Search This Blog

17/08/2012

‘ઝાંસી કી રાની’ (’૫૩)

ફિલ્મ : ઝાંસી કી રાની’ (’૫૩)
નિર્માતા : મિનરવા મૂવિટોન
દિગ્દર્શક : સોહરાબ મોદી
સંગીત : વસંત દેસાઈ
ગીતો : પંડિત રાધેશ્યામ
રનિંગ ટાઈમ : ૧૪૮-મીનીટ્‌સ અને ૧૭ રીલ્સ.
કલાકારો : સોહરાબ મોદી, મેહતાબ, ઉલ્હાસ, મુબારક, રામસંિઘ, બેબી શિખા (બાળકલાકારના રોલમાં), સપ્રૂ, નાયમપલ્લી, ગ્લોરીયા ગેસ્પર, જગદિશ કંવલ, માયકલ શીયા અને કાશીના રોલમાં શકીલા. 

ગીતો
૧...અમર હૈ, અમર હૈ, અમર હૈ ઝાંસી કી રાની......મુહમ્મદ રફી-કોરસ
૨...રાજગુરૂને ઝાંસી છોડી લે ઈશ્વર કા નામ......મુહમ્મદ રફી
૩...કહાં બજે કિશન તોરી બાંસુરીયા.........(ગાયકોના નામ પ્રાપ્ત થયેલ નથી)
૪...હમારા પ્યારા હિંદુસ્તાન, હમારા પ્યારા હિંદુસ્તાન......મુહમ્મદ રફી-કોરસ
૫...હર હર મહાદેવ કા નારા ધરતી સે અમ્બર તક છાયા.....કોરસ
૬...બઢે ચલો બહાદુરો કદમ કદમ દિલાવરો...(ગાયકોના નામ પ્રાપ્ત થયેલ નથી)
૭...આઝાદી કે યે આગ હૈ લાજવાબ લાસાની...(ગાયકોના નામ પ્રાપ્ત થયેલ નથી) 

૫૦-ના દાયકાના બીજા નિર્માતા-દિગ્દર્શકો એકબીજાને આંખ મારીને લુચ્ચું હસતા હશે, સોહરાબ મોદી સાહેબની દીવાનગી ઉપર કે, આટલા મોંઘા ખર્ચે ઐતિહાસિક ફિલ્મ ઝાંસી કી રાનીબનાવી રહ્યા છે અને એમાં ય કાંઈ બાકી રહી જતું હોય તેમ ભારતની સૌથી પહેલી ટેકનિકલર ફિલ્મ બનાવી ! આ તો આપણે વળી હમણાં સાંભળ્યું કે, ફિલ્મ શોલેમાં હોલીવુડના ટેકનિશિયનોની મદદ લેવાઈ હતી, જેમ કે શોલેની ચાલુ ટ્રેનની બાજુમાં દોડતા ઘોડાઓનું શૂટિંગ આપણે જોઈ લીઘું એટલું સહેલું નહોતું. પણ મોદી સાહેબે તો ૧૯૫૩ની સાલમાં વિદેશીઓને આ ફિલ્મ બનાવવા બોલાવ્યા હતા. ફિલ્મની પૂરી ફોટોગ્રાફી હોલીવુડના કેમેરામેન અર્નેસ્ટ હોલરે કરી છે. આખરે ભારતને વિશ્વમાં ગૌરવ અપાવે એવી એક ફિલ્મ બની રહી હતી...

...ને ફિલ્મ રીલિઝ થયા પછી ય પેલા લુચ્ચાઓને વધારે હસવા મળ્યું... આજના ગણિત પ્રમાણે ગણવા જઈએ તો અબજો રૂપિયાના ખર્ચે બનેલા ફિલ્મ ઝાંસી કી રાનીફ્‌લોપ નહિ તો... બહુ બુરી રીતે પિટાઈ ગઈ...! શક્ય છે કે, સોહરાબ મોદીને ખર્ચેલા પૈસા પાછા મળી પણ ગયા હોય, પણ જ્યારે તમે મૂડીરોકાણ કરોડોમાં કરતા હો, ત્યારે નહિ-નફો, નહિ નુકસાનનું જ સરવૈયું જોવાનું આવે, એટલે એ પિટાઈ જ ગયા કહેવાય ! પણ મેં તો પહેલીવાર આ ફિલ્મ જોઈ. સુરત-વડોદરાના મારા દોસ્ત શ્રી ભરત દવેએ બહુ મુશ્કેલીથી આ ફિલ્મની ડીવીડી મેળવી આપી ત્યારે જોવા મળી. યસ, અફ કોર્સ, બેનમૂન ફિલ્મ બની છે. જે કાંઈ ગાલીગલોચ કરવો હોય તે આ ડીવીડી બનાવનાર કંપનીને કરવો જોઈએ કેમ કે, ભારતની પ્રથમ ટેકનિકલર ફિલ્મ હોવા છતાં ડીવીડી B/W માં જ કાઢે છે. 

આપણે ઐતિહાસિક ફિલ્મ જોતા હોઈએ, ત્યારે એના સર્જકની છાતીની ઈર્ષા કરવી પડે. તમે જુઓ ને, આપણે સિનેમાની ટિકીટ ૫૦-૧૦૦ રૂપિયામાં પડી હોય ને આ બાજુ, એ ફિલ્મના કોઈપણ દ્રષ્યનો ખર્ચો ગણવા જાઓ, તો ય એ એકાદી ક્ષણ માટે શૂટિંગનો ખર્ચો લાખો રૂપિયાનો આવ્યો હોય ! 

બડી તમન્નાઓ સાથે મોદીએ આ ફિલ્મ ઉતારી હશે... આજની તારીખમાં ય ક્લાસિક હિંદી ફિલ્મોની કોઈ યાદી ગણાવે છે, એમાં ક્યાંય ઝાંસી કી રાનીનું નામ સાંભળ્યું નથી... બેશક, ક્લાસિક હોવા છતાં ! ૧૯૫૦માં સોહરાબ મોદીની ફિલ્મ શીશમહલના મુંબઈમાં એક શો દરમ્યાન મોદી સિનેમા હોલમાં હાજર હતા. એમણે જોયું કે, એક માણસ પૂરી ફિલ્મ દરમ્યાન ઊંઘતો હતો. ખફા-ખફા મોદીએ માણસ મોકલીને, પેલા માણસને એની ટીકિટના પૈસા પાછા આપી બહાર કાઢવાની સૂચના આપી. એ નારાજ પણ થયા કે, મારી ફિલ્મ ‘‘આવી’’ બની છે ? પણ એમના માણસે પાછા આવીને રીપોર્ટ આપ્યો કે, એ વ્યક્તિ જન્મથી અંધ છે અને ફિલ્મો જોવાનું એના નસીબમાં નથી... પણ સોહરાબ મોદીની કોઈપણ ફિલ્મ ‘‘જોવાની’’ એણે બાકી રાખી નથી. એ પ્રજ્ઞાચક્ષુ છે, માટે આંખો બંધ રાખીને આપની ફિલ્મ જોવી પડે છે...!’’ 

આ સોહરાબ મોદી એ કેવળ પારસીઓ, ગુજરાતીઓ કે ભારતનું જ ગૌરવ કે ગર્વ નહોતા. જગતભરના ફિલ્મ સમુદાયનું ગૌરવ હતા, કારણ કે એમણે બનાવેલી ફિલ્મોને હોલીવુડના એવા દિગ્ગજોના પ્રણામ મળ્યા છે, જેઓ સ્વયં મહાન હતા. આ ફિલ્મ ઝાંસી કી રાનીવિશ્વની કોઈપણ ફિલ્મની સમાંતર ઊભી રહી શકે, એવી પૂર્ણ છે, એવું એક બ્રિટીશ લેખકે જવાબદારીપૂર્વકનું નિવેદન આપતા કહ્યું હતું કે, ‘જૂની ક્લાસિકની સરખામણીએ ઊભી રહી શકે એવી સોહરાબ મોદીની ફિલ્મ સિકંદરછે.ખરી લધુમતિમાં તો પારસી અને સિંધી કૌમો છે ને એમાંય, સોહરાબ નામના પારસી મોદીએ તો, પોતાના મૂળ વતન ઈરાનને ભૂલી જઈને એકમાત્ર ભારત દેશની સાચા અર્થમાં સેવા કરી છે. એમની તમામ ફિલ્મો અને ઈવન વિચારોમાં ભારતીયતા છલછલછલ છલકતી હોય. માણસ ઐતિહાસિક હતો ને સ્વયં ઈતિહાસ બની જતા પહેલા ભારતના ઈતિહાસના ગૌરવવંતા હીરોઝ પૃથ્વીવલ્લભ, રાજા પોરસ, શહેનશાહ જહાંગિર કે ઝાંસીની રાણી ઉપર ફિલ્મો બનાવીને, દેશભરમાં બહુ ઝડપથી ભૂલાયે જતી ભારતીયતાને ઢંઢોળવાનો મેહનતી પ્રયાસ આ પારસીએ કર્યો છે... એમની એકપણ ફિલ્મ સફળ ન થવા છતાં ! વિશ્વસાહિત્યને પણ મોદીએ એવું જ સન્માન આપ્યું ને શેક્સપિયરના હેમલેટપરથી ખૂન કા ખૂન’ (૧૯૩૫) બનાવ્યું, જેમાં દિલીપકુમારની સગ્ગી સાસુ અને સાયરા બાનુની એવી જ બ્યૂટી-ક્વીન મોમનસીમબાનુને પહેલી વાર હીરોઈન બનાવી હતી. એ પછી શેક્સપિયરના જ નાટક કિંગ જહોનપરથી સોહરાબે બીજે વર્ષે સઈદ-એ-હવસનામની ફિલ્મ બનાવી.

ફિલ્મ ઝાંસી કી રાનીની હીરોઈન મેહતાબને સોહરાબ મોદીએ પોતાના ઘરના પણ હીરોઈન બનાવી દીધી હતી, જેથી આટલી વ્યસ્તતામાં એક માત્ર લગ્ન જેવી સામાન્ય ઘટના માટે દરદર ભટકવું ન પડે. મેહતાબે પણ વ્હી.શાંતારામની સંઘ્યાની જેમ ફક્ત સોહરાબ મોદીની જ ફિલ્મોમાં કામ કર્યું હતું... બહારના નિર્માતાઓની નહિ. 

જેને આપણે ઝાંસીની રાણી તરીકે ઓળખીએ છીએ, તે લક્ષ્મીબાઈનો જન્મ કાશીમાં તા. ૧૯ નવેમ્બર, ૧૮૩૫ અને મૃત્યુ તા. ૧૮ જૂન, ૧૮૫૮. મતલબ કે, આપણામાંથી ઘણાના મતે ઝાંસીની રાણી એટલે કોઈ દંતકથાનું પાત્ર હશે.. વાસ્તવમાં આવી કોઈ રાણી-બાણી થઈ નહિ હોય, પણ આપણા ૧૮૫૭ના વિખ્યાત બળવામાં એ સક્રીય હતી, એનો મતલબ કે એ રીતસર હતી’... કોઈ ફિલ્મ કે ટીવીનું પાત્ર નહોતી. 

અંગ્રેજો સામે બળવાની શરૂઆત સમજોને... ૧૮૫૦ની આસપાસના સમયમાં થઈ હતી, એ પહેલા નાનામોટા ફક્ત વિરોધ હતા, બળવા નહિ. મહારાષ્ટ્રના ઝાંસી શહેરની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજી-સલ્તનત સામે બવળો કર્યો અને પોતે ખુવાર થઈ ગઈ, એની રસગાથા આ ફિલ્મમાં બખૂબી વર્ણવાઈ છે. લક્ષ્મીબાઈ બ્રાહ્મણ હતી. મૂળ નામ મણીકર્ણિકા’. ઘરવાળા એને મનુકહીને બોલાવતા. (થેન્ક ગોડ.. એનું નામ મનમોહનકર્ણિકાનહોતું, નહિ તો દેશ આજથી દોઢસો વર્ષ પહેલા પાયમાલ થઈ ગયો હોત...! સુઉં કિયો છો?) 

લક્ષ્મીબાઈની માં તો એને ચાર વર્ષની મૂકીને ગૂજરી ગઈ હતી ને એના પિતા એક પેશવાને ત્યાં નોકરી કરતા હતા. જે પેશવાએ એને ઉછેરી, તે એને છબિલીકહીને બોલાવતા. (આ બઘું ફિલ્મમાં નથી આવતું.) તાત્યા ટોપે પાસેથી એ તીરંદાજી, તલવારબાજી અને આત્મરક્ષણના પાઠો શીખી. ફિલ્મની વાર્તા આમ તો જગજાહેર છે, એટલે અહીં કહેવાનો શું મતલબ ? ટૂંકસાર આપી શકાય કે, ઝાંસીના મહારાજા ગંગાધર (ઉંમર-૫૦) ના લગ્ન ફક્ત ૯ વર્ષની બાળકી લક્ષ્મીબાઈ સાથે એટલા માટે કરાવી દેવાય છે કે, રાજ્યગુરૂ (સોહરાબ મોદી) માને છે કે, આ લગ્ન ભોગવિલાસ માટે નથી, પણ દેશને ખાતર છે, કારણ કે આ કોઈ સામાન્ય બાળકી નથી. એ જ અંગ્રેજ સરકાર સામે લડી શકે એવી આ ઉંમરથી સમર્થ દેખાય છે. ફિલ્મ અનારકલીમાં શહેનશાહ કબર બનીને હાસ્યાસ્પદ સાબિત થયેલો અભિનેતા મુબારક અહીં લક્ષ્મીબાઈના ગોરધન મહારાજા બને છે. આપણે અંગ્રેજ હોઈએ તો પહેલે જ ધડાકે ભારતને આઝાદી પાછી આપી દઈએ... રાજાઓ આવા હોય, તો સાલી પ્રજા કેવી હશે ? (અહીં મારી હોરિબલ ભૂલ સમજવી... રાજાઓ આવા જ હોય, એટલે તો દેશ અત્યારે ય કચડાઈ-કચડાઈને મરી રહ્યો છે...! વાચકોએ અહીં મને યથાશક્તિ ટેકો આપવો !) પણ દરેક રાજા-મહારાજાઓને પોતાના જ સગાઓ કે પ્રધાનોના છળકપટનો ભોગ બનવું પડે છે, એમ આ રાજા-રાણી પણ બને છે. રાજ્યગુરૂ સોહરાબ મોદીની તાલીમથી વીરાંગના બનેલી લક્ષ્મીબાઈ અંગ્રેજો સામે હાંફી જાય છે અને શહાદતને ઓઢે છે. ફિલ્મ બહુ ચર્ચાઈ નહિ, એટલે એમાં કોણ કોણ હતું કે એના ગીતો ક્યા હતા, તે બઘું કાંઈ જાણવામાં ન આવ્યું. ભૂરી આંખોવાળો સપ્રુ એની ગુલાબી ચામડીને લીધે અંગ્રેજ બને, તે સ્વાભાવિક છે. દેવ આનંદની ફિલ્મ સી.આઈ.ડી.વાળી શકીલાની આ પહેલી ફિલ્મ હોવાથી, તમે એને ઓળખી પણ ન શકો. કાશીના રોલમાં એ રાણીની સખી બને છે. ફિલ્મ પાકીઝામાં રાત્રે એકલી સૂતેલી મીનાકુમારી પર બળાત્કાર કરવા ધુસી આવે છે તે અભિનેતા જગદિશ કંવલ અહીં નાનકડી લક્ષ્મીના મોટા દોસ્ત અને સાઘુ શંકરના રોલમાં છે. લક્ષ્મીબાઈના પિતા મોરોપંતના રોલમાં કમલકાંત છે. આપણને ખબર પડે એવો ઉલ્હાસ અહીં વફાદાર સાથી ગુલામ ગૌસખાનના નાનકડા રોલમાં છે. (તે આમે ય, તમે એને હીરો તરીકે વળી ક્યારે જોયો?.... એક્સક્યૂઝ મી... આ જ ઉલ્હાસે કોઈ બે-ત્રણ નહિ, બે-ત્રણથી વધારે ફિલ્મોમાં બતૌર હીરો કામ કર્યું છે.) સોહરાબ મોદી પોતે કોઈકાળે ય ઉત્તમ અભિનેતા નહોતા. સર્જક ખરા, પણ એક્ટિંગમાં તમામ ફિલ્મોમાં એકની એક ઢબે સંવાદો બોલવાને કારણે હોય કે આપણે છુટકો ન હોય, એટલે ઘણા લોકોએ એને સંવાદોના શહેનશાહ કહેતા. કિન્તુ-પરંતુ, ૩૪૫-ભારત ભૂષણો, ૨૦૩૬-પ્રદીપ કુમારો કે ૩ લાખ, ૪૨ હજાર, આઠસોને પિચ્ચોતેર મનોજ કુમારોને ભેગા કરો, તો એક એક્ટર તરીકે એકાદો હાવભાવ તો નીકળે... પણ સોહરાબ મોદીના ચેહરાની ચામડીના અન્ય પ્રદેશો તો જાવા દિયો... હોઠ પણ હાલતા દેખાય નહિ. સરસ મજાના હાઈટ-બોડી અને પડછંદ અવાજના ધની હોવાને કારણે પોતે બનાવેલી ફિલ્મોમાં ચાલી ગયા, બાકી એક્ટિંગ... જાવા દિયો, એમની એક્ટિંગની વાત કોઈ બચ્ચો-છસ્સો વર્ષ પછી કરશું ! 

બાકી પ્રોડક્શનમાં કાકા મેદાન મારી ગયા છે. ઈવન, આજની ફિલ્મોમાં કોઈ ચાર-પાંચ ધોળીયાઓને બતાવવા હોય છે, તો ય ક્યાં કોઈ ધોળીયો હાથમાં આવે છે, ત્યારે મોદી સાહેબે ભરચક માત્રામાં ધોળીયાઓ ભેગા કર્યા છે ને એ લોકોની પાસે અફલાતુન બોલ-ડાન્સ પણ કરાવ્યો છે. યુઘ્ધના દ્રષ્યો જોઈને જીવો આપણા બળી જાય કે, આ માણસ યુઘ્ધને બદલે યુઘ્ધના શુટિંગમાં પાયમાલ થઈ ગયો હશે. ફિલ્મ હીરોઈન મેહતાબના શરીરનો બાંધો જ એનો મોટો વાંધો હતો. સુંદર ખૂબ હતી, પણ ઝાંસીની રાણી આવી ઢીંચકી અને ફિગર-બિગર વગરની હોય તો અંગ્રેજો ઝાંસી લૂંટવા જ ન જાય.... 

જો કે, આપણા ફાળે આવેલી લક્ષ્મીબાઈઓને યુઘ્ધે તો ઠીક, બાજુવાળાના માથામાં ડોલ મારવા ય ન મોકલાય... સાલી એ ય આપણે ઉપાડવી પડે...!

No comments: