Search This Blog

31/08/2012

પથ્થર કે સનમ ('૬૭)

ફિલ્મ : પથ્થર કે સનમ ('૬૭)
નિર્માતાઃ એ.જી. નડિયાદવાલા
નિર્દેશક : રાજા નવાથે
વાર્તા : ગુલશન નંદા
સંવાદ : અખ્તર-ઉલ-ઈમાન
સંગીત : લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૩૬-મીનીટ્સ, ૧૫ રીલ્સ
કલાકારો : મનોજ કુમાર, વહિદા રહેમાન, મુમતાઝ, મેહમુદ, અરૂણા ઈરાની, લલિતા પવાર, રામાયણ તિવારી, જાનકીદાસ, રાજ મેહરા, મુમતાઝ બેગમ અને ઉમા દત્ત.

ગીતો
૧. કોઈ નહિ હૈ ભી હૈ મુઝકો, ક્યા જાને કિસ કા ઈન્તેઝાર.....લતા મંગેશકર
૨.બતા દૂં ક્યા લાના, તુમ લૌટ કે આ જાના, યે છોટા સા નઝરાના.....લતા મંગેશકર
૩. તૌબા યે મતવાલી ચાલ, ઝૂક જાયે ફૂલોં કી ડાલ, ચાંદ.....મૂકેશ
૪. મેહબૂબ મેરે, તુ હૈ તો દુનિયા કિતની હંસી હૈ.....લતા-મૂકેશ
૫. પથ્થર કે સનમ, તુઝે હમનેં મુહબ્બત કા ખુદા જાના....મુહમ્મદ રફી
૬. અય દુશ્મને જાં, ચલ દિયા કહાં, યે બહાર, ગોરા બદન.....આશા ભોંસલે
૭. ઓ ભગતરામ કી બહેના, તુ બન જા મેરી મેના.....મેહમુદ-મુહમ્મદ રફી

'૬૦-ના દાયકાની ઓલમોસ્ટ બધી ફિલ્મો એક પેટર્ન પર ચાલતી. પ્રેમકથા, વચમાં બેવફાઈ અને છેવટે સુખદ સમાધાન. આં જોવા જઈએ તો મારી ઉંમરના હાલના નવજવાનોનો હિંદી ફિલ્મી જાહોજલાલી એના ગીતોને કારણે હતી, નહિ કે એ ફિલ્મોની ક્વોલિટીની કારણે. માંડ ૨૦-૨૫ ફિલ્મો જોઈએ, ત્યારે આજે પણ સારી લાગે, એવી એકાદી ફિલ્મ નીકળે.

પણ એ સમયની આપણી ઉંમરોને જોતા, આવતી એ બધી ફિલ્મો ગમતી. રાજ-દિલીપ-દેવ તો ઠીક છે, પ્રદીપ, ભારત ભૂષણ કે મનોજ કુમારની ફિલ્મો ય ગમતી. આ તો આ લોકો પછી વધુ સારા હીરો આવ્યા, એટલે ખબર પડી કે પેલા લોકો તે બહુ નબળા હતા ! મારી જેમ તમને ય યાદ હશે કે, એ જમાનામાં ગુલશન નંદાની નોવેલો બહુ વંચાતી. સાહિત્ય-બાહિત્ય એમાં કાઈ નહિ, પણ યુવાનોને ગમે એવા ફિલ્મી મસાલા એમાં ભર્યા હોય, એટલે આપણને વાંચવી અને નિર્માતાઓને એના ઉપરથી ફિલ્મો બનાવવી ગમતી.

'પથ્થર કે સનમ' પણ આવી બનાવવી ગમે એવી ફિલ્મ હતી. આજે ફરીથી જુઓ તો કાંઈ તમને કોઈ મહાન ફિલ્મ ન લાગે, પણ એન્ટરટેઈન્મેન્ટના ધોરણે બેશક મજા પડતી જાય, એવી ફિલ્મ હતી. એટલે જ એના દિગ્દર્શક રાજા નવાથેએ પોતાની બીજી ફિલ્મ 'ગુમનામ'માં મનોજ કુમારને રીપિટ કર્યો. રાજા નવાથે મૂળ તો રાજ કપૂરનો શિષ્ય. રાજની ફિલ્મ 'આહ'નું દિગ્દર્શક એમણે કર્યુ હતું. અનુભવી માણસ હતા, એટલે એ ફિલ્મ બનાવે એમાં મનોરંજન તો હોય અને આમાં ય છે... ખાસ કરીને મેહમુદની મજ્જો પડી જાય એવી કોમેડી.

મેહમુદ મારા માતે તો આજ સુધીનો સર્વોત્તમ કોમેડિયન છે. દરેક ફિલ્મમાં એનો ગેટ-અપ જ નહિ, રોલ અને બોલી અલગ-અલગ હોય. સંવાદલેખકમાં ઢંગધડા ન હોય, તો ય ફક્ત પોતાની કોમેડીની સૂઝથી દ્રષ્યોને એ હાસ્યસભર બનાવી દેતો. અહીં એ બાળપણમાં ૫-૭ વર્ષનું બાળક આ ઉંમર પછી શરીરે ભલે વિકસ્યું હોય, મન અને લક્ષણોથી મોટું થવા છતાં ૫-૭ વર્ષનું બાળક જ રહ્યું હોય, એ રોલ કર્યો છે. હું એને કોમેડિયન કરતા એક કમ્પલીટ એક્ટર એટલા માટે કહું છું કે, એ તો હીરો તરીકે ય અનેક ફિલ્મોમાં પોતાની એક્ટીંગ ટેલેન્ટ બતાવી ચૂક્યો છે. ડાન્સનો એ માસ્ટર હતો. ડાન્સ કરતી વખતે એના એકેએક સ્ટેપ્સ જુઓ તો ઢોલક-તબલાના તાલ સાથે પરફેક્ટ મેચ થતા હોય, આખરે એના ફાધર બોમ્બે ટોકીઝના માન્ય ડાન્સ-ડાયરેક્ટર અને કલાકાર પણ હતા. મેહમુદની કોમિક કેમેસ્ટ્રી પ્રાણ સાથે બહુ મનોરંજન ઢબે મળતી હતી. પ્રાણ ગમે તેવો ખતરનાક હોય. મેહમુદ દરેક ફિલ્મમાં ઈવન ભોળાભાવે કે અજાણતામાં ય એની હવા બગાડી નાંખે, અડપલાં કરતો રહે એમાં મારા જેવાને તો ખૂબ હસવું આવે. અલબત્ત, મેહમુદની આવી સફળતામાં પ્રાણના અભિનયનો પણ એટલો જ ફાળો. એ બેવકૂફ બનતો રહે અને મેહમુદની જાળમાં ફસાતો રહે, એ જોવાની લઝ્ઝત આપણને આવતી રહે. આ ફિલ્મમાં મેહમુદ સપનામાં રાજા (સરસ મજાનો કોમિક ગેટ-અપ 'એર ઈન્ડિયા'ના મહારાજાનો બનાવાયો છે.) બનીને એના ખૂંખાર અને કાયમ ગુસ્સામાં રહેતા ભાવિ સાળા (અરૂણા ઈરાની પ્રાણની બહેન બને છે.) ને હન્ટરે ને હન્ટરે ફટકારીને મેહમુદ ઊંઘમાં ય મલકાતો રહે છે. પ્રાણના ચમચા તરીકે ચરીત્ર અભિનેતા જાનકીદાસ છે. ૧૯૩૬-ની બર્લિન ઓલિમ્પિકની ઈન્ટરનેશનલ કમિટીમાં સ્થાન પામનાર તે એક માત્ર ઈન્ડિયન હતો. એની તો કાંઈ બધાને ખબર ન હોય કે આ જાનકીદાસે ૧૯૩૪થી ૧૯૪૨ સુધી સાયકલિંગનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર એકમાત્ર ભારતીય હતો. મેહમુદની પહેલી પ્રેમિકા શોભા ખોટે પણ સાયકલિંગની નેશનલ ચેમ્પિયન હતી. આ ફિલ્મમાં શોભા ખોટે પછી મેહમુદની લાઈફમાં આવેલી અરૂણા ઈરાની એક જમાનામાં અમિતાભ બચ્ચનની મુખ્ય હીરોઈન (ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા') હતી. ખૂબ ટેલેન્ટેડ એ હીરોઈન ન બની શકી, એના મુખ્ય કારણમાં કદાચ એની હાઈટ હશે. મેહમુદ સાથેના સંબંધો ય વચમાં આવ્યા નહિ હોય ?

અલબત્ત, પ્રાણને વિલન તરીકે માણવાની મઝા વધુ આવતી હતી. મનોજકુમારે ફિલ્મ 'ઉપકાર'માં એની ખલનાયકી છોડાવીને સારો માણસ બનાવી દીધો, એ પછી ય એક્ટર તરીકે ઘણો સારો હોવાણે કારણે આજ સુધી ગમે છે, તેમ છતાંય એની વિલનીમાં કોમેડીની છાંટ હતી, એને લીધે સ્ક્રીન પર એ આવે, એની રાહો જોવાતી.

નિખાલસતાથી કબુલ કરીએ તો મનોજકુમારના મગજમાં દિલીપકુમાર જેવા દેખાવાનું ભૂત સવાર નહોતું થયું, ત્યાં સુધી... ભલે એ કોઈ એક્ટર ગ્રેટ નહતો, પણ પરદા પર જોવો ગમે એવો હેન્ડસમ અને કમ-સે-કમ ભારત ભૂષણ અને પ્રદીપ કુમાર કરતા સારો હતો. વિશ્વજીતનું ય એવું હતું. એક્ટિંગ-ફેક્ટિંગ કો મારો ગોલી... બાકી લડકા દિખને મેં અચ્છા થા...! 'પથ્થર કે સનમ'માં મનોજ સુંદર દેખાય છે. શરીર એવું સુદ્રઢ હતું કે, કપડાં શોભતા હતા. બસ... એક બદસુરત સવારે એના મનમાં દિલીપકુમાર બનવાનું ભૂત સવાર થઈ ગયું, એમાં ભ'ઈ ખલાસ થતા ગયા. એ હીરોઈનને અડતો જ નહતો.(દિલીપકુમારનું પાછું... સાવ એવું નહિ !...સોરી, સાવ નહિ, ''જરા ય'' એવું નહિ !) હજી હમણા રાજેશ ખન્નના અવસાન વખતે ટીવી પર મનોજ જોવા મળ્યો હતો, ત્યારે પણ દિલીપે એને મોકલ્યો હોય, એવા જ હાવભાવ રાખીને ગાડીમાં બેઠો હતો. જાહેરમાં આવતા જ મનોજ આજે પણ કોઈ પ્રગ્રહના પ્રવાસી જેવા વિચિત્ર અને બેહૂદા મોંઢા સાથે વાતો કરે છે. ફિલ્મ 'ક્રાંતિ'ના શૂટિંગ વખતે હું એને રૂબરૂ મળ્યો હતો. લગભગ બે કલાક અમે સાથે બેઠા હતા. સાથે શશી કપૂર પણ હતો. મનોજ ખૂબ બુધ્ધિશાળી અને સાહિત્યનો શોખિન છે. હું મળ્યો, એ જ દિવસે 'જનસત્તા'ના તંત્રી સ્વ. રમણલાલ શેઠ ગૂજરી ગયા, એ સમાચાર હું અમદાવાદનો અને એમાં ય પત્રકાર હોવા છતાં મનોજકુમારે મને આપ્યા હતા. આ ફિલ્મમાં તો જો કે એ બહુ મોટી મીસફિટ હતો કારણ કે, કોમેડી એનું કામ નહિ. કોઈ શાકસબ્જીવાળો મર્સીડીઝ વેચવા બેઠો હોય એવું લાગે.

વહિદા રહેમાન કે મુમતાઝે ય કશું ઉકાળ્યું નથી. બહુ સામાન્ય કક્ષાની ફિલ્મ હોવાને કારણે એ લોકો કંઈ ઉકાળે, એવી અપેક્ષા ય નહિ હોય ! ફિલ્મ જોવી ગમે એવી ઓવરઓલ બની હતી, ભલે ગમે તે કલાકારો હોય. મુમતાઝ હજી સાઈડી જ હતી. એણે અને સંજીવકુમારે ફિલ્મ 'ખિલૌના'ની સફળતા પછી એક સાથે જાહેર કર્યું હતું કે, બન્ને હવે સાઈડી રોલ નહિ કરે... ફક્ત મુખ્ય કિરદારો જ ભજવશે. પણ આજની વહિદા રહેમાનને જોઈને આજે પોતાને બ્યૂટી ક્વીન માનતી યુવતીઓએ વ્યવહારિક બની જવા જેવું છે. વહિદા કેવી દેખાવડી હતી ને આજે એટલી જ કદરૂપી થઈ ગઈ છે. એક નંદા હજી ગ્રેસફૂલ અને સુંદર લાગે છે, બાકી આજની સાધના, આશા પારેખ કે શકીલાને જુઓ, તો સુંદરતાના બધા ફાંકા ઉતરી જાય કે, ઉંમર જશે પછી આપણી ય આ હાલત થવાની છે.

'૬૦-'૭૦ના દશકની હીરોઈનોની હેરસ્ટાઈલ બહુ હાસ્યસ્પદ રહી છે. કોઈ મ્હોં માથાનો મેળ જ ન પડે. આવા માંથી ક્યાંથી હોળી લાવી હશે... ગોડ નોવ્ઝ...!

ફિલ્મની વાર્તા આજે તો ફાલતુ કહી શકાય એવા ગુલશન નંદાએ લખી હતી, પણ સંવાદો આજે પણ સલામ કરવી પડે, એવા ઉર્દુના પ્રસિધ્ધ સાહિત્યકાર જનાબ અખ્તર-ઉલ-ઈમાને લખ્યા હતા. અફ કોર્સ, આ ફિલ્મનો તો એક પણ સંવાદ આટલા મોટા લેખકની પ્રતિભાને છાજે એવો નહતો. પણ અખ્તરે ફિલ્મ 'ધર્મપુત્ર' અને 'વક્ત' માટે ફિલ્મફેર એવોર્ડર્સ જીત્યા હતા. 'શોલે'વાળા અમજદખાનના એ સસુરજી થાય અને ટીવી-એક્ટ્રેસ રક્ષંદાખાનના ફાધર.

રાજ કપૂરની ફિલ્મ 'જીસ દેશ મેં ગંગા બહેતી હૈ'માં પુલીસ (રાજ મહેરા)ની ગોળીથી મકાનના છાપરા ઉપર જે વીંધાઈ જાય છે, તે રામાયણ તિવારી ઘણો સારો વિલન હતો. પહાડી અવાજ અને ખૂંખાર હાઈટ-બોડીના બલબૂતા પર એ ઠેઠ ૧૯૪૫-માં ફિલ્મ 'ગુલામી'થી ફિલ્મોમાં આવ્યો. બિલકુલ બાપ જેવો દેખાતો એનો પુત્ર ભૂષણ તિવારી બહુ કાચી ઉંમરે ગૂજરી ગયો.

ફિલ્મનું સંગીત જ બહુ મોટું કામ કરી ગયું છે 'પથ્થર કે સનમ'ને આજ સુધી આપણી પાસે સાચવી રખાવવામાં. લક્ષ્મીકાંત-પ્યારેલાલ બહુ સંઘર્ષ વેઠવા છતાં ક્વોલિટી એવી હતી કે, નામ તો પહેલી ફિલ્મથી જ થવા માંડયું હતું. ખૂબી એ કે, નવાસવા હતા એટલે કોઈ મોટા સ્ટાર્સવાળી ફિલ્મો તો મળે નહિ, પણ આ બાજુ રફી સાહેબ અને આ બાજુ લતા મંગેશકરના ચાર હાથ હતા એ બન્ને ઉપર. મને ફિલ્મી સંગીતની જેટલી સમજ છે, ત્યાં સુધી એટલું કહી શકું કે, આ બન્ને જેટલા ઠેકા અન્ય એકપણ સંગીતકારે આપ્યા નથી. આમેય, ઓપી નૈયર, શંકર-જયકિશન અને છેલ્લે છેલ્લે રાહુલદેવ બર્મને પોતાના ગીતોમાં સુર જેટલું જ માન તાલને આપ્યું. છતાં, ઓલમોસ્ટ ગીતે ગીતે તદ્દન ભિન્ન તાલ તો માત્ર લક્ષ્મી-પ્યારેએ જ આપ્યા છે. અહીં જુઓ. લતાના 'કોઈ નહિ હૈ ફિર ભી હૈ મુઝકો ક્યા જાને કિસ કા ઈન્તઝાર...' ગીતામાં ક્યા ઠેકામાં ઢોલકા-તબલાં વાગ્યા છે ! અમને હજી યાદ છે, અમદાવાદની લક્ષ્મી ટોકીઝમાં આ ફિલ્મ આવી ત્યારે પ્રેક્ષકોને ગીત ગમે ત્યારે સિનેમાના પરદા પર પરચૂરણ ફેંકવાના ગાંડાપણો હતા, તેમાં રફીનું એ ગીત શરૂ થાય ને જ્યાં '' પછી 'થ્થ' ગવાય, એ જ ઝટકા ઉપર પૈસા પડતા. સાલું મેહમુદે ગાયું હતું ને ગીત કોમિક હતું એટલે બીજા ગંભીર ગીતો જેટલું માણ એને ન મળે, નહિ તો રફી-મેહમુદના સ્વરોમાં 'ઓ ઠગતરામ કી બહેના...' ગીત પણ સંગીતની દ્રષ્ટિએ અન્ય ગીતો જેટલું જ વ્યવસ્થિત અને સુમધુર બન્યું છે. એ તો આજે હવે ફિલ્મોમાં કાશ્મિર તો શું, દુનિયાના દરેક દેશો આપણી ફિલ્મોમાં ઉત્તમ કેમેરાકામથી જોવા મળે છે, એટલે નવી પેઢીના વાચકોને ખ્યાલ નહિ આવે, પણ આ તો હજી '૬૭ની સાલ હતી. બ્લેક-એન્ડ-વ્હાઈટમાંથી કલર ફિલ્મો માંડમાંડ આવવી શરૂ થઈ હતી અને દરેક ફિલ્મના ટાઈટલ્સમાં, આપણી આંખે ચોખ્ખું દેખાતું હોવા છતાં લખે, ''કલર ફિલ્મ.'' મતલબ, ફિલ્મની વાર્તા કાશ્મિરના સફરજનના બગીચાઓમાં આકાર લે છે, એ હિસાબે સિનેમેટોગ્રાફર સુધિર મજમુદારને કાશ્મિરના મનમોહક દ્રષ્યો ઝડપવાની લહેર પડી ગઈ હતી.

ખાટલે મોટી ખોડ કે, હજી ફિલ્મોમાં ફાઈટ્સ (જેને કારણે તો ફિલ્મો ચાલતી હતી) તે દરેક ફિલ્મમાં બહુ નબળી કક્ષાની હતી. આ વેખતના ફાઈટ-માસ્ટરોમાં શેટ્ટી, અજયના પિતા વીરૂ દેવગન ને આ ફિલ્મમાં અઝીમભાઈ જેવા નામો હતા, જેઓ કોઈ કસબ કોઈ ફિલ્મમાં દેખાડી શક્યા નહોતા. એવું જ સામાન્ય કામ ડાન્સમાં થતું, સિવાય કે પર્સનલી ધ્યાન આપનારી હીરોઈનો હોય. અહીં વહિદા કે મુમતાઝે એવી કોઈ કમર લચકાવવાની આવી નથી, એટલે ડાન્સ-ડાયરેક્ટર પી.એલ. રાજ પણ ઓકેઓકે...!

આમ તો, ઘરમાં ય 'પથ્થર કે સનમ' જેવું કાંઈ પડયું હોય તો બહાર સાટું વાળવા આ ફિલ્મો જોઈ લો, તો બા ય નહિ ખીજાય !

No comments: