Search This Blog

10/08/2012

‘ચાંદ ઔર સૂરજ’ (’૬૫)

ફિલ્મ : ચાંદ ઔર સૂરજ’ (’૬૫)
નિર્માતા : શ્રી ગંગા ચિત્ર
નિર્દેષક-વાર્તા : દુલાલ ગુહા
સંવાદો : બી.આર. ઈશારા
સંગીતા : સલિલ ચૌધરી
ગીતો : શૈલેન્દ્ર
થીયેટર : એલ.એન. (અમદાવાદ)
રનિંગ ટાઈમ : ૧૬-રીલ્સ
કલાકારો : અશોક કુમાર, તનૂજા, ધર્મેન્દ્ર, નિરૂપા રોય, તરૂણ બોઝ, અસિત સેન, ઘૂમલ, સજ્જન, મઘુમતિ, જહોની વ્હિસ્કી, દિલીપ દત્ત, શોભા બેન્જામિન, અમલ સેન અને ઉમા ખોસલા. 

ગીતો
૧...બાગ મેં કલી ખીલી બગીયા મહેંકી ઔર હાય રે.... આશા ભોંસલે
૨...કિસી ને જાદુ કિયા, મૈં કરૂં ક્યા, મેરા મન મોહ લિયા...મૂકેશ
૩...ઝનન ઝન ગાજે, બિછુઆ બાજે, નનદી જાગે, કૈસે આઉં....લતા મંગેશકર
૪...તેરી યાદ ન દિલ સે જા સકી..........લતા મંગેશકર
૫...તુમ્હેં દિલને ચાહા, તુમ્હેં દિલ દિયા હૈ, યે વાદા કરો.....સુમન-રફી
૬...મેરી ઔર ઉનકી પ્રીત પુરાની, ચલચલ જાઉં યા મુંબઈલા....આશા-કોરસ

આપણે ત્યાં આપણા જમાનાની સારી છતાં આડે હાથે મૂકાઈ ગયેલી ફિલ્મો ઘણી છે. સારી હોવા છતાં એ દિવસોમાં જોવાની રહી ગઈ હોય ને પછી બાકીના જીવનમાં એ ફિલ્મ જોવાનો ચાન્સ કે ઉમળકો ન રહ્યો હોય! એવી આ એક ફિલ્મ હતી, ‘ચાંદ ઔર સૂરજ’. 

ફિલ્મના દિગ્દર્શક દુલાલ ગુહાની ફિલ્મો જીતુભઈની ધરતી કે પુકાર કે’, ‘મેરે હમસફર’, ‘અમિતાભનું દો અન્જાનેએનું ધર્મેન્દ-સાથેનું દોસ્ત’, ધરમની પ્રતિજ્ઞા’, રાજેશ ખન્નાનું દુશ્મનઅને બર્મન દાદાના સોચ કે યે ગગન, અભી ચાંદ નીકલ આયોગાગીતવાળી જ્યોતિજેવી ફિલ્મો તમને ગમી હોય, તો ચાંદ ઔર સૂરજગમત જ. 

દુલાલ ગુહાએ ૫૭-માં ફિલ્મ એક ગાંવ કી કહાનીબનાવી. એ પછી, આઠ વરસ સુધી કાકાએ કાંઈ કર્યું નહિ ને ઠેઠ ૫૬-માં આ ચાંદ ઔર સૂરજ’ બનાવી. અફ કોર્સ, એવી કોઈ ક્લાસિક ફિલ્મ તો આ ય નહોતી, પણ જોવા બેઠા હોઈએ એટલે ગમે તો ખરી. ગમવાના કારણો ય સુપરસ્ટાર હતા કે, અશોક કુમાર અને તનૂજા જેવા ગ્રેટ એક્ટરો અને બોડી-બિલ્ડર ધર્મેન્દ્ર પણ સાથે હોય-ખાસ તો વાર્તા સરળતાથી ચાલે જતી હોય, એટલે એક થ્રિલરની માફક, ‘હવે શું થશે ?’ એવું મનમાં બબ્બે વાર બોલાતું હોય, એટલે પૈસા તો પડી જવાના નથી... પણ મનમાં ને મનમાં સૂરીલા પૈસા ઊભા કરવા હોય, તો માય માય... આ ફિલ્મના ગીતો સાંભળો એટલે મુંબઈયા ભાષામાં પૈસા વસૂલઅને અમદાવાદની લિંગોમાં, ‘‘એક વાર જોવા જેવી ખરી, હોં!’’

લતા મંગેશકરને કેમ લોકો સંગીતની દેવી સ્વરસજની કહે છે, કે પછી કેમ રાજ કપૂરથી માંડીને ઉસ્તાદ બડે ગુલામઅલીખાં સાબ લતાના ચરણોમાં શીશ ઝૂકાવતા હતા, તેનો મઘુર મઘુરો જવાબ એના આ એક જ ગીતમાં મળી જાય, ‘‘તેરી યાદ ન દિલ સે જા સકી...’’ આ એક જ ગીત સાંભળો તો લતા કેટલી પ્રણામયોગ્ય ગાયિકા છે, તેનો ખ્યાલ આવશે. આ ગીતમાં શબ્દ મુજબનો ભાવ અને સલિલ ચૌધરીની આ એટલી અઘરી રચના છે કે, સામાન્ય સ્ટેજ ગાયિકાઓ તો એને ગાઈ પણ ન શકે, એવી એવી મુર્કીઓ આ ગીતમાં લતાએ લીધી છે ! સ્વયં આશા ભોંસલે એ ઓન રેકોર્ડ કીઘું છે કે, મારા ટોપ-ટેન ગીતોમાં ફિલ્મ ચાંદ ઔર સૂરજનું બાગ મેં કલી ખીલી, બગીયા મહેંકી, ઔર હાય રે, અભી ઈધર ભંવરા નહિ આયા, ક્યું ન આયા, ક્યું ન આયા....છે. અત્યંત વિયર્ડ લાગે એવી આ ઘૂન પણ ગાવામાં-સંભળાય છે એટલી-સહેલી નથી. અને તમારે શાસ્ત્રોક્ત ઢબની દિલધડક ઘૂન સાંભળવી હોય તો ફરી એક વાર લતા-મંદિરે જઈ આવો અને સાંભળો, ‘‘ઝનન ઝનન ગાજે, બિછુઆ બાજે, નનદી જાગે, કૈસે આઉં...’’ સાંભળીને જમીન પર ચત્તાપાટ પડીને નમસ્કાર લતાને પહેલા કરવા કે સલિલ દાને, તે તમે જાતે નક્કી કરી લેજો... હું તો કેટલાને સલાહ આપી શકું ? (આપું, એ ય હાળું કોઈ માનતું નથી!)

‘‘ધારણ મુજબ જ, વીડીયો કંપનીવાળા બધા બદમાશો છે. ફિલ્મ ભલે તમે ન જોઈ હોય, પણ વાત મૂકેશની આવે એટલે તમે કિસી ને જાદુ કિયા, મૈં કરૂં ક્યા, મેરા મન મોહ લિયાઆ ફિલ્મનું છે, એ જાણીને ઝટ દેતી આ ફિલ્મની વીડીયો-સીડીફીડી લઈ આવવાના જ છો અને જય માતા દિ... જય માતા દિ...કરીને ઉલ્લુ બનાવી ગયેલી ટી-સીરિઝ કંપનીએ આ ગીત જ સીડીમાંથી કાઢી નાંખ્યું છે. મને તીતલી ઊડીવાળી ગાયિકા શારદાએ જામનગરમાં કીઘું હતું કે, મેં જે જે ફિલ્મોમાં ગાયું છે, એ તમામની સીડી કે ડીવીડીઓમાંથી પણ મારા ગીતો કાઢી નંખાવાય છે... કોની દાદાગીરી આની પાછળ કામ કરે છે, એ તો તમે સહુ જાણો છો...!’’

આ સીડી-કંપનીવાળાઓનું ચાલે તો, ફિલ્મ સંગમમાંથી રાજ કપૂર અને રાજેન્દ્ર કુમારને રાખીને તમારી વૈજ્યંતિમાલાને કાઢી નાંખે અથવા આપણી આ ફિલ્મ ચાંદ ઔર સૂરજમાંથી સૂરજને કાઢી નાંખે ને એકલો ચાંદલીયો રહેવા દે. 

ફિલ્મનો ચાંદ એટલે ચંદ્રપ્રકાશ એટલે મોટા ભાઈ અશોક કુમાર અને સૂરજપ્રકાશ એટલે આપણો ધરમો-ધર્મેન્દ્ર. એ વખતના વાર્તાકારોમાં આવી ચાંપલાશપટ્ટી બહુ હતી કે, બે હીરોના નામ ચાંદ અને સૂરજ રાખ્યા, એટલે હીરોઈન તનૂજાનું નામ કિરણજ રાખવું પડે, નહિ તો એમની બાઓ ખીજાય ! કેમ હીરોનું નામ બફારોકે હીરોઈનનું નામ ગરમીનથી રાખતા

અહીં વાર્તામાં ઘટનાઓ ઘણી છે અને બદલાતી રહે છે, એટલે ફિલ્મ જોવાનો આનંદ તો જાણે આવે. લોઅર-મિડલક્લાસના બે ભાઈઓ અશોક કુમાર-પ્લસ-નિરૂપા રોય અને ધર્મેન્દ્ર-ટુ-બી-પ્લસ-તનૂજાની વાર્તા છે. અશોક પેટે પાટા બાંધીને ધરમને ડોક્ટર બનાવવા માંગે છે અને ધરમો એ રસ્તે સીધો જાય છે પણ ખરો. લખપતિ (એ જમાનામાં લખપતિ બહુ કહેવાતું... કરોડપતિ બનવાની બહુ કાંઈ જરૂરત ઊભી થતી નહિ !) સેઠ અસિત સેનની માં વિનાની દીકરી તનૂજા સાથે ધરમનું નક્કી થાય છે, પણ ઓફિસના બદમાશ મેનેજર સજ્જન અશોકને ફસાવીને નોકરીમાંથી કાઢી મૂકે છે. બીજે ક્યાંય નોકરી ન મળતા અશોક એક લાખ રૂપિયાનો વીમો કલેઈમ કરવા પોતાના મૃત્યુનું નાટક કરે છે, જેથી નાના ભાઈને ડોક્ટરને બનાવવાના મનોરથ પુરા થાય. પોતાને ડોક્ટર બનાવવા માટેના માત્ર પૈસાને ખાતર મોટા ભાઈએ પોતાની આહૂતિ આપી, તેનાથી ખીજાઈને ધરમો પોતે પૈસાદાર બનવાના ધમપછાડા કરે છે અને પૈસાદાર બને પણ છે. તે દરમ્યાન તનૂજાના ફાધરે ચોર કહીને અશોક કુમારને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા, એનો બદલો લેવા ધરમો ય તનૂજાને કાઢી મૂકે છે. એટલું સારૂં છે કે, તનૂને કાઢી મૂકતા પહેલા ધરમો પોતાનો પેટન્ટ ડાયલોગ, ‘‘કૂત્તીઈઈઈઈ.... મૈ તેરા ખૂન પી જાઉંગા...’’ નથી બોલતો. કારણ કે, એ જમાનામાં ધરમ બહુ ગરમ નહતો અને એ માણસોમાં જ નહિ, જનાવરોમાં ય સ્ત્રી-દાક્ષિણ્ય પૂરૂં રાખતો, માટે તનૂજાને જોઈને, ‘કૂત્તીઈઈઈઈ...બૂમ નહોતી પાડી. ભ, દરેક જણના સંસ્કાર છે. આપણો ધર્મેન્દ્ર મરી જાય તો ય કૂતરીનું લોહી કદી ન પીએ... આ તો એક વાત થાય છે...!

પણ આપ સહુ તો જાણો છો કે, હિંદી ફિલ્મોમાં પિયુની રાહ જોતી કે પિયુથી તરછોડાયેલી હીરોઈનો કરૂણ કંઠે ગીતડાં ગાવા રાત સુધી રાહો જુએ અને પછી બઘું પરવારી-સરવારીને બિલ્ડિંગના ધાબે જાય અને ત્યાં આપણે રડી પડીએ એવું એના પ્રિતમને બોલાવવાનું એક ગીત ગાય, એ ગીત તેરી યાદ ન દિલ સે જા સકી...તનૂ બહુ દુઃખી દુઃખી થઈને ગાય છે. એ બીજી વાર આવું ગાવા-બાવા ઉપર ચઢી ન જાય, માટે ફિલ્મના અંતે ધરમો એને અપનાવી લે છે. નાનકડો સસ્પેન્સ ખુલે છે અને ફિલ્મ પૂરી થાય છે. 

અગેઈન... આ ફિલ્મમાં પણ મારો ખૂબ્બ જ ફેવરિટ કોમેડિયન ઘૂમલ નાના છતાં મસ્તી કરાવી દે તેવા રોલમાં છે. મને તો એ કાંઈ ન બોલે ને ફક્ત ઊભો રહે, એટલામાં ય ખડખડાટ હસવું આવવા માંડે છે. (બાય ધ વે, મારી પાસે હિંદી ફિલ્મોના એ જમાનાના નાનામાં નાના મોટા ભાગના કલાકારોની થોડી-બહોત માહિતી છે... એક આ ઘૂમલ વિશે જ કાંઈ ખબર નથી. વાંચકો પાસે ઘૂમલને લગતું કાંઈ પડ્યું હોય તો મને જાણ કરવા વિનંતી.) મેહમુદ-જહોની વોકરને કારણે એ સમયના નાના કોમેડીયનોને બહુ બહુ તો દારાસિંઘની ફિલ્મોમાં કામ મળતું. જહોની વ્હિસ્કી અને દિલીપ દત્ત બન્ને સ્ટેજના સ્ટેન્ડ-અપ મિમિક્રી આર્ટિસ્ટો હતા. એ બન્નેને પણ બી કે સી-ગ્રેડની ફિલ્મોમાં છોટામોટા નહિ, ફક્ત છોટા જ રોલ મળતા, જે અહીં મળ્યા છે. એક જમાનામાં શંકર-જયકિશન નાઈટમાં એ બન્નેની બોલબાલા હતી. ઉમા ખોસલાને તમે તો જોઈ હોય બહુ ફિલ્મોમાં, પણ એનું નામ ઉમા છે, તેની ખબર ન હોય. આ ફિલ્મોમાં ધર્મેન્દ્રના ઘરની નોકરાણી બનતી અને તનૂજાના કાન ભંભેરતી નોકરાણીના રોલમાં ઉમા છે. મનોજ-નંદાની ફિલ્મ ગુમનામમાં રફી સાહેબના જાન પહેચાન હો, જીના આસાન હોગીત જેના ઉપર ફિલ્માયું હતું, તે ડાન્સ-ડાયરેક્ટર હરમાન બેન્જમિન પોતે છે. આ ફિલ્મમાં નૃત્યો હરમાન માસ્ટરના છે, પણ એની પત્ની શોભાએ પણ આ ફિલ્મમાં નોકરાણીનો રોલ કર્યો છે. (આઈ મીન... નોકરાણી બનવાને કારણે એ હરમાનની વાઈફ બની હતી, એવું તો સાવ નહિ હોય... નહિ ?)

પણ યાદ રહી જાય એવી એક્ટ્રેસ-કમ-ડાન્સર મઘુમતિ હતી... એટલે કે એક્ટ્રેસ કમ, ડાન્સર જ્યાદા...! એક તબક્કે હેલનની બરોબરીએ ફિલ્મો મેળવતી મઘુમતિ પારસી હતી અને વિખ્યાત ડાન્સર મનોહર દીપકની શિષ્યા હતી. એ બન્નેને તમે હેલનની સાથે ફિલ્મ યે રાત ફિર ના આયેગીમાં હુઝુરેવાલા, જો હો ઈજાઝત...ગીતમાં ડાન્સ-ફલોર પર જોયા છે. આ મઘુમતિની અંગત કથા પણ અશોક કુમાર- માલા સિન્હા-સુનિલ દત્તવાળી ફિલ્મ ગુમરાહઅથવા તો એમ કહોને, વાસ્તવિકતા મુજબ કામિની કૌશલની સાચી લગ્નકથા જેવી છે. પોતાની મરવા પડેલી બહેને, પોતાના બાળકો નોંધારા થઈ ન જાય એટલા માટે માંગી લીધેલા વચન મુજબ, સગા બનેવી સાથે કામિનીએ મિસ્ટર સુદ સાથે લગ્ન કરીને દિલીપ કુમાર સાથેના પોતાના પ્રેમની આહૂતિ આપી દેવી પડી હતી, એમ અહીં સગો બનેવી તો નહિ, પણ પિતાતુલ્ય નૃત્યગુરૂ મનોહર દીપક સાથે મઘુમતિએ લગ્ન કરવા પડ્યા હતા. મૃત્યુના બિછાને પડેલી ગુરૂ-પત્નીએ આ શિષ્યાને ગુરૂ સાથે પરણી જવાની આજીજી કરી હતી ! (સાલું..... આપણાંમાંથી કોઇ સંગીતગુરૂ ન થયું !!) મઘુમતિને ઘ્યાનથી જુઓ તો એક આંખ મ્હાલી લાગે, પણ હતી ગુલાબી ચટકેદાર અને ફિગર નિહાયત ખુબસૂરત સાચવી રાખ્યું હતું. એણે આ ફિલ્મમાં બહુ જાણિતું મહારાષ્ટ્રીયન લાવણી ડાન્સ પર આધારિત, ‘‘મેરી ઔર ઉનકી પ્રીત પુરાની, ચલ ચલ જાઉ યા મુંબઈલા...’’ ગાયું છે. પણ કુદરત પણ કેવા ખેલ કરાવે છે ! આ ફિલ્મ જોવા માટે ફિલ્મના ટાઈટલ્સ (પાંચ કૂવાની ઈંગ્લિશ ટોકીઝની ભાષામાં ‘‘નંબરીયા’’!) વાંચતા સંવાદ લેખક તરીકે બી.આર. ઈશારાનું નામ વાંચ્યું અને ટેસમાં આવી ગયો કે, હવે લખવાનો છું એ માહિતી બાબુરામ ઈશારા માટે લખીશ. એ નહોતી ખબર કે, સવારે ઉઠીશ ત્યારે લેખમાં સુધારો કરીને, નામની આગળ સ્વર્ગસ્થલખવું પડશે. સ્વ. બી.આર. ઈશારાસાચા અર્થમાં ફિલ્મ-સ્ટુડિયોમાં ચાની કિટલીવાળો નોકર હતો. સ્વ.મીના કુમારીને ચા આપવા રોજ એ જાય, એમાં મીનાકુમારીને બહુ વહાલો લાગી ગયો અને વાતચીતમાં ને વાતચીતમાં એ સમજી ગઈ કે, છોકરો ચાન્સ મળે તો લાખ રૂપિયાનો છે. મીનાની સિફારીશથી ઈશારાને એક ફિલ્મમાં દિગ્દર્શકના પાંચમાં કે છઠ્ઠા આસિસ્ટન્ટનું કામ મળ્યું, એમાં એ વાર્તા લખતો અને ફિલ્મ બનાવતો થઈ ગયો. એની ફિલ્મ ચેતનાએ આખો દેશ હલાવી મૂક્યો હતો. રેહાના સુલતાનની સાથળો દેખાય, ત્યાં સુધીના બે ખુલ્લા અને પહોળા પગની વચ્ચે હીરો અનિલ ધવન દેખાય, એવા હોર્ડિંગ્સ અને પોસ્ટરો દેશભરમાં ગવાયા-વગોવાયા હતા. ઈશારાના દિમાગથી આકર્ષાઈને મુસલમાન અભિનેત્રી રેહાના સુલતાને એની સાથે છેક સુધીના સુખી લગ્ન કર્યા હતા. (લગ્ન કરવા છતાં છેક સુધી સુખી પણ રહેવું... જલ્દી દિમાગમાં ઉતરે એવું નથી, નહિ ? ઓકે, આગળ વાંચો.) ઈશારા જીવનભર બુટ-ચપ્પલ વગર ખુલ્લા પગે ફરતા હતા. ...અને ઉપર પણ ગયા સાવ ખુલ્લા પગે !

No comments: