ની સાલમાં જ મેં પહેલીવાર મુંબઈ જોયું, એમાનું એટલું યાદ છે કે, આજે હયાત નથી, તે બન્ને થિયેટરો ‘ઓપેરા હાઉસ’ અને ‘રૉક્સી’મા અનુક્રમે ‘બંદિની’ અને ‘તેરે ઘર કે સામને’ મારી ૧૧-વર્ષની ઉંમરે જોયા હતા. પણ દેવ આનંદ એટલો ગમી ગયો હતો કે, અમદાવાદ પાછા આવીને કૃષ્ણ ટોકીઝમાં ‘તેરે ઘર કે સામને’ બીજી, ચોથી અને છઠ્ઠી વાર પણ જોયું. દેવ આનંદ દિલ્હીથી શિમલા સ્કૂટર ઉપર એકલો જાય છે અને મુસાફરી પૂરી થયા પછી આખા શરીરે વાંકો વળી જાય છે, એમાં એને કોઈ નવી ઍક્ટિંગ કરવી પડે એમ નહોતી, કારણ કે વાંકો તો એ અમથો ઊભો ઊભો ય વળી જતો. સૌરાષ્ટ્ર બાજુના સંતો કહી ગયા છે કે, ટટ્ટારને બદલે દેવ ટાંપાટૈડો ઊભો રહે તો જ ઍક્ટિંગ કરી શકતો.

જુવાની લૂંટાવી દેવા માટે એ જમાનો ફક્ત ફિલ્મો જોવાનો જ હતો, એટલે કૃષ્ણમાં ‘તેરે ઘર કે સામને’ રીલિઝ થવાનું હતું, તેની આગલી રાત્રે થીયેટર પર કેવા હોર્ડિંગ્સ મૂકાય છે, તે જોવા પોળના બધા જઈએ. મઝા પડી ગઈ કે, ફિલ્મના નામ મુજબ, કૃષ્ણની તોતિંગ દિવાલો ઉપર કાચની બારીઓવાળા બે આમને-સામને ઘરના કટ-આઉટ્‌સ પણ મુકવામાં આવ્યા હતા. સામે રૂપમમાં મીનાકુમારી-રાજેન્દ્રકુમાર-રાજકુમારવાળું ‘દિલ એક મંદિર’ ચાલે, એમાં કોઈ મંદિર કે દિલના કટ-આઉટ્‌સ મૂકાયા નહોતા. ઘી-કાંટાવાળી પ્રકાશ ટૉકિઝમાં માલા સિન્હા-રાજેન્દ્રકુમારના ‘ગહેરા દાગ’ના પોસ્ટરો ડાઘાવાળા નહોતા. રીલિફમાં એ જ વખતે ચાલતું અશોક-માલા-સુનિલનું ‘ગુમરાહ’ અને આ બાજુ રીગલમા તમારા સાધના ભાભી અને સહુના રાજેન્દ્રકુમારનું ‘મેરે મહેબૂબ’ ઘૂમ મચાવતું હતું, પણ રાજેન્દ્રકુમારવાળાઓ તો બીજી પોળમાં રહે... અમારી પોળમાં ધૂસવા ય ન દઈએ... અમે બધા તાં કો શમ્મી કપૂરને કાં તો દેવઆનંદ વાળા. કેમ જાણે અમારી પોળમાં એ નાગોલચીયું રમવા આવતો હોય, એમ અમારે માટે એ ‘દેવલો’ હતો. (‘દેવજી’ પાછો જુદો... એ નટવરલાલ વકીલના ઓટલે સૂઈ રહેતા ઘુળજીનો નાનો ભાઈ દેવજી જુદો !) એની ફિલ્મો મિનિમમ બબ્બે વાર ના જોઈએ તો પોળની વચ્ચે અમને ઊભા રાખીને બા ખીજાતા...!

પણ આ ફિલ્મ આટલી વધી વાર જોવાનું ખાસ કારણ દેવ આનંદ અને મુહમ્મદ રફી સાહેબના સમન્વયમાં ગવાયેલા ગીતોનું હતું. શું બેમિસાલ અવાજ સાહેબે દેવ સાહેબ માટે કાઢી આપ્યો છે. માઈન્ડ-બૉગલિંગ... જસ્ટ માઈન્ટ બૉગલિંગ ! દિલ્હીના કુતુબ મિનારના ગોળ ગુંબજમાં એકલતા કે નિરવ શાંતિનો ય ગુનગુનગુન ઘ્વનિ સંભળાય, એ ઘ્વનિ રફી સાહેબે ‘દિલ કા ભંવર કરે પુકાર’ કાઢી બતાવ્યો છે. (આ જ ગીતમાં કુતુબ મીનારમાં દેવ-નૂતનની બાજુમાંથી પસાર થતો વિજય આનંદ એક દ્રશ્ય માટે દેખાય છે.) તો શિમલાની ઘૂન્દ (ઘુમ્મસવાળી) ગલીઓમાં ફિલ્માયેલા ગીતમાં રફી સાહેબે દરેક અંતરા પહેલા છેડેલો આલાપ, ‘ઓઓઓઓ... ઓઓઓ’ કોઈ અજાયબ ફીલિંગ ઊભી કરી આપે છે.

દેવ પોતે ભલે ગમે તે કહેતો હોય, પણ દેવ આનંદને રફીનો જેટલો પરફેક્ટ અવાજ કિશોરનો નહોતો થતો. દેવની અદાઓ યાદ કરો અને આ બન્ને ગીતો ઉપરાંત ‘દેખો રૂઠા ના કરો...’ માં રફી સાહેબની હરકતો યાદ કરો. જાણે રફી સાહેબ હીરો હોય અને દેવ આનંદે ગાઈને પ્લેબૅક આપ્યું હોય, એટલો કંઠ મળતો આવતો હતો. કેમ કોઈ બોલતું નથી કે ફિલ્મ ‘હમદોનોં’માં ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહિ’ તો ફિલ્મ જોયા વગર પણ ગીત સાંભળીને કાન મીંચીને ય કહી શકો કે, આ તો ફક્ત ને ફક્ત દેવ આનંદ જ લાગે છે ! હજી યાદ કરો, ‘દેખો રૂઠા ના કરો...’ ગીતના અંતરે ‘ચહેરા તો લાલ હુઆ... દિલ પામાલ હુઆ...’ શબ્દો રફી સાહેબ ઊંચા સૂરમાં ગાય છે ત્યારે પેલી ડોકી હલાવવાની દેવની ફેમસ અદામાં રફીનો અવાજ કેટલો ફિટમફિટ લાગે છે ? કોઈ કાળે આ ગીત તમારો રાજેન્દ્ર કુમાર કે કોઈ બી કુમાર ગાતો લાગે ? (જવાબ : સહેજ બી ના લાગે... જવાબ પૂરો)

આ એ તબક્કો હતો, જે ઉંમરે દેવ આનંદ આપણને સર્વકાલીન સુંદર લાગતો હતો (આ ફિલ્મમાં એ ઍક્ઝેક્ટ ૪૦ વર્ષનો છે.) કપડાં એને કોઈપણ શોભતા. સરપ્રાઈઝિંગલી, એક નાના અપવાદને બાદ કરતા આખી ફિલ્મમાં દેવે ફક્ત કાળા કપડાં જ પહેર્યા છે. ભલે અત્યારે એની એ અદાઓ લાઉડ લાગે, પણ એ જમાનામાં એની એ જ અદાઓ આપણને ગમતી હતી. અંગત રીતે, મને દેવ એની સર્વકાલીન સુંદર ‘જ્વૅલ થીફ’માં લાગ્યો છે, પણ ‘તેરે ઘર કે સામને’નો દેવ પણ એવો જ સોહામણો લાગે છે. વાતમાં જરી કમાલ લાગે પણ અહીં તો નૂતન પણ ગ્લૅમરસ લાગે છે. આ ફિલ્મ શરૂ થવાની કોઈ દસેક મિનિટ પહેલા જ ગુણકારી હલ્દી-ચંદનના લૅપથી રૂપ ફૂટ્યું હોય, એવી તાઝગી એના ઐશ્વર્યમાં દેખાય છે. નૂતનના ફાધર બનતા હરીન્દ્રનાથ ચટ્ટોપાઘ્યાય મૂળ તો કવિ પણ સારા ઍક્ટર પણ ખરા. ચહેરા પર સેંકડો હાવભાવો લાવવામાં એમની માસ્ટરી. દેવ આનંદથી પણ બે-ચાર સોસાયટીઓ આગળ. ગમે તેમ તો ય, સ્વાતંત્ર્ય-સંગ્રામના મહારાણી ડૉ. સરોજીની નાયડુના એ સગા ભાઈ હતા. આ વખતે આખેઆખી માં બદલાઈ ગઈ છે, એટલે હરિન દાની પત્ની પ્રતિમાદેવી બનવાને કારણે ફૉર એ ચેઈન્જ... આ ફિલ્મમાં તે દેવની મા બની શકી નથી... ધૅટ્‌સ ફાઈન... નેક્સ્ટ ટાઈમ...! ‘જ્વૅલ થીફ’માં એનું ‘મા-પણું’ પાછું આપવામાં આવે છે. આ ફિલ્મમાં દેવ આનંદના ચમચા તરીકે કામ કરતો રશિદખાન દેવનો પહેલેથી ખૂબ માનીતો. યાદ કરો તો, દેવની તમામે તમામ ફિલ્મોમાં એ હોય જ. એક જમાનામાં અત્યંત લોભામણી ગણાતી સાઈડ-હિરોઈન પરવિન ચૌધરીને કોઈ નહિ ને આ કદરૂપા રશિદખાનની પ્રેમિકા વિજય આનંદે કઈ કમાણી ઉપર બનાવી છે... નો આઈડિયા ! દેવ આનંદના પિતા તરીકે ઓમપ્રકાશ ગેલગમ્મત કરાવતો રહે છે, મા ના રોલમાં મુમતાઝ બેગમ છે. દેવની સઘળી ફિલ્મોમાં હોય જ, એ ઉમા દત્ત (પુરૂષનું નામ છે, મિત્રો) આ ફિલ્મમાં દેવનો બૉસ બને છે. રાજેન્દ્રનાથને અહીં ઍરફોર્સ-ઓફિસર અને નૂતનનો ભાઈ બનાવાયો છે. ભાઈ વાળી વાત માફ, પણ વિમાનનો પાયલોટ પોપટલાલ હોય તો સાલું... એ પ્લેન ક્યાં ક્યાં ઊડતું હશે ? એક આડવાત : મને તો ગલીપચી થાય એટલું હસાવી શકતો આ રાજેન્દ્રનાથ અંગત જીવનમાં તમે માની ન શકો, એટલો ગંભીર અને અતડો માણસ હતો. એની સાથે કામ કરી ચૂકેલા બધા ઍક્ટરો કહી ચૂક્યા છે કે, અમને યાદ નથી, શૂટિંગમાં એના રોલ સિવાય રાજેન્દ્રનાથે અમને એક પણ વાર ક્યારેય હસાવ્યા હોય. હસાવવાની વાત તો આઘી રહી, એ કોઈની સાથે વાત પણ નહોતો કરતો. આ ફિલ્મમાં એની પ્રેમિકા બનતી છોકરી ઝુબિન કાત્રક છે.

દેવ આનંદ અને રફી સાહેબનું સર્વોત્તમ કૉમ્બિનેશન જોવા-સાંભળવા એકલું ‘તેરે ઘર કે સામને’ કાફી છે. પણ આમાં તો લતા મંગેશકરના ગીતો ય આપણી માસીની દીકરી જેવા સગપણીયા લાગે છે. હવે યાદ આયું, ‘થામ લો બાંહે... થામ લો બાંહે... યે તન્હાઈ હાય રે હાય જાને ફિર આયે ના આયે... હોઓઓઓઓ’ કે નૂતનની મસ્તીખોરી કેમ જાણે લતાએ પોતાનું બાળપણ યાદ કરીને ગાયું હોય... મજ્જા પડી ગયેલી ! ‘દેખો રૂઠા ના કરો...’ ગીતમાં ય લતા રફી સાહેબથી એક દોરો ય કમ નહોતી. એ તો થૅન્ક ગૉડ કે, બર્મન દાદા અને લતા વચ્ચેના ચાર વર્ષ જૂના (’૫૮ થી ’૬૨ સુધીના) અબોલા તાજાં તાજાં તૂટ્યા’તા વળી, પેલા ‘ડૉ. વિદ્યા’વાળા ‘પવન દિવાની, ન માને’ વાળા ગીત પછી કાકાએ લતાને સડસડાટ ગવડાવી છે અને ‘તેરે ઘર કે...’માં જુઓ, કેવો ફાલ ઉતર્યો છે !

પણ હું હોઉં કે તમે હો, આશા ભોંસલેને તો રાબેતા મુજબનો અન્યાય આપણે કરવાનો જ. લતા હોય એટલે બહેન હૅલન કે સાઈડ-હીરોઈનો પૂરતા જ ગીતો એની પાસે આવે... હીરોઈનના નહિ, પણ આ ફિલ્મમાં ‘દિલ કી મંઝિલ કુછ ઐસી હૈ મંઝિલ’માં એ કેવી ઉપડી છે. સહેજ તો યાદ કરો, બાબા... ! કાકાએ મસ્તી કરાવી દીધી છે, એના આ ગીતના રેડિયો સીલોનવાળા પેલા ‘અનોખે બોલ’ના ગીતથી. ફિલ્મમાં આ ગીત ઇંગ્લિશ ધોયળી ઍડવિના ગાય છે. ગીતની ઘૂન અને એમાં વાગેલા વાજિંત્રો સાંભળ્યા પછી બહુ ચોખવટ કરવાની જરૂરત રહેતી નથી, પિતાશ્રીના સંગીતવાળી આ ફિલ્મમાં એક આ ગીત પંચમ દા એટલે કે રાહુલદેવ બર્મને કંપોઝ કર્યું છે. એ જમાનાના સમજો ને, લગભગ તમામ સંગીતકારોને પોતાની નવી ફિલ્મના કોઈ દ્રશ્યમાં પોતાની જૂની ફિલ્મના ગીતનો કોઈ ટુકડો મૂકી દેવાની હૉબી હતી, તેમ અહીં દેવ-નૂતન પહેલી વાર મળે છે, ત્યારે બૅકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘કાલા બાઝાર’નું રફી સાહેબનું ‘અપની તો હર આહ ઇક તુફાન હૈ’ વાગતું સંભળાય છે. આવી હરકતોમાં રાજ કપૂરની તો ફિલ્મે-ફિલ્મે માસ્ટરી હતી, તે સહેજ.

બાકી ફિલ્મ તો દેવ આનંદની હોવા છતાં કૉમેડી હતી. ગોલ્ડી એટલે કે, વિજય આનંદના હાથમાં હતી તે....! દેવ પોતે પરદેશમાં આર્કિટેક્ટનું ભણીને ઇન્ડિયા આવે છે, એમાં પહેલું માપ અને સાત-બારનો ઉતારો નૂતનનો લઈ લે છે. પણ બન્નેના ફાધરો એકબીજા માટે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો જેવા, એટલે ફિલ્મ તો જાણે ત્રણ કલાક ચાલવાની. (સૉરી... આખી સિમીલિ ખોટી અપાઈ ગઈ. બન્નેની દુશ્મનાવટ ભાજપ-કોંગ્રેસ જેવી હોય તો ફિલ્મ ત્રણ કલાકમાં નહિ, ત્રણ હજાર વર્ષોમાં ય પૂરી ન થાય... બંનેમાંથી એકે ય ને ક્યાં પ્રેક્ષકો વહાલા છે, તે પૂરી થાય !) અહીં નૂતનના ફાધર દેવને પોતાના બંગલાની ડીઝાઈન બનાવી આપવા ભાડે રાખે છે, એ ડીઝાઈન દેવે નૂતનને ઘ્યાનમાં રાખીને બનાવી હોવાથી અદ્‌ભુત બને છે, જે દેવના ફાધર જોઈ જાય છે, એટલે જીદ પકડે છે કે, આપણા બંગલાની ડીઝાઈન પણ આ જ બનવી જોઈએ. એમને ખબર નથી કે, સુપુત્રએ એમના જાની દુશ્મનનો પ્રોજેક્ટ પણ હાથમાં લીધો છે.

ફિર ક્યા... ? ઘૂમધામ, બૂમાબુમ ને ‘યે શાદી નહિ હો સકતી...’ વાળી નાટકબાજી. હિંદી ફિલ્મોની એક વાત આપણને બધાને બહુ ગમે કે, ફિલ્મમાં ગમે તેટલો મોટો પ્રોબ્લેમ હોય, ત્રણ કલાકમાં એનો ઉકેલ આવી જ જાય. ઘેર પહોંચીને આપણને ચિંતા ન રહે કે, ‘‘... પછી શું નૂતન ને દેવ આનંદના લગ્ન થયા હશે ?’’... ‘‘શમ્મી કપૂરને પ્રાણે પર્વતની ધાર પર લટકાવી દીધેલો, તે છુટ્યો હશે કે નહિ...? બા ય બહુ ચિંતા કરતા’તા ...!’’ એવી બધી ચિંતાઓ ત્રણ કલાકમાં જ પતી જતી, એ વળી બહુ સારું થતું, એટલે દરેક ફિલ્મના અંતે ‘ખાઘું, ખાઘું ને રાજ કર્યું’માં વાત પતી જતી. (‘ખાઘું’ પછી ‘પીઘું’ એટલા માટે નથી લખ્યું કે, આજકાલ ગુજરાતમાં સાલા દરોડાઓ બહુ પડે છે... ક્યાંક આપણે ખોટા હલવઈ જઈએ...!) ઘ્યાનથી ફિલ્મ જોવાની આદતો પાડી હોય તો એક નકરો ફેરફાર જોવા મળી જાય એવો છે. રાત્રે ઘેર મોડી આવેલી નૂતનને એના પિતા હરિન દા થપ્પડ મારે છે, એ દ્રશ્ય જોઈને દેવ આનંદ પણ હચમચી જાય છે, પણ પછીનું શૂટિંગ બહુ લાંબા સમય પછી થયું હોવું જોઈએ કારણ કે, તરત પછીના દ્રશ્યમાં અચાનક દેવ આનંદ ઘણો જાડો થઈ ગયેલો-દાઢી નીચે ડબલ ચીન અને ફૂલેલા ગાલ દેખાઈ આવે છે. પણ આ તો શરીરની પૂરતી કાળજી રાખતો દેવ હતો. બીજા બે-ચાર દ્રશ્યો પછી એ ફરી પાછો પતલો-પતલો બની જાય છે.

આજના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો ‘તેરે ઘર કે સામને’ સાવ કન્ડમ ફિલ્મ હતી... પણ આ કૉલમ આજના નહિ, આપણા એ વખતના સ્ટાન્ડર્ડ પ્રમાણે લખાય છે.. જય રામજી કી.

27/07/2011

વો જબ યાદ આયે...

એ તો અમદાવાદમાં ’૬૦નો દાયકો જોઇ ચૂકેલાઓને જ યાદ હોય કે, ભદ્રની પાછળ ‘અખંડ આનંદ’ની ફૂટપાથ પરની બે ચીજો મશહૂર હતી- ફૂટપાથ ફોટોગ્રાફર અને ફૂટપાથ બાલ-દાઢી. આપણે બધા તો અનેકવાર જોઇ ચૂક્યા છીએ કે, રોડ પર દૂરથી દબાણ ખસેડવાનો ખટારો આવે, એટલે અડધી છોલેલી દાઢીએ વાળંદ એનો સામાન લઇને રીતસર ભાગે. આ લખવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ શહેરમાં રહી ચૂકેલા અનેકોએ આવા દ્રશ્યો જોયા છે. બધા ફૂટપાથીયાઓની સીસ્ટમ એવી રહેતી કે, ગાડી ભદ્રના કિલ્લેથી નીકળી હોય, ત્યાંથી એની લપેટમાં આવતી બધી ફૂટપાથવાળા ભાગમભાગ કરી મૂકે, એટલે ભાગવા માટેનું સિગ્નલ મળી જાય. અત્યારે આખું દ્રશ્ય આંખ સામે જસ્ટ, લાવી જુઓ... ચૂનો ચોપડેલી ભીંત પર આંગળી ઘસો ને આંગળી છોલાય, એવી કાચપેપર જેવી દાઢી પર હજી તો પેલાએ ખરરરર... કરતો અડધો અસ્ત્રો ફેરવીને ગાલ છોલ્યો હોય, ત્યાં જ દૂરથી ગાડી આવતી દેખાય. આને મૂકે પડતો ને પ્રોફેસર ભાગે. ઘરાક એ સમજી ન શકે કે, મારે ભાગતા પ્રોફેસર (વાળંદ)ને જોવાનો છે કે, આવતી ગાડીને? દબાણવાળા એને ય બેહાડી દે. ગૂન્હો તો એનો ય ખરો ને?

કેશકર્તન કલાકારને પ્રોફેસર કહેવાનું કારણ શું? એ વખતના અમદાવાદના ઑલમોસ્ટ તમામ હૅરકટિંગ સલૂનોના પાટીયા ઉપર દુકાનના નામની નીચે માલિકનું નામ લખ્યું હોય, ‘મા.પ્રો. ચમનલાલ’ આમાં મા. એટલે ‘માલિક’ અને ‘પ્રો’ એટલે પ્રોપ્રાયટર. પણ આ ‘પ્રો’ એટલે પ્રોપ્રાયટર આપણે જાણીએ... માલિક પોતે તો બહુ ધાર્મિકપણે એમ સમજતા કે ‘પ્રો’ એટલે ‘પ્રોફેસર’. આ ડીગ્રી એમને બહુ સસ્તામાં મળી ગયેલી.

આમાં ડખો એટલો જ ઊભો થતો કે, જે લોકો વાસ્તવમાં કૉલેજોમાં પ્રોફેસરો હતા, એ લોકો નામની આગળ પ્રો. લખાવતા બંધ થઇ ગયા. લોકો પાછળથી બોલતા ‘‘...સાઈડમાં પ્રોફેસરી કરતા લાગે છે... બાકી જોઇને જરા ય લાગે નહિ કે....’’

હું પણ અફ કૉર્સ, એક વાર એ ફૂટપાથ પર દાઢી કરાવવાના ઈરાદે ગયેલો... કાલ ઉઠીને નોકરો-બોકરો ના મળ્યો, તો આ શીખેલા હોઇએ તો કામ આવે. પણ ગાલ પર ઘસવા માટે સાબુ ભીનો કરવો પડે, એ સાબુ પ્રોફેસર થૂંકીને ભીનો કરતા... એ મારાથી ન જોવાણું ને હું દાઢી કર્યા કે કરાવ્યા વગરનો પાછો ફરી ગયો. એને તો રોજની પચ્ચા દાઢીઓ કરવાની હોય.... બધામાં પાણી ક્યાંથી લાવે. એનો ય કોઇ વાંક છે? આમાં ગુજરાત પૂરતો લૉસ એટલો કે, પ્રજાએ ભવિષ્યનો એક હોનહાર, કાબેલ અને મેહનતુ પ્રોફેસર ગૂમાવ્યો અને ફૂટપાથીઓ હાસ્યલેખક મેળવ્યો...! કોઇ પંખો ચાલુ કરો...!!

વિકટોરિયા ગાર્ડન સામેની એ ફૂટપાથ પર, કાળું લૂગડું ઓઢીને ફોટા પાડતા ફોટોગ્રાફરો એ જમાનામાં ય ઈન્સ્ટન્ટ ફોટા આપી શકતા. ફોટા પડાવો, ત્યાં ને ત્યાં જ તમને પ્રિન્ટ આપી દે. મોટા સ્ટુડિયોવાળા જે નહોતા કરી શકતા, એ કરતબ આ લોકો બતાવતા. લાકડાની ત્રિકોણીયા ઘોડી ઉપર ઢાંકણાવાળો કૅમેરા ગોઠવ્યો હોય. તમારે પાછળ ભીંતને અઢેલીને ઊભા રહી જવાનું. યાદ હોય તો એ જમાનાના નાનામોટા કોઇપણ ફોટોગ્રાફરો તમારૂં બીજું કાંઇ ન હલાવે, પણ પાસે આવીને દાઢીની હડપચી નવેસરથી ગોઠવી જાય. કોઇ શિલ્પકાર એની મૂર્તિનું માથું ઠીકઠાક કરતો હોય એવું લાગે. એ પાછો જાય ત્યાં સુધીમાં આપણો હડપચો-બડપચો બઘું ખસી ગયું હોય, એટલે ફરી પાછો આવે. ત્રીજીવારમાં તો ઘેરથી આવીને એનું આખું ખાનદાને ય આપણી ઉપર ગુસ્સે થાય કે, ‘‘શેના આટલા બધા હલહલ કરો છો... બે ઘડી હખણા ઊભા રે’તા હો તો...!’’ આજુબાજુના ઘરાકોના દેખતા આપણને આવા ખખડાવે ને પછી ફોટા પાડતી વખતે કહે, ‘‘જરા મોંઢા હસતા રાખો...!’’ તો કેવું લાગી આવે? (જવાબ : બહુ લાગી આવે. જવાબ પૂરો....! મારા સપોર્ટમાં આવો જવાબ આપવા બદલ આપનો આભારી છું.)

પણ, આપણે કાંઇ ખોટેખોટા મોંઢા ચઢાવીને ઊભા ન હોઇએ. ફોટો પડાવતા હોઇએ, ત્યાં સુધીમાં ફૂટપાથોને લીલીછમ્મ બનાવવા માંગતા વટેમાર્ગુઓ આપણી બાજુમાં જ ઊભા રહીને જળસંપત્તિ લૂંટાવે, બોલો! એ લોકોની તો બાઓ ય ના ખીજાય, પણ કહેવતમાં કહ્યું છે ને કે, નીચે રેલો આવે તો ભલભલો રૂસ્તમે ય ખસી જાય... હવે, આ કયો આનંદનો પ્રસંગ છે કે, આપણે મોંઢા હસતા રાખીએ? આ તો એક વાત થાય છે!

પણ, અહીં પડાવેલા ફોટાઓની એક ખૂબી પણ હતી. ઘેર પડ્યા પડ્યા એકાદ મહિનામાં તો એ ચારે ખૂણેથી વળવા માંડે. પછી પીળા (શેપીયા કલરના) થવા માંડે. કાગળ કડક થઇ જાય, એટલે ફોટામાં તિરાડો પડવા માંડે. કોઇ પ્રેમિકાએ આવો મોંઢા ઉપર તિરાડાવાળો ફોટો ભાવિ ગોરધનને આપ્યો હોય, તો પેલી કોક ફિલ્મમાં આવે છે એમ પૂછવાનો જ છે, ‘‘ફોટો મેં ઐસી બાત તુ છુપાતી ચલી આઇ, ખુલ જાયે વો હી રાઝ તો દુહાઇ હૈ દુહાઇ...’’

કૉલેજના આઈ-કાર્ડ માટે ફોટો ચોંટાડ્યો હોય, એટલે ત્રીજે મહિને આપણે મિસ્ટર ઈન્ડિયા થઇ જઇએ... ફોટામાંથી આખેઆખા ગાયબ! અમદાવાદ જ નહિ, આખા ગુજરાતમાં કેટકેટલા ફોટો-સ્ટુડિયો હતા.... આજે એ બધા ગાયબ થઇ ગયા.

ઘોડાગાડી ક્યાં ગઇ? અમારા ખાડીયા ચાર રસ્તે ઘોડાગાડીનું સ્ટૅન્ડ હતું ને મુખ્ય મથક ભદ્રકાળીના મંદિરની સામે- આજે જ્યાં પ્રેમાભાઇ હૉલ ઘોડાગાડી જેવો થઇને ગાયબ ઊભો છે એમ. સૌરાષ્ટ્ર કરતા અહીંની ઘોડાગાડીઓ ઘણી મોટી અને ડિઝાઇનમાં ય- આજના છોકરાઓને નવાઇ પમાડે એવી. સાયકલના ગવર્નર (લોકો ‘ગવન્ડર’ બોલતા!) એટલે કે, સ્ટીયરિંગની આગળ ઘાસલેટ ભરેલું નાનું ચોરસ ફાનસ લટકાવવું પડતું. બાજુમાંથી ઢાંકણું ખોલીને, વાંકા વળીને એમાં દીવાસળી ચાંપવાની. એ ફાનસ જેવા આકારની ઘોડાગાડીમાં ચાર પૅસેન્જર બેસે. ઘોડો છુટ્ટો પણ ગાડી ઉપર-નીચે-આજુબાજુ બધેથી ટાઇટ બંધ. પાછળ બેઠેલા બે મુસાફરો પગ ઊંચા રહે એવા પાછળ ઢળીને બેઠા હોય ને સામેવાળા હમણાં એ બન્નેની ઉપર આવશે, એવો ઘોડાના ડાબલે-ડાબલે ’ભો રહે. અમદાવાદમાં તો મેં જોયું નથી, પણ મારા જામનગરમાં તો રોજ એકાદી ઘોડાગાડીનો ઘોડો હવામાં ઊંચો લટકીને ટાંટીયા ફરકાવતો હોય... પાછળ જરા અમથું કોઇ ભારેખમ આવી ગયું તો ઘોડો મરવાનો થાય. જામનગરમાં ઘોડાગાડીનો બીજો ય ઉપયોગ થતો. આખા શહેરમાં ૭-૮ થીયેટરો માંડ હતા (આજે ય કાંઇ વધારે નથી!) છાપાનું ચલણ ઝાઝું નહિ, એટલે નવી ફિલ્મ આવવાની હોય તો ગામની વચોવચ ઊભી બજારે હળવે-હળવે ઘોડાગાડી નીકળે, એની બન્ને બાજુ જે તે ફિલ્મના પોસ્ટરો હોય. મહીં બેઠેલો હાથમાં માઇક હોવા છતાં ત્યાંની ભાષામાં ‘રાડું નાંખી નાંખીને’ પ્રચાર કરે, ‘‘દેવ આનંદ-મઘુબાલાનું ‘કાલા પાની’ અનુપમ ટૉકીઝમાં.... જુઓ જુઓ જુઓ...’’ પછી તરત ઘોડાગાડીમાં રાખેલા ચાવીવાળા ગ્રામોફોનમાં રેકર્ડ વાગે, ‘‘હમ બેખુદી મેં તુમ કો પુકારે ચલે ગયે, હોઓઓઓ...’’

ખાસ તો રેડિયો સીલોનના ચાહકોને યાદ હોય કે, એ જમાનામાં ઘરમાં રેડિયો એટલે તો કઇ મોટી વાત કહેવાતી. ઘરમાં રેડિયો રાખવા માટે પોસ્ટ ઑફિસમાંથી લાયસન્સ લેવું પડતું અને દરેકના ઘરમાં ઘૂળ ચોંટી ચોંટીને મેલું થઇ ગયેલું તાંબાની જાળી જેવું ઍન્ટેના લટકાવવું પડતું. એ તો અત્યારે કારમાં ધમધમ મોટા અવાજે ગીતો સાંભળી શકીએ છીએ. એ વખતે ખાસ કરીને સીલોન પર ગીતો સાંભળવા માટે રેડીયાની સામે ઊભા રહેવું પડતું.... સ્ટેશન ખસી જતું.આજે ‘બાઈક’ આવી ગયા પછી સ્કૂટરો બહુ જલ્દી જલ્દી ખલાસ થવા માંડ્યા છે, નહિ તો ‘લૅમ્બ્રેટા’ અને ‘ફેન્ટાબ્યુલસ’ તો આસાનીથી મળી જતા, ‘વૅસ્પા’ માટે છ-છ વર્ષ રાહ જોવી પડતી. અઢી હજારનું ‘વૅસ્પા’ લોકો બ્લૅકમાં ત્રણ-ત્રણ હજારની ગંજાવર રકમ ચૂકવીને ખરીદવા તૈયાર હતા. ગાડીઓ પણ ‘ઍમ્બેસેડર’, ‘ફિયાટ’ અને નાનકડી-બબૂડી ‘સ્ટાન્ડર્ડ હૅરલ્ડ’ સિવાય બીજી ગાડીઓ તો ફિલ્મોમાં જોઇ હોય.

આ અને આવું બીજું બઘું ઘણું... ભૂલી જવાનું...! ‘વો જબ યાદ આયે, બહોત આયે...’

સિક્સર
‘‘હે ઈશ્વર.... આવતા જન્મે તું અમને સહુને શરદ પવાર, એ.રાજા કે બાબા રામદેવ બનાવજે.... બાકી આટલા પગારમાં તો નથી પહોંચી વળાતું...!’’

24/07/2011

ઍનકાઉન્ટર : 24-07-2011

* ચાર ભાઈઓ એક જ રૂમમાં બાળપણથી સાથે રહેતા હોય, પણ પરણ્યા પછી એકબીજાથી દૂર અને અલગ કેમ થઇ જાય છે ?
- એ આઠે ય જણાએ રોજ નહાતા હોય તો અલગ થવું સારૂં....અને નહાતી વખતે દૂર તો થવું જ જોઈએ. આ તો એક વાત થાય છે !
(ઉષા જગદીશ સોતા, મુંબઈ)

* અન્ના હજારે ગુજરાતમાં આવીને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ કરે તો આપ આગેવાની લેશો?
- આવા નાટકીયાઓને ગુજરાતમાં ધૂસવા ય ન દેવાય.
(ધવલ સોની, ગોધરા)

* ગુજરાત બાજુની મણીબેન સાથે લગ્ન કરાય કે સૌરાષ્ટ્ર સાઇડની ઝમકુ સાથે ?
- જે કાંઈ કરો, એ પપ્પાને પૂછીને કરજો.
(મીના નાણાવટી, રાજકોટ)

* ગુજરાતમાં અજાણ્યા પુરૂષને ‘કાકા’ કહે છે, તો સ્ત્રીને ‘કાકી’ કેમ નહિ ?
- જુઓ કાકા...મારા કાકીને ખાસ કહેજો, હું વઘુ સારૂં લખું, એવા મને આશિર્વાદ આપે.
(મઘુકર પી. માંકડ, જામનગર)

* ગાંધીજીને સપનું રામરાજ્યનું હતું....ને આવી ગયું રાવણરાજ્ય. હવે શું થશે ?
- સ્વીકારી લો.
(બચુભાઈ સોની, ધોરાજી)

* શીલા કી જવાની...બઘું બરોબર, પણ પછી શું ?
- શીલાજીત.
(રમીલા પી. રાવળ, રાજપિપળા)

* સંતાનો પાછળ પિતાનું નામ લખાય છે, માતાનું કેમ નહિ ?
- લોકો ધારણાઓ કરતા બંધ થાય માટે.
(દુષ્યંત એન. કારીઆ, મોરબી)

* દિલ લૂંટવાવાળાને જાદુગર કહેવાય તો દિલ તોડવાવાળાને શું કહેવાય ?
- જૂનાં ભંગારવાળો.
(સુમન વડુકૂળ, રાજકોટ)

* ટીવી-સીરિયલો બનાવનારા સૅન્સિબલ ક્યારે બનશે ?
- એમણે નહિ, આપણે બનવાનું છે.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* અમેરિકાવાળાએ ઘેરબેઠા ઓસામા બિન લાદેનને પતાવી દીધો...આપણે ત્યાં આપણા ઘેર બેઠેલા કસાબને કોંગ્રેસ સરકાર ઉછેરી રહી છે....!
- ઘો મરવાની થાય ત્યારે ક્યાં જાય...?
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* દરેક દેશમાં ‘ડીફૅન્સ મિનિસ્ટર’ હોય છે, ‘ઍટેક મિનિસ્ટર’ કેમ નહિ ?
- Defense is the best form of attack. 
(સાધના પી. નાણાવટી, જામનગર)

* પત્ની અને માં-બાપ વચ્ચે અટવાતા પુરૂષે કોનું માનવું જોઈએ ?
- પહેલાં માં-બાપ અને ‘બીજી’ પત્નીનું !
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* ‘દીકરી ને ગાય, દોરે ત્યાં જાય,’ એ કહેવત આજની દીકરીઓ માને ખરી ?
- આજની ગાયોને પૂછી જોવું.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના વડાપ્રધાન તો ચૂપ હોય, પણ પ્રજા શેની ચૂપ છે ?
- હું ય ક્યાં કંઈ બોલ્યો...? કોઇની વચ્ચે પડવાની આપણી આદત જ નહિ.
(રવિરાજ જે.વાળા, છત્રીયાળા)

* મારે પત્નીઘેલાની છાપ ભૂંસવા શું કરવું ?
- રબ્બર સારૂં વાપરો.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* તારીખ પહેલી ઍપ્રિલે કીધેલું ‘આઇ લવ યૂ’ સાચું હોય ?
- પહેલી ઍપ્રિલ સુધી રાહ જોઇ જુઓ....!
(મંજુલા પરમાર, ગાંધીનગર)

* ઈ.સ. ૨૦૧૨માં તો પૃથ્વીનો વિનાશ થઇ જવાનો છે, છતાં ઘણી દવાઓમાં ‘ઍક્સપાયરી-ડૅટ’ ઇ.સ. ૨૦૧૪-ની કેમ લખવામાં આવે છે ?
- પૃથ્વીનો ભલે વિનાશ થઈ જાય...અમારી કંપની ચાલુ રહેશે.
(શીતલ કે. દેવલૂક, કોડિનાર)

* ‘પ્રેમઘાટ લે ચલો,’ એનો મતલબ શું ?
- આ કોઇ રીક્ષાવાળાને કહેવાયેલી વાત છે.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સ્વભાવ સૅન્સિટીવ હોવાથી મને વાતવાતમાં ખોટું લાગી જાય છે.. કોઇ ઉપાય ?
- કાચી ડૂંગળી ચાવવાની આદત પાડો...ખોટું તમને નહિ, બીજાઓને લાગશે.
(ડૉ. સુનિલ શાહ, રાજકોટ)

* અગાઉ સંબંધ બાંધતા પહેલા ‘કૂળ’ જોવાતું...આજે શું જોવાય છે ?
- પાર્ટી-પ્લોટ.
(જયંતિ એમ. પટેલ, પાટનાકુવા)

* ગુજરાતના ઘણા ફાસફૂસીયાઓ શ્રી નરેન્દ્ર મોદી માટે એલફેલ કેમ લખે છે ?
- એ બહાને ય મોદીની નજરમાં તો અવાય...!
(ભગવાનદાસ મકવાણા, મુંબઈ)

* મારી પત્ની ખોવાઇ ગઈ છે. શું કરૂં ?
- મારૂં કોઇ કૉલ્ડ-સ્ટોરેજ નથી.
(વિવેક એ. રાવળ, બોટાદ)

* સવારે બારેમાસ ઠંડા પાણીથી નહાવાની મજા આવે છે....
- એકલા...?
(શ્વેતા ઝેડ. પટેલ, સુરત)

* સૂરજ તો એનો એ જ છે, તો પછી આથમતા સૂરજને પૂજવાની ના કેમ?
- વૃદ્ધાશ્રમો કૉફી-હાઉસનું સ્થાન ન લઇ શકે.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

* પશ્ચિમના કૉટ-પૅન્ટ આપણે સ્વીકાર્યા....એ લોકોએ આપણા ધોતી-ઝભ્ભા કેમ ન સ્વીકાર્યા ?
- એમને ઊતરેલું પહેરવાની આદત નહિ ને ?
(જે.એમ.જોશી, ગાંધીનગર)

* ભાઈઓ સોયની અણી જેટલો લાગભાગ આપવા તૈયાર ન હોય, ત્યાં મહાભારત સર્જાય, એ વાત સાચી ?
- હું હાલમાં ઘૃતરાષ્ટ્રના રોલમાં છું. તમે અમારા માહિતી નિયામક સંજય પાસે ફાઈલ લઈ જાઓ.
(ભવ્યા એ. બારોટ, અમદાવાદ)

22/07/2011

‘શ્રી. ૪૨૦’ (’૫૫)

ફિલ્મ :‘શ્રી. ૪૨૦’ (’૫૫)
બેનર : આર. કે. ફિલ્મ્સ
નિર્માતા દિગ્દર્શક : રાજ કપૂર
સંગીત : શંકર- જયકિશન
ગીત : શૈલેન્દ્ર- હસરત
રનિંગ ટાઇમ : ૧૬૮ મિનિટ
કલાકારો : રાજ કપૂર, નરગીસ, નાદિરા, નેમો, ભુડો અડવાણી, લલિતા પવાર, નાના પળશીકર, હરિ શિવદાસાણી, પેસી પટેલ, રમેશ સિન્હા, રાશિદખાન, શીલા વાઝ, એસ. પી. બેરી, કઠાના અને શૈલેન્દ્ર તેમજ જયકિશન.

ગીતો
૧. મેરા જૂતા હૈ જાપાની, યે પતલૂન ઇંગ્લીસ્તાની મુકેશ- કોરસ
૨. દિલ કા હાલ સુને દિલવાલા, સીધી સી બાત મન્ના ડે
૩. ઇચક દાના બીચક દાના, દાને ઉપર દાના લતા- મુકેશ કોરસ
૪. મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે... આશા ભોંસલે, મન્ના ડે કોરસ
૫. ઓ જાનેવાલે મૂડ કે જરા દેખતે જાના લતા મંગેશકર
૬. પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યું લતા- મન્ના ડે
૭. રમૈયા વસ્તાવૈયા, રમૈયા વસ્તાવૈયા રફી, લતા, મુકેશ, કોરસ
૮. શામ ભઇ, રાત આઇ લતા મંગેશકર
(ગીત નં.-૮ ફિલ્મમાં નથી)

રાજ કપૂરનું નામ રશિયા અને ચીનમાં ખરેખર આટલું પોપ્યુલર છે કે ફક્ત એના માટેની લાગણીથી જરા બઢાઈ- ચઢાઈને વાતો કરવામાં આવે છે એની ખાત્રી હું ચીન ગયો ત્યારે મન મૂકીને કરી લીધી. મને હતું જ કે ભલે રાજનું નામ ’૫૫ની સાલના એ જમાનામાં થોડું ઘણું જાણીતું થયું હોય, પણ ચીનના શેનયાંગ શહેરમાં (જે ઓલમોસ્ટ મુંબઈની બરોબરીમાં આવે, એટલું મોટું છે.) મારી ઉંમરના નૌજવાનોને રાજ કપૂર વિશે પૂછવા માંડ્યું. છાતીની આરપાર એક મસ્ત પવનની ટીસ નીકળી જાય ને એક ભારતવાસી તરીકે ફખ્ર ઉપર ફખ્ર થતા રહે એવું તો ત્યારે બન્યું કે, મોટી ઉંમરવાળાઓને તો ‘મેરા જૂતા હૈ જાપાની’ અને ‘આવારા હૂં’ આવડતા જ હતા, પણ મારા પુત્ર સમ્રાટની ચાઇનીઝ પાર્ટનર છોકરીઓએ પણ આ બન્ને ગીતો સાહજીકતાથી ગાઈ સંભળાવ્યા. અફ કૉર્સ, એ લોકોને અત્યારે અમિતાભ બચ્ચન, શાહરુખખાન, અને ૠત્વિક રોશન વધારે પ્રિય છે.

... એન્ડ અફ કૉર્સ...રાજ કપૂર વિશેની ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એના એ વખતના રશિયા પ્રવાસની ઝલકો જોવી ગમે એવી છે, જેમાં ધોળીયા રશિયનો રાજ પાછળ કેવા પાગલ હતા, તે આપણી નજર સામે જોવા મળે છે. રસ્તા વચ્ચેથી એમની કારમાં સરઘસરૂપે રાજ, નરગીસ અને નિરૂપા રોયને ત્યાંની પ્રજા ખૂબ આવકાર આપે છે. એ લોકો રાજ- નરગીસને એમની સાથે નચાવે છે, ત્યારે ખુદ દેવઆનંદ પણ પાછળ ટોળામાં ઊભો ઊભો તાળીઓ વડે ડાન્સમાં જોડાયેલો દેખાય છે, સાથે બિમલ રૉય પણ ખરા. એ લોકો ’૬૭માં ફરી રશિયા ગયા ત્યારે પણ લોકઅભિવાદનરૂપે રાજ કપૂર પાસે રશિયનોએ ગવડાવ્યું, ત્યારે મૂકેશને સાથે રાખીને રાજ ‘સજન રે જૂઠ મત બોલો’ ગાયું એની વિડિયો તમે યુ-ટ્યુબ પર પણ જોઈ શકો છો.

રાજ કપૂર આ બઘું ગ્લોબલ માનપાન ડિઝર્વ પણ કરતો જ હતો ને ! એની પહેલી ઓળખાણ ફિલ્મ એક્ટર તરીકે નહિ, સર્જક તરીકે અપાય છે. સર્જક પોતાની મૌલિક કલા દ્વારા સમાજને કંઈક આપે છે ને પાછું સમાજ માટે એ ઉપલબ્ધિ બની જાય છે. રાજે પોતાની ફિલ્મોમાં કોઈને કોઈ મેસેજ આપ્યો છે. (ટિકિટ લઈને ફિલ્મ જોવી જોઈએ, એવો મેસેજ નહિ...!) ચાર્લ્સ ચેપ્લિનની બે-ચાર ફિલ્મો જોઈ લેનારા ય કહેતા હોય છે કે રાજ કપૂર ચાર્લીની નકલ કરત હતો. અરે ભાઈ, નકલ ફક્ત ચાર્લીના વિચારોની અને થોડે ઘણે અંશે લિબાસની, બાકી ફિલ્મો એણે સંપૂર્ણ મૌલિક બનાવી છે.

ફિલ્મ તો ’૫૫માં બની હતી પણ એ વખતે ફિલ્મમાં કામ કરનારાઓ મોટા ભાગના જાણીતા નામો હતા. જાણીતા નહોતા તે ય જોયે જાણીતા હતા, નામથી નહિ હોય. જેમ કે ફિલ્મનો મુખ્ય વિલન નેમો આમ તો સાયગલના વખતનો પણ ‘શ્રી ૪૨૦’ પછી મોટા ભાગે તો એ કોઈ ફિલ્મમાં દેખાયો નથી. સિંધી એક્ટર ભૂડો અડવાણી સંપૂર્ણ બોખો હતો અને એમાંથી કોમેડી ઉભી થતી. (લપક ઝપક તુ આ રે બદરવા...) ઇફ્‌તેખાર એ જમાનામાં ય પોલીસ ખાતા સિવાય ક્યાંય ફિટ થાય એમ નહોતો. નરગીસના પિતા નાયમપલ્લી છે. જે પ્રારંભમાં જ નેમો સેઠની ગાડીમાં એમની આજુબાજુમાં બેઠેલી બન્ને સ્ત્રીઓમાં ખાસ તો મને જોવી ગમે એવી યુવાન સુંદર સ્ત્રી ઇંદિરા બિલ્લી હતી અને તમને જોવી ગમે એવી બુઢ્ઢી અનવરીબાઈ હતી. નાદિરા અને નેમોના પેઇજ-થ્રી ગ્રૂપમાં લંગડો ધનિક નાના પળશીકર, સફેદ બાલ-દાઢીવાળો પેસી પટેલ અને ‘વડ્ડી સાંઈ...’ બોલતો સિંધી રાજકપૂરનો વેવાઈ ને બબિતાનો પિતા હરિ શિવદાસાણી, ટુનટુન એક દ્રષ્ય પૂરતી દેખાય છે પણ ટાઇટલ્સમાં તેનું અસલી નામ ‘ઉમાદેવી’ આપ્યું છે. સંગીતકાર જયકિશનને નાદિરાનો પત્તેબાજ જ્હૉની બનાવાયો છે, તો ગીતકાર શૈલેન્દ્ર રાજ કપૂર જ્યારે ‘રાજ, રાજ, રાજ એન્ડ કંપની’ શરુ કરે છે ત્યારે જાપાન- અમેરિકાના ટૅલિફોન કોલ્સ કરતો ઓપરેટર બને છે. રદ્દીવાળો પારસી કાકો રાશિદખાન છે, તો રાજ કપૂરને વારંવાર ‘યે બમ્બઈ હૈ’ની સલાહ આપતો ભિખારી એમ. કુમાર બને છે, જેને તમે ‘મુગલ-એ-આઝમ’માં સંતરાશ એટલે કે શિલ્પીના રોલમાં રફી સાહેબનું ગીત ‘ઝીંદાબાદ, ઝીંદાબાદ, અય મુહબ્બત તુ ઝીંદાબાદ’ ગાતો જોયો છે. ‘રમૈયા વસ્તાવૈયા, મૈને દિલ તુઝકો દિયા’ ગીતમાં ડાન્સ કરતી સ્ત્રી શીલા વાઝ અને એની સાથે આ જ ફિલ્મનો ડાન્સ- ડાયરેક્ટર સત્યનારાયણ છે. (આ ગીતના શબ્દો મુળ તેલુગુ ફિલ્મમાંથી સીધા જ લેવાય છે.), ‘ઇચક દાના બીચક દાના...’ ગીતમાં નરગીસ બાળકોને ભણાવે છે, એમાંની એક છોકરી સાધના (મોટી થઈને ફિલ્મ ‘દુલ્હા- દુલ્હન’માં રાજની હીરોઇન બને છે.) હતી. ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ...’ ગીતમાં ‘ફિર ભી રહેગી નિશાનીયાં...’ શબ્દો વખતે ત્રણ નાના બાળકો રેઇનકોટ પહેરીને ફૂટપાથ પરથી જતા દેખાય છે તેમાં રણધીર કપૂર, મોટી પુત્રી રિતુ અને રિશી કપૂર છે. આ ગીતમાં વરસાદ સ્ટુડિયોનો બનાવટી હોવા છતાં, પવનની લહેર વરસાદને ઉપાડી જતી ફિલ્માઈ છે, તે દ્રષ્ય તો અદ્‌ભુત છે જ, પણ એ લહેરને લઈ જતી હવાને બિરદાવવા શંકર- જયકિશને વૉયલિન (ઓરકેસ્ટ્રા) વગાડી છે તે નિઃશંકપણે ઠંડક ઉપજાવતી ઘટના છે. એ વાત તો છૂપી નથી કે, રાજ કપૂર સ્વયં સંગીતકાર પણ હતો. એની ફિલ્મોના કોઈ અપવાદોને બાદ કરતા તમામ ગીતોની ઘૂન એણે પોતે બનાવી છે. નવાઈ એ લાગે છે કે, પોતે સંગીતનો આટલો સાની હોવા છતાં જે કઈ ફિલ્મોમાં એણે ગીતો ગાવા વાજિંત્રો પકડ્યા છે, તેમાં આંગળીઓ ખોટા સૂરો પર ફરી છે, રિધમના ઠેકા સાવ ખોટા વગાડ્યા છે. જાણકારો એમ કહે છે કે સંગીત આવડતું હોય, એને રિધમની થાપ કે આંગળીઓ પર સૂરો ખોટા ન આવે.

પણ આ તો રાજ કપૂર હતો... ધી ગ્રેટ રાજ કપૂર. એણે પહેલી ફિલ્મ ‘બરસાત’- ’૪૯માં ઉતારી ત્યારે એ ૨૫ વર્ષનો હતો. આટલી નાની ઉંમરે કેટલા લોકોએ આવા સર્જનાત્મક કામો કરી બતાવ્યા છે ? એની એ વખતની ફિલ્મો ય કોઈ મેસેજ સાથે બની છે. અથવા તો, ભારતમાં રહેતા કોઈ સામાન્ય માણસને પોતાની લાગે એવી ફિલ્મો બનાવી છે. સર્જનાત્મક મામલે તો દિલીપકુમાર કે દેવઆનંદ બેમાંથી કોઈ રાજ સામે ઉભા ય રહી ન શકે. સમાજ ઉપર સીધી અને તે પણ રચનાત્મક અસર રાજ એકલો જ પાડી શક્યો છે. એની ફિલ્મોના ગીતો, દ્રષ્યો કે ફિલ્મે ફિલ્મે એનું કેરેક્ટર લેજન્ડસ બની ગયા છે. એક સિમ્પલ દાખલો જોઈ લો, નરસીગ સાથેનું આ ફિલ્મનું તેનું યુગલ ગીત, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યૂં ડરતા હૈ દિલ...’ માત્ર ગીત સ્વરૂપે જ નહિ, છત્રી નીચે એ બન્નેનું ઉભા રહેવું, ઇવન આજ સુધી ભારતભરમાં એમના પ્રેમના સંદર્ભમાં પ્રતીકાત્મક બની ગયું છે.

હિંદી ફિલ્મોમાં પહેલીવાર ટેકનિકનો ઉપયોગ રાજ કપૂરે શરુ કરાવ્યો. એક નાનો દાખલો લઈએ તો ડાન્સ-સોંગમાં પહેલી વખત ફરતું પ્લેટફોર્મ રાજ કપૂરે બનાવ્યું, જેના ઉપર ડાન્સરની જેમ કેમેરા પણ મૂકવામાં આવે, એટલે દ્રષ્યો ફરતા રહે પણ ડાન્સ સ્થિર લાગે, ‘મૂડ મૂડ કે ન દેખ મૂડ મૂડ કે...’ ગીતમાં નાદિરાનો આવો પહેલો શોટ લેવાયો હતો. આ ગીતમાં ક્વોયરનો ઉપયોગ થયો છે. ‘ક્વૉયર’ (Choir) એટલે કોરસ નહિ. કોરસમાં મુખ્ય ગાયકો સિવાયના સાથીઓ સમૂહમાં ગાય છે. (દા.ત. ‘દુઃખ ભરે દિન બીતે રે ભૈયા’) એમ અહીં પણ ૬૦- ૭૦થી ય ક્યારેક વઘુ સમૂહ ગાયકો મુખ્ય ગાયકની સાથે ગાય, પણ એમાં ૨૦- ૨૦ ગાયકોની ત્રણ ટીમો બને, જે એક જ ઘૂન પર ત્રણ જુદા જુદા સ્વરોમાં (એક ખરજ, એક મઘ્યમ અને એક તીવ્ર) ગાય, એટલે કે ગ્રીક ઓપેરામાં કે ચર્ચ- કેથેડ્રલમાં અનેક લોકો એક સાથે ગાતા હોય તેવું લાગે. ક્વૉયરનો ઉપયોગ ‘જીસ દેશ મેં ગંગા બહેતી હૈ’ના ‘આ અબ લોટ ચલે...’માં બહુ ઑબ્વિયસ થયેલો સંભળાશે. રફી સાહેબના ‘પુનમ કી રાત’ના ‘દિલ તડપે તડપાયે, જીનકે મિલન કો તરસે, વો તો ના આયે...’ કે દેવ આનંદની ફિલ્મ ‘માયા’ના દ્વિજેન મુકરજી / લતા મંગેશકરના ‘અય દિલ કહાં તેરી મંઝિલ, ના કોઈ દીપક હૈ, ના કઈ સાયા’માં સ્પષ્ટ પકડી શકાશે. સમૂહ ગીત બિલકુલ અલગ બાબત છે. એમાં તમામ સમૂહ ગાયકો એક જ સ્વરમાં એક સરખું ગાય છે. કોરસમાં ૪- ૫ ગાયકો હોય તો ય ચાલે ક્વૉયરમાં મિનિમમ ૬૦- ૭૦ ગાયકો જોઈએ. આપણા ગુજરાતમાં હજુ કોઈ ક્વૉયર ગ્રુપ શરુ થયું હોય, એ જાણમાં નથી. એકલા કોલકાતામાં આવા ૮-થી ૧૦ ગ્રુપ્સ દાયકાઓથી કાર્યરત છે. મતલબ ? રાજ કપૂરમાં સંગીત ઇન-બૉર્ન પડેલું હતું. રાજ નાદિરાની હોટેલના રૂમ પર જાય છે અને નાદિરા એના ફાલતુ વાઘા ઉતરાવીને શૂટેડ-બૂટેડ બનાવે છે, ત્યારે બ્રેકગ્રાઉન્ડમાં વર્ષો પછી આવનારી ફિલ્મ ‘અનાડી’નું ‘કિસી કી મુસ્કરાહટો પે હો નિસાર...’ની ઘૂન શંકર-જયકિશનના કાયમી એકોર્ડિયન-પ્લેયર ગુડ્ડી સિરવાઈ વગાડે છે. ક્યારેક તો રાજમાં સંગીતની વધારે પડતી સમજ હતી, એવું લાગે. વાંચો આ દાખલો.

મુકેશ સુરૈયાની ફિલ્મ ‘માશુકા’માં ભરાઈ ગયો હતો. બન્યું એવું કે સંપૂર્ણપણે આ ભોળિયો ગાયક અજાણતામાં કે વઘુ પડતા વિશ્વાસમાં ‘માશુકા’ના ગીતો માટે કોન્ટ્રાક્ટ ઉપર સહી કરી બેઠો, જે મુજબ ‘માશુકા’ પુરી થાય નહિ, ત્યાં સુધી એ બીજી કોઈ પણ ફિલ્મમાં ગાઈ શકે નહિ. ફિર ક્યા... ? ‘ફસ ગયે ઓબામા...’ રાજની ‘શ્રી ૪૨૦’ના હજી તો એકાદ-બે ગીતો મૂકેશે માંડ રેકોર્ડ કરાવ્યા હતા, ત્યાં આ કૉન્ટ્રેક્ટ વચમાં આવ્યો. ઇચ્છે તો ય મુકેશ હવે ‘શ્રી ૪૨૦’માં ન ગાઈ શકે. રાજને વાત કરી. રાજ અગાઉ ક્યારેય ગુસ્સે નહિ થયો હોય, એટલો થયો, મુકેશ ખૂબ રડ્યો, રીતસર રડ્યો પણ આમ તો રાજ પણ તેને બચાવી શકે તેમ નહોતો. બસ ‘૪૨૦’ના બાકીના ગીતો મન્ના ડેને ગાવા મળી ગયા. મુકેશનો લોસ બહુ મોટો હતો કારણ કે, સંગીત શંકર- જયકિશનનું હોવા છતાં... ફિલ્મ રાજ-નરગીસની હોવા છતાં મદ્રાસની ફિલ્મ ‘ચોરી ચોરી’માં મુકેશનુ એક પણ ગીત આવ્યું નહિ, તે આ જ કારણે. કમનસીબી જુઓ કે, ‘માશુકા’નું શુટિંગ આગળ જ વધતું નહોતું, એટલે પતે નહિ ત્યા લગી મુકેશ બીજે ક્યાંય ગાઈ ન શકે એમાં પૈસેટકે સાચા અર્થમાં મુકેશ ખાલી થઈ ગયો. એના સંતાનોની સ્કૂલની ફી ભરી શક્યો નહી.

...ને કંઈક બાકી રહી જતું હતું, એમાં રાજ કપૂરે પણ પોતાની જાત બતાડી દીધી. એણે મુકેશ પાસે શરત મૂકી કે કોન્ટ્રેક્ટ પૂરો થયા પછી તારે આર. કે. કેમ્પમાં પાછા આવવું હોય, તો મારા સિવાય બીજા કોઈને પ્લે-બેક આપવાનું નહિ. સોદો મંજૂર હોય તો બોલ, નહિ તો મુંબઈમાં ગાયકો ઘણા છે. કહે છે કે આવી શરત પડતી મૂકવા મુકેશે રાજ કપૂરને કાકલુદીઓ કરી હતી... નસીબજોગે જયકિશનની સમજાવટથી રાજે મુકેશને પાછો બોલાવ્યો.

રાજ પાસે કોઈ પ્રસંગને બહેલાવવાની ખૂબ અનોખી અદા હતી. ફિલ્મનો કોઈ મહત્ત્વનો સંવાદ બોલવાનો હોય ત્યારે દૂરથી કેમરા ઝૂમ થતા હળવે- હળવે એના ફેસના ક્લોઝઅપ બતાવે, પછી સંવાદ બોલાય, જેથી પ્રેક્ષકો એ ફિલ્મ જોતી વખતે ક્યાં વિશેષ ઘ્યાન આપવાનું છે, તેનો અણસાર મળે. સંવાદો પણ જગ્યા- જગ્યા ઉપર ચોટવાળા. ગરીબોની બસ્તીમાં રાજ જાય છે, ત્યારે કોક બોલે છે, ‘મૈ ના કહેતા થા, એક દિન હમ ભૂખો નંગો કા ‘રાજ’ જરૂર આયેગા... ?’ રાજ- નાદિરા પાસે નરગીસ મકાન બૂક કરાવવા આવે છે, ત્યારે વર્ષો પહેલા ઇમાનદારી માટે રાજને મળેલો મેડલ પાછો આપે છે, ત્યાર તુચ્છકારથી નાદિરા કહે છે કે, ‘સોને કે મેડલ કો તુમ ઇમાન કહતી હો ?... બાઝાર મેં અસ્સી રૂપિયા તોલા મિલતા હૈ...’ એનો જવાબ પણ નરગીસ પાસે સરસ અપાવ્યો છે, ‘જો બિકતા હૈ વો ઇમાન નહિ.’

યસ, એ જમાનામાં સોનું એંસી રૂપિયે તોલો હતું.

બીજી એક બહેલાવેલી સિચ્યુએશન તો ભારતભરમાં પ્રખ્યાત આજે પણ છે. ‘તીનપત્તી’માં એ ધાર્યા ત્રણ એક્કા કાઢે છે અને છેલ્લે ફક્ત ‘દો-તીન પાંચ’માં બાજી લઈ જાય છે. અફ કોર્સ આ ફિલ્મની વાર્તામાં નાની નાની ય એકાદી ગડબડ છે. રાજ કપૂર પોતાને ગરીબ પણ શિક્ષિત ગણાવે છે બી.એ. પાસ ગ્રેજ્યુએટ. તકલીફ આપણને થાય કે મુંબઈ આવીને તદ્દન ડોબો હોય એમ સલાહ ભિખારીની લે છે. સમર્થન તો આપવું હોય તો એટલું અપાય કે, ‘એ તો આમ હતુ ને તેમ હતું, એટલે આમ થયું...’ ચોપાટી પર દંતમંજન વેચવા હજારોની ભીડ ભેગી કર્યા પછી કોઈ કારણ વગર ફક્ત માર ખાવા ગ્રેજ્યુએટ યુવાન એવું બોલી નાખે ખરો કે, આ કોઈ દંતમંજન-ફંજન નથી... આ તો આ ચોપાટીની ફક્ત રેતી ભરેલી છે. કપડાં ધોવાની લોન્ડ્રીમાં એ નોકરી કરવા માટે જાય છે, ત્યાં ‘ઇસ્ત્રી આવડે છે ?’ના જવાબમાં ‘સ્ત્રી’ને ઇસ્ત્રી સમજવા જેટલો બેવકૂફ તો કોઈ ન હોય ને ? કવિઓને પોએટિક લિબર્ટી સૂરજને ચોરસ અને આકાશને ચાદર કહેવાની આપીએ, પણ હાવ પછી એ લોકો વાદળને ફર્નિચર કહે અને સમંદરને આંગળીનું ટેરવું કહે, તો એકસામટી બધાની બાઓ ખિજાય કે નહિ ?

21/07/2011

બુઢ્‌ઢા સઠીયા ગયા...!

૫૦-૫૫ની ઉંમરે પહોંચ્યા પછી, હજી હું જવાન છું, એવી સાબિતીઓ સમાજને આપ-આપ કરવામાં ડોહાને બહુ હવાદ આવતો હોય છે. અઘરૂં તો બહુ પડે, પણ હરિફાઈ સીધી એમના દીકરાઓ સાથે કરવી પડે છે. ઘરની બહાર નીકળ્યા પછી જે સુંદર છોકરીઓને છાનીમાની જોઇ લેવી પડે, એ ઉંમરની તો ઘેર દીકરીઓ હોય, ત્યારે ડોહો ખુશ થતો હોય, પણ આપણે સમજીએ ને કે, ‘બુઢ્‌ઢા સઠીયા ગયા..’ વૃદ્ધ થયા પછી વૃદ્ધ થઈ જવાનું સ્વીકારવું અઘરૂં પડે છે. ઘેર ડોસી કોઈ કાંની રહી હોતી નથી ને બહાર ડોળા ડબકાવે રાખવાથી માત્ર ‘ચક્ષુ-વિવાહ’ને ‘ચક્ષુ-હનીમૂન’નો આનંદ લઈ લેવો પડે છે. એનાથી ય મોટો લોચો તો સ્ત્રીઓ સામે જોતા પકડાઇ ન જવાનો પડે છે. ‘‘કાકા...હવે ડોહા થયા...જરા હખણા ’રો !’’

કૉમેડી ત્યાં ઊભી થાય છે કે, અમસ્તો ટ્રાયલ લેવા પણ પોતાની સામે ટગટગર જોતા ડોહા સામે સુંદર સ્ત્રી જરા ઇન્વાઇટિંગ -સ્માઇલ આપે, પછી ખબર છે, કાકાની શું હાલત થાય ? ચલો. ધારવા બેસીએ.

પહેલા તો કાકો પોતાની પાછળ ભીંત હોય તો ય જોઇ લેવાનો છે કે, ‘આ રૂપરાણી ભીંતોને ય સ્માઇલો આલે છે ?’ (આપણે અત્યાર પૂરતું આ અલ્ટિમેટ સુંદર સ્ત્રીનું નામ આપીએ, ‘શોભાગવરી....એક-બે ને પૂછ્‌યું તો કહે, વાત સુંદર સ્ત્રીની જ કરવાની હોય તો નામ ‘ડિમ્પલ કાપડીયા’ જ રાખો ને...!’ ...બાપાનો માલ છે...? ચલ બાજુ હઠ..ને પંખો ચાલુ કર ! સાલાઓ પોતાની સગી બેન સમી ડિમ્પલ માટે આવું વિચારી પણ કેમ શકે ? માં-બાપે સંસ્કાર-બંસ્કાર જેવું કંઈ આલ્યું નહિ હોય...? આ તો એક વાત થાય છે...!)

પછી કાકાને કન્ફર્મ થાય કે, સ્માઇલ મને જ આપ્યું છે અને બેશક ગરીબ-દર્દી કાકાઓને અપાતા હોય, એ માંઇલું આ સ્માઇલ નો’તું... આમાં તો ક્યાંક રોમાન્સની છાંટ હતી, એ મુદ્દે કાકો ત્યાં બેઠો બેઠો ઓગળી જાય. ધરતી માર્ગ આપે તો ત્યાં જ દસ મિનિટ માટે સમાઇ જવાનું મન થાય, જેથી પૃથ્વીની મહી પેસીને છાનુંમાનું ખુશ થઇ લેવાય. બહાર ભૂમિપટ ઉપર આવીને ખુશ થવા જાય તો ખુદ ડોહાની બા ય ઉપર બેઠી બેઠી ના ખીજાય...? (જવાબ : બહુ ખીજાય...જવાબ પૂરો)

આમાં તો ડોહે-ડોહે પરિણામો જુદા આવે, એટલે ઉપર પહેલા ડોહાની વાત કરી, હવે બીજા કાકામાં કેવું હોય છે કે, શોભાગવરી સામે ખૂણા ગોતી ગોતીને છાનામાના જોઈ લેવાના શુભ પરિણામસ્વરૂપ આપણે કીઘું એમ, માત્ર ટ્રાયલ પૂરતી શોભલી એને ૧૯૬૨-ની હીરોઇન જેવું મારકણું સ્માઇલ આપે, તો... મેં કીઘું ને કે, ડોહે-ડોહે જુદા જુદા પરિણામો હોય.. મતલબ, મસ્તુભ’ઈ ગોટે વળી જવાના, ગભરાઇ જવાના ને હવે શું કરવું, એના ટૅન્શનમાં આવી જવાના. સામું રેસિપ્રોકલ-સ્માઇલ તો બહુ દૂરની વાત છે, પણ ભીનો લેંઘો નીચોવતી વખતે બન્ને હાથ ઊલટી દિશામાં લેંઘાના છેડા લઈ જાય, એમ કાકો પેટના ભાગથી આખેઆખો ગુંચળું વળી જવાનો. પગના બે પંજા રૅગ્યૂલર દિશામાં પણ પેટથી ઉપરનો ભાગ પાછળ વળી ગયો હોય...! સુઉં કિયો છો ? (તમે કાંય નો કે’તા... તમને આવો ઝટકો કોઈ ‘દિ લાયગો છે, તે બધામાં કાંઇ કે’વા જાઓ છો ?)

અચ્છા. મસ્તુભ’ઈની આ થીયરી માત્ર કાકાઓને નહિ, તમામ રૉમેન્ટિક પરિણિતોને લાગુ પાડવાની છે. સુંદર સ્ત્રીઓ જોવી ગમતી ન હોય અને જોઇ લેતા ન હોય, એવા પુરૂષો એક લૅટેસ્ટ-સર્વે મુજબ, ભારત દેશમાં તો થતા નથી. જે ના પાડતું હોય કે, ‘‘અમે નથી જોતા,’’ તો ભલે ના પાડે...! આ તો ‘પુરૂષો’ પૂરતી વાત થાય છે...! પણ ખાટલે મોટી ખોડ કે, એમને છાનામાના જોવા પૂરતી જ, પણ પેલી એક વખત એમની સામે જુએ તો ભ’ઇ ટેન્શનમાં આવી જાય કે, હવે શું કરવાનું હોય ! વાત આગળ વધે તો ક્યાં જવું ? અત્યારે તો દેશમાં આતંકવાદીઓ સિવાય બધા પકડાઇ જતા હોય છે, એમાં મારૂં બૈરૂં તો હાળું ઘસઘસાટ ઊંઘોમાં ય મારી ઉપર નજર રાખતું હોય છે. અડઘું તો પેલીએ કઇ કમાણી ઉપર મસ્તુડા સામે જોયું હશે, એની ખબર ન પડે એટલે કાકો વધારે મૂંઝાયો હોય. પેલીએ ખીજાઇને જોયું હશે કે, ‘‘કાકા, તમારા ઘરમાં કાકી-બાકી નથી...?’’ કે પછી પ્રેમની હજી તો આ શરૂઆત હશે ? રે મન...તું બહુ મૂંઝાયું છે. પરમાત્મા આનો જરૂર રસ્તો કાઢશે. અત્યારે પંખો ચાલુ કર...!

"कौन केह्ता हे बुद्धे इश्क़ नहि करते, 
ये तो हम हे जो शक नहि करते।"
(આ શે’ર મેં નથી લખ્યો એટલે જોરદાર તાળીઓ !)

ત્રીજા પ્રકારના કાકા ભારે નુકસાનીનો માલ હોય છે. શોભલીએ એકવાર સામે શું જોયું.... આ બાજુ કૅસ ખલાસ ! શોભુ-ડાર્લિંગ ઉંમર-બુમ્મર કાંઇ નહિ જોવાની. કાકો ત્યાંને ત્યાં ઘટનાસ્થળે જ મયડાય-મયડાય કરવાનો. બોલી નહિ શકે. ‘ઓહ...મારી સામે જોયું...? પાછું સ્માઈલ પણ ’૫૬ની સાલવાળું આપ્યું છે... કંઇક છે, રાજ્જા કંઇક છે. ભલે મને ૬૫-થયા પણ માલ હજી બજારમાં ઉપડે એવો છે, એ હાળી તારી કાકી માનતી નથી.. બાકી આ બાજુ સિંગાપુરની ક્રૂઝ બૂક કરાવાય એવી છે... એની બા ના ખીજાય તો !

હવે મસ્તુભ’ઈ હિંમતવાળા બની જશે અને બાયનોક્યૂલર ઝૂમ કરી કરીને જોશે... આ તબક્કે, એક ઇંચની દૂરી ન પોસાય, કૂંવરજી. સ્વાભાવિક છે, શોભારાણી તો ફક્ત ટ્રાયલ પૂરતી બ્લાઇન્ડમાં રમી હતી... શો કરાવવાનો હોય તો, એના ત્રણ રાજાની સામે મસ્તુભ’ઇમાં સૌથી ભારે પાનું ચરકટના અઠ્‌ઠાનું નીકળે ! એ કાંઇ બીજી વખત સ્માઈલ તો શું, દસના છુટ્‌ટા ય ના આલે.

કૉમેડી એ વાતે થાય કે, બન્ને પાર્ટીઓ તૈયાર પણ હોય તો ય આગળ વધવાની હિંમત અને સગવડ ડોહા પાસે હોતી નથી, એમાં પૈણ્યા પહેલા વિઘુર થઇ જાય છે...!

સવાલ એટલો જ પૂછવો હતો કે શું ડોહાઓને છૂટા મૂકવા જેવા છે ખરા ? અત્યારે સ્કૂલ-કૉલેજમાં ભણતી છોકરીઓ કહેતી હોય છે કે, અમારે અમારી ઉંમરના છોકરાઓથી સાચવવાનું નથી હોતું... ‘બેટા બેટા...’ કહીને ખભે હાથ ફેરવી લેનારા અન્કલોથી વધારે સાચવવું પડે છે. ભીડમાં કોણીઓ આ જ લોકો મારે છે. સંસ્કારી મમ્મી-પાપા દીકરીને આદરપૂર્વક અન્કલના ચરણસ્પર્શ કરવાનું શીખવાડે છે... બધા અન્કલો ભલે એવા ન હોય, પણ એકાદ-બે એવા ય નીકળે તો ઘ્યાન એ વાતનું રાખવાનું છે કે, દીકરી હજી સાવ નાની છે... ‘મિલ્સ ઍન્ડ બૂન’ વાંચતી છોકરીઓને આવું બઘું અજાણતામાં ગમવા માંડે, તો તમને ખબરે ય નહિ પડે. એક મોટો ટેસ્ટ લઇ લેવાય એવો છે. તમારી પુત્રીને ‘દિલ્હી બેલી’ જેવી વિકૃત અને બિભત્સ ફિલ્મ ગમી હોય તો, તમારી દીકરીથી તમારે જ નહિ... અમારે બધાને પણ સાચવવાનું છે. યસ. મસ્તુભ’ઈ ૬૦-૬૫નો હોય કે પચાસે પહોંચ્યો હોય... પેલીની સંમતિથી લફરૂં કરે તો ભોગ એના... ફલૅટે-ફલૅટે દસ-દસ રૂપિયા ઉઘરાવીને સોસાયટીના હૉલમાં એમનું સન્માન કરો, પણ ગમી ગયેલી સ્ત્રીની ઇચ્છા વિરૂદ્ધ પેલું શું કહે છે, ‘‘ઝાંખે રાખવું...!’’ કે ગંદી ઑફર કરતા ફોન કરવા એ ધોળા વાળવાળા ડોહાઓને શોભતું નથી. જ્યારે જુવાન દીકરી કે વહુઓ હોય ત્યારે તો સહેજ પણ નહિ. પરિણિત હોવા છતાં, લફરૂં કરનારાને માફ કરી શકાય... ઇનડિસન્ટ-પ્રપોઝલ કરનારાઓને ઉઘાડા પાડવા જોઈએ.

આવા ડાહાઓ કરતા તો ‘દિલ્હી બેલી’ સારી હશે !

સિક્સર
- બહુ તગડો SMS વાંચ્યો. ‘‘સરકારશ્રી, અમે અજમલ કસાબને લટકાવવાનું નથી કહેતા. અમે તો એટલી આજીજી કરીએ છીએ કે, જેવી સલામતિથી તમે કસાબનું રક્ષણ કરી રહ્યા છો, એવું રક્ષણ અમારૂંય કરો.’’

17/07/2011

ઍનકાઉન્ટર : 17-07-2011

* આપણા ‘એન્કાઉન્ટર’ની સી.બી.આઈ. તપાસ ખરી ?
- એવી હિંમત એ લોકોમાં ન હોય. આપણામાં તો સી.બી.આઈ.નું ય એન્કાઉન્ટર થઈ જાય... હઓ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* ગુલાબના ફૂલને કાંટા કેમ હોય છે ?
- કાંટો એક મરદ પતિ હોય છે, માટે.
(મુકુંદ એમ. સોની, બલોલ)

* મહિલાઓ પુરૂષોને એમની આંગળી પર નચાવે છે... શું કારણ ?
- નો વૅ... એ પોતાના કોઈપણ અંગ પર પુરૂષને નચાવી શકે છે.
(પ્રબોધ એમ. જાની, વસઈ-ડાભલા)

* વરના દોસ્તને ‘અણવર’ કેમ કહેવાય છે ?
- કેટલાક ‘જાનવર’ પણ કહે છે... ‘જાન’નો કૉમેડિયન...
(કિશોરી એમ. પરીખ, અમદાવાદ)

* ડિમ્પલ કાપડીયા તરફ તમે ‘બૉબી’ના એના ભોળપણથી આકર્ષાયા છો કે ‘જાંબાઝ’માં દેખાતી એની ઝાકમઝોળ કાયાથી ? નિખાલસતાથી કહેજો.
- નિખાલસતા મારે ફક્ત ડિમ્પુને બતાવવાની હોય.. તમને નહિ.
(ભરત આર. મહેતા, રાજકોટ)

* દુઃખી વહુઓ સાસરું છોડી કેમ દેતી નથી ?
- સાસરું એ રીક્ષા નથી, કે એક ગયું તો બીજું આવશે.
(નીલા નાણાવટી, રાજકોટ)

* ગુજરાતના મોટા ભાગના કૉલમિસ્ટો એક યા બીજી રીતે શ્રી મોરારી બાપુનો ઉલ્લેખ કેમ કરે છે ?
- બાપુ ઉલ્લેખ કરવા પાત્ર પ્રતિભા છે જ. એ વાત જુદી છે, બાપુ એમની કથામાં વળતા હુમલા તરીકે આ ભાઈઓનો પણ ઉલ્લેખ કરે, તો આ લોકોની લાઈફ બની જાય ને !
(કવન શાહ, અમદાવાદ)

* તમારો કોઈ પુરૂષ મિત્ર તમને ક્રૂઝમાં ફરવા લઈ જાય તો જાઓ ખરા ?
- પુરૂષ સાથે પિકનિક... ? ઉફફો... ! હું એક સંપૂર્ણ તંદુરસ્ત, ‘નોર્મલ’ અને સીધો માણસ છું, જઈ-જઈને પુરૂષ સાથે શું કામ જઉં ? આમાં તો મારી બા ય ખીજાય.
(પૂર્ણા સી. શાહ, વડોદરા)

* આપણા દેશના બેશરમ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી અમલદારોને એકસામટાં તડીપાર કરી દેવા જોઈએ, એવું તમને નથી લાગતું ?
- તમે ફક્ત અહિંસામાં માનો છો, એ મને ગમ્યું નથી.
(નાયબ સુબેદાર આશુતોષ ભટ્ટ, આગ્રા ફોર્ટ)

* યુવાનો લગ્ન કરવા આટલું બઘું જોશ કેમ બતાવે છે ?
- ... કેટલું બઘું... ?? કંઈ ખ્યાલ ના આયો !!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* બુકાનીધારી છોકરીઓનો ચહેરો જોવો હોય તો શું કરવું ?
- તમારી બાને વાત કરવી કે એના ફાધરને વાત કરી જુએ.
(હિતેષ/અશ્વિન/વિજય/પ્રવિણ, રાજકોટ)

* અગાઉના જમાનામાં કોઈ એક ગાલે લાફો મારે, તો લોકો બીજો ધરતા... આજે એવુ છે ?
- મને એ બન્નેમાંથી એકે ય પદ્ધતિનો અનુભવ નથી... શું કહું ?
(મોના જગદિશ સોતા, મુંબઈ)

* આજના જમાનામાં ખોટું કરે અને ભોગવે બીજો... એનો કોઈ દાખલો ?
- એવી ફૂટપાથ પાછળ પણ કોકના ઘર હોય છે...!
(કપિલ સોતા, મુંબઈ)

* એક હતો રાજા ને એક હતી રાણી.. પણ પછી શું ?
- પ્લીઝ, મારા ફૅમિલીને લગતા અંગત સવાલો ન પૂછશો. અમે લોકો મઝામાં જ છીએ.
(રહીમ કે. જેસાણી, મીરા રોડ)

* મીસકૉલ કરીને મૂકી દેનારા ચાલુ માણસોના ઘરમાં આગ લાગે, ત્યારે ફાયરબ્રિગેડમાં ય મીસકૉલ મારીને મૂકી દેતા હશે ?
- એને ‘મીસ ફાયર’ કહેવાય.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* શું આંસુ નીકળ્યા પછી જ દુઃખ ધોવાય છે ?
- ના. ડૂંગળી સમારતા ય આંસુ નીકળે છે.
(ઝુલ્ફિકાર એ. રામપુરાવાલા, મુંબ્રા)

* વૃદ્ધાશ્રમો વધતા કેમ જાય છે ?
- અનાથાશ્રમો કરતાં વૃદ્ધાશ્રમો વધે, એ થોડું ઓછું દુઃખદ છે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* પરમ સત્ય અને સાચું સત્ય. આ બન્ને ભેદ છે, તો સત્ય શું છે ?
- સત્ય વાર્નિશ કરેલું ખાદીનું કબાટ છે, જેમાં મૂકેલો કાચનો આખલો રબ્બરની શ્વાસનળીમાંથી બહાર નીકળીને બહુ લેંચુ મારે છે, એટલે ભીંતે ચોંટેલી કિડનીએ જયપુરના મૅયરને કીઘું, ‘‘જાને સાલા વાંદરા... તારા ઘરમાં મા-બેન નથી...? ... સત્ય આ છે, બેન.. સત્ય આ છે !
(વસુબેન વ્યાસ, જૂનાગઢ)

* તમે કયા બાપુને માનો છો ?
- જે બાપુ મને માનતા હોય એમને.
(નરેશ પંડ્યા, ગાંધીનગર)

* પહેલો સગો પાડોશી... મતલબ ?
- કહેવતમાં ભૂલ છે. પહેલી સગી પડોસણ... એવું હતું.
(કાસમ કક્કલ, સિક્કા)

* એન્કાઉટરમાં સવાલ પૂછવાની મૂંઝવણ થાય છે. ઉપાય બતાવશો.
- જુઓ ભાઈ. તમારા ડૉક્ટરથી કાંઈ છુપાવવાનું ન હોય. જે થતું હોય તે કહી દેવાનું.
(શશિકાંત કે. શુકલ, અમદાવાદ)

* અબજો રૂપિયાનું કરી નાખનાર એ.રાજાને સજા ક્યારે થશે ?
- સજા ક્યારેય રાજાને ન થાય.. પ્રજાને થાય.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* દુશ્મન ન કરે એવો વ્યવહાર દોસ્ત કરે તો શું કરવું જોઈએ, દાદુ ?
- દોસ્ત હશે તો એક દિવસ સત્ય સમજશે.
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)

* નડિયાદના ઍડિશનલ જજના બંગલે ધોળે દિવસે ચોરી. આપની કમૅન્ટ ?
- ચોરોને ન્યાય કરતા નથી આવડતો, એ સાબિત થયું. Justice delayed is justice denied.
(સુફીયા મૅડમ, આણંદ)

15/07/2011

‘૩૫-માં બનેલી ફિલ્મ ‘ઘૂપછાંવ‘ -15-07-2011

ફિલ્મ : ‘ઘૂપછાંવ (’૩૫)
નિર્માતા : ન્યુ થીયૅટર્સ (કલકત્તા)
દિગ્દર્શક : નીતિન બૉઝ
સંગીત : રાયચંદ બોરાલ-પંકજ મલિક
ગીતો : પંડિત સુદર્શન
કલાકારો : કે.સી.ડે, ઉમા શશી, ઉમાદેવી, પહાડી સાન્યાલ, વિક્રમ કપૂર, કેદાર શર્મા, વિશ્વનાથ ભાદુરી, નવાબ, ત્રિલોક કપૂર અને સરદાર અખ્તર.

ગીતો
૧... બાબા મન કી આંખે ખોલ...કે.સી.ડે
૨... તેરી ગઠરી મેં લાગા ચોર મુસાફિર જાગ જરા...કે.સી.ડે
૩.... મૈં ખુશ હોના ચાહું ખુશ હો ન સકું...પારૂલ ઘોષ, સુપ્રોવા સરકાર, હરિમતિ
૪.... આજ મેરો ઘર મોહન આયો, જનમ જનમ કે સંકટ ટારે...કે.સી.ડે
૫.... પ્રેમ કહાની સખી સુનત સુનાયે, ચોર ચુરાએ માલ...ઉમા શસી
૬.... મોરી પ્રેમ કી નૈયા ચલી જલ મેં, મોરી છોટી સી....ઉમા શશી-પહાડી સાન્યાલ
૭...મૂરખ મન હોવત ક્યું હૈરાન, સચમુચ તેરી રાત....પહાડી સાન્યાલ
૮... પ્રેમ અપૂરબ માયા જગત મેં, પ્રેમ બીના યે દુનિયા....ઉમા શશી
૯... જીવન કા સુખ આજ પ્રભુ મોહે, જીવન કા સુખ આજ...કે.સી.ડે
૧૦... દિલ કે ફફોલે જલ ઉઠે...અંધે કી લાઠી તૂ હી હૈ....કે.સી.ડે

૧૯૩૫-માં આ ફિલ્મ બની હતી એટલે ગણો ને કેટલા થયા...? ઓકે. આ ૨૦૧૧-ચાલે છે એટલે ઍક્ઝૅક્ટ ૭૬-વર્ષ થયા ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’ને. આ ફિલ્મ એ વખતે થીયેટરમાં જોઇ હોય, એવા તો આખા મુંબઈ-ગુજરાતમાં ૮-૧૦ વડીલો ય માંડ હયાત હશે. હોય તો એમનું જ નહિ, આપણું પણ સદ્‌ભાગ્ય કહેવાય. સાયગલ, પંકજ મલિક, જગમોહન કે કે.સી.ડે કોણ હતા, એ સમજાવવાની જરૂર ન પડે, એ તો જાવા દિયો પણ એ આપણને સમજાવી શકે કે, રાયચંદ બોરાલ જેવા સંગીતકાર તો સમગ્ર દેશ ઉપર માં સરસ્વતિની કૃપા થઇ હોય, તો જ પેદા થાય. કાનનદેવી, ઉમા શશી કે અમીરબાઇ કર્ણાટકીને માત્ર હીરોઇન/ગાયિકા તરીકે જ નહિ, વહેલી પરોઢથી જેમને સાંભળવામાં આઘ્યાત્મિક અનુભૂતિ થાય, એવી પવિત્રતાની મૂર્તિઓ સમી ગણવામાં આવતી. કાનનદેવીના ‘‘ચલી પવન હરસોં, મહેંક રહી સરસોં’’ કે ‘‘તુફાન મેલ, દુનિયા યે દુનિયા તુફાન મેલ’’ કે મારી પસંદગીના ટોપ-ટેન ગીતોમાંનું પારૂલ ઘોષનું ફિલ્મ ‘‘મિલન’નું ‘‘ગુનગુનગુનગુન બોલે ભંવરવા’’ અને સિતારા કાનપુરીનું ‘‘નગરી મેરી કબ તક યું હી બર્બાદ રહેગી’’ જેવા ગીતો અમને બધાને કંઠસ્થ છે...આજે ય ! અને તો ય સવાલ અમે જ પૂછવાના કે, ‘‘દિલ કે ફફોલે જલ ઉઠે.... અંધે કી લાઠી તૂ હી હૈ’’ અથવા ‘‘જીવન કા સુખ આજ પ્રભુ મોહે જીવન કા સુખ આજ’’ તો કુંદનલાલ સાયગલે ગાયા છે.. એ વળી કે.સી.ડેના કંઠમાં ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’માં ક્યાંથી ધુસી ગયા ? એમનો ડાઉટ ડંકાની ચોટ પર સાચો, પણ એ ય કથન સાચું કે આ ગીતો પૂરતી ‘‘ઘૂપછાંવ’’ વાળી વાતે ય સાચી છે. થોડા ઊંડા ઉતરેલા વડીલ ચાહકોને માટે આ માહિતી નવી નથી કે, ભારતીય ફિલ્મોમાં પ્લેબૅક અથવા તો પાર્શ્વગીતોની શરૂઆત જ આ ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’ના ‘‘મૈં ખુશ હોના ચાહું ખુશ હો ન સકું’’ (પાર્શ્વગાયિકાઓઃ પારૂલ ઘોષ, સુપ્રોવા સરકાર અને હરિમતી)થી થઇ હતી, પણ એ ગીતમાં કૃષ્ણચંદ્ર ડે એટલે કે કે.સી.ડે એટલે કે મન્ના ડેના સગા કાકાનો પણ અવાજ હતો, એ બહુ ઓછાને ખબર હોય, સિવાય કે આ ફિલ્મ જોઇ હોય.

મેં જોઇ છે. મારી પાસે આ ફિલ્મની ડીવીડી છે. (સૌજન્યઃ શ્રી ચંદુભાઈ બારદાનવાલા-જામનગર) નહિ તો ગુગલ કે ‘‘યૂ-ટયુબ’’માંથી હજી આવી ફિલ્મો કાંઇ મળે એમ નથી. હું તો કબુલ કરૂં પણ તમને ય કરાવું કે, આ કે એ જમાનાની મોટાભાગની ફિલ્મો જોવાનો કોઇ આનંદ ન આવે, સિવાય કે આપણી નૉસ્ટૅલજીક જરૂરત.

પણ જુનું બઘું જોવાની અને ચોંકવાની લઝ્‌ઝત પાછી જુદી હોય, જેમ કે રાજ કપૂર-ગીતા બાલી વાળી ફિલ્મ ‘‘બાવરે નૈન’’ બનાવનાર દિગ્દર્શક કેદાર શર્મા અહીં સાવ નાની ઉંમરમાં એક કૉમિક-વિલનના રોલમાં જુઓ. ફિલ્મ ‘‘આરાધના’’માં શર્મીલા ટાગોરના પિતા બનતા ચરીત્ર-અભિનેતા પહાડી સાન્યાલને જવાનજોધ ‘‘હીરો’’ના કિરદારમાં જોવાના. આ પહાડીની દીકરી લુકુ સાન્યાલ વર્ષો પહેલાં મુંબઈ દૂરદર્શન પર લોકોની ખૂબ લાડકી ન્યુસ-રીડર હતી. ટાઇટલ્સમાં જાડી ભમભોલ ટુનટુનને તેના અસલ નામ ઉમા દેવી સાથે વાંચો, પણ આખી ફિલ્મમાં એને શોધી શોધીને પાતળા થઇ જાઓ, એમ પૃથ્વીરાજ કપૂરના કઝિન ત્રિલોક કપૂરને પણ ગોતવો પડે. સાયગલ-કે.સી.ડે સાથેના ટ્રિપલેટ ગીત ‘‘દુનિયા રંગ રંગીલી બાબા, દુનિયા રંગ રંગીલી...’’ ગાનાર ઉમા શશી ભલે થોડી જાડી પણ ગ્લૅમર સાથેની ખૂબસુરત હતી. અહીં પાછી પૂછપરછ જાણકારો એકબીજા સાથે કરવાના કે ફિલ્મમાં કે.સી.ડે દેખાય છે ને રૅકર્ડ પર તો પંકજ મલિકનું નામ છે....! આ બધા લોચા ચર્ચવાની આવે ખૂબ મજા, અલબત્ત એ જમાનાની ફિલ્મોના જાણકારોને.

કલકત્તાના ન્યુ થીયેટર્સની આ ફિલ્મ પૂર્ણ આદરણીય બાંગાલી બાબુ નીતિન બૉઝે દિગ્દર્શિત કરી હતી. આ નીતિન બાબુ એટલે જેમણે બિમલ રૉયની દિલીપકુમારવાળી ફિલ્મ ‘‘દેવદાસ દિગ્દર્શિત કરી હતી એ. ખાસ તો દિલીપકુમાર ઘમંડમાં પોતાની ફિલ્મ હોવાથી ‘‘ગંગા જમુના’’નું દિગ્દર્શન અડધેથી છીનવી લીઘું હતું, એ નીતિન બૉઝ.

આ ફિલ્મમાં સંગીત આર.સી. બોરાલનું છે, એટલી જ માન્યતા જોરમાં હતી. સહસંગીતકાર આપણા પંકજ મલિક હતા, એમને તો અન્યાય સહન કરવાની આદત પણ પડી ગઇ હતી. ન્યુ થીયેટર્સની કોઇ ફિલ્મ રીલિઝ થાય, એટલે કલકત્તાથી મુંબઇ ટ્રેનના થર્ડ-કલાસમાં ફિલ્મના ૧૫ કે ૧૭, જેટલા રીલ્સની હોય, તે પતરાંના ગોળ ડબ્બા લઈને પંકજ બાબુને મોકલવામાં આવતા. એમની સાથે એક નોકર જેવો વ્યવહાર ફક્ત બિરેન્દ્રનાથ સરકાર (બી.એન.સરકાર-ન્યુ થીયેટર્સના સર્વેસર્વા)એ જ નહિ, ખુદ રાયચંદ બોરાલ પણ નિયમિતપણે કરતા હતા. આ ખાનદાની માણસે કદી ફરિયાદ નથી કરી, એ જુદી વાત છે. (આ ફિલ્મ ‘‘ઘૂપછાંવ’’નું બીજું નામ ‘‘ભાગ્યચક્ર’’ હતું, એટલે પંકજ બાબુના એમાં આંટા ભરાઇ ગયા હોય. મૂળ બંગાલીમાં ‘‘ભાગ્યચક્ર’’ બન્યું હતું, પણ સફળ થયું, એટલે હિંદીમાં ‘‘ઘૂપછાંવ’’ નામથી ફરી બનાવવામાં આવ્યું...ડબ કરી દીઘું નહોતું.)

આજે કાંઈ નવું ન લાગે, પણ એ સમયમાં આ ફિલ્મની વાર્તા ગમનારાઓને ગમી હતી. વિક્રમ કપૂર (ગાયિકા મીના કપૂરના પિતા અને સંગીતકાર અનિલ બિશ્વાસના બીજા રાઉન્ડના સસુરજી) ધનવાન છે. માં વિનાના તેમના નાના બાળકનું એક ગઠીયો અપહરણ કરી જાય છે, પણ ગભરાઇ જતા રસ્તા ઉપર બાળકને છોડી દે છે, જ્યાં પ્રજ્ઞાચક્ષુ સુરદાસ કે.સી.ડેને એ બાળક મળી આવે છે. ગમી જતાં પોતે જ એનો ઉછેર કરે છે, એ જાણી જવા છતાં એ બાળક કોનું છે ! મોટું થઈને આ બાળક ‘પહાડી સાન્યાલ’ બને છે ને પ્રેમમાં ઉમા શશીના પડે છે. તત્સમયના રીતરિવાજ પ્રમાણે, ‘લડકે કે માં-બાપ કૌન હૈ..ઉસ કા ખાનદાન ક્યા હૈ’ વગેરે વગેરે રાબેતા મુજબના ધમપછાડા ઉમા શશીના ઘેરથી થાય છે અને પ્રેમમાં રાબેતા મુજબના કરૂણ ગીતો ય શરૂ થાય છે. તમે વાચક છો-લેખક નથી, છતાં ય ખબર પડી ગઈ કે, વાર્તાને અંતે બઘું સારાવાના થાય, જેથી આપણે ઘેર જઈ શકીએ. વચમાં અફ કૉર્સ, થોડી સ્ટોરી જેવું પણ કંઇક મૂકવું જોઈએ, એ ન્યાયે રસ્તા પર ભિક્ષુકની ભાંતિ ભજનો ગાઈને પેટ રળતા સુરદાસ કે.સી.ડેના અવાજથી પ્રભાવિત થઈને એક નાટ્યકંપનીનો માલિક (નવાબ) અને તેનો આસિસ્ટન્ટ (કેદાર શર્મા) પેલાને ફોસલાવીને સ્ટેજ-સિંગર બનાવે છે, પહાડી અને ઉમા શશી વચ્ચેના પ્રણય-દ્રષ્યો પણ નિયમ મુજબ આવે રાખે અને છેલ્લે યાદ શક્તિ ગૂમાવી ચૂકેલા પોતાના પુત્રને પાછો લાવવા ભારે કરૂણા અને વિરહમાં સુરદાસ સ્ટેજ પરથી તીવ્ર સૂરમાં ‘અંધે કી લાઠી તુ હી હૈ...’ ગાય, ત્યારે આપણે ય જાણતા હોઇએ છીએ કે સવા ત્રણ મિનિટનું આનું ગીત પૂરૂં નહિ થાય ત્યાં સુધી પેલાની યાદશક્તિ-બક્તિ પાછી આવવાની નથી અને એમાં આપણે સાચા પડીએ છીએ. સાલું, આવા ઊંચા અવાજે ગાવાથી યાદશક્તિઓ પાછી આવી જતી હોય તો, લેણદારોની યાદદાસ્ત પાછી લાવવા આપણે સહુ આપણા અનેક લેણદારોના ફ્‌લૅટના કમ્પાઉન્ડમાં ઊભા રહીને કેસી કરતા ય પ્રચંડ અવાજે રોજ ગાવા પહોંચી જઇએ. હું તો ગળામાં હાર્મોનિયમ ભરાયેલું ય રાખું, એમાં મારી બા ય ના ખીજાય...પૈસા પાછા આવે છે ને ? (આમાં તો પાછું, જતા-આવતા વટેમાર્ગુઓ પણ પેટી ઉપર પાઇ-પૈસો મૂકતા જાય, એટલે જેટલું પાછું આયું, એટલું સાચું...! આ તો એક વાત થાય છે....!)

ફિલ્મની માફક કેસી વાસ્તવમાં પણ સંપૂર્ણ પ્રજ્ઞાચક્ષુ હતા. નાનપણમાં ઉત્તરાયણ દરમ્યાન ઉઘાડી આંખે સૂરજ જોવા જતા તેઓ આંખો ગૂમાવી બેઠા હતા. હું કેટલો ભાગ્યવાન હોઇશ (ને મન્ના દાદા કેટલા બદનસીબ...!!!!) કે સળંગ બે દિવસ મને તેમના મુંબઈના જુહુવાળા બંગલે બોલાવીને મન્ના ડેએ એમના હાર્મોનિયમ ઉપર એમના કાકા બાબુ (કે.સી.ડે)ના આ જગપ્રસિદ્ધ ગીતો સંભળાવ્યા હતા. એમના પરત્વેની મારી ભક્તિ અને વિનંતીનું માન રાખીને દાદાએ આપણા ગુજરાતી સંગીતકાર સ્વ. અજીત મર્ચન્ટની ફિલ્મ ‘‘સપેરા’’નું રૂપ તુમ્હારા, આંખો સે પી લૂં, કહે દો અગર તુમ, મર કે ભી જી લૂં.’ સંભળાવ્યું હતું. દાદા એમના મ્યુઝિક-રૂમમાં કોઇપણ ગીત લાઇવ ગાય, ત્યારે પ્રીડોમિનન્ટલી એમની આંખોના ખૂણા ભીના થવા માંડે.

ભાગ્યે જ કોઇ બે-ચાર જણાએ સાંભળ્યું હશે, એવું એમનું એક નોન-ફિલ્મી ગીત ‘‘બિન સાવન નૈન ભરે, અબ સાવન મેં ક્યા હોગા...’’ મન્ના ડેના વડોદરાના ડાયહાર્ડ-ફૅન અને ગાયક શ્રી યોગેશ વ્યાસ તો આ ગીત સાંભળીને આંખો ભીની કરી નાંખે છે. સ્વાભાવિક છે, લાગણીશીલ વિનાની આ દુનિયામાં મન્ના ડે કે કાકા બાબુ જેવા કલાકારોને અન્યાયો થાય જ...થયા...! એ કોને નડ્યા હશે, તે તો ખબર નથી, પણ કે.સી.ડેની ઘુંઆધાર સફળતા પછી, ફિલ્મવાળાઓએ બહુ ઠંડે કલેજે એમને સાઇડમાં ધકેલી દીધા. નહી તો એ જમાનામાં એમનું નામ સાયગલ-પંકજની સમકક્ષ બોલાતું હતું...નહિ તો ગાનારાઓમાં ન્યુ થીયેટર્સના પહાડી સાન્યાલ અને બૉમ્બે ટૉકીઝના સુરેન્દ્રને અનેક ચાન્સ મળવા છતાં બેમાંથી એકે ય કાકા બાબુની સરખામણીમાં ઊભા રહી ન શકે.

આ ફિલ્મ ‘ઘૂપછાંવ’નો એક ઉપકાર સમગ્ર ફિલ્મ જગત ઉપર બેશક ખરો...આપણને પ્લૅ-બૅક સિંગિંગ આપવાનો. ‘જગત’ શબ્દ ભૂલમાં લખાઈ ગયો નથી, કારણ કે ફિલ્મો તો દુનિયાભરમાં બનતી હતી, પણ ફક્ત ભારતીય ફિલ્મોમાં જ ગીત-સંગીતનું આટલું ડિવાઇન મહત્ત્વ હતું. બીજે બધે સિંગિંગ કે પ્લૅબેક સિંગિંગ ની જરૂરતે ય નહોતી.

પણ જેનો તમને બધાને ય અનુભવ થઈ ચૂક્યો હશે-‘‘માલ કીસિ કા, કમાલ કીસિ કા’’નો...એવું આ પ્લૅબેક શરૂ કરવાનો જશ ખાટી જવાનો લહાવો એકલા રાયચંદ બોરાલ લઇ ગયા...સાબિત કોઈ કરી શકતું નથી કે, એમાં પંકજ મલિકનો ય સિંહ ફાળો હતો...પણ ફિલ્મમાં રજુ થતા ગીતને પ્લે-બૅક સ્વરૂપ આપી શકાય એવો પહેલો ‘વિચાર’ જેને આવ્યો હતો, એનું તો કોઇ નામ પણ બોલતું નથી. ઇન ફૅક્ટ, ફિલ્મના પ્રણામયોગ્ય દિગ્દર્શક નીતિન બૉઝને આ ગીત ‘‘મૈં ખુશ હોના ચાહું, ખુશ હો ન સકું’’નું શૂટિંગ કરતા પહેલા એને પ્લૅ-બૅક આપીને ગવડાવવાનો વિચાર સૌથી પહેલો આવ્યો હતો, જે તેમણે બોરાલ બાબુને કીધો અને પછી તો ઇંગ્લિશમાં કહે છે તેમ... The rest is a history.

નૉર્મલી, આટલી જુની ફિલ્મો વિશે આ કૉલમમાં લખવાનો ઉપક્રમ નથી જ, (લખી તો ઘણી બધી માટે શકાય અને હજી ક્યારેક સાયગલ સાહેબની એકાદ ફિલ્મ વિશે લખીશું પણ ખરા, પરંતુ એ પેઢીના આપણી પાસે વાચકો રહ્યા નથી, માટે આ કૉલમમાં એવી ફિલ્મો જ પસંદ થાય છે, જે કમસેકમ આપણે બધાએ જોઈ હોય.

14/07/2011

એક ખુલ્લો પત્ર; આપણા સ્વામીજીઓને તમને સહુને મારા જયહિંદ.

‘પ્રણામ’ કે ‘નમસ્કાર’ એટલા માટે નથી કહેતો કે, ભક્તો તમારા ચરણસ્પર્શો કરે, એ હવે આપ સહુને માટે સવારે બ્રશ કરવા કે નહાવા-ધોવા જેવું રોજનું થઇ ગયું છે. ક્યારેક કોઇ ભક્ત ચરણસ્પર્શ કરવાનું ભૂલી જાય તો સવારે પેસ્ટ લગાડ્યા વગર ટુશબ્રશ મોંમાં ફેરવતા હો, એવું લાગે... ભક્ત તમારી નજરમાંથી ઉતરી જાય, એ જુદું.

તમારા માટે ‘સ્વામીજી’ કે ‘ગુરૂજી’ સંબોધનો રૂટિન થઇ ગયા છે... અમારા ખાડીયામાં વપરાતા ‘બૉસ’ જેવું. આમ પેલાને બૉસ કહે ને પછી, ‘‘બૉસ... ત્યાંથી જરા મારી ચંપલ લઇ આવો ને!’’ એવું ય મસાલો મસળતા મસળતા કહી દે. ગુરૂ જેવું હકીકતમાં કાંઇ હોતું નથી. બધાની વચ્ચે લોકો તમને પગે લાગે, એ તમને ગમતું હોય છે, અહમ સંતોષાતો હોય છે.

તમે તો પાછા ‘સંતો’ છો, તો સંતોને બીજા પાસે પોતાના ચરણસ્પર્શ કરાવવાની શી જરૂર પડે? મેં તો ક્યાંક એવી જોક સાંભળી હતી કે, ભક્તોને સંતો એમનો પોતાનો સાક્ષાત્કાર કરાવે છે, ઈશ્વરનો નહિ! સ્ટુપિડ ભક્તોને પોતે શું ચીજ છે, એની ખબર હોતી નથી.. તમે પડવા દેતા નથી. 

એટલે તમને ગુરૂઓ માનવા માંડે છે. આજ સુધી ભારતભૂમિનો એકે ય સંત એવો પેદા થયો નથી કે, ભક્તોને સાચી રાહ બતાવે કે, પહેલા ઘરમાં તમારા માતા-પિતાના ચરણસ્પર્શ કરો, સાસુ-સસરા પણ માં-બાપને સ્થાને છે, એમને પગે લાગો, માતા-પિતાતુલ્ય ભાઇ-ભાભી હોય તો એમને ગુરૂસ્થાને બેસાડો...

યસ. તમને હું ‘સર-જી’ ચોક્કસ કહીશ, કારણ કે તમે બેશક અમારા શિક્ષકને સ્થાને છો. તમને અમારા શિક્ષકસરીખું માન ચોક્કસ આપીએ કે, તમે અમને સારા વિચારો આપ્યા છે અને ઈશ્વરનો ‘વાણીથી’ પરિચય કરાવ્યો છે.

એ વાત જુદી છે કે, આ જગતમાં No lunch is free, એટલે અમને આઘ્યાત્મિક બનાવવાની તગડી ટ્યુશન-ફી તમને દાન-દક્ષિણા સ્વરૂપે અમે ચૂકવતા રહીએ છીએ અને આઘ્યાત્મિક સ્મિત સાથે તમે એને સ્વીકારો પણ છો. ભલે આપ એને પોતાને નામે ન સ્વીકારો, પણ આ બઘું તો ઘી ઢોળાવા જેવું ને? સરવાળે, તમને ગુરૂ બનાવવામાં અમારા તો ગાભા નીકળી જતા હોય છે, પણ એની ખબર તો પૂરેપૂરા ખુવાર થઇ ગયા પછી પડે છે.

બાકી સ્વામીજી, આપ જેવા હજારો ગુરૂઓ અમારા વિશે, અમારા પરિવાર વિશે, અમારી મુશ્કેલીઓ વિશે કાંઇ જ જાણતા હોતા નથી, પછી અમારા ગુરૂ કેવી રીતે થઇ શકો?

સર-જી, સમાજમાં તમારૂં માન ભક્તો સિવાય પણ વધે, એટલા માટે લોકોને તમારા ચરણસ્પર્શો કરતા બંધ કરો. નથી સારા લાગતા. પેલા ડોબાઓ સમજતા ન હોય, પણ અમે બધા તો જાણીએ છીએ કે, પુરૂષો કરતા સ્ત્રી-ભક્તો તમારા આશિર્વાદ લેવા આવે, એમાં તમારી પબ્લિસિટી વધારે થાય છે.

એક તો પારકી સ્ત્રીના માથે કે શરીરને ‘અડવા’ મળે છે અને પછી આગળ વધવા મળે છે. મોટા ભાગે તો નપુંસક પતિઓ પોતાની પત્નીને તમને ગુરૂસ્થાને બેસાડવા દે છે. સાલા, એનો સાચો ગુરૂ તો તું હોઇ શકે. જે બાવો તારા ઘર વિશે અને તારી વાઇફ સિવાય બીજું કંઇ જ જાણતો નથી, એ તમારો ગુરૂ કેવી રીતે હોઇ શકે ?

સર-જી, આપ સાચા સંત હો, તો કમ-સે-કમ સ્ત્રીઓને તો ચરણસ્પર્શ (કે કોઇ પણ સ્પર્શ)થી દૂર રાખો... ને કાં તો પ્રથા એવી પાડો કે, સ્ત્રીઓ સિવાય તમારી નજીક કોઇ ન આવી શકે!

તમે જાણો છો કે મંદિરમાં દર્શને આવનારાના તમે ભગવાન કે પિતાશ્રી નથી, છતાં મળવા આવનાર તમારા પગે લાગે, એ ચલાવી કેમ લો છો? આપના આશિર્વાદની જરૂરત તો મંદિરની બહાર ઊભેલા કૂતરાં-ગાયો કે ભિખારીઓને પણ પડે, તો તેમને આશિર્વાદ આપવા કેમ નથી જતા!

સર-જી, પેટ તો આપનું ય પાપી જ છે, એટલે એનો ખાડો પૂરવા પૈસાની જરૂર તમને ય પડે. એ વાત જુદી છે કે, તમારો ખાડો સાલો બહુ ઊંડો હોય છે. બેવકૂફ ભક્તો પોતાના કુટુંબીજનો ભૂખે મરતા હશે, એમને રૂપિયો ય નહિ આપે, પણ મંદિર-દેરાસર બનાવવા કરોડ નહિ, અબજો રૂપિયા એમને એમ આપી દેશે... આપણે તો જાણીએ છીએ સર-જી, કે બધા પૈસાનું મંદિર-દેરાસર બનતું નથી... મોટા ભાગનું તો પેલા ખાડામાં જાય છે.

આમ તો, આપ લોકો પાછા કૉમેડીયનોની જેમ અમને હસાવો પણ છો કે, આ દાન-દક્ષિણાને હું હાથ પણ લગાડતો નથી. આ તો બધી માયા છે. હું એને હાથ પણ કેમ લગાડી શકું? (સ્વામીજી, અમારો પરવીણીયો સામેના ફ્‌લૅટમાં રહેતી માયાને હાથ લગાડવા ગયો, એમાં માયાના ગોરધને ધીબી નાંખ્યો... પછી માયાડીને હાથ લગાવવાનું બંધ કર્યું, તો માયાએ ઘેર આઇને એને ધીબેડી નાંખ્યો... માટે જ કહ્યું છે ને. ‘‘માયા બહોત બુરી ચીજ હૈ. બચ્ચા...!’’)

અમારામાંનો એક પણ ભક્ત પૈસેટકે આપના જેટલો તગડો નથી. કારણ કે, તમે જ અમને કેવી સુંદર વાણીમાં સમજાવ્યું છે કે, ‘પૈસો તો હાથનો મેલ છે.’ આભાર કે, કોઇપણ સ્વરૂપના ગુમાન વગર અમારા હાથનો મેલ ધોઇને આપ ભેગો કરો છો. ભારતનો કોઇ પણ સંત-સાઘુ મિનિમમ અબજો રૂપિયાનો માલિક છે... ‘સબ પ્રભુ કી માયા હૈ, બચ્ચા!’ સર-જી, અમે ગુજરાતીઓ છીએ, એટલે પૈસો તો તમારા જેવા સદગુરૂઓ પાછળ જ વાપરીશું. ખુદ અમારા કાકા-મામાનો પરિવાર ભૂખે મરતો હશે તો, એના છોકરાની સ્કૂલની ફી ભરવા જેટલી મદદ પણ નહિ કરીએ. આપે જ શીખવ્યું છે તેમ, એ એના પાપે મરતો હશે... યૂ મીન, દરેકે એના કર્મનું ફળ ભોગવવું પડે છે. પણ અમારો બધો મેલ તમારા કૂંડામાં નાંખી આવવા છતાં તમે કદી એ બાબતે અમારા ઉપર ગીન્નાયા નથી. જેટલું આપીએ, એટલું ઈશ્વરના ચરણોમાં જ છે, એવું તમે અમને સમજાવીને ઘોર પાપના માર્ગે જતા રોક્યા છે.

પ્રણામ સ્વામીજી, હવે આપને પત્ર લખવાનું કારણ કહીશ.

સર-જી, આપ લોકોએ આપની જાત ઘસીઘસીને ભક્તો સેવા કરી છે... હવે સમય દેશની સેવા કરવાનો આવી ગયો છે. આપના એક બોલ ઉપર ભક્તો પોતાનો જાન ન્યોછાવર કરી દે છે. આપ સહુનું ફૅન-ફોલોઈંગ અમિતાભ બચ્ચનો કે તેન્ડુલકરો કરતા ઘણું મોટું છે. આપ ચાહો તો આ જ ભક્તોને તમે દેશભક્ત બનાવી શકો, તો પાકિસ્તાનની તાકાત નથી કે, ભારત માતા સામે આંખ ઊંચી કરીને જોઇ પણ શકે. રામનામ ને જય જીનેન્દ્ર બહુ કર્યું... એ ય ચાલુ રાખો, પણ તમે કે તમારા ભક્તો ખાય છે, કમાય છે આ દેશનું. સાલો કૂતરો ય માલિકની વફાદારી છોડતો નથી ને જેનું ખાય તેનું ખોદતો નથી. સર-જી, માત્ર બે વર્ષ દેશને આપો અને દેશમાં રાષ્ટ્રભક્તિ જગાવો. ગાંધીજીએ આનાથી વધારે કાંઇ કર્યું નહોતું, ત્યારે જગત આખું એમને પ્રણામ કરે છે. આપ સહુ પણ બાપુનું ખાલી સ્થાન લઇ શકો એમ છો. સો-કરોડ નવા ભક્તો તમને મળશે. દેશને બચાવી લીધા પછી, ફરી કમાણી શરૂ કરજો ને? અમે સામેથી આપીશું. આપ કોઇપણ ધર્મના ગુરૂ, સ્વામીજી, મહારાજ સાહેબ, બાપુ, ભાઇ કે સ્વામી હો, આપ જાણો છો કે આજ સુધી ભૂલેચૂકે ય આપનામાંથી એકપણ સંતશ્રીએ ભક્તોને દેશભક્તિનો ઈશારો ય કર્યો નથી. જે કાંઇ વાપર્યું-વપરાવ્યું છે, તે ફક્ત અને ભક્ત આપશ્રીના ધર્મ પૂરતું વપરાવ્યું છે ને નામ આપનું રોશન થયું છે... ક્યા બ્બાત હૈ... ક્યા ઉઠા કે મારા હૈ, ગુરૂજી... માન ગયે! કમસે કમ, સત્ય સાંઇબાબાએ અબજો રૂપિયા ભેગા કર્યા પછી સમાજ માટે તો વાપર્યા ! હોસ્પિટલો, સ્કૂલ-કોલેજો, લાયબ્રેરીઓ (એમના પંથ સિવાયની પ્રજા માટે પણ) બનાવ્યા, ત્યારે આટલું માન મળ્યું......અમની પાસેથી કંઇક તો શીખો.

આપને મારી યાચના છે. અમિતાભ બચ્ચન, સચિન તેન્ડુલકર કે ત્રણે ય ખાનો ભેગા થાય, તો ય આપ શ્રીની લોકપ્રિયતાને પહોંચી ન વળે, એટલો તોતિંગ આપનો ચાહકવર્ગ છે. આ લોકોને લોકો ફક્ત ચાહે છે, એટલું જ! પણ કાલ ઉઠીને અમિતાભ દેશની પ્રજાને ‘અસત્ય નહિ બોલવાનો’ કે ‘બ્રહ્મચર્ય પાળવાનો’ સંદેશ આપે તો કોઇ માનવાનું નથી. ફક્ત આપ લોકો જ દેશની જનતાના હૃદય સુધી પહોંચીને જે ધારો તે કરાવી શકો, એટલા પાવરફુલ છો.

સર-જી, રામનામ બહુ થયું. ઈશ્વરભક્તિ બહુ થઇ ગઇ. કમ-સે-કમ ભગવાનોને બે-ત્રણ વર્ષ આરામ આપો ને દુનિયાભરની લમણાફોડમાંથી છોડાવો. એમને ય આરામ જોઇએ ને? પણ આ બે-ત્રણ વર્ષ દેશભરમાં ફેલાયેલા આપના ભક્તોને દેશદાઝ શીખવો. મુંબઇના ૨૬/૧૧ના હૂમલા પછી ચમકી જવાની જરૂર છે કે, હવે એ દિવસો દૂર નથી કે, આપણે બધાએ આતંકવાદીઓ અને દેશદ્રોહીઓના તાબામાં રહેવું પડે. હાથમાં એ.કે. ૪૭ લઇને આતંકવાદીઓ આપણને ઠોકવા આવશે, ત્યારે મારતા પહેલા એ નહિ પૂછે કે, ‘‘ઓહો હો... ભૂદેવ...! ઓહ... આપ તો બ્રાહ્મણ છો... આપને તો અમારાથી મરાતા હશે?’’ ...‘‘અરે નહિ ભાઇ... યે તો જય જીનેન્દ્રવાલા હૈં... ઇન સે બડી ભક્તિ તો દુનિયા મેં કોઇ નહિ કરતા... ઈનકો હમ માર નહિ સકતે...’’ આવા પશ્ચાતાપ સાથે એ લોકો તમને કે મને છોડી મૂકવાના નથી... ત્યાં તો એકસામટી એ.કે. ૪૭ની ધણઅણણણ... ધાણીઓ ફૂટવાની છે. એ વખતે પ્રજામાં ‘‘તમે’’ દેશદાઝ ભરી હશે તો કમ-સે-કમ પચાસ મરવાના હશે, તો પાંચ જ મરશે... પછી આ બચેલા ૪૫ તમને ફક્ત ગુરૂ નહિ, સાક્ષાત ભગવાન માનશે... એક વાર દેશને બચાવો, સર-જી.

કારણ જાણો છો? અમે ભારતવાસીઓ લીડર વિના અઘૂરા છીએ. દેશ માટે જાન આપી દેવા હરકોઇ તૈયાર છે, પણ એ જાન ક્યારે ને કેવી રીતે આપવો (કે બચાવવો!) એ ભક્ત આપના જેવા સ્વામીજીઓ શીખવી શકે એમ છે. ફૉલો અમે તમને કરીશું, પણ હવે બે-ચાર વર્ષો માટે આ ભગવાન-બગવાન છોડો અને અમારામાં દેશને બચાવવાનું ઝૂનૂન ઊભું થાય, એવા વાણીથી દેશને બચાવવામાં સ્વયં પરમેશ્વરનો રોલ અદા કરો, તો જે આપના ભક્તો નથી, એવા ભારતવાસીઓ પણ આપના ચરણસ્પર્શ ગૌરવપૂર્વક કરશે.


સિક્સર
આખા દેશમાં એક જ માણસ એવો છો, જેને બધા ઑફશિયલી કહી શકે, ‘બુઢ્ઢા હોગા તેરા બાપ!’.... અભિષેક બચ્ચન.

11/07/2011

ઍનકાઉન્ટર : 11-07-2011

* ‘માનવી માનવ થાય તો ઘણું,’ એ ઉક્તી આજના સંદર્ભમાં કેટલી પ્રસ્તુત છે ?
- ડોન્ટ વરી....! માનવીથી માનવ સિવાય એ બીજું કાંઇ ઇચ્છે તો ય બની શકાય એમ નથી.
(કૃતિ શૈલેષભાઈ ઉપાઘ્યાય, અમદાવાદ)

* સત્યનો જય ફક્ત ‘અંતે જ’ કેમ થાય છે ? વચમાં કે પ્રારંભમાં કેમ નહિ ?
- જુઠ્‌ઠાઓને ખુલ્લા પાડવા કુદરત તમને પૂરતો સમય આપવા માંગે છે, માટે.
(સાધના પી. નાણાવટી, જામનગર)

* રાષ્ટ્રહિત જોનારા સત્તા સુધી પહોંચતા નથી અને સત્તા સુધી પહોંચનારા રાષ્ટ્રહિત જોતા નથી. આવું કેમ ?
- એ એમનું ધૃતરાષ્ટ્રપણું.
(પલકભાઈ એમ. નાણાવટી, ઓખા)

* મંદિરોમાં આટલી ભીડ કેમ હોય છે ?
- પરમેશ્વરને બીજા કરતા હું વધારે ઉલ્લુ બનાવી શકું છું, એટલું સાબિત કરવાની દોડ.
(નૂતન શૈલેષ ભાવસાર, અમદાવાદ)

* પહેલાના જમાનામાં પોલીસો મોટી મૂછો રાખતા...હવેના ભાગ્યે જ રાખે છે. કેમ ?
- હવે ક્યાં મૂછ મઇડીને કંઈક કરી બતાવવું પડે, એવા કામો એમને સોંપાય છે ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આજકાલના સ્મશાનયાત્રા કે બેસણાઓમાંથી ગંભીરતા ઊડી ગઈ છે...કોઇ કારણ ?
- ધેટ્‌સ ફાઈન...હવે બેસણાઓમાં ક્રિકેટની જેમ ‘ચીયર્સ-ગર્લ્સ’ બોલાવવાનું સૂચન કરીશું. એક એક ડાધુ આવતો જાય, એમ એ બધી રૂમઝુમ કરતી નાચવા જ મંડે....!
(વ્રજબાળા એચ. પટેલ, દહેગામ)

* કોઈ તમને પૂછે, તમારે પત્ની અને બાળકો કેટલા ? તો શું જવાબ આપો છો ?
- એવો લત્તે લત્તે જુદો જવાબ આપવાનું મને ન પોસાય.
(મુનિરા એફ. બારીયાવાલા, ગોધરા)

* તમે કોઇના બેસણામાં જાઓ, તો ય લોકો હસતા હશે ને ?
- ‘‘આ હજી ગયો નથી....?’’ એમ મને જોઈને ઘણા હસી પડે છે ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* ઈશ્વર તો હરએકના હૃદયમાં બિરાજમાન છે, છતાં લોકો મંદિરોમાં કેમ જાય છે ?
- ઘરનો રસ્તો ભૂલેલાઓને મંદિરે જવું પડે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* કોઈને ભૂલી જવું, શું અઘરૂં હોય છે ?
- એનો આધાર તમે ઉધાર લીઘું છે કે આપ્યું છે, એના ઉપર છે.
(ધવલ એસ. દેવલૂક, પાલીતાણા)

* જાતે જ દલા તરવાડીની જેમ પોતાના પગાર/ભથ્થાં વધારી દેનાર મફતીયા સાંસદોને મોંઘવારી નડતી હશે ખરી ?
- મોટા ભાગે નહિ નડતી હોય, હોં ! હજી સુધી પાર્લામૅન્ટનું મકાન બારોબાર વેચી માર્યું નથી.... દેશની વાત જુદી છે !
(ઉષા શાહ, રાજકોટ)

* બાળકોની સ્કૂલમાં, ‘લટકતી લાશની આત્મકથા’ વિશે નિબંધ પૂછાય તો શું કરવું ?
- આમાં ઇમોશનલ ન થવાય. છોકરાઓને મોંઢેં બઘું સમજાવાય...જાતે કરી નહિ બતાવવાનું !
(ડૉ. અમિતા ચૌધરી, ભાવનગર)

* ગાંધીજીએ ત્રણ વાંદરાઓને કેમ પસંદ કર્યા ?
- ચોથાને તો એમણે વડાપ્રધાન ન બનાવ્યો ??
(કેવલ મોરડીયા, કમળેજ, ભાવનગર)

* કરોડોપતિ સસરાવાળા જમાઇઓને આપનો શો સંદેશ છે ?
- થાક્યા હો તો કહેવડાવજો.
(ચંદ્રેશ પી. પટેલ, ગાંધીનગર)

* લગ્ન મંડપમાં ચાર ફેરાનો રિવાજ કેમ હોય છે ?
- આ કોઈ ૧૦૦ મી.ની દોડ નથી...લગ્ન છે.
(જગદિશ ડી. બારૈયા, મેથળા/તળાજા)

* રાવણ મર્યો તે દિવસને ‘દશેરા’ના નામે ઉજવાય છે, પણ દુર્યોધનનો એવો દિવસ કેમ ઉજવવામાં આવતો નથી ?
- ઉજવાય છે...સૌજન્ય ખાતર નામ એનું સ્વર્ગસ્થ વડાપ્રધાનોની પૂણ્ય (?) તિથિનું આપીએ છીએ.
(મઘુકર પી. માંકડ, જામનગર)

* શું માનનીય ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ‘ઍનકાઉન્ટર’ વાંચે છે ખરાં ?
- વાંચતા હશે.. પણ કોક કહેતું’તું કે, મારા લેખો કરતા એમને સોનિયાજીના પ્રવચનોથી વધારે હસવું આવે છે.
(દીપ્તી જી. શાહ, અમદાવાદ)

* ક્યારેય કોઈ રાજકારણીએ આત્મહત્યા કરી હોય એવું જાણમાં નથી...!
- એ કામ તેઓ પ્રજા ઉપર છોડે છે.
(તુલસીદાસ એન. કારીઆ, ઉપલેટા)

* પરચૂરણ ક્યાં ગૂમ થઈ ગયું ? દસ રૂપિયાનો સિક્કો તો દેખાતો પણ નથી ?
- બેન, હું તો હમણાં નડીયાદ બાજુ આવ્યો પણ નથી..!
(ખુશ્બુ વાહિદ, નડીયાદ)

* સુ.શ્રી જયલલિતાને જોઈને શું વિચારો છો ?
- The size does matter....!
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

* આ કારમી મોંઘવારીમાં એક પતિથી ખર્ચાને પહોંચી વળાય એમ નથી. કોઈ ઉપાય ?
- તો તો કામને ય નહિ પહોંચી વળાતું હોય. કહો કે, બીજી લાવી દે.
(મણીબેન પટેલ, ઊંટડી)

* ઘણા લોકો સોનાની વીંટી પહેરેલો હાથ અવારનવાર બતાવે રાખે છે, એનું શું કારણ ?
- તમે નસીબદાર છો. અહીં તો પગમાં પહેરેલા વીંટા ય બતાવનારા પડ્યા છે !
(સીમા સલીમ, નડીયાદ)