Search This Blog

30/12/2015

પુરૂષો માટે

મસ્તુભ'ઈ ઉંમરને કારણે નહિ... સખ્ખત 'લાગી હતી', એટલે સીજી રોડ ઉપર આખા ગૂંચળું વળી જઈને-ઢીંચણથી ઢીંચણ અડાડીને ઊભા રહી ગયા હતા. આ 'લાગી' એટલે કોઈ રામ ભજનની રટણ-બટણ નહોતી લાગી... કોઈને કહેવાય નહિ, પણ પૂછી જોવાય એવી 'લાગી' હતી. આમાં હરિભક્તોનું કામ નહિ. આખા સીજી રોડ ઉપર એમને ક્યાંય શૌચાલય દેખાતું નહોતું. એમણે રાહુલ ગાંધીના સૌજન્યથી, એવું જરૂર સાંભળ્યું હતું કે, 'જહાં સોચ, વહાં શૌચાલય', પણ અત્યાર સુધી એ માનતા નહોતા. સોચ એટલે કે, વિચારવાને 'પુરૂષો માટે' સાથે શું સંબંધ ? અત્યારે એ સોચનો સઘળો હિસાબ-કિતાબ નજર સામે આવી ગયો હતો. પરમેશ્વરને પ્રાર્થના એટલી કે, એ વિચાર નજરની સામે રહે ત્યાં સુધી જ સારૂં છે. નજરમાંથી ઉતરીને હેઠે ગયો તો આખા સીજી રોડ ઉપર બૂમાબૂમ થઈ જશે. મસ્તુભ'ઈને 'સોચ' તો બેનમૂન આવી ગઈ હતી, પણ શૌચાલય આવતું નહોતું. 'સ' અને 'શ' વચ્ચેનો ફરક તો પોણા ગુજરાતને આવડતો નથી. રાહુલજીનો કોઈ વાંક નથી.

ગાડી તો ક્યાંય પાર્ક કરી હતી ને મોબાઈલનું ચાર્જર ખરીદવાનું હતું, એટલે ચાલતા નીકળવું પડે. ઈવન, ગાડીમાંથી ઉતર્યા ત્યારે મામલો આટલો હદ બહાર-કાબુ બહાર નહોતો. નહિ તો, ત્યાં જ કોઈ વ્યવસ્થા થઈ જાત. જોવાની વેદના એ છે કે, આખા સીજી રોડ ઉપર કોઈ ગપોલી કે ખૂણોખાંચો ય નહતો આવતો, જ્યાં જઈને મુખ પર સ્મિત સાથે દિવ્ય સંતોષનો આનંદ પ્રાપ્ત કરી શકાય. માંડ કોઈ ખૂણોખાંચરો આવતો હોય, ત્યાં પાણી-પુરીવાળા ઊભા હોય, ને ત્યાં તમે જાણો જ છો કે, ગુજરાતી મહિલાઓને પુરી નાની દેખાય ને ફરિયાદ કરે, પણ બાજુમાં પબ્લિક-ટોયલેટ હોય તો કોઈ વાંધો નહિ... મસાલા-પુરી તો ખાસ લેવાની !

રામ જાણે ગુજરાતમાં કાકાઓએ તો સમાજનું શું બગાડી નાંખ્યું છે કે, અમથા ય ભીંત પાસે ઊભા હોઈએ તો ય કોક બૂમ પાડે, ''એ કાકાઆઆઆ... અહીંયા નહિ.''

મનુષ્ય જીવનમાં કેટલીક સમસ્યાઓ ભલે દિવસમાં ૪-૫ વાર આવતી હોય... કોઈને દસ-બાર વારે ય હોય, પણ આ સમસ્યાઓ પહેલેથી જાણ કરતી નથી પણ છેલ્લી ઘડીએ આપણને સીધા કરી નાંખે છે... સોરી, વાંકા કરી નાંખે છે. રણમાં ભૂલા પડેલા આરબને આખા જીવનકાળ દરમ્યાન આવી-સીજી રોડ સરીખી સમસ્યાઓ આવતી નથી... ત્યાં કશું ન હોવા છતાં, 'સારા જહાં હમારા'ને ધોરણે મન ફાવે ત્યાં ભૂમિપૂજન કરી શકાય. બહુ બહુ તો ઊંટ પાસે સારી છાપ ન પડે, પણ એમ તો ઊંટો ય ક્યાં કદી આપણી ઉપર સારી છાપો પાડવા આવ્યા છે ? એ લોકો ય કાંઈ, આપણે જરા આઘા ગયા હોઈએ ત્યારે જ પતાવતા નથી હોતા. ધ્યાન ન રાખીએ તો આપણી ઉપરે ય પતાવે. આ તો એક વાત થાય છે.

મસ્તુભ'ઈ સીજી રોડ પરનું પાટીયે-પાટીયું વાંચતા હતા કે ક્યાંય 'પુરૂષો માટે' લખ્યું છે ? એક જગ્યાએ લખ્યું હતું, 'પુરૂષો માટે... 'મરણજીત'ના ગંજી-બનિયાન આજે જ ખરીદો.'

તારી ભલી થાય ચમના. પ્રવર્તમાન હાલતમાં તો સીજી રોડ ઉપર શૂટ પહેરીને નીકળ્યા હો, એમાં ય ભરાઈ જવાય. અને ગામમાં છાપ અને મરણજીતનો માલ ગમે તેટલા સારા, મજબુત અને ટકાઉ હોય... એટલો જ માલ પહેરીને કાંઈ સીજી રોડ ઉપર થોડું નીકળાય છે ? વળી, આવા મામલાઓમાં કાયદો તો તમે સૂટ પહેર્યો હોય કે ગંજી-બનિયાન, સરખો જ લાગુ પડે છે. વાચકો, કોઈ મને ટેકો આપો... મારી વાત ઢીલી પડી રહી છે ! યસ, વડા પ્રધાનશ્રીના 'સ્વચ્છતા અભિયાન'ના પોસ્ટરો ઉપર એમની નજર ચોક્કસ પડી, પણ સગવડ તો એ પોસ્ટરની નીચે ય કશી કરવામાં આવી નહોતી. મસ્તુભ'ઈ એવા ખીજાયા કે, આવતી ચૂંટણીમાં મતદાન-કેન્દ્ર પબ્લિક-ટોયલેટોમાં રાખશો તો જ વોટ આપવા જઈશ... સાલું, જે આપવું હોય, એ આપતા તો અવાય !

આમ ટટ્ટાર ઊભા રાખો તો મસ્તુભ'ઈની હાઇટ ૫'-૭'' જેટલી થાય, પણ ન રહેવાય, ન સહેવાયવાળી આ દશામાં એમના આખા બોડીની હાઈટ દોઢેક ફૂટની થઈ ગઈ હતી, એટલી હદે એ વાંકા વળી જતા હતા. એ બોલી શકતા નહોતા. વેદના પહેલા તો કેવળ એમના ચેહરા સુધી દેખાતી હતી... હવે 'જાયેં તો જાયેં કહાં, સમઝેગા કૌન યહાં, દર્દભરે દિલ કી ઝૂબાં... હોઓઓઓ', એ મનમાં કાયમ રમતું ગીત હોવા છતાં, એનો એક અર્થ આવો ય થશે, એ કદી ય વિચાર્યું નહોતું.

વાતે ય સાચી હતી. આવી વેદના સમઝે ય કોણ ? સમઝે તો ય, આમાં મદદ કેટલી કરી શકે ? મસ્તુભ'ઈએ ગળામાંથી માંડમાંડ અવાજ કાઢીને, ખૂબ ટેન્શનમાં રસ્તો ક્રોસ કરવા જતા એક ભ'ઈને રોકીને પૂછ્યું, ''એક્સક્યૂઝ મી... અહીં ક્યાંય પબ્લિક-ટોયલેટ જેવું ખરૂં ?''

''અરે બાપા... હું ય અડધી કલાકથી એ જ ગોતી રહ્યો છું.'' આટલું તો એ છ તબક્કે બોલ્યો. આખા સીજી રોડ ઉપર એક માત્ર મસ્તુભ'ઈ એની વેદના સમજી શકતા હતા, પણ મદદ કરી શકે એમ નહોતા. મનુષ્ય જીવનની આ એક જ સમસ્યા એવી છે, જેમાં 'વિના સહકાર, નહિ ઉદ્ધાર' વાળો આદર્શ ન ચાલે. આમાં તો પેલો, 'કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ...'ના નિયમોને આધિન બધું અબઘડી જ પતાવવું પડે. સુઉં કિયો છો ?

માઉન્ટ એવરેસ્ટની ટોચ કે ચીનની દિવાલ પર એરો બતાવીને 'ટોઈલેટ' લખ્યું હોય, એમ એક ઝાડની છાતીમાં ખિલ્લી મારેલું પતરાનું પાટીયું વાંચીને મસ્તુભ'ઈની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા, એ તાબડતોબ પાછા ખેંચી લીધા... અત્યારે આંખમાંથી પાણી વહેવડાવવાનો શો ફાયદો ? પ્રોબ્લેમ એટલો હતો કે, કોક અવળચંડાએ 'એરો' આકાશની દિશામાં કરી નાંખ્યો હતો. છતાં, 'પૂછતો નર પંડિત થાય', એ ધોરણે એ પાટીયાં નીચે ઊભેલા ચનાજોર ગરમવાળાને મસ્તુભ'ઈએ પૂછી જોયું, ''ભૈયાજી, યે તીર-કામઠાં ઉપર કી તરફ કિસને મારા હૈ ? મુઝે ટોયલેટ જાના હૈ...''
''વો મૈને હી મારા હૈ... જીતને લોગ મેરે પાસ ચના ખાને નહિ આતે, ઉતને ટોયલેટ કા પૂછને આતે હૈં... જાઓ ઉપર... જાના હો તો !''

હવે હદ થઈ રહી હતી. છેલ્લો સહારો ય ગયો. મસ્તુભ'ઈએ હિમ્મત કરીને એક શોપમાં ઘુસી જઈ, તદ્દન નવરા બેઠેલા માણસને પૂછ્યું, ''ભાઈ સા'બ... મને સખ્ખત લાગી છે... આટલામાં ક્યાંક... ?''

''એ ઘનશ્યામ... કાકા માટે રીક્ષા ઊભી રાખ તો...''

''એ ભ'ઈ, મેં ક્યાંય જવા માટે પૂછ્યું નથી... મને તો...''

''હા કાકા... હું ય તમને ટોયલેટનો જ રસ્તો કરી આપું છું. જુઓ. અહીંથી રીક્ષાવાળાને તમારે કહેવાનું, ''રેલ્વે સ્ટેશન લઈ લે... ત્યાં એક નંબરના પ્લેટફોર્મ ઉપર જે ટ્રેન ઊભી હોય એના ડબ્બામાં... અત્યારે જ ઉપડો.... ના સોરી, ગુજરાત મેલ તો રાત્રે...''

મસ્તુભ'ઈ પૂરો જવાબ સાંભળ્યા વિના નીકળી ગયા. એમને આ જગત ઉપરથી શ્રધ્ધા ઉઠી ગઈ. પણ અત્યારે શ્રધ્ધા ઉઠાડવાનો સમય નહતો. ચાલતા ચાલતા બે પગ વધુ ને વધુ સંકોચાતા ગયા. હવેનું એમનું ચાલવું, એ ચાલવું ન કહેવાય... એ દયાજનક અવસ્થામાં બાજુમાં જે ભીત મળી, એના ઉપર એક ઊંચો હાથ મૂકીને એના ટેકા ઉપર માથું ઢાળીને આંખો બંધ કરીને લાચારીમાં કેટલીક ક્ષણો ઊભા રહ્યા. ૪-૫ સેકન્ડે ભાનમાં આવ્યા ને અજાણતામાં એમની નજર એ હાથવાળી ભીંત ઉપર પડી, ત્યાં 'પબ્લિક-ટોયલેટ'નું આકર્ષક અને મનમોહક પાટીયું મારેલું હતું. કેટલાક વાચકો મારા આ બન્ને શબ્દોનો વિરોધ કરશે કે, આવા પાટીયાં માટે આવા ઊંચા વિશેષણો વાપરવાની ક્યાં જરૂર હતી ? આ શબ્દો તો અમે અમારી વાઈફો માટે વાપરીએ છીએ.મારો બચાવ એટલો જ કે, ઈશ્વર ન કરે ને તમે કોક'દિ મસ્તુભ'ઈ જેવી મુશ્કેલીમાં આવી પડો.

મસ્તુભ'ઈ મસ્તીમાં આવી ગયા. જગતમાં ઈશ્વર જેવું કાંઈ છે ખરૂં, એવું એમને પહેલીવાર સાચ્ચે જ લાગ્યું. આખો સીજી રોડ એમને ટોયલેટોથી હર્યોભર્યો લાગવા માંડયો. જ્યાં દ્રષ્ટિ પડે, ત્યાં ટોયલેટ દેખાવા માંડયું. ઉમંગ મ્હાતો નહતો. કાચી સેકન્ડમાં તો મસ્તુભ'ઈ મંઝિલે પહોંચી ગયા. મુખ પર મંદ મંદ મુસ્કાન સાથે આંખો બંધ કરીને તેઓ કોઈ ઉપાસના કરતા હોય, એવા છુટયા. એમણે જીવનમાં કંઈક પામ્યાનો આનંદ અનુભવ્યો, છેલ્લે જ્યારે 'હાઆઆઆ... શ' બોલાયું. ફરક એટલો હતો કે ટોયલેટ તો આગળના દરવાજે હતું... આ તો કોઈ દુકાનદાર ઘડી બે ઘડી હળવો થવા ટોયલેટ ગયો હશે ને દુકાન ખાલી પડી હતી અને મસ્તુભ'ઈ બસ... ઉતાવળવાળી ઈમર્જન્સીમાં એક દરવાજો વહેલો ચૂકી ગયા !

સિક્સર
- દિલ્હીમાં વાહનોની એકી-બેકી કરાવવાનો કોઈ ફાયદો ?
-... થાય કે ન થાય... પ્રદુષણ દૂર કરવાનો કમ-સે-કમ કોઈ પ્રયત્ન તો થયો !

27/12/2015

એન્કાઉન્ટર : 27-12-2015

* તમારી મનપસંદ આઉટડોર ગૅઇમ કઇ ?
- બારીમાં કપડાં સૂકાવવાની.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* રસ્તે થૂંકનારને કઇ સજા થવી જોઇએ ?
- પબ્લિકે ભેગા થઇને એની પાસે જ ચટાડવું. જોનારાઓ લાઇફ-ટાઇમમાં આવી ભૂલ નહિ કરે.
(અંકૂર મિસ્ત્રી, અજરાડ-નવસારી)

* રેસ્ટોરાંમાં રૅગ્યૂલર પાણી કે મિનરલ-વૉટરનું વૅઇટર પૂછે છે, એ બેશર્મી વિશે તમે એકલાએ લખ્યું હતું. હવે તો કૉફી-હાઉસવાળાઓ સાદું પાણી ય આપતા નથી. મોંઘા પૈસે બૉટલ ખરીદવી જ પડે ગ્રાહકો વિરોધ કેમ કરતા નથી ?
- વૅઇટર પાસે આબરૂ ન જાય માટે.
(મનસ્વી ઍફ. પટેલ, અમદાવાદ)

* સાચા ધર્મની વ્યાખ્યા શું ?
- હિંદુ ધર્મ સિવાય એક પણ ધર્મ બીજા ધર્મોનું પણ સરખું સન્માન કરતા જોયો નથી.
(જયેશ જરીવાલા, સુરત)

* મોદીજી ઉપર ભરોસો હતો કે દેશની પ્રગતિ કરાવશે, પણ એ તો અધોગતિ તરફ દેશને લઇ જઇ રહ્યા છે...!
- પ્રગતિ આજે ને આજે ન આવે... અધોગતિ હજી સુધી તો દેખાઇ નથી.
(સલોની, સુરત)

* પાકિસ્તાન સાથે શાંતિ-વાર્તા... મતલબ ?
- લોકસભાની ચૂંટણીઓ પહેલા મોદી કહેતા હતા, 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઇએ.'' પણ આવો જવાબ આપવાનું તત્કાલીન વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ માટે કહેવાયું હતું... તમારા સવાલ મુજબ... શાંતિ આપણે રાખીએ, વાર્તાઓ એ લોકો કરે રાખે.
(સાધના નાણાવટી, જામનગર)

* આપણા ચોમાસા વિશે તમારો શું અભિપ્રાય છે ?
- એકાદવાર વરસાદ પડે તો ફોટા પાડી રાખો... આવનારી પેઢીને બતાવી શકાય કે, ''જો બેટા, વરસાદ એટલે આકાશમાંથી આમ પાણી પડે તે.''
(મિશાંત લાકડાવાલા, સુરત)

* પાટીદારો પણ જાગ્યા... સુઉં કિયો છો, ભૂદેવ ?
- બ્રાહ્મણોનો મૂળભૂત ધંધો છિનવાઇ રહ્યો છે.
(જયેશ અંતાણી, ભાવનગર)

* આપણા દેશના હાલ જોતા ગાંધી બાપુના બા નહિ ખીજાતા હોય કે, 'તને આ શું સૂઝ્યું, કે દેશને આઝાદી અપાવી !'
- હાલમાં તો બીજા એક ગાંધીના બા ખીજાય ખીજાય કરે છે.
(મનોજ ગાંધી, રાજકોટ)

* યાકુબ મેમણને ફાંસીના વિરોધીઓ ઉપર સીબીઆઇએ નજર રાખવી જોઇએ કે નહિ ?
- અસહિષ્ણુતાના મુદ્દે આમિર ખાન કે શાહરૂખોનો બચાવ કરનારા હિંદુઓ ઉપર.. સીબીઆઇ તેલ લેવા ગયું... હવેથી આપણે નજર ચોક્કસ રાખવી જોઇએ.
(હાર્દિક ડી. રાવ, અમદાવાદ)

* રાહુલ ગાંધીના જૂતાં પકડનારા કોંગ્રેસી નેતાઓને શું મળશે ?
- જૂતાં.
(વાસુદેવ ભટ્ટ, મુંબઇ)

* જેન્તી જોખમ, પરવિણભ'ઇ અને ગોરધન... આ ત્રણમાંથી અસલી અશોક કોણ ?
- ત્રિદેવ ભેગા થાય ત્યારે 'મહાદેવ' બને છે.
(જયપ્રકાશ ભટ્ટ, અમદાવાદ)

* ટ્રેનના પાટા અને ઍરોડ્રામના રન-વે વચ્ચે શું તફાવત ?
- મુંબઇ જાઓ તો ખબર પડે...!
(નિકિતા સાવંત, નવસારી)

* આપણે ગુજરાતી હોવાનું ગૌરવ લેવું કે ભારતીય હોવાનું ?
- સૉરી... હજી સુધી તો આ બન્નેમાંથી એકનું પણ ગૌરવ અનુભવતો કોઇને જોયો નથી... હા, તમે ધર્મનું પૂછતા હો, તો આ વાત અલગ છે.
(સંજય બી. કંસારા, સુરત)

* દેશભક્તિનું ઝનૂન ચઢાવતી એક પણ સ્કૂલ ગુજરાતમાં છે ?
- ડૉનેશનના ઝનૂનો ચઢાવતી સ્કૂલો વિશે પૂછો તો કંઇ જવાબ પણ આપી શકું.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

* સવાલ ગુજરાતીમાં પૂછવાનું કહો છો, પણ ઈ-મૅઇલ આઈડી ઈંગ્લિશમાં છે... કોઇ કારણ ?
- યૉર ઈંગ્લિશ નૉલેજ વિશે યૂ નો.. મને કોઇ નૉલેજ નથી.
(કિશોર થાનકી, પોરબંદર)

* તમે જવાબો આપવાની શરૂઆત ક્યારે કરી હતી ?
- સાચા જ જવાબો વિશે પૂછતા હો, તો ક્યારે ય નહિ !
(એ.આર. રહેમાન બોગલ, ગોધરા)

* મૅડમ તુસાડ્ઝના મ્યુઝીયમમાં તમારૂં મીણનું પૂતળું ક્યારે ?
- એ લોકો માની ગયેલા... મેં તો ફક્ત પૂતળાને બદલે એટલા ખર્ચાની રકમ મને ચૂકવવાની રીક્વૅસ્ટ કરી હતી.
(નિર્મલ રાઠોડ, જામનગર)

* ચલણી નૉટો ઉપર ગાંધીજીની જેમ ડૉ. કલામ પણ હોવા જોઇએ કે નહિ ?
- અર્થાત્, તમે ડૉ. કલામ વિશે જાણો છો, એટલું ગાંધીજી વિશે જાણતા નથી.
(બ્રિજેશ મંદિરવાલા, સુરત)

* આજે રાત્રે મારા ઘરે પાણી-પુરીની પાર્ટી રાખી છે. આપ ડિમ્પલજીને સાથે લઇને આવશો ?
- ....પણ તમે બધા તો આજુબાજુમાં હશો જ ને ?... શું ફાયદો ?
(નાઝનીન કૌકાવાલા, સુરત)

* તમે શું માનો છો ? બ્રાહ્મણોને આરક્ષણ મળવું જોઇએ કે નહિ ?
- બ્રાહ્મણો પૈસેટકે ઓછા હશે... પણ ભિખારીઓ નથી.
(તરૂલતા આર. બટ્ટ, જૂનાગઢ)

* ફિલ્મોના હીરોલોગને માં કે હાથ કી ખીર અને મૂલી કે પરાઠે જ કેમ ભાવતા હશે ?
- એમની માંને બીજું કાંઇ આવડતું હોય તો ને ? જરા ધ્યાનથી જોજો... આવી માં પરણી ત્યારથી વિધવાઓ હોય છે.
(પુષ્પેન્દ્ર નાણાવટી, જામનગર)

* ભારતને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવું હોય તો શું કરવું જોઇએ ?
- 'શીલ' કાઢી નાંખીને 'ઇત' લગાવી દો.
(મયૂર વાળંદ, ભૂજ-કચ્છ)

* ઈન્ડિયાને સ્કૂલ-કૉલેજોની વધારે જરૂરત છે કે મંદિર-દેરાસરોની ?
- એક સલાહ આપું. ઈન્ડિયામાં રહેવું હોય તો ઈન્ડિયાને પેટ ભરીને દેવી હોય એટલી ગાળો દો... મંદિરો-દેરાસરો વિશે... સૉરી. અરે, જરૂર પડશે તો સ્કૂલ-કૉલેજો તોડીને ત્યાં મંદિર-દેરાસરો બનાવીશું... હંહ !
(કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* ગંદા રાજકારણમાં નિર્દોષ પ્રજા બલિનો બકરો બની જાય, તેનું શું ?
- તેનું કાંઇ નહિ.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

25/12/2015

મોતીયો આયો....

ભારત દેશમાં છેલ્લે છેલ્લે જેનું નામ 'મોતીલાલ' પડી ગયું, એ પડી ગયું. એ પછી કોઇએ આ નામ પાડયું નથી. જ્યાં જઇએ ત્યાં, ''મોતીયો આયો... મોતીયો આયો...'' આવી ભાષા લોકો બોલવા માંડયા હતા, જે આજ સુધી ચાલુ છે. અમારા જમાનાની ફિલ્મોમાં 'મોતી' નામ બહુ બહુ તો ઘોડા કે કૂતરાના પડતા. નૂતનના પિતાતુલ્ય (!) અભિનેતા મોતીલાલ લોકપ્રિય હોવાથી સિનેમા જોવા ગયેલા પ્રેક્ષકો સ્ક્રીન પર મોતીલાલના આવવાની રાહ જોતા, પણ એ આવે ત્યારે કદી ય, ''મોતીયો આયો... મોતીયો આયો'' નામની બૂમો નહોતા પાડતા. હું ભલે સ્વ. મોતીલાલની કક્ષાનો માણસ ન કહેવાઉં (કારણ કે, મારા નામની આગળ હજી 'સ્વ.' લગાડવાનું બાકી છે, છતાં મેં જોયું કે, ખુદ મારા જ દોસ્તો અને સગાઓ મારી ખબર કાઢવાને બદલે, ''હેં..! મોતીયો આયો?'' પૂછી પૂછીને ઘડી ભરતો મારૂં માનસ બદલી નાંખ્યું હતું કે, મારૂં અસલી નામ 'અશોક' નહિ, 'મોતીયો' હશે... પછી અપભ્રંશ થતું થતું 'અશોક' થઇ ગયું હશે!'

મૂળ ભારતીય શબ્દ 'મોતીયા'ને જનાવરો સાથે ચોક્કસપણે કોઇ લેવા-દેવા તો હશે જ, કારણ કે ઇંગ્લિશમાં એને cataract (કેટેરેક્ટ) કહે છે. શક્ય છે, આપણે ત્યાં મોતીયો બોલાય છે... ધોળીયાઓ 'બિલ્લી આઇ.. બિલ્લી આઇ'' બોલતા હશે... 'કેટ'નો એક 'એક્ટ' કાઢી નાંખીને!

કહે છે કે, ઉંમર થાય એટલે એક આંખમાં વહેલો-મોડો મોતીયો પાકે જ. આમાં કુદરત બી ગજબની ફિલ્મ ઉતારે છે. એક તો, 'ભ'ઇની આંખો નબળી લાગે છે'''હવે ઉંમર થઇ કહેવાય'' નામના આ બે રાઝ હવે ખુલી જવાના. છુપાવી રાખવામાં આપણે યુદ્ધે ચઢી જવાના ઝનૂનમાં આવી જતા એ, આ બંને વાતો મારો હાળો આ મોતીયો ખુલ્લે આમ જાહેર કરી દે છે.

મારે ય ગયા અઠવાડિયે મોતીયો ઉતરાવવો પડયો. આ પાછી બીજી ચિંતા! જેને આપણે ચઢવા જ દેવા માંગતા ન હોઇએ, એને 'ઉતરાવવો' પડે... કેમ જાણે આ મોતીયો, રેલ્વેના ટુ-ટિયર કોચમાં ઉપલા માળે સૂતેલા મફતીયા પેસેન્જર જેવો હોય કે એને પરાણે ઉતારવો પડે. ડોકટરો પાસે ય કોઇ સારા શબ્દો નથી હોતા. એ લોકો તો આપણાથી ય આગળ જઇને કહે છે, ''તમારો મોતીયો પાક્યો છે.'' ઉનાળામાં કાચી કેરીઓને પાકતા જોઇ છે, પણ કાચા મોતીયાને સાલું આવું પકવવા કોણ મૂકતું હશે?

આ મોતીયારામ પાછા એકલપેટા નથી આવતા. જોડીમાં આવે છે. એને એક જોડીયો ભાઇ પણ છે. એનું નામ પણ મોતીયો. એક ફ્લેટમાં રહેવા ગયા પછી બાજુમાં બીજો ખાલી અને પોસાય એવો હોય ને આપણે એ ય લઇ લઇએ એમ, બહુધા એ બંને આંખોમાં પાકે છે ને આંખોની બંને અભરાઇઓ પરથી એને ઉતરાવવો પડે છે. આમાં પાછી ડોકટરો એવી વ્યવસ્થા નથી સ્વીકારતા કે, હાલમાં ભલે એકમાં આવ્યો... આપણે ભેગા ભેગો બીજો ય ઉતારી લઇએ, એટલે પછી તમને કાયમની નિરાંત.. સુઉં કિયો છો? ઓન ધ કોન્ટ્રારી, આપણી બીજી આંખ તો કેટરિના કૈફ જેવી હોય એવા વખાણ કરીને ડોકટર કહે છે, ''તમારી બીજી આંખ તો બહુ સારી છે.'' એક સાથે એક સાયકલના બે પંકચરો કરાવો તો ઘણા સાયકલવાળાઓ ડિસકાઉન્ટ આપતા હોય છે, એવું કમનસીબે, મોતીયાના સંદર્ભમાં જોવા મળતું નથી.

ગાઢા ધૂમ્મસ જેવા અફસોસની વાત એ છે કે મોતીયો આપણને આવે, એમાં સમાજ તરફથી અન્ય દર્દીઓ જેવી સહાનુભૂતિ મળતી નથી. બીજા કોઇ રોગને કારણે ખાટલે લાંબા થયા હોઇએ, ત્યારે તો કાલે સવારે જ ઉપડવાના હોઇએ, એવી હમદર્દીથી ખબરકાઢુઓ આપણા કપાળે હાથ ફેરવીને પૂછે છે, ''ક્યારે કાઢી જવાના છે?'' એવું નથી પૂછતા... એના જેવું પૂછે છે, ''ડોકટર સુઉં કિયે છે? બચી તો જવાશે ને?'' આપણને સામટી ચાર હેડકીઓ તો એમના સવાલથી આવી જાય. મોતીયાવાળા ખબરકાઢુઓ નિરાંતે ખબર પૂછે છે, ''ઓય હોય... આ તો ખાલી મોતીયો જ હતો, એમ ને? મને તો એમ કે...'' એમણે બોલેલા આગળના શબ્દો અહીં હું ફક્ત લખવા ય જઉં તો, બાકીની બીજી ચાર હેડકીઓ આ લખતા લખતા આવી જાય.

પણ મને આંખના ખૂબ સારા સર્જન મળી ગયા હોવાથી પોતે અને મારા ફેમિલી પાસે મારા મોતીયાની સારસંભાળ ખૂબ જાળવીને લેવડાવી. ખાસ તો મોતીયાવાળી આંખ ઉપર પ્લાસ્ટિકનો ફૂલેલા- ફૂલેલા વાડકા જેવું ઢંકાવી દઇને એની ઉપર બેન્ડ-એઇડ જેવી પટ્ટીઓ લગાવી દીધી, જેથી એ આંખને નુકસાન ન થાય, પણ વાઇફ જુદુ સમજી. વાડકાવાળી આંખે મારે ફક્ત ૨૪ કલાક રહેવાનું હતું, એમાં એ ખીજાણી, ''તમે ય તી સુઉં... આ ઉંમરે ગામ આખાને આંયખુ માર માર કરો છો? હવે આ હારૂં નો લાગે?'' એ તો જવાબ આપવા મેં એની સામે જોયું, ત્યારે એ શરમાઇ, ''હવે આઘા રિયો.. ઘરમાં વઉ આયવી છે... નથ્થી હારા લાગતા.'' હું સારો નહિ લાગતો હોઉં, એ પોસિબલ છે, પણ એક બંધ આંખે હું ગામ આખાને આંખો મારૂં છું, એ એનો ભ્રમ તૂટી ગયો, એ સારૂં થયું.... હવે ભવિષ્યમાં એને કદી ભ્રમ તો નહિ રહે!... આપણે કાયદેસરના છૂટ્ટા!

આપણે હજી નાનકડી દુકાન શરૂ કરી હોય ને ઇલાકાના મવાલીલોગ આવીને પહેલો હપ્તો ઉઘરાવી જાય, એ જ દિવસથી, ''હવે બીજો લેવા ક્યારે આવશે?'' એ ફફડાટમાં આપણે ગ્રાહકને ય મવાલી સમજીને માલ મફતમાં આપી દઇએ, એમ એક આંખે આવેલો મોતીયો હવે બીજી આંખમાં ક્યારે આવશે, એના ફફડાટમાં હું એક આંખ બંધ રાખીને ય નિરાંતે સૂઇ શકતો નથી. ક્યારે અને ક્યાંથી આવશે, એની ભવિષ્યવાણી તો જગતના સર્વોત્તમ ઓપ્થલ્મોલોજીસ્ટ (આંખના ડોકટર) પણ નથી કરી શકતા... ''પણ આવશે ખરો... મોડો વહેલો!'' એવું કહીને ડોકટરો આપણને બાકીના આયખામાં ય ડરતા રાખે છે. એક આશ્વાસન રહે છે કે, 'આવે જ,એવું નક્કી ન હોય.. ન ય આવે!'' એ ધોરણે આપણે અડધી જ ચિંતા કરવાની રહે... જે હયાત છે એ આંખની. કારણ કે, મોતીયાનો સ્વભાવ પણ નિરાળો છે. એક વાર એક આંખમાં આવી ગયો, પછી એની એ જ આંખમાં બીજી વાર કદી ન આવે. બીજીમાં ચોક્કસ આવી શકે. આ હિસાબે - આટલું જાણ્યા પછી હવે મને ભગવાન શિવજીની મોટી ચિંતા થાય છે. એમને તો ત્રીજું નેત્ર પણ હતું. એ જો ખુલ્યું તો માતા પાર્વતીને દોડધામ થઇ જતી અને રાગ માલકૌંસ ગાઇને ભગવાનના તાંડવ નૃત્યને શમાવવું પડયું હતું.

શિવજીનું જોઇને મને ય એમ થાય છે કે, ઇશ્વરે આપણને પણ બે ને બદલે એક સ્પેરમાં રાખી મૂકવાની ત્રીજી આંખ આપી હોત, તો સંભાવનાઓ ઊભી થાય ત્યારે વાઇફ ઉપર એ ખોલીને તાંડવ- નૃત્ય કરવા માંડવાનું, જેથી એ જીવનભર આપણા કાબુમાં રહે અને બીજી વ્યવસ્થા એ થઇ શકે કે, આવા કોઇ મોતીયા બોતીયા આવ્યા હોય તો પેલી સ્પેરવાળી આંખ કાઢીને ડોકટરને આપી આવવાની, ''જો જો... જરા ઘરના સમજીને બિલ બનાવજો.''

આ એક આંખે મોતીયો આવ્યો, એટલે પેલા ગીતનો અર્થ સમજાયો, ''નયનને બંધ રાખીને, મેં જ્યારે તમને જોયા છે...''

એટલું વળી સારૂં છે કે, હવે અગાઉની ડોસીઓની જેમ કાળા ડાબલાં જેવા (સાઇડમાં ચામડાના પટ્ટાવાળા) ગોગલ્સ પહેરવા પડતા નથી. કાળા ભમ્મર ગોગલ્સ સાથે આપણું માથુ ગર્વથી નહિ, પણ લાચારીથી વાંકી ડોકે અડધા આસમાન તરફ રહેતું. હાથમાં સફેદ અને લાલ રંગની લાકડી પછાડ પછાડ કરતા જીવનમાં અને રસ્તા ઉપર આગળ વધતા જવાનું. કોઇ પ્રજ્ઞાાચક્ષુને રસ્તો ક્રોસ કરાવતું હોય, એમ કોક આપણો હાથ ઝાલીને હળવે હળવે નૈયા પાર કરાવે, એ દ્રષ્ય મારા માટે અસહનીય હતું. એમ તો ઓપરેશન પછીના પહેલા ૫-૬ દિવસ મેં ય કાળા ગોગલ્સ પહેરી રાખ્યા હતા. અરીસામાં પહેરેલા ગોગલ્સે મારો ચેહરો જોઉ, તો મેક્સિમમ હું ડો. શ્રીરામ લાગુ જેવો અને મિનિમમ, પૂરપાટ ધસી આવતી ટ્રેનના પાટા ઉપર મારી લાલ-સફેદ લાકડી પછાડી પછાડીને પાટા ઓળંગતો હોઉં, એવો લાગતો.

મોટી કોમેડી આંખમાં ટીપાં નાંખતી વખતે થતી. ડોકટરે ચોખ્ખી ના પાડી હતી કે, ટીપાં જાતે નહિ નાંખવાના, એટલે વાઇફને આ કામ સોંપવામાં આવ્યું. એની આંખે મોતીયો નથી પણ અનેકવાર મારા ધ્યાનમાં આવ્યું છે કે, ટૉઇલેટના કમોડમાં ડોલ ભરીને પાણી રેડવાનું હોય ત્યારે-કારણોની તપાસ ચાલુ છે - એ કમોડને બદલે ફર્શ પર ડોલ ઢોળી દેતી. મને ખૂબ ભાવતી દાલ-મખ્ખની બાઉલને બદલે અનેક વાર એણે મારા પેન્ટ ઉપર સીધી રેડી છે. મહીં ઘી વગરની ખાલી કોરી દિવેટ જ પડી હોય ને દિવામાં રેડું છું સમજીને વાઇફે ચમચો ઘી સીધું ભગવાનના પગમાં ઢોળ્યું હોય.

આની પાસે મારી આંખોમાં ટીપાં નંખાવવાના હતા.

પહેલે દિવસે અનુભવને અભાવે એણે ટીપાં મારી મૂછો ઉપર રેડયા, એટલે એનો ખાસ કાંઇ વાંક ન કહેવાય.

પણ બીજી વખત ટીપાં નાંખતી વખતે એણે પૂરી સાવધાની બર્તી. મારા આખા ફેમિલીને બોલાવીને મારા હાથ-પગ જકડીને ટાઇટ દબાવી રાખવાની સૂચના આપી. ''ઇ બોલ બોલ બઉ કરે છે... એના મોઢામાં ય એક ડૂચો દાબી દિયો... પછી હું શરશ રીતે એમની આંયખુંમાં ટીપાં તો ઠીક... તમે કિયો ઇ નાંખી દઇશ.''

ધૂ્રજ્યો હું કે, ક્યાંક મારૂં ફેમિલી આની ફર્માઇશ મુજબ, 'જે કિયો ઇ નાંખી દઇશ'વાળું કાંઇ આના હાથમાં ઝલાવી ન દે.

'જંગ જીત્યો રે મારો કાણીયો'ના હર્ષોલ્લાસ સાથે ટીપું નંખાઇ ગયા પછી ફેમિલીના દરેક ચેહરા સામે ગર્વથી જોતા જોતા છેલ્લે એણે મને પૂછ્યું...''ખુસ્સ... હવે તો ખુસ્સ કે નંઇ...? બરોબર આંખની મિડલમાં જ ટીપું પઇડું છે, ઇ તમે જોયું?''

''હા, જોયું... પણ ટીપું ડાબી આંખમાં નાંખવાનું હતું... જમણીમાં નહિ.''

''આમને બાંધો ફરીથી...!''

સિક્સર
- દિલ્હીમાં એકદી-બગડી નંબરની કારો એક પછી એક દિવસે જ ચલાવી શકાશે. પ્રદુષણ ઘટાડવાનો આવો પ્રયોગ અમદાવાદમાં આવશે?
- એ તો ખબર નથી, પણ ટ્રાફિક નિયમોને ભંગ કરનાર દસની નોટ પકડાવીને છૂટી જાય છે, કે રસ્તા ઉપર થૂંકનારને આકરો દંડ ચૂકવવો પડે, એવા નિયમોનો અમલ થાય તો ય બહુ છે!

20/12/2015

એનકાઉન્ટર : 20-12-2015

* કેજરીવાલ વિશે તમારો શું અભિપ્રાય છે ?
- જેટલો મારા માટે એમનો અભિપ્રાય સારો છે, એટલો મારો એમને માટે સારો નથી.
(વિકાસ જૈન, અમદાવાદ)

* ડિમ્પલ અને તમારા વિશે તમારા વાઇફ કશું જાણે છે ખરા ?
- હજી સુધી તો ડિમ્પલે ય જાણતી નથી.
(સતીષ ટર્નર, મુંબઇ)

* 'નમો' ભાજપની ત્રણ સ્ત્રીઓનું ખૂબ માને છે. એવું કેમ ?
- કોઇ સ્ત્રીનું માનીને બેસી રહેવાનું હોત તો 'નમો' આજે કોંગ્રેસમાં હોત.. ભાજપમાં નહિ.
(પ્રકાશ ધરોડિયા, વાંકાનેર) અને (વિનય પ્રજાપતિ, ધાણોધરડા)

* શું તમારૂ હાસ્યરસનું કોઇ પુસ્તક બહાર પડયું છે ?
- બસ. એકાદ સપ્તાહ રાહ જુઓ.
(સરલા શાહ, પૂણે- મહારાષ્ટ્ર)

* કોઇએ હજી સુધી તમારું એનકાઉન્ટર કર્યું છે ખરૂ ?
- કોઇ માઇ કા લાલ પૈદા... ઓહ સોરી... મને તો ગાય પણ ગોથું મારી જાય છે.
(મન્સૂર સૈયદ, મેહસાણા)

* કહે છે કે, ભ્રષ્ટાચાર દૂર કરવા પોતાનાથી શરૂઆત કરવી જોઇએ. તમે કાંઇ કર્યું ?
- તમને કીધું કોણે કે, હું ભ્રષ્ટાચાર દૂર કરવાનો શોખિન છું ? અરે ભ'ઇ, મારી તો આજીવિકાનું એ સાધન છે !
(હેમંત પરમાર, અમદાવાદ)

* ગાંધીનગરમાં અક્ષરધામ મંદિરના ધી ગ્રેટ લેસર-શો નો ખૂબસુરત અંત જોવાને બદલે ભીડથી બચવા લોકો અડધેથી નીકળવા માંડે છે. આવા લોકોને શું કહેશો ?
- જય સ્વામિનારાયણ.
(દીપ્તિ સી.દવે, અમદાવાદ)

* રાજા દશરથે માથા ઉપરનો ફક્ત એક સફેદ વાળ જોઇને, રાજગાદી શ્રીરામને સોંપી દીધી હતી. તમારો શું વિચાર છે ?
- હું રાજા સાથે સહમત છું. રાજગાદી રામને જ મળવી જોઇએ.
(પાર્થ બી.પટેલ, સુરત)

* પહેલા પત્રો વધારે આવતા કે અત્યારે ઇ-મેઇલ વધારે આવે છે ?
- એ વખતે ય સરેરાશ ૨૫ સવાલોના જવાબો આપી શકાતા... આજે ય આંકડો એ જ છે.
(હાર્દિક ક્યાડા, નિકોલ)

* આ રૂ.૧૦૦ કરોડનો વકરો કરાવતી ફિલ્મો વિશે કાંઇ...?
- સરકાર સામે ચાલીને ઓફિશિયલ બ્લેક- માર્કેટિંગને પ્રોત્સાહન આપે છે... નહિ તો પહેલા સપ્તાહે ટિકીટોના ભાવ આટલા ઊંચા કેમ હોય ? ભાવ તો બધી ફિલ્મોના સરખા હોવા જોઇએ. સિનેમામાં ગયા પછી નાસ્તાના 'કોમ્બો'વાળા લૂટે છે. બધાને બધું કરવાની છુટ છે. નપૂંસક પ્રેકક્ષકોને બધું પોસાય છે !
(કિશન પટેલ, વિસનગર)

* આપ ભણવામાં ઠોઠ હતા કે સ્માર્ટ ?
- સ્માર્ટ ! કારણ કે, ચાલુ પરીક્ષાએ ચોરી કરતા મને આવડતી હતી... 'એન્કાઉન્ટર'માં તો બધા જાતે જવાબો આપવા પડે છે.
(જીગર ડી. પારેખ, જામનગર)

* કરપ્શનને ખતમ કરવા યુવાનોએ શું કરવું જોઇએ ?
- કરપ્શન...'લાંચ લેતે પકડાયા ? લાંચ દે કે છુટ જા' (શેખાદમ આબુવાલા)
(જયદીપ હાંસલીયા, ધોરાજી)

* પત્રકારો ચોથી જાગીર તરીકે ઓળખાય છે,તો બાકીની ત્રણ જાગીરો કઇ ?
- એ જાણનારો કદી પત્રકાર ન બની શકે !
(કશ્યપ જોશી, જેતપુર- કાઠી)

* 'એનકાઉન્ટર'ને ગુજરાતીમાં શું કહેવાય ?
- સાંભળ્યું છે કે, આ કોલમ પછી 'એન્કાઉન્ટર' ગુજરાતી શબ્દ બની ગયો છે.. લોકો 'એનકાઉન્ટર' ને ઇંગ્લિશમાં શું કહેવાય, એ પૂછે છે.
(નીતિન પી.શર્મા, મુંબઇ)

* તમારા મતે વિકસીત માણસ કોને કહેશો ?
- જેને દાઢી મૂછ ઊગવા માંડયા હોય !
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* તમે ભારતના વડાપ્રધાન બનો તો પહેલું કામ કયું કરો ?
- વડાપ્રધાન તરીકેના શપથ લેવાનું.
(રોનિત માંકડ, જામનગર)

* ગુજરાતમાં દારૂની છુટ્ટી થાય, એ માટે કંઇક કરો.
- હું પીધા પછી કાંઇ કરતો નથી.
(વિપુલ મકવાણા, સિદાસર)

* 'એનકાઉન્ટર-અશોક દવે'ને બદલે 'એનકાઉન્ટર-પૂજા પટેલ' લખેલું આવે તો ?
- હું એટલું બધું સારૂ લખું છું ?
(પૂજા પટેલ, અમદાવાદ)

* પતિ તેની પત્ની ઉપર જુલ્મ કરે તો હેલ્પલાઇન નંબર ૧૮૧ છે.. પત્ની પતિ ઉપર જુલ્મ કરે તો કયો નંબર ?
- યહાં કી સારી લાઇનેં વ્યસ્ત હૈ, કૃપયા કુછ સાલોં બાદ ડાયલ કરે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* વર્ષો પહેલા તમે લખ્યું હતું, 'ડિમ્પલ 'સાગર'માં જ નહિ, ખાબોચીયામાં ય સુંદર લાગે છે.. હજી એ જ કહેવું છે ?
- એક સાચો ભારતીય પોતાના કીધેલામાંથી કદી ફરી જતો નથી.
(આનંદ જૈન, અમદાવાદ)

* તમને મીઠી મૂંઝવણ થાય ત્યારે શું કરો છો ?
- ખંજવાળી લઉં છું.
(દીપક આશરા, ગાંધીનગર)

* આપને થયેલો ડિમ્પલ નામનો કમળો બધા વાચકોને લગાડવાનો છે ?
- 'મેં અપની જાન દે દૂંગા...લેકીન 'યે' કમળા કિસી ઓર કો હોને નહિ દૂંગા..'
(ડૉ.મુકેશ પંડયા, જેતપુર)

* પતિને વશમાં રાખવા શું કરવું ?
- એક અઠવાડીયું દાળશાકમાં મીઠું નાંખવાનું ભૂલી જાઓ.
(શ્રીમતી કિંજલ રોનક શાહ,ભરૂચ)

18/12/2015

'અપરાધ' (૭૨)

'૭૨-ની સાલમાં તમે કેવા બુદ્ધિશાળી હતા, એ યાદ રહ્યું હોય તો આ ફિલ્મ જોવી ગમે એવી છે.

ફિલ્મ : 'અપરાધ' (૭૨)
નિર્માતા-દિગ્દર્શક : ફિરોઝ ખાન
સંગીત : કલ્યાણજી-આણંદજી
ગીતકાર : ઈન્દિવર
રનિંગ ટાઇમ : ૧૬-રીલ્સ : ૧૩૭-મિનિટ્સ
થીયેટર : રિગલ સિનેમા (અમદાવાદ)
કલાકારો : ફિરોઝ ખાન, મુમતાઝ, પ્રેમ ચોપરા, સિધ્ધુ, કુલજીત, રણધીર, મદન પુરી, મુકરી, ફરિયાલ, ઈફ્તેખાર, હેલન, શ્યામ કુમાર, શેટ્ટી, બ્રહ્મ ભારદ્વાજ, ભૂષણ તિવારી, ટુનટુન, પોલસન, રણવીર રાજ, હબીબ, પાલ શર્મા, હર્ક્યૂલીસ, કૃષ્ણ મહેતા અને સુજાતા.


ગીતો
૧. હમારે સિવા, તુમ્હારે ઓર કિતને ઠીકાને હૈ ?... લતા-કિશોર
૨. તુમ મિલે, પ્યાર સે, મુઝે જીના ગંવારા હુઆ... લતા-કિશોર
૩. હાય, તુમ હો હંસિ વફા તુમકો, મેરી જાં... કિશોર કુમાર
૪. અય નૌજવાં હૈ સબ કુછ યહાં, જો ચાહે લે લે... આશા ભોંસલે
૫. અસ્સલામ... (ગીતકાર : હસરત જયપુરી)... આશા-મહેન્દ્ર

એક જમાનામાં સુંદરતાની નજરથી ય આપણી ભરચક જવાનીમાં આપણે જેની પાછળ પાગલ હતા... (અહીં 'સુંદરતાનો અર્થ 'સેક્સી સુંદરતા' થાય છે.) એ બધી આપણા જમાનાની હીરોઈનોને આજે જોઈએ-ભલે ફોટામાં, તો ચોથા પૅગે ચઢેલી વ્હિસ્કી ય ઉતરી જાય કે, હવે આ હીરોઈનો આટલી કદરૂપી અને તદ્દન સામાન્ય લાગે છે ? સારૂં થયું ને, એ જમાનામાં આપણે બચી ગયેલા ? વહિદા રહેમાન, વૈજ્યંતિમાલા, સાધના, આશા પારેખ કે મુમતાઝો આજે ય હયાત છે અને એ જમાનાવાળી સુંદરતાનો છાંટો ય એકે ય માં બચ્યો નથી. ઉંમર એનું કામ કરે ને જગતની કોઈ સુંદર સ્ત્રી, સૌંદર્યનો અમરપટ્ટો લખાવીને નથી આવી, એ બધી વાત સાચી... સમજવાનું આજની યુવાન અને એવી સુંદરતા સાથે સેક્સી લાગતી, પછી એ હીરોઈનો હોય કે, આપણી સોસાયટીમાં રહેતી બેન ચંપા હોય ! યુવાનીનો એ તબક્કો પૂરો થયો, એટલે ધરતી પર પાછી આવી જાઓ, અમ્માઓ !'

તમે શું માનો છો, કરવું હોય તો આપણા જમાનાની એ બુઢ્ઢી હીરોઈનોને હજી ફિલ્મોમાં કામ ના મળે ? અફ કોર્સ મળે છે, પણ કરી શકે એમ નથી. કારણ કે રૂપની જ્યારે જાહોજલાલી હતી, ત્યારે એમની ફિલ્મોના હીરોલોગથી માંડીને પ્રોડયુસરો આ લોકોની પાછળ ગુલામો થઈને રહેતા. એ સ્ટુડિયોમાં દાખલ થાય, ત્યારથી નિર્માતાઓનું ટેન્શન વધી જતું. એક તો એમની માં સાથે આવી હોય ને બીજું ફાધરનું કિંગડમ હોય, એમ જેને ને તેને, ''આ લાવો'' અને ''તે લાવો''ના સરમુખત્યાર હૂકમો છોડતી ને એક એક હૂકમનું પાલન થતું જ ! આવું સામ્રાજ્ય જોયું હોય, એ જૂની વહિદા કે આશાને આજે હીરોની માં નો રોલ કરવાનો હોય, એ એક એકસ્ટ્રાથી વધુ મહત્વનો તો ન હોય, પણ એ જ સ્ટુડિયોના ચોથા વર્ગના કર્મચારીથી થોડી ય ઊજળી હાલત હોય નહિ. પોતાનો શોટ આવે ત્યારે કોઈ કામદાર બોલાવવા આવે, ''ચલો... સા'બને બુલાયા હૈ.'' પોતાની હવે કોડીની ય કિંમત રહી નથી એનું ભાન પડી ગયા પછી કઈ હીરોઈન ફિલ્મ કરવા આવે ?

મુમતાઝના ત્યારના અને અત્યારના ફોટા મેં જોયા, પછી આટલું બધું લખવું પડયું. મને ચોક્કસ બહુ ગમતી હતી પણ આજની મુમતાઝને જોયા પછી લિફ્ટ નહિ, દાદરો ઉતરીને ધરતી પર પાછા આવી જવું પડયું.

હીરોલોગનું સાવ એવું નહોતું કે, ઘરડા થયા પછી જોવા ય ન ગમે. દિલીપ કુમાર આજે ૯૩-વર્ષની ઉંમરે ય કેવો ગ્રેશિયસ લાગે છે ! રાજ કપૂર પણ હર્યોભર્યો લાગતો. બિમારીને બાજુ પર મૂકીએ તો શશી કપૂર અને છેલ્લા શ્વાસ સુધી રાજેન્દ્ર કુમાર પણ સોહામણા લાગતા હતા. હીરોઈનોમાંથી તો એકે ય એવો ચાર્મ જાળવી શકી નથી... મુમતાઝ પણ નહિ ! એ જ મુમતાઝ એ જમાનામાં-લાડમાં- 'મુમુ' કહેવાતી. ફિરોઝ ખાન આજે એનો વેવાઈ થાય પણ બન્નેની ભરચક યુવાનીમાં સંબંધ વેવાઈવેલાંનો નહતો... આપણને ઈર્ષા આવે એવા હતા. ફિરોઝનો પુત્ર અને મુમુની દીકરીના લગ્ન... તિરાડ... મેળાપ... વગેરે ઊલટાસૂલટી ન્યુઝો આવે રાખતા. છેલ્લે ફિરોઝને નાના પાટેકર સાથે ફિલ્મ 'વેલકમ'માં એના ટાલીયા માથે જોયો હતો, પણ એની જુવાનીના દિવસોની ડેશિંગ પર્સનાલિટીમાં કોઈ ફરક જણાયો નહિ. એ પણ 'ખાન' હતો, પણ જુદી માટીનો ! છેલ્લે એ પાકિસ્તાન ગયો ત્યારે ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા પાકિસ્તાની સત્તાવાળાઓને બરોબરની ચોપડાવીને આવ્યો હતો કે, ''તમારા મુલ્ક કરતા મારા ભારતમાં મુસલમાનો વધુ સલામત છે.''

યસ. એક જમાનામાં રાજકુમાર-દિલીપ-દેવ પોતાની છાતીના વાળ દેખાઈ ન જાય, એ માટે ગળા સુધી શર્ટના બટનો બંધ રાખતા. પછી આ ફિરોઝ ખાનનો નાનકડો યુગ શરૂ થયો, એમાં 'મર્દની છાતી પર વાળ હોય', એવી ફેશન ઘર ઘર ફરી વળી. છેલ્લે સલમાન ખાનની પેઢી શરૂ થઈ, એ લોકોએ રીતસર મહેનત કરીને - ઈશ્વરે જે આપ્યું છે, એવા શરીરમાં સુખી થઈ જવાને બદલે કટિબદ્ધ સ્નાયુઓ બનાવ્યા. શરીરના એક એક અંગને અથાગ કસરતો કરીને વિકસાવ્યા... ખાસ કરીને બાંવડા અને છાતીના મસલ્સ બતાવવા માટે વાળ વચમાં આવતા હતા, તે બધાએ છોલાવી નાંખ્યા. હવેના યુવાનોને છાતી ઉપર ટાલ પડે, તો ચિંતા નથી, ગર્વ છે.

ફિલ્મની વાર્તા એક થ્રિલરની હદોને અડે, એવી મજાની તો ચોક્કસ બની હતી. રામ ખન્ના (ફિરોઝ) જર્મનીમાં યોજાતી ફોર્મ્યૂલા-વન કાર રેસમાં ભાગ લેવા જર્મની જાય છે. ત્યાં એ ચેમ્પિયન પણ બને છે. અહીં મૂળ ભારતની પણ વર્ષોથી યુરોપમાં ઉછરેલી મુમતાઝ નાથ (સિધ્ધુ) નામના ગુંડાની ચુંગાલમાં ફસાય છે. બહુ સિફતપૂર્વક મુમતાઝ જ્વેલર (રણધીર)ની શોપમાંથી રૃા. ૧૫-લાખનો નેક્લેસ ખરીદે છે, પણ પૈસા ચૂકવવાને બદલે એના ડૉક્ટર પતિ (મદનપુરી)ના ક્લિનિક પર એ નેક્લેસ પહોંચાડવાની વિનંતિ કરે છે. રણધીરના પહોંચતા પહેલા મુમુ મગજના રોગોના નિષ્ણાત ડૉક્ટર મદનપુરી પાસે પહોંચીને એવું સાબિત કરી દે છે કે, મારો પતિ (રણધીર) મગજની બિમારીથી પીડાય છે અને ગમે તેને મારો પતિ માની બેસે છે... યહાં તક કિ, વો આપ કો ભી મેરા શૌહર સમઝ લેંગે... ઔર હર એક આદમી કો અપના કસ્ટમર સમઝ કર અપના માલ બેચને પર તુલે હૈ... મદન પુરી આ જાળમાં ફસાય છે. રણધીર હાર લઈને આવે છે અને મદનને મુમુ ખાત્રી કરાવે છે કે, જુઓ, તમને પણ એ મારા પતિ માની બેઠા છે. દરમ્યાનમાં, ''આપ દોનોં બાતેં કરો... મૈં ઈસે ગાડી મેં રખ કે આતી હૂં'' કહીને મુમુ ઊડનછુ થઈ જાય છે. પોલીસે રેડિયો પર કરી દીધેલા એલાનને પગલે મુમતાઝ હાઈ-વે પકડે છે, પણ પેટ્રોલ ખલાસ થઈ જતા દુઃખિયારીઓના આધાર ભગવાન શ્રીરામને બદલે ફિલ્મ રામ ફિરોઝ ખાન મળે છે. બન્ને વચ્ચે પ્રેમ થઈ જાય છે, પણ મુમુ પેલો નેકલેસ ફિરોઝના જેકેટમાં મૂકી દે છે. બન્ને એક જ હોટલમાં ઉતર્યા હોવાથી મુમુના ગુંડાઓનો નાથ (સિધ્ધુ) એ હાર પાછો નહિ લાવવા બદલ મુમુને મારે છે. વાસ્તવમાં ફિરોઝના રૂમમાં જઈને સિધ્ધુની આસિસ્ટન્ટ ફરિયાલ એ હારચોરી લઈ એને બદલે નકલી હાર મુકતી આવે છે. રામ કાર રેસનો ચેમ્પિયન હોવાથી આખું જર્મની એને ઓળખતું હોય છે અને પોલીસ તપાસમાંથી બન્ને હેમખેમ બહાર નીકળી જાય છે. સિધ્ધુ એન્ડ પાર્ટીને લટકતી રાખીને પ્રેમી પંખીડાઓ ઊડીને ભારત આવતા રહે છે, પણ અહીં એનો મોટો ભાઈ (પ્રેમ ચોપરા) મોટો ગુંડો હોવાથી એનો હરિફ શેખ અરબ (હબીબ) પોલીસને માહિતી આપી દે છે કે, ફિરોઝ હીરા લઈને આવી રહ્યો છે. ફિરૂને જેલ થાય છે પણ પ્રેમ ચોપરાના સાથીઓ પૈકીનો હલક્ટ ગુંડો શ્યામ કુમાર જબરદસ્તીથી રામની ફેક્ટરીમાંથી ચોરી કરાવવા ઉપરાંત ચોકીદારનું ખૂન કરે છે, જેનો ઈલ્ઝામ રામ ઉપર આવે છે. એ ઘવાયેલો હોવાથી હોસ્પિટલમાં ખસેડવો પડે છે, જ્યાંથી લાંબી સમજાવટ બાદ પ્રેમ ચોપરા રામને ભગાડી જાય છે ને મુમુને સુરક્ષિત ઠેકાણે પાડી દે છે. આ બાજુ, શેખ અરબનું રૃા. ૫૦-લાખનું સોનું પ્રેમ અને ફિરોઝ લૂટી લે છે, પણ એના બદલામાં શ્યામકુમાર મુમુને ઉઠાવી જાય છે. ૫૦-લાખના બદલામાં મુમુને છોડાવવાની ભાંજગડમાં બધા ગુંડાઓ સહિત પ્રેમ ચોપરા પોલીસને હાથે માર્યા જાય છે ને ફિલ્મ પૂરી થાય છે.

દરેક ફિલ્મ સર્જકની જેમ ફિરોઝને ય એક ધૂન હતી. એણે બનાવેલી મોટા ભાગની ફિલ્મોમાં બરોબર ઇન્ટરવલ વખતે એ જેલમાં જતો કે બહાર આવતો દેખાય. માથે ટાલ પડવા માંડી અને હીરોગીરી છોડવી નહોતી, એટલે લેવા-દેવા વગરની 'કાઉબોય-હેટ' પહેરીને ફરતો. 'ખોટે સિક્કે'ના દિવસો દરમ્યાન તો એ પોતાને ઇન્ડિયાનો ક્લિન્ટ ઇસ્ટવૂડ સમજવા માંડ્યો હતો. આપણને હિંદી ફિલ્મસ્ટારોની આ વાત સમજાય નહિ. તમે પોતાને ગ્રેગરી પેક સમજતા હો કે જુલિયા રોબર્ટ્સ....એમ કેમ નથી માનતા કે, તમે ગ્રેગરી કે જુલિયા કરતા વધુ સુંદર હોઇ શકો છો !

ફિરોઝનો નાનો ભાઈ સંજય ખાન, એનાથી નાનો સમિર અને એનાથી નાનો અકબર ખાન. પૈસો ઘણો હતો આ લોકો પાસે. ફિલ્મનગરીમાં એ વખતે આ લોકો 'ધી ખાન-બ્રધર્સ ઓફ જુહુ' કહેવાતા. સંજય ખાન જેવો વૈભવશાળી બંગલો એ જમાનામાં બહુ ઓછા મુંબઈગરાઓ પાસે હતો. મેં જોયો છે. આજે પણ એ ત્યાં જ રહે છે.

ફિરોઝ હતો ય દિલવાળો. ફિલ્મ બનાવતી વખતે ધૂમ પૈસા ખર્ચવામાં એણે પાછું જોયું નથી. ફિલ્મ 'કુરબાની'માં નવીનક્કોર મોંઘીદાટ કારને અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં અથડાવી અથડાવીને કૂચો કાઢી નાંખે છે, ત્યારે શુટિંગમાં ઉપસ્થિત તમામના જીવો ભડકે બળી ગયા હતા. પણ પ્રેક્ષકો પાસેથી એ પૈસા ફિરોઝે વસૂલ કરી લીધા. એ વખત સુધીના પ્રેક્ષકોએ આટલી મોંઘી કારના આવા ફૂરચા ઊડતા જોયા નહોતા. બધા અંજાઈ ગયા હતા. ફિરોઝ માટે ગમ્મતમાં એટલું કહી શકાય કે હોલીવૂડની વર્ષોથી બહુ જામેલી ફિલ્મ 'ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ'( જેની એક પછી એક સીક્વલો બહાર પડાતી રહે છે)ની પ્રેરણા ફિરોઝ ખાનની 'કુરબાની'માંથી મળી હશે... !

'૭૦-ના દાયકામાં પુરૂષો કાનની બાજુમાં લાંબા થોભીયા રાખતા (જેને 'સાઈડ-લોક્સ' અથવા 'સાઈડ-બર્ન્સ' પણ કહેવાય) બેલ-બોટમ પેન્ટ્સ આજે હાસ્યાસ્પદ લાગે, પણ આપણે ય બધા 'બોલ મારી અંબે... જય જય અંબે' કરતા સિવડાવી આવતા.

હું હેલનને અમદાવાદમાં રૂબરૂ મળ્યો હતો. મશહૂર અને મરહૂમ શાયર શેખઆદમ આબુવાલા પણ સાથે હતા. રીલિફ ટોકીઝની બાજુમાં કેપ્રી કે એવા કોઈ નામની હોટલ હતી ત્યાં હેલનને મળવા ગયા. ઈન્ટરવ્યૂ લીધો. પૂરી નિખાલસતાથી કહું છું કે, ફિલ્મી લેખક/પત્રકારની મારી ૪૪-વર્ષની કરિયરમાં હેલન જેવી રૂપાળી સ્કીન બીજી કોઈ અભિનેત્રીની જોઈ નથી. હીરોલોગમાં રાજ કપૂર અને શશી કપૂર... સમજો ને, બધા કપૂરો પણ એવા જ ફૂલ ગુલાબી સ્કીનવાળા ! મને ડાઉટ છે કે, હેલનના પોતાના વાળ બહુ આછા અથવા સુંદર સ્ત્રીને શોભે એવા નહોતા કારણ કે, તમે યાદ કરો એ બધી ફિલ્મોમાં હેલને પોતાના વાળને બદલે વિગ જ પહેરી છે. પણ હેલન વાત-વ્યવહારમાં ડીસન્ટ પણ બહુ નીકળી. એ પોતે આટલી 'ધી ગ્રેટેસ્ટ ડાન્સર/એકટ્રેસ એવર ઓફ ઈન્ડિયા' હોવાનું અભિમાન તો જાવા દિયો... એ અત્યંત સાહજીકતાથી અમારી સાથે વાત કરતી અને માન ખૂબ આપતી હતી. કોઈ નખરા નહિ. (મારી સાથે એણે શેઈક-હેન્ડ કર્યા, એ દિવસે ઘેર જઈને મેં એ હાથ ધોયો નહતો... સાલો બદમાશ અશોક... !)

ફિલ્મનગરીની કદાચ હેલન એક માત્ર હીરોઈન હતી, જે કેબરે-ડાન્સ પણ પગમાં હિલ્સ (ઊંચી એડીવાળા ચપ્પલ) પહેરીને કરતી. 'શબિસ્તાન' ફિલ્મથી એને લાવનાર ડાન્સર કક્કુ હતી અને એ વખતની ઑલમોસ્ટ બધી ફિલ્મોમાં કક્કુનો ડાન્સ હોય જ. પણ એક વાર હેલન ફિલ્મોમાં આવી એટલે પ્રેક્ષકો કે પ્રોડયુસરોને સારી ડાન્સર કોને કહેવાય, એની ખબર પડવા માંડી. કક્કુએ ફિગર તો અદભુત જાળવી રાખ્યું હતું, પણ એની કોઈ પણ ફિલ્મ જુઓ, ડાન્સના સ્ટેપ્સ એણે બદલ્યા નહિ. એક જ સ્ટાઈલનો ડાન્સ બધે ! ત્યારે ફિલ્મ 'ઈન્તેકામ' કે 'તીસરી મંઝિલ' કે 'કારવાં'માં હેલનના સ્ટેપ્સ જુઓ... તફાવત ઘેરબેઠા ખબર પડી જશે.

સિધ્ધુ ફિલ્મિસ્તાનની પ્રોડક્ટ હતો. જોય મુકર્જીની પ્રારંભની ફિલ્મોમાં એ અચૂક હોય. જોયના સૌથી નાના ભાઈ શુબિર મુકર્જીને મેં સિધ્ધુ વિશે પૂછ્યું હતું કે, આવો ખૂંખાર વિલન અચાનક કઈ ગુમનામીમાં ખોવાઈ ગયો. એની પાસે ય જવાબ નહતો. આશા-શશી કપૂરવાળી ફિલ્મનો વિલન કૃષ્ણ મેહતા ય ૪-૫ ફિલ્મોમાં આવ્યા પછી આજ સુધી એનું વિઝિટિંગ-કાર્ડ પણ હાથમાં આવ્યું નથી. એવો જ વિલન કુલજીતસિંઘ હતો, જેને બનતા સુધી ફિલ્મ 'પ્રેમ પૂજારી'માં દેવ આનંદ ખાસ અમેરિકાથી લઈ આવ્યો હતો. થોડી ફિલ્મોમાં દહાડા-પાણી કાઢ્યા પછી, એ ય ગૂમ થઈ ગયો. ફરિયાલ તો એર હોસ્ટેસ હતી અને એક સમયની શશી કપૂરની પણ ફિલ્મ 'બિરાદરી'ની હીરોઈન હતી. એનો ય કોઈ અતોપતો નથી. એવા જ ઉંચા પડછંદ અને કદરૂપા વિલન તેમજ ડાન્સર સુજાતાના નામો ટાઇટલ્સમાં છે. ભાગ્યેજ હકરત જયપુરી પાસે લખાવનાર કલ્યાણજી-આનંદજીએ આ ફિલ્મ માટે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર પાસે ગવડાવેલું કોઇ, ''અસ્સલામ'' નામનું ગીત પણ ડીવીડીમાંથી કપાઇ ગયું છે.

ફિલ્મનું સંગીત કલ્યાણજી-આણંદજીનું હતું, એટલું લખું, એમાં ય પોણા ભાગના વાચકો સમજી જવાના કે એકે ય ગીતમાં ઠેકાણું નહિ હોય... નથી જ ! એક 'સરસ્વતિચંદ્ર'ના ગીતો શું લખી નાંખ્યા કે ગીતકાર ઈન્દિવર હલકી કક્ષાએ ઉતરવા માંડયા. ફક્ત આ જ ગીતનું મુખડું વાંચો, ''હમારે સિવા, તુમ્હારે ઓર કિતને ઠીકાને હૈ... ?'' હીરોઈન કોલ-ગર્લ હોય તો આવું લખાય.

આ ફિલ્મ ફરીથી ન જોવાય તો ચાલે... સિવાય કે મુમતાઝને જોવાના ચહડકા હજી ચાલુ હોય !

16/12/2015

શર્ટનું ઊપલું બટન

લગ્નજીવનનો સૌથી સોહામણો કોઈ તબક્કો હોય તો એ પત્ની એના પતિના પહેરેલે શર્ટે હાથમાં સોય-દોરો લઈને બટન ટાંકી આપતી હોય, એ છે. એમાં ય, બટન ટંકાઈ ગયા પછી મોંઢું બટન પાસે લાવીને દાંત વડે ખેંચીને એ દોરો તોડતી હોય, એવી જાહોજલાલી તો ભગવાનોના વખતમાં ય મળતી નહોતી. એકે ય ભગવાન બટનવાળું કાંઈ કદી ન પહેરતા. ત્યાં સુધીની એ બે-ચાર સેકંડો તો ભાઈ ભાઈ... પરફેક્ટ રોમેન્ટિક હોય છે. (અફ કોર્સ, આ બધું તો જેની પત્નીના મોંઢામાં દાંત રહ્યા હોય એને કામનું.) આ બાજુ ગાજ-બટન તરફડીયા મારતા હોય ને આ બાજુ બન્નેના ગરમ શ્વાસો ફૂવારાની જેમ છુટતા હોય (આપણી બાજુથી ભયના માર્યા કે, સાલી સોય છાતીમાં ઘોંચી ન દે !) અલબત્ત, દૂરથી ઊભા ઊભા અન્ય કોઈ યુગલનું પણ તમે આવું દ્રષ્ય જુઓ તો રોમેન્ટિક બેશક થઈ જવાય... ભલે, પેલા યુગલવાળીને રીક્વેસ્ટ ન કરી શકીએ, પણ ઘેર જઈને તો ઊપલું બટન તોડી નાંખવાના ઝનૂનો તો ક્યા હેન્ડસમ ગોરધનને ન ઊપડે ? (અશોક દવે, કાં તો 'હેન્ડસમ' લખો ને કાં તો 'ગોરધન' લખો... આ બન્ને ચીજો એક વ્યક્તિમાં જોવા ન મળે.)

એ થોડી ક્ષણો આહલાદક હોય છે. આમ સીધીસખણી રહીને એ આટલી નજીક આવે ય નહિ. ઘરની બહારના માપદંડો ગણત્રીમાં લેવાના હોય તો, બટનો બહાર ટંકાઈ આવવા વધુ કિફાયત પડે. આપણે તો રોજેરોજ આપણા બટનો તૂટે ય નહિ. એ તો ઠીક છે. રબારણોએ રસ્તાની દિવાલ ઉપર છાણના પોદળાં સુકાવા ચોંટાડયા હોય, એવા ઘણા ગોરધનોની-ઓશિકામાં કાળું રૂ ભર્યું હોય એવા-છાતીના વાળ હોય, ત્યાં પણ આવા કેસો સફળ થતા નથી. પૂરતા અનુભવોને અભાવે અનેક વાઈફોઝે, બટન છાતીમાં ચોંડવાનું હોય એમ સોય સાથે બટનનો ટાંકો છાતીમાં લઈ લીધો હોય, એમાં ચીસ પાડતો પેલો છત સુધી ઉછળે. નહિ તો જરા સોચો. કેવું મનોહર અને મંગલકારી એ દ્રષ્ય હોય ! આપણે હજી ઓફિસે જઉ-જઉ કરી રહ્યા હોઈએ, પેલી હજી હમણાં જ શોવર લઈને મઘમઘાટ થઈને બાથરૂમમાંથી બહાર આવી હોય. વાઈફને ભેટવાનો આ એક રમણીય ચાન્સ છે. કહેતા મને, રોઇ પડાય એવું દુઃખ થાય છે, કે ગુજરાતના ઘણા ગોરધનો પોતાની વાઇફને ભેટતા ડરે છે, કેમ જાણે ઉનાળામાં લૂ વરસાવતી અને વરાળો કાઢતી ડામરની સડકને ચુંબન કરવાનું હોય ! તૂટેલા બટનની ફરિયાદ સાથે જ એ ક્યાંકથી સોય-દોરો અને બટન લઈ આવે. આપણી ખૂબ નજીક ઊભા રહેવું પડે. ઓફિસ ગઈ તેલ લેવા. રજનીગંધાના ફૂલો આપણને વળગવા આવ્યા હોય એવું લાગે. પણ, એ વખતનો ઊભા રહેવાનો આપણો પોઝ હોમગાર્ડના જવાન જેવો કડક કડક ન હોવો જોઈએ ! મને લાગે છે, અહીં હોમગાર્ડને બદલે લશ્કરના કોઈ મેજર-જનરલની સીમિલી મૂકીએ તો વાત વધુ સારી લાગશે. સુઉં કિયો છો ? જો કે, વાત રોમેન્ટિક બનાવવાની હોય તો લશ્કર-ફશ્કરવાળી વાતો પણ અહીં નહિ શોભે. એના બદલે, એ બટન ચોડતી હોય ત્યારે એના ખભાની ફરતે આપણા બન્ને હાથો વીંટળાવીને ઊભા રહી ઝીણકા-ઝીણકા સ્માઇલો આપવાથી વાત વધુ સુંદરતા પકડશે. એને ભેટવાનો આ કેવો ઉત્તમ તબક્કો છે ? કવિ મિલિંદ ગઢવીનો શેર છે ઃ 'સ્પર્શ આ કેવો હૂંફાળો થઈ ગયો ? ડીસેમ્બરમાં ઉનાળો થઇ ગયો !' આ તબક્કે ખાટાં ઓડકારો ખાવાને બદલે કોક રસીલું ગીત ગુનગુનાવવાનું હોય અને તે પણ 'જીહવા થકી અસત્ય ન બોલે, પર સ્ત્રી જેને માત રે, હોઓઓઓ' નહિ. આવામાં તો 'ચલ બેટા સેલ્ફી લે લે' જ ચાલે. ખોટી વાત છે મારી ?

આપણે કેવા શ્રીનાથજી બાવા જેવી અમીભરી દ્રષ્ટિએ એની સામે જોતા હોઈએ... અલબત્ત, એણે માથામાં તેલ ઠપકાર્યું ન હોય તો ! તાજી નહાઈને બહાર આવી હોય એટલે, એના ભીના વાળ અને આપણી આંગળીઓ... દરમ્યાનમાં દોરો દોરાનું અને સોય સોયનું કામ કરતા જાય, પણ અહીં ટેકનિકલી વાઈફની આંખોમાં જોવું શક્ય ન હોવાથી કેટલાક બિનઅનુભવી હસબન્ડોઝ ડ્રોઈંગ-રૂમની દિવાલ સામે ટગરટગર જોયે રાખે છે. આ પાપ છે... શું સામેના ફલેટમાં કોઈ રહેતું ન હોય ? ત્યાં બે-ચાર મિનિટ આંખો ઠારવાથી શું હૃદયને ઠંડક નથી મળતી ? શું રોજેરોજ બટન ટાંકી આપવાની મજૂરી વાઈફ પાસે જ કરાવવાની ? પ્રેમ અને શર્ટના બટનો તો વહેંચો એટલા વધે... ! ગામમાં બીજી ઓળખાણો ના હોય ? આ તો એક વાત થાય છે.

આપણે ગમે ત્યાં જોતા હોઈએ, એ જુદી વાત છે પણ આ તબક્કે, એનું ધ્યાન પણ આપણી આંખોમાં હોય, એ ઈચ્છનીય નથી, સોય-દોરામાં હોવું જોઈએ. નોટ ઓન્લી ધેટ... શર્ટના બરોબર ગાજ સામેના વિભાગ ઉપર એનું ધ્યાન હોવું જોઈએ. ગાજ-બટન સીધી લિટીમાં ગોઠવાયા ન હોય તો દરજીજગતના કેટલાક નિયમો તો હર કોઈ વાઈફે પાળવા જોઈએ જેમ કે, બટનના ચાર પૈકીના પહેલા ક્યા કાણામાં સોય ઘોંચવાની અને તે પણ પહેલા બહારથી કે કપડાંની પાછળથી ? અને ખાસ તો, બટન ભલે સક્સેસફૂલી ઢંકાઈ ગયું, કોઈએ માર્યો હોય એમ ગોરધનના શર્ટની ઈસ્ત્રી ભંગાવવી ન જોઈએ. બટન ટાંકવું ભલે લલિત કલા વિભાગમાં ન આવતું હોય, પણ શર્ટ ઉપર જીવડું ચોંટયું હોય, એવું કસોકસ બટન પણ ન સિવી મરાય... બા કેવા ખીજાય !

જીવનથી કંટાળેલા કેટલાક ગોરધનો આખેઆખું શર્ટ કાઢીને બટન ચોડવા વાઇફને આપી દેતા જોવામાં આવ્યા છે. આવી નિરસતા લગ્નના એકાદ-બે વર્ષ પછી આવે તો વાંધો નહિ, પણ બહાર કોઈ સામે ન જોતું હોય ને આખું 'પ્રેમ રતન ધન પાયો' ઘરમાં જ પતાવવાનું હોય, એવા બોદાં હસબન્ડોઝ બહુધા આખેઆખું શર્ટ કાઢીને વાઇફને આપી દેતા હોય છે. સંસ્થા માને છે કે, સ્પેરમાં બટન અને બટન ચોડવાવાળી એકાદી રાખી હોય તો, બટન તૂટે ત્યારે તાબડતોબ દરજી પાસે દોડવું ન પડે. દરજી એક બટન ચોડવાના સીધા રૂ. ૧૦/- લઈ લેતો હોય છે... એના કરતા આખું શર્ટ વેચી આઈએ, તો ય બે-પાંચ રૂપીયા મળે... કોઈ પંખો ચાલુ કરો હવે !

સગ્ગી વાઇફ સાથે અનંત વર્ષો સુધી પ્રેમ ટકાવી રાખવો હોય (જો કે, બુદ્ધિનો કોઈ એવો લઠ્ઠ તો ન જ હોય) તો પહેરેલે શર્ટે જ બટન ટંકાવવાનો આગ્રહ રાખો, દરજી પાસે નહિ... વાઇફ પાસે ! આ પદ્ધતિ અપનાવવાથી બટનો ઓછા તૂટે છે અને વાઈફો આપણા માટે બટન વગરના શર્ટો લઈ આવતી થઈ જાય છે.

હું જીવનભર સપના જોતો રહ્યો કે, એક દિવસ મારા શર્ટનું પણ ઊપલું બટન તૂટશે અને એક દિવસ (એટલે કે, એ જ દિવસે) મારી વાઈફ પણ જયા ભાદુરીએ વિજય આનંદને ફિલ્મ 'કોરા કાગઝ'માં ચોડી આપ્યું હતું, એવું એક બટન મને ચોડી આપશે... (જયા ભાભી નહિ... તમારા ભાભી !... ગેરસમજ પૂરી)

પણ હવે તો પહેલા જેવા શર્ટો ય ક્યાં આવે છે કે બટનો તૂટે ! પહેલા જેવી વાઇફોઝે ક્યાં થાય છે કે, બટન ચોડતા આવડતું હોય ? મારી પાસે તો બટન ચોડતા આવડતું હોય એવી વાઈફ ઘરમાં પડી છે પણ બધો માલસામાન આપણે લાવી આપવો પડે અને એ પછી ય કોઈ ગેરન્ટી નહિ કે, સફેદ શર્ટ ઉપર સફેદ બટન જ લાગશે. જૂની દાઝો કાઢવા એ મારી છાતીમાં સોય ઘોંચી દે એટલી ક્રૂર તો નથી, પણ એક બટન માટે એના છવ્વીસ છણકા સાંભળાવાના ન પોસાય.

કોઈ રણછોડભ'ઈ મફાભ'ઈ પટેલે ક્યાંક કહ્યું છે કે, મનુષ્યે પોતાનું કામ જાતે જ કરવું જોઈએ. એમાં ય, નોકરો અવારનવાર ઘર છોડીને જતા રહે (એમના ઘરો નહિ, આપણું ઘર) એટલે ઘરના બધા કામો એકલે હાથે કરવાથી ઘણીવાર તો વાઈફ ઊંઘતા ઉંઘતા ય થાકી જાય છે. કહે છે કે સુતા પછી એણે એક પડખું બદલવા માટે મિનિમમ ૮૦-કીલો વજન આ બાજુથી પેલી બાજુ ઘસેડવું પડે છે. પાછી આવે ત્યારે બીજા ૮૦-કીલો. હું તો બાજુમાં ગોદરેજના કબાટ સાથે સુતો હોઉં, એવું લાગે... ભરઊંઘમાં મને પગની આંટી વાઈફના પગ ઉપર ભરાવીને સુવાની આદત છે. પણ એનું પડખું હું બદલી ન આપું. એટલે, ઘરમાં હું માનવતાવાદી ખરો અને મારા કામો જાતે જ કરવાનો આગ્રહ રાખું. બટન મારે જાતે ટાંકવાનું હોવાથી પહેરેલે શર્ટે મને ન ફાવે. કાઢવું જ પડે. મારૂં કામ ચોક્કસ ખરૂં, એટલે જે ઘટનાસ્થળે બટન ચોડવાનું હતું, ત્યાં બોલ-પોઈન્ટ પેનથી ટપકું મારી દીધું, જેથી ઉપર-નીચે ટંકાઈ ન જાય. દરજીનો સામાન વેચતા વેપારીએ ચોખ્ખી ના પાડી દીધી કે, લેવું હોય તો આખું બોક્સ લો... એક છુટક બટન ન મળે. મેં કીધું ય ખરૂં કે, હું હાસ્યલેખક છું, દરજી નથી. તો મને કહે, 'તમારા સપના પૂરાં ન થયા, એ મારો વાંક ?' આપણા દેશમાં ખિસ્સાકાતરૂઓ હોય છે, બટન-કાતરૂઓ નહિ અને એ પણ કોઈના પહેરેલે શર્ટે તો નહિ જ... સિવાય કે, કોકની સાથે મારામારી કરીને એના મોંઢાને બદલે શર્ટ ુપર આકરા પ્રહારો કરવાના, જેથી બે-ચાર બતનો છુટા પડી જાય, પણ મારામારીઓ મને ફાવતી નથી. ઘરે પાછો આવીને બટન ગોતવામાં કલાક ગયો.

આમ પાછો હું બુદ્ધિમાન ખરો, એટલે બ્રિટનની રાણીના મુગુટમાં કોહીનૂર હીરો જડવાનો હોય, એનાથી ય અડધી મેહનતે મારા શર્ટ ઉપર બટને ચોડીને રહ્યો.

એ તો સાંજે ઓફિસેથી ઘેર પાછો આવ્યો ને વાઈફ બૂમાબૂમ કરતી હતી કે, ''મારા બ્લાઉઝનું ઉપલું બટન દેખાતું નથી... નવા જ બ્લાઉઝનું બટન ગીયું ક્યાં ?''

આજ સુધી એ શર્ટ મેં બીજી વાર પહેરવા કાઢ્યું નથી.

સિક્સર
- કેમ, તમે લગ્નમાં ન આવ્યા ?
- મારાથી કોઈનું દુઃખ જોઈ શકાતું નથી.

13/12/2015

ઍનકાઉન્ટર : 13-12-2015


* આ સવાલો સાથે બધાના સરનામાં મંગાવીને કોઇના ઘેર લઇ જાઓ છો ?
- હું ક્યાં ડૉકટર છું.
(ડૉ. હેમિન એમ. શાહ, અમદાવાદ)

* જો તમને ભગવાન મળે અને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો?
- એમની સહિઓ કરેલી ચૅકબૂક.
(દેવર્ષિ એ. પંડયા, અમદાવાદ)

* શહિદોના પરિવારોને ચાલતા રાખવાની આર્થિક જવાબદારી અબજોનું ધન એકઠું કરતા મંદિરો-દેરાસરોએ ઉઠાવવી ન જોઈએ ?
- આપણા એકે ય ધર્મસ્થાનોમાં ભગવાને રહ્યા છે ક્યાં ? બધે મહારાજો ભગવાન થઇને પૂજાય છે.
(નાનુભાઈ રાઠોડ, નવસારી)

* નરેન્દ્ર મોદીની ખોટ આનંદીબેન પૂરી કરી શક્યા છે ખરા ?
- ખોટ પડે તો પૂરવાની હોય, આપણું 'ધી ગ્રેટ' ગુજરાત ખોટનું નહિ, સમૃધ્ધિનું રાજ્ય છે.
(પરેશ દવે, રાજકોટ)

* અમદાવાદમાં નોકરી મેળવવા શું કરવું જોઈએ ?
- ધંધો...! ના ચાલે તો ત્યાં ને ત્યાં નોકરીએ રહી જવાય !
(ધર્મેશ વેકરીયા, અમદાવાદ)

* અમિતાભ જેવો મિલેનિયમ સ્ટાર પૈસા કમાવવા આટલી ફાલતુ જાહેર ખબરોમાં કેમ આવે છે ?
- પૈસા કમાવવા.
(જયેશ અંતાણી, ભાવનગર)

* 'ઍનકાઉન્ટર' કૉલમને કારણે કોઈ મોટી હસ્તિઓ સાથે તમારે સંબંધ બંધાયા તો હશે ને ?
- બસ... હું આયનાના પ્રેમમાં પડી ગયો છું.
(ધિમંત ભાવસાર, બડોલી-ઇડર)

* ૪૭-વર્ષ સુધી દેશને લૂંટનાર કૉંગ્રેસ કયા મોંઢે મોદી સરકારની ટીકા કરી શકે ?
- રાહુલના મોંઢે.
(મલખાનસિંહ ચૌહાણ, અમદાવાદ)

* આટલી પાણીદાર પાટીદાર કૌમ અનામતની યાચનાઓ કેમ કરે છે ?
- સૉરી... 'પાણીદાર' અને 'યાચના' શબ્દો સાથે જાય એવા નથી.
(કૌશિક એસ. શાહ, ભાવનગર)

* રાજકારણમાં કોઈ પક્ષમાં તમને જોડાવાનું આમંત્રણ મળે તો કોનું સ્વીકારો ?
- મને ઘેર બેઠા જીતાડે એ.
(યોગેશ ચીકાણી, નેકનામ-ટંકારા)

* લોકો ફૅસબૂક ઉપર ફ્રૅન્ડ્ઝ વધારતા જાય છે, પણ રોજના જીવનમાં દોસ્તો સામે જોતા ય નથી.
- ઠહેરો...! નવા કમ્પ્યૂટરો આવી રહ્યા છે, જેમાં સાથે ઊભેલા દોસ્ત સાથે ય ફૅસબૂકથી વાતો થઈ શકશે.
(શશિકાંત દેસાલે, સુરત)

* તમારો આ એક જ બિઝનેસ છે કે સાઇડમાં કંઈક ખરૂં ?
- સાઇડમાં તો બસ... ખિસ્સાં કાતરવાનું કામ કરૂં છું.
(મિતુલ રામપરીયા, સુરત)

* સફળતા અને સંબંધ સાથે કેવી રીતે સાચવવા ?
- સફળતા ખરેખર મળી જ હોય પછી સંબંધો લોકો સામેથી સાચવતા આવે છે.
(હર્ષ વોરા, અમદાવાદ)

* મારે ડિમ્પલ નહિ, એની બહેન સિમ્પલ સાથે દોસ્તી કરવી છે..મદદ કરશો ?
- ભગવાન તમારી ઈચ્છા કદી પૂરી ન કરે.... સ્વ. સિમ્પલ કાપડિયાની મૃત્યુતિથિ આ ૧૦મી નવેમ્બરે ગઈ.
(રશ્મિન એમ. દવે, રાજકોટ)

* આલિયા ભટ્ટ સાથે કંઈક મેળ પડે એવું કરો ને ?
- એક-બે સવાલોના ખરા જવાબો આપો તો કરાવું. બોલો, એક ને એક કેટલા થાય ? સાંભળવાના કાન માણસના ડાબા કે જમણા ખભાની બાજુ આવ્યા છે ? બન્ને જવાબો સાચા આપવા જેટલી તમારામાં બુધ્ધિ હશે, તો સોરી.... આલિયા તમારી સામું ય નહિ જુએ!
(કૌશિક દરજી, દેત્રોજ)

* મને તમારા ઈ-મેઇલ આઈ-ડી નો પાસવર્ડ જોઈએ છે.. આપશો ?
- લખી લો. ૧ થી ૯૯ નંબરો પછી ગુજરાતીમાં આખો કક્કો લખવો. સીધો મને મળી જશે.
(વિવેક મોનાણી, પોરબંદર)

* સ્વિસ બેન્કનું કાળું ધન કયો મરદ પરત લાવશે અને ક્યારે ?
- મારી આશા છોડી દેજો. અહીં સફેદ ધનના ય ફાંફા છે.
(શતાનંદ વ્યાસ, અમદાવાદ)

* મારૂં નામ 'ઍન્કાઉન્ટર'માં જોઈને આનંદ થયો. બોલો, હવે ફોટો ક્યારે મોકલુ ?
- એ તો તમારા ઘરવાળાઓ મોકલશે ને ?
(દશરથસિંઘ રાજ, વચનાડ-ભરૂચ)

* જો તમે હાસ્યલેખક ના હોત તો શું કરતા હોત ?
- ... પછી તો બુધ્ધિ વગરનું કોઈ પણ કામ કરો તો ચાલે ને ?
(પ્રતિક આચાર્ય, બોટાદ)

* બાપ રે... ક્યાં લઈ જશે આ જમાનો.. ?
- વાહ... બહોત ખૂબ... આગે ક્યા લિખા હૈ ?
(તમન્ના પટેલ, હિંમતનગર)

* પાણીનો રંગ કેવો ? 'જિસ મેં મિલા દો, લગે ઉસ જૈસા..' એવો જવાબ નહિ આપતા, પ્લીઝ ?
- પાણીનો રંગ ઍકઝૅક્ટ બીજા પાણી જેવો હોય છે.
(હરિત વ્યાસ, જામનગર)

* પુરૂષોને વાસણો સાથે કોઈ લેવા-દેવા ન હોવા છતાં વાસણ ખરીદતી વખતે પુરૂષનું નામ કેમ લખવામાં આવે છે ?
- લેવા-દેવા તમારા વરજીને નહિ હોય... અહીં તો બધા મોટા જ થયા છીએ વાસણો ઘસીઘસીને...! ત્યાં તો અમારૂં નામ રહેવા દો, બેન !
(વર્ષા જે. સુથાર, પાલનપુર)

* શું 'વીર સાવર કર'ને 'ભારત રત્ન' ન મળવો જોઈએ ?
- મને ફફડાટ હતો જ કે, જ્યાં મારૂં નામ મૂકાવવા જેવું થશે, ત્યાં કોક બીજાની ભલામણો આવી જ જશે.
(હેમંત નાઇક, નવસારી)

* દરેક ચીજની એક લિમિટ હોય છે... સુઉં કિયો છો ?
- કાંય કે'વાની કિયાં કોઇ 'દિ લિમિટ હોય છે ?'
(ભૌમિક કક્કડ, રાજકોટ)

* જૂના રાજાઓના સાલિયાણા બંધ થયા.. નવા રાજાઓના ક્યારે બંધ થશે ?
- જૂના તમામ રાજાઓના સાલિયાણા ભેગા કરો, એટલું તો નવોે એક એક રાજા એક ઝપટમાં ખાઇ છે. ... કોઇના પેટ ઉપર લાત મરાય ?
(વિનોદચંદ્ર ત્રિવેદી, વડોદરા)

11/12/2015

ફિલ્મ : 'તમાશા' ('૫૨)

નિર્માતા : બોમ્બે ટોકીઝ લિ.,
દિગ્દર્શક : ફણી મજુમદાર
સંગીત : ખેમચંદ પ્રકાશ,
ગીતકાર : ભરત વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૬ રીલ્સ
ટોકીઝ :ખબર નથી (અમદાવાદ)
કલાકારો : અશોક કુમાર, દેવ આનંદ, મીના કુમારી, કિશોર કુમાર, કૌશલ્યા, સુનલિની દેવી, બિપીન ગુપ્તા, રણધીર, એસ.એન. બેનર્જી, હારૂન, શિવરાજ, અમિત બોઝ અને કૃષ્ણકાંત ભૂખણવાલા (સુરત).



ગીતો
૧.રાત મોહે મીઠા મીઠા સપના આયા ... ગીતા દત્ત
૨.કોઈ જલ જલ મરે, કોઈ ફાંસી ચઢે ... આશા ભોંસલે
૩.જબ મીંયા બીવી રાજી તો ક્યા કરેગા કાઝી ... કિશોર કુમાર
૪.ખાલી પીલી કાહે કો અખ્ખા દિન બેઠ કે બોમ મારતા હૈ ... કિશોર કુમાર
૫.જુઠા-સચ્ચા પ્યાર જતાઓ, ઠંડી ઠંડી આંહે ભરો 
૬.ક્યું અંખીયાં ભર આઈ... ભૂલ સકે ન હમ તુમ્હેં... લતા મંગેશકર
૭.અરમાનોં કી નગરી... મેરે છોટે સે દિલ કો તોડ ચલે ... લતા મંગેશકર
૮.ઘૂંઘટ નહિ ખોલૂંગી, નહિ બોલું, મેરે મન મેં ક્યા ... રાજકુમારી
૯.થી જીન સે પલભર કી પેહચાન... આશા ભોંસલે
ગીત નં. ૪ મન્ના ડે અને ૮ એસ.કે. પાલે સંગીત આપ્યું હતું.

દેવ આનંદ, મીના કુમારી કે કિશોર કુમાર... તમે ઓળખી ય માંડ શકો, એવા નાના અને ભોળા છતાં સુંદર લાગે છે. હજી દેવ આનંદે એની પેલી 'ફેમસ' સ્ટાઈલો મારવાનું શરૂ કર્યું નહોતું. હેન્ડસમ તો એ જન્મ્યો એના ય ૨૦-૨૫ વર્ષ પહેલાથી હતો. એટલે જોવો ખૂબ ગમે. મીના કુમારી આમ તો હજી નવીસવી હતી અને 'મીના કુમારી હોવાનો' હજી કૈફ ચઢ્યો નહતો. એટલે કોઇ સૌંદર્યસામ્રાજ્ઞી નહોતી લાગતી. કિશોર કુમાર દેખાવમાં અશોક કુમારનો ભાઈ હોવાને કારણે એક્ટિંગમાં આવ્યો, પણ એને શોખ ગાવાનો જ હતો. એ વખતનો-આ ફિલ્મમાં દેખાય છે એ કિશોર દેખાવમાં બહુ સાધારણ લાગતો. વાળનો જથ્થો પુષ્કળ હોવા ઉપરાંત એમાં તેલ નાંખેલા માથે પાછળ બોચી સુધી લંબાવેલા રાખતો. આપણને સહેજ પણ જોવા ગમે નહિ. પણ એના તોફાનો જોવાથી ગેલમાં આવી જવાય. અહીં મીના કુમારી એને પહેલી વાર બોલાવતા, ''સુનિયે''ના જવાબમાં કિશોર કહે છે, ''નહિ સુનતેએએએ...'' દેવ આનંદ સાથે જોશોખરોશભરી દોસ્તી તો એની પહેલી ફિલ્મ ''ઝીદ્દી''થી થઈ ગઈ હતી. બીજા કોઈ સંગીતકારો કિશોરને ગાયક તરીકે કોઈ ભાવ નહોતા આપતા, ત્યારે એક માત્ર ખેમચંદ પ્રકાશ એને લેતા. અલબત્ત, આ ફિલ્મમાં કિશોરનું ''ખાલી પીલી બોમ મારતા હૈ'' ગીતનું સંગીત મન્ના ડેએ આપ્યું છે. (કમનસીબે, ''ટી'' સીરિઝવાળાઓએ સીડીમાંથી આ ગીત પણ કાઢી નાંખ્યું છે. આખી ફિલ્મમાં એક માત્ર પુરુષ-કંઠ હતો, એ ય ગયો !) કિશોર કોમેડી તો કરતો જ, પણ ગંભીર રોલમાં ક્યારેક તો એ સર્વોત્તમ એક્ટર લાગતો... આખરે, ભાઈ તો દાદામોનીનો હતો. યસ, બહુ વધુ પડતા હાસ્યાસ્પદ દેખાવાની એને હોબી હશે. આ ફિલ્મમાં પણ એણે પહેરેલા કપડાં ભારતની કોઈ સદીમાં કોઈએ પહેર્યા ન હોય એવા છે. એના ઝભ્ભાને તમે ઝભ્ભો કહી ન શકો. લૂંગીની સાઈઝની બે બાંયોવાળો લેંધો અને ગળે મફલર. યાદ હોય તો એની જુની મોટા ભાગની ફિલ્મોમાં એણે મોટા ચેક્સવાળા કે મોટા ફૂલોની પ્રિન્ટવાળા અડધી બાંયના શર્ટ્સ પહેર્યા છે. (આતો તમારી જાણ ખાતર...! અમેરિકામાં ફૂલોની ડીઝાઇનવાળા અને ગુલાબી શર્ટ મોટાભાગે હોમોસેક્સ્યૂઅલ્સ પહેરે છે, જેથી એકબીજાને ઓળખી શકાય !)

વાર્તા રસભરી જણાય છે. અફ કોર્સ, આજે એમાંનું કશું નવું ન લાગે, પણ એ જમાનાની ફિલ્મો જોતા કેટલા ખુન્નસો ચઢે, એવું હું અવારનવાર લખી ચૂક્યો છું. એવી સામાન્ય આ ફિલ્મ નહોતી. દિગ્દર્શક ફણી મજુમદારે એ ધ્યાન રાખ્યું છે કે, પ્રસંગો ઝટ બદલાતા રહે. કેમેરા ચોખ્ખા રહે અને અદાકારો પાસેથી વધારાનું સહેજ પણ કામ નહિ લેવાને કારણે એ બધા પોતપોતાના પ્રમાણભાનમાં રહ્યા છે. વાર્તા લખી તો છે, આપણને બહુ ગમતા એ ગોળમટોળ છતાં ઊંચા અને પડછંદ કાકા એસ.એન. બેનર્જીએ (જેમણે અહીં ટેલીફોન ઓપરેટરનો રોલ કર્યો છે) અને સંવાદો એક જમાનામાં સાહિર લુધિયાનવીના પરમ મિત્ર રહી ચૂકેલા હિન્દીના સુપ્રસિદ્ધ વાર્તાકાર કૃષ્ણ ચંદરે. યસ... સાહિત્યના ચમકારા એમના સંવાદોમાં ઊઘડી આવ્યા છે. વાર્તા કંઈક આવી હતી :

દિલીપ (દેવ આનંદ) એક કરોડપતિ દાદાજી (બિપીન ગુપ્તા)નો લાડકો અને એકલો વારસ હોય છે. નયનતારા (કૌશલ્યા) નામની વેશ્યા અને તેની માં (સુનલિનીદેવી) તથા સો-કોલ્ડ ડાયરેક્ટર (રણધીર) ભેગા મળીને દેવને ફસાવે છે. નયનતારા અશોક કુમાર નામના ફિલ્મી હીરો (અશોક કુમાર) સાથે પણ પ્રેમ કરે જાય છે. અશોક જાણતો પણ હોય છે કે, નયનતારા ઝેરી નાગણ છે, જેણે માત્ર પૈસા ખાતર દેવને ફસાવ્યો છે. દાદાજીને આ વાતની જાણ થતા એ પોતાના ફેમિલી ડોક્ટર (શિવરાજ) સાથે મળીને ગંભીર બિમારીનું નાટક કરી દેવ પાસે પેલી વેશ્યાને છોડીને કોક સારા ઘરની છોકરી આજે ને આજે પેશ કરવાની હઠ પકડે છે, કારણ કે જુઠ્ઠું બોલવામાં માહિર દેવ કહી ચૂક્યો હોય છે કે, એણે નયનતારાને છોડીને સારા ઘરની એક છોકરી પસંદ કરી લીધી છે. તાબડતોબ 'બહુ' લઇ આવવા રણધીર દેવને વેશ્યાબજારમાં લઈ જાય છે. જેથી દેવ ગુસ્સે થાય છે. આમ અચાનક જ, એને મીના કુમારીનો ભેટો થઈ જતા દેવ રીક્વેસ્ટ કરે છે, પોતાના દાદાજીના આખરી શ્વાસો બચાવી લેવા મીના નાટક કરે ! ખાસ કાંઈ સમજ્યા વગર મીના હા-એ-હા કરતી જાય છે, પણ અસલી નાટક તો દાદાજી કરતા હોવાથી અને 'બહુ' તરીકે મીના પસંદ પડી જવાથી વાત્સલ્યથી દાદાજી મીનાને નોકરીને બહાને પણ રોકી રાખે છે. આ બાજુ નયનતારામાં ભરચક ફસાયેલા દેવની નજર સામે એ અશોક કુમાર સાથે ઇશ્કના ગુલ ખિલાવતી પકડાઈ જવા છતાં ડરતી નથી. દેવના પ્રેમપત્રો અને બન્નેના ફોટાઓના જોર પર નયનતારા અને મંડળી દેવને બ્લેક-મેઈલ કરીને ચોખ્ખું કહી દે છે કે, 'હું પ્રેમ તો અશોકને કરું છું, પણ તારામાં મારો રસ તારી ધનદૌલત પૂરતો જ છે.' દેવ ફસાઈ જાય છે અને ચાહવા છતાં મીના કુમારીને પરણવાની ના પાડવી પડે છે. છેલ્લી ઘડીએ અશોક કુમાર આવીને નયનતારાનું નાટક ખુલ્લું પાડીને દેવ-મીનાને બચાવી લે છે.

અહીં એ જમાના પૂરતો એક સવાલ ચોક્કસ પેદા થાય કે, દેવ આનંદ અને મીના કુમારી કેમ ભાગ્યે જ બસ કોઈ... બે-ચાર ફિલ્મોમાં જ આવ્યા ? કદાચ એટલી ય નહિ હોય. શું બન્ને વચ્ચે બનતું નહોતું ? ધંધાદારી કારણો હતા કે ડર પેસી ગયો હોય કે, બન્ને સાથે હીરો-હીરોઈન તરીકે નહિ ચાલે ? પ્રોબ્લેમ ક્યા થા...? અરે, પ્રોબ્લેમ-બોબ્લેમ કુચ્છ નહિ થા ભ'ઈ... દેવ આનંદ થોડો શુકન-અપશુકનમાં માનનારો ખરો ! એક એક મધુરા ગીતોવાળી ખુદ આ જ ફિલ્મ 'તમાશા' બોક્સ-ઓફિસ પર સખ્ત રીતે પિટાઈ ગઈ, એમાં એના મનમાં ઘુસી ગયું કે, મીના સાથે ફિલ્મો નહિ ચાલે ! એ તો વર્ષો પછી, એના મોટા ભાઈ ચેતન આનંદની સમજાવટ પછી મીના કુમારી સાથે ફિલ્મ 'કિનારે કિનારે' કરી, પણ આમાં ય, એક એકથી ચઢિયાતા જયદેવના ગીતો હોવા છતાં ફિલ્મ કંગાળ ઢબે ધોવાઈ ગઈ... બસ ! એ સાચો પડયો !!

ફિલ્મમાં સંગીત તો ખેમચંદ પ્રકાશનું હતું, પણ અધવચ્ચે તબિયત નાજુક થઈ જતા આપણાં મશહૂર ગાયક મન્ના ડેને સંગીતનો કારભાર સોંપાયો અને એમના ખાસ દોસ્ત કિશોર કુમાર પાસે એક તોફાની ગીત ગવડાવ્યું, ''ખાલી પીલી કાહે કો અખ્ખા દિન બૈઠ કે બોમ મારતા હૈ...'' ત્રીજું એક ગીત ''ઘૂંઘટ નહિ ખોલુંગી'' એસ.કે. પાલ પાસે તૈયાર થયું પણ ફિલ્મના ટાઈટલમાં એમને ક્રેડિટ ન મળી અને ફિલ્મમાં પણ દર્શાવાયું નહિ. ફિલ્મો માટે ટી-સીરિઝની સીડી ખરીદતા પહેલા હવે વિચાર કરવો સારો કારણ કે, 'જુઠા-સચ્ચા પ્યાર જતાઓ, ઠંડી ઠંડી આંહે ભરો...' નામનું ગીતે ય સીડીમાંથી કઢાઈ નંખાયું છે. હદ તો ત્યાં થાય છે કે, કિશોરનું એક અન્ય ગીત, 'જબ મીંયા બીવી રાજી તો ક્યા કરેગા કાઝી...' પણ સીડીમાં નથી. ગીતકાર ભરત વ્યાસે લખેલા ગીતોની બંદિશ ખેમચંદે અત્યંત કર્ણપ્રિય બનાવી છે. એક પણ ગીત ફાસ્ટ-ફોરવર્ડ કરાય એવું નથી.

કિશોર કુમારની ઓલમોસ્ટ પહેલી ફિલ્મ (એક્ટર તરીકે) ''આંદોલન''માં એનો ખાસ દોસ્ત અને બારમાસી બુઢ્ઢો અને રોતડો એક્ટર શિવરાજ હતો. શિવરાજ જેટલી સંખ્યામાં બહુ ઓછા ચરિત્ર અભિનેતાઓએ કામ કર્યું હશે. બધા હીરો કે હીરોઈનના બાપમાં એ આબાદ ફિટ થઈ જતો. એ હિસાબે, એ મોટાભાગના હીરો હીરોઇનોનો 'બાપ' હતો ! અહીં ''ઓલમોસ્ટ'' શબ્દ એટલે વાપરવો પડયો છે કે, ઘણી વાર ''ગુગલ''માંથી લીધેલી માહિતી ખોટી હોય છે. મેં ફિલ્મ જોઈ નહોતી પણ હીરો સુજીત કુમાર હતો અને ફિલ્મ ''લાલ બંગલા''માં મૂકેશનું ઉષા ખન્નાએ બનાવેલું ''ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર'' આ કોલમમાં મેં સુજીત કુમારને નામે લખ્યું હતું. એક જાણકાર દોસ્તે ધ્યાન દોર્યું ત્યારે ખબર પડી કે, એ ગીત ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક અને સમજો ને-બની બેઠેલા હીરો જુગલ કિશોર ઉપર ફિલ્માયું હતું. એવું જ રાજેશ ખન્નાએ ફિલ્મ ''આનંદ''માંથી સંજીવ કુમારને એટલા માટે કઢાવ્યો હતો કે, ફિલ્મ ''આપ કી કસમ''માં સંજીવ મેદાન મારી ગયો હતો, એ ઇર્ષાને કારણે ખન્નાથી સહન નહોતું થયું. ખન્નો ઈર્ષાળુ બધી રીતે હતો. એની ના નહિ પણ ''આનંદ'' '૭૧માં રીલિઝ થયું હતું અને ''આપ કી કસમ'' '૭૪માં.... તો પછી સંજીવને 'આનંદ'માંથી કઢાવવાનો સવાલ જ ક્યાં પેદા થાય છે ?

બિપીન ગુપ્તા (જન્મ તા. ૨૧ ઓગસ્ટ, ૧૯૦૫ : મૃત્યુ તા. ૯ સપ્ટેમ્બર, ૧૯૮૧) મૂળ તો બંગાળી માણસ. જન્મ્યા ભલે મેરઠમાં હતા, પણ બૈજુ બાવરા, જાગૃતિ, ગૃહસ્થી, ઘરાના, હમરાહી, સસુરાલ, મમતા, આમ્રપાલી, જીવન મૃત્યુ અને ખિલૌનામાં એમનો અભિનય અને ખાસ તો ઘેઘૂર અવાજ અને સદા ય હસતો ચહેરો આપણને યાદ છે. '૩૮-માં સોતુ સેન દિગ્દર્શિત ''ચોખેર બાલી''માં પહેલી વાર અભિનય એટલા માટે કર્યો કે, ફિલ્મનો હીરો આવ્યો નહિ, એટલે મૂંઝાયેલા ડાયરેક્ટરે સરસ હાઈટ-બોડી અને ખાસ તો અવાજ ધરાવતા બિપીન ગુપ્તાને લઈ લીધા. સાઉથની કોમેડી ફિલ્મ ''તીન બહુરાનીયા''માં પૃથ્વીરાજ કપૂરની નાદુરસ્ત તબિયતને કારણે ડબિંગમાં અવાજ બિપીન ગુપ્તાનો વપરાયો હતો. એમણે કિશોર કુમાર, નિમ્મી અને અભિ ભટ્ટાચાર્યને લઈને '૬૪-માં કોમેડી ફિલ્મ 'દાલ મેં કાલા' પોતે બનાવી હતી. આ ફિલ્મ 'તમાશા'માં તો અશોક કુમારે એમને પોતાના કરતા ય મોટો રોલ આપ્યો છે.

અશોક કુમાર... દાદા મોની ! ઓહ... કેવા ગ્રેટ એક્ટર ! મારા જેવા એમના અધધધ ચાહક હશે, એ સહુ દાદામોનીના ખુશમિજાજ સ્ટાઈલ નહિ... ખડખડાટ હાસ્યના ચાહકો હશે. એ જમાનાના તો એ સુપરસ્ટાર હતા અને ફિલ્મોનું નિર્માણ (આ ફિલ્મની જેમ) પણ કરતા, છતાં મોટા ભાગે એ વિલન-બ્રાન્ડ અથવા આજની સારી ભાષામાં 'એન્ટી-હીરો'ના રોલ કરતા ને તો ય એમની લોકપ્રિયતાને કોઈ આંચ આવતી નહિ. દાદામોની અને પ્રાણની જેમ હજારો ચેઇન- સ્મોકરો ૯૦-૯૦ વર્ષ સુધી જીવ્યા છે....! આ તો એક વાત થાય છે !

એમાં ય, આ એ જમાનો હતો કે દેવ આનંદ અને મીના કુમારી અભિનયમાં ય શાહ-એ-આલમ હતા. દેવને તો તમે જોયે જ રાખો, એટલો સુંદર દેખાય.

મીના દેખાવમાં હજી 'એ' મીના કુમારી બની નહોતી, જે આપણને 'દિલ એક મંદિર' કે 'કાજલ'માં ગમી હતી. છતાં ય એના અભિનયની સૌમ્યતા અને પ્રભાવક આંખો દર્શકોને મૂંઝવી નાંખતી કે, જન્માક્ષર સાથે પ્રેમશંકર મામાને મોકલીને આની સાથે આપણું ગોઠવાવવું કે, અત્યારે ધ્યાન માત્ર ફિલ્મ જોવામાં રાખવું. હકીકત, એ હતી કે વાત મીના કુમારીની આવે તો બદમાશ પ્રેમશંકર મામા ઉપર લગીરેય વિશ્વાસ ન મૂકાય... (...ને મીના ઉપરે ય મૂકાય એમ નહોતું !) આ તો એક વાત થાય છે ! યસ. ઓનેસ્ટલી... એ સમયની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મ જોવાથી અફ કોર્સ તબિયત નહિ બગડે.

ઓન ધ કોન્ટ્રારી ખેમચંદ પ્રકાશના ગીતોને કારણે પણ ફિલ્મ જોવા જેવી ખરી. કમનસીબે આ રાજસ્થાની કાકાને એમનો માલ વેચતા આવડતો નહોતો, એટલે ફિલ્મનું એકે ય ગીત ઈવન આજ સુધી આપણી પાસે પહોંચ્યું નહિ !

10/12/2015

મિસ્ટર દવે.... શું કરશો હવે ?

કૉલબૅલ હતી તો ય એ વગાડયા વિના અંદર આવ્યા. સંગીતનો શોખ નહિ હોય ! આવીને સીધા સોફામાં બેસી ગયા. અલબત્ત, ઘરમાં આવ્યા પછી ગમે તે હોય, બેસે તો સોફા ઉપર જ ને ? કોઇ ફ્લૉર કે એ.સી. ઉપર ઓછું બેસવાનું હોય ? પણ આપણને એમ કે, પૂછીને બેસે તો સારૂં લાગે. મને કોઇ ફોન કર્યા વગર આવે, એ ય પસંદ નથી, પણ આ જે આવ્યા હતા, એમણે મને ફોન કરીને આવવું હોત, તો મારો જ ફોન માંગીને મને કરત !

કોઇની ઓળખાણ લઇને એ એમનું જીવન-ચરીત્ર મારી પાસે લખાવવા આવ્યા હતા, પણ એમનો ઍપ્રોચ, સાયકલમાં હવા પૂરાવવા આવ્યા હોય એવો હતો. મને કહે, ''સુઉં ભાવ રાખ્યા છે જીવન ચરિત્રો લખવાના આજકાલ...?''

આ ભાવતાલ એમણે પોતાના ડાબા હાથે જમણા પગનો ઢીંચણ વલૂરતા પૂછ્યો. મને આ ન ગમે. માનવીએ હરહંમેશ પોતાનો ડાબો ઢીંચણ ડાબા હાથે જ વલૂરવો જોઇએ. ગાડીમાં બેઠા બેઠા આપણે જમણા હાથે ગીયર બદલીએ. એ સારૂં લાગે ? પાછળની સીટ પર બેઠેલા બા કેવા ખીજાય ?

''આપની કોઇ ભૂલ થતી લાગે છે. હું કોઇના જીવન ચરીત્રો તો ઠીક, દેશી નામું ય લખતો નથી.'' મેં ચોખવટ કરી. ''અને હા, આપનું નામ શું, એ ય મને ખબર નથી.''

''મારૂં...? યૂ મીન, મારૂં નામ તમને ખબર નથી ? ઈન્ડિયામાં નવા રહેવા આવ્યા લાગો છો. ઓકે. પ્રજા મને કિન્તુભ'ઇના નામે ઓળખે છે. કિન્તુ પરીખ. આ તો વળી વહાલાકાકાએ તમારૂં નામ આપ્યું કે, જીવન ચરીત્ર આની પાસે લખાવો. છાપા-બાપામાં કંઇ હસવા-બસવાનું લખે છે...તે મેં 'કૂ... તમને ચાન્સ આલીએ.''

હું ટીવી પર ઍનિમલ પ્લૅનેટ જોતો હોઉં એવું મને લાગ્યું. એમનો દેખાવ સામાન્ય રીતે, મનુષ્ય જાતિમાં જવલ્લે જ જોવા મળે એવો હતો. સ્કૂલ છૂટી ગયા પછી દસ-બાર છોકરાઓ સ્કૂલના મેદાનમાં હજી રમતા હોય-ઘેર ન ગયા હોય, એમ એટલી સંખ્યામાં એમના માથા ઉપર વાળ હરફર-હરફર કરતા હતા. એમના માથા કરતા કાનમાં વાળની સંખ્યા અને વજન વધુ હતા. આ તો આપણો વિષય નહિ, એટલે બોલાય નહિ પણ, સૅન્ડવિચ-બ્રેડની સૌથી ઉપલા અને છેલ્લા પડ જેવા એમના ગાલ હાફ-શૅવને કારણે, મમરી ચાની ભૂકી ગાલ ઉપર કોઇ ચોંટાડી ગયું હોય એવું લાગે. એમની પાસે ગળું કહો કે ડોકી કહો, હતા પોતાના જ,પણ શીશીનું ઢાંકણું જામ થઇ ગયુંહોય ને ખુલતું ન હોય, એમ એમનું ડોકું ખભા ઉપર માથાને ફરકવા દેતું નહોતું. સાઇડમાં જોવા માટે કિચનમાં આપણે આખું ફ્રીજ ખસેડીએ, એમ એ પેટથી ઉપરનું બૉડી ઘુમાવતા સુવર્ણમૃગની પાછળ ગયેલા શ્રીરામ પાસે જવા હઠાગ્રહે ચઢેલા સીતા માતા સામે ઝૂકી જઇને લક્ષ્મણે પોતાના તીર વડે જમીન પર લક્ષ્મણ-રેખા ખેંચી હતી,એવી બે રેખાઓ આમને કપાળ નીચે ખેંચાવી હતી, જેને સમાજ આંખ ઉપરની ભ્રમરો કહે છે. યુધ્ધભૂમિમાં બુરી રીતે લોહીલુહાણ થયેલા સૈનિકો ઘોડાની પીઠ ઉપર આડા પડીને ગામમાં એક પછી એક પાછા આવતા હોય, એમ એ વાત કરે ત્યારે એમના વાળ ખભાની આગળ આવતા. પ્રભુએ આ માનવ શરીર બનાવતી વખતે બધું ધ્યાન રાખ્યું હશે, પણ ભૂલમાં છાતી પાછળ અને પીઠ આગળ મૂકાઇ ગઇ હોય એવું કંઇક ઊગી નીકળ્યું હતું. સ્નાયુબધ્ધ પુરૂષોની છાતી ઉપર બે મોટા ફોડલાં પડયાં હોય, એવા એમને પાછળ પડતા હતા. દાઢીની વચ્ચોવચ કોઇ કાણાં જેવું પડેલું દેખાતું હતું. કદાચ કાણું ન પણ હોય ને કદાચ હોય પણ ખરૂં, પપ્પાના ડરથી ગભરાઇને છોકરૂં પિપડાંમાં સંતાઇ ગયું હોય, એવો દાઢીનો એક નાનકડો વાળ એ કાણામાં કાંપતો હતો.

બોલતી વખતે એ મારો હાથ ખેંચેલો રાખતા અને વાક્ય પૂરૂં થયે છોડી દેતા, અર્થાત કાયમનો સાથ નહિ ! મને થયું, આમ કરવામાં મઝા આવતી હશે એટલે એક વાર હું કંઇક બોલવા ગયો ત્યારે મેં પણ એ જ રીતે એમનો હાથ પકડીને ખેંચેલો રાખ્યો. ખાસ કાંઇ મઝા ન આવી, એટલે મેં તે છોડી દીધો, એમાં કોઇ વિરાટ સત્ય શોધી કાઢ્યું હોય, એવા ચેહરે ગર્વથી તેઓ બોલ્યા, ''બસ... આ જ! આજ તમારો મોટો સદગુણ છે.... કે લીધેલી વાત તમે પકડી રાખતા નથી. તમે જીદ્દી નથી.... અને તમે મારી નકલ કરી, એ મને ગમ્યું.''
''કિન્તુભાઇ, તમે ગલત જગ્યાએ આવ્યા છો. હું છાપામાં લેખો-બેખો લખું છું, એ બરોબર છે, પણ આવા વસીયતનામાઓ નથી લખતો.'' મેં એમની આંખોમાં જોયા વિના જવાબ આપ્યો. મારી ધારણા અને અપેક્ષા મુજબ એ મારો આવો જવાબ સાંભળીને ખીજાયા.

''જો ભ'ઇ...તમે તમારી જાતને મોટા લેખક-બેખક સમજતા હો, એ તમારો પ્રોબ્લેમ છે. આ તો આપણને એમકે,મારૂં જીવન-ચરીત્ર કોક સારા માણસ પાસે લખાવીએ... તમને બે પૈસા મળે ને મારો સંદેશ પ્રજા સુધી પહોંચે... બાકી તમારા જેવાઓને તો હું નોકરીએ રાખું છું.''

મને મારામારી કરતા નથી આવડતું. આજ સુધી કોઇની સાથે ઝગડયો નથી. ગુસ્સો મને આવતો નથી, છતાં એક સફળ હસબન્ડ છું. પણ કિન્તુભ'ઇ જે બધું બોલી ગયા, એ સાંભળીને વાઇફે કિચનમાંથી આવીને કહી દીધું. ''એ ડોહા... તમે સમજો છો શું તમારી જાતને ? નીકળો બહાર....!'' વાઇફ ગુસ્સાવાળી ખરી, એટલે એ એક સફળ વાઇફ છે. ''ઓકે... ના લખવું હોય તો તમારી મરજી....'' નૉર્મલી આવો ડાયલોગ દુનિયાભરના લોકો ઊભા થતા થતા બોલે... આ બેઠા બેઠા જ બોલ્યા. ''બાકી.... હું તો મારૂં જીવન ચરીત્ર લખાવવાના તમને રૂ. ૨૭ લાખ આપવા આવ્યો છું.... બાકીના ત્રણ લાખ.... લખાઇ ગયા પછી !''

જડબાં 'લોક-જો' થઇ ગયા હોય, એમ અમારા બન્નેનાં મોઢાં પહોળાં થઇ ગયા.

સાલી એમણે તો બૅગ ખોલી અને સાચ્ચે જ એટલા રૂપિયા હતા એમાં. વાઇફ અને હું બન્ને એક સાથે હેબતાઇ ગયા. અમારામાં હેબતાવાનું બહુ હોય, પણ એક સાથે કદી નહિ... હું એકલો જ હેબતાતો હોઉં, પણ દુઃખી તો દુઃખી, જ્યાં રાજા હરિશ્ચંદ્ર જાય ત્યાં જ પાછળ એમના વાઇફ સતી તારામતિ જાય, એમ મારા હેબતાવામાં પહેલી વાર વાઇફે સાથ આપ્યો અને સુંદર રીતે હેબતાઇ બતાવ્યું.

''૨૭ લાઆઆઆઆ..ખ.....?'' અમે બન્ને એક સાથે પેલાના દેખતા બોલી ઊઠયા. શું કરવું, શું નહિ, એનો અમને બન્નેને ખ્યાલ ન રહ્યો. પેલી માટે ઘટનાસ્થળ છોડવું સરળ હતું અને એ, ''બેસો બેસો સાહેબ... પાણી લાવું'' કહીને કિચનમાં પાણી લેવા જતી રહી. કંઇ સૂઝ્યું નહિ એટલે મને ય થયું, હું ય બીજો ગ્લાસ પાણીનો લઇ આવું. પીવાની ના પાડે તો નહાવાનું પણ લઇ આવું, પણ એમના ૨૭ લાખના આવા જીવલેણ હૂમલાથી અમે બન્ને ડઘાઇ ગયા હતા. અફ કોર્સ, ડઘાવામાં મને છેલ્લા ૩૯ વર્ષોથી ફાવટ હતી (લગ્ન તા. ૭ ડીસેમ્બર, ૧૯૭૬) પણ વાઇફ માટે આ બધું નવું નવું હતું, છતાં અમે બન્ને સંયમ રાખીને કિન્તુભ'ઇની  સાથે અને સામે બેઠા.

''ઓહ... યૂ મીન... આઇ મીન..... એટલે કે, કિન્તુભ'ઇ... ભ... પ... ડણ.... ખખખ...

''જુઓ મિસ્ટર દવે.... બોલો હવે ! શું વિચાર છે ? લખવી છે મારી જીવનયાત્રા...?''

''અરે સાહેબ, આ ભાવમાં તો હું મૃત્યુયાત્રા પણ-----આઇ મીન, તમે કહેશો, એ લખી આપીશું... મારા તો કમ્પ્યૂટરમાં ય અક્ષરો સારા આવે છે... બોલો સર-જી, ક્યારથી બેસવું છે ?'' મારા ચરીત્રમાં જો કોઇ ઉત્તમ ક્વોલિટી હોય તો એ વિનય-વિવેકની છે. હું મને બહુ ગમું. કિન્તુભ'ઇને ગમી જઉં, એટલે બેડો પાર.... સુઉં કિયો છો ?

''શાહેબ, અસોક તો બઉ શરશ લખે છે.... તમારૂં જીવન-ચરીત્ર વાંચતા જ બધા દાંત કાઇઢશે (હસી પડશે.)'' હાળી અતિઉત્સાહમાં બધું બાફી રહી હતી. જીવન-ચરીત્રોમાં ફિલમ ઉતારવાની ના હોય, તે બધા પાસે દાંત કઢાવવાની વાત કરે છે. જો કે, ઘણી વાર હું ઘરમાં હોઉં, ત્યારે પણ ઈન્ટેલિજન્ટ સાબિત થઉં છું, એટલે મેં કિન્તુભ'ઇને પૂછ્યું, ''સર-જી, બોલો, મારે શું કરવાનું છે ? આઇ મીન, ક્યારથી શરૂ કરવું છે ?''

સવાલ સાંભળીને કિન્તુના માથાના પેલા ૮-૧૦ વાળ પૈકીના બે-ત્રણ ટટ્ટાર થઇ ગયા. ''બસ. કાલથી શરૂ કરો. એ પહેલાં એક કામ કરો.... આઇ મીન, લખવાનું તો તમારૂં પાક્કું છે ને ?'' અમારો જવાબ સાંભળ્યા વિના જ એમણે પૂછ્યું, ''ઘરમાં કોઇ લૅપટૉપ-બૅપટૉપ પડયું છે ?''

''ઓહ.... અરે, પૂછવાનું હોય ? નવુંનક્કોર લાયા છીએ... વાઇફ... પેલું કાલે લીધું એ લૅપટૉપ લાય તો !''
''હોય તો મને આપો.... એમાં હું મારી લાઇફની બધી દાસ્તાનોના અંશો તબક્કાવાર લખી આપીશ. કાલે મારા ઘેરથી લઇ જજો. આમાં ફક્ત ૧૮ લાખ જ છે.... કાલે ઘેર આવીને પૂરા ૨૭ લાખ લઇ જજો. આ મારૂં કાર્ડ. હું રાતની ફ્લાઇટમાં જર્મની જઉં છું... બે વીક માટે. ત્યાં સુધીમાં આખું જીવન-ચરીત્ર તૈયાર રાખજો... થઇ જશે ને ?''

''અરે સર-જી, હું તો આજથી જ પૂર્વભૂમિકા લખવાની શરૂઆત કરી દઇશ.... ડૉન્ટ વરી.''

૨૭ લાખ તો માય ફૂટ ! સાલો ગઠીયો મારૂં નવુંનક્કોર રૂ. સવા લાખનું લૅપટોપે ય લેતો ગયો. એ તો પછી ખબર પડી કે, અમારા બન્નેના મોબાઇલ ફોનો ય કિન્તુડો લેતો ગયો છે.

આજથી હું મારૂં જીવન ચરીત્ર લખવા બેસીશ.

સિક્સર
- બાંગ્લાદેશની મુસ્લિમ લેખિકા તસલીમ નસરીને લખ્યું છે, 'આમિરખાન, તું તારી ફિલ્મ 'પીકે'માં હિંદુ દેવી-દેવતાઓની મશ્કરીઓ કરી કરી રૂ.૩૦૦ કરોડ કમાયો છું. આવી ધૃષ્ટતા તેં પાકિસ્તાન, બાંગ્લાદેશ કે કોઇપણ મુસ્લીમ દેશમાં કરી હોત, તો તને ફાંસીએ લટકાવ્યો હોત !... અને છતાં તું કહે છે, 'ભારત અસહિષ્ણુ દેશ છે ? ' આવું એક મુસ્લીમ સ્ત્રી ઉઘાડે છોગ હિમ્મતથી કહી શકે છે. ...અને આપણા મોટાભાગના ભારતીયો 'માં બહુચરના' ભક્તો જેવા ચૂપ રહ્યા છે. સાચો ભારતીય હવે આમિરની કોઇ ફિલ્મ ન જુએ !

06/12/2015

એન્કાઉન્ટર : 06-12-2015

* આ હમણાં હમણાંથી મલ્લિકા શેરાવત દેખાતી નથી..! શું પ્રોબ્લેમ હશે?
- મલ્લિકા મારી બેન કે સાળી થતી નથી. તમારી થતી હોય તો તપાસ કરાવું.

(રાજન શાહ, અમદાવાદ)


* શું જીવનમાં એકથી વધારે વખત પ્રેમ થઈ શકે?
- જો કોઈ એવું કરતી હોય, તો આપણે વચમાં પડવું નહિ... ખસી જવું.

(ચિરાગ ઘાટલીયા, જામનગર)


* રાજ બબ્બર મોદી સામે આટલા બળાપા કેમ કાઢે છે?
- કોકને ઊંઘમાં બોલવાની બિમારી હોય, એમાં આપણે શું કરી શકીએ ?

(અભિષેક ત્રિવેદી, ભાવનગર)


* તમને નથી લાગતું પાકિસ્તાન સામે ૫૬''ની છાતી ૫.૬''ની થઈ રહી છે?
- ના. 'પાકિસ્તાનને એની જ ભાષામાં જવાબ આપવો જોઈએ', એવું ખુંખારીને કહેતા મોદીએ બોલેલું પાળી બતાવ્યું છે... પાકિસ્તાનની છાતી ૫.૬''ની હોવી જોઈએ.

(પ્રતિક અંતાણી, ભાવનગર)


* માણસે પોતાના ભાવ માટે પ્રભાવ રાખવા કેવો સ્વભાવ રાખવો જોઈએ? પ્રતિભાવ, પ્લીઝ!
- તમારે હિમ્મતનગર નહિ, 'ભાવ'નગર રહેવા જતા રહેવું જોઈએ.

(રોહિત દરજી, હિંમતનગર)


* નરેન્દ્ર મોદી પી.એમ. બન્યા. આનંદીબેન સી.એમ. બન્યા... તો અશોક દવે?
- બી.એમ.! 'બુધ્ધિશાળી માણસ'

(કલ્પના મેહતા, બિલિમોરા)


* આ ધર્મ-ધર્મ કરનારા બધાને પાકિસ્તાનની બોર્ડર પર મોકલી દેવા જોઈએ... તમે સુઉં કિયો છો?
- તમારે ઈન્ડિયામાં રહેવું છે કે નહિ ? આ દેશમાં દેશને ગમે તેટલી ગાળો આપો... નો પ્રોબ્લેમ! ધર્મ માટે એક અક્ષરે ય વાંકો બોલ્યા છો તો કાચી સેકન્ડમાં એ લોકો તમને બોર્ડર પર મોકલી દેશે.

(ધિમંત પરમાર, સુરેન્દ્રનગર)


* તમે આ રીતે બધાના એડ્રેસ મંગાવીને શું કરો છો?
- કંકોડાનું શાક.

(પૂજા પટેલ, અમદાવાદ)


* તમારા મતે, ભારતે પાકિસ્તાન સાથે કેવું વલણ રાખવું જોઈએ?
- પાકિસ્તાનની જે કોઈ માં હોય, એના લગ્ન કરાવી દેવા જોઈએ.

(રાજુ દેસાઈ, ખડસાલીયા)


* 'ઍનકાઉન્ટર'માં સવાલો ૨૫-૨૭ આવે છે, પણ હસવું તો ૩-૪માં જ આવે છે, આવું કેમ?
- તાબડતોબ તમારાં જડબાંનો ઇલાજ કરાવો.

(હાર્દિક સોજીત્રા, રાજકોટ)


* આજ સુધી તમને પૂછાયેલો તમારો મનપસંદ સવાલ કયો?
- 'એનકાઉન્ટર' બંધ ક્યારે કરો છો?

(અનિરૂધ્ધ રહેવર, રણાસણ)


* અન્ના હઝારે અંગે તમે જે જવાબો આપો છો, તે 'ફની' હોય છે કે ગંભીર, તેની મૂંઝવણમાં છું.
- એ માણસ ફક્ત પબ્લિસિટીનો ભૂખ્યો છે અને મીડિયાએ ૨૪-કલાક ગમે તેમ કરીને પૂરા કરવા પડે, એમાં આ ભ'ઈને હીરો બનવા મળી ગયું.
(અરવિંદ એફ. ગાંધી, અમદાવાદ)

* નરેન્દ્ર મોદી વિશે તમારો અભિપ્રાય?
- બહુ વહેલો પડશે...

(સાગર મેહતાભરૂચ)


* ઈન્ડિયાની બ્લોક-બસ્ટર ફિલ્મ 'બાહુબલિ' વિશે તમારો અભિપ્રાય...
- ...આપવો પડે, એટલી મજબુત ફિલ્મ નહોતી.

(મૈત્રી રાજેશ પંચાલ, અમદાવાદ) અને (ભરત ભુસડીયા, સુરેન્દ્રનગર)


* તમારા વાઇફે એમના મોબાઇલમાં તમારું નામ શું રાખ્યું છે ?
- હિટલર.

(વ્યોમા પાર્થ શાહ, મુંબઈ)


* 'હું ખાતો નથી. ખાવા દેતો નથી.' તો આ 'વ્યાપમ' શું હશે?
- પેટના ગૅસની દવા.

(યામા ભટ્ટ, જૂનાગઢ)


* હસતી સ્ત્રી ક્યારે ખતરનાક લાગે?
- હસતી હોય ત્યારે.

(ધીરજ ઉદવાડીયા, મુંબઈ)


* તમે ડિમ્પલને ખૂબ ચાહો છો એ બરોબર, પણ ડિમ્પલને આની ખબર છે?
- એ પોતાની પર્સનલ વાતો કોઈને કરતી નથી.

(કાંતિલાલ માકડીયા, રાજકોટ)


* રાહુલ બાબામાં મૅચ્યોરિટી ક્યારે આવશે?
- જે ગામ જવું નહિ, એની પંચાત એ ય નથી કરતા, તો આપણે શું કામ કરવાની?

(અભિષેક ત્રિવેદી, ભાવનગર)


* મંદિર કે દેરાસરમાં દાન આપનારાઓ વૃધ્ધાશ્રમ કે અનાથાશ્રમમાં દાન આપતા કેમ ખચકાય છે?
- એ આશ્રમોમાં વૃધ્ધો અને અનાથો એમણે આપેલા હોય છે.

(જયેશ પંડયા, અમદાવાદ)


* તમારી દ્રષ્ટિએ, લગ્ન અને લિવ-ઈન રીલેશનશીપ વચ્ચે શું ફરક?
- લગ્નમાં ચાંદલો આવે....

(ડૉ. હિરેન વઘાસીયા, રાજકોટ)


* આ સદીનું શ્રેષ્ઠ ગીત અને શ્રેષ્ઠ સંગીતકાર કોણ?
- એ તમને ટ્રેનમાં બે પથરાં ઘસીને, ''ચલ બેટા સેલ્ફી લે લે...'' ગાતા ભિક્ષુક પાસેથી સાંભળવા મળશે.

(ફાતેમા પેટલાદવાલા, છોટા ઉદેપુર)


* ગત ૧૭ જુલાઈએ તમે મુંબઈવાસીઓને ખૂબ હસાવ્યા, એ દિવસ રાજેશ ખન્નાની પુણ્યતિથિ હતી. આ કેવો યોગાનુયોગ?
- હા, પણ એમાં મુંબઈવાળાઓને હવે ટેવ પડી ગઈ છે કે કોઈને ઉડાડવો હોય, તો અશોક દવેનું લેક્ચર રાખો.

(રોહિત દવે, હાલોલ)


* ઈતિહાસની કોઈ ઘટનાને બદલીને નવેસરથી રજુ કરવી હોય તો કઈ ઘટના બદલો?
- ખાસ કંઈ નહિ... અનારકલી એની એ રાખીને સલિમ હું બનું.

(ક્રિપાલસિંહ ગોહિલ, ઊમરાળા)


આપ એક લેખક છો, તો બીજા લેખકના પુસ્તકના વિમોચનમાં જતા કેવું લાગે?
- આ ય મરવાનો થયો છે!

(દેવાંગી પી. દેત્રોજા, જામનગર)


* હમણાં હમણાં સંતોની એક નવી પ્રજાતિ શરૂ થઈ છે, 'વૉટ્સએપ સંતો'... રોજ સવાર પડે ને એમની સંતવાણી શરૂ થઈ જાય છે.
- મને 'વૉટ્સએપ' મોકલનારાઓની નહિ... વાંચનારાઓની દયા આવે છે.

(તૃપ્તિ ઠાકર, અમદાવાદ)


* શાહરૂખની જેમ હવે આમિરખાને પણ દેશદ્રોહી ટીપ્પણી કરી. આપણે શું કરવું જોઇએ?
- સાચા ભારતીય હો તો એ બન્નેની ફિલ્મો જોવાની જીંદગીભર બંધ કરી દેવી જોઇએ.

(સુરજ સી. છાયા, મુંબઇ)