Search This Blog

12/08/2012

ઍનકાઉન્ટર : 12-08-2012

૧ આપણા દેશમાં બધા ધર્મના લોકો રહે છે, છતાં ભાઈચારો જોવા કેમ નથી મળતો?
- ક્યા દેશમાં જોવા મળ્યો ?
(આશિષ તન્ના, રાજકોટ)

૨ પરણ્યા પછીના અન્યત્ર પ્રેમ-સંબંધનું આયુષ્ય કેટલું ?
- લાંબુ આયુષ્ય કસરતો કેટલી કરી છે, એની ઉપર આધારિત હોય છે !
(ડો. દીપક સી. ભટ્ટ, બોડેલી)

૩ ખૂબસુરત યુવતીઓના વસ્ત્રો ધૂંટણથી ઉપર કેમ જવા લાગ્યા છે ?
- તમે હવે ઊભા થઈ જાઓ... ક્યાં સુધી સુતેલા રહેશો ?
(ભરત ડી. સાંખલા, ડીસા)

૪ જૂની પત્નીના બદલામાં નવી બદલાવી આપવાની પ્રથા ક્યારે શરૂ થશે ?
- તમારા માટે જે નવી આવવાની છે, તે કોકની પાસે જૂની તો થવા દો...!
(ચંદુભાઈ શામજી ગોહેલ, ધોરાજી)

૫ તમે સારા હાસ્યલેખક છો, એ બાબતે તમે શું માનો છો ?
- મને તમારી સત્યપ્રિયતા ગમી.
(જુમાના જે. ગોરી, પાલિતાણા)

૬ અગાઉ ડો. મનમોહનસિંઘ નાણામંત્રી હતા, ત્યારે વઘુ સારા હતા... સુઉં કિયો છો ?
- હવે તો ડાઉટ એ પડે છે કે, ચોથા ધોરણમાં ય એ નેહરૂ-ખાનદાનની ભલામણથી પાસ થયા હશે !
(દીપસ સી. શાહ, અમદાવાદ)

૭ નારી અને સન્નારી વચ્ચે શું તફાવત ?
- નારી સમગ્ર સ્ત્રીઓ માટે વપરાય... સન્નારીતો ઓળખતા હો, તો ચોક્કસ સ્ત્રી માટે જ વપરાય ! હવે તમારી નારીઓનું સર્કલ તપાસી જોજો...!
(દીપક મ. પંડ્યા, બિલીમોરા)

પ્રેમ આંધળો હોય છે’. આ વાત સાચી ?
- તોતડો ય હોય છે...! હું જ્યારે પણ પોતાની સગ્ગી વાઈફને આઈ લવ યૂકહેવા જઉં છું, ત્યારે જીભ તોતડાઈ જાય છે.
(ધર્મેશ બી. વકેરીયા, વિસાવદર)

૯ વર્ષો પહેલા તમારી સગાઈ થઈ હશે, એ પછી પહેલી ફિલ્મ કઈ જોઈ હતી ?
- એટલા ડોબા નહોતા કે, થિયેટરમાં કઈ ફિલ્મ ચાલી રહી છે, તેનું ઘ્યાન રહે!
(લલિત ઓઝા, જૂનાગઢ)

૧૦ તમે પંખોચાલુ કરાવો છો, એ.સી. કેમ નહિ ?
- ચાલુ કરાવું છું, એવા ભ્રમમાં હું છું... સાલું ચાલુ કોઈ કરતું નથી !
(યાત્રી ડી. વ્યાસ, સવાર-કુંડલા)

૧૧ ટીમ અન્નામાં અત્યારથી ઝઘડા...?
- મૂળ મુદ્દે આ અન્નો જ સત્વ વગરનો છે, ને મીડિયાએ એને હીરો બનાવી દીધો !
(સાધના પી. નાણાવટી, જામનગર)

૧૨ પતિ માટે ગોરધનતો પત્ની માટે કેમ કશું નહિ ?
- પત્નીને કશું ના કહેવાય, બેન... બા ખીજાય !
(ગીતા નાણાવટી, રાજકોટ)

૧૩ આપણે બહારગામ શુકન જોઈનેકેમ નીકળીએ છીએ ?
- ઘણાને ઊંધુ હોય છે.... એમના નીકળ્યા પછી લોકો પોતાના શુકનો જોવા માંડે છે !
(વિરલ એ. વ્યાસ, વલસાડ)

૧૪ અમેરિકાના પ્રમુખ કેનેડીના મૃત્યુ પછી, એમની સુંદર પત્નીએ અત્યંત ધનવાન ઓનાસિસ સાથે લગ્ન કરી લીધા હતા... આપ ધનવાન છો ?
- ધનવાન તો એટલો છું, પણ સામે આવી વાઇફ વાળો કોઈ પ્રમુખે ય હોવો જોઈએ ને ?
(ડો. વી.પી. કાચા, અમદાવાદ)

૧૫ કોઈના ઉપર જુલ્મ કરીએ, તો આવતા જન્મે એ આપણી પત્ની બનીને આવે... સાચું ?
- વાત આખી બગડી ગઈ...! મતલબ કે, આવતા જન્મે હું મારી પત્નીની પત્ની થઈશ...??
(સુબોધ નાણાવટી, રાજકોટ)

૧૬ ૧૩-સવાલોના જવાબો આપનાર કરોડપતિ બની શકે છે. આપે તો હજારો જવાબો આપ્યા છે... સરવાળો કેટલે પહોંચ્યો ?
- બચ્ચનની ખુરશી પર તમે બેઠા છો... હજી મને રૂપિયો ય મળ્યો નથી !
(અફરોઝબેન મીરાણી, મહુવા)

૧૭ લગ્નમાં નાચગાના વખતે ટેસમાં આવી ગયેલા ઘણા લોકો હાથમાં રૂપિયાની નોટો ધુમાવીને નાચગાનાવાળાને આપે છે... ક્યા કારણથી ?
- લોકોની નજરે ચઢવાનો આનાથી સસ્તો ઉપાય ક્યો હોય ?
(કપિલ જગદિશ સોતા, મુંબઈ)

૧૮ પરિણિત પુરૂષોને પરિણિત સ્ત્રી સાથે સીધો સંબંધ હોય છે, છતાં તેને આડોસંબંધ કેમ કહે છે ?
- એમાં આડા પડવાનું વધારે આવે છે !
(નટુભાઈ ગાંધી, વડોદરા)

૧૯ ઓહ... ડિમ્પલ કાપડીયા હવે વિધવા થઈ... અમારા મુંબઈમાં ચારે બાજુ, ‘‘હવે અશોક દવે શું કરશે ?’’ પૂછાયે રાખે છે...
- હું રાજા રામમોહનરાયને ટેકો આપું છું... તેઓ વિધવા વિવાહ પુનઃલગ્નના હિમાયતી હતા.
(પ્રિયંકા બી. અમીન, મુંબઈ)

૨૦ પ્રેમીઓને અસલામત અને ઉજ્જડ સ્થાનો ગોતવા પડે છે. શું તેઓ નિર્ભયપણે બેસી શકે, એવા બાગ-બગીચા સરકાર ક્યારે બનાવશે
- બસ... હાલમાં કોંગ્રેસવાળા જ્યાં બેસે છે, એ સ્થળો ચૂંટણીઓ પછી સાવ ખાલી જ હશે... ત્યાં કોઈ ફરકતું નહિ હોય.
(ઈશ્વર સી. પટેલ, સુરત)

૨૧ મા અને બાપ, એ બેમાંથી આપની દ્રષ્ટિએ શ્રેષ્ઠ કોણ ?
- મારા સ્વ. ફાધર આજે ય મારા હીરો છે, પણ માના તો કોઈ મોલ જ ના હોય !
(મનિષા એન. ઠક્કર, મુંબઈ)

૨૨ ગંગાજીમાં સ્નાન કરવાનું મહત્વ શું ?
- બેવકૂફ લોકો ધર્મને નામે ગંધાતી નદીઓમાં સ્નાન કરે છે.
(અમિષા એન. સોમૈયા, મુંબઈ)

૨૩ પહેલા ક્યાં ટ્યુશન-કલાસ હતા ? આજે અચાનક એમનું મહત્વ કેમ વધી ગયું?
- જે લેખક તરીકે ના ચાલ્યો, એ સીધો વિવેચક બની ગયો... જે શિક્ષક તરીકે---
(નિસર્ગ ઈલેશ ઝવેરી, મુંબઈ)

૨૪ અગાઉના જમાનામાં બાળકોને સુવડાવવા હાલરડાં ગવાતા... હવે શું ગવાય છે ?
- સોનિયાને પૂછો.
(નીરજ શૈલેષ કોઠારી, નવી મુંબઈ)

૨૫ વિજય માલ્યા સરકાર પાસે ભીખ માંગે છે... આપવી ?
- આપો. કમ-સે-કમ ભીખ માંગવા પણ એ અર્ધનગ્ન સુંદરીઓને સાથે લઈને રસ્તા ઉપર નીકળે એમ છે !
(ખુશાલ વીરા, મુંબઈ)

૨૬ મોરના ઈંડા ચીતરવા ન પડે’... મતલબ ?
- ઈંડા મોર ન મૂકે, ઢેલ મૂકે.
(અજય વ્યાસ, બિલખા)

No comments: