Search This Blog

28/09/2014

ઍનકાઉન્ટર : 28-09-2014

* તમારો 'વાંદરી' વિશેનો લેખ વાંચીને બા ચોક્કસ ખીજાયા નહિ હોય. સુઉં કિયો છો ?
- હા, પણ જે વાંદરી વિશે લખ્યું હતું, એ બરોબરની ખીજાણી હતી.
(રેણુ દેવનાણી, અમદાવાદ)

* આપની દ્રષ્ટિએ ભારત અને અમેરિકા વચ્ચે શું તફાવત છે ?
- 'લાખ લૂભાયે મહેલ પરાયે, અપના ઘર ફિર અપના ઘર હૈ...'
(સંદીપ હરેશભાઈ ભટ્ટ, ભાવનગર)

* સવાલો પોસ્ટકાર્ડમાં વધુ આવે છે કે ઈ-મેઇલમાં
- સવાલો તો વાંચકોના મગજમાં વધુ આવે છે.
(અંકિત પંડયા, બોરસદ)

* કલિયુગમાં માતા-પિતાને ઘરડાના ઘરમાં મૂકી આવનારા પુત્રોને તમારી શું સલાહ છે ?
- એમાં કાંઇ ખોટું નથી... જો સાથે સાસુ-સસરાને ય મોકલી શકાતા હોય તો !
(સતિષ પ્રજાપતિ, અંકલેશ્વર)

* 'સાહેબો'ની ગાડીઓ ઉપરથી લાલ લાઇટો કેમ ઉતારી લેવામાં આવી રહી છે ?
- 'સાહેબો' અંદર ચડ્ડી ઉતારતા હતા...!
(પ્રહલાદ રાવળ, વસઇ-ડાભલા)

* 'જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ...!' હાસ્યલેખકોનું શું છે ?
- રવિ એમને બાળી શકે એમ નથી... બધા અંદરઅંદર બળેલા છે.
(સંજય દવે, જામજોધપુર)

* સરકાર મોદીની હોવા છતાં ડૉ. પ્રવિણ તોગડીયા કેમ વાણી વિલાસ કરી રહ્યા છે ?
- આખા દેશમાં હિંદુઓ માટે બોલનાર કમસેકમ એક માણસ તો છે. એને વાણી વિલાસ ન કહેવાય.
(ચંદ્રકાંત બગડીયા, પૂણેં-મહારાષ્ટ્ર)

* અમારા પ્રશ્નો વાંચીને સહુથી પહેલા તો તમે હસતા હશો ને ?
- હા.. હસી કાઢું છું.
(અશોક પટેલ, ચરાડા-માણસા)

* પતિધર્મ કોને કહેવાય ? પત્નીને વફાદાર રહેવું એ કે પછી પત્ની વફાદાર છે કે નહિ, એ તપાસતા રહેવું ?
જે કાંઇ હોય...! કર્યા ભોગવવાના છે ને ?
(રજનીકાંત ઘુંટલા, મુંબઈ)

* તમારા લેખ મુજબ, તમારા સાસુને સ્વિમિંગ પૂલમાં તમે વિક્રમ બની વેતાળની જેમ ઉંચકી લીધા પછી નુકસાન તમને વધારે થયું કે સાસુને ?
- મેં 'સાસુ' લખ્યું, એટલે મારી જ સાસુ કેમ સમજો છો ? શું હું એવો ભેદભાવ રાખનારો જમાઇ છું ?
(મધુકર એન. મહેતા, વિસનગર)

* તમારા સાસુ માટે આવું બધું લખો છો, એ કોક દિવસ વાંચી જશે તો ?
-સવાલ જ પેદા થતો નથી. અમારા બન્નેના વાંચવાના ચશ્મા એક જ છે.
(કૃણાલ કાપડીયા, વડોદરા)

* ડિમ્પલ કાપડીયા માથામાં તેલ નાંખીને આવે, તો તમે એની સાથે ડિનર લેવા જાઓ ખરા?
- એને ગાંધી ટોપી પહેરાવ્યા પછી જમું.
(કિરણ ચૌહાણ, જામનગર)

* રોડ બનાવી લીધા પછી ગટરો બનાવતી નગરપાલિકાઓને આપનો કોઇ સંદેશ ?
- અમારા ગામમાં તો પહેલા પૂલ બનાવી લીધા પછી એ લોકો નદી ગોતવા ગયા'તા....!
(પ્રકાશ લિમ્બાચીયા, ખોડીયારપુરા-ચાણસ્મા)

* આજકાલ સ્માર્ટ છોકરીઓ જોવા જ કેમ મળતી નથી ?
- એ તો સ્માર્ટ છોકરાઓને જ જોવા મળે !
(ધ્રૂવ પંચાસરા, વીરમગામ)

* સારી છોકરી મળે, તે માટે છોકરાઓ કેમ વ્રત રાખતા નથી ? શું એમને સારી છોકરી નથી જોઇતી ?
- (કોક મરવાનો થયો છે...!!!) હાં, બોલો બેન, શું કહેતા'તા ?
(સુરભિ પંચાલ, મીઠાપુર)

* 'ઍનકાઉન્ટર' શરૂઆતમાં ઊભા કૉલમમાં આવતું...હવે તમે કેમ આડા થઇ ગયા ?
- સુતા સુતા વાંચી શકાય માટે.
(રશ્મિ મહેતા, ગાંધીધામ-કચ્છ)

* ભારત હવે પાકિસ્તાન સામે આંખ મિલાવવાને બદલે આંખો કાઢશે ક્યારે ?
- મોદીને દસ વર્ષ રાજ કરવું હોય તો આંખો કાઢવાને બદલે પાકિસ્તાનની આંખો ખેંચી કાઢે.
(ડૉ. વિવેક જી. દવે, પાટણ)

* અખબારમાં તમારો ફોટો જોઇને પૂછવાનું મન થાય છે કે, 'તમારી તંદુરસ્તીનું રહસ્ય શું ?'
- કોમલા ગુટીકા.
(નીતિન ઉપાધ્યાય, ભાવનગર)

* ગાય આપણી માતા કહેવાય, તો બળદને ?
- આ સવાલ તમારા ફાધરને પૂછવો સારો.
(પ્રતિક શાહ, અમદાવાદ)

* ભારત દેશમાં આટલા બધા ધર્મો ને અમેરિકામાં એક જ ધર્મ... આવું કેમ ?
- કારણ કે, અમેરિકા ભારત નથી.
(અક્ષય યુ. વ્યાસ, કરમસદ)

* તમે બ્રાહ્મણ કૂળને બદલે અન્ય કૂળમાં જન્મ્યા હોત તો ?
- હું 'ભારત કૂળ'માં જન્મ્યો છું.
(રેખા રાવલ, વડોદરા)

* 'અધ્યાત્મ' વિશે તમારૂં શું માનવું છે ?
- મને એ ભાઈનું નામ-સરનામું મોકલી આપો..... તપાસ કરીને જવાબ આપીશ.
(નીરવ યુ. ચૌહાણ, મોરબી)

* તાજ મહલ પ્રેમનું પ્રતિક, તો દોસ્તીનું પ્રતિક શું ?
- અડધી ચા.
(રીતેશ વાઘાણી, સુરત)

* આપના લેખો વાંચીને ખોટા બહુવચનો વાપરવાની ટેવ પડી ગઈ છે. શું કરવું ?
- તમામ જામનગરોમાં પ્રકાશો પાથરો અને અશોકોના 'બહુવચનોઝ' કરવા માંડો.
(પ્રકાશ પંચમતીયા, જામનગર)

* આપનો પડોસી અમિતાભ બચ્ચન હોત તો ?
- એ કઈ મોટી વાત છે ? દહીંનું મેળવણ જયાભાભી પાસેથી લઇ આવવાનું.
(મેહૂલ કેવડીયા, ભાવનગર)

* ગુજરાતીઓ અમેરિકાના વિઝા મેળવવા શું શું નથી કરતા... ઇવન, વડાપ્રધાન બની જાય છે....!
- હા. હવે બરાક હુસેન ઓબામાને 'ભગવતગીતા' આપવાની રહી !
(ફાલ્ગુન સાવલીયા, ચિત્તલ-અમરેલી)

* તમને સમસ્ત બ્રાહ્મણોના સંઘના પ્રમુખ બનાવવામાં આવે તો ?
- કોક બીજો બ્રાહ્મણ મને બીજે દિવસે ઉઠાડી મૂકશે.
(કિશોર મહેતા, રાજકોટ)

* મારે સરકારી નોકરીનું ઠેકાણું પડતું નથી. કોઇ સૅટિંગ કરી આપો તો તમારો 'વ્યવહારે' ય સમજી લઇશ !
- અત્યારે તો નવાઝ શરીફની નોકરી જવામાં છે. બોલો, પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર બનવું છે ?
(જયમિન માળી, સાવલી-વડોદરા)

26/09/2014

'મેરી બીવી કી શાદી' ('૭૯)

ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

ફિલ્મ : 'મેરી બીવી કી શાદી' ('૭૯)
નિર્માતા : એવીએમ ઇન્ટરનૅશનલ
દિગ્દર્શક : રજત રક્ષિત
સંગીત : ઉષા ખન્ના
ગીતકારો : રવિન્દ્ર જૈન, અસદ ભોપાલી
રનિંગ ટાઇમ : ૧૫-રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : અમોલ પાલેકર, રણજીતા, અશોક શરાફ, દિલીપ કુલકર્ણી, જાનકી દાસ, બિરબલ, નીલુ ફૂલે, નમિતા ચંદ્રા અને મારૂતિ.



ગીત
૧. શ્યામ કી બાંહો મેં રાધિકા ખેલે, વૃંદાવન મેં જમુના તટ પે.. ઉષા ખન્ના
૨. જીંદગી કૈસે કટેગી, આપ સે રહેકર જુદા, ઈસ સે પહેલે.. લતા મંગેશકર
૩. મુઝ સે શામ સુહાની, પૂછે પ્રેમ કહાની, આધી હૈ અધૂરી હૈ.... આશા-રફી
૪. રામદુલારી માયકે ચલી ગઇ, ખટીયા હમરી ખડી કર ગઇ... સુરેશ વાડકર

હુંમાંડ ૧૦-૧૨ વર્ષનો હોઇશ, ત્યારે અમદાવાદની સૅન્ટ્રલ ટૉકીઝમાં રૉક હડસન (જેનું નામ વર્લ્ડ ફૅમસ ફિલ્મ 'કમ સપ્ટેમ્બર'ની પેલી ધૂનને કારણે વધુ મશહૂર બન્યું હતું.) અને અભિનેત્રી ડોરીસ ડે ની ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' રીલિઝ થયું હતું. બાય ધ વે, ફિલ્મોને હિંદીમાં નારી જાતિથી બોલાવાય છે, ''ગાઇડ'' દેખી ? મહારાષ્ટ્રમાં એને પુરૂષવાચક બનાવી દેવાઇ છે, ''આવારા જોયો ?'' જ્યારે ગુજરાતીઓ ક્યાંય હખણા ન રહે. એમણે ફિલ્મને નાન્યતર જાતિની બનાવી દીધી છે, ''લીડર'' જોયું ?''

આ રૉક હડસનવાળી ફિલ્મ 'સૅન્ડ મી નો ફલાવર્સ' આવી, ત્યારે જેને ઇંગ્લિશમાં સમજ પડતી હતી, એ પોળના અમારાથી મોટી ઉંમરના છોકરાઓ આ ફિલ્મના વખાણ બહુ કરતા હતા. અમને એમ કે, એમને ઇંગ્લિશ ફિલ્મમાં સમજણ પડતી હશે, માટે વખાણ કરતા હશે. એ તો પછી ખબર પડી કે, અમદાવાદના સિનેમા હાઉસમાં ઇંગ્લિશ ફિલ્મો જોવા જઇએ ને આખા થીયેટરમાં આપણા સિવાય બીજું કોઇ હસ્યું ન હોય...!

બસ. 'સૅન્ડ મી નો ફલાવર્સ.' આજે ૬૦-૭૦ની ઉંમરે પહોંચેલા મોટા ભાગના સિનેરસિકોને ખૂબ યાદ રહી ગઇ હશે. એ જ ફિલ્મ પરથી રજત રક્ષિતે સીધી ઉઠાંતરી કરીને આ ફિલ્મ બનાવી છે. '૭૮થી '૯૦ સુધીમાં એણે આઠ ફિલ્મો બનાવી પણ એકે ય ચાલી નહિ. કારણ કે બધામાં બનાવટ નબળી હતી. ફિલ્મ 'દામાદ'ની જેમ આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી' પણ અમોલ પાલેકરના સક્ષમ અભિનયને કારણે વધારે ચાલી. ફિલ્મ સાવ ફાલતુ ય નથી, પણ વચમાં (ક્યારેક જ...) મજ્જાનું હસવું આવી જાય છે, એટલે ફિલ્મ જોવામાં એવો કોઇ ખતરો ય નથી.

આ જ 'સૅન્ડ મી ફલાવર્સ'નો સૅન્ટ્રલ આઇડીયા રાજેશ ખન્નાની ફિલ્મ 'આનંદ'માં ઋષિકેશ મુકર્જીબાબુએ ઉઠાવ્યો હતો કે, ઘણા એવા ઘનચક્કર હોય છે, જે માની લીધેલી બિમારીથી પીડાતા હોય. શરીરે સંપૂર્ણ તંદુરસ્ત હોવા છતા ! યાદ હોય તો ડૉ. કુલકર્ણી (રમેશ દેવ)ના દવાખાનામાં આવો દર્દી અસિત સેન આવે છે, જેને કોઇ બિમારી નથી, પણ જ્યાં સુધી ડૉક્ટરે લખી આપેલી દવાઓ ન ખાય, ત્યાં સુધી એ બિમાર જ રહે છે !

આ જ લાઇન પર ફિલ્મ બનાવાઇ પણ દિગ્દર્શનમાં ઘણી નબળી જાણકારી અને ફિલ્મ નિર્માણના ખર્ચામાં ખટકે એવી કરકસરને કારણે રજતભાઈએ એમની એકે ય ફિલ્મમાં મેદાન માર્યું નહિ. સૅટ મોંઘા પડતા હશે એટલે પૂરી ફિલ્મનું શૂટિંગ પણજી (ગોવા)ના કોક બંગલામાં કરવામાં આવ્યું છે. અમોલ પાલેકરના આટલા જથ્થાદાર વાળ હોવા છતાં બહુ બિહામણી લાગે એવી વિગ શું કામ પહેરાવી છે ? પ્રોફેસર હોય એટલે ચશ્મા પહેરાવવાના જ ? સ્ટારકાસ્ટમાં ય એકેએક નમૂના એવા લીધા છે કે, એકે ય ચેહરો જોવો ન ગમે. રણજીતાને સુંદર કહેનારો તો પાર્ટલી અંધ હોઇ શકે, પણ ટપકે ટપકે મેહમુદની નકલ કરતો કહેવાતો કૉમેડીયન (છતાં મરાઠી ફિલ્મોમાં ખૂબ ચાલ્યો હતો એ) અશોક શરાફને કારણ વગરનો મોટો રોલ આપી દીધો છે. એ દેખાય છે એટલો ગંદો કે, એનો સીન પતી જાય એની રાહ જોવી પડે. ફિલ્મની હીરોઇન રણજીતા પાસે ફિલ્મ 'પાકીઝા'નો ઈન્હી લોગોં ને લે લીના દુપટ્ટા મેરા...' ડાન્સ સાથે કરાવતી વખતે દિગ્દર્શકે એ ધ્યાન ન રાખ્યું કે, હીરોઇનને ગોરી દેખાડવા મૅક-અપ કેવળ ચેહરા ઉપર જ નહિ, પાછળ પીઠ ઉપર કે હાથમાં ય લગાવવો પડે, નહિ તો સ્કીન પણ વર્ણસંકર લાગે !

સ્ટોરી તો જમાવટ કરી હોત તો ઘણી કૉમિક ફિલ્મ બનાવી શકાઇ હોત. જુઓ, કાંઇક આવું હતું.

અમોલ પાલેકર એટલે ભગવંતકુમાર 'ભારતેન્દુ'. કોઇ કૉલેજમાં પ્રોફેસર છે, પણ દિલનો જાતે બની બેઠેલો મરીઝ છે. એને વહેમ થઇ ગયો છે કે, એ કોઇ કદી ય મટી ન શકે એવી બિમારીનો ભોગ બની ગયો છે અને નજીકના ભવિષ્યમાં એનું મૃત્યુ નિશ્ચિત છે, એટલે પોતાની સુંદર વાઇફ (રણજીતા)નું વિધવા થયા પછી શું અને કોણ ? એની ચિંતા સતાવે છે. એ પ્લાનિંગનો માણસ હોવાથી પોતાના મૃત્યુ પછી કોઇ લલ્લુપંજુ એની વાઇફને પરણી ન જાય, એ માટે કોઇ સારો 'મૂરતીયો' શોધવાનો પ્રારંભ કરી દે છે, કારણ કે પ્રોફેસર માને છે કે, બધા એની ભોળી વાઇફને ઉલ્લુ બનાવી જાય એમ છે. એ પોતાના દારૂડિયા દોસ્ત (અશોક શરાફ)ની સલાહ લે છે. ફિલ્મ સારી છે, એટલે તમે જોવાના હો તો, ''પછી શું થયું ?'' વાળો રાઝ ખોલતો નથી.

અમોલ પાલેકરનો હું ચાહક ખરો. '૭૦-ના દશકમાં એની ફિલ્મો આવ્યા પછી કાલ્પનિક હિંદી ફિલ્મોમાં અસાધારણ શક્તિમાન હીરોને બદલે અમોલે મારા-તમારા ઘરમાં વસતા મિડલ-કલાસ માણસની ફિલ્મોની શરૂઆત કરી. મારી તમારી જેમ આ હીરો ૫૦-ગુડાઓને એકલે હાથે મારી ન શકે, ભરચક ફિલ્મી પાર્ટીમાં પિયાનો ઉપર ગાયન ગાવા મંડી ન પડે, ઊડતા પ્લેનમાંથી સીધા દરિયામાં હીરોઇનવાળી બૉટમાં વગર ઇજાઓ ઝંપલાવી ન શકે. એ આપણા જેવો સામાન્ય નાગરિક જ હોય, જેને બસની લાઇનમાં ઊભા રહેવું પડતું હોય, મહિનાને આખરે પગાર ટુંકો પડવા માંડતો હોય કે અડધી બાંયના સામાન્ય ફૅબ્રિક્સના શર્ટ પહેરતો હોય.

આ હીરો '૭૦-ના દાયકામાં અમોલ પાલેકરના રૂપમાં મળ્યો. 'રજનીગંધા', 'છોટી સી બાત,' 'રંગબિરંગી', 'બાતોં બાતોં મેં', 'ઘરૌંદા' કે 'ગોલમાલ' જેવી ફિલ્મોમાં અમોલ આ જ કારણોથી આપણી નજીક હતો. એની આ જ સાદગી આજની ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં જોવા મળે છે, અર્થાત્ આ પ્રકારની ફિલ્મો આર્ટ ફિલ્મો પણ નહિ કે 'અમર, અકબર, ઍન્થની' જેવી કમર્શિયલ ફિલ્મ પણ નહિ !

યસ. આવો સારો અદાકાર આ ફિલ્મમાં વધુ પડતો 'અન્ડરપ્લે' રોલ કરવા જતા નાટકીયો બની ગયો છે અને અભિનય ઑવર-ઍક્ટિંગ બની ગયો છે. મૂળ તો મુંબઇની 'બૅન્ક ઑફ ઇન્ડિયા'નો આ કલાર્ક પૅઇન્ટર હતો અને એના એકલાના પૅઇન્ટિંગ્સના પ્રદર્શનો જહાંગીર આર્ટ ગૅલેરી જેવા માધ્યમોમાં રજુ થતા. ફરી શરૂ થયેલી ઢીશૂમ-ઢીશૂમ ફિલ્મોમાં પોતે ચાલી નહિ શકે, એ જાણતો હોવાથી એ જાતે જ હિંદી ફિલ્મોમાંથી ખસી ગયો અને દિગ્દર્શક બની ગયો. ૧૯૮૧-માં કોલકાતાની ફાઇવ-સ્ટાર ગ્રાન્ડ હૉટેલમાં હું એને પહેલી વાર મળ્યો, ત્યારે એની સાથે એની પત્ની 'ચિત્રા' હતી. છુટાછેડા પછી આજે એની નવી પત્ની 'સંધ્યા ગોખલે' છે.

ફિલ્મની 'બીવી' એટલે કે રણજીતા કૌર જન્મે તો સીખ્ખ છે. શંકર બી.સી. નામના સિંધી દિગ્દર્શક-નિર્માતાએ એને પહેલી વાર રિશી કપૂર સાથે ફિલ્મ 'લયલા-મજનૂ'માં ચમકાવી, એ પછી સચિન પિલગાંવકર સાથે ફિલ્મ 'અખીયોં કે ઝરોખોં સે'માં એ દેશભરમાં પ્રસિધ્ધ થઈ ગઇ. મિથુન ચક્રવર્તી સાથે એની ઘણી ફિલ્મો આવી. આજે તો એ (જન્મ તા. ૨૨ સપ્ટૅમ્બર, ૧૯૪૬) ૬૭-વર્ષની ઉંમરે તમે ઓળખી ય ન શકો, એવી ઘરડી અને સામાન્ય દેખાય છે. હું અમેરિકા ગયો ત્યારે ખબર પડી કે ત્યાંના વર્જીનિયા સ્ટેટના નૉર્ફોકમાં એનો પતિ રાજ મસંદ '૭-ઈલેવન' સ્ટૉર્સની અનેક શાખાઓ ધરાવે છે. એના દીકરાનું નામ 'સ્કાય' રાખ્યું છે અને અમેરિકામાં એક ટૅનીસ-ખેલાડી તરીકે સારો એવો જાણિતો છે. એક સમયે રણજીતાનું નામ મિથુન દા સાથે ય બહુ વટથી જોડાયું હતું.

ફિલ્મનું સંગીત ઉષા ખન્નાએ આપ્યું હતું. ક્યારેક નવાઇ લાગે કે, તમે ફૂલટાઇમ સંગીતકાર છો અને તમારી ઍવરેજ જોતા, વર્ષે એક ફિલ્મમાં માંડ સંગીત આપવાનું આવે, છતાં કેમ કાંઇ મોર મારી ન શકો ? યસ. એ વાત પણ કબૂલ કે, ભારતની આ માત્ર બીજી મહિલા સંગીતકાર (પહેલા હતા પારસી મહિલા સરસ્વતીદેવી, જેમણે પોતાની જ્ઞાતિના ખૌફથી બચવા પારસી નામ બદલીને આ રાખ્યું હતું) ઉષા ખન્નાએ અનેક ફિલ્મોમાં મધુરૂં સંગીત આપ્યું છે અને મુહમ્મદ રફીના ડાયહાર્ડ ચાહકોએ એનો ખાસ આભાર માનવો પડે, કે એમના અનેક ઉત્તમ ગીતો ઉષાએ કમ્પૉઝ કર્યા છે. 'દિલ દે કે દેખો'ના તમામ ગીતોથી માંડીને 'તેરી ગલીયો મેં ના રખ્ખેંગે કદમ, આજ કે બાદ....' પણ વચમા વચમા મધુર ગીતોના અનેક ચમકારા એણે માર્યા હતા. પ્રારંભ જૉય મુકર્જી-સાયરા બાનુની ફિલ્મ 'આઓ પ્યાર કરેં'ના સુપરહિટ ગીતોથી થયો, એમાં રફીના 'જહાં તું હૈ વહાં ફિર ચાંદની કોન કૌન પૂછેગા...' કે લતા મંગેશકરનું ખૂબ ઊંચા ઘરાણાનું ગીત, ''મેરી દાસ્તાં મુઝે ભી, મેર દિલ સુના કે રોયે....'' રાજકોટના ભગવાન થાવાણી કે શિકાગોના સુમન્ત વશીને ય છાતીફાડ ગમે છે. રફીના ગીતો મેહમુદની ફિલ્મ 'શબનમ'માં 'યે તેરા સાદગી, એય તેરા બાંકપન' અને 'મૈંને રખ્ખા હૈ મુહબ્બત, અપને અફસાને કા નામ...' ક્યાં ભૂલાય એવા છે ? સંજીવ કુમારને હીરો બનાવતી ફિલ્મ 'નિશાન'માં રફી સાહેબનું, 'હાય તબસ્સુમ તેરા, ધૂપ ખીલ ગઇ છાંઓ મેં...', પણ ઉષાની જ કમાલ. તો બીજી બાજુ મૂકેશને પણ આપણા માટે વહાલો કરી આપવામાં ઉષાના ગીતો ઓછા નથી. ફિલ્મ 'લાલ બંગલા'નું ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઇ ચકોર, 'તેરી નિગાહોં પ મરમર ગયે હમ, બાંકી અદાઓં પે મરમર ગયે હમ...' (...સાલા ફાલતુ શબ્દો તો જુઓ....!) ગરમ કરેલી ઈંટ આપણા સીડી-પ્લૅયર પર પછાડવાનો જોસ્સો ચઢે કે નહિ ? (જવાબ : ના ચઢે...પ્લૅયર મફતમાં નથી આવતું. જવાબ પૂરો) ઉષાની છેલ્લી કમાલો 'સાજન બિના સુહાગન'માં યેસુ દાસનું 'મધુબન ખુશ્બુ દેતા હૈ' કે 'હવસ'નું 'તેરી ગલીયોં મેં ના રખ્ખેંગે કદમ' અને યેસુદાસનું જ ફિલ્મ 'દાદા'નું 'દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરાકર ચલ દિયે...'

પણ આ તો સચિનની ફક્ત સૅન્ચુરીઓ ગણાવવા જેવું જ કામ થયું. વચમાંના ફલૉપ-શોઝની વાત કરીએ તો ઉષાને કોઇ ગંજાવર સંખ્યામાં ફિલ્મો નહોતી મળતી. વરસમાં એકાદી માંડ હોય ને એના સંગીતમાં ય કોઇ ઠેકાણા નહિ, એટલે દુઃખ થાય કે, આખું વરસ તો તમે નવરા બેઠા હો છો...આખા વરસમાં કોઇ પાંચ-સાત ગીતોની અલમસ્ત ધૂનો તૈયાર કેમ કરી ન શકો ? અને ઉઠાંતરી કરવામાં ય આપણા તમામ સંગીતકારોએ વર્લ્ડ-મ્યુઝિકમાં ઘણો મોટો ફાળો આપ્યો છે, તો ય તમે નબળા દર્દી જેવા ?

હકીકતમાં ઉષા ખન્નાના સંગીતનો પ્રારંભ જ બિનધાસ્ત ઉઠાંતરીઓથી થયો હતો. જૉય મુકર્જીના ફાધર શશધર મુકર્જી પાસે ઓપી નૈયર ઉષા ખન્નાને લઈ ગયા અને એમના પર વિશ્વાસ રાખીને શશધરે ઉષાને જબરૂં હોમવર્ક સોંપ્યું. ''એક વર્ષ સુધી તારે 'રોજના'' બે ગીતોની ધૂનો બનાવવાની....સારી લાગશે તો એમાંથી તારા બે ગીતો લઇશ.'

એ નહિ બનાવી શકી હોય, માટે શશધરે છેવટે હૉલીવૂડના ગાયક-અભિનેતા બિંગ ક્રૉસબીની રૅકર્ડોનો ખજાનો ઉષા સામે ધરી દીધો, ''આના ઉપરથી આપણી ફિલ્મ 'દિલ દે કે દેખો'ના બધા ગીતો બનાવવાના છે.''

મુકર્જીને એ ચોરીચપાટી પણ સારી લાગી ગઇ હશે એટલે એમની બીજી ફિલ્મ 'હમ હિંદુસ્તાની'નું સંગીત પણ ઉષાને સોંપ્યું. કબ્બુલ કે, મને એના લગભગ તમામ ગીતો ખૂબ ગમ્યા હતા. ''છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની...'' (મૂકેશ), 'રાત નિખરી હુઇ, ઝૂલ્ફ બિખરી હુઇ, હર અદા તેરી....' (મૂકેશ), 'નીલી નીલી ઘટા, ભીગી ભીગી હવા....' (મૂકેશ-આશા) અને લતા મંગેશકરનું લાગણીભર્યું ગીત, ''માંઝી મેરી કિસ્મત કે, જી ચાહે વહાં લે ચલ...''

બસ. આદત....ઉષા આ ફિલ્મ 'મેરી બીવી કી શાદી'માં ય ધોધમાર માર ખાઇ ગઇ અને એકબીજાને શરમાવે એવા ફાલતુ ગીતો બનાવીને પોતાની છાપ યથાવત રાખી.

24/09/2014

આપણને કોઇ કામની શરમ નહિ

આ એ જમાનાની વાત છે, જ્યારે હું સાસુ-સસુરજીને લઇને ચારધામની યાત્રાએ નીકળી પડયો હતો. આમ તો બે ય... ગમે ત્યારે ઉપડી જાય એવા કૅસો હતા. યાત્રાનો ખોટો ખર્ચો કરવાની ય જરૂર નહોતી, પણ અનુભવ તમને બધાને સરખો જ હશે કે, સાસુ- સસરાના મામલે જ્યાં કેસ પતવા જેવો લાગે, ત્યાં આપણી વાઇફો હનુમાનજી બનીને પ્રગટે અને છેલ્લા ડચકાં ખાતા આપણા સાસુ-સસરાને ઉગારી લેવા આપણને દોડધામ કરાવે. ગંગા નદીમાં નહાવા પડેલી મારી સાસુને નદી માતા સમાવી લે, એટલી હદે પાણી પી ગયેલી અને આખરી ગોથમડાં ખાતી ખાતી 'બચાવો... બચાવો'ની બૂમો હાંફતે શ્વાસે પાડતી હતી. હું એ વખતે કિનારે બેઠો કોકા-કોલા પી રહ્યો હતો. વાઇફ સસુરજીને લઇને દેવદર્શને ગઇ હતી, એટલે સમજોને, રસ્તો સાફ હતો. છતાં છેલ્લા દ્રષ્યો નજરે જોનારાઓ કહી ન જાય કે, જમાઇરાજ તો બેઠા બેઠા કોકા-કોલા પી રહ્યા હતા ને ઊભાય નહોતા થયા, એટલે મેં ય એકાદી બૂમ પાડી, ''બચાવો''

'કોને બચાવવાનો છે ને કોના નામની મેં બૂમ પાડી છે, એ આજુબાજુની પબ્લિક સમજી ન શકી, એટલે મને પૂછવા આવી, 'ક્યા હુવા ?... ક્યા હુવા ?'' બે- ચાર જણાની સાથે એક વૃદ્ધ પાન્ડો મને પૂછવા આવ્યો.

''તારા બાપનું કપાળ હુવા..''નું મને હિંદી આવડતું ન હોવાથી મેં ફક્ત ડૂબતી સાસુની દિશામાં ઇશારા કર્યો. બાપનો માલ હોય એમ એ બધા નદી તરફ દોડવા માંડયા, એટલે વ્યવહારિક રીતે મારેય દોડવું પડે. પેલી બાજુ, સાસુ બૂમો પાડે રાખતી હતી, તે એમ નહિ કે, જે નદીમાં પડયા છીએ એ કામ પતાવી લઇએ. સાક્ષીઓ ઊભા કરવા મેં કિનારે ઊભા ઊભા બૂમો પાડવા માંડી, ''અરે કોઇ હૈ... ? બચાવો... બચાવો''

'કોઇ હૈ' શું સાલા બધા હતા અને કાચી સેકંડમાં સાસુને બચાવીને લઇ આવ્યા.

કહે છે કે, પવિત્ર ગંગા નદી સહુના પાપ ધૂએ છે, પણ મારા તો વગર ધૂવે બચાવી લાવી. આપણને તો ભારતભરની નદીઓ ઉપરથી વિશ્વાસ ઉઠી જાય કે નહિ ?

એ પછી તો અર્ધ- બેભાન સાસુને પગ રીક્ષામાં નાંખીને હું અમારી હોટેલ પર લઇ આવ્યો ને, વાઇફ એના ફાધરને લઇને આવી ત્યારે સાસુ જાગી ગઇ હતી. એમને જોઇને ફરી પાછી ગભરાઇ ગયેલી સાસુએ મને એમના ગળે વળગાડીને વાઇફ સામે જોઇને કહે, ''બેટા... આવા જમાઇ તો બહુ નસીબદારોને મળે... હું ગંગામાં ડૂબતી હતી ને મારી બૂમો સાંભળીને જમાઇરાજા સીધા નદીમાં ખાબક્યા અને મને બચાવી લીધી.''

પેલા પાન્ડાઓના હાથમાં દસ-દસની નોટો થમાવવાનો આ એક ફાયદો.

(જો કે, ત્રાંસી આંખે મેં જોયું ત્યારે ખ્યાલ તો આવી ગયો કે, સસુરજી મારા કૃત્યથી સહેજ પણ રાજી થયા નથી. માંડ ગોડાઉન ખાલી થતું 'તુ ને વચમાં હું એમને નડી ગયો.) જાનના જોખમે મેં એની માંને બચાવી લીધી છે, એ જાણીને વાઇફ રીતસર મારા ઘૂંટણે પડીને, ફિલ્મ 'ખાનદાન'ની નૂતનની જેમ ''તુમ્હી મેરે મંદિર, તુમ્હી મેરી પૂજા, તુમ્હી દેવતા હોઓઓઓ...'' જેવા ભાવથી મારી સામે જોવા માંડી. મેં કીધુંય ખરૂં, 'ઇસમેં ક્યાં ? યે તો મેરા ફર્જ થા...' બસ, આ વખતે મારા સસુરજીનું મોઢું જોવા જેવું હતું, કેમ જાણે એમના સજળ નયનો કહેતા ન હોય, ''માનવી ધારે છે કંઇક... પણ ઇશ્વર કરે એમ જ થાય છે.''

બીજે દિવસે અમે કોઇ દૂરની ધર્મશાળામાં ઉતર્યા હતા, ત્યાં કોઇ વાળંદ ન મળે. એક-બે દિવસ સસુરજીએ ચલાવી લીધું, પણ ચાર-પાંચ દિવસમાં અકળાયા, ''કુમાર... આંઇ કિયાંય વાળંદ દેખાતો નથી.. વાન્ધો નો હોય તો તમે મારુ વતું કરી દેશો ?'' સૌરાષ્ટ્રમાં દાઢી કરવાની કળાને 'વતું કરવું' કહેવાય છે. બહાર હું મર્દ ખરો, પણ વાઇફ- વિશ્વના સહુ કલાકારોની સામે હું કેવળ પરદો ઉચકવાવાળા જેવો નમાલો થઇ જઉં છું.

''પપ્પા સૉરી, પણ મને મારી પોતાની દાઢી કરતા ય બહુ ફાવતું નથી ને ખાસ તો, બહારના ઑર્ડરો ઉપર હું પૂરતું ધ્યાન આપી શકતો નથી તો-''

''પપ્પાએ જીંદગીમાં પેલ્લી વાર તમને કામ શોંયપું, એમાં ય તમે ના પાડો છો ?''

''અરે ડાર્લિંગ, મને બહારના કામો લેવાનો અનુભવ નથી ને આ છરી- ચપ્પાનો ધંધો કહેવાય.. ક્યાંક મારાથી એમને અસ્ત્રો- બસ્ત્રો વાગી ગયો તો... આખિર લોગ ક્યાં કહેંગે ?''

આ મુદ્દે સાસુજી સ્પીડમાં આવી ગયા. ''તમે ત્યારે થવા દો ને, કુમાર...! એમાં કાંય વાન્ધો નંઇ. ઇ તો ઘણી જાડી ચામડીના છે. એમનું દાઢું કરી દિયો.''

મને સાચ્ચે જ, બીજાના બાલ- દાઢી કાપવાનો અનુભવ નથી. એ બાજુની કરિયર જ વિચારેલી નહિ. યસ સલૂનમાં વાળ કાપતા કલાકારને જોઇને હું ઇમ્પ્રેસ બહુ થતો. કાતરનો કચકચકચકચ અવાજ આજે ય મારા કાનોમાં ગુંબજની જેમ ગૂંજે છે. કોકની દાઢી ઉપર બ્રશ વડે એ મહાન કલાકારનું આમ સાબુ ઘસવું, મને પિકાસો કે રાજા રવિ વર્માની યાદ અપાવતા. અને એમાં ય, જ્યારે દાઢી ઉપર ઘસાતો ઘસાતો અસ્ત્રો હેઠે ઉતરતો હોય, ત્યારનો તો કોઇ સાઉન્ડ આવતો હોય... ! એ સાઉન્ડનો અનુવાદ અહી શબ્દોમાં મૂકી ન શકાય... એને માટે તો કેશકર્તન કલાકેન્દ્રમાં જાતે જવું પડે. આર.ડી.બર્મન અને ઓપી નૈયર રિધમ- કિંગ્સ કહેવાતા, પણ સલૂનમાં ઊભો ઊભો વાળંદ ચામડાના લટપટીયા ઉપર અસ્ત્રો ઘસતી વખતે જે અવાજ કાઢી શકે છે, તે તબલાં- નવાઝ ઉસ્તાદ ઝાકીર હુસેનના હાથની ય કમાલ બની ન શકે. આ તો એક વાત થાય છે. આ બધી સુહાની યાદોને સહારે હું ઉમંગમાં આવી ગયો કે, ''ચલો, સસુરજીની દાઢી હું બનાવી આપીશ, પણ ત્યાં જ એમણે નવો ઝટકો આપ્યો.''

''કુમાર, નાકના વાળ તો કાપી આપશો ને ?'' હવે ડોહા આગળ વધતા હતા. હું પ્રોફેશનલ હોત તો કહી પણ શકત કે, એનો જુદો ચાર્જ થશે, પણ મને ડર મારા આવનારા ભવિષ્યનો હતો. આ વખતે અમને બન્નેને ફાવી ગયું, તો ડોહો જીવશે ત્યાં સુધી બાલ- દાઢી મારી પાસે કરાવશે.

કામ અઘરૂં હતું, પણ લગ્ન પછી તરત જ સસુરજી મને ખૂબ સલાહો આપતા, એમાંની એક એ હતી કે, જે કામ કરો, એ ચીવટથી કરો. કોઇ રેતાળ ટેકરી ઉપર માતાજીનો ગોખલો હોય, એવું સસુરજીનું નાક ઉપસી આવ્યું હતુ. મહી અનેક ધ્વજાઓ ફરકતી હતી. બન્ને તીણી અણીઓવાળી કાતર પકડીને મેં ડોહાના નાકનું ટોચકું દબાવ્યું. ''આ કામ મારાથી નહિ થાય, પપ્પા.. મને બીક લાગે છે, ક્યાંક કાતર વગાડી બેસીશ.''

''અરે એમાં ગભરાવાનું શું, કુમાર ? તમે તીયારે વાઢી નાંખો...'' અવાજ અને આહવાહન મારી સાસુના હતા. પણ વાઇફ મદદે આવી, ''ના હો... એમના એકે ય કામમાં ઠેકાણાં નો હોય... ઇ કિયાંક પપ્પાના નાકને વાઢી નાંખસે તો ભારે ઉપાધીયું થાસે... ઇ રે'વા દિયો.''

પહેલા વરસાદ પછી સડકો ઉપર અનેક તિરાડો પડી જાય, એમ ડોહાના ગાલો ઉપર નાની મોટી અનેક ગલીઓ હતી. સાબુના ફીણવાળો કૂચડો એમના ગાલ ઉપર ફેરવતી વખતે મેં વાતો શરૂ કરી, ''સુઉં લાગે છે મોદીનું ?'' બાલ- દાઢી બનાવતી વખતે દુનિયાભરના વાળંદો ગ્રાહક સાથે વાતો ખૂબ કરે, એની મને ખબર, એટલે ડોહાને પૂછ્યું પણ એ એમ સમજ્યા કે, મોદીની બાલ- દાઢી બનાવવા ય હું જતો હોઇશ. એ થોડા ગીન્નાયા ને બોલ્યા, ''કુમાર, અટાણે મોદીનું રે'વા દિયો... ધિયાન મારી દાઢીમાં રાખો.''

આપણી પાસે પ્રોફેશનલ અસ્ત્રો તો ક્યાંથી હોય, એટલે મેં ઘેર દાઢી કરવાનું રૅઝર લીધું અને કીધું, ''પપ્પા, ઊંચુ જુઓ,'' મને એટલી ખબર કે, સમાજના તમામ ધંધાદારી વેપારીઓ આપણી પાસે હંમેશા નીચું જોવડાવે છે... એક વાળંદ જ આપણું મસ્તક ગર્વથી ઊંચુ રાખવાનો આદેશ આપે છે. એ વાત જુદી છે કે, સસુરજીએ આખા જનમમાં એમની દીકરી મારી સાથે પરણાવવાથી બીજું એકે ય કામ સારૂં નહોતું કર્યું... એ તો પાછળથી ખબર પડી કે, દીકરીને મારે ઘેર વળાવ્યા પછી એ તરત બોલ્યા હતા કે, ''હાશ... છુઇટાં...!''

ભગવાનની સોગન, બસ ! એમના ગાલ ઉપર આ લાં... બો ચીરો પડયો ને ઘંટ વાગતા છોકરીઓ નિશાળમાંથી છુટે, એટલી સ્પીડમાં ગાલમાંથી લાલલાલ લાંબી ટશરો ફૂટી નીકળી, એમાં ખરેખર મારી કોઇ ભૂલ નહોતી. અણઆવડત હશે, પણ ચાલુ કામે એમણે ઉધરસ ખાવાની જરૂરત નહોતી, એમ મારૂં દ્રઢપણે માનવું છે. કાકા 'વોય માડી રે...'ની રાડૂં પાડતા ઊભા થઇ ગયા. ચીરો મોટો પડયો હતો.. ટાંકા લેવા પડે એવો મોટો ! ડોહાની બૂમો ચાલુ હતી, પણ નીડર એવા મારા સાસુએ એમને નહિ, મને હિમ્મત આપી, ''કુમાર, આવું તો થાય... તમે તીયારે બીજા ગાલ ઉપરે ય વતું કરો. અડધી દાઢી લઇને ક્યાં બહાર નીકળશે ?'' હવે મને ખબર પડી કે, લગ્ન પછી સાસુમાં મારો પરિચય કરાવતા બધાને કીધે રાખે, ''અમારા અસોકકુમારને કોઇ કામની સરમ નંઇ...! ઇ સાવ બેસરમ જમાઇ છે.''

એમની વાતે ય સાચી હતી. શાસ્ત્રોમાં કીધું છે કે, કોઇ કામ અધૂરૂં છોડવું નહિ... બા ખીજાય. પણ ડોહા ગભરાઇ બહુ ગયા હતા. ''હું ભીંતે ગાલ ઘસી ઘસીને અડધી દાઢી પૂરી કરીશ, પણ આવા જમાઇઓ પાસે દાઢાં નહિ કરાવું.''

આવું એમણે મારા માટે બોલવું ન જોઇએ. સમાજમાં મારી છાપ કેવી પડે ? શું આ સમાચાર જાણ્યા પછી ભવિષ્યમાં કોઇ ગ્રાહક મારી પાસે દાઢી કરાવવા આવે ? મારી આવનારી નસ્લ પણ કામધંધા વિનાની રહે.

પણ સાસુ મારી કૂમકે આવ્યા. મને આંખ મીંચકારીને કહે, ''કુમાર... કાલથી આ કામ તમે જ ઉપાડી લેજો.''

...એ ધારણાએ કે, જમાઇએ આજે ભૂલ કરી છે.... કાલે તો નહિ કરે !

સિક્સર

૯૯- વર્ષની ઉંમરની એક વૃધ્ધાને તેમની 'યુવાની'નું રહસ્ય પૂછાયું, તો કહે, ''જમવાનું પચાવવા હું બીયર પીઉં છું. ભૂખ ન લાગે તો વ્હાઇટ વાઇન પીઉં. લો બ્લડ- પ્રેશર જેવું લાગે તો રેડ વાઇન ને હાઇ બ્લડ પ્રેશરમાં સ્કૉચ પીઉં છું. શરદી- બરદીમાં 'શ્નેપ્સ' ઠીક રહે છે.

''તો પછી તમે પાણી ક્યારે પીઓ છો ?''

''ઓહ ના. હું એટલી બધી બિમાર તો ક્યારેય નથી પડી.''

(કૅટસ્કીલ-ન્યુયોર્કથી પૂર્વિત અશ્વિન પટેલનો મૅસેજ)

21/09/2014

ઍનકાઉન્ટર : 21-09-2014

* પાકિસ્તાનને સીધું કરવાનો કોઇ રસ્તો ?
- દલાઈ લામાએ કહ્યું છે, If you are in a position to prevent violance, strike first and strike 'fast'.
(મિતાલી કે. પટેલ, સુરત)

* 'ધણી' અને 'ઘરધણી' વચ્ચે શું ફરક ?
- એકની પાસેથી આખા મહિનાનો ખર્ચો લેવાનો હોય ને બીજાને આપવાનો હોય ! એ બંનેમાંથી કોણ કયું... એનો આધાર એ બંને સાથે કેવા સંબંધ છે, એની ઉપર છે.
(મયુરી ભાવેશ વોરા, સુરેન્દ્રનગર)

* કપિલ શર્મા વિશે આપનો શું અભિપ્રાય છે ?
- એને તો બીજાએ લખેલી સ્ક્રીપ્ટ ભજવવાની હોય છે, તેમ છતાં, અન્ય કોઇ પણ સ્ટૅન્ડ-અપ કૉમેડિયન કરતાં કપિલ વધારે મૌલિક અને અસરકારક છે.
(ડૉ. આરતી રાવલ, વડોદરા)

* બહુ ગુસ્સે થયેલી સ્ત્રીને 'રણચંડી' કહે છે, તો બહુ ગુસ્સે થયેલા પુરુષને ?
- છેલ્લા ૬૨ વર્ષથી સ્ત્રી ઉપર બહુ કે થોડો ગુસ્સે થયેલો પુરૂષ મેં જોયો નથી.
(યોગેશ ડી. ભટ્ટ, વડોદરા)

* અચાનક તમારી સામે અજગર આવીને ઊભો રહે તો તમે શું કરો ?
- મને એવી બીક ના બતાવો, રોજ મારી સામે એનાકોન્ડા આવીને ઊભી રહે છે.
(ફૈઝલ નેદારીયા, ગાંધીનગર)

* આપણા ઇન્ડિયન હીરોઝને ફિલ્મોમાં સ્ત્રી-પાત્રો ભજવવામાં કયો આનંદ આવતો હશે ?
- પોતાની સાથે લગ્ન કરી શકાય... હનીમૂને જઇ અવાય !
(શકીલ સહેરવાલા, પનવેલ)

* અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન વચ્ચે તફાવત કહેશો. મારા મતે અભિષેક એ અમિતાભનો પુત્ર છે.
- ગજબના ઇન્ટેલિજન્ટ છો તમે. આ માહિતી તો ખુદ અમિતાભ પાસે ય નહિ હોય !
(મહેશ ગાંભવા, સુરત)

* મનમોહનસિંઘ રીટાયર થયા. તમારો એમને કોઈ સંદેશ ?
- જાણે માર્ગમાં એક મીંડું મળ્યું.. ને વાત અહીં પુરી થાય છે.' (સ્વ. મનહર મોદી)
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

* મારે આપની સાથે અમેરિકા આવવું છે, લઇ જશો ?
- આપણા બન્નેની બાઓ ખીજાય!
(જીયા સંજય પટેલ, ભાવનગર)

* તમારા પુત્રનું ખરૂં નામ શું છે ?
- મારો ખરા પુત્રનું નામ ખોટું છે.
(પ્રતિક અંધારીયા, ભાવનગર)

* જસ્ટ કાન્ટ બીલિવ, અશોકભાઈ.... 'દૂધની કોથળી, જેવા અશક્ય વિષય ઉપરે ય તમે હાસ્યલેખ લખી શક્યા અને તે ય હિલેરીયસ.. ! અગાઉના કે હાલના કોઇ હાસ્યલેખક પાસે આટલું ઝીણું નકશીકામ નથી.
- એ બધામાંથી જ થોડું થોડું મારામાં આવ્યું છે.
(ક્ષમા રાવજી પટેલ, સાન હૉઝે- અમેરિકા)

* એવો કયો સવાલ છે, જેનો જવાબ તમે આપી શકતા નથી ?
- એવો એક જ સવાલ છે, 'ઠક્કર'નો અર્થ શું થાય ?
(હર્ષીલ એમ. ઠક્કર, અમદાવાદ)

* જે ક્યાંય ન ચાલે, એ રાજકારણમાં ચાલે... પણ ત્યાં ય ન ચાલે એ ધર્મના ધંધામાં ચાલી જાય છે કે નહિ ?
- ત્યાં ય નહિ ચાલેલા જેલમાં ચાલી ગયા છે.
(રાખાલ ભટ્ટ, વડોદરા)

* સની લિયોન તેની ઇમેજ સુધારવા માંગે છે. આપ સુઉં કિયો છો ?
- આ સવાલ તમારા બદલે એણે પૂછયો હોત તો હું કંઇક સુધારી ય આલત...?
(દેવલ શાહ, બોડેલી-છોટા ઉદેપુર)

* તમારા સાસુ ખરેખર બાથરૂમમાં ફસાયા હોય, તો તમે શું કરો ?
- એ ફસાયા હતા, તે રીહર્સલ કરવા નહોતા ફસાયા... !
(ધર્મેશ ગોસ્વામી, આમોદરા- ગીર સોમનાથ)

* તમે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી શકશો ?
- તમે આ હિસાબે મને લાલ રંગનું ફાળીયું ને લાલ રંગના કપડાંમાં જોયો લાગે છે !
(ચિંતન વ્યાસ, ધોરાજી)

* કૉંગ્રેસને પાર્લામેન્ટમાં વિપક્ષના નેતાનો દરજ્જો ન મળ્યો. આપની કૉમન્ટ ?
- એ દિવસો દૂર નથી કે, આ જ કૉંગ્રેસીઓ માં-દીકરાને કૉંગ્રેસની સાવ બહાર કાઢશે.
(ચંદ્રકાંત બગડીયા, પૂણે-મહારાષ્ટ્ર)

* મારે સફળ લવ મૅરેજ કરવા છે, શું કરૂં ?
- લવ મૅરેજ.
(કિંજલ દરજી, અમદાવાદ)

* વીકમાં તમારી ત્રણ કૉલમ... બાકી તો તમે આખું વીક નવરા જ ને ?
- ના. રોજ સવારે ઘેરઘેર છાપાં નાંખવા જઉં છું ને ...! વીકમાં ત્રણ વાર !
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભ વિદ્યાનગર)

* દુનિયામાં ફરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ કયું ?
- બસ... ટૉઇલેટ સિવાય બધે જ !
(દર્શન ગબાની, સુરત)

* મારિયા શારાપોવા કોણ છે ?
- અમારે દૂરની માસીની દીકરી થાય.
(વસિમ મેમણ, હાલોલ)

* આપણો દેશ મહાસત્તા ક્યારે બનશે ?
- બસ, અમને ખબર પડતા જ તમને જણાવી દઈશું.
(મહેશ જાદવ, અમદાવાદ)

* અશોકજી, મારે તમને રૂબરૂ મળવું છે. સમય આપશો ?
- ચલૉ નૅકસ્ટ..!
(નૂતન પટેલ, સુરત)

* આપણા દેશમાં પ્રેમ કરવો ગુન્હો છે, તો પછી લગ્ન કરવા ફરજીયાત કેમ છે ?
- નાડું બાંધ્યા વગર લેંઘો ના પહેરાય !
(રવિ જે. ભટ્ટ, જામનગર)

* આપ નવરાશની પળોમાં શું કરો છો ?
- લખું છું.
(રોહિત ભણસાલી, બારડોલી)

* આપણા નવા પ્રાઇમ મિનિસ્ટર ગુજરાતની જેમ ઇન્ડિયાની પ્રગતિ કરાવશે ખરા?
- હા. મારે એવી કંઈક વાતચીત થઇ'તી ખરી !
(સ્નેહા વશી, હાલાર)

* મારે પરદેશ જૉબ કરવા જવું છે, આપની કોઇ લિન્ક ખરી ?
- બેન, મને તો બરાક ઓબામા સિવાય કોઇ ઓળખતું નથી.
(ફાલ્ગુની કસુંદ્રા, રાજકોટ)

19/09/2014

'મિસ્ટર ઇન્ડિયા'('૬૧)

- એક જમાનામાં મુંબઇની ફિલ્મનગરીમાં 'ધી ખાન બ્રધર્સ ઓફ જુહુ' તરીકે ઓળખાતા ફિરોઝ ખાન, સંજય અકબર ખાન અને સમીર ખાન (પાંચમો પણ એક ભાઇ છે, શાહરૂખ ખાન... જુદો !)માં ફિરોઝ આ ફિલ્મમાં તદ્દન નગણ્ય રોલમાં છે, આવું થાય એટલે ફિલ્મવાળાઓ એને 'મેહમાન કલાકાર'નું લેબલ લગાડી દે. ફિરોઝ ખૂબ હેન્ડસમ એક્ટર હતો.

ફિલ્મ : 'મિસ્ટર ઇન્ડિયા'('૬૧)
નિર્માતા-દિગ્દર્શક : જી.પી.સિપ્પી
સંગીતકાર : જી.એસ.કોહલી
ગીતકાર : જાં નિસાર અખ્તર- અંજાન
રનિંગ ટાઇમ : (સેન્સર સર્ટિફિકેટમાં વંચાતો નથી.)
થીયેટર : (અમદાવાદ)
કલાકારો : આઇ.એસ.જોહર (ડબલ રોલમાં), ગીતા બાલી, ફિરોઝ ખાન, કમલજીત, હેલન, હરિ શિવદાસાણી, પ્રવિણ પોલ (રૂબી પોલ), ખટાના, અમૃત રાણા અને રાજેન કપૂર.


ગીત
૧. મત પૂછ મેરા હૈ કૌન વતન ઔર મૈં કહાં કા હૂં... મુહમ્મદ રફી
૨. નજર યે તેરી તીખી ન માર ગોરીયે.... આશા-રફી
૩. કહાં ચલી છમ સે, બચા કે આંખ હમસે.... આશા-રફી
૪. દેખા ન જાયે, સોચા ન જાયે, દેખો કિતના બલમ... ગીતા દત્ત
૫. બાબા લૂ બાબા લૂ... છોડ કે ન જાના આધી રાત કો.... આશા-રફી
૬. ક્યા સોચ રહા મતવાલે, દુનિયા કે ખેલ નિરાલે.... મુહમ્મદ રફી
૭. મૈં માચિસ કી તીલી, ચમકીલી ચમકીલી.... ગીતા દત્ત
૮. હાય હાય હાય... તેરી આંખો મેં જો કમાલ હૈ.... મુહમ્મદ રફી
ગીત નં- ૧ અને ૮ અંજાનના, બાકીના જાન નિસાર અખ્તરના

મજ્જા પડી ગઇ.

આઇ.એસ.જોહરની આ ફિલ્મ જોવાની ધૂમધામ મઝા પડી ગઇ. અમુક વાતો જોહરના ભેજામાં જ આવે. એની કોમેડી ક્લાસિક કદી ન હોય અને એ તો ઉઘાડેછોગ કહેતો કે, હું તો પ્રેક્ષકોને ઉલ્લુ બનાવવા જ ફિલ્મો બનાવું છું. પણ બૌધ્ધિકતાને નામે આપણે ત્યાં સેકડો કોમેડી ફિલ્મો બની છે અને જોઇએ એટલે કોઇ શકરવાર ન મળે, ત્યારે હું તૈયાર છું, જોહર કહીને મને ઉલ્લુ બનાવતો હોય... સામે વળતરરૂપે ખડખડાટ હસાવે તો છે ! ચલો, માની લઇએ કે, વાતમાં કોઇ લૉજીક જ નથી, તો ય આ ટુકડો જુઓ જોહરના ભેજાની ઉપજનો !

ફિલ્મની શરૂઆતમાં જ, કરોડપતિ અને ફોરેન-રીટર્ન્ડ બામ્બી (ગીતા બાલી) એના પપ્પા (હરિ શિવદાસાણી) અને પાળેલા ડૉગી (કૂતરા)ને લઇને દરિયા કિનારે સૈર પર નીકળે છે. (એ બેમાંથી કૂતરો કોણ છે, એની પ્રેક્ષકોને તરત ખબર પડી જાય છે કે જે માણસ જેવો દેખાય છે, એ બુધ્ધો બામ્બીનો બાપ છે.) અચાનક એનો ડોગી ગૂમ થઇ જાય છે. પોતાના રખડૂમાંથી પાલતુ બનાવેલા કૂતરાને લઇને ગુલ્લુ પણ ફરવા નીકળ્યો છે, એ હેલ્પ માટે બામ્બીને કહે છે, ''મારો કૂતરો તમારા કૂતરાને શોધી લાવશે.'' અને એ શોધી લાવે પણ છે. ખુશ થઇને બામ્બી ગુલ્લુને પાંચ રૂપીયાનું ઇનામ આપે છે, પણ એ દરમ્યાન બન્ને કૂતરાઓ વચ્ચે દોસ્તી થઇ જાય છે. છુટા પડવા માંગતા નથી, પણ બામ્બી પોતાના અમેરિકાથી લાવેલા કૂતરાને અહીંના દેસી ગંદા કૂતરાની સોબત કરાવવી નથી, એટલે ગુલ્લુની રીકવૅસ્ટ છતાં બામ્બી બન્ને કૂતરાને (સૉરી, એક કૂતરાને અને એક બાપને... અગૅઇન સૉરી, એક કૂતરાને અને બાપને !... સૉરી પૂરૂં !) જુદાં પાડી દે છે.

અહી ગરીબ અને બેકાર ગુલ્લુને એનો બેવકૂફ બાપ (અમૃત રાણા) આવી રખડપટ્ટી બદલ ખખડાવે છે, તો બીજી બાજુ એક વખત દોસ્તી થઇ ગયા પછી અચાનક જાલીમ જમાનો વચમાં ફાચર મારીને એ દોસ્તી છોડાવી નંખાવે છે, એ બામ્બીવાળા કૂતરાથી સહન થતું નથી ને એ માંદો પડી જાય છે. તાત્કાલિક ડૉક્ટરોને બોલાવવા પડે છે, જેઓ નિદાન આપે છે કે, આ કૂતરૂં ગુલ્લુના કૂતરાના પ્રેમમાં પડી ગયું છે. એને બચાવવું હોય તો તાબડતોબ ગુલ્લુના કૂતરાને મંગાવી લો. (ફિલ્મ બનાવનારાઓના ધ્યાનમાં નહિ આવ્યું હોય, પણ બન્ને કૂતરા 'ગે' છે...? જુઓ ને, અંકનું નામ 'ચાર્લી' અને બીજાનું 'જેકી'...! આ તો એક વાત થાય છે !)

નીડલૅસ ટુ સે... બન્ને કૂતરાં મળતા જ પેલું તંદુરસ્ત થઇ જાય છે અને આમ હીરો-હીરોઇન પણ પૂંછડી પટપટાવતા એક બીજાના પ્રેમમાં પડે છે.

મંજૂર કે, વાતમાં બુધ્ધિ- ફૂધ્ધિ કાંઇ ન મળે, છતાં વિઝ્યુઅલી આ સીચ્યુએશન વિચારો તો હસવું તો આવે જ.

ફિલ્મ 'શોલે'વાળા જી.પી.સિપ્પીએ બનાવી હતી. સિપ્પી જરા ઇંગ્લિશ અટક લાગે, પણ છે નહિ... આખું નામ ગોપાલદાસ પરમાનંદ સિપાહીમલાણી'. આ સિંધીભાઇએ 'સિપાહીમલાણી'નું 'સિપ્પી' કરી નાખ્યું. તમારામાંથી સ્કૂલ-લાઇફમાં પેલી મારધાડને સ્ટંટવાળી આઝાદ- ચિત્રાની ટારઝન કે ઝીમ્બોવાળી ફિલ્મો અથવા દેવ આનંદ- દિલીપ કુમારની ફિલ્મ 'ઇન્સાનીયત' જોઇ હશે તો 'ઝીપ્પી'નામનું ચિમ્પાન્ઝી બધાનું બહુ લાડકું બની ગયું હતું. જોહર મજાકમાં તો કોઇને છોડે એવો નહોતો. એ જીપી સિપ્પીને 'ઝીપ્પી સિપ્પી' કહેતો. અહી જોવાની એક ખૂબી માણવા જેવી છે. સહુ કોઇ જાણે છે કે, ફિલ્મ 'શોલે'થી વધુ સફળ ફિલ્મ ભારતદેશમાં બની નથી અને એ સિપ્પીએ બનાવી હતી. ફિલ્મ બેશક સુંદર હતી પણ એમાં હવે પૂછવું પડે કે, બાપ-દીકરા સિપ્પીઓની કમાલ કેટલી ? કારણ કે, જી.પી.સિપ્પી તો '૫૦ના દશકથી ફિલ્મો બનાવતા અને ગેરન્ટી સાથે એકેયમાં ભલીવાર નહિ. મીના કુમારી- પ્રદીપ કુમારની ફિલ્મ 'અદલ-એ-જહાંગિર' જ્હોની વોકર- મીના શોરીની 'શ્રીમતી ૪૨૦', અશોક કુમારની 'મિસ્ટર ઍક્સ', બલરાજ સાહની-મીનુ મુમતાઝની 'બ્લૅક કૅટ', અજીત-બીના રૉયની 'મરિન ડ્રાઇવ', દેવ આનંદ- નિમ્મીની 'સઝા', જોહરની 'જોહર ઇન કશ્મિર' અને બેબી નાઝની ભાઇ-બહેન' ઉપરાંત, ફિલ્મ 'રામ ઓર શ્યામ' પરથી સીધી ઉઠાંતરી કરીને બનાવેલી 'સીતા ઓર ગીતા'... (બાય ધ વે, 'રામ ઔર શ્યામ' પણ સાઉથની તેલુગુ ફિલ્મ 'રામુડુ-ભીમુડુ'ની સીધી અને આડી ઉઠાંતરી જ હતી.) રાજેશ ખન્ના ? 'અંદાઝ' અને 'બંધન', શમ્મી કપૂરનું 'બ્રહ્મચારી'. 'મેરે સનમ' પણ એમનું. 'શોલે' પછી 'સ' ફળી ગયો હોય એમ 'શાન' અને 'સાગર' જેવી ફિલ્મો બનાવી પણ આ યાદીમાં ગણી જુઓ ને, તમને પસંદ પડી'તી, એવી કેટલી ?

અર્થાત. 'શોલે' વળી હિટ થતા થઇ ગયું. સિપ્પી મોટા સર્જક જ હોત, તો આ લિસ્ટની ઘણી બધી ફિલ્મો ઉપર પ્રેક્ષકો નાઝ ઉઠાવી શકત ! અને આજની ફિલ્મ 'મિસ ઇન્ડિયા'માં ય જોહરની સાથે ગીતા બાલી હતી, એટલે 'જય અંબે' બોલીને ફિલ્મ કોઇ ટૅન્શન વગર મસ્તીથી જોઈ નાંખવાની. ગીતા બાલી જેવી સ્વાભાવિક અભિનયવાળી બીજી એક્ટ્રેસોમાં બહુ બહુ તો તનૂજા, કાજોલ અને અનુષ્કા શર્મા... ધૅટ્સ ઑલ !

ગીતા બાલી અસલ સીખ્ખ સરદારની હતી. નામ એનું 'હરિકીર્તન કૌર' અને બચપણથી જ અસલી સાપ પકડવાની પાગલ શોખિન, એમાં છેલ્લે છેલ્લે, મોટો એનાકોન્ડો ઝડપાઇ ગયો.. શમ્મી કપૂર એટલે લગ્ન કરી લીધા. નહિ તો બહેન શમ્મી પહેલા દિગ્દર્શક કેદાર શર્માના લાંબા સમયની પ્રેમિકા રહી ચૂક્યા હતા. શમ્મી મનભાવન મળી ગયો એટલે કેદારનાથને કેદાર અનાથ' બનાવીને જંગલમાં છુટ્ટો મૂકી દીધો, જેની બળતરા કેદાર શર્માએ પોતાની આત્મકથા ્રી ર્ંહી : ન્ર્હીનઅ માં વ્યવસ્થિત રીતે કરી છે. નહિ તો રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી, તનૂજા, સંગીતકાર રોશન જેવા અનેકને ફિલ્મોમાં લાવનાર જ કેદાર બાબુ. ગીતાબાલીનું વળગણ એ મર્યા ત્યાં સુધી એટલું રહ્યું કે, ગીતાએ છોડી દીધા પછી એમણે શોધેલી બધી હીરોઇનોના નામો પાછળ પરાણે 'બાલા' લગાવતા. એમાંની એક એટલે 'પ્રીતિબાલા' ઉર્ફે ઝેબ રહેમાન.

જો કે, 'મિસ્ટર ઇન્ડિયા' ફિલ્મના તો એ અસલ નિર્માતા અને કહેવાતા દિગ્દર્શક હતા, કારણ કે દિલીપ કુમાર હોય કે આઇ.એસ.જોહર, એ લોકો ફિલ્મમાં હોય એટલે દિગ્દર્શન એમનું જ હોય... પેલા ભાઇનું તો કેવળ નામ હોય !

નામ તો ગીતકાર અંજાનનું ય ટાઇટલ્સમાં મૂકાયું નથી, જેણે આ ફિલ્મના બે ગીતો લખ્યા હતા. બાકીના ગીતો લખનાર જાન-નિસાર-અખ્તરનો ય એક જમાનો હતો. એ ય ગીતકાર નક્શબ જારચવીની જેમ સ્ત્રીઓનો ભરપૂર શોખિન હતો. આજના શાયર જાવેદ અખ્તરના એ પિતા થાય પણ જાવેદે પણ ઘણા વર્ષો સુધી, એમના આ જ લક્ષણને કારણે બોલાવ્યા નહોતા.

ફિલ્મનાં સંગીતમાં મજા આવવી જોઇતી હતી... ના આવી, એમાં દોષ એકલો સંગીતકાર જી.એસ.કોહલી ઉપર ઢોળવો લાઝમી નથી. કોહલી જીવનભર ઓપી નૈયરના સહાયક રહ્યા એટલે સ્વાભાવિક છે, એમણે બનાવેલા ગીતોમાં ય ઓપીની છાંટ બધે હોય... આમાં ય છે. તમને કીધું ન હોય તો 'મિ.ઇન્ડિયા'નું કોઇપણ ગીત સાંભળીને કહી શકો કે, આ ધૂન તો ઓપીની જ ! પણ આજના કરતા ય ખરાબ પોલિટિક્સ એ જમાનામાં ચાલતું હતું. ઓપીને ખલાસ કરવા મેદાને પડેલાઓમાં એક બર્મન દાદાને બાદ કરતા મોટા ભાગના સંગીતકારો 'જોઇ શું રહ્યા છો, જોડાઇ જાવ'ને ધોરણે ઓપીની પાછળ પડી ગયા હતા, એટલે રેડિયો સીલોન કે બિનાકા ગીતમાલા કે વિવિધ ભારતી ઉપર ઓપીની ફિલ્મોના ગીતો જ ન વાગે, એના રોજ આયોજનો થતા. આપણી બહેન લતા મંગેશકરનો તો એમાં સાથ હોય જ ને બસ ફિર ક્યાં આ ફિલ્મનું એકે ય ગીત, રેડિયો સુધી પહોંચ્યું નહિ ઇવન, આ ફિલ્મનું મધુરૂં ગીત હેલન પર ફિલ્માયું હતું તે, 'મૈં માચિસ કી તીલી, ચમકીલી ચમકીલી' ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.

રફી-આશાનું પંજાબી ભાંગડાવાળુ ગીત 'નજર યે તેરી તીખી ન માર ગોરીયે..'ગીતા બાલી અને એ જમાનાના જાણિતા ડાન્સર હરબન્સ ઉપર ફિલ્માયું છે. આ હરબન્સ મૂળ તો નૃત્ય દિગ્દર્શક સત્યનારાયણનો આસિસ્ટન્ટ હતો. કમાલના નૃત્યો સત્યનારાયણ અને સાઉથના સોહનલાલે આ ફિલ્મમાં ગીતા બાલી પાસે કરાવ્યા છે. ગીતા આટલી પરફેક્ટ ડાન્સર હશે, એની જાણ તો મા. ભગવાનદાસની મસ્ત ફિલ્મ 'અલબેલા'માં થઇ ગઇ હતી.

ફિલ્મ 'વક્ત' વળી સાધનાની સુંદરતા જ આજે એની કાયમી દુશ્મન બની ગઇ છે, જે જમાનામાં એની આંખો ઉપર ગીતો લખાતા, એ આંખોનું જ કેન્સર એને કદરૂપી બનાવી ચૂક્યું છે. એમ ગીતા બાલી જેવી અપ્રતિમ સુંદરીને ચેહાર ઉપર શીતળા નીકળ્યા હતા, એમાં એ ગૂજરી ગઇ. પણ આઇ.એસ. જોહરે અંગત જીવનમાં એક ઊલટી કમાલ કરી બતાવી હતી. એની શરૂઆતની ફિલ્મો જુઓ તો એ અત્યંત પાતળો અને બેશક કદરૂપો હતો. બહાર દેખાતા એના દાંત એને વધુ હેન્ડસમ નહિ તો પણ જોવો ગમે એટલો સારો તો બની ગયો હતો.

'જ્હોની...'માં જોહરે ટ્રીપલ-રોલ કર્યો હતો, પણ અહી એ ડબલ રોલમાં છે. એક ભલાભોળા જોહર (ફિલ્મમાં)નો ચેહરો અન્ડરવર્લ્ડના એક ખૂંખાર બૉસને મળતો આવે છે, જેની પ્રેમિકા હૅલનથી આ બીજા જોહરની પ્રેમિકા ગીતા બાલી બર્દાશ્ત થતી નથી. ફિલ્મ મુંબઇના સેન્ટ્રલ સ્ટુડિયો અને ચેમ્બુરમાં આવેલા આશા સ્ટુડિયોમાં બની હતી, જે પછી ચાલ્યો નહિ. સાવ અજાણ વાચકો માટે સ્ટુડિયોની સમજ આપી દઇએ. ફિલ્મ સ્ટુડિયો એવી વિરાટ જગ્યા હોય છે, જ્યાં જંગલ, હોસ્પિટલ, કોલેજ ગુંડાના અડ્ડો, મંદિર.. વગેરે સ્થાપત્યોના કામચલાઉ સેટ ઊભા કર્યા હોય... સેટ કેવળ સ્ટુડિયોમાં જ હોય, એ જરૂરી નથી. દેવ આનંદની ફિલ્મ 'ગાઇડ'માં ગુજરાતના લીમડી ભાગોળે શૂટિંગ થયું હતું, ત્યાં જે મંદિરમાં દેવ ઉપવાસ કરે છે. એ ફિલ્મનો સેટ હતો, જે ફિલ્મ પૂરી થયા પછી તોડી નાંખવામાં આવ્યો. દરેક વખતે શૂટિંગના સ્થળે લાંબા થવું પરવડે નહિ, એટલે સ્ટુડિયોમાં જ જંગલ કે પર્વત જેવા સેટ ઊભા કરીને શૂટિંગ થાય. મકાનની અંદર થયેલા મોટા ભાગના શુટિંગ્સ સ્ટુડિયોમાં થયા હોય, પણ ફિલ્મ જોતી વખતે આપણે માની બેસીએ કે, કેટલું મોટું ઘર છે ?

ઓકે. શુટિંગ માટે જરૂરી તમામ ચીજો ફક્ત સ્ટુડિયોમાં ઉપલબ્ધ હોય, એટલે છેલ્લી ઘડીની દોડાદોડીઓ ન થાય.

એક જમાનામાં મુંબઇની ફિલ્મનગરીમાં 'ધી ખાન બ્રધર્સ ઓફ જુહુ' તરીકે ઓળખાતા ફિરોઝ ખાન, સંજય અકબર ખાન અને સમીર ખાન (પાંચમો પણ એક ભાઇ છે, શાહરૂખ ખાન... જુદો !)માં ફિરોઝ આ ફિલ્મમાં તદ્દન નગણ્ય રોલમાં છે, આવું થાય એટલે ફિલ્મવાળાઓ એને 'મેહમાન કલાકાર'નું લેબલ લગાડી દે. ફિરોઝ ખૂબ હેન્ડસમ એક્ટર હતો. કમનસીબે થોડો ય ન ચાલ્યો. એવો જ બીજો લાંબો ચાર્મિંગ અને ખૂબસૂરત અભિનેતા હતો, કમલજીત સિંઘ (જે વહિદા રહેમાનને પરણ્યો હતો અને મેહબૂબ ખાનની ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'નો હીરો હતો.) એ પણ આ ફિલ્મમાં વેડફાઇ જવા માટે આવ્યો છે. પોતાની પર્સનાલીટીથી તદ્દન વિપરીત, આ માણસે બૈરાછાપ રોલ કર્યો છે. કમલજીત સૌથી વધુ સુંદર ફિલ્મ 'કવ્વાલી કી રાત'માં લાગતો હતો. આ ફિલ્મમાં કમાલ કરી હતી, સંગીતકાર ઇકબાલ કુરેશીએ, જેને પરિણામે એમને જ 'કવ્વાલીઓના બાદશાહ' કહેવામાં આવ્યા. ઇકબાલ અત્યંત ગરીબીમાં-ધારાવીની ઝૂંપડપટ્ટીમાં આખરી શ્વાસ લઇને મર્યા હતા.

એમ કહી દેવાય કે, હિંદી ફિલ્મોમાં બીજો આઇ.એસ.જોહર નહિ થાય, એમ એના જેવી ફાલતું છતાં હસિન ફિલ્મો ય કોઇ નહિ બનાવે!

18/09/2014

બે યાર, કરમુક્ત નહિ થાય તો કેવી રીતે 'જોઈશ'...?

અમે પોળમાં રહેતા ત્યારે કોકને ''ભરાવી દેવા'' અમે જોયેલી તદ્દન ફાલતુ ફિલ્મના સાંબેલાધાર વખાણો દોસ્તો પાસે કરતા કે, આવી કચરો ફિલ્મ જોઇને અમે એકલા શું કામ મરીએ ? બીજા ય મરે તો આપણા થોડા રૂપીયા તો વસૂલ થાય !

અને એમાં ય, ભૂલેચૂકે કોક ગુજરાતી ફાળીયા-બ્રાન્ડ ફિલ્મ જોવાઈ ગઈ, તો ખાસ ચમનપુરા, સરસપુર, મિરઝાપુર કે ગોમતીપુર જઇને બ્રાન્ડ ન્યૂ ગાળો શીખી લાવતા અને ખાડીયાની અમારી મોટા સુથારવાડાની પોળને નાકે ઊભા રહીને એકલા એકલા બોલે જતા. કારણ પૂછવાની ય કોઇને જરૂર રહેતી નહિ. એ લોકો સમજી જાય કે, 'બિચારો કોક ગુજરાતી ફિલમમાં ભરાઇને આયો લાગે છે !'

એ પછી તો, ફિલ્મ 'કાશીનો દીકરો' બાદ કરતા એકે ય ગુજરાતી ફિલ્મ સામેથી કોઇ ફ્રીમાં બોપલમાં ફલૅટ પણ આપે, તો ય નહિ જોવાની હઠ બહુ કામમાં આવી. શરીર સારૂં રહેવા લાગ્યું. અમારી ગણત્રી મન, કર્મ અને વચનથી એક પવિત્ર પુરૂષની થવા લાગી. અમે કદી ય ગુજરાતી ફિલ્મો જોતા નથી, એવી અમારી જ્ઞાાતિમાં છાપ પડી ગઇ હોવાથી અમને પરણવાના કામમાં આવે એવી છોકરી ય મળી. એણે પણ એકે ય ગુજરાતી ફિલ્મ જોયેલી હોવી ન જોઇએ, એ શરતે અમારા લગ્ન થયા.

અને એક દિન અચાનક...અમદાવાદના યુવાન અભિષેક જૈને બનાવેલી ફિલ્મ 'કેવી રીતે જઇશ ?' જોવાઇ ગઇ. સાલી કોઇ ભૂલ તો થઇ ગઇ નથી ને આ ફિલ્મ જોવામાં ? એ ખૂબ ગમેલી. માનવામાં નહોતું આવતું કે, કોઇ ગુજરાતી ફિલ્મ - 'ગુજરાતી ફિલ્મ' ન લાગે- એવી સારી બની હોય ! એ વખતે અમારી 'ફર્માઈશ ક્લબ'ના મૅમ્બરોને ખુલ્લી ઑફર કરી હતી કે, 'કેવી રીતે જઇશ ?' ગુજરાતી ફિલ્મ છે, છતાં મારા ઉપર વિશ્વાસ રાખીને જોઇ આવે. નહિ ગમે તો અમારા બધાની ટિકીટના પૈસા હું આપી દઇશ.'' જોઇ આવ્યા બધા ય, પણ એક પણ મૅમ્બર પૈસા માંગવા ન આવ્યો, ફિલ્મ અમદાવાદીઓએ જોઇ હતી છતાં ! યસ. વચમાં આશિષ કક્કડની ખૂબ સારી ફિલ્મ 'બૅટર હાફ' જોઇને પણ મન મક્કમ થઇ ગયું હતું કે, ચાન્સ આપો, તો ગુજરાતના યુવાન ફિલ્મ સર્જકો કોઇથી કમ નથી.

અને એ જ અભિષેક જૈન...ઓહ, હજી તો એ કૉલેજમાંથી ભણીને તાજો બહાર આવેલો ફૂટડો યુવાન છે, એની પાસેથી રાજ કપૂર, વ્હી.શાંતારામ કે મેહબૂબ ખાન જેવા મહાન સર્જકની આશા તો કેમ રાખી શકાય ?

પણ હમણાં અભિએ બીજી ફિલ્મ બનાવી, 'બે યાર.' સવાલ સરખામણીનો નહિ, પણ આ ફિલ્મ રાજ કપૂર કે શાંતારામ જેવા સર્જકોએ બનાવી હોય, એવી અદ્ભૂત બની. ફિલ્મ જોઇને બહાર નીકળેલા પ્રેક્ષકો હજી માની શકતા નથી કે, આપણે કોઇ ગુજરાતી ફિલ્મ જોઇને નીકળ્યા છીએ. યસ. મને ફિલ્મ જોવાનો છેલ્લા ૫૦-વર્ષનો જે કોઇ અનુભવ છે, એ ઉપરથી કહી શકું કે, આટલી સર્વાંગ સુંદર ફિલ્મ તો હિંદીમાં ય ભાગ્યે જ બને છે. આ કૉલમના વાચકો 'બે યાર' જોઇ આવશે ને એકાદાને પણ નહિ ગમે, તો એની ટિકીટના પૂરા પૈસા એ એકાદાના પડોસી પાસેથી લઇ આવજો. પેલા એકાદા કરતા કમસેકમ એનો પડોસી તો વધુ બુદ્ધિશાળી હશે ?

મજ્જાની વાત એ છે કે, આખી ફિલ્મ અમદાવાદના લોકેશન્સ પર ઉતરી છે. માણેક ચોકથી માંડીની સીજી રોડ....બધું આવી જાય ! પણ એથી ય વધુ ફખ્ર થાય, આખી ફિલ્મની ભાષા બિલકુલ અમદાવાદી....પેલા 'નવરી બજાર'ના જીતેન્દ્ર ઠક્કર જેવી રાખી છે. આપણે ફિલ્મ જોવાને બદલે ગુજરાત યુનિવર્સિટીની પેલી ચાની લારીએ ઊભા હોઇએ, એવી ભાષા સંભળાયે રાખે, ત્યારે પોતીકાપણાંનો એહસાસ થાય. અમદાવાદી યુવાનો ભણતા ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય, પણ બોલચાલની છાંટ તો ટિપીકલ અમદાવાદની રહેવાની, ''બે યાર...એ ટણપાની મેથી માર્યા વગર મંગાય અડધી કમ શક્કર !''

ગુજરાતી સાહિત્યકારોની હવે તો બેકારી આવે એવી શુધ્ધ ગુજરાતી ભાષા.... 'અવનિની અગમ્ય ગગનમણિકા, વ્યોમના પાર્થિવ નિરભ્ર નયનો....!'ની સરખામણીમાં આ ફિલ્મનું ગુજરાતી વધારે ગુજરાતી લાગે છે. સાલા આપણે આર્ટ્સ ગ્રૅજ્યુએટ થયા હોઇએ, તો જ આ મહાન સાહિત્યકારોનું લખેલું સમજાય. ડૉક્ટર કે સી.એ. થયા હોઇએ તો આ લોકોને વાંચવા માટે દુભાષીયા રાખવા પડે.

'બે યાર' જોવી જ જોઇએ, એની એક હાસ્યલેખક તરફથી મજબુત ભલામણ છે. ફિલ્મ શરૂ થાય, ત્યારથી અંત સુધી ફિલ્મ હળવી રાખી છે. મંદમંદ તો, ક્યારેક ખડખડાટ હસવું પૂરી ફિલ્મ દરમ્યાન આવે રાખે, છતાં એકે ય દ્રષ્ય કે સંવાદમાં દિગ્દર્શકે પ્રેક્ષકોને હસાવવાનો કરતબ અજમાવ્યો નથી. ફિલ્મની સીચ્યૂએશન્સ જ એવી આવતી જાય કે, દરેક મિનિટે હસવું સ્વયંભૂ આવતું રહે ને છતાં ય, કપિલ શર્મા કે જહૉની લીવરની જેમ કોઇને ઉતારી પાડીને હસાવવાનો પ્રયત્ન ક્યાંય નહિ, પણ મીનિંગફુલ કૉમેડી અહીં અનાયાસ ઊભી થતી રહી છે. ખાસ અમદાવાદી છોકરા-છોકરીઓ આજકાલ વાપરે છે, એવી અમદાવાદી લિંગો, ''બકા....'', ''મેથી ના માર ને, ભ'ઇ'' કે ક્યારેક તો અત્યંત ગંભીર સીચ્યુએશનમાં બીજા કોઇ નહિ ને પરદેશી ધોળીયાને ખૂબ અકળાયેલો હીરો કહી દે છે, ''ખા, તારી માં ના સમ...!''

યસ. ફિલ્મ હીરોઇન વગરની કહો તો ચાલે. હીરોઇન નામની છે, પણ હજી કૅમેરાની સામે આવવા માટે એને થોડા ચીઝ-બટર ખાવાની જરૂરત લાગે છે. આમ જુઓ તો ફિલ્મનો હીરો ય કોઇ ટ્રેડિશનલ હીરો નથી જે, ઊડતા હૅલીકૉપ્ટરમાંથી નીચે રોડ પર જતી જીપમાં ભૂસકો મારીને હીરોઇનને બચાવી લે કે, ભરચક પાર્ટીમાં, મહારાજ લૉજમાં રોટલી વણતા હોય એમ પિયાનો ઉપર આંગળા ફેરવીને ગીતડાં ગાય. આ ફિલ્મના તો બન્ને હીરા આપણી બાજુના ફલૅટમાં રહેતા છોકરાઓ જેવા છે, બેમાંથી એકે ય પાસે 'શોલે' ન કરાવાય, પણ આ ફિલ્મનું પોત જોતાં, અમિતાભ કે ધર્મેન્દ્ર પાસે ય 'બે યાર' ન કરાવાય....એ બન્નેની બાઓ ખીજાય ! આ ફિલ્મમાં તો દિવ્યાંગ ઠક્કર અને પ્રતિક ગાંધી જ ચાલે. અહીં અભિષેક જૈને ફિલ્મમાં હીરોને બદલે મારા-તમારા ઘરના છોકરાઓ જેવા બે કેરેક્ટરો લીધા છે. ફાધર (દર્શન જરીવાલા) પણ, ''બેટેએએએ...યે તૂને ક્યા કિયા....ઠાકૂર ખાનદાન કી ઇજ્જત મિટ્ટી મેં મિલા દી....'' જેવા બરાડા નથી પાડતા. મધ્યમ વર્ગનો પિતા એના દીકરા સાથે જેટલી સાહજીકતાથી પ્રેમ કરે, ખીજાય, ઠપકો આપે કે, દીકરાના દોસ્તલોગ માટે 'ડ્રિન્ક્સ'ની ય વ્યવસ્થા કરી આપે, એવો વ્યવહારૂ ફાધર છે. મૉમ તરીકે આપણા અમદાવાદની જ નિપુણ આર્ટિસ્ટ આરતી પટેલ ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે આંસુભરી આંખે રોદણાં નથી રોતી...ઓછા સંવાદમાં કેવળ ઍક્સપ્રેશન્સથી ય આરતી ઘણું કહી જાય છે. 'બે યાર'નો વિલન (મનોજ જોશી) આમ તો હિંદી ફિલ્મના વિલન જેવો સોફિસ્ટિકેટેડ છે, પણ એને વિલન કહેવા કરતા, પાક્કો અમદાવાદી બિઝનૅસમૅન કહેવો વધુ વ્યાજબી છે. એક ઍક્ટર તરીકે, અમિત મિસ્ત્રી 'બે યાર'ને તોફાનમસ્તીભર્યું બનાવવામાં સાવ સાહજીક રહ્યો છે. અને મારા મોરબીનો ગોળમટોળ કવિન દવે અનેક હિંદી ફિલ્મોમાં સહુને યાદ રહી ગયો છે. અહીં એ પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં આવીને સમાંતર રોલ કરે છે. ઓહ, જે ભાવેશ માંડલીયાએ, પરેશ રાવલની ફિલ્મ 'ઑહ, માય ગૉડ' લખી હતી, એ જ અહીં સહલેખક છે, નીરેન ભટ્ટ સાથે. સચિન-જીગર તો હિંદી ફિલ્મોના જાણિતા સંગીતકારો છે, એ અહીં કસબ બતાવી ગયા છે.

સવાલ એ છે કે, હજી સુધી આવી સર્વાંગ સુંદર ફિલ્મને ગુજરાત સરકારે હજી સુધી કરમુક્ત (ટૅક્સ-ફ્રી) કેમ જાહેર નથી કરી ? એક તો, હજારો વર્ષ પછી માંડ એક સારી ગુજરાતી ફિલ્મ આવી છે તો, ગર્વ સાથે ગુજરાતના ઘરઘરમાં એને જોવા દો. શું ગુજરાતી ફિલ્મને કરમુક્ત બનાવવા માટે સ્નેહલતા કે સની લિયોનીનું હોવું જરૂરી છે?

સિક્સર

- ફિલ્મ 'ફાઇન્ડિંગ ફૅની' બધી રીતે સારી છે. પણ ડિમ્પલ કાપડીયાના બુઢ્ઢા પ્રેમી તરીકે નસીરૂદ્દીન શાહ સહેજ બી જામતો નથી...

એ લોકોએ મેહનત કરી હોત તો અમદાવાદમાંથી જ કોક સારો બુઢ્ઢો મળી આવત....કોઇ પંખો ચાલુ કરો !

14/09/2014

ઍનકાઉન્ટર : 14-09-2014

* 'કાગડો દહીંથરૂં લઈ ગયો' કહેવત માટે કાગડાને જ કેમ પસંદ કરવામાં આવ્યો?
- નેતાઓ યાદ નહોતા આવ્યા.
(મયૂરી વોરા, સુરેન્દ્રનગર)

* બધા નેતાઓ ચંદ્ર ઉપર જાય તો?
- ચિંતા જાય એની ન હોય... પાછા આવતા રહે, એની હોય.
(મનિષ દુધાત, તલાલી-અમરેલી)

* તમારી મનગમતી કહેવત કઈ?
- બીપીજે... એટલે કે, 'બોન પૈણાવવા જાય!'
(વીરેન્દ્ર જાની, જામનગર)

* તમને લેખક બનવાનું પ્રોત્સાહન કોણે આપ્યું હતું?
- એને પકડીને તમારે ફટકારવો છે?
(અમરીશ મોકાણી, વડોદરા)

* અમેરિકન પ્રજાનો કયો ગુણ તમને વધુ ગમ્યો?
- હું એમને બહુ ગમી ગયો'તો...એ!
(જીજ્ઞોશ ગાંધી, મુંબઈ)

* શું તમે મારીયા શારાપોવાને ઓળખો છો ખરા?
- સગપણમાં એ મારા માસીની દીકરી થાય. પણ એનું એને અભિમાન જરાય નહિ.
(અક્ષય પટેલ, અમદાવાદ)

* ભારતનું તમારૂં બજેટ કેવું હોય?
- બજેટ બહાર પાડનારને બજેટની સમજ હોવી જરૂરી નથી.
(વૃત્તિ પટેલ, કરજણ)

* તમે મારા સવાલોના જવાબ કેમ નથી આપતા?
- આટલી સૂચનાઓ લખવા છતાં, હજી ઘણા વાચકો પોતાનું નામ, સરનામું ને મોબાઈલ નંબર નથી લખતા. એક સાથે બે-ત્રણ સવાલો પૂછનારને ય જવાબ ન મળે.
(ખુશ્બુ ઠાકુર, વડોદરા)

* તમે અમેરિકાનો વિઝા લેવા ગયા, ત્યાં ય આવા ફની જવાબો આપ્યા હતા?
- એમને મારો એકેય જવાબ 'ફની' નહતો લાગ્યો, માટે વિઝા આપ્યા હતા.
(નિમેશ વી. પટણી, અમદાવાદ)

* સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, તો સદીના મહાગાયક કોણ?
- અફ કૉર્સ, મુહમ્મદ રફી.
(ફાતેમા પેટલાદવાલા, છોટા ઉદેપુર)

* કોઈ સંતપુરૂષનું પ્રથમ લક્ષણ કયું?
- આ સવાલ મને ને મને જ ન પૂછાય...!
(ડી.વી. પરમાર, વડોદરા)

* મારી પત્ની નવો ફલૅટ મંદિર સામે લેવાનું કહે છે ને મારે લૅડીઝ હૉસ્ટેલની સામે લેવો છે. શું કરવું?
- ભગવાન કોઈને આવી પત્ની ન આપે... ને કોઈને આવો ગોરધન ન આપે!
(જયેશ અંતાણી, ભાવનગર)

* મને તમારા જવાબો કેમ સમજાતા નથી?
- એ તો મને સમજાતા હોય તો તમને સમજાય ને!
(રિધ્ધિ ઠક્કર, અમદાવાદ)

* પહેલા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મો બ્રાહ્મણ કલાકારોથી ધમધમતી હતી. આજે કેમનું છે?
- ખાલી ખિસ્સે શું ધમધમવાનું?
(અસદઅલી મોમિન, વસો)

* આજનો માણસ રૂપિયા રળવામાં પરચૂરણ થઈને વેરાઈ રહ્યો છે...
- 'પૈસો હાથનો મેલ છે', એવું મિડલ-ક્લાસવાળા કહે છે... કોઈ અબજોપતિને આવું કહેતા સાંભળ્યો? ના. એ જાણે છે કે, પૈસો હાથનો મેલ નથી.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઈ)

* જૂનાગઢમાં 'અશોકના શિલાલેખો'ની છત ધરાશાયી થઈ. હવે શું?
- એમાં શું? અશોકને કહી દઈશું, બીજા શિલાલેખો લખી નાંખે.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

* લગ્ન અને યુધ્ધ વચ્ચે શું તફાવત?
- લગ્નથી કંટાળીને માણસ યુધ્ધમાં જોડાઈ જાય છે...
(રવિ સોનૈયા, જામ ખંભાળીયા)

* અશોકભાઈ, અમારા ગઢાળી ગામ (ગીર)માં આજકાલ સિંહોની અવરજવર વધી ગઈ છે. શું કરવું?
- તમને અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે, ગીરમાં મારી અવરજવરને આમ જાહેરમાં બાફી ન મારો.
(પી.કે. ચાવડા, ગઢાળી ગીર, મેંદરડા)

* સવાલો હવે ઈ-મૅઈલ પર આવતા થયા, એમાં જૂના કાયમી નામો ઊડી ગયા... સુઉં કિયો છો?
- ક્રાંતિ હંમેશા ભોગ માંગી લે છે.
(મૌલિક ભટ્ટ, જૂનાગઢ)

* તમારા પત્ની તમારા લગ્ન પહેલાની ગર્લફ્રેન્ડ વિશે પૂછે છે ખરા?
- એને ખબર છે કે, એ સંસારના સૌથી પવિત્ર પુરૂષને પરણી છે... ને જાણે છે કે, મારે લગ્ન પહેલાની કોઈ ગર્લફ્રેન્ડ ન હોય... પછીની જ હોય!
(નૂતન પટેલ, ખેરોલ-તલોદ)

* સતયુગમાં રામાયણ, મહાભારત ને ભગવદ્ ગીતા જેવા ગ્રંથો હતા, અને કલીયુગમાં?
- પાસબૂક.
(કિશન વી. પરમાર, માણસા)

* તમને 'ન્યુયોર્ક ટાઈમ્સ'માં 'ઍનકાઉન્ટર'ની કૉલમ શરૂ કરવાનું આમંત્રણ મળે તો?
- ન જાઉં... મારા ગુજરાતના ''સાડા પાંચ કરોડ ગુજરાતીઓ'' સુધી કોઈ છાપું પહોંચતું નથી.
(ગૌરવ ભટ્ટ, રાજકોટ)

* હિંદુઓમાં કયા ધર્મના લોકો ઉપર વિશ્વાસ ન કરવો?
- આપણો દેશ આમે ય ધર્મોના પાપે ડૂબેલો છે. જેને ધર્મ નહિ, દેશ વહાલો હોય, એ તમામનો વિશ્વાસ કરજો... કમનસીબે, એવી તો એક વ્યક્તિ પણ તમને નહિ મળે.
(છાયા પંડયા, મુંબઈ)

*  શું તમારા લેખો તમારૂં ફૅમિલી વાંચે છે?
- ના. એ લોકો તો બુધ્ધિશાળી છે.
(હાર્દિક ક્યાદા, અમદાવાદ)

* છોકરીઓ સારો પતિ મળે, એ માટે અનેક વ્રત કરે છે. છોકરાઓ કેમ નહિ?
- સારો પતિ મેળવવા છોકરાઓ શું કામ વ્રત કરે? સમાજમાં કેટલું ખરાબ લાગે! બા કેટલા ખીજાય?
(સુરભી પંચાલ, મીઠાપુર)

* મારે તમારા સ્વિસ-ખાતામાં થોડા પૈસા મૂકવા છે... આપનો ઍકાઉન્ટ નંબર શું છે?
- સ્વિસ-ઍકાઉન્ટ્સ થોડા પૈસા મૂકવા માટે નથી. આગળ જાઓ, બાબા!
(મિતુલ ઘેડીયા, અમદાવાદ)

'આકાશદીપ' ('૬૫)

- ચિત્રગુપ્તનું મધુરૂં સંગીત

મુઝે દર્દે દિલ કા પતા ન થા...
દિલ કા દિયા,જલાકે ગયા...

- ચિત્રગુપ્ત માણસ તરીકે કેવા ઉત્તમ હશે, એનો નમૂનો આ ફિલ્મમાં જોવા મળે છે. આશા-મન્ના ડે અને બલબીર પાસે એ જમાનાની ફેશન મુજબ, એક પૅરડી ગીત, 'જા રહા હૂં જીંદગી સે દૂર મૈં, પહેલી બીબી....' મૂકવામાં આવ્યું છે. આવા ગીતમાં જૂનાં ગીતોના એક એક ટુકડા ભેગા કરીને એક ગીત બનાવવામાં આવે છે. લગભગ દરેક સંગીતકારે આ કામ કર્યું છે

ફિલ્મ : 'આકાશદીપ' ('૬૫)
નિર્માતા : રંગમ-મુંબઈ
દિગ્દર્શક : ફણી મજમુદાર
સંગીત : ચિત્રગુપ્ત
ગીતો : મજરૂહ સુલતાનપુરી
રનિંગ ટાઈમ : ૧૭-રીલ્સ
થીયેટર : લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, નંદા, ધર્મેન્દ્ર, નિમ્મી, મેહમુદ, શુભા ખોટે, રાશિદ ખાન, મોની ચેટર્જી, અચલા સચદેવ, તરૂણ બૉઝ, ચંદ્રિમા ભાદુરી, શિવરાજ, ચમન પુરી, કેશ્ટો મુકર્જી, કુંદન, કઠાના, મુકુંદ બેનર્જી, કુમુદ ત્રિપાઠી, જી.એમ. દુરાણી અને તિવારી.



ગીત
૧. ગયા ઉજાલા, સૂરજ ડૂબા, અબ હૈ મેરી બારી.... મન્ના ડે
૨. દિલ કા દિયા, જલાકે ગયા, યે કૌન મેરી.... લતા મંગેશકર
૩. મિલે તો ફિર ઝૂકે નહિ, નઝર વો હી પ્યાર કી.... લતા મંગેશકર
૪. જા રહા હૂં જીંદગી સે દૂર મૈં, પહેલી બીબી.... આશા-મન્ના ડે-બલબીર
૫. મુઝે દર્દ-એ-દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ.... મુહમ્મદ રફી
૬. ઘર મેં ન ચાવલ, બાઝાર મેં ન દાલ, આજ જીને.... મન્ના ડે
૭. ગુડીયા બનકે નાચું, સાજના કે દ્વારે.... આશા ભોંસલે-ઉષા મંગેશકર
૮. સુનિયે જાના, ક્યા પ્યાર મેં શરમાના.... લતા મંગેશકર-મહેન્દ્ર કપૂર

ગીત નં.૭ ફિલ્મની (ટી-સીરિઝ) વિડિયો-સીડીમાંથી કાઢી નાંખવામાં આવ્યું છે.

અશોક કુમારની કોઈપણ ફિલ્મ જુઓ... પછી પૂછવું ન પડે કે, હિંદી ફિલ્મોનો આજ સુધીનો સર્વોત્તમ ઍક્ટર કોણ છે! આ માણસને તો મારીમચડીને ઍક્ટર બનાવવામાં આવ્યો હતો, બૉમ્બે ટૉકિઝમાં અને શરૂઆતની એ ફિલ્મોમાં તો ભ'ઈ હીરોઈનને અડવાનું તો બહુ દૂરની વાત છે, દેવિકારાણીની પાસે ઊભા રહેતા ય થથરી જતા હતા...

ને એ જ દાદામોની આવનારા ૬૦-૬૫ વર્ષો સુધી સર્વોત્તમ 'ઍક્ટર' સાબિત થતા રહ્યા... મોટા ભાગની ફિલ્મોમાં ઍન્ટી-હીરો કહો, વિલન કહો કે ડાર્ક-શૅડના પાત્રો ભજવવા છતાં!

આ ફ્લ્મિના તો એ હીરો છે અને તે પણ ડાર્ક-શૅડવાળા હીરો. ઔપચારિક રીતે હીરો-હીરોઈન ધરેન્દ્ર અને નંદા છે અને હીરોની હીરોઈન વાઈફ તરીકે નિમ્મી છે, પણ એ બધાને શોભાના પૂતળાંની જેમ ફિલ્મમાં ફેરવે રાખ્યા છે. અધરવાઈઝ, ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક ફણી મજમુદારે બનાવી હોવા છતાં, મોટી આશાઓ જગાવ્યા પછી પૂરી થતા સુધીમાં ફિલ્મને ફાલતુ બનાવી દેવાઈ, એટલે મારા જેવા 'ફણી'નો ઉચ્ચાર 'ફની' કરે... ઔર ક્યા...? તેમ છતાં, દાદામોની (બંગાળીમાં ઉચ્ચારો પહોળા હોવાને કારણે 'મણી'નું 'મોની' બોલાય છે. ત્યાં લતાને 'લોતા મોંગેશકોર' ...અમને 'ઓશોકબાબુ' કહે છે.) એ ઍઝ યુઝવલ... એવો અભિનય આપ્યો છે કે, એમની હરએક ફિલ્મ જોયા પછી લાગે કે, આ રોલ તો અશોકકુમાર સમો બીજો કોઈ કરી શકે નહિ ને એવું તમને ય લાગ્યું હોય, તો તમે સાચા છો, કૂંવરજી!

ધર્મેન્દ્ર તો હજી નવોસવો હતો, એટલે એની પાસે સ્ક્રીન પર વધુ સમય આવવાની કે સારી ઍક્ટિંગની અપેક્ષા ન રખાય. એ વાત જુદી છે કે, એ સારો ઍક્ટર એ વખતે ય નહોતો...! નંદા જેવી પરફૅક્ટ ઍક્ટ્રેસને પણ અહીં મેદાન મળ્યું નથી, ત્યાં અશોક કુમારની મૂંગી પત્નીના રોલમાં તો નિમ્મી અમથું ય શું બોલી બતાવી શકે? આપણે ઓળખી શકીએ એવા જ તમામ કલાકારો આ ફિલ્મમાં છે. બહુ ધ્યાન ન પડયું હોય, એવો નાનકડો રોલ જૂના જમાનાના ગાયક જી.એમ. દુર્રાણીનો છે. આ ફિલ્મમાં એ એક લંગડા મિલ-મજદૂર તરીકે આવે છે. નિમ્મીના એ સગા માસા થાય.

પણ આ ફિલ્મમાં અદ્ભુત એક્ટિંગ માટે દાદામોની જેટલો જ કોઈનો ખભો થાબડવો હોય તો એ કૉમેડિયન મેહમુદનો. કમનસીબે, આપણા દેશમાં કૉમેડીયનોને 'ઍક્ટર' નહિ, કૉમેડિયનનો જ દરજ્જો મળે છે, નહિ તો અભિનયની ચરમસીમાઓને અડવા જઈએ, તો ત્યાં આપણા તમામ ગ્રેટ કલાકારોની આજુબાજુમાં આ કૉમેડીયનો ઊભેલા જોવા મળે. શુભા ખોટે પણ મેહમુદથી કમ નહોતી, પણ એક આંખમાં ખાનદાની તકલીફ અને કહેવાય કૉમેડીયન, એટલે જેને એ લાયક હતી, તે દરજ્જો ન મળ્યો. પણ આ ફિલ્મ જોવાની લિજ્જત સંગીતકાર ચિત્રગુપ્તને કારણે વધી જાય છે. ચિત્રગુપ્ત હંમેશા 'અન્ડરરેટેડ' સંગીતકાર રહ્યા. મોટા મોટા હાથીઓની મહેફીલમાં આમને બેસવાનું સિંહાસન નહિ-જેને એ લાયક હતા- પણ નેતરની ખુરશી ય મળી. નહિ તો આ જ ફિલ્મમાં મુહમ્મદ રફી પાસે ભલે ગીત એક ગવડાવ્યું છે, 'મુઝે દર્દ-એ-દિલ કા પતા ન થા, મુઝે આપ કિસ લિયે મિલ ગયે...' રફી સાહેબના શોખિનો માટે આજે ૪૯-વર્ષ પછી ય આ ગીત ''આહા...ઓહો..ને 'ક્યા બ્બાત હૈ'' જૉન૨નું રહ્યું છે. ગીતના પ્રારંભમાં વૉયલિનનો કેવો મીઠડો સોલો-પીસ વાગ્યો છે, પણ સ્થાયી પછી ઇન્ટરલ્યૂડ મ્યુઝિકમાં એમની ૧૫, ૨૫ કે ૩૦ વૉયલિનમાં બેશક કમાલ થઇ છે ને એ વૉયલિન હાઇ-પિચ (તારસપ્તક)માં જતા વાંસળી જેવી અસર ઉપજાવે છે. આ ગીતમાં વધારાનો એક અંતરો બાકીના બન્ને અંતરાઓ કરતા જુદી ધૂનમાં બન્યો છે. મીઠો તો લાગે જ. ''મૈં ગરીબ હાથ બઢા તો લૂં, તુમ્હેં પા સકું, ઝૂકે ન પા સકું, મેરી જાં બહોત હૈ યે ફાસલા, મુજે આપ કિસ લિયે મિલ ગયે...''

આપણા જમાનાના સંગીતકારો મોટા ભાગે એમની પૅટર્ન પ્રમાણે ઑરકેસ્ટ્રામાં લગભગ દરેક ગીતમાં એમનું માનિતું ઈન્સ્ટ્રુમૅન્ટ રીપિટ વગાડે રાખે છે, કેટલા વૉયલિન વાદકો બેસાડે છે, એના ઉપરથી પરખ થતી. શંકર-જયકિશનથી મોટું નામ તો હોઇ જ ન શકે, જેમણે કેટલાક ગીતોમાં તો એક સાથે ૭૦-૮૦ વૉયલિનપ્લેયર્સ બેસાડયા છે. નૌશાદે સમુચિત અને કવચિત ઉપયોગ કર્યો, એટલે આ પૅટર્નમાં એ ન ગોઠવાયા. પણ જેમણે જૂના ગીતો વર્ષોથી બહુ સાંભળ્યા હોય, એ ચાહકો બહુધા વૉયલિનના અવાજ ઉપરથી કહી શકે કે, સંગીત અનિલ બિશ્વાસનું છે (વૉયલીનનો બહુ ઓછો ઉપયોગ), રવિનું છે, ઓપી નૈયર કે મદન મોહનનું છે. કલ્યાણજી-આણંદજી ખોટા ખર્ચામાં બહુ ન માનતા. લક્ષ્મી-પ્યારેએ તો કબુલ કર્યું છે કે, એમના સંગીતની પૅટર્ન શંકર-જયકિશનની જ હતી. એ પછી રાહુલદેવ બર્મને ફિલ્મ 'શાન'માં વર્લ્ડની તો ખબર નથી, પણ ઇન્ડિયન રૅકૉર્ડ જરૂર કરી નાંખ્યો, 'પ્યાર કરને વાલે, પ્યાર કરતે હૈં શાન સે, જીતે હૈં શાન સે...' ગીતમાં કોઇ ૧૦૦ કે ૧૨૦ જેટલા વૉયલિનવાદકો પાસે કામ લીધું. છતાં, આ લખનારની સમજ મુજબ, વૉયલિનનો ખૂબ અસરકારક ઉપયોગ રાજેશ રોશને કર્યો છે. સી.રામચંદ્રની ઓરકેસ્ટ્રામાં કોઇ ૮-૧૦ વાદકો તો માંડ હશે.

ચિત્રગુપ્ત માટે એમના અવસાન પછી ય રોજેરોજ અહોભાવ વધતો જવાના બે કારણો. એક તો, હિંદી ફિલ્મોના સર્વશ્રેષ્ઠ પૈકીના યુગલ ગીતો એમણે આપ્યા છે ને બીજું, મુહમ્મદ રફી પાસે તો ફિલ્મ 'ઉંચે લોગ'નું 'જાગ દિલે દીવાના રૂત જાગી, વસલે યાર કી' ગવડાવીને દુકાન બંધ કરી દીધી હોય તો ય, હું એ બન્નેના ફોટાને રોજ ફૂલહાર ચઢાવવાનું ન ચૂકતે... પણ આ બન્નેએ તો ગીતેગીતે કમાલો કરી છે. ડર છે કે, એ કમાલોનું ફક્ત એક જ ગીત અહીં લખવા જઇશ, તો બીજા પચાસ લખવા પડશે. રફી સાહેબના ડાયહાર્ડ ચાહકોને તો એ ગીતો યાદ અપાવવાની જરૂર પડે એમ નથી એ જેમને જરૂર પડતી હોય, એવા લોકો આ ગીતો સાંભળે કે ન સાંભળે...કોઇ ફરક નહિ અલબત્તા....!

ચિત્રગુપ્ત માણસ તરીકે કેવા ઉત્તમ હશે, એનો નમૂનો આ ફિલ્મમાં જોવા મળે છે. આશા-મન્ના ડે અને બલબીર પાસે એ જમાનાની ફેશન મુજબ, એક પૅરડી ગીત, 'જા રહા હૂં જીંદગી સે દૂર મૈં, પહેલી બીબી....' મૂકવામાં આવ્યું છે. આવા ગીતમાં જૂનાં ગીતોના એક એક ટુકડા ભેગા કરીને એક ગીત બનાવવામાં આવે છે. લગભગ દરેક સંગીતકારે આ કામ કર્યું છે, પણ ગીતમાં જે કોઇ ૮-૧૦ ગીતોના ટુકડા મૂકવામાં આવ્યા હોય, એ બધા એમની પોતાની જૂની ફિલ્મોના મશહૂર ગીતો હોય. ચિત્રગુપ્તે આ ગીતમાં એ જમાનાના લગભગ તમામ મશહૂર સંગીતકારોની એક રચના લીધી છે. પોતાની ફિલ્મના ગીતના ફક્ત બે ટુકડા ગીતના અંતે લીધા છે. આપણા ગુજરાતી, 'તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી...' ગીતના ગાયક સ્વ.દિલીપ ધોળકીયા (હિંદીમાં 'ળ'નો ઉચ્ચાર ગાયબ હોવાથી ત્યાં સહુ એમને 'દિલીપ ઢોલકીયા' ના નામે ઓળખતા.)

ચિત્રગુપ્તના કાયમી આસિસ્ટન્ટ હતા, એ આ ફિલ્મમાં પણ છે. ચિત્રગુપ્તના અવસાન પછી તેઓ લક્ષ્મીકાંત-પ્યારેલાલના સહાયક બન્યા હતા.

સિગારેટ પીનારાઓ માટે રોચક વાત એ છે કે, ફિલ્મમાં મેહમુદ પાન-બીડીની હોટલ ચલાવે છે અને '૬૫ની સાલમાં વિલ્સ નેવીકટનો ભાવ ₹ ૧.૨૦/- લખ્યો છે, ૨૦-સિગારેટના. આજે એ જ પૅકેટ કેટલાનું વેચાય છે, એ તો પીનારા જાણે !

ફિલ્મની વાર્તા આ મુજબ હતી :

અશોક કુમાર ખૂબ મહેનત-મજૂરી કરીને એક ગરીબમાંથી ટૅક્સટાઇલ મિલનો માલિક બની જાય છે. એના સગા ભાઈ મેહમુદને પણ પોતાની સાથે જોડાવા નોંતરે છે, પણ મા-બાપની નિશાનીવાળું મકાન અને હોટલ છોડવાની મેહમુદ વિનયપૂર્વક ના પાડે છે, જેથી દાદા ગુસ્સે થાય છે. અશોક એવા જ એક મિલમાલિકની મૂંગી પુત્રી નિમ્મી સાથે લગ્ન કરે છે. બીજી એક બહેન નંદા ધર્મેન્દ્રના પ્રેમમાં પડે છે. આ ધરમો અશોકકુમારની મિલનો કામદાર અને યુનિયન લીડર છે. અશોકને પોતાની બહેન નંદા સાથે ધર્મેન્દ્રની પ્રેમકથા મંજૂર નથી. દરમ્યાન અશોકની મિલના યુનિયન લીડરો મિલમાલિકનું જીવન હરામ કરી નાંખે છે, એમાં જનમથી જ ગુસ્સાવાળો ક્રોધના આલમમાં પોતાના પરિવારનો ય દુશ્મન બની જાય છે, એમાં પત્ની નિમ્મી ઘર છોડે છે ને નંદાને કાઢી મૂકાય છે. આ બાજુ યુનિયનમાં ફાટફૂટ પડે છે ને ધર્મેન્દ્ર મિલમાલિકની પુત્રી નંદાનો પ્રેમી હોવાને નાતે એમનો દુશ્મન બને છે. નંદા માલિકની પુત્રી હોવાથી એના ઉપર આળ આવે છે કે, યુનિયનની ખૂફીયા બાતમી એ એના ભાઇ અશોકને પહોંચાડે છે, એમાં ધરમો નંદાની કિટ્ટા કરી નાંખે છે. નંદા તમને યાદ હોય તો એના કપાળ ઉપર સવા ઇંચ આડો ચીરો હતો. એક તલ પણ ચેહરા ઉપર મૂકાઇ રાખ્યો હતો, જે ફિલ્મની જરૂરત મુજબ, કાઢઘાલ થયે રાખતો. આ ફિલ્મમાં ચીરો શાશ્વત છે પણ તલ ગાયબ છે.

છેલ્લે ક્યા કારણથી વાર્તાનો સુખદ અંત આવે છે, એ ફિલ્મ છૂટયા પછી ૧૦૦૦-પ્રેક્ષકોના ૨૦૦૦-મતો નીકળે છે ને એમાંનો એકે ય સાચો પડતો નથી કારણ કે, ફિલ્મ પૂરી કેવી રીતે થઇ ગઇ, એની તો દિગ્દર્શક 'ફન્ની' મજમુદારને ય ખબર પડી નથી.

અશોક કુમારનો માનિતો ડ્રેસ ઇન્સર્ટ કર્યા વિનાનો લાંબી બાંયનો બુશશર્ટ ને બટન બધા બીડેલા. શૂટમાં તો આપણે ય આટલા સારા લાગીએ છીએ તો આ તો દાદામોની હતા. ધર્મેન્દ્ર સેવાદળનો કાર્યકર હોય, એવા કપડા આખી ફિલ્મમાં પહેરી રાખે છે, પણ કાઢતો નથી. '૬૦-ના એ દશકમાં હીરોઇનો રાજા જાણે માથામાં ક્યો ક્યો માલસામાન ભરતી હતી, તે બધીઓના આ મોટા અંબોડા કે સ્વિચો નાંખેલી હોય. કાન નીચે લટકતી બધીઓની લટ બનાવટી હોય. એમ તો ઘણી બાબતો આજે ૪૯-વર્ષ પછી ય આ ફિલ્મની સમજાતી નથી. નંદાને અડધી ફિલ્મમાં પઠાણ શું કરવા બનાવી છે ? એનું કોઇ લૉજીક સમજાતું નથી. મેહમુદ અશોક કુમારથી અલગ રહે છે, પણ એના જેમ આખી ફિલ્મમાં અશોક એકાએક ઉપર લેવાદેવા વિનાનો ગુસ્સે કેમ કરે રાખે છે ? નિમ્મી મૂંગી છે, પણ સાંભળી શકે છે. કાન, નાક અને ગળાના જાણીતા ડૉક્ટરો તો એવું કહે છે કે, ગળા અને કાનની નસ એક જ હોવાથી જે બહેરૂં હોય તે મૂંગુ પણ હોય જ. મોટી ઉંમરે બહેરાપો આવ્યો હોય, એ જુદી વાત છે. નઝીર હુસેન, નાના પળશીકર અને મનમોહનકૃષ્ણની જમાતનો આખરી બારમાસી રોતડો શિવરાજ આ ફિલ્મમાં ગાંડો બને છે. વાર્તામાં એનું ગાંડા હોવું કોઇ મહત્ત્વ રાખતું હોય તો સમજાય, પણ.....

યૂ નો....આ તો હતા જ, 'ફન્ની' મજમુદાર!