Search This Blog

01/08/2012

ઇશ્કે–મિજાજી....!

ગયા સપ્તાહે શુક્રવારની મારી કૉલમ ફિલ્મ ઇન્ડિયામાં દેવ આનંદની ફિલ્મ તીન દેવિયાં વિશે લખતા, એમાં ન લખાય પણ અહીં લખાય  અહીં જ લખાય, એવો સબ્જૅક્ટ હાથ લાગ્યો. ઉંમરના તકાજા મુજબ, એ વખતે તો ફિલ્મ ખાસ કાંઇ ગમી નહોતી, પણ ફરીથી જોઇ, ત્યારે ચોંકી જવાયું કે, એ સમયના ભારતીય કલ્ચર કરતા બહુ વહેલી બનેલી એ બૉલ્ડ ફિલ્મ હતી. બૉલ્ડ એટલા માટે કે, ફિલ્મનો હીરો દેવ આનંદ એક નહિ, બે નહિ ને ત્રણ ત્રણ યુવતીઓના (નંદા, સીમી અને કલ્પના) એક જ સમયે પ્રેમોમાં પડે છે અને ત્રણેના મનમાં એવું ઠસાવી દે છે કે, લગ્ન એ એની સાથે જ કરશે. લો બોલ્લો. આમાં શું નવી વાત આવી. આમાં બૉલ્ડે ય શું આવ્યું ?

બૉલ્ડ મૅસેજ એ હતો કે, ફિલ્મ દ્વારા પ્રેક્ષકોને એવું ઠસાવવામાં આવ્યું હતું કે, આવું તો બધાની જીંદગીમાં થાય. નિષ્ઠા ખોટી ન હોય, છતાં એક કરતા વધારે સ્ત્રીઓ સાથે દિલ લાગી ગયું હોય ને નિર્ણય ન લઇ શકાતો હોય, ત્યારે વિટંબણા ઊભી થાય છે. સ્ત્રીઓને પણ અફ કૉર્સ આવું બને જ. પુરૂષો બધા કૅરેક્ટરના રમતીયાળ માણસો અને સ્ત્રીઓ પવિત્રતાની મૂર્તિ... એવું કાંઇ ના હોય કાંઇ...! સુઉં કિયો છો ?

પણ ફિલ્મ તીન દેવીયાંનો સેન્ટ્રલ આઇડિયા આપણને પર્સનલી ક્યાં અડે છે, એ જોવાનું જરા ઈન્ટરેસ્ટિંગ છે. 

દેવ આનંદની એ ઉંમર અને અનુભવોમાંથી યથાશક્તિ આપણે સહુ પસાર થઇ ગયા છીએ કે, ‘મૈં ઇધર જાઉં, યા ઉધર જાઉં... ?’ એક સાથે ૩  ૪ કે તેથી વધુ ( જેવી જેની શક્તિ, ઈ!) માટે નિર્ણય લેવાનો હોય છે. બધાને અફ કોર્સ, આ જાહોજલાલી નથી મળતી. (કેટલાકને તો પરણ્યા પછી ય નથી મળતી, બોલો !) પુરૂષ હોય કે સ્ત્રી, પરિણિત હોય કે કુંવારા... એક સાથે નક્કી થઇ ગયા પછી બીજા બધા મારા માટે ભબાપ કે માંબેન બરોબર, એવું કોઇને થતું નથી. પર્મૅનૅન્ટ નહિ તો ટૅમ્પરરી, બીજામાં ધ્યાન અથવા ધ્યાનો ચોંટે તો છે જ. બધા આગળ નથી વધતા, એના કારણોમાં (૧) સંસ્કાર (૨) લાચારી (૩) અણઆવડત (૪) બજારમાં માલની અછત (૫) ડરપોક સ્વભાવ અને (૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો ડર...!)

આપણે આ તમામ મુદ્દાઓ તપાસીને, ભેગાભેગું તમારૂં ય કૅરેક્ટર જોઇ લઇએ.

(૧) સંસ્કાર : દોસ્તો સાથે કે ઈવન વાઈફની હાજરીમાં સુંદર સ્ત્રીઓ સામે ટગર ટગર જોઇએ કે મસ્ત મજાની ટીખળ કરીએ, એટલામાં સંસ્કાર ખરાબ થઇ જતા નથી, એવું માનનારો વર્ગ મોટો છે. એ લોકો એવું ય માને છે કે, આટલામાં કાંઇ બા ના ખીજાય, ને સાલાઓ સાચું માને છે . આટલામાં ખરેખર બા ના ખીજાય, પણ વાઈફોનું કાંઈ નક્કી નહિ. એ સાલી જાણતીઓ હોય કે, ઠીક છે, બે ઘડી આંખમટક્કા કરી લે, પણ મારો ગોરધન એવો નથી. અને ખરેખર પેલો એવો સીધો માણસ જ હોય. પણ,  એવા સીધાને જ એમની વાઈફો ટેન્શનમાં મૂકી દેવાની મજ્જા લેતી હોય છે. ‘‘કોણ હતી એ ?’’ પેલો નિર્દોષ જ હોય, એટલે ચોખ્ખો અને સંસ્કારી હોવાને નાતે ગામ આખામાંથી પુરાવાઓ લઇ આવે, એમ પેલીને મજ્જા પડતી જાય...! એક પછી એક પુરાવાઓ માંગતી જાય ને પેલો ગધેડો આપતો જાય.

માટે જ સંતશ્રી.અશોકજીએ કોક જનમમાં કીધું છે કે, પતિ બન્યા પછી ફક્ત સીધા હો, એ ન ચાલે... સ્માર્ટ પણ હોવું જોઇએ.

ઈતિ પ્રથમ અધ્યાય સમાપ્તમ !

(૨) લાચારી : કહે છે કે, સારા ઘરના સંસ્કારી પતિદેવો હૅન્ડસમ, ખૂબ ધનવાન અને સ્માર્ટ હોવા છતાં જીવનભર અન્ય સ્ત્રીઓનો વિચારમાત્ર કરતા નથી. ભક્તો, સંતશ્રી અશોકજી પોતાને બહુ પ્રામાણિકપ્રામાણિક કીધે રાખતા હોય, ભલે જીવનભર લાંચ લીધી ન હોય, પણ તો કસોટી તો ત્યારે થાય કે, જરૂરત બહુ બુલંદ પડી હોય, ઘરનું જ કોઇ હૉસ્પિટલમાં ખતરનાક રીતે બિમાર હોય, ખર્ચો તોતિંગ આવવાનો હોય ને ઘરમાં પૈસો ન હોય, ત્યારે કોઇ જંગી રકમની લાંચ આપવા આવે... છતાં સ્વીકારે નહી, તો પ્રામાણિક કહેવાય. બાકીના તો, ‘હાથ ન આયા, ખટ્ટા હૈ જેવો મામલો હોય. મોટા ભાગનાઓને તો લાંચ મળે, એવું ટૅબલ જ મળ્યું ન હોય ને પોતાને પ્રામાણિક કીધે રાખે, ઐ ન્યાય નથી, સંતો. એમ... પેલા સંસ્કારી ગોરધનને ધંધામાંથી ટાઇમો ન મળતા હોય, સ્ત્રીઓ સાથે ઇચ્છે તો ય કોઇ સંપર્ક ન હોય, એમાં એને એકપત્નીવ્રતધારી  ન કહેવાય.... મજબૂરીનું નામ મહાત્મા, ન ચાલે. બોલો જયઅંબે...! (આ વાંચતા વાંચતા તમામ નિર્દોષ પતિઓએ મોટેથી જય અંબે બોલવાનું છે. )

ઘણાના થોબડાના ઠેકાણા નહિ ને શુધ્ધ ચરીત્રના વાવટા લઇને ફરતા હોય. પ્લૅનમાં બાજુમાં બેઠો હોય ત્યારે આખું વિમાન ગંધાય, એટલી વાસ મોંઢામાંથી મારતી હોય ને નીચે ઉતરીને કહે, ‘‘ચરીત્ર આદમી કી સબ સે બડી પૂંજી હૈ ’’. ૫૫  મિનીટના પ્રવાસમાં મેં એક પણ વખત ઍરહૉસ્ટેસની સામે પણ નથી જોયું. આખિર, કૅરેક્ટર ભી કોઇ ચીજ હૈ...’’ તારી ભલી થાય ચમના... તેં ભલે ન જોયું, પણ પેલીને તારી બાજુમાં બેહાડી હોત તો, ઍર હૉસ્ટેસ છે, તો એને તો હક્ક મળે ચાલુ વિમાને દરવાજો ખોલવાનો..... સાલીએ એ દરવાજો ખોલાવીને ઉપરથી ભૂસકો માર્યો હોત.. અમથે અમથી  કૅરેક્ટરની ડાગલીઓ ના વગાડ, વાંદરા....! (વાંચકો, મારૂં ઝનૂન બરોબર છે ને...?) લાચારીથી તારૂં ચરીત્ર શુધ્ધ રહેતું હોય, એ સિધ્ધિ નથી.... સમજાવટ છે.

() અણઆવડત કેટલાક લોકોને મનમાં ફૂદુકફૂદુક બહુ થતું હોય, બૈરૂં જોયું નથી ને કમરેથી વાંકા વળવા માંડ્યા નથી! કોઇ એક (અથવા અનેક) આરાધ્યદેવી(ઓ)ને ધારી લઇને રાતોની રાતો પડખાં બદલે રાખતા હોય, પણ હાથમાં કાંઇ આવતું ન હોય. એમ તો ચેહરેમોહરે ભાઇ ઠીકઠીક હોય, ક્યાંક મહિલાઓને ય એ ગમતા હોય, પણ ભાઇમાં પાછો બીજો કોઇ શક્કરવાર ન મળે, એટલે મનડું મોહ્યું હોવા છતાં વાત માત્ર અણઆવડતના ધોરણે આગળ ન વધે. વાતવાતમાં બી એટલા જતા હોય કે, પેલી આમંત્રણના ભાવથી આની સામે સ્માઈલોના સ્માઈલો ઠોકે જતી હોય છતાં, ‘‘સામે આપણે શું કરવું?’’ એનો અંદાજ ન હોય, આવડત ન હોય. સ્માઈલના બદલામાં ભાઈ ગભરાઇ જતા હોય કે, ‘‘ આ કદાચ પેલાવાળું સ્માઈલ ન હોય તો?’’

આવી અણઆવડતોમાં ભઇના કૅરેક્ટરો સચવાઈ જાય છે.

(૪) બજારમાં માલની અછત પોતે ફીલ્ડમાં જ એવા પડ્યો હોય, જ્યાં દૂર દૂર સુધી કાંઈ દેખાતું જ ન હોય. મોરલો સોળે કળાએ ખીલી શકે એવો મોહક હોય, છતાં સામે કોઇ હોવું તો જોઈએ ને ?  જે દેખાતી હોય, એ ભાઇના ચોકઠાંમાં બરકરાર હોય કે, ‘‘કન્યા તો જ્ઞાતિની જ હોવી જોઇએ, ભણેલી, સુંદર, પૈસાવાળી અને સંસ્કારી હોવી જોઇએ.’’

હવે.... આવા ફૂલપૅકિંગનો માલ તો ચવાણાવાળાની દુકાનમાં ય મળતો નથી.... કાંઇક ઓછું કરી આલો’’ની રિક્વૅસ્ટ તો ગ્રાહક પોતે ય કરતો હોય છે. પણ ભાઈના પૂરા કમનસીબ કે, ઘરવાળા લીધી હઠ છોડે નહિ....! એક તો જ્ઞાતિ નાનકડીબબૂકડી, એમાં ધંધો પહેલો ને ભણતર ગયું એની બૉન... આઇ મીન, આમાંને આમાં ભાઇલાને ઉંમર ચઢતી જાય. ક્યાંય ડાળે વળગાય એવું ન રહ્યું હોય ત્યારે પેલાની ૩૨૩૫ વર્ષની ઉંમરે ઘરવાળા નાનકડી છૂટ મૂકે, ‘‘ચાલો, વધારે નહિ તો એમ.બી.એ. સુધી ભણેલી ચલાઇ લઇશું...!’’

આમાં ગગો રહી જાય કૂંવારો.

(૫) ડરપોક સ્વભાવપુરૂષ હોય કે સ્ત્રી, પરણેલા હોય કે કૂંવારા, શહેરોમાં એકબીજાને લુક્કાછુપી મળી શકાય, એવા સ્થળો જ ઠેઠ મુગલઆઝમના વખતથી મળતા નથી. સલીમઅનારકલીને ય કોક જોઇ જનારૂં હતું, એમાં બધો કબાડો થઇ ગયો, ત્યાં આ બિચારો સ્કૂટર પર ને પેલી ૩.૪૫ની વાસણાલાલ દરવાજાવાળી બસમાં બેસીને આવે, એમાં ચારે બાજુ મુગલઆઝમો જ પડ્યા હોય. ગાર્ડનમાં ભરબપોરે આવા તડકામાં ય લુખ્ખાઓ અને પોલીસો (બન્નેનો અર્થ એક ન સમજવો !) હેરાન કરવા આવે. બેસવા ન દે. કોઇ અંધારા ખૂણામાં બન્ને તૂટેલાઓ સ્કૂટર પાર્ક કરીને માંડ ગોઠવાયા હોય, ત્યાં પોલીસની જીપ આવીને ઊભી રહે. હોટેલના વૅઈટરો ય સમજી ગયા છે, એટલે ગમે તેટલી ટીપો ઍડવાન્સમાં આપો ને... દર ત્રીજી મિનીટે, ‘‘ઓર કુછ લાઉં, સાબ...?’’ની આજીજી સાથે ભિખારીઓની માફક આવે રાખે, એમાં પેલો બિચારો સૅટ જ ન થાય. આમાં ડરી ડરીને પેલો એવો ડરપોક બની ગયો હોય કે, એના ઑફિશિયલ હનીમૂન વખતે હજી તો માંડ ઘૂંઘટ ઊંચો કર્યો હોય, ત્યાં ય એ ફફડી જાય કે, કોઇ આવીને પૂછશે, ‘‘....ઓર કુછ લાઉં, સાબ....?’’

આવા જાતકોને એ પછી જેટલાં સંતાનો થાય એ બધા જન્મે ત્યારે બહાર પણ ફફડતાફફડતા જ આવે! કોઇ પંખો ચાલુ કરો.

(૬) ઘરમાં સૌથી મોટો વાઈફનો (કે ગોરધનનો) ડર....: આ વાત પરિણિતોને જ લાગુ પડે છે. દુનિયાભરના સ્ત્રીપુરૂષો માને છે કે, ‘મને પરણ્યા પછી મારૂં પાત્ર બીજે ક્યાંય ફરકવું જ ન જોઇએ. નૈતિક રીતે વાત બિલકુલ સાચી છે, પણ વ્યાવહારિક રીતે સહેજ પણ નહિ. એ વાત જુદી છે કે, ઉપર દર્શાવેલા કારણોસર ઘણા બધાના કૅરેક્ટર સચવાઇ જાય છે, બાકી મોકો મળે તો કોઇ ચૂકે એવા હોતા નથી. વળી, પરણ્યા પછીના પ્રેમો આયોજિત ન હોય. થતા થઇ જાય, પણ એકવાર થઇ ગયા પછી પરમેશ્વર સિવાય કોઇ બહાર કાઢી ન શકે. આની જાણ થતાં જ, ઝનૂની પતિદેવો કે પત્નીઓ પોતાના પાત્ર સાથે ગુસ્સો, મારપિટ, અબોલા, આપઘાત કે છુટાછેડા સુધી પહોંચી જાય છે, પણ આ બધામાં સહન તો એણે એકલાને જ કરવાનું છે. યસ. એ વાત પણ બિલકુલ સાચી કે, જ્યાં સુધી આવા પરણ્યા પછીના પ્રેમો કરવામાં વાઈફનો કે ગોરધનનો ડર રહે છે, એ સારૂં જ છે.... આ જ કારણે, ઘણા બધા ઘરોમાં શાંતિ જળવાઇ રહી છે, પણ.....

ઇશ્કેમિજાજી તો સ્વભાવમાં ન હોય, તો ભઈમાં પ્રોબ્લેમ સમજવો. બાકી નૉર્મલ સ્ત્રીપુરૂષ તો રંગીન હોવાના જ અને હોવા પણ જોઇએ. જે જાતકોને સંસારમાંથી રસ ઊડી ગયો હોય, એ લઘરાં જેવા રહેતા હોય, કપડાં ગમે તેવા પહેરતા હોય, ભૂંડાભૂખ જેવા લાગતા હોય તો ય માથે વાળ કાળા ન કરતા હોય, ને એવી સ્ત્રી માથામાં ચકાચક તેલો નાંખતી હોય. સ્વભાવે પણ આ લોકો ચીડિયા અને ગુસ્સેલ થઇ ગયા હોય.

બધી વાતનો સરવાળો એક જ સમજવો.... ઘર જેવી શાંતિ ક્યાંય નહિ. પરણ્યા હો છતાં પ્રેમ બીજે થઇ ગયો હોય, આપણા પતિ કે પત્ની જેટલી માનસિક શાંતિ બીજું કોઇ આપી શકવાનું નથી. એક સીધો જ હિસાબ છે. તમારી છેલ્લી ઘડીએ તમારી સેવા કરવા માટે તમારો પ્રેમી કે પ્રેમિકા નથી આવી શકવાના.... ત્યાં અંતિમ ક્ષણ સુધી પતિ કે પત્ની જ સાથે રહેશે....

(એ બધું તો બરોબર, દવે સાહેબ... પણ હાળું ઉપર જઇએ ત્યારે તમે કહો છો, તેમ આપણી સાથે ઘરવાળી કેમ નથી આવતી...?)

સિક્સર
કાર લઇને પ્રેમિકાને મળવા જનારાઓ ઓછા કેમ થઈ ગયા 
 હવે એ લોકો ટારઝન  ટારઝન રમે છે.... મોંઘા પેટ્રોલને બદલે દોરડે દોરડે મળવા જવું સસ્તું પડે!

No comments: