Search This Blog

03/08/2012

‘નઈ ઉમર કી નઈ ફસલ’ (’૬૫)

નિર્માતા-નિર્દેશક : આર. ચંદ્રા
સંગીત : રોશન
ગીતો : પ્રો. ગોપાલદાસ નીરજ
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ
થીયેટર :
કલાકારો : તનૂજા, રાજીવ, લીલા ચીટણીસ, રેણુકા રોય, એસ.કે. પ્રેમ, ઉલ્હાસ, ભલ્લા, રાજકિશોર, ખુર્શિદ બાવરા, એમ.એ. લતીફ અને શોભના સમર્થ. 

ફિલ્મો શરૂ થઈ ત્યારથી આજ સુધી વત્તે-ઓછે અંશે કામ બધા વિષયોમાં ઉત્તમથી માંડીને ઘણું થર્ડ-કલાસ પણ થયું છે. આપણે ત્યાં સર્વોત્તમે ય મળે અને રદ્દી કચરો ય મળે. પણ સરવાળે, સારૂં કામ વધારે થયું છે. નહિ તો ફિલ્મની ક્વોલિટી, ગીત-સંગીત, અભિનય, ફાલતુ હીરો-હીરોઈનો અને ઢંગધડા વગરના ગીતો ય આપણે ત્યાં જ બન્યા છે. એક અપવાદ એમાં મોટા ભાગના ફિલ્મી ગીતો પૂરતો છે કે, ગણ્યા ગાંઠ્યા ગીતોને બાદ કરતા માત્ર જોડકણાં જ લખાયા છે. સાહિર લુધિયાનવી, ‘નીરજ’, રાજીન્દર ક્રિશ્ન, પંડિત દીનાનાથ મધોક અને ક્યાંક શકીલ બદાયૂનીને બાદ કરતા આપણે સરેઆમ ઈમ્પ્રેસ થઈ જઈએ, એવા ગીતો લખાયા નથી. તમને કોઈ ગીત કે ગીતકાર ગમતો હોય, એ તમારો અંગત મામલો છે. ક્યારેક તો તદ્દન ફાલતુ ગીતકારોએ પણ હવાફેર માટે એકાદ-બે સારા ગીતો લખ્યા છે, પણ એ અપવાદોના લિસ્ટમાં આવે. સાહિર અને નીરજ, આ બે જ ફિલ્મી ગીતકારો હતા, જેમની રચનાઓમાં સાહિત્ય હતું. એ ગીત ટેબલ પર મૂકીને એના વિશે તમે ચર્ચા જ નહિ, વિવાદ પણ કરી શકો. તમારી ભાષામાં એનો અનુવાદ કરો, ત્યારે આપણી મુગ્ધતાઓ ઘોડાઓની માફક છુટે. હયા સે ઈતની બગાવત હમેં પસંદ નહિ...એવું સાહિર લખે, એમાં તો સવાર સુધી પાગલ થઈ જવાય કે, કોઈ વ્યક્તિ નોન-સેન્સ વર્તન કરતી હોય તો સાહિરે કેવું છાતીવઢ લખી નાંખ્યું છે કે, ‘હયાએટલે લાજશરમ અને બગાવત એટલે બળવો.... અહીં જુઓ તો ખરા કે, ‘બળવોશબ્દ કેવો સનનનન.... કરતો છાતીની આરપાર નીકળી ગયો છે ! 

અને આ બાજુ, ફિલ્મ નઈ ઉમર કી નઈ ફસલના કવિ નીરજનો આ જ સંદર્ભમાં ઉકળાટ વાંચો....

ગીત અશ્ક બન ગયે, છંદ વો દફન ગયે
સાથે કે સભી દિયે ઘૂંઆં પહેન પહેન ગયે,
ઔર હમ ઝૂકે ઝૂકે, મોડ પર રૂકે રૂકે
ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે... 
કારવાં ગૂઝર ગયા, ગુબાર દેખતે રહે...’ 
(અશ્ક એટલે આંસુ) 

બાકીના ઓલમોસ્ટ તમામ ગીતકારો ફિલ્મીગીતકારો હતા, કવિઓ કે શાયરો નહિ. એમના ગીતોમાંથી દિલ, મુહબ્બત, ખુદા, જવાની, સનમ, જાનેમન, દિલરૂબા કે પ્યાર-વ્યાર જેવા શબ્દો કાઢી નાંખો, તો આમાંના એકે ય ગીતકાર પાસે પોતાને પુરવાર કરવા સિલકમાં કાંઈ બાકી ન રહે. સાહિરનો એક જ ટુકડો લો, ‘‘વો અફસાના જીસે અન્જામ તક લાના ન હો મુમકીન, ઉસે એક ખૂબસુરત મોડ દેકર છોડના અચ્છા...’’ આ વાસ્તવિક અને રોજબરોજના કોઈના પણ જીવનમાં વાપરી શકાય એવો માલ છે. આપણે ય સ્વીકારીએ છીએ કે, ફિલ્મી ગીતકારોને સાહિત્ય સાથે નહિ, ગીતના મીટરપ્રમાણે લખવાનું હોય છે, એટલે સંગીતકારે બનાવેલી તરજ પ્રમાણે એમના શબ્દો ગોઠવાય, એને મીટર કહે છે. 

બાકી અહીં આ બાજુ આવી જાઓ અને તપાસવા માંડો, લખાઈને આવેલું આ પેપર... ‘‘મેરી મુહબ્બત જવાં રહેગી, સદા રહેગી, તડપ તડપ કર યહી કહેગી, સદા રહેગી, સદા રહેગી...’’ કેટલા ઈમ્પ્રેસ થયા તમે એ કહો, એટલે તમારૂં ય માપ નીકળે. અને હવે તો સ્ટેટસ ખાતરે ય જેનું નામ દેવું તમને ગમે છે, એ ગુલઝારના શબ્દો વાંચો, ‘‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેંકતી ખુશ્બુ, હાથ સે છુકે ઈસે રિશ્તોં કા ઈલ્ઝામ ન દો...’’ પહેલા બોલે જ ગોટાળો. કવિઓને મન ફાવે ત્યાં વિહરવાની છુટ આપી છે, એનો મતલબ એ નથી કે, શબ્દોના ગણિત સાથે કે અર્થોના વ્યાકરણ સાથે એ પોતે ઉલ્લુ બને અને આપણને ય બનાવે. ખુશ્બુ એટલે જ મહેંકતી હોય, ખુશ્બુ ગંધાતી કે સુગાળવી ન હોય. ખુશ્બુની આગળ વિશેષણ તરીકે મહેંકતીક્યાંથી વપરાય, ચિમન...? વળી ખુશ્બુને માણી શકાય, હાથથી અડવાનો સવાલ જ ઊભો થતો નથી. સાહિત્યિક રીતે પણ હાથથી અડેલી ખુશ્બુનો કોઈ અર્થ થતો નથી. પણ ગુલઝારે અક્કલની ઉજાણી તો કરાવી છે, ‘રિશ્તોં કા ઈલ્ઝામ ન દો...માં. રીશ્તા એટલે સંબંધનું મૂલ્યાંકન કે અર્થઘટન કોઈ કાળે ય આક્ષેપ’ (ઈલ્ઝામ) ના સંદર્ભમાં વાપરી કેવી રીતે શકાય ? રીશ્તો મુલાયમ હોઈ શકે, ભંગારના પેટનો હોઈ શકે, નિર્માલ્ય હોઈ શકે, શાશ્વત હોઈ શકે, પણ એને આક્ષેપના સ્વરૂપમાં તમે ઈચ્છો તો ય ગોઠવી ન શકો... તારી ભલી થાય, ચમના... આવું બઘું તું ક્યાથી ઉપાડી લાયો...

અને આ બધાની સામે આવો તમે પ્રો.ગોપાલદાસ નીરજના કાવ્ય-ઉપવનમાં. 

‘‘એક દિન મગર યહાં, ઐસી કુછ હવા ચલી
લૂટ ગઈ કલી કલી કે ધૂટ ગઈ ગલી ગલી
ઔર હમ લૂટે લૂટે, વક્ત સે પિટે પિટે
સાંઝ કી શરાબ કા ખુમાર દેખતે રહે...’’ 

પણ... પણ... પણ, આ જ ગીત, ‘કારવાં ગૂઝર ગયા...છેલ્લા ૪૫ વર્ષોથી આપણે કેવા લાગણીમય થઈને સાંભળતા હતા, યાદ છે? આ ગીત રેડિયો પર આવે, એટલે ક્યારેક તો આંખો ભીની થઈ જતી. રોશનના દિલદાર સંગીત, રફી સાહેબનો કરૂણ કંઠ... એન્ડ એબોવ ઓલ... નીરજના ભાવવાહી શબ્દો. ફિલ્મ તો આપણામાંથી કોઈએ જોઈ નહોતી, એટલે શબ્દો મુજબ, માની જ લેતા હતા કે

માંગ ભર ચલી કે એક જબ નઈ નઈ કિરન
ઢોલકે ઘૂનક ઉઠી, ઠૂમક ઉઠે ચરન ચરન
શોર મચ ગયા કે લો ચલી દુલ્હન, ગાંવ સબ ઉમડ પડા
બહેક ઉઠે નયન નયનપર તભી ઝહેર ભરી ગાજ (વીજળી) એક વહે ગીરી,
પૂછ ગયા સિંદૂર તાર તાર હુઈ ચૂનરી, ઔર હમ અજાન સે
દૂર કે મકાન સે પાલકી લિયે હુએ, કહાર દેખતે રહે...

વાહ... આપણે ફિલ્મ નહોતી જોઈ, પણ ધારી લેતા હતા કે, ફિલ્મની વાર્તા મુજબ કેવી કરૂણ સિચ્યુએશન હશે કે... વાંચી જુઓ શબ્દો ફરીથી...! 

પણ... ફિલ્મ જોઈ તો એના દિગ્દર્શકને કબરમાંથી ખોદી કાઢીને સાલાને ફરીથી દાટી દેવાનો ગુસ્સો આવે, એટલો બિભત્સ ઉપયોગ આવા સુંદર શબ્દોનો કર્યો છે. તમે માની શકો ખરા કે, આ આખું ય ગીત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવાર માટે લખાયું છે? ‘માંગ ભર ચલી કે એક જબ નઈ નઈ કિરન...એટલે વિધાનસભાની ચૂંટણીનો યુવાન ઉમેદવાર... ઢોલક ઘૂનકી ઉઠ્યા, એટલે એના પ્રચાર સરઘસને જોવા આખું ગામ ઊમટી પડે... અને આખા ભારત-બંધનું એલાન આપવાની ટીગળી તો ત્યારે ચસકે કે, ‘...પર તભી ઝહેર ભરી ગાજ એક વહે ગીરી...એટલે આ લોકોએ ક્યો અર્થ વાપર્યો છે, ખબર છે? ઈ ચૂંટણી હારી ગયા, કપડાં ફાટી ગયા (...તાર તાર હુઈ ચૂનરી) ને હારેલો ઉમેદવાર (ફિલ્મનો હીરો રાજીવ) પોતાના ઘરમાંથી વિજેતા ઉમેદવારનું ઢોલનગારા સાથેનું સરઘસ જતું જુએ, એટલે પાલકી લિયે હુએ, કહાર દેખતે રહે...!કેવો પ્રચંડ ગુસ્સો ચઢે આપણને આવા લાગણીસભર શબ્દોનો આવો ઉપયોગ જોયા પછી...

ફિલ્મના દિગ્દર્શક આર. ચંદ્રાએ પ્રયત્ન પણ નથી કર્યો શબ્દોને સમજવાનો અને તે મુજબનું ફિલ્માંકન કરવાનો. મત મહાવર રચાઓ બહોત પાંવ મેં, ફર્શ કા મરમરી દિલ બહેલ જાયેગા...એમાં કહેવાનો અર્થ કેવો સેક્સી અને મઘુરો-મઘુરો હતો કે, સુંદર સ્ત્રીના પગની ગુલાબી પાની આરસ-પહાણની લાદી ઉપર કેવી સોહામણી લાગે? એમાં ઝાંઝર પહેરીને પગનો થનગનાટ ન કર... ફર્શનું આસરપહાણી હૃદય પણ એકસાઈટ થઈ જશે...! અહીં તો ભઈને કેમેરો ફેરવતા જ આવડ્યો નથી, એટલે શબ્દોમાં જે જે સ્થળો આવતા જાય, એમ એમ કેમેરા ફરતો જાય. ફર્શલખ્યું હોય તો લાદી બતાવવાની, પહાડ લખ્યું હોય તો પહાડ બતાવવાનો... તારી ભલી થાય ચમના... આમાં તારી બા ય ખીજાતી નથી? અલબત્ત, ભારતના ફિલ્મી ચાહકોને સારા-નરસાની એ જમાનામાં તો ખબર પડતી હતી, એટલે નઈ ઉમર કી નઈ ફસલઅમદાવાદમાં... મને યાદ છે ત્યાં સુધી થીયેટરમાંથી બે-ત્રણ દિવસમાં તો ઉતારી લેવી પડી હતી. ક્યું થીયેટર એ યાદ નથી. આમે ય, ફિલ્મ ન જોવામાં કશું ગૂમાવવા જેવું ય નહોતું, એ તો મારે આ ફિલ્મ માત્ર એના ગીતો માટે જોવી પડી, ત્યારે ખબર પડી કે હું તો બહુ સહનશક્તિવાળો માણસ છું, ભાઇ!

એક ખોટી ખબર પકડાઈ. ફિલ્મ નહોતી જોઈ, ત્યાં સુધી મારી પાસે માહિતી એવી હતી કે, ફિલ્મનો હીરો રાજીવ એટલે પછીથી આપણી ગુજરાતી ફિલ્મોમાં હીરો તરીકે આવેલ સ્વ. રાજીવ હશે, પણ આ તો કોઈ બીજો જ રણછોડ નીકળ્યો. ભારત ભૂષણ, પ્રદીપકુમાર, મનોજકુમાર અને રાજેન્દ્રકુમાર એમ ચારેયને ભેગા કરીને જે કડવી દવા બનાવો, એ દવા આ રાજીવ નામની બને. તનૂજાએ કઇ હિમ્મતથી આને હીરો તરીકે સ્વીકાર્યો હશે

મતલબ, ફિલ્મના ગીત-સંગીત અને તનૂજાને બાદ કરતા પૂરી ફિલ્મમાં જોવા માણવા જેવું કશું નહોતું. અલબત્ત, આવી વાર્તા પરથી ફિલ્મ બનાવવાનો દિગ્દર્શકનો હેતુ ઘણો ઉચ્ચ હશે કે, ‘નઇ ઉમર...એટલે આજના યુવાનોની જે ફસલ ઉતરી છે, તે દેશની સેવા કરવાના માર્ગે પણ વળે અને યુવાની વેડફી ન નાંખે, એ આ ફિલ્મનો સેન્ટ્રલ આઈડીયા બેશક સલામને કાબિલ છે, પણ પછી એને ફિલ્મની પટ્ટી પર ઉતારતા ય આવડવું જોઈએ ને? નથી આવડ્યું. જીવ તો હજી બળી જાય છે કે, રફી સાહેબના મારા ટોપ ટેન ગીતોમાં જેનું ઘણું પવિત્ર સ્થાન છે તે, ‘આજ કી રાત બડી શોખ બડી નટખટ હૈ...ગીતનો આ ભાઈએ ફિલ્મમાં ઘણો કચરો કરી નાંખ્યો છે. હું ક્યારેક મારા સ્ટેજ પ્રોગ્રામોમાં કેવા ઉત્સાહથી સમજાવતો કે, કોઈ પહાડની તળેટીમાં આવેલા એકાકી બંગલામાં તમે એકલા બેઠા બેઠા સાંજની વેળાએ ભીના વરસાદની મૌસમમાં, કોઈનો ભરચક ઇન્તેઝાર કરતા હો,ત્યારે દિવાલની છત પર વરસાદનું પાણી સરકતું જુઓ, પહાડ પર સોનું પિગળ્યું હોય, એમ વીજળીના ચમકારા જુઓ, જે ચમકારા નિસ્તેજ આંખોમાં કોઇ અચાનક યાદ આવી જવાથી અચાનક શક્તિ પ્રગટે, ત્યારે પ્રિયતમાને આ માહૌલનો મતલબ સમજાવવામાં સમય ન બગાડાય (એટલી ડોબી એ ન હોય - ન હોવી જોઈએ!) કારણ કે, વાત હૃદયની છે, તે હોઠથી સમજાવીને ખોટું પેટ્રોલ ન બાળવાનું હોય... પેલીએ આવા મૂડની બધી સઘળી સાધન-સામગ્રી સાથે લઈને જ આવવાનું હોય... સુઉં કિયો છો

એને બદલે, અહીં તો સ્ટુડીયોમાં પહાડ, વીજળી, ઝાડી-ઝાંખરા ને રાત... બઘું બઘું ભેગું કરીને આખા ગીતની સગપણમાં જે કોઈ બહેન થતી હોય, એ પરણાવી દીધી છે. 

વરસાવતાં પ્રેમીઓ સિરિયલનો ટીઆરપી વધારવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. વાદળોનો ગડગડાટ વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદ સાથે ભીના વસ્ત્રોમાં જોવા મળતી નાયિકા નાયકના મનને બેતાબ બનાવે છે. તેમાં વળી મેઘગર્જના થતાં ડરને કારણે નાયિકા આપોઆપ નાયકના બાહુપાશમાં પહોંચી જાય છે. 

સિરિયલની અભિનેત્રીઓ પણ આવા દ્રશ્યોને ભજવવા આતુર હોય છે. ફિર સુબહ હોગીની અભિનેત્રી ગુલકી જોશી કહે છે કે મારે રોમેન્ટિક દ્રશ્ય ભજવવાનું હોય છે ત્યારે હું છોછ અનુભવું છું .આવા સમયે વરસાદ મારી મદદે આવે છે. આ ૠતુમાં બધા જ રોમેન્ટિક બની જતાં હોય છે એટલે તે ન ગમવાનો તો સવાલ જ પેદા થતો નથી. 

રંગ બદલતી ઓઢણીની અભિનેત્રી યશશ્રી મસુરકર પણ જણાવે છે કે મને વરસાદી દ્રશ્યનું શૂટિંગ કરવું ખૂબ ગમે છે કારણકે વર્ષા ૠતુ મારી મનગમતી ૠતુ છે. તેમાં રોમાન્સ ભળતા સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ થાય છે. 

કેટલાક કલાકાર માટે વરસાદમાં ભીંજાવવા જેવી મજા જીવનમા બીજી કોઇ નથી જયારે અન્ય કેટલાકને તે શૂટિંગ સેશન અત્યંત કંટાળજનક લાગે છે. ના બોલે તુમ ન મૈંને કુછ કહાંનો અભિનેતા કુણાલ કરણ કપૂર કહે છે કે મને વરસાદી દ્રશ્ય ભજવવું ગમતું નથી. આમાં તમારે કલાકો સુધી ભીના રહેવું પડે છે. ઘરમાં બેસીને બારીમાંથી વરસતાં વરસાદને જોવો અલગ બાબત છે અને વરસતાં વરસાદમાં શૂટિંગ કરવું તદ્‌ન જુદી વાત છે. 

બાલિકા વઘૂનો અંજુમ ફારુકી પણ મેહુલિયો વરસતો હોય તે માહોલને કંટાળાજનક ગણે છે. તેના મતે વરસાદી દ્રશ્ય કલાકારની કસોટી કરે છે. તેમાં લાંબો સમય ભીના રહેવાનું તથા લાગણીસભર અભિનય કરવાનો હોય છે. દિવસને અંતે થાકી જવાય છે. આ ઉપરાંત આવું દ્રશ્ય ભજવવા માટે જે પાણી વાપરવામાં આવે છે તે પણ સારું હોતું નથી .જો કે મને તેનાથી કોઇ સમસ્યા થતી નથી એટલું સારું છે એમ તે કહે છે. 

અંજુમ ની વાત સાથે સંમત થતાં એક હઝારોંમેં મેરી બહેના હૈનો કરણ ઠાકર કહે છે કે મને વરસાદ ગમે છે પણ વરસાદી દ્રશ્યનું શૂટિંગ કરવું ગમતું નથી. લાંબા કલાકો સુધી ભીના રહેવાનું મુશ્કેલ થાય છે. 

જો કે દર્શકોને તો વરસાદી દ્રશ્યો જોવા ખૂબ ગમે છે. પરંતુ તેનું શૂટિંગ કરવું ખરેખર મુશ્કેલ હોય છે. નવ્યાના નિર્માતા આ વાત કબૂલતાં કહે છે કે સામાન્ય દ્રશ્યો કરતાં વરસાદી દ્રશ્યોના શૂટિંગ માટે વઘુ પ્લાનિંગ કરવું પડે છે. આ માટે પાણીના ટેંકરો મગાવવા પડતાં હોવાથી નિર્માણ ખર્ચ પણ વધી જાય છે. આવા દ્રશ્યોનું શૂટિંગ કરવા માટે કુદરતી વરસાદની રાહ જોઇને બેસી રહેવાતું નથી. આ ઉપરાંત કૃત્રિમ વરસાદને નિયંત્રિત કરી શકાય છે એટલે કુદરતી વરસાદ આવતો હોય તો પણ અમારે કૃત્રિમ વરસાદમાં જ શૂટિંગ કરવું પડે છે. પાણી લાઇટ કે કેમેરા પર ન પડે તેનું ઘ્યાન રાખવું જોઇએ. જો પાણી સાધનોમાં જાય તો શોકસર્કિટ થવાનો ભય રહે છે એટલે અમારે ખૂબ જ સાવધ રહેવું પડે છે અને આ કારણે અમારું હલનચલન પણ મર્યાદિત થઇ જાય છે.

1 comment:

Bunty Gandhi said...

wow what an album this is !!

Hindi in its purest form. "भगवानो कि बस्ती में जुल्म बडे हे इन्सानो पर" and what to tell about "आज की रात बडी शोख बडी नटखट है" Yes,It is certainly at very high position among the best of rafi saheb's.