Search This Blog

29/07/2015

સૉલ્ટી એનું નામ

સૉલ્ટી એટલે નમક - મીઠાવાળો અર્થ નથી કાઢવાનો. 'સૉલ'ની સાથે 'ટી' એટલે કે ચામાં જૂતું બોળીને પીવાનો મતલબે ય નથી કાઢવાનો.

'સોલ' એટલે આત્માવાળો સૉલ. એકલા સૉલને બદલે સૉલ્ટી બોલવામાં જરા વજનદાર લાગે અને, એના ફોઇને એનો આત્મા ઊંચો લાગ્યો હશે, માટે હિંદુ બ્રાહ્મણ હોવા છતાં નામ આવું પાડયું, 'સૉલ્ટી'. એક તો આયહાય હૅન્ડસમ અને અબજોપતિ બાપનો બેટો. સાલો ભણવામાં ય પરફૅક્ટ. યુવાન થતા સુધીમાં તો એને ઓળખનારા કરતા એની ઉપર મોહી પડનારાઓની સંખ્યા વધવા માંડી. એને તો બહુ મોડી ખબર પડેલી કે, એ જ્યાં જાય છે, ત્યાં સ્ત્રીઓ એને મનભરીને જોવાનું કાલ ઉપર રાખતી નથી. 'કાલ કરે સો આજ કર'ના સૂત્રમાં શ્રધ્ધા રાખે છે. એમના ગોરધનો સાથે હોય તો ય 'હૂ કૅર્સ... ?' સૉલ્ટીની પર્સનાલિટી એવી કે, સ્ત્રીઓને એમના મંગળસૂત્રો ભૂલાવીને કામસૂત્રો યાદ અપાવી દે. છ ઉપર એકાદ બે ઇંચની હાઈટ હશે તો ખરી. આંખો માંજરી-બાંજરી નહિ, પણ આજુબાજુની હરએક આંખોને સૉલ્ટીની આંખોમાં જઇને શૅક-હૅન્ડ... કરવાનું મન થાય એવી પ્રભાવશાળી આંખો આ છાપાઓમાં રૂપિયાની પેલી મોટી રકમો નથી આવતી, રૂ. ૩,૭૬૫- કરોડ... ને એવું બધું ? બસ, એટલી અથવા તો એવી મિલ્કતોનો એ કુંવારો માલિક હતો. આવાને તો ફરી પરણીએ તો આપણો ગોરધને ય ના ન પાડે...એના હાથમાં ય કંઇક પકડાવી દઇએ... 'ચલ ભાઈ, છુટા નથી... આગળ જા...'!

સૉલ્ટીને પરણવું તો ધમધોકાર હતું પણ પત્નીની પસંદગીમાં ત્રણ શરતોનો એ હઠીલો આગ્રહી. એક, એે પહેલી નજરે પસંદ પડી જવી જોઇએ. બીજું, એની પર્સનાલીટી કે પૈસો જોઇને મોહી પડે, એ ન ચાલે. અને ત્રીજી સહેલી લાગે એવી આકરી શરત... આગળ ખપાટીયું નહિ ચાલે... બારે માસ બન્ને મૌસમો પુરબહારમાં ખીલેલી હોવી જોઇએ. આવી છોકરી-અથવા સ્ત્રી સાથે લગ્ન કરવા હતા. સ્ત્રી પરણેલી હોય તો ય સૉલ્ટીને પ્રોબ્લેમ નહતો. એ તો ભંગાવી નાંખતા વાર કેટલી ? પણ... પહેલી નજરે બસ, ચિક્કાર ગમી જવી જોઇએ ! આજકાલ ૯૯.૯૫ ટકા માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીના માં-બાપે પણ સારી કૉલેજમાં ભીખ માંગવી પડે છે, એવું અહીં પણ ખરૂં. છોકરીનું 'મિસ યુનિવર્સ' હોવું કે એના પૈસા પાછળ મુગ્ધ ન થઇ હોય, એટલે વાત પતી જતી નથી... સૉલ્ટીને એ પહેલી નજરે ગમી જવી જોઇએ... બન્ને ખીલી ઉઠેલી મૌસમો સાથે !

સૉલ્ટી હોમો નહતો, છતાં એને મળતા જ ક્લબમાં કેટલાક દોસ્તો (!) એવું વર્તન કરતા કે, હોમો ય પાછો અસલી ભાયડો થઇ જાય... ! ઊંધું ય થતું હશે... ! સૉલ્ટીને પૈસા કે પર્સનાલિટીનું થોડું ય અભિમાન નહિ, પણ બૌધ્ધિકતાનું તો બધી સરહદો પાર કરી જાય એટલું. કોઈ ઐરાગૈરાનથ્થુખેરા તો એની ઘડિયાળમાં ટાઈમ પણ પૂછી ન શકે. એ માનતો કે, પૈસો ને પર્સનાલિટી તો બસ... એક જ ઍક્સીડેન્ટના ઘરાક છે, ગમે ત્યારે જતા રહેવાના, પણ બૌધ્ધિકતા શાશ્વત છે... સિવાય કે, એ ગાંડો થઇ જાય.

... થઇ ગયો, ગાંડો થઇ ગયો ! ક્લબના ગૅટમાં એની કારનું અંદર આવવું અને એક જબરદસ્ત યુવતીનું બહાર નીકળવું. પેલીએ સ્કીન-ટાઈટ વ્હાઇટ પૅન્ટ, કોટી અને એકદમ આછા પૅરટ-ગ્રીન રંગનું શર્ટ પહેર્યું હતું. લીલી મૌસમ પરફેક્ટ છલકતી હતી. થૅન્ક ગૉડ, એણે ગૉગલ્સ પહેર્યા નહોતા, એટલે આંખો કેવી સૅઇફ ડીપોઝીટ વૉલ્ટમાં મૂકી આવવા જેવી ખૂબસૂરત છે, એ જોઈ લીધું. યસ, છોકરી પહેલી નજરમાં ગમી જવાવાળી બન્ને ટ્રાયલમાં તો પાસ થઇ હતી. બાકીની શરત ----- ઓહ નો, સૉલ્ટી હજી કાર ઊભી રાખીને એની પાસે જવા જાય, તે પહેલા તો એ બીએમડબલ્યૂમાં બેસીને નીકળી પણ ગઈ. ઈમાનની કસમ, બસ ? સૉલ્ટીને ગાડીનો નંબર તો ઠીક કલર પણ યાદ ન રહ્યો, એવો એ પહેલી નજરમાં અંજાયો હતો.

કન્ફર્મ્ડ ... આ જ છોકરી મારી વાઈફ બનશે. તરત એની પાછળ કાર મારી મૂકીને ભગાય એવું નહોતું. ક્લબના ય કાયદા કાનૂન હોય ને ?

એ તરત રીસેપ્શન પર ગયો, ''... હમણાં...હમણાં પેલી વ્હાઇટ ડ્રેસમાં ગઇ એ.... ?'' રીસેપ્શનિસ્ટના ચેહરાના હાવભાવ કાફી હતા, બીજો સવાલ નહિ પૂછવા માટે.

ક્લબમાં ઓળખિતું કે વગર ઓળખિતું કોઈ બાકી ન રહ્યું, જેને સૉલ્ટીએ 'વો કૌન થી ?' માટે પૂછ્યું ન હોય. આવો જવાબ તો કોની પાસે હોય ? એ ક્લબની મેમ્બર પણ હતી કે નહિ, એની ય ખબર કેમ પડે ? જે હોય છે, એમને જોઇને ય ઘણી વાર લાગે કે, આવી મોટી ક્લબના મેમ્બર 'સાવ આવા હોય ? માય ગૉડ... એ હતી કોણ ? બાકીની શરત-મારા પૈસા કે પર્સનાલિટીથી અંજાયેલી ન હોવી જોઇએ, એ પૂરી કરી શકે એમ હોય તો મૅરેજ તો નક્કી જ... !'

આપણે હોઈએ તો આપણને ય એ આખી રાત ઊંઘો આવે...? બા કેવા ખીજાય ? આને આવી ગઈ. નિરાંત એક વાતની હતી કે, એ નીકળી છે ક્લબમાંથી, એટલે આજે નહિ તો કાલે... મળશે તો બેશક ! ક્લબમાં સૉલ્ટીના નામે ત્રણેક સ્વિટ તો બારે માસ બૂક હોય. એટલે એ મળે નહિ, ત્યાં સુધી ક્લબમાં જ રહેવાનું નક્કી કર્યું. ઘેર આમે ય કોઈ રાહ જોનારૂં હતું નહિ. એ વહેલી સવારે મૉર્નિંગ-વૉક માટે ક્લબમાં આવનારાઓને જોવા વહેલો ઉઠી ગયો. નો સફળતા. આખો દિવસ આખી ક્લબના ખૂણે ખૂણે એ ફરી વળતો...માય ફૂટ્ટ !

એમ તો પૂરા ૨૩-દિવસ નીકળી ગયા, એ આશામાં કે ક્લબની હશે તો મહિને એકાદ વાર તો આવતી હોય ને ?

ને એનો યજ્ઞા સફળ પણ થયો. દૂરથી સૉલ્ટીએ એને રીસેપ્શન ઉપર ઊભેલી જોઈ. થૅન્ક ગૉડ, એકલી જ હતી. હિમ્મતવાળો ખરો, એટલે કાચી સેકન્ડ બગાડયા વિના પહોંચી ગયો, 'હાય...આઈ ઍમ સૉલ્ટી..'

'સો... ?' પેલીએ તો કોઈ ભિખારીને ય ન પૂછાય એટલી બેરૂખીથી ઝીણી આંખે સામો સવાલ પૂછ્યો. સૉલ્ટીએ પોતાનું કાર્ડ કાઢ્યું. પેલી એટલી અશિક્ષિત તો નહોતી કે, આટલી બધી ઈન્ડસ્ટ્રીઓના માલિકનું કાર્ડ જોવા છતાં ઓળખી ન શકે. એના ઍક્સપ્રેશન્સ બધું બોલી નાંખે એવા હતા કે, ઇન્ડિયાના સૌથી અમીર માણસની સાથે એ ઊભી છે. સોલ્ટીનું વિઝિટિંગ- કાર્ડ શાંતીથી વાંચી લઇને જતા જતા બોલી, 'ધેટ્સ ફાઈન... આઈ ઍમ સોરી... આઈ એમ રનિંગ લૅઇટ !'

સોલ્ટી મનોમન ઝીંગારા મારતો ખુશમખુશ થઇ ગયો કે, એ મારાથી સહેજ પણ ઇમ્પ્રેસ થઇ નથી. એ તો વીસેક ફૂટ આગળ પણ નીકળી ચૂકી હતી. સૉલ્ટી મોટા પગલાં ભરીને પાછો એની પાસે પહોંચી ગયો.

'ઈન ફૅક્ટ... મારે તમારી સાથે મૅરેજ કરવા છે.' સૉલ્ટી તો જાણે મોબાઈલ રીચાર્જ કરવા આપતો હોય, એટલી આસાનીથી બોલી ગયો.

'જસ્ટ શટ અપ...! મૅરેજ... માય ફૂટ...!!'

સૉલ્ટી એક ઇંચ પણ નિરાશ ન થયો. એ તો ધમધોકાર રાજી થઇ ગયો, 'વાઉ... મારા પૈસા કે દેખાવથી એ સહેજ પણ અંજાઈ નથી... મારી બધી શરતો પૂરી...'

એનું નામ-સરનામું મેળવવાનું તો બાંયે હાથ કા ખેલ હતું. સીધો પહોંચ્યો પેલીના ફાધર પાસે, પ્રસ્તાવ મૂક્યો. આને તો કયો સ્ટુપિડ બાપ ના પાડે પોતાની દીકરી સાથે પરણાવવા માટે ? તેમ છતાં ય, મીષ્ટી ઘરે પાછી આવે, એટલે એને પૂછીને આવતી કાલે જવાબ આપવાની ભાવિ ફાધર-ઇન-લૉએ વાત કરી.

બીજો દિવસ તો આજ સુધી ઊગ્યો ન હોય એવો પ્રતાપી ઊગ્યો. સસુરજી હવે વર્તમાનકાળમાં પ્રવેશી ચૂક્યા હતા. એમના સર્વનામની પહેલા 'ભાવિ' લગાવવાની જરૂર પડી નહિ. મીષ્ટીએ ડૅડની સમજાવટ પછી હા પાડી દીધી હતી. બે-ચાર દૂરના સગાઓ લઇને સૉલ્ટી મીષ્ટીના ઘેર ચાંદલા કરાવવા આવી પહોંચ્યો. આ લોકોએ પણ ફક્ત ઘરના-ઘરના કોઈ આઠ-દસને જ બોલાવ્યા હતા.

ટાઈમ બગાડે એ સૉલ્ટી નહિ. ફટાફટ સગાઈની રસ્મ પૂરી કરીને મીષ્ટીને લઇને પોતાની બ્રાન્ડ ન્યુ ફેરારીમાં એ હાઈ-વે તરફ નીકળી ગયો. આમાં તો સ્પીડ વધારે જ રાખવી પડે ને ?

બસ. ૨૦-જ મિનિટમાં હમણાં થયેલી સગાઈ તૂટી ગઈ. પેલીએ ત્રણે શરતો પૂરી કરી હતી પણ સૉલ્ટી પહેલું ચુંબન કરવા ગયો ત્યારે એમૉનિયામાં બોળેલી મૅન્ગો ચૂસવાનો હોય, એવી દુર્ગંધ મીષ્ટીના દાંતમાંથી છૂટી. ફેરારીએ કાચી સેકન્ડમાં યુ-ટર્ન લઇ લીધો.

નવી છોકરી માટે ચોથી શરત દાખલ કરવામાં આવી, 'એના દાંતમાંથી પાયોરિયાની ગંધ મારવી ન જોઇએ.'

(બોધ : દેખાય એ બધું સોનું નથી હોતું... કોઈ પંખો ચાલુ કરો.)

સિક્સર
- આ...આટલી અબજો રૂપીયાની સંપત્તિ...?
- દારૂમાંથી !
- ઓહ... તો તમારા વરજી દારૂ વેચે છે ?
- ના. પકડે છે ! વેચવા કરતા પકડવામાં કમાણી વધારે !

26/07/2015

ઍનકાઉન્ટર : 26-07-2015

* તમને નથી લાગતું શશી કપૂરને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મોડો મળ્યો ?
- આપણા દેશમાં એવોર્ડર્સ ''મેનેજ'' કરવા પડે છે... કેવળ ગુણવત્તા ઉપર નથી મળતા,ત્યારે શશીબાબા જેવા સીધા માણસને મોડો મોડો ય મળ્યો, એ પૂરબહાર આનંદની વાત છે.
(પ્રતિક અંતાણી, ભાવનગર)

* હૉટલવાળા મિનરલ વોટરના પૈસા પડાવી લે છે, એ તમારી 'સિક્સરે' ગજબનો તરખાટ મચાવ્યો. તમારી વાત સાચી છે, મિનરલ જેવું ચોખ્ખું પાણી આપવાની તો એમની ફરજ છે..!
- આપણે ય કમ નથી. જ્યાં સૅલ્ફ-સર્વિસ હોય છે, ત્યાં ય સર્વિસ- ટૅક્સના પૈસા જુદા આપીએ છીએ. ઘણી વાર લાગી આવે કે, હોટલોમાં કોઇ ભણેલાગણેલા જતા જ નહિ હોય ? હોટલવાળાઓનું ચાલે તો લંચ-ડિનર માટે ટેબલ ખૂરશીનો ચાર્જ જુદો, વૅઇટિંગમાં બહાર બેસવાનો ટૅક્સ અલગ, વેઇટરને સ્માઇલ આપવાનો ટેક્સ અલગ, પૅપર-નૅપકીન તેમ જ ટુથપિક્સ કેટલી વાપરો છો, એનો ચાર્જ- પ્લસ-ટૅક્સ અલગ..! આપણે આપીએ છીએ, એટલે એ લોકો લે છે ને ?
(સોહિણી બી.મહેતા, મુંબઇ)

* શું અન્ના હજારે તમારા લંગોટિયા દુશ્મન છે ?
- એ બે વખત ઉપવાસ પર ઉતર્યા હતા શું કામ અને કોઇ કારણ આપ્યા વિના ઉઠી ગયા શું કામ, એ સવાલનો જવાબ શોધી લો ! જવાબ મળી જશે.
(શ્રેયસ જોશી, રાજકોટ)

* તમે કેવા સવાલના જવાબ આપતા નથી ?
- જરા સોચો.. હું તો આવા સવાલોના ય જવાબો આપું છું ! તેમ છતાં ય, મોબાઇલ નંબર કે સરનામાં વગરના સવાલોને સ્થાન ન મળે.
(મોહિત જોશી, મહુવા)

* શું રાહુલબાબા વડાપ્રધાન બનશે તો જ પરણશે ? શું થશે કોંગીજનોનું ?
- મામાઓ ય હવે કંટાળ્યા છે કે, ભાણાભ'ઇ બેમાંથી એક માંડી વાળે !
(ડૉ.અમિત વૈદ્ય, ડૅમાઇ-બાયડ)

* ગરમી પૂરી થવામાં છે. બાએ પંખો ચાલુ કરવાની જીદ ચાલુ રાખી છે.. કે ખિજાય છે ?
- અમારાં ઘરોમાં અમારું કે બાઓનું ના ચાલે... વાઇફોનું ચાલે !
(ખુશ્બુ જોશી ઠાકુર, વડોદરા)

* સરકારના પ્રધાનોના વિદેશ- પ્રવાસો પાછળ રૂ. ૩૭૧ કરોડનો ખર્ચો થયો. તમારા મતે આ ખર્ચો વધારે છે કે બરોબર છે ?
- મને સાથે લઇ જાય તો ખબર પડે !
(મિહિર કોઠારી, અમદાવાદ)

* વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે સાઉથ આફ્રિકા હારી ગયું, ત્યારે સાઉથ આફ્રિકાના ખેલાડીઓની આંખોમાં આંસુ હતાં. આપણે ઓસ્ટ્રેલિયા સામે સેમી ફાઇનલમાં હાર્યા, ત્યારે આપણા એકેય ખેલાડીઓની આંખમાં આંસુ નહોતાં... સુઉં કિયો છો ?
- પાકિસ્તાન વર્લ્ડ-લેવલના તમામ કપમાં ભારત સામે હાર્યું છે.. કોઇ પાકિસ્તાની પ્રેક્ષકને રડતો જોયો ? હા, ગાળો બોલતો જોયો.. આઇ મીન, સાંભળ્યો હશે.. અને એ ય, પોતાના ખેલાડીઓને !
(રોહિત બુચ, વડોદરા)

* હાસ્ય લેખકોમાં તમારો કોઇ હરીફ જ રહ્યો નથી.. છેલ્લાં ૧૩-૧૪ વર્ષોથી તો તમારું એકચક્રી શાસન ચાલે છે...અભિમાન આવે છે ખરું ?
- વાચકો એટલા ઉદાર નથી. એમને તો જે દિવસે જેનો લેખ ખૂબસૂરત લાગ્યો, એ દિવસ પૂરતો એ હાસ્યલેખક એના માટે નંબર-વન ! દરેક હપ્તે અમારે પુરવાર થવું પડે છે કે, તમે 'ધી બેસ્ટ લેખક'ને વાંચી રહ્યા છો.
(આનંદી સાહેબરાવ પાટીલ, વડોદરા)

* ટીવી- સીરિયલોમાં ફિલ્મ કલાકારો આવે છે, એ પૈસા લઇને આવે છે કે દઇને?
- હવે ફિલ્મવાળાઓએ ટીવી- સીરિયલવાળાને સામેથી પૈસા આપવા પડે છે
(ધીમંત ભાવસાર, બડોલી)

* કયો સવાલ એવો છે, જેનો જવાબ જ સવાલ હોય ?
- 'અચ્છે દિન આનેવાલે હૈ...?'
(દશરથસિંહ રાજ, વછનાડ-ભરૂચ)

* આનંદીબેનના રાજમાં વિકાસની ગતિ ધીમી પડી ગઇ હોય એવું તમને નથી લાગતું?
- એનો આધાર તમે 'વિકાસ' કોને કહો છો, એની ઉપર છે.
(નિખિલ પરમાર, લુણાવાડા)

* આ કહેવાતા સાધુસંતો દેશભક્તિનો નાદ ક્યારે જગવશે ?
- ભક્તો એમને ભગવાન માનવાના બંધ કરશે ત્યારે.
(સોનું શર્મા, રાજકોટ)

* અમારા શહેરમાં તો મોટર બાઇકવાળા રોંગ સાઇડમાં બેખૌફ આવે છે. પોલીસને કાંઇ પડી નથી. તમારે કેમનું છે ?
- અમારે તો પોલીસો રોંગ સાઇડમાં આવે !
(જીતેન્દ્રપ્રસાદ જોશી, વડોદરા)

* આજના માણસો સ્વાર્થી કેમ છે ?
- હું તો ભ'ઇ..ગઇ કાલનો માણસ છું.
(શશીકાંત દેસાલે, સુરત)

* લવ અને લિકર વચ્ચે શું ફરક ?
- લિકર બધા દોસ્તો શેર કરીને પીએ !...
(જુઝર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* તમે 'વોટ્સએપ' પર 'એનકાઉન્ટર' કેમ ચાલુ નથી કરતા ?
- બસ... એક વાર મારું 'ખસી' જવા દો...!
(રાહુલ ત્રિવેદી, અમદાવાદ)

* તમારું અપહરણ કરી જવાનો મારો વિચાર છે.. આમ, આગળ-પાછળ ઘટતું કરીને તમારું કેટલું ઊપજે ?
- ખાસ તો કંઇ નહિ... પણ એ લોકો મારી વાઇફને પાછી મૂકી જવાનો ચાર્જ માંગે તો ?
(રાજેશ જે.શાહ, મુંબઇ)

* તમે તો સામે જોઇને સ્માઇલ પણ નથી આપતા.. અમે કાંઇ એવા છીએ ?
- આ પગારમાં જેટલા સ્માઇલો અલાતા હોય, એટલા જ અલાય !
(પિનલ પાઠક, વડોદરા)

* અશોક અને ઓશો વચ્ચે શો તફાવત ?
- હું તો જન્મથી જ 'સમ્રાટ' છું.. ને હવે તો સમ્રાટનો ય બાપ છું.
(ડૉ.રાજુ પરમાર, વઢવાણ)

* મારી વાઇફ મને બીજા લગ્ન કરવાનું કહે છે. શું કરું ?
- બસ, વાઇફને બેન બનાવી દો.
(વિક્રમ પટેલ, અમદાવાદ)

* મારે તમારા જેવા લેખક બનવું છે. શું કરવું ?
- હનુમાન ચાલીસા.
(પ્રિયલ વિસાવડીયા, વેરાવળ)

* તમારાં પત્ની એમને માટે તમારી પાસે 'તાજમહલ' બનાવવાની માંગણી કરે તો શું કરો ?
- તાજમહલ હપ્તેથી બનતો હોય તો આપણને વાંધો નથી.
(અલ્પેશ છાયા, રાજકોટ)

24/07/2015

દ્રષ્ટિ

ડિમ્પલ કાપડીયા જેવી કોઇ એક્ટ્રેસ નથી...

ફિલ્મ : 'દ્રષ્ટિ'
નિર્માતા : NFDC
દિગ્દર્શક : ગોવિંદ નિહાલાણી
સંગીત : કિશોરી અમોણકર
ગીતો : વસંત દેવ
રનિંગ ટાઇમ : ૯ રીલ્સ (ડબલ) : ૧૭૧- મિનિટ્સ
થીયેટર : ખબર નથી (અમદાવાદ)
કલાકારો : ડિમ્પલ કાપડીયા, શેખર કપૂર, મિતા વશિષ્ઠ, ઇરફાન ખાન, વિજય કશ્યપ અને એક એક દ્રષ્ય માટે નીના ગુપ્તા, તામારા, કૅનેથ દેસાઇ,નવનીત નિશાન, અલકા અને સુમુખી



જમાનો તો ના કહેવાય પણ એ દસકો બેશક ચાલ્યો હતો, આર્ટ ફિલ્મો બનાવવાનો. આ આર્ટ ફિલ્મ એટલે શું વળી ? એટલે એવું કે, આપણે જે હરદમ જોતા આવ્યા છીએ એ કમર્શિયલ અથવા તો મનોરંજક ફિલ્મો કહેવાય. થોડું ઇંગ્લિશ આવડતું હોય તો 'મેઇનસ્ટ્રીમ સિનેમા' પણ કહેવાય ને એ કહીએ તો બૌદ્ધિકોમાં થોડી જાણ થાય કે, 'ભ'ઇને ફક્ત ઇંગ્લિશ જ નહિ, સારી ફિલ્મો વિશે ય જાણકારી છે. યાદ હોય તો એ જમાનામાં, મંથન, અંકુર, મીર્ચ મસાલા કે સ્પર્ષ જેવી જે ફિલ્મો આવતી તે બધી ફિલ્મો (ઓફબીટ સિનેમા)કહેવાય. જરૂરી નથી કે, આર્ટ ફિલ્મ હોય એટલે સારી જ હોય. પણ જોયા પછી થીયેટરની બહાર નીકળતા મોઢું જરા ગંભીર રાખવાનું. ચહેરા ઉપર હાવભાવ 'બૌધ્ધિકવાળા' રાખવાના. બાકી તો મનમાં સમજતા હોઇએ કે, આવી ફિલ્મ જોવામાં દોઢ કલાકની મેથી મરાઇ ગઇ...!

પણ 'દ્રષ્ટિ' એવી ફિલ્મ નહોતી... (આર્ટ ફિલ્મ હોવા છતાં સારી હતી !) અલબત્ત, 'બહુ સારી' થતા થતા થોડા માટે રહી ગઇ એટલા માટે કે, ડાયરેક્ટરે આખી ફિલ્મ 'વર્બોસ' બનાવી દીધી છે. 'વર્બોસ' એટલે બહુ બોલકી. ઘટનાઓ માંડ બને, પણ બે પાત્રો વચ્ચે સંવાદો મિનિટો સુધી ચાલે રાખે અને તે પણ 'બીટવીન-ધ-લાઇન્સ' કહેવાયેલા શબ્દોમાં. આઇ મીન, એ લોકો બધુ સમજાવવા ન બેસે. ત્રીસેક ટકા ઘટનાઓ તમારે ધારી લેવાની કે, 'ઓકે... તો આમ બન્યું હતું.' આ બધુ સિનેમા હૉલમાં ફિલ્મ જોતી વખતે ધારી લેવાની જરૂર નથી હોતી... ઘેર જઇને શાંતિથી ધારવાનું ચાલુ કરી શકાય. સવાર સુધી કોણ ડિસ્ટર્બ કરવાનું છે ?

ફિલ્મ 'બહુ સારી' બનતા બનતા એટલા માટે રહી ગઇ કે, અમુક તબક્કે તો દર્શકો કંટાળી જાય ત્યાં સુધી બે પાત્રો વચ્ચે સંવાદો ચાલતા રહે.બધું બોલી બોલીને જ અને તે ય લંબાણપૂર્વક તમારે સમજાય સમજાય કરવું પડે, એ પછી આર્ટ ફિલ્મ રહેતી નથી. દા.ત. ફિલ્મમાં શેખર કપૂર ડિમ્પલ કાપડિયાને,પોતે કેમ જુદો રહેવા માંગે છે તે કહેવા આવે છે, એમાં તો બન્ને વચ્ચે ઓશો અને જે.કૃષ્ણમૂર્તિ વાતોએ વળગ્યા હોય, એવી ભાષામાં લાંબે લાંબી વાતો ચાલતી જાય. ક્યારેક તો દ્રષ્ય શરૂ થતા પહેલા જ આપણે જાણી ગયા હોઇએ કે, આ બહેન આટલું કહેવા માંગે છે. પેલો તો એનો ગોરધન છે, એટલે લંબાણીયા પૅચથી ટેવાઇ ગયો હોય... આપણા લોહીઓ શું કામ પીએ છે ?

તેમ છતાં... તેમ છતાં... તેમ છતાં ફિલ્મ 'દ્રષ્ટિ' એક સુંદર ફિલ્મ બની હોય તો એનું દિગ્દર્શન, બહેતરીને સંવાદો, હૅન્ડસમ શેખર કપૂર (જે દેવ આનંદનો સગો ભાણેજ થાય)... એન્ડ ઍબોવ ઑલ, ડિમ્પલ કાપડીયાનો આટલો સરસ નહોતો ધાર્યો, એવો સરસ અભિનય. ક્યાંય લાઉડ ન લાગે. ચેહરાના હાવભાવ, સંવાદો બોલવાની સ્વાભાવિકતા અને માની ન શકાય એટલી સુંદરતાને કારણે ફિલ્મ અદ્ભૂત બની છે.

યસ, ડિમ્પલ સાથે ઇરફાન ખાનના સૅક્સ-દ્રષ્યો ('પ્રેમ દ્રષ્યો' કહેવાય, એવું કશું રાખ્યું નથી.) ડિમ્પલે ઘણી છૂટથી કામુક દ્રષ્યો આપ્યા છે, જે નેશનલ એવોર્ડ વિનર ફિલ્મમાં આવી કેવી રીતે શકે. એ સવાલ થવાનો ! આજનો મશહૂર હીરો ઇરફાન ખાન હોલીવૂડની 'જુરાસિક વર્લ્ડ'માં તો હવે આવ્યો, પણ ૧૯૯૦માં બનેલી આ ફિલ્મમાં (કમર્શિયલ ભાષામાં કહીએ તો) એનો હીરો જેવો મહત્વનો રોલ છે.

આવી આર્ટ ફિલ્મોની થીમ મોટે ભાગે આપણા અંગત જીવનને સીધી સ્પર્ષનારી હોય છે. સુખી લગ્નજીવન જીવતા યુગલમાં બહુ વિરાટ ઝંઝાવાતો મોટા ભાગે કોઇ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી આવતા હોય છે. કમર્શિયલ ફિલ્મોમાં આવું કાંઇ થાય તો એકાદો ઊડે ને બેકાદો જેલમાં જાય, પણ અહી વાત ગંભીરતાથી કહેવામાં આવી છે. વાસ્તવમાં આપણા જીવનમાં ય આવું કોઇ વાવાઝોડું આવે, તો આપણે હન્ટર લઇને ગોરધનને કે વાઇફોને ફટકારતા નથી... શું કરીએ છીએ, એના જવાબો ઘરેઘરે અલગ હોય, પણ લગ્નજીવનના સુખની સમાપ્તિ ત્યાં જ થઇ જાય છે. એ કહેવાની જરૂર નથી. લગ્નજીવન પછી પતિ કે પત્નીનો અન્ય વ્યક્તિ સાથેનો પ્રેમસંબંધ ક્યારેય જસ્ટિફાય થતો નથી, એવું ય ન કહેવાય. ઑલ ઓફ એ સડન... બધું બની જાય. બેમાંથી એક પાત્ર કમ્પૅટિબલ (એટલે કે, વિવાદ વગરનું) ન હોય, અથવા જસ્ટ બોરિયત ભગાડવા બેમાંથી એક પાત્ર લગ્નેતર સંબંધ બાંધી આવે ત્યા સુધી કોઇ પ્રોબ્લેમ થતો નથી... એકવાર ખબર પડી ગયા પછી બહુ મોટા ફનાફાતીયા થઇ જાય છે. એ વખતે કોઇ જસ્ટિફિકેશન જોવાતું નથી અને આ એક જ સમસ્યા એવી છે, જેનો ઉકેલ વિશ્વમાં કોઇની પાસે નથી.

શેખર કપૂર અને ડિમ્પલ કાપડીયા તેમની નાની દીકરી રશ્મિ સાથે હાયર-મિડલ ક્લાસની જીંદગી બહુ સુખેથી જીવે છે. લગ્નના આઠ વર્ષ થવા છતાં બન્ને વચ્ચે કોઇ પ્રોબ્લેમ તો નથી જ પણ બન્ને એકબીજાને ચાહે છે પણ સ્વાભાવિકપણે જ. કોઇને કશું પૂરવાર કરવાની જરૂર પડતી નથી. બસ, આ આઠમી લગ્નતિથિ નિમિત્તે બે-ચાર નજીકના કપલ્સ-દોસ્તોને ઘરમાં નાનકડી એક ડ્રિન્ક્સ પાર્ટીમાં ડિમ્પલ- શેખર ઇન્વાઇટ કરે છે. એમાં એક દોસ્ત પોતાના ભત્રીજા ઇરફાન ખાનને સાથે લેતો આવે છે. એ ક્લાસિકલ ગાયક હોવાથી તો ડિમ્પલને એનામાં રસ પડે જ છે, પણ પછી વધારાનો રસ કેમ પડે છે, એ પ્રેક્ષકોને સમજાતું નથી. ડિમ્પલ પાસે એની ચોખવટ છે, જે પોતાના પતિ વિજય કશ્યપથી કંટાળેલી મિતા વશિષ્ઠને ડીટૅઇલમાં સમજાવે છે કે, 'બસ, મને ઇરફાન ગમી ગયો. હું એના પ્રેમમાં નથી, પણ એ મારી પાછળ બેશક પાગલ છે. અમે બન્નેએ અનેક વખત શરીર-સંબંધો બાંધ્યા છે. પણ એનો અર્થ એ પણ નથી કે, હું મારા હસબન્ડ શેખર કપૂરને દગો કરી રહી છું. શેખર જેટલું તો આ જગતમાં હું કોઇને ચાહી ન શકું.'

પેલી પૂછે છે ય ખરી કે, શેખરને ખબર પડી જશે તો મોટો ભોચાલ નહિ આવે ? ત્યારે પ્રેક્ષકોના ય ગળે ન ઉતરે એવો જવાબ ડિમ્પલ આપે છે કે, 'એ પૉસિબલ જ નથી કે એને કાંઇ ખબર પડે ! એ પોતાની જાતમાં ખોવાયેલો માણસ છે. પણ ઇરફાન પાછળ હવે તો હું ય પાગલ છું. એના વિના રહી નહિ શકાય.'

પણ મધ્યાંતરે પહોંચ્યા પછી અચાનક શેખર ડિમ્પલને દરિયા કિનારે જસ્ટ.... ફરવા લઇ જાય છે. એ મૂડમાં નથી અને મૂંઝાયેલો બહુ છે. ડિમ્પલ પૂછે રાખે છે કે, પ્રોબ્લેમ શું છે, ત્યારે એ એટલું ગુસ્સામાં બોલી જાય છે કે, એક જ ઘરમાં રહેતા બે પાત્રો એકબીજા સાથે આવો દગો કેમ કરી શકે ?'' બે-ચાર દિવસની સળંગ પૂછપરછ દરમ્યાન પ્રેક્ષકોને એવું ધારવા અપાય છે કે, શેખુને બધી ખબર પડી ગઇ છે અને માટે ડિમ્પલને કાયમ માટે છોડી દેવા માંગે છે, પણ એ તો અહી નવો ધડાકો કરે છે કે, એ પોતાની લેબ-આસિસ્ટન્ટ વૃંદાના પ્રેમમાં છે અને હવે એના વગર રહી શકે તેમ નથી. આભી બની ગયેલી ડિમ્પલને એ સીધું જ કહી દે છે કે, એ ઘર છોડી રહ્યો છે, કાયમ માટે ! દીકરી તો સચવાઇ જશે, એવા આશ્વાસન સાથે વાત તો ભ'ઇ... ડિવોર્સ સુધી પહોંચે છે અને પતિ- પત્ની બન્નેની સહમતિથી અપાયેલા ડિવોર્સમાં કાનૂન બહુ લમણાંઝીંક કરતો નથી, એટલે એ તો આસાનીથી મળી જવાનો બન્નેને વિશ્વાસ છે. ડિમ્પલની માં એને માટે બીજો મૂરતીયો શોધવાનો પ્રારંભ પણ કરી દે છે. વચ્ચે વચ્ચે એવું ય બને છે કે,ડિમ્પલ એના શેખુને પાછો બોલાવવા અને 'જે કાંઇ બન્યું, તે બધું ભૂલી જવાની ભીખ કક્ષાની આજીજીઓ કરે છે, ત્યારે શેખુ માનતો નથી, પણ શેખરની હવે પત્ની બની ચૂકેલી વૃંદા શેખરથી વયમાં નાની હોવા ઉપરાંત 'શોખિન' પણ છે, એટલે એને છોડીને અમેરિકા જઇ બીજા લગ્ન કરી લે છે. હવે શેખર ડિમ્પલ પાસે પાછો આવીને આજીજીઓ કરે છે, બધું ભૂલીને નવેસરથી પ્રારંભ કરવાની, ત્યારે ડિમ્પલ ધડાકો કરે છે કે, મારે પણ એક 'અફેયર' હતો. ઇરફાન સાથેની બધી વાતો એ કહી દે છે. આ વખતે શેખર પહેલી વાર ગુસ્સે થાય છે, એ જાણીને કે લગ્નજીવનમાં જ્યારે કોઇ કડવાશ નહોતી, ત્યારે ડિમ્પલે આવું કરવાની જરૂર કેમ પડી ? આ તો સરાસર બેઇમાની છે ! ડિમ્પલ રામાયણનો પાઠ કરતી હોય, એવી સાહજીકતાથી પતિને સમજાવે છે કે, મેં આડો સંબંધ ચોક્કસ બાંધ્યો હતો, પણ પ્રેમ તો તને જ કર્યો છે... તારી ભલી થાય ચમની, આવી ઇમાનદારી તો હત્યાથી ય વિશેષ ઘૃણાસ્પદ છે !

બસ, ફરી પાછું દરિયા કિનારે સમી સાંજે બન્ને વચ્ચે બબ્બે વર્ષ ચાલે એટલી લાંબી ડાયલોગબાજી અને કેમ જાણે આ આર્ટ નહિ, કમર્શિયલ ફિલ્મ હોય તેમ ફિલ્મનો અંત સુખદ આવે છે. બન્ને એકબીજાને સ્વીકારી લે છે.

આવી આર્ટ ફિલ્મોના અંત એટલે કે ઉકેલ સાથે કે વાર્તાના કોઇ હિસ્સા સાથે સહમત થવું કે ન થવું, સહેજ પણ માયનો રાખતું નથી. મારા કે તમારા જ નહિ, તિરાડમાંથી ડોકીયું કરવા જઇએ તો ય ખબર ન પડે કે,જગતના એકાદ પર સેન્ટ મામૂલી અપવાદોને બાદ કરતા કોઇ કપલમાં પ્રામાણિકતા હોતી નથી. ક્યાંક ચલાવી લેવું પડે છે, ક્યાંક જૂઠને સહારે મોંઢા બંધ કરી દેવાય છે તો ક્યાંક નજરઅંદાજ કરવું પડતું હોય, બાકી શુધ્ધ લગ્નજીવનો તો હવે વાર્તાઓમાં ય નથી આવતા. બધ્ધો મજો 'ખબર ન પડે' ત્યાં સુધીનો જ હોય છે. અહી ડિમ્પલ મિતાને કહે છે, 'શેખરને ખબર પડે એવી કોઇ શક્યતા જ નથી.'અથવા તો ફિલ્મમાં ડિમ્પલનું પોતાના લફરા માટેનું 'કન્વિક્શન' જોઇને સવાલ એ ઉઠે કે,જો આટલો બધો આત્મવિશ્વાસ અને પોતે કાંઇ ગિલ્ટ ફીલ નથી કરતી- વાળી વાત હોય તો શેખરને બધું કહી દેવામાં એને વાંધો ક્યાં આવ્યો ? શેખર પણ પોતે જે કર્યું, એને પ્રામાણિકતાનું નામ આપે છે, એ તો ખૂન કરીને આરોપી અદાલતમાં ન્યાયાધીશને કહે, ''હા જજસા'બ... ખૂન મૈને કિયા હૈ...'' તો એ ઑનેસ્ટી ક્યા કામની ?

ફિલ્મના લગભગ પ્રારંભમાં,ચાલુ પાર્ટીએ એક માનસિક રીતે અસ્વસ્થ યુવતી કોકને શોધવા આવે છે, એ દ્રષ્યની ફિલ્મ સાથે અગત્યતા કઇ હતી ? માની લો કે, મિતા વશિષ્ઠના પતિ બનવા વિજય કશ્યપની વિકૃત આનંદ લેવાની લાલચનું ચરીત્રચિત્રણ કરવાનો આ પ્રયાસ હોય, પણ તો ય ફિલ્મ સાથે આ ઘટનાને કોઇ લેવા દેવા જ નથી. એ જ રીતે, ડિમ્પલ-ઇરફાનના સેક્સ-સંબંધિત દ્રષ્યો કંઇક વધુ પડતી છુટથી લેવાયા છે. આવી આર્ટ ફિલ્મોમાં એક દોષ બીજો ય જોવા મળે છે કે, ફિલ્મના લગભગ તમામ પાત્રોની માનસિકતા એકસરખી હોય. બધા એકસરખી ડીસન્સી, સ્ટાઇલ,વર્તન કે ઇવન ટોનમાં વાતો કરતા હોય. બુધ્ધિનો આંક (આઇ-ક્યૂ) બધાનો સરખો નીકળે.

મૂળ તો શ્યામ બેનેગલના કેમેરામેન તરીકે કામ કરતા આ ફિલ્મના દિગ્દર્શક ગોવિંદ નિહાલાણીએ અદ્ભૂત આર્ટ ફિલ્મો આપી જ છે. પાઘડી પહેરે તો જીવતા ખુશવંતસિંગ જેવો લાગે, એ ફિલ્મના ડાયરેક્ટર ગોવિંદે પોતાની પહેલી ફિલ્મ 'આક્રોશ' ઘણી ખુબસૂરત બનાવી હતી. જેમાં સ્મિતા પાટિલ, ઓમ પુરી, અમરીશ પુરી અને નસીરુદ્દીન શાહ હતા પણ તે પછી બનેલી ફિલ્મ 'અર્ધ સત્ય' તો દુનિયાભરમાં છવાઇ ગઇ. પોલીસ અને ગૂન્હાખોરીના નૅક્સસ એટલે કે ભાઇબંધી ઉપર ઑલમોસ્ટ વાસ્તવિક લાગે એવી આ ફિલ્મ પછી ગોવિંદે જયા ભાદુરીને લઇને આવી જ આર્ટ ફિલ્મ 'હજાર ચોરાસી કી માં' બનાવી, જે ચારે બાજુથી ફ્લોપ ગઇ. તમને જરા વધુ માન ઉપજે, એટલે યાદ દેવડાવવાનું કે, સર રિચર્ડ ઍટૅનબરોની ફિલ્મ 'ગાંધી'માં કૅમેરો આ ગોવિંદભ'ઇનો ચાલ્યો હતો.

પદ્મશ્રી શેખર કપૂર આલા દરજ્જાનો દિગ્દર્શક હતો અને આ ફિલ્મ જોયા પછી તો એમ પણ લાગે કે, ધાર્યું હોત (અને કાયમ દાઢી રાખવાનો મોહ રાખ્યો ન હોત) તો એ ફૅન્ટાસ્ટિક હીરો પણ બની શક્યો હોત !... નસીરૂદ્દીન શાહ અને શેખરની એક સમયની પ્રેમિકા શબાના આઝમીની ફિલ્મ 'માસુમ' જેવી વાસ્તવિક ફિલ્મ શેખરે બનાવી, તો એ જ માણસે બિલકુલ કમર્શિયલ ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' પણ ડાયરેક્ટ કરી અને એણે જ ડાકુરાણી ફૂલનદેવી ઉપર આધારિત 'બૅન્ડિટ ક્વીન' બનાવી. 'ક્વીન ઇલિઝાબેથ' અને 'ધી ગોલ્ડન એજ' નામની હોલીવુડની ફિલ્મોનું દિગ્દર્શન સોંપવામાં આવ્યું અને બન્ને ફિલ્મો મોટા એવોડર્સ જીતી લાવી. શેખર ઇંગ્લેન્ડમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઇને આવ્યો છે. ભારતના એક સમયના પ્રાઇમ મિનિસ્ટર આઇ.કે.ગુજરાલની ભત્રીજી મેઘા જલોટા સાથે શેખુ પહેલી વાર પરણ્યો અને '૯૪માં છૂટાછેડા લીધા. મેઘા ન્યુજર્સી-અમેરિકામાં હજી હમણાં છએક મહિના પહેલા ગુજરી ગઇ. શેખરે સુચિતા કૃષ્ણમૂર્તિ નામની એક્ટ્રેસ, લેખિકા, પેઇન્ટર અને ગાયિકા સાથે બીજા લગ્ન કર્યા, એ ય તૂટી ગયા, જેનાથી કાવેરી નામની એક દીકરી છે.

ડિમ્પલ તો બસ... ડિમ્પલ જ છે. થોડી ક્ષણો માટે એની અધધધ સુંદરતા બાજુ પર રાખીએ, તો પણ એક એક્ટ્રેસ તરીકે એનું મૂલ્યાંકન બહુ ઊંચે ગજે પહોંચે. આ ફિલ્મ 'દ્રષ્ટિ'ના એક દ્રષ્યમાં એ શેખર કપૂર સાથે ખૂબ લાંબો સંવાદ બોલે છે, જેમાં અનેક પ્રકારના હાવભાવના વેરિએશન્સ તેમ જ અવાજના ફેરફારો કેવી આસાનીથી કરી બતાવ્યા છે. 'બોબી' અને 'સાગર' માટે તો એને ફિલ્મફેર બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડસ મળ્યા જ હતા, પણ એની અન્ય ફિલ્મો 'કાશ', 'રૂદાલી', 'લેકીન' કે 'ફાઇન્ડિંગ મિસ ફૅની' જોયા પછી એને પોતાને અભિમાન થવું જોઇએ કે, આવી અભિનેત્રીઓ બહુ જૂજ સંખ્યામાં આપણે ત્યાં આવી છે. કોઇ મને કહેશે કે, આજ સુધીની તમામ ફિલ્મી અભિનેત્રીઓમાં ડિમ્પલ જેવા વાળ એકે ય ના હતા કે છે ? જેની પાછળ આખા દેશની છોકરીઓ પાગલ હતી, એ સુપર સ્ટાર રાજેશ ખન્ના એના પ્રેમમાં પડયો, એ બ્યુટી કેવી મનોહર હશે ? જો કે, એક ઇન્ટરવ્યૂમાં ડિમ્પલ કાપડીયાએ નિખાલસતાથી કબૂલ કર્યું છે કે, જે દિવસે એણે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા, એ દિવસથી અમારા ઘરના સુખચૈન અને શાંતી કાયમ માટે ગાયબ થઇ ગયા.

22/07/2015

હું તમને જ ફોન કરતો'તો... !

ગુજરાતીઓમાં એક નવી નફ્ફટાઈ ચાલુ થઇ છે. મોબાઈલ ફોન તો ભિખારીઓ ય વાપરતા થઇ ગયા છે પણ ફોનના બિલના પૈસા ખર્ચવાના આવે, ત્યાં ભિખારી કોણ ને ગુજરાતી કોણ, તેની ખબર ન પડે. કામ એનું હોય, છતાં આપણને મિસ કૉલ મારીને તરત મૂકી દે કે, આપણે તરત ઉપાડી લઇએ તો એને રૂપિયો ચોંટે, એ બચાવવા ભિખારીવેડા શરૂ થઇ જાય. સ્વાભાવિક છે, મિસ કૉલ જોઇને આપણે સામો ફોન કરવાના હોઇએ અને કરીએ એટલે એનું પહેલું ડાયલોગ હોય, 'ઓહ... હું તમને જ ફોન કરતો'તો ને તમારો ફોન આયો... !' આપણે એની વાત સાચી માની લઇએ અને કેવો યોગાનુયોગ થયો એનો અચંબો પામીએ, 'ગજબનું કહેવાય... એ મને જ ફોન કરવા જતો'તો ને મેં સામેથી કરી દીધો.'

અને તમે ય એના જેવી દાનતવાળા હો (તમે બોલો નહિ કે, 'હા, હું ય એવો છું', પણ આ તો મનમાં સમજવાની વાત છે !) તો, એનો મિસ કૉલ જોઇને એક નાનકડી ઉતાવળમાં સામો ફોન તમે ખોટ્ટો કરી દીધો, એનો જીવ ઇ.સ. ૨૦૨૩ સુધી બળે રાખે. આવી ઉતાવળો કરવાની શી જરૂર હતી, એક સેકન્ડ રાહ જોઇ હોત તો, એ સામો ફોન કરવા જ જતો'તો... બસ, એ સેકન્ડ ન સચવાઈ, એમાં તો શામળીયાને ભાંડે, 'તારી આટલી ભક્તિ કરૂં છું ને મારી આવી ઉતાવળોનું ધ્યાન રાખતો નથી... ?'

લોકો પાઈપાઈનો હિસાબ ગણવા લાગ્યા છે. ખર્ચો તમને થાય, એનો વાંધો મને નથી, પણ મને થાય એનો વાંધો મને છે. ગુજરાતના ૯૮ ટકા લોકો આવી ફિતરત અજમાવવા માંડયા છે અને આ ૯૮ ટકા લોકો વ્યવસાયે સાચા ભિખારીઓ નથી, ગરીબો કે મિડલ ક્લાસના નથી... આમ બીએમડબલ્યુ કે મર્સીડીઝ ફેરવતા હોય અથવા તો મારા/તમારા કરતા પૈસે ટકે વધુ બળવાન અને નિયતમાં તો સરખામણી ય મારી/તમારી સાથે ન થાય. કેવળ ભિખારીઓ સાથે થાય ! ખુદ મારા સર્કલમાં આવા અનેક ભિક્ષુકો છે, જે સામેથી તો કદી ફોન ન કરે, પણ એમને કરવો જ પડે એમ હોય, તો મિસ કૉલ મારીને મૂકી દે... ખબર છે કે, 'હું સામો ફોન કરવાનો જ છું.'

... અને આવી ભિક્ષુક ફિલસૂફીમાં ય એમના મોબાઈલનું બિલ ૩૦૦-૪૦૦નું આવે, એમાં તો સાંજનું જમવાનું ભાવે નહિ. તારી ભલી થાય ચમના... તું મોબાઈલ પચ્ચી હજારનો વાપરે છે. ને જીવ બસ્સો રૂપીયે ફૂટવાળો...? ગુજરાતી 'ખોરી દાનત' શબ્દો આ લોકોને કારણે આવ્યા હોય.

સાલાઓ નસીબના બળીયાઓ ય કેવા છે કે, એક તો જનમજાત ભિખારીની...અને એમાં ય મફતીયા 'વૉટ્સઍપો' આવ્યા. રોજના બસ્સો 'જયશ્રી કૃષ્ણો' 'જય જીનેન્દ્રો' કે 'જય મહાદેવ' મારે વાંચવાના આવતા હતા. મફતમાં પડતા 'વૉટ્સઍપ'માં લોકો પોતાને થનારી ઊલટી આપણી ઉપર કરે છે. મતલબ... એમની ઉપર જે કાંઈ 'વૉટ્સઍપ'ના મૅસેજો આવ્યા. તે બધા બાપાનો માલ હોય, એમ આપણી ઉપર ફોરવર્ડ કરે. પૂરી બેવકૂફીથી આપણે પાછા ખૂશ એની ઉપર થઇએ કે, 'બૉસ...કિર્તીભ'ઇ તો શું ગજબના 'વૉટ્સઍપ' મોકલાવે છે...?' ને આમ કિર્તીડાને 'સ્કૂલ'નો સ્પેલિંગ ય ન આવડતો હોય, પણ દુનિયાભરના મહાન માણસોના 'ક્વૉટ્સ', દુનિયાભરના મહાહરામી માણસોના ગંદા જોક્સ ને બેવકૂફીભરી વિડીયો ક્લિપ્સવાળી ઊલટીઓ આપણા ઉપર કરે ! મને તો પરમેશ્વરે બુધ્ધિ આપી છે એટલે નથી હું 'ફેસબુક' પર કે નથી કદી 'વૉટ્સઍપ'ના મૅસેજો જોતો. યસ. અંગત સંદેશા લેવા-મોકલવા માટે 'વૉટ્સઍપ' મને જગતભરની સર્વોત્તમ શોધોપૈકીની એક લાગી છે. હવે તો જેને જ્યાં જુઓ ત્યાં ડોકી નીચી કરીને 'વૉટ્સઍપ' ઉપર જ મંડયો કે મંડી હોય ! નીચી મૂન્ડીએ એની બોચી ઉપર જીવડું ચોંટયું હોય, એનું ય ભાન ન પડે. આપણને એમ કે કોઈ જીવસટોસટનો 'વૉટ્સઍપ' આવ્યો હશે... પણ એ ય પોતાની ઊલટી બીજાઓ ઉપર કરવા જ બેઠો હોય.

મોબાઈલ નવા નવા આવ્યા, ત્યારે સરખામણી ઘાંચીના બળદ સાથે થતી કે, જેવો કોકનો ફોનઆવે, એટલે પેલો જ્યાં બેઠો હોય ત્યાંથી ઊભા થઇને ચક્કર ચક્કર ઘુમવા માંડે. સમય જતા આ સરખામણી ખોટી પડવા માંડી. સમાજને બળદ વધુ અક્કલવાળો લાગવા માંડયો કે, એ તો ફક્ત ધરીની આસપાસ માપસર જ ચકરડાં મારે, જ્યારે આપણા મોબાઈલીયાઓનું ઊભા થઇ ગયા પછી કાંઈ નક્કી નહિ કે, ઊભા થઇને એ કઇ બાજુ કેટલા પગલાં લૅફ્ટમાં લેશે, કેટલે પગલે ઊંધો પાછો આવશે અને પાસેના થાંભલે ટેકો દેવા ગયો હોય, ત્યાં થાંભલો જ નહિ હોય...!

યસ. બીજું ય એક દર્દ ઉપડયું છે. બીજાનો જોઈને આપણો સૅલ ફોને ય મોંઘો લેવાનો. હવે ૧૫-૨૦ હજારવાળા મોબાઈલો તો ભિખારીઓ ય વાપરે છે. આજની યંગ-જનરેશન અને ખાસ કરીને 'ક્લબ-કલ્ચર'માં એકબીજાથી મોંઘો ફોન લઇ આવવાની ચૂળ ઉપડી છે. પેલો ૬૦-૭૦ હજારના મોબાઈલમાં ઝગારા મારતો હોય ને એનો જોઇને બીજાવાળો સવા લાખનો લઇ આવ્યો હોય... પછી ખબર પડે કે, 'દિનીયો રૂ. ૧૨-૧૫ લાખનો મોબાઈલ ફોન લઇ આયો છે...' આવો ૧૨-૧૫ લખનો મોબાઈલ વાપરનારો મ્હોંને બદલે ડૉકી ઊંચી કરીને વાત કરતો હોય. એમાં આવડે તો માંડ બે-ચાર ફંક્શનો, પણ ફોટા મસ્ત પડવા જોઇએ. 'મૅગા-પિકસેલ' નવા નવા શબ્દો છે, એ બોલવાથી છટા ઊભી થાય છે, 'અરે નિશી... તારા મોબાઈલમાં કેટલા મૅગા-પિકસેલનો કૅમેરા છે ?' જવાબમાં પેલી ૨૦ કહે, ત્યારે આને લજ્જત પડી જાય, 'ઓહ... ધૅટ્સ ફાઈન, બટ યૂ નો.. બ્રધરે સ્ટેટ્સથી (એટલે અમેરિકાથી... હવે 'યુએસએ' કે 'અમેરિકા' તો ગામડીયાઓ બોલે... જરા હાઈ-સૉસાયટીમાં ગણાવવું હોય તો અમેરિકાને બદેલ ફકેત 'સ્ટેટ્સ' બોલો... ! જય અંબે.) મને ૪૧ મૅગા પિકસેલનો સૅલફોન મોકલ્યો છે... યાર, શું એમાં ફોટા આવે છે ?

અત્યાર સુધી કરવા માટે ખાસ કંઇ નહોતું. હવે વાંદરાને નિસરણી મળી ગઇ છે, એટલે જ્યાં ઊભો કે ઊભી હોય, ત્યાં ફોટા પાડવા માંડે. (ઉપરોક્ત વાક્યરચનામાં જ્યાં 'ઊભી હોય' શબ્દો વપરાયા છે, ત્યાં સર્વનામ તરીકે 'વાંદરી' શબ્દ વાચકોએ જાતે ઉમેરી દેવો... સૂચના પૂરી) પાછા આ પાડેલા ફોટા ય વૉટ્સઍપ કરીને બસ, કોઈ ૪૦-૫૦ને મોકલવાના. અરે ભાઈ ભાઈ... ૭૦ ટકા ફોટામાં કૅમેરો હલી ગયો હોય, અથવા મૂળ પાર્ટી ફોટામાં દેખાતી ન હોય ને એની પાછળ ગાય ચરતી હોય, એના ખૂબ સારા હાવભાવ સાથેનો ચોખ્ખો ફોટો આવે. આપણા જમાનામાં પાસપોર્ટ માટે એક ફોટો પડાવવા સ્ટુડિયોમાં જવું પડતું. પેલો આપણી દાઢી ખસેડે, આ પગારમાં મોઢું હસતું રખાવે, ડોકી સાઇડમાં લેવડાવે અને ડીલિવરી લેવા અઠવાડીયા પછી બોલાવે. એક રૂપિયાની ત્રણ કૉપી અને એ ય બ્લેક-ઍન્ડ-વ્હાઇટ આપણે આજ સુધી જીવની જેમ સાચવી રાખી છે. પરણ્યા એટલે વાઈફની સાથે ફોટો પડાવવા સ્ટુડિયોમાં જવું જ પડે. એમાં ય એક સ્ટાન્ડર્ડ પૉઝ... આપણી છાતી ઉપર માથું રાખીને વાઈફ ઊભી હોય (જ્યાં હાઈટના પ્રોબ્લેમો હતા, ત્યાં સ્ટુડિયો તરફથી ઉપર ઊભા રહેવા માટે લાકડાનો એક પાટલો પણ મળતો... ૪૬.૭૮ ટકા પતિ-પત્નીના ફોટાઓમાં પાટલો હસબન્ડ માટે મૂકવો પડતો... આ તો એક વાત થાય છે !)

પેલીએ અંબોડો આપણા શર્ટને અડાડીને ફોટો પડાવ્યો હોય, એમાં ખચાખચ તેલવાળું ધાબું શર્ટ ઉપર પાડી દીધું હોય !

વૉટ્સએપમાં ય ગ્રૂપ-ઍડમિન પહેલા ઊંચુ સ્થાન ગણાતું... હવે, દુનિયાભરની ગાળો દેવા માટે ગ્રૂપના બધા ઍડમિનની (ખાલી જગ્યા) પૈણે છે. પેલાને એક જમાનામાં ગ્રૂપ-લીડર બનવાનો ઉપડેલા ચસકાની આ લોકો મધર-મેરી કરી નાંખે છે. ગ્રૂપવાળા ભેગા મળીને ઍડમિનની છોલી નાંખે છે, એની ખબર એને શરૂશરૂમાં નથી પડતી. એ તો રાજી થતો હોય ને માર્કેટમાં કહેતો ફરતો હોય, 'બૉસ...મારા વૉટ્સએપ- ગ્રૂપમાં ૭૮ મૅમ્બરો છે... બધા આપણને માને... !' એ તો પછી ખબર પડે કે, ગામ આખામાં ઉલ્લુઓનો સ્ટોક ઓછો થઇ ગયો હોય ને રાહુલ ગાંધી, આલિયા ભટ્ટ કે આલોકનાથના જૉક્સમાં હવે બૉર થવાય છે, એટલે હરીફરીને બધો કચરો ઍડમિન ઉપર ઠલવાય... 'એક વાર ઍડમિનની વાઇફ ઘરમાં એકલી હતી. આપણા ગ્રૂપના રાજીયાએ બૅલ માર્યો, 'ભરત છે...?' જવાબમાં પેલી બોલી,'...નથી...આઈ જાઓ !' આવી ૪૬,૫૪૯ વર્ષ જૂની પીસીઓ હવે ઍડમિનને નામે મૂકાય છે... લોકોએ ઍડમિન બનવાનું બંધ કરી દીધું છે.'

સાયન્સ એમ કહે છે કે, રોજ કમ્પ્યૂટર પર સતત બેસનારાઓને (ખાસ કરીને અમારા લેખકોને થતો) 'રાઈટર્સ-ક્રૅમ્પ' નામનો રોગ થવાનો છે. જો રોજ નિયમિત હાથ અને કમરના સ્નાયુઓ છુટા પડવાની કસરતો નહિ કરે તો... એમ જગતભરના મોબાઈલીયાઓની ડોકી એવી નીચી થઇ જવાની છે કે, એમનું આવનારૂં બાળકે ય મૂન્ડી નીચી રાખીને જ આવશે... બોલો અંબે માત કીઈઈઈ.... ?

(આ ય એક પ્રોબ્લેમ સદીઓ પુરાણો છે... આવી જય બોલવનારો પોતે ક્યારે ય 'જય' નહિ બોલે... એ બધું ઉપસ્થિત ભક્તો ઉપર છોડવાનું.)

સિક્સર
- અચ્છે દિન કબ આનેવાલે હૈ... કોંગ્રેસ કે ?
- આવું ભવિષ્ય તો ખુદ કોંગ્રેસવાળા ય ભૂલી ગયા છે.

19/07/2015

ઍનકાઉન્ટર : 19-07-2015

૧. બા ખીજાય ત્યારે તમે એમને શાંત કેવી રીતે પાડો છો ?
- વાઇફ કરતાં બિલકુલ ઊલટી પધ્ધતિ !....બાના કૅસમાં મગજ દોડાવવું પડે છે !
(પિયુષ ભટાસણા, ટંકારા)

૨. એક તરફના પ્રેમ અંગે તમારૂં શું માનવું છે ?
- એ તો કોક મને એક તરફનો પ્રેમ કરે, પછી ખબર પડે !
(પ્રતિક ગોહેલ, માણાવદર)

૩. સ્વ. જ્યોતીન્દ્ર દવે અને અશોક દવે વચ્ચે શું ફરક છે ?
- મારા નામની આગળ હજી 'સ્વ.' ચોંટાડવાનું બાકી છે.
(સુનિલ ચૌહાણ, પાલિતાણા)

૪. તમે અમિતાભ બચ્ચન હોત, તો કોની સાથે લગ્ન કરત... રેખા, હેમા માલિની કે શ્રીદેવી ?
- તમારે એમ પૂછવું જોઇતું હતું કે, અમિતાભ અશોક દવે હોત તો કોની સાથે લગ્ન કરત... બેન ગોદાવરી, બેન સવિતા, બેન ચંપા...કે છેલ્લું નામ તો આ કૉલમના બધા વાચકો જાણે છે...હાહાહા !
(દિપક દવે, ભાવનગર)

૫. ગામ ખોબા જેટલું હોય, પણ આજકાલ ગામડાંઓમાં મોટાં મોટાં પ્રવેશદ્વારો મૂકાવવાની ફૅશન થઈ પડી છે, ભલે પછી ગામમાં નળ, ગટર કે રસ્તા ન હોય...સુઉં કિયો છો ?
- આખું ગામ એમના બાપનું થઈ ગયું...પોતાના બાપ કે સંસ્થાના નામે પ્રવેશદ્વાર બનાવી ને !
ખર્ચો લાખ-દોઢ લાખનો માંડ ને પોતાના વિસ્તારના ધારાસભ્યશ્રીને રાજી કરી દેવાના !
(હિમાંશુ ભીન્ડી, તળાજા)

૬. પ્રેમ થવો ગુન્હો છે ?
- એનો બાપ શું કહે છે...?
(અક્ષય રાઠોડ, ભાવનગર)

૭. દીકરો ને વહુ રોજ સવારે ભગવાનની પૂજા કરે ને મા-બાપને તરછોડે... એનું શું કારણ ?
- ભગવાનની પૂજા પણ મા-બાપ માટે જ કરતા હોય છે...કે, એ પાછા ન આવે !
(મેહૂલ રાજપરા, જામનગર)

૮. અન્ના હજારે પાછા મેદાનમાં કેમ આવ્યા હતા ?
- કાકાને વગર મેહનતે ગાંધીજી ભાગ-બીજો બનવું હતું...ને બેવકૂફ મીડિયાએ સાથ આપ્યો !
(દેવેન્દ્ર સોલંકી, અમદાવાદ)

૯. ક્યારેક કોઇનો સવાલ વાંચીને તમને હસવું આવે છે ખરૂં ?
- ઘણી વાર... કે, લોકો મને કેવો બેવકૂફ સમજે છે !
(કોમલ પિત્રોડા, રાજકોટ)

૧૦. તમારાં પત્ની અચાનક તમને કોઈ સ્ત્રી સાથે વાતો કરતા જોઈ જાય તો એ શું કરે ?
- રોજરોજ તો એ ય બિચારી શું કરે ?
(નીતિન વાલા, રાજકોટ)

૧૧. પ્રેમીઓ પ્રેમના વહેમમાં હોય, એવું તમને નથી લાગતું ?
- આવું છેલ્લી વાર ૩૮-વર્ષ પહેલાં લાગ્યું હતું... સાલો, મારો વહેમ સાચો પડયો ને લગ્ન કરી લેવા પડયાં !
(અરસી બેરીયા, બાલોચ-પોરબંદર)

૧૨. અમેરિકામાં ટૉયલેટને 'રેસ્ટ-રૂમ' કેમ કહે છે ?
- યસ...ખરેખર તો Waste room કહેવો જોઈએ !!!
(ભૂપેન્દ્ર સી. શાહ, અમદાવાદ)

૧૩ હિંદુસ્તાન પહેલાં 'સોને કી ચીડીયા' કહેવાતું....હવે ?
- આપણો દેશ પહેલાં ય સોનાનો હતો ને પૃથ્વીના અંત સુધી ય એ સોનાનો જ રહેશે.
(કલ્પેશ જે. પટેલ, વલસાડ)

૧૪. નીલગગન કી છાંઓ મેં, દિન રૈન ગલે સે મિલતે હૈ...' (ફિલ્મ 'આમ્રપાલી'માં વૈજ્યંતિ માલા) અને 'મોસે છલ કિયે જાય...' ફિલ્મ 'ગાઇડ'માં વહિદા રહેમાન....બેમાંથી નૃત્યની દ્રષ્ટિએ કયું ગીત ઉચ્ચતર કહેવાય ?
- એનો આધાર ફિલ્મ જોતી વખતે તમારી નજર ક્યાં અટકેલી રહે છે, એની ઉપર છે.
(મહેશ રાવલ, અમદાવાદ)

૧૫. તમે ફિલ્મોમાં જવાનો ટ્રાય કેમ નથી કરતા ?
- બે જેલસ માણસોને કારણે...! વર્ષો પહેલાં દિલીપ કુમાર અને હવે અમિતાભ બચ્ચન મારાથી ગભરાય છે ને મારા માર્ગમાં રોડા નાંખે છે...સાલો સીધા માણસોનો જમાનો જ નથી. (અહીં 'સીધો માણસ' મને ગણવો... પેલાબે ને નહિ... (સૂચના પૂરી).
(નિપુણ ઠાકર, મુંદ્રા-કચ્છ)

૧૬. ઇ.સ. ૧૯૩૧-પહેલાં હિંદી ફિલ્મો સાયલન્ટ આવતી હતી...આજકાલની ફિલ્મો સાયલન્ટ 'કરીને' જોવી પડે છે !
- તમારી આ સરખામણી વહુ ઘરમાં નવી પરણીને આવે ત્યારની અને આજની વચ્ચે થાય !
(નંદ રાજગોર, મુંદ્રા-કચ્છ)

૧૭. સફળ થવા માટે શું ના કરવું જોઇએ ?
- કમ-સે-કમ...આવો સવાલ કોઈ નિષ્ફળ માણસને તો ન જ પૂછવો જોઇએ !
(સૅન્કી મેહતા, ગાંધીધામ-કચ્છ)

૧૮. કઈ ચીજ ગૉળ ના બની શકે ? શેરડી કે રબ્બર ?
- ધો. ૬-ના વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવે છે કે, આવા પ્રશ્નો ધો. ૭માં આવ્યા પછી પૂછવા.
(બાકરઅલી અસામદી, અંકલેશ્વર)

૧૯. અન્ના હજારેએ શહીદ ભગતસિંહના ગામમાં જઇને આંસુ સાર્યા. શું માનો છો ?
- હવે તો તમારા ગાંમાં કોઈ રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ ગુજરી જાય તો ય અન્ના આવે એવા છે... હવે મીડિયાવાળા ય એમની પાછળ પાછળ જતા નથી.
(મયૂર વાળંદ, ભુજ-કચ્છ)

૨૦. હવે તો ઝૂંપડાઓમાં ય સ્પ્લિટ-ઍસીઓ આવી ગયા છે...ને તમે હજી 'પંખો ચાલુ કરવાની' વાત કરો છો ?
- એમ..? તમે સ્પ્લિટ-ઍસી નંખાવી ય દીધું...?
(કિશોર યાજ્ઞિક, અમદાવાદ)

૨૧. એવી કઈ ચીજ છે, જે અમીરો ખિસ્સામાં રાખે છે ને ગરીબો ફેંકી દે છે ?
- નેતાઓ.
(જયસુખ સોલંકી, નિકોલ)

૨૨. ધર્મ માણસને મજબૂત બનાવે છે કે નબળો ?
- આજના સમયની વાત કરીએ તો ધર્મો દેશને માયકાંગલો બનાવી રહ્યા છે. એકે ય ધર્મ રાષ્ટ્રભક્તિની વાત પણ નથી કરતો !
(રવિ સૂરેજા, ઉંબરગામ)

૨૩. મારી ગર્લફ્રૅન્ડ 'તમને' 'આઇ લવ યુ' કહે તો તમે શું કરો ?
- સચ્ચીઇઇઇઇ....??? તો હું એને પણ 'આઇ લવ યૂ, બેટા' કહું.
(તેજસ શર્મા, વીરપુર-મહિસાગર)

૨૪. તમે 'ઍનકાઉન્ટર' ન લખતા હોત તો શું કરતા હોત ? તમને અભિનેતા બનવાની ઇછા ખરી ?
- કોઈ પણ અભિનેતો ૫-૧૦ વર્ષ ચાલે છે... 'ઍનકાઉન્ટર' ટાઇમલૅસ છે. (અને હવે પછી અટક પહેલાં ને નામ પછી ન લખશો...માલિની હેમા, કૈફ કૅટરિના કે કાપડિયા ડિમ્પલ સારૂં લાગે ?)
(સ્વાતિ ડી. ભાખર, સુરત)

૨૫. વાહિયાત સવાલોના જવાબો આપવામાં તમારે કેટલું વિચારવું પડે છે ?
- સવાલો વાહિયાત હોવાનું તો સાંભળ્યું નથી...હા, જવાબો માટે ઘણા કહે છે !
(જીતેન્દ્ર પરમાર, પોરબંદર)

૨૬. મારે બાલ-દાઢી સિવડાવવા છે. કોક સારો દરજી હોય તો કહેજો ?
- તમારૂં કામ તો કોઇ ટાયર-ટયૂબના પંકચરવાળો ય કરી આપશે.
(કુલદીપ પટેલ, વીરપુર)

15/07/2015

તમન્ના મચલ કર જવાં હો ગઈ હૈ...

મસ્તુભ'ઈ ગાર્ડનમાં જવલ્લે જ જાય... એ તમને મંદિરોમાં મળે.ભક્તિ-ભક્તિ... માય ફૂટ! મંદિરોમાં 'જે શી ક્રસ્ણ' કરતી રોજની૫૦-ડોસીઓ મળે. બે ઘડી બહાર મંદિરના ઓટલે બેસીએ,સુખ-દુઃખની વાતો કરીએ, હથેળી અડાડીને એકબીજાને પ્રસાદઆલીએ. સંબંધો તો ભ'ઈ, બાંધીએ એટલા બંધાય. આ મનખાદેહનો કાંઈ ભરોસો છે? આવરો-જાવરો રોજનો રાખ્યો હોય તોકોક ને કોક મંદિરમાં સ્કૂલ કે કૉલેજમાં સાથે ભણતી કોક ને કોકવળી મળી જાય, તો વાત આગળે ય વધારાય! ૭૦-ના થઈ ગયાએટલે શરીરના બધા અંગો કાંઈ વેચવા કાઢ્યા ન હોય... બધેબધ્ધું સલામત હોય, ખાસ તો આ હૈયું... બદમાશ હૈયું... નફ્ફટહૈયું... ભૂખાવડું હૈયું! 'તમન્ના મચલ કર જવાં હો ગઈ હૈ...'

વચમાં ઝીણકો ઝીણકો ય ઉંમરનો પ્રોબ્લેમ આવે તો ખરો,આપણી નહિ... સામેવાળીની ઉંમરનો પ્રોબ્લેમ! ૬૦-પછીની ૯૮-ટકા સ્ત્રીઓ ૨૫-૩૦ વર્ષ પહેલા સાલી બુઢ્ઢીઓ થઈ ગઈ હોય.ઘરમાં તો સમજ્યા, બહારે ય હૈયું રોમેન્ટિક રહ્યું ન હોય. 'જે શીક્રસ્ણ' સિવાયનું બધું બોલવાનું ભૂલી ગઈ હોય, ત્યાં નવેસરથી'આઇ લવ યુ' તો એની બા પાસેથી ય સાંભળવા ન મળે! આબાજુ આપણે તરોતાઝા હોઈએ. 'ફૂલ ખીલેં હૈ ગુલશનગુલશન'ની માફક શરીરના એકોએક અંગ એક નાનકડા સ્પર્શથીખીલી ઉઠતા હોય. હા, વરસાદમાં ઘરની ભીંત ઉપરથી ઉતરતાપાણીની માફક માથેથી વાળ ઉતરી ગયા હોય. મૌસમનું માવઠુંમાથે બેઠું હોય, પણ એથી રસ્તાએ ભીનાં થવાનું માંડી વાળવાનુંન હોય! મસ્તુભ'ઈને ક્રોધ આજની જનરેશન ઉપર ચઢે કે, જેવાછીએ એવા છીએ... અમને કાકાકાકા શેના કરો છો? જરાકઅમથી કોકને જોવા નજર ઝીણી કરી એમાં તો, ''વાઉ... બુઢાઉઅભી ભી ઇશ્ક લડાતા હૈ..!'' અમારો વાંધો આ આશ્ચર્યચિહ્નસામે છે.

ગાર્ડનોમાં નહિ જવાનું કારણ એટલું કે, ત્યાં યંગસ્ટર્સ બહુ આવે,એમની સામે આપણી ઉંમર નડે. એ હોય ત્યાં આપણને કોણજુએ? મંદિરોમાં ડોસીઓ પાસે બીજા કોઈ વિકલ્પે ય નહિ...છેવટે 'જે શી ક્રસ્ણ' તો કરે! સુઉં કિયો છો?

મસ્તુભ'ઇ લૉ-ગાર્ડનના સમર્થેશ્વર મંદિરના કાયમી ઘરાક. ત્યાંજૂની તો જૂની, હવેલીઓ બહુ જોવા મળે. કોક ને કોક હવેલીતો કાઢવાની નીકળે કે નહિ? ક્યારેક તો સાવ અજાણી (પણએકલી હોય તે) કાકી પાસે જઈને મસ્તુભ'ઈ, ''જે શી ક્રસ્ણ,બા!'' કહી આવે. 'બા' બોલ્યા હોય, એમાં સ્પેલિંગની ભૂલ જાણીજોઈને કરી હોય. એમને એક વાતની ચોક્કસ તસલ્લી કે, એકે યડોસીને 'બા' કહીને બોલાવો, એ ગમતું નથી અને આવું ન ગમતુંહોય, એ આપણા ફાયદામાં છે! અર્થાત, કોથળીમાંથી દૂધ કાઢીલીધા પછી મલાઇ ચોંટી રહી હોય, એટલો રોમાન્સ તો ડોસીમાંહજી રહ્યો છે... ને આપણે જોઈએ ય કેટલો..? પ્રસાદ જેટલો!

યસ. સમર્થેશ્વરમાં મસ્તુભ'ઈ બહાર ચોગાનમાંથી જમહાદેવજીને હાથના ઈશારે, ''ઓ હાય, ભોલે...'' કહી દે...અંદર-બંદર જવાનું નહિ પણ સંબંધની શરૂઆતમાં જ, આજનાસીસીડી-બ્રાન્ડના છોકરાઓની માફક, ''ઓ હાય સરલુ...'' કહીનેસરલાબેનને ન બોલાવાય. પ્રારંભ તો ધાર્મિક ઢબે જ થાય.ડોસીઓને નજીક લાવવાની એક જ ચાવી, એની વહુ વિશેપૂછવા માંડો... નૉનસ્ટોપ બોલતી રહેશે.

મસ્તુભ'ઇને આ વાતની ય ચીઢ કે, એમના જમાનામાં બૈરાઓનામો ય સારા પાડતા નહોતા. આજની પિન્કી, બૉબી કે લજ્જુજેવા નામો નહિ... અમારે તો લક્ષ્મી, કમળા, સવિતા અનેઇચ્છાગૌરીમાં જ રાજી રહેવાનું. એ સાલાં નામો ય એવા કે,આજની જેમ એમને ટુંકા કરો તો ય વાત રોમેન્ટિક ન બને. 'લક્ષ્મી'નું ટુંકુ કરી કરીને કેટલું કરો? બહુ બહુ તો આગળનો 'લ'કાઢી નંખાય ને એમ કરીએ તો પાછળ કાંઈ રહેતું નથી!જ્યોત્સનામાંથી 'જ્યો' કાઢી લઈએ તોય ઉપાધી. 'પુષ્પી' લાગેતો મીઠડું, પણ 'પુષ્પકાંતા' જેવી બીજી કાન્તાને ય યાદ રાખવીપડે. કમળાડીની તો ફોઇને ઊંધી લટકાવવી જોઈએ કે, આવાભયાનક રોગ ઉપરથી એનું નામ 'કમળા' પાડયું.

જો કે, પરમેશ્વરનું નિરંતર સ્મરણ કરવાથી ક્યારેક તો એ ફળઆપે છે. મસ્તુભ'ઇને ય મળું-મળું થતું એક ફળ મળ્યું... આઈમીન, ગોદાવરી, જેને એક જમાનામાં મસ્તુભ'ઇ વહાલથી 'ગોદુ'કહીને બોલાવતા. સામે પેલી આખું 'મસ્તુ' કાઢીને ફ્કત 'ભ'ઈ'બોલાવવા તૈયાર હતી, પણ મસ્તુએ આખો 'ભ'ઈ' જ કઢાવીનાંખેલો... ફક્ત 'મસ્તુ' રખાવ્યું.

આંખો ઝીણી કરીને જોવી પડે, એટલી ઉંમરે તો થઈ હતી, તો યઓળખી ગયા. ગોદુ એવી કંઈ ઘરડી થઈ નહોતી. ૬૫-ની ઉંમરકાંઇ ઘરડી ન કહેવાય. (આવું લેખક નથી બોલ્યા.. ગોદુ બોલીહતી..! આ તો એક વાત થાય છે!!)

એ જમાનામાં ગોદુ-મસ્તુ ધોરણ ૬-બ માં સાથે ભણતા. હવે એઉંમરે તો પેમલા-પેમલીની શી ખબર પડે? ...પણ બીજા બે-ત્રણવર્ષો બિનઉત્પાદક ગયા એમાં મમ્મી- પપ્પાએ ગોદુને શાળામાંથીઉઠાડી લીધી ને... એની માં ને... સૉરી, એની માં ને નહિ, ગોદુનેજ પૈણાઇ દેવાઈ..!

આ બાજુ, મસ્તુના ફાધરે મસ્તુ માટે જે આંગડીયું છોડાવ્યું નેલગ્ન કરાવી દીધા, લીલાગૌરી સાથે, એ ખાસ કાંઇ જામ્યું નહિ.મસ્તુભ'ઈ બધું મળીને આઠેક બાળકોના પિતાશ્રી બન્યા,એમાંથી ત્રણ તો પોતાના જ, એટલે કે લીલાગૌરીના જ!મસ્તુભ'ઈનું કામકાજ આખી શેરીમાં વખણાય! બધી પડોસણોનેએમ જ થાય, ''મસ્તુ મ્હારો... મસ્તુ મ્હારો...'' બસ, એકલીલાબેનને ''મસ્તુ મ્હોરો'' ફક્ત ત્રણ વખત જ બોલવાનું આવ્યુંહતું. ''હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો... હોઓઓઓ.''

એ દરમ્યાનમાં ગોદુ પરણીને ક્યાં જતી રહી હતી, તેની આસમર્થેશ્વર મહાદેવના મંદિર સુધી ખબર નહોતી, તે આજે પડી.

''ગોદુઉઉઉ... તુંઉઉઉ...???'' મસ્તુભ'ઇએ વટથી ગોદુના ખભેહાથ મૂકીને પૂછ્યું.

''તત્ત... તમે... આઇ મીન, તું... મસ્તુ?'' મસ્તુનું નામ ગોદુ તુંકારાસાથે હક્કથી બોલી હતી. આ બાજુ મંદિરમાં પ્રચંડ ઘંટારવ સાથેઆરતી શરૂ થઈ... આને કહેવાય, 'હવનમાં હાડકાં...!' પણ એનોફાયદો એ થયો કે, બન્નેને એકબીજાની સામે નિરંતર જોવાનોમોકો ય મળ્યો. કહે છે ને કે, ભગવાન ભૂખ્યો સુવડાવે ખરો, પણભૂખ્યો ઉઠાડતો નથી... જય મહાદેવ! બન્નેના નેત્રપટલો ઉપરભૂતકાળ ડીવીડીની માફક ફરી વળ્યો. એજ પિપળાનું ઝાડ, એજ ગામના કૂવા તરફ જતો રસ્તો, એ જ કૂવા પાછળ ગોદુનુંસંતાઈ જવું ને એ જ છાનીમાની બચ્ચાબચ્ચીઓ! સઘળું કાચીસેકન્ડમાં યાદ આવી ગયું.

''ગોદુ... યાદ છે, તું ત્રીજી વાર વિધવા થઇ ત્યારે મેં તનેઇંગ્લિશમાં 'કાઁગ્રેચ્યુલેશન્સ' કીધા'તા... યાદ છે?''

''યાદ હોય જ ને મસ્તુ. તને યાદ હોય તો તારા કાઁગ્રેચ્યૂલેશન્સમાટે મેં શરમના શેરડાં સાથે તને ઝીણો ઠપકો પણ આવ્યો હતો,કે 'અત્યારે આવું ન બોલાય!' યાદ છે?''

''હોય જ ને! વિધવા થવા ઉપર તારો હાથ એવો સૉલ્લિડ બેસીગયો'તો કે, મેં પછી... તારી સાથે માંડી જ વાળ્યું.''

''આઇ નો... આઇ નો... તારા ઘરેથી તો એવો કોઈ સપોર્ટ તારીવાઈફે આપેલો જ નહિ ને? હજી છે એ...? યાદ છે, મને જોઈનેલીલી બહુ અકળાતી હતી... યાદ છે?''

''ઓહ થૅન્ક ગૉડ... એ તારા નક્શેકદમ પર ન ચાલી... એનાનામની આગળ 'ગંગાસ્વરૂપ'' જરા ય ન જામે.'

''મસ્તુ, મારા દીપુનો ફાધર... આઇ મીન, ચોથી વારવાળો-માણસ બહુ સારો હતો. મને બહુ પ્રેમ કરે. મને રોજ કહે, ''ગોદાવરી, મારા જીવનમાં તારા સિવાય બીજા કોઇ સ્ત્રીને મેં પ્રેમનથી કર્યો..!'' મેં મનમાં મલકાઈને કીધેલું, ''અહીંના કર્યાં અહીં જભોગવવાના છે, ભ'ઇ! જેવા જેના નસીબ એ તો... હેં?''

બન્ને ખડખડાટ હસી પડયા...
* * *
આમ તો બે-ચાર દિવસ બધું સરસ ચાલ્યું. પણ આ ઉંમરનાપ્રેમોમાં બધું તો સરસ ન ચાલે ને? ગોદાવરી ઘરમાં ગબડી પડીએમાં ત્રણ ફ્રેક્ચર ને આઠ મહિનાનો ખાટલો! સાલું, બન્નેએકબીજાનું સરનામું કે મોબાઇલ નંબરો આપવા-લેવાના ભૂલીગયેલા. ગોદી અઠવાડીયે તો ભાનમાં આવી, ત્યારે આંખ સામેમસ્તુનો રસભર્યો ચેહરો નિતરતો હતો, પણ મસ્તુ પોતે ન હતો,એની કેવળ યાદો જ હતી. એને ખબરે ય શી રીતે આપવી?આપીએ તો એ આવે ય કયા બહાને? દાયકાઓ જૂનો પ્રેમઆટલા વર્ષે પાછો મળ્યો ને કોની નજરૂં લાગી કે, એ ખોટી કીદબાવવામાં બધું ડીલિટ થઈ ગયું? એકાદ-બે વાર તો વહુઓનાદેખતા જ નહિ, સાંભળતા પણ ગોદુથી ભૂલમાં અને પ્રેમાવેગમાં'મસ્તુ... મસ્તુ' બોલાઈ ગયું ને વહુએ પૂછ્યું ય ખરૂં, ''કોણમસ્તુ... બા?''

''મસ્તુ નહિ... અમસ્તુ... અમસ્તુ.. એમ બોલી હું...!''

આ બાજુ ડોહાની શી હાલત થઈ હશે?

ખાસ કાંઈ નહિ... એમણે તો કંટાળીને સમર્થેશ્વર પડતું મૂક્યું નેસ્વામિનારાયણના મંદિરનો રાહ અપનાવ્યો. આઠેક દિવસમાં તો,જૂના સહાધ્યાયી ગં.સ્વ. ચંદ્રિકાબેન મળી ગયા... ને ૩-૪વખતના ''યાદ છે... યાદ છે...?''માં ગોળધાણા ય ખવાઈ ગયા...

બસ, આ વખતે મસ્તુભ'ઇ ચંદ્રિકાનો મોબાઈલ નંબર લેવાનુંભૂલ્યા નહોતા.

સિક્સર

કોઈકે મને પૂછ્યું, ''તમે રીટાયર ક્યારે થવાના છો?''

મેં કીધું, ''મારા લેખો વાંચીને લોકોને હસવું આવતું બંધ થઇ જશેત્યારે...''
''એમણે તો ક્યારનું બંધ કરી દીધું છે.''

13/07/2015

એનકાઉન્ટર : 12-07-2015

૧.કવિ-લેખકો લેંઘા-ઝભ્ભા જ સવિશેષ કેમ પહેરે છે? 
-એટલું તો પહેરે ને? 
(કંદર્પ દેવાશ્રયી, દુબાઈ-યુ.એ.ઈ.) 

૨.'ભારત માતા કી જય' ...પછી શું? બધા સુધરી જશે? 
-એક વાર બોલી તો જુઓ... આખી બોડી-લેન્ગ્વેજ બદલાઈ જશે. પછી આવું પૂછવું નહિ પડે! 
(કૅપ્ટન પી.કે.સી. પાન્ડે, વડોદરા) 

૩.તમે 'એનકાઉન્ટર' કોલમ બીજા અખબારોમાં પણ કેમ ચાલુ કરતા નથી? 
-આનાથી વધુ સારું અખબાર નજરે પડે તો જણાવજો. 
(ભૂપેન્દ્ર જાની, અમદાવાદ) 

૪.આવી કાળઝાળ ગરમીમાં તમે પંખો ડિમ્પલ પાસે ચાલુ કરાવો કે જાતે કરો? 
-તમારાથી 'ડિમ્પલબેન' બોલાય. 
(પ્રકાશ પી. મહેતા, સુરેન્દ્રનગર) 

૫.નામ તમારું 'અશોક' કેમ પડયું? 
-ફોઈએ હાથમાં સરખું ઝાલ્યું નહોતું. 
(અજીત દેસાઈ, અમદાવાદ) 

૬.આજનું ગામડું...? ક્યાં ગયું મારું રંગભર્યું, રૂપાળું ગામડું? 
-સિહોરના પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ લખાવો. 
(આશિષ વ્યાસ, સિહોર) 

૭.એક છોકરીએ ઠીંગુજીને પરણવાની ના પાડી... શું કારણ હશે? 
-બધે લાકડાનું સ્ટૂલ લઈને સાથે જવું ના ફાવે એટલે. 
(મધુકર મેહતા, વિસનગર) 

૮.આજની આ સેમેસ્ટર-સીસ્ટમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મશિન બનાવી દીધા છે. સુઉં કિયો છો? 
-મશિન નહિ, 'મિકેનિક' ! 
(કમલેશ એસ. ચિત્તે, નવસારી) 

૯.ભારત દેશમાં ટ્રાફિક-સિગ્નલ પર લાલ લાઈટ જોઈને લોકો ઊભા નથી રહેતા, પણ બિલાડી રસ્તો કાપે, તો ઊભા રહી જાય છે. શું કારણ હશે? 
-હવેના લોકો બિલાડી ઉપરે ય નજર બગાડે એવા હોય છે... 
(કિશન સંચાણીયા, રાજકોટ) 

૧૦.'વૉટ્સએપ' પર ગ્રૂપ બનાવવા વિશે તમે શું વિચારો છો?
-જે લોકો વિચારી શકતા હોય, એ આવી બબાલોમાં ન પડે. 
(ભરત પી. કક્કડ, અમદાવાદ) 

૧૧.હું તમને 'સમ્રાટ અશોક' કહીને બોલાવી શકું? 
-'અશોક' નામ જ એવું છે કે, આગળ ગમે તે લગાવો, 'મહાન', 'ધી ગ્રેટ', 'મહારાજા'... હા, ઘણા આગળને બદલે પાછળ 'હેર કટિંગ સલૂન' પણ લગાવે છે. 
(મિલન ઉદેશી, કાલાવડ) 

૧૨.દર લગ્નતિથિએ મારી વાઈફ સોનાની વીંટી માંગે છે... શું કરવું? 
-બસ... એની આંગળીઓ ગણી લો. પછી લાઇફ-ટાઇમ 'નિરાંત' ! 
(મહાવીર શાહ, નવસારી) 

૧૩.મને સરકારી નોકરી ક્યારે મળશે, એ જરા જ્યોતિષને આધારે કહી આપશો? 
-અમે કોઈ આલતુફાલતુ જ્યોતિષી નથી... એક પ્રશ્નના રૂ. ૨૫-હજાર લઈએ છીએ. 
(અનિરૂધ્ધસિંહ રહેવર, રણાસણ) 

૧૪.બધા વિશે 'કંઈક' જાણવું સારું કે 'કંઈક' વિશે બધું જાણવું બેહતર...? 
-કેટલાક 'કંઈકો' વિશે 'કંઈક' જ જાણવું અને કેટલાક 'બધા' વિશે 'બધું' જ જાણવું. 
(પંકિતા ખત્રી, મુંબઈ) 

૧૫.બાળકને વાલી સમય કેમ આપી શકતા નથી? 
-તમારા પિતાશ્રી માટે ફરિયાદ કરી રહ્યા છો? 
(રાજુ જાની, સણોસરા-લોકભારતી) 

૧૬.તમારા લેખોમાં પત્નીની મજાકો કરો છો, તો એ ખીજાતા નથી? 
-મજાકની શરૂઆત મારા સસુરજીએ કરી હતી. 
(પંકજ વાછાણી, અમદાવાદ) 

૧૭.રાહુલ ગાંધી ગુમ ક્યાં થઈ ગયા હતા? 
-તમે બહુ ઈમોશનલ લાગો છો... આવી ચિંતા તો એમના પક્ષવાળાઓએ ય નથી કરી... પાછા આવ્યા પછી ચિંતાઓ શરૂ થઈ... 
(સિધ્ધાર્થ કંદોઈ, વિસનગર) 

૧૮.બ્રાહ્મણોના કર્મકાંડો વિશે શું માનો છો? 
-ધરતી પરનું સર્વોત્તમ કામ એ લોકો કરે છે... પરમેશ્વરની યાદ અપાવવાનું. 
(ઈકરામ મલેક, રાજપિપળા) 

૧૯.ગતિશીલ ગુજરાત ગતિમાં ક્યારે આવશે? 
-અત્યારે ૧૦૦-ની એવરેજ તો આપે છે... વધારે કેટલી જોઈએ? 
(પિનલ ખૂંટ, કરિયાણા-અમરેલી) 

૨૦.આજના બાળકો પરીક્ષાની મેહનત કરતાં ચોરી માટે મેહનત વધુ કરે છે... સુઉં કિયો છો? 
-તે સારું જ છે ને..! એમને સરકારી નોકરી કરવી છે કે નહિ? 
(સુનિલ મકવાણા, જાંબુડા) 

૨૧.ધર્મ અને દેશ વિશે આપના વિચારો ખૂબ ગમે છે. હું સહમત છું કે, દેશના આવા સમયે સહુએ પોતાની જાતિ, ધર્મ ભૂલીને દેશ માટે વિચારો કરવા જોઈએ. 
-આ આપણે નાગરિકો વિચારીએ છીએ. જે દિવસે ધર્મગુરુઓમાં આટલી અક્કલ આવશે, પછી ભારત દેશની સામે કોઈ આંખ ઊંચી કરી નહિ શકે. 
(એસ.બી. પરમાર, સુરત) 

૨૨.સાહિત્ય ક્ષેત્રે બ્રાહ્મણો સહુથી અગ્રેસર હોવાનું કારણ? 
-બીજા ક્ષેત્રમાં રૂપીયા મળતા નથી... ને આમાં ય મળતા નથી. જાયે તો જાયે કહાં..? 
(ધવલ બોરડ, મોટા માંડવડા) 

૨૩.મોદીજી દેશમાં હોય કે વિદેશમાં, ધાર્મિક પરંપરા ચૂકતા નથી, સાચું? 
-માણસ પોતાનો પાયો કદી ભૂલે? 
(મયૂર વાળંદ, માધાપર- કચ્છ) 

૨૪.શું સ્ત્રી વિનાનું જીવન શક્ય છે ખરું? 
-અફકોર્સ, શક્ય છે... જો પુરૂષ વિનાનું જીવન શક્ય હોત તો! 
(ગણેશ ઠાકોર, આણંદ) 

૨૫.છોકરો પસંદ કરતાં શું જોવું જોઈએ... પૈસા કે બુધ્ધિ? 
-બન્ને... એનો પૈસો ને આપણી બુધ્ધિ! 
(અંજલિ રાયઠઠ્ઠા, રાજકોટ) 

૨૬.મેં એ જોયું છે કે, તમે પુરૂષો કરતાં સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય છો... કારણ? 
-આવું મેં તો જોયું નથી, પણ આવું હોય તો સ્ત્રીઓ વધુ બુધ્ધિમાન કહેવાય! 
(દેવાંગી અમર શાહ, મુંબઈ) 

બીસ સાલ બાદ

ફિલ્મ 'બીસ સાલ બાદ' ('૬૨)
નિર્માતા - હેમંતકુમાર
દિગ્દર્શક - બિરેન નાગ
સંગીતકાર - હેમંતકુમાર
ગીતકાર - શકીલ બદાયૂની
રનિંગ ટાઇમ -૧૫૮ મિનિટ્સ-૧૬ રીલ્સ
થિયેટર લક્ષ્મી (અમદાવાદ)
કલાકારો- વહીદા રહેમાન, બિશ્વજીત, મનમોહન કૃષ્ણ, મદનપુરી, સજ્જન, અસિત સેન, લતા સિન્હા, દેવકિશન, મીરા મુકર્જી, રાનો મુકર્જી.




સર ક્રિસ્ટોફર લિ કરે છે અને ડૉક્ટર વોટસનના રોલમાં આન્દ્રે મોડેલ છે.મહાન લેખક સર આર્થર કોનન ડોયલે 'શેરલોક હોમ્સ' જેવું અમર પાત્ર આપ્યું (એમાં એટલું ય સાચું કે શેરલોક હોમ્સને કારણે સર આર્થર વધુ પ્રસિદ્ધ થયા.) એ જ આર્થર કોનન ડૉયલની પ્રસિદ્ધ વાર્તા 'હાઉન્ડ ઓફ બાસ્કરવિલ' પરથી એ જ નામની ફિલ્મ દિગ્દર્શક ટેરેન્ટ ફિશરે બનાવી. જેમાં શેરલૉક હોમ્સનો રોલ પીટર કશિંગ કરે છે. સર હેન્રી બાસ્કરવિલનો કિરદાર 'હૉરર ઓફ ડ્રેક્યુલા'થી પ્રસિદ્ધ થયેલા ૬'-૫'' લાંબા.

મસાલો તૈયાર મળતો હતો, એટલે આપણા સંગીતકુમાર હેમંતકુમારે બીજો કોઈ ઉઠાવી જાય તે પહેલાં - આ ફિલ્મ 'બીસ સાલ બાદ' બનાવી નાંખવાનો ઝડપી નિર્ણય લઈ લીધો. મૂળ ફિલ્મ 'ગોથિક' જોન૨ની હતી. ગોથિક એટલે ૧૨થી ૧૬મી સદીના પશ્ચિમ યુરોપાના આર્કિેટેક્ચર સ્ટાઇલના મકાનોની આગળ- પાછળ વાર્તા ઘુમતી રહે. આર્કિટેક્ચરની આ ડિઝાઇન પછી તો 'રૅનેસાં' (renaissance) યુગમાં પણ સ્વીકારાઈ ગઈ. આપણે ખાસ કરીને ડ્રેક્યુલા જેવી યુરોપિયન હોરર ઇંગ્લિશ ફિલ્મો જોતાં, તે બધામાં આવા ગોથિક અને 'રેનેસાં' સ્ટાઇલના આર્કિટેક્ચરના મકાનોનો ઉપયોગ કરીને વધુ હૉરર ઊભો કરવામાં થતો.

આમે ય, આવી એટલે કે સસ્પેન્સ ફિલ્મો ઇન્ડિયામાં ય જવલ્લે જ ઉતરતી, છતાં ય હેમંતકુમારે તદ્દન નવાસવા દિગ્દર્શક બિરેન નાગને કામ સોંપ્યું... ને એમણે અદ્ભુત કામ કરી બતાવ્યું. સસ્પેન્સ ફિલ્મની તાકાત જ એના દિગ્દર્શનમાં હોય છે, એ પછી તનમન હલાવી દે એવું ખૌફનાક બ્રેકગ્રાઉન્ડ મ્યુઝિક અને છેલ્લે અનેક પડછાયા ઊભા કરતી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. કલાકારો સારા મળી ગયા તો ફિર ક્યા બ્બાત હૈ...!

અને આમાં એવું જ થયું. વહિદાની અભિનય ક્ષમતા માટે તો કોઈ સવાલ જ નહતો. એક વિશ્વજીતને ખૂણામાં ઘાલવો પડે એમ હતો, પણ અહીં એને રોલ જ એવો અપાયો, જેમાં એ જેવો છે એવો જ આ લોકોને જોઈતો હતો.

આ જ ટીમ સાથે બનેલી થ્રિલર ફિલ્મ 'કોહરા' તમને ગમી હોય તો આ વધુ ગમવાની, કારણ કે, મૂળ પ્રયોગ તો આ હતો ને આ સફળ થયો માટે 'કોહરા' બની... અને ૧૯૬૨-ના વર્ષમાં જેટલી ફિલ્મો રીલિઝ થઈ, એ બધામાં કમાણીનો આંકડો 'બીસ સાલ બાદ'નો તગડો હતો.

હેમંતકુમારે ફિલ્મોમાં ગીતો ગાવા અને બનાવવા ઉપરાંત ફિલ્મો બનાવવાનું મજૂરી કામ પણ શરુ કર્યું હતું અને એની શરૂઆત આ ફિલ્મ 'બીસ સાલ બાદ 'થી થઈ. એ એટલી તોતિંગ સફળ થઈ કે ૧૯૬૨માં ઉતરેલી અન્ય કોઈ ફિલ્મે ટિકિટબારીઓને આટલી હદે છલકાવી નહિ. એ પછી દર વર્ષે એમણે એક યાદગાર ફિલ્મ બનાવવા માંડી. આના પછીની 'કોહરા' સફળ થઈ, પછી 'ફરાર' (દિલે નાદાં કો સમ્હાલૂ તો ચલી જાઇયેગા), 'બીવી ઓર મકાન' છેલ્લે 'રાહગીર' અને સાવ છેલ્લું વહિદા- રાજેશ ખન્નાવાળું 'ખામોશી'. પૈસા માત્ર 'બીસ સાલ બાદે' જ કમાવી આપ્યા અને એ ય એ જ વર્ષે... વીસ વર્ષ પછી નહીં ! આપણી આજની ઉંમર અને એ જમાનાની યાદો પ્રમાણે '૬૨ની સાલવાળી આપણને યાદ રહી ગઈ હોય એવી ફિલમો આ બધી હતી, રાજ કપૂર- નંદા, પદ્મિનીની 'આશિક', કૃષ્ણ ટોકીઝમાં માલા સિન્હા- ધર્મેન્દ્રની 'અનપઢ', સામે લક્ષ્મીમાં મનોજ- આશા પારેખની 'અપના બના કે દેખો' (એના પછી આ 'બીસ સાલ બાદ આવ્યું') લાઇટ હાઉસમાં સાધના- દેવઆનંદની 'અસલી-નકલી' એના પછી શકીલા- અજીતનું 'ટાવર હાઉસ' (અય મેરે દિલે નાંદાં, તું ગમ સે ન ઘબરાના), અલંકારમાં દેવ આનંદ- વહિદાની 'બાત એક રાત કી', પ્રકાશ ટોકીઝમાં શમ્મી કપુર- શકીલાની 'ચાયના ટાઉન', રીગલમાં શમ્મી- માલાની 'દિલ તેરા દિવાના' ઉતર્યું કે તરત જ શમ્મી- બીના રોયનું 'વલ્લાહ ક્યા બાત હૈ' આવ્યું. રીલિફમાં 'એક મુસાફિર એક હસીના', નોવેલ્ટીમાં મનોજ- માલાનું 'હરિયાલી ઔર રાસ્તા', એલ.એન.માં આઇ.એસ. જોહર અન સઇદા ખાનનું 'મૈ શાદી કરને ચલા', પ્રકાશમાં શશી કપુર- નંદાનું 'મેંહન્દી લગી મેરે હાથ', રીલીફમાં શમ્મી કપુર- કલ્પનાનું 'પ્રોફેસર', રૂપમમાં અશોકકુમાર- વહીદાનું 'રાખી', રફી - સુમનનું મારું લાડકું ગીત, 'ચાંદ હૈ તારે ભી હૈ ઔર યે તન્નાહાઈ હૈ, તુમને ક્યા દિલ કે જલાને કી કસમ ખાઈ હૈ' નૌશાદ પણ નહિ નાશાદના સંગીતમાં ફિલ્મ 'રૂપલેખા'માં હતું (અશોક ટૉકીઝ). કૃષ્ણમાં મોડું મોડું ય ગુરૂદત્ત- વહીદા- મીના કુમારીનું 'સાહિબ, બીબી ઔર ગુલામ' આવ્યું ખરું.

આપણા સન્માન્નીય ગુજરાતી સંગીતકાર સ્વ. દિલીપ ધોળકીયાની હિંદી ફિલ્મ 'પ્રાયવેટ સેક્રેટરી', જેમાં લતાના ગીતો તો ચાર હતા પણ ઉપડયું એકલા મન્ના ડેનું જ, 'જારે બેઇમાન તુઝે જાન લિયા, જાન લિયા... જાજા...'

એક જ ફિલ્મમાં કોઈ બે-ચાર નહિ પૂરા ૯ સંગીતકારોએ સંગીત આપેલ ફિલ્મ 'પઠાણ' પણ આ જ વર્ષે નોવેલ્ટીમાં આવી હતી, જેમાં તલત મહેમૂદના બે ગીતો તમને યાદ છે, 'ચાંદ મેરા બાદલોં મેં ખો ગયા, મેરી દુનિયા મેં અંધેરા હો ગયા' તેમ જ 'આજા કે બુલાતે હૈ તુઝે અશ્ક હમારે...' (આમાં ગણવામાં ગોથું ખાઈ જવાય એવું છે. પહેલું ગીત બે સંગીતકારો ફકીર મુહમ્મદ અને લાલા અસર સત્તારે બનાવ્યું હતું, જ્યારે બીજું જીમ્મીએ ! બાકીના છ સંગીતકારો હતા શંભુ, દત્તરાજ, વૃજભૂષણ અને શ્યામબાબુ. ૯મો સંગીતકાર 'એસ્પી' હતો.

૯ સંગીતકારો વચ્ચે ગીતકારો પાંચ જ હતા. ઐશ કંવલ, ખાવર જમાં, બી. કે પુરી, નઝીમ જયપુરી અને અંજુમ જયપુરી. ચોંકી જવાય એવી હકીકત એ છે કે, આ ફિલ્મ મધુબાલાના પિતા અત્તાઉલ્લાહખાને નિર્માણ કરી હતી.. એ જાણવા છતાં કે, દિલીપકુમારની માફક પ્રેમનાથ સાથે પણ મારી દીકરી બાગોમાં રોજ બહાર ખીલવી આવે છે. અત્તાઉલ્લાહને ગમે તેમ કરીને દિલીપકુમારને મધુબાલા પાસેથી ખેંચી કાઢવો હતો, એના પ્લોટરૂપે આ ફિલ્મ બનાવી હોય.

મને યાદ છે. 'બીસ સાલ બાદ' જોઈને ભલભલા ડરી- ફફડી જતા હતા. મને તો ફફડવાની હોબી પહેલેથી, એટલે ખબર હતી કે, ફિલ્મ થ્રિલર છે, એટલે ફિલ્મ શરૂ થયા પહેલા જ ફફડવાનું શરૂ કરી દીધું હતું જેથી ખરૂ ફફડવાનું આવે, ત્યાં સુધીમાં આપણે ઘસઘસાટ ઊંઘતા હોઈએ ને આજુબાજુના 'રૂપીયાવાળીઓ'માં છાપ સારી પડે કે, અંધારામાં ઝાડીમાંથી અચાનક કાળો પંજો આવ્યો, તો ય આ મરદ સહેજ પણ ડર્યો નહી. જો કે, 'રૂપિયાવાળી'માં હંમેશા મારી સાથે બેઠેલા જેન્તી જોખમે ઘેર જતી વખતે ધ્યાન દોર્યું કે, 'તું સૂઈ ગયો ત્યારે અચાનક એક કાળા પંજાએ ચીસ પડાવી દીધી હતી...' ઐન મોકે પર, મને નહિ ઉઠાડવા બદલ મેં જેન્તીનો ખૂબ આભાર માનેલો.

ને એમાં ય ખાસ કરીને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોમાં કેમેરાના એન્ગલ, સ્પેશ્યલ સાઉન્ડ ઇફેક્ટસ (જેમ કે, ડર લાગે એવો ભેદી દરવાજો કડકડકડ ખૂલવો, દાદરો ચઢતા પગલાના કચડ... કચડ... કચડ અવાજ સંભળાવવો, સર્પાકાર પહોળો અને પડી જવાની બીક લાગે એવો ડ્રોઇંગરૂમમાંથી મેઝેનિન- ફ્લોર પર દોરી જતો દાદરો, ક્યાંક અચાનક પિન-ડ્રોપ સાયલન્સ ને કાચી સેકંડમાં ડરી જવાય એવા એક સામટા ૫૦ પિયાનોના અવાજો સાથે એક બુઢ્ઢી નોકરાણીનો ભયાનક ચહેરો, ક્યાંક દેખાઈ જતી બિલ્લી, અંધારામાં પડતી બે નહિ પણ એક બારીનું ખૂલવું / બંધ થવું ને બહાર ઘુવડના અવાજ... આ બધો કાચો માલસામાન હિંદી હોય કે ઇંગ્લિશ હૉરર ફિલ્મમાં અવશ્ય આવતો.

યસ. એક વાત સમજી લેવા જેવી છે, હોરર અને સસ્પેન્સ કે થ્રિલર ફિલ્મો વચ્ચે આસમાન જમીનનો ફરક છે. આલ્ફ્રેડ હિચકોકે કદી હૉરર ફિલ્મો બનાવી નથી. બી જવાય એ એકમાત્ર કારણે એને હૉરર ફિલ્મ ન કહેવાય. ડ્રેક્યુલાની તમામ ફિલ્મો હોરર હતી.

નંદા- મનોજકુમારની 'ગુમનામ' સસ્પેન્સ ફિલ્મ હતી, તો આજકાલ મને ખૂ..બ્બ ગમી ગયેલી બન્ને ફિલ્મો 'બેબી' અને 'બદલાપુર' થ્રિલર છે. (આ બન્ને ફિલ્મોની ડીવીડી મંગાવી લેજો.

વિશ્વજીતની આ પહેલી હિન્દી ફિલ્મ હતી. પહેલી જ ફિલ્મમાં વહિદા રહેમાન જેવી નંબર વન હીરોઇન સાથે કામ કરવા મળ્યું એ આનંદ મોટો, પણ એને તો તરત બીજી ફિલ્મ 'કોહરા'માં પણ વહિદા મળી અને પહેલા ના પાડી હોત તો તેની સાથે પહેલી ફિલ્મ પણ વહિદા સાથેની ફિલ્મ 'સાહિબ, બીબી ઔર ગુલામ' હોત, ચોકલેટ ફેસ હોવાના કારણે તેમજ તેને રોલ પણ એવા જ મળતા હોવાથી આટલી બધી ફિલ્મોમાં કામ કરવા છતાં ય એ ક્યારેય મર્દ હીરોની છાપ પાડી શક્યો નહિ. દિગ્દર્શકો ય સમજીને એની પાસે ગુંડાઓ સાથે ફાઇટ ન કરાવતા... બહુ જરૂર પડે એમ હોય તો ફાઇટિંગનું કામ હીરોઇન કે એની માં કરતી. પણ વિશ્વજીત દેખાવડો ખૂબ હતો. અવાજ પણ મીઠો એટલે આમ કદી એની ગણત્રી સારા તો શું નબળા એક્ટર તરીકે ચર્ચામાં ય નથી આવતી, પણ સ્ક્રીન પર આવે ત્યારે જોવામાં એ ખૂબ ગુલાબડો લાગતો, એની ના નહિ. ઋષિકેશ મુખર્જીની તો સમજોને.. તમામ ફિલ્મોમાં હીરોના ઘરનો રસોઇયો બનતો બુઢ્ઢો નોકર દેવકિશન ફિલ્મ 'કોહરા'ની જેમ અહીં પણ છે. આ ફિલ્મના સંવાદો પણ એણે લખ્યા છે. બારે માસ રોતડા મનમોહન કૃષ્ણને ઇન્ડિયાના ફિલ્મ રસિકોએ આટલા દાયકાઓ સુધી સહન કેમ કર્યો હશે, એની જવાબદારી તો એના દિગ્દર્શકોને સોંપી શકાય.

રહસ્ય ફિલ્મોના શોખીનો માટે જલસો પડી જાય એવી ફિલ્મ છે, છતાં હિંદી ફિલ્મના દર્શકો હજી એ સમજી શક્યા નથી કે, એમણે હોરર ફિલ્મ બનાવી છે, થ્રિલર છે, સસ્પેન્સ છે કે સેન્સેશન મચાવતી (સનસનાટી) ફિલ્મ છે. આમ તો પ્રેક્ષકોને ઉલ્લુ જ બનાવ્યા હતા, છતાં હિંદીમાં રામસે બ્રધર્સે હોરર ફિલ્મો બનાવવાની શરુઆત ચોક્કસ કરી હતી. ક્યારેક ક્યાંક સફળ પણ થયા હતા, પણ એ ય માર્જીનલી.

'બીસ સાલ બાદ' એ દ્રષ્ટિએ જોવી ગમે એવી ફિલ્મ હતી.

ઘર મોટું બનાવવાનો ઉપાય

(ચેતવણી : પ્રસ્તુત લેખના શીર્ષકમાં 'મકાન'ને બદલે 'ઘર' શબ્દ લખાઈ ગયો છે, એ છેકી નાંકીને 'મકાન' વાંચવું... ઘર મોટું બનાવવાના તો કોઈ ઉપાય અમારી પાસે નથી ને એમાં સંતતિ નિયમનનો જાણેઅજાણે ભંગ થઈ જવાનો ખૌફ રહે છે. અહીં ચૂના, ઈંટો, સીમૅન્ટ વડે બનેલું ઘર ભાંગ્યા-ફોડયા વિના મોટું કરી આપવાનો ઉપાય બતાવવામાં આવ્યો છે. ચેતવણી પુરી.)


બજારમાં મારવાડી ડૂંગળીનો કોથળો પાથરીને બેઠો હોય, એમ ઘરમાં જીવનભર હું આળસ પાથરીને બેઠો રહ્યો છું. કામ કરવાની વાત તો દૂરની છે, પણ કોઇને કામ સોંપવાની પણ એટલી આળસ ચઢે કે, આજે ૬૩-વર્ષનો થયો છું ને આળસો ન કરી હોત તો આજે લહેરથી ૮૫-૮૭ ની ઉંમરે પહોંચી ગયો હોત ! કૅલેન્ડર કદી આળસ કરતું નથી....(વાત સમજાય એવી નથી, એ હું જાણું છું....મને ય નથી સમજાણી !)

મારા આવા સ્વભાવને પરિણામે ચાલવા જવાની કે ઘેર બેઠા કસરતો કરવાની વાત તો દૂરની રહી...નકરી આળસને કારણે મારા બદલે બે ઘડી ચાલી આવવા કે કસરતો કરવાનું કામે ય કોઇને સોંપી શકતો નથી. એમાં આળસ ચઢી જાય છે. આ જ કારણે, આજે મારા નામે મિનિમમ ૭૦-૭૫ પુસ્તકો બહાર પડયા હોવા જોઇતા હતા, એને બદલે ત્રીસે ય માંડ થયા છે.

હવે એક સામટાં ત્રણ-ચાર આવી રહ્યા છે, ત્યારે મને ઓળખનારાઓ પૂછે છે, 'કોણે લખી આપેલાં...?'

બહાર મારી છાપ ગમે તે હોય, પણ હું એક સામાન્ય ત્રણ બેડરૂમના ફ્લૅટમાં રહું છું. ત્રણ બેડરૂમનો ફ્લૅટ નાનો ન કહેવાય, પણ ઘરમાં સાત જણની વસ્તી એટલે સવાર-સાંજ હાલતા ચાલતા એકબીજાને ભટકાતા હોઇએ. મારા ઘરમાં સહુના મગજ કરતા પગ વધુ મજબુત છે, કારણ કે, દર ત્રીજી મિનિટે કોઈ ને કોઈ જગ્યાએ લાત વાગી જતી હોય, એટલો સામાન તો જમીન પર પડયો હોય. કપાળ ઉપર ઢીમડાં હવે તો ભીંતમાં વગર અથડાયે પડી જાય છે, કારણ કે ઘરના કોઈ પણ પ્રવાસન સ્થળે જવું હોય તો, અનેક સામાનો ઠેકીઠેકીને જવું પડે છે, એમાં અમારા બાપનું કપાળ અને એની માની ભીંત એકબીજાને અથડાઇને અમને મોટી ઈજાઓથી બચાવી લે છે. મોટી ઈજાઓ માટે તો અમારા ઑર્થૉપૅડિક ડૉક્ટરે ખાસ અમારા માટે માસિક કૂપનો કાઢી આપી છે. ત્રણ ફ્રૅક્ચરે એક ફ્રૅક્ચર ફ્રી !

ગમે કે ન ગમે, આબરૂ જાય કે રહે, મારે કામ તો કરવું જ પડે છે... મહાવિદ્વાન ડાકુ ગબ્બરસિંઘે કહ્યું જ છે, 'જબ તક પૈર ચલેગા, તબ તક સાંસ ચલેગી...!'

લોકો મને ચાલવાની સલાહ આપે છે પણ, કોઈ મહારાજાધિરાજ પોતાના મહેલમાં લટાર મારવા નીકળ્યા હોય, એવી લટારો હું રાત્રે અડધી ઊંઘમાં ઊભા થઇને મારી પથારીમાં ય મારી શકતો નથી. છેલ્લા ૩૯-વર્ષથી એક વિરાટ ભેખડ પથારીમાં જડેલી છે.

ઈન ફૅક્ટ, જે ઘરમાં ૫-૭ વર્ષના બે કે તેથી વધુ બાળકો હોય, ત્યાં બધું અસ્તવ્યસ્ત તો રહેવાનું જ. ઘરઘાટીઓ મળે નહિ....ને હું તો કેટલું પહોંચી વળું ? નાના બે બાળકોને કારણે, હોવો જોઇએ એના કરતા વધારે આલતુ-ફાલતુ સામાન રોજ ઠેબે ચઢતો હોય.

'અસોક....હવે ઘરમાં બઉ શંકડાસું (સંકડાશ) પડવા માંઇંડી છે. આપણે નવો ફ્લૅટ તો લઈ સકીએ એમ નથી, પણ આ જી છે, એને જ મોટો બનાવવો હોય તો ઘરમાંથી જૂનો અને ભંગાર સામાન કાઇઢવા માંડીએ...ઇ વગર----'

'સીધી રીતે કહી દેને, મને કાઢવો છે...!'

'ખોટી લાલચું નો દિયો... તમને કાઇઢવાની જવાબદારીયું મારી નથ્થી.....ઉપરવાળાની છે.'

'યુ મીન, ઉપરવાળો ઠક્કર....? વાઇફ, મુઝે તુમ સે યે ઉમ્મીદ નહિ થી...!' આટલું કહીને નજીકની ભીંતે મારો હાથ અડાડીને નીચું જોઇને માથું ટેકવ્યું.

'સુઉં તમે ય તી...? અરેબાપા, હું---'

'સંબંધ ન બદલ, સંબંધ ના બદલ.... હું તારો---!'

એનું સૂચન અફ કૉર્સ, સાચું હતું....આઈ મીન, મને કાઢવાનું નહિ- કોઈ કામમાં નહિ આવતો ફાલતુ સામાન ઘરમાંથી કાઢી નાખવાની વાત હતી. નૉર્મલી, સ્માર્ટ વાઇફો ઘરમાં તો જ નવી ચીજ ખરીદી લાવે છે, જો બદલામાં જૂની એ જ ચીજ ફેંકી દેવાની હોય. અમારા ઘરમાં તો મારા સસુરજી અને એમની બંને વાઇફોના ફોટા ય હજી લટકે છે. આપણને કોઈ ઇર્ષા ન થાય, પણ આવા સંજોગોમાં કમસેકમ સ્વ. સસુરજીનો ફોટો તો કાઢી નાંખવો જોઈએ ને ? જે મારા ફાધર કરી ન શક્યા, એ સસુરજી કરતા ગયા, છતાં ય આપણને એવી કોઈ જલન-બલન નહિ !

આપણામાં ઘણાની આદત હોય છે, જૂનું કશું કાઢવાનું જ નહિ.

'ભ'ઇ...કોઈ ચીજ કાઢી ન નાંખવી...રાખી મૂકી હશે તો કોઈ 'દિ કામમાં આવશે.' આપણામાંથી મોટા ભાગનાઓ મિડલ-ક્લાસવાળા છીએ એટલે જુનું ફાલતું વેચીને ય બે પૈસા મળતા હોય, એ લાલચમાં કોઈ ચીજ એમને એમ ફેંકી દેતા જીવ ચાલતો નથી. ફ્રીજ કેવું ખખડધજ થઈ ગયું હોય, પણ કોઈ સારો ઘરાક આવે તો સસ્તામાં આપી દેવું છે, એવી લાલચમાં કાં તો આ જાય નહિ ત્યાં સુધી બીજું ફ્રીજ ન આવે ને કાં તો જૂનું ફ્રીજ બુટ-ચપ્પલ મૂકવાના કામમાં લઈ લેવાનું. તારી ભલી થાય ચમના, આવું ફ્રીજ તો ઘરની કામવાળીને મફતમાં ય ન અપાય.....બિચારી રીપૅર કરાવવામાં લાંબી થઈ જાય. મારા એક દોસ્તને ત્યાં વર્ષો પહેલા કૂતરો પાળ્યો હતો. એ તો ગૂજરી ગયો, પણ દરેક ઘરની જેમ કૂતરાનો એક અલાયદો રૂમ હોય છે. એ લોકો નવો કૂતરો તો ન લાવ્યા, પણ પછી એ રૂમ ફાધર-મધરને રહેવા આપી દીધો. ગળે બાંધવાના પટ્ટા અને સાંકળ (ફાધરને નહિ, કૂતરાને ગળે બાંધવાના) હજી પડયા છે. કમનસીબે, આ બંને ચીજો એવી છે કે, માણસથી ન વપરાય. પટ્ટો કમરે બાંધવાના કે સાંકળ કપડાં સૂકવવાના કામમાં ય ન આવે...સુઉં કિયો છો ?

એક સુંદર રવિવારની સવારે અમે ફૅમિલી-ગૅટટુગેધર રાખ્યું. જૂનીપુરાણી ફાલતુ ચીજો ફેંકી દેવાની યાદી બનાવવા માટે. એ શરત પણ રાખી કે, આવું ઘણું બધું કાઢી નાંખ્યા પછી છ મહિના સુધી ઘરમાં કોઈ ચીજ નવી નહિ લાવવાની અને લાવો, તો જૂની તાબડતોબ ફેંકી દેવાની. સેકન્ડમાં કોઈને વેચી મારવાની લાલચ નહિ રાખવાની. હવે રદબાતલ થઈ ચૂકેલા જૂના મોબાઇલો, પૅજરો, તૂટેલા રીમોટ-કન્ટ્રોલો, લાંબા લાંબા દોરડાંવાળા ચાર્જરો, દવા, પરફયૂમ કે શૅમ્પૂની વર્ષો પહેલા ખાલી થઈ ચૂકેલી શીશીઓ, ફિલ્મ 'સરસ્વતિચંદ્ર'ના જમાનાની જૂની બૅગો અને બિસ્ત રાં... ઓહ, પહેલો ગૂન્હેગાર તો હું જ ઠર્યો. મારા એકલાના મિનિમમ ત્રણ સો શર્ટ્સ અને ૬૦-૬૫ પાટલૂનો નીકળ્યા. પાટલૂનોનો સ્વભાવ હોય છે કે, સમય જતા આપણા પેટોનો ઘેરાવો વધતો જાય, એમ કબાટમાં પડયા પડયા એ લોકો ન વધે. આવા શર્ટ-પૅન્ટ્સમાંથી ભાગ્યે જ કોઈ ૨૦-૨૫ હું બહાર પહેરી જઈ શકું. એવા સારા હતા. પુસ્તકો તો હું મારા લખેલા ય વાંચતો નથી, પણ કરમકૂંડાળે લેખક બન્યા, એટલે દર ત્રીજે દિવસે કોઈને કોઈ પોતે લખેલા પુસ્તકો આપી જાય, એટલે એના તો અમે પલંગો બનાવેલા...ચાર પાયાને બદલે દરેક પાયે પુસ્તકની થપ્પી મૂકી દેવાની. ઘરે કોઈ આવે તો મારા સાહિત્યપ્રેમ માટે એને માન થાય. અમારે તો વચ્ચે સુવાના પાટીયા જ મૂકવાના, એને બદલે આજ સુધી જાહેર સમારંભોમાં મને ઓઢાડવામાં આવેલી કોઈ ૨૫૦-૩૦૦ ગરમ શૉલ પાથરી દીધી... જગતના મોંઘામાં મોંઘા ગાદલાં ઉપર સુવાનો અમને ફખ્ર છે. (એક આડવાત : સાલું, લેખક થયા, તો કયો ગૂન્હો કર્યો કે, સમારંભોમાં આયોજકો વાંકા વળીને અમને ગરમ શૉલ જ ઓઢાડે છે. મેં સૂચન કર્યું જ છે કે, 'હવે શૉલને બદલે અમને લૅપટોપ ઓઢાડો, ફ્રીજ ઓઢાડો... બહુ મોંઘામાં પડવું ન હોય તો, કોઈ બ્રાન્ડેડ બ્લૅઝર કે શર્ટો ઓઢાડો...!'

પણ એ લોકોની મુશ્કેલી સમજી શકું છું. શર્ટ કે બ્લૅઝર પહેરાવવું પડે, જ્યારે શૉલ તો ડૅડ-બૉડી ઉપર કપડું ઢાંકવાનું હોય, એટલી સરળતાથી ચીફ ગૅસ્ટના ખભે ઓઢાડી દેવાય... હિસાબ પૂરો, ભૂલચૂક લેવીદેવી.

વાઇફે ફરી એક વાર સૂચન કર્યું, 'અસોક...એવું તો ન કરાય કે, ઘરમાં જી કાંઈ પઈડું હોય, ઈ બધું પહેલા બા'ર નાખી દંઈ...ને પછી જી જોયતું હોય, ઈ પાછું લેતા આવીએ...? ઘર આખું ખાલીખમ્મ થઈ જાય, પછી ઑટોમૅટિકલી ખબર પઇડશે કે, આમાંનું આપણે સુઉં રાખવું છે ને સુઉં કાઢી નાંખવું છે....!'

અમે એમ જ કર્યું. માંડ ઘરમાં એની એ જ કોઈ દસ-બાર ચીજો પાછી આવી... બધું નવેસરથી વસાવવાનો ખર્ચો - પ્લસ - રંગરોગાન વગેરે ઉમેરતા તદ્દન નવો ફ્લૅટ તો આજે ય એક-સવા કરોડમાં ન મળી જાય...? અમે એનાથી ય વધુ ખર્ચી ચૂક્યા છીએ.... જય અંબે.

સિક્સર

- હોટેલવાળાની ફરજ છે, ચોખ્ખું પાણી આપવાની...છતાં વૅઇટર પૂછે, 'સા'બ... રૅગ્યુલર પાની લાઉં કે મિનરલ વૉટર...?'
- આખા ગુજરાતમાં એક પણ ગ્રાહક ખંખોરીને પૂછતો નથી કે, ચોખ્ખું પાણી આપવાની હોટલ માટે ફરજીયાત છે... મિનરલ વૉટર શું કામ ?' પણ મેહમનોને ઈમ્પ્રેસ કરવા અને પોતાને ઉલ્લુ બનાવવા વટથી કહેશે, 'ઓહ નો...મારે મિનરલ સિવાય નહિ ચાલે !' ....સ્ટુપિડો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે !