Search This Blog

31/05/2017

ઘરમાં સાપ નીકળે ત્યારે...

અત્યારે આ છાપું વાંચતી વખતે અચાનક તમને શંકા જાય કે, તમારા ઓશિકાની પાછળ સાપ સળવળે છે, તો એ કાચી સેકંડ કેવી જાય તમારી ? આપણે સુતા હોઈએ, એ બેડરૂમની છત ઉપર ચોંટેલી ગરોળી જોઈ શકાતી ન હોય, ત્યાં સાપ નીકળે, એ કાંઈ પેંડા વહેંચવાના સમાચાર તો નથી ! ગુજરાતી સ્ત્રીઓ તો એમેય કહેશે કે, ''હાય રામ.. સાપ-બાપ નીકળે, એ તો હજી ચલાવી લેવાય, પણ ગરોળી ...? બાય ગૉડ, હું તો પછી એ રૂમમાં જઉં જ નહિ !'' (આટલી વાત પછી ગુજરાતભરના ગોરધનોએ શીખી લેવાનું કે, પ્રાયવસી માટે તમારો રૂમ અલગ રાખવો હોય તો બે-ચાર ગરોળીઓ પકડી લાવો. આઈ મીન, રમકડાંની બહુ મળે છે ! પેલી એ રૂમમાં કદી આવે તો નહિ !)
એ રાતની વાત છે. બાત એક રાત કી.

વાઇફ રાત્રે અઢી વાગે ઊંઘમાં હસતા હસતા બોલી, ''અસોક.. રે'વા દિયો.. આ ઉંમરે આવું બધું હવે શારૂં નો લાગે... છોકરાઓ જાગતા હશે... ગલીપચી થાય છે, પ્લીઝ !

મને શું પાછળ ખોટી જગ્યાએ કૂતરૂં કરડયું હતું કે, રાત્રે અઢી-તઇણ વાગે વાઇફ સાથે આવી (એટલે કે, છોકરાઓના દેખાતા ન કરાય એવી) મસ્તીઓ કરવા જઊં ? ભલે હજી એવી ઉંમરો વટાવી નથી (ઘર માટે ક્યારની વટાવાઈ ગઈ હોય !... આ મારી એકલાની નહિ, ગુજરાતભરના ૫૦-ની ઉપરના તમામ ગોરધનોની વાત થાય છે. ઘરમાં ખોટો સમય અને શક્તિ વેડફવાના ન હોય ! સુઉં કિયો છો ? બોલો જયહિંદ ...!) છતાં પણ અનુભવી ગોરધનો કદી પોતાની વાઈફ સાથે આવી મસ્તી અડધી રાત્રે જ નહિ, અડધી બપોરે ય ન કરે ! શરમાઈ શરમાઈને એની આવી આજીજીઓ વધતી ગઈ, એટલે મને ડાઉટ પડયો કે, સાલું મેં કાંઈ કર્યું નથી ને આ શેની આટઆટલી મલકાયે રાખે છે ! રાતની ડીમ-લાઈટમાં મેં એનો ચેહરો જોયો.

ફિલ્મ 'ચૌદહવીં કા ચાંદ'માં સૂતેલી વહિદા રહેમાનને ગુરૂદત્ત અદબ વાળીને ઊભો ઊભો જોયે રાખે છે ને ઘાંટા પાડી પાડીને ગીત ગાય છે, ''ચૌદહવી કા ચાંદ હો, યા આફતાબ હો...'' એવું મારાથી ગવાય એવું નહોતું કારણકે આ ઉંમરે એ ચૌદવીકા નહિ, 'અઠયાવીસ કા ચાંદ' જેવી લાગતી હતી ને હું ય ગુરૂદત્ત જેવો નહિ, ઇસ્ત્રી માટે ધોબી કપડાં લેવા આવ્યો હોય એવો ઊભો હતો.

અલબત્ત, હું નિર્દોષ હતો, છતાં એના શરીર ઉપર ક્યાંક સળવળાટ થતો હતો, એ શેનો હશે, એ કલ્પના માત્રથી હું ફફડી ગયો. આમ તો, શહેરમાં સાપ-બાપ નીકળે નહિ પણ એવું કાંઈ લખી આપ્યું ન હોય કે ન જ નીકળે. 'કાંઈ ના હોય એ તો...એવું માનીને બેસી... આઈ મીન, સુઈ તો ન રહેવાય ને ? મેં હળવેકથી એનો ખભો હલાવીને જગાડી. એ ચીસ પાડવા જતી હતી, એટલે મારે કહેવું પડયું, ''ગભરાઈશ નહિ.. સાપ નથી.. હું છું.'' કદાચ એટલે જ એ ગભરાઈ હોય એવું બને. સમય પારખીને મેં એને-જાણે કાંઈ થયું જ નથી, એવા સ્વાભાવિક ટોનમાં કહ્યું, ''સાંભળ.. તું હચમચતી નહિ. આસ્તેથી પલંગ પરથી ઉતરીને નીચે આવી જા...''

''હાય રામ... ક્યાંક સાપ-બાપ તો નથી ને ?'' એને આવી બીક લાગી હતી, પણ મેં એનું મ્હોં દબાવીને કહ્યું, ''આપણે એ જ તપાસ કરવાની છે... પહેલા મને કહેતને થતું'તું શું ?''

વિગતે વાત કરતા ગભરાયેલા છતાં મક્કમ સ્વરે એણે માહિતી આપી, ''આમ તો કાંઈ નહિ.. મને એમ કે, તમે તોફાને ચઢ્યા હશો... પણ ગળાની આજુબાજુ કાંઈ લિસ્સું લિસ્સું ફરતું હોય એવું લાગ્યું. આમ ગમે પાછું કે, સરકતું- સરકતું જાય... હાય રામ, કંઈક સાપ-બાપ જેવું તો નહિ હોય ને ?''

મને ચોક્કસ ખાત્રી હતી કે આજે હું સંપૂર્ણ નિર્દોષ હતો છતાં ખરેખર સાપ કે નાગ-બાગ હોય તો પતી જવાય ને ? એને કરડે તો હજી વાધો નહિ. ઝેરને ઝેર જ મારે. સાપ મરી જાય. પણ મને કરડે તો ઘરમાં બર્નોલે ય પડયું નથી. વળી, એને કરડે તો પોલીસને તો પહેલો ડાઉટ મારા ઉપર જ આવે કે, હું કરડયો હોઈશ. આમ પાછો એની જીભના રસાસ્વાદો જીવનભર ચાખ્યા પછી મને વાઈફથી એવો ડર લાગે પણ ખરો કે, ક્યાંક કોઈ સર્પનો આત્મા એનામાં  ભટક્તો નહિ હોય ને ? ઝેરીમાં ઝેરી કિંગ કોબ્રાને પકડીને પોતાના વશમાં કરી લેવાની ફાવટ દુનિયાભરના સસરાઓને હોય છે.

આ આવડત એમણે પોતે વર્ષો પહેલા ઝેરી નાગણને પકડીને પોતાના વશમાં કરી લીધા પછી વિકસી હોવાનું મનાય છે. નાગણના બચ્ચાઓ તો વાઈફ આણાંમાં લેતી આવી હોય છે. જીવીએ ત્યાં સુધી આપણે એ સાલાઓને... આઈ મીન, સાળાઓ અને સાળીઓને સાચવવાના હોય છે.

આસ્તે રહીને ઘરના છોકરા-વહુને ઉઠાડયા. બુમાબુમ કે ચોંકવાની મનાઈ લગાવી. ઘરની બધી લાઈટો ફૂલ કરી દીધી ને તો ય મેં ટૉર્ચ (ગુજરાતીઓ જેને 'બૅટરીકહે છે)થી ભીંતો ઉપર, સોફા નીચે, ડબ્બાઓ ખોલી ખોલીને ટૉર્ચનો પ્રકાશ ફેંકવા માંડયો. ઍટ લીસ્ટ, સાપને તો એવું લાગવું જોઈએ કે, આ લોકો મારી તપાસમાં નીકળ્યા છે, બેસી નથી રહ્યા. વાઈફ મારો ખભો ખેંચ ખેંચ કરે ને દીકરો ને વહુ 'ગૂગલપર સાપ નીકળે તો શું કરવું, એના ઉપાયો શોધવા માંડયા. આમ પાછા મદારીઓ અમારી જ્ઞાતિના ન થાય એટલે ઓળખાણ તો હોય નહિ, એટલે અડધી રાત્રે ફોનો ય ક્યાં કરવા ? પોલીસ આવીને પંચનામું કરવા બેસે ત્યાં સુધી પેલો બે-ચારને કરડી ચૂક્યો હોય !

મોટો પ્રોબ્લેમ એ હતો કે, આખા ઘરમાં સાપ ક્યાંય દેખાતો નહતો. દેખાય તો પ્લાન પણ ઘડીએ કે, એને કેવી રીતે પકડવો ! આપણને ઘરમાં બહુ બહુ તો ઉંદર પકડવાના અનુભવો હોય- જે કદી પકડાયા ન હોય ! આપણી પાસે પાછું રીવોલ્વરનું લાયસન્સ નહિ અને જાત બ્રાહ્મણની એટલે ખંજર- તલવારો તો ભીંતે લટકતા ન હોય ! ''હજી આમ વાંહડાને ઘોડે (એટલે કે, લાકડાના વાંસડાની જેમ) ઉભા ને ઉભા સુઉં રિયા છો.. નીચા વળીને સોફા હેઠે જોવો તો ખરા કે તીયાં ગુડાણો છે કે નંઇ ? મેં કીધું, સોફા તો ક્યારના તપાસી લીધા. આપણા કબાટની ચાવી છ મહિનાથી ખોવાતી હતી, એ મળી ગઈ... સોફા નીચે જ હતી.

''અટાણે ચાવીયુંની કિયાં માંડો છો.. બાથરૂમમાં જોઈ આવો, તીયાં તો ભરાણો નથી ને ?''

''પણ.. મને અત્યારે નથી લાગી... હું કેવી રીતે જઉં ?''

''હે ભગવાન... આમને તો કાંય કે'વા જેવું નથી.. કઉં છું, બાથરૂમની ડોલ-બોલ ખસેડી જુઓ... તીયાં ભરાણો હઈશે ! ''

હું આમ પાછો બહાદુર અને હિમ્મતવાળો ખરો. ફિલ્મ 'શોલેમેં ૧૩ વખત જોયું હતું ને તો પણ ગબ્બરસિંઘથી ગભરાયો નહતો. રસ્તા ઉપર કોક મવાલીને લોકો ધોલધપાટ કરતા હતા ત્યારે કોઈને ખબર ન પડે, એમ હું ય દૂરથી એક ટપલી મારી આવ્યો હતો. સિંહ કે વાઘથી હું ડરતો નથી કારણકે, હું રહું છું એ નારણપુરા સુધી આવવાની એ લોકો હિમ્મત કરતા નથી. માઉન્ટ આબુમાં એક વખત મેં કેમેરાથી લગભગ ૪૦૦ મી દૂર ઊભેલા રીંછનો ફોટો પાડયો હતો ને રીંછ ભાગી ગયું હતું.

અમારી કારનો એ ક્યાં સુધી પીછો કરી શકે ? કહેવાનો મતલબ એટલો જ કે, બહાદુરી જ્યાં બતાવવાની હોય ત્યાં બતાવાય... જેની ને તેની સામે નહિ ! સાપ કે કોબ્રા આપણા માપના ના કહેવાય. કોઈ જાણે તો ય કેવું ખરાબ લાગે કે, મારી મારીને સાપ માર્યો ? ટૂંકમાં, ઘરમાં છુપાયેલો સાપ મારે મારવો નહતો. પકડતા આવડતો નહતો અને એ ડંખ મારી દે, એવો મોકો આપવો નહતો. મારા દીકરાએ સલાહ આપી કે, સાપ પકડવો, એ આપણો ખાનદાની વ્યવસાય નથી. એક કામ કરીએ. બહારથી તાળું મારીને અત્યારે ઘરની બહાર નીકળી જઈએ. કાલે ઝૂમાંથી કોકને બોલાવી લેશું.

બીજા દિવસે સવારે સાપ પકડવાનો ઍક્સપર્ટ આવી ગયો. ખીજાયો ય ખરો. વાઈફના ગળા ઉપર જે સરકતું હતું, એ એનો જ રેશમી દુપટ્ટો હતો, જે ઊંઘમાં એના હાથે ખેંચાતો હતો.

સિક્સર
-
આખરે ભારતે પાકિસ્તાની બંકરો ઊડાવી માર્યા....
-
હુજુર... યે તો અભી શુરૂઆત હૈ...!

28/05/2017

એનકાઉન્ટર : 28-05-2017

* પ્રજાનું સામાજીક જીવન ધોરણ ઊંચું લાવવા તમને નથી લાગતું કે, વિશ્વના અન્ય દેશોની જેમ આપણે ત્યાં પણ ઓફિસોમાં શનિ-રવિ રજા હોવી જોઈએ ?
શનિ-રવિ જ કામના દિવસો રાખો... બાકીની રજાઓ ! આમે ય, કામ તો એટલું જ થાય છે.
(
રમેશ દોશી, મુંબઇ)

*
પહેલો ગુન્હો તો ઈશ્વરે ય માફ કરતો હોય છે, તો પત્નીઓ બિચ્ચારા પતિનું પહેલું લફરૂં કેમ માફ કરી ન શકે ?
પતિ પણ પત્નીનું પહેલું લફરૂં માફ કરી શકતો હોય તો આગળ વધવામાં વાંધો નથી.
(
જયેશ અંતાણી, ભાવનગર)

* સંસદસભ્યો કે ધારાસભ્યો સરકારી નોકરો ન હોવા છતાં એમને આટલો મોટો પગાર કેમ આપવામાં આવે છે ?
- પાપી પેટને ખાતર...
(
ધવલ જે. સોની, ગોધરા)

* આ વખતની ગરમીમાં એકલો પંખો ચાલુ રાખવાથી કાંઇ વળશે ?
પંખો બંધ રાખીને એની નીચે તો ગોળ ગોળ ના ફરાય ને ?
(
મનિષ અમીન, વડોદરા)

* ભગવાન તમને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો ?
સંતો પોતાની કથાઓમાં રાષ્ટ્રગીત ગવડાવે.
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* ઇ.સ. ૨૦૧૪ની ચૂંટણીમાં કિટલીએ ઇટલીને હરાવી દીધી... ૨૦૧૯માં શું થશે ?
કિટલી ઠંડી પડી પણ જાય તો ય ઇટાલીનો કોઇ ગજ વાગે એવો નથી.
(
હસમુખ નારણભાઇ વોરા, ધોરાજી)

* અત્યારની ફિલ્મોમાં ગાતા હોય એવામાંથી તમારી પસંદગીનો ગાયક કોણ ?
- ઉદિત નારાયણ.
(
ડો. કૌમિલ જોશી, અમદાવાદ)

* હવે તમને મોદીની ૫૬''ની છાતી દેખાઇ કે નહિ ?
મને લોકોની છાતીઓ જોવાનો શોખ નથી.
(
વાસુદેવ પી. ભટ્ટ, મુંબઇ)

* ગુજરાતની રાજકીય સ્થિતિ કોણે બગાડી ?
આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી છે, એવી પ્રજાને ખબર પડે પછી ખબર પડે. હાલમાં તો એમને ધાર્મિક સમારંભોમાં હાજરી આપવા સિવાય પ્રજા પાસે જવાનું કોઇ કામ હોતું નથી.
(
હર્ષિલ જયેશ જોશી, વડોદરા)

* મોદી સાહેબનું અત્યાર સુધીનું શાસન જોતા શું લાગે છે ?
કાશ્મીરના પથ્થરબાજોને એક વાર ઢાળવાનું શરૂ કરે, પછી આપણને અને એ લોકોને ય ખબર પડે.
(
નિકુંજ પ્રજાપતિ, અમદાવાદ)

* 'ફેસબુક'ના જમાનામાં સાચો મિત્ર શોધવો અશક્ય છે ને ?
જુઓને, એટલામાં જ ક્યાંક પડયો હશે...!
(
જીતેન્દ્ર કેલા, મોરબી)

* ગુજરાતીઓ સૈન્યમાં ભરતી કેમ થતા નથી ?
મંદિર-દેરાસરોમાં ભરતી થવાની વાત કરો... કલાકમાં કરોડો જોડાઇ જશે.
(
જતિન દીક્ષિત, નાલાસોપારા)

* આપણી શિક્ષણ પદ્ધતિ ક્યારે સુધરશે ?
આ જમણી બાજુમાં મૂકેલા સૂચનાના બૉક્સને વાંચતા આવડશે ત્યારે.
(
રવિરાજસિંહ ઝાલા, અમદાવાદ)

* છોકરીઓના ફોનમાં ઘણા બધા 'લોક્સ' કેમ હોય છે ?
ક્યારેક છોકરાઓના ફોનો બાજુ પણ લટાર મારી આવો તો ખબર પડે.
(
કેતન ઠોસાણી, સાવરકુંડલા)

* દેશમાંથી ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ?
જગતનો કોઇ દેશ ભ્રષ્ટાચાર વગર ચાલતો નથી.
(
પ્રજ્ઞા ગરાળા, જામનગર)

* પાવરફૂલ 'સેન્સ ઓફ હ્યુમરવિશે શું કહેવું છે ?
કહેવાની ન હોય... કરી બતાવવાની હોય !
(
ભાવિન એમ. પટેલ, અમદાવાદ)

* કપિલ શર્મા જેવો ગુજરાતમાં 'અશોક દવે શો' બનાવો તો કેવું ?
'એનકાઉન્ટરલખવા અહીં આવતો હોય તો મને ત્યાં જવામાં વાંધો નથી.
(
મેહૂલ એમ. ચાવડા, કપડવંજ)

* હું તમારાથી એટલો બધો પ્રભાવિત છું કે, મેં અમરેલીમાં 'શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળાખોલી નાંખી છે...
હવે એ લોકો પ્રભાવિત નહિ રહે !
(
ઇમ્તિયાઝ બલોચ, અમરેલી)

* શું આપણી સંસ્કૃતિ સાબુપ્રધાન છે ? સાબુની બનાવટમાં આયુર્વેદના ઔષધો આવવા માંડયા છે !
આપણી દવાઓ 'વ્હિસ્કીપ્રધાન' નથી ?
(
બી.એસ.વૈદ્ય, વડોદરા)

* 'એનકાઉન્ટર'નું નામ 'સર્જીકલ સ્ટ્રાઇક'રાખો તો ?
તો કોંગ્રેસના લોકો પ્રૂફ માંગશે.
(
રાહુલ તળપદા, વાંઠવાળી-ખેડા)

* હસમુખો સ્વભાવ સ્માર્ટનેસની નિશાની છે ?
એમ જ હોત તો પૂછપરછની બારી ઉપર કોઇને નોકરી જ ન મળત !
(
ધ્રુવ પંચાસરા, વીરમગામ)

* સવાલ પૂછનારાઓનું તમે મૅરિટ-લિસ્ટ કેમ બહાર નથી પાડતા ?
આપણા દેશમાં સવાલો ઊભા કરનારા તો બધા સ્માર્ટ છે... ફાંફા જવાબો આપનારાઓને પડે છે.
(
યોગેશ બકરાણીયા, નાના આંકડીયા-અમરેલી)

* પ્રાણાયામ અને વ્યાયામ વચ્ચે શું ફરક હોય છે ?
એકે ય એન્ગલથી હું તમને બાબા રામદેવ જેવો લાગું છું ?
(
વિનુભાઇ સોલંકી, દેદાદરા-આણંદ)

26/05/2017

‘હિન્દુસ્તાન કી કસમ’ ’૭૩

ફિલ્મ : ‘હિન્દુસ્તાન કી કસમ’ ’૭૩
નિર્માતા : રવિ આનંદ
દિગ્દર્શક : ચેતન આનંદ
સંગીત : મદન મોહન
ગીતકાર : કૈફી આઝમી
રનિંગ ટાઇમ : ૧૩–રીલ્સ : ૧૭૩ મિનિટ્સ
થીયેટર : નટરાજ સિનેમા (અમદાવાદ)
કલાકારો : રાજકુમાર, પ્રિયા રાજવંશ (ડબલ રોલ), વિજય આનંદ, ચેતન આનંદ, બલરાજ સાહની, પરિક્ષત સાહની, પદ્મા ખન્ના, ગૌતમ સરીન, અમરીશ પુરી, અમજદ ખાન, વીણા, પ્રકાશ, સત્યેન કપ્પૂ, ઉમા ધવન, રાજ વર્મા, પરદેસી, રણવીર રાજ, ભરત કપૂર, વી. ગોપાલ, મહેશ, માસ્ટર રાજુ, શમીમ, નીતિન સેઠી.

ગીતો
૧. હિંદુસ્તાન કી કસમ, ન ઝૂકેગા સર વતન કા... રફી – મન્ના ડે
૨. હર તરફ અબ યે હી અફસાને હૈં, હમ તેરી... મન્ના ડે
૩. દુનિયા બનાનેવાલે મેરી ય હી હી ઇલ્તજા... લતા મંગેશકર
૪. હૈ તેરે સાથ મેરી વફા, મૈં નહિ તો ક્યા... લતા મંગેશકર

ફિલ્મ ‘હિન્દુસ્તાન કી કસમ’ વિશે વાત કરવાની હોય તો એક ‘વૉર ફિલ્મ’ કેવી હોવી ન જોઇએ, એનો પહેલો દાખલો તો ચેતન આનંદે ‘હકીકત’માં આપી દીધો હતો, પણ પહેલી ફિલ્મ કરતાં બીજી કેવી ત્રાસદાયક બનાવી શકાય છે, એની આવડત પણ ચેતનમાં એનાથી સાડા ત્રણ વર્ષ નાના દેવ આનંદ જેવી જ હતી. બેવકૂફીની પરાકાષ્ઠા જુઓ. ભારતમાં બનેલી તમામ ફિલ્મોમાં જે સૌથી કંગાળ અને માથું દુ:ખાડનારી દસ ફિલ્મો બની હોય તો ચેતન આનંદની ફિલ્મ ‘અફસર’ હતી, જેમાં દેવ આનંદની સાથે સુરૈયા હતી. (‘નૈના દીવાને, ઇક નહિ માને, કરે મનમાની માને ના...’) આ ફિલ્મ એ વખતે પણ ભારતભરના થીયેટરોમાં એકાદ–બે વીકથી વધુ ચાલી નહોતી, છતાં વર્ષો પછી ચેતનને વળી શું જોર ઉપડ્યું કે, એ જ ‘અફસર’ ઉપરથી દેવ આનંદની સાથે પ્રિયા રાજવંશને લઇને ફિલ્મ ‘સાહિબ બહાદુર’ બનાવી. ભારતની પ્રજા આ વખતે ય મૂર્ખ નહોતી. પોળની ભાષામાં કહીએ તો પ્રેક્ષકોએ ‘સાહિબ બહાદુર’ના છોડીયા ફાડી નાંખ્યા. મોટા ભાગે તો માંડ એકાદ સિનેમામાં એ એકાદ સપ્તાહ ચાલી હતી. રશિયન લેખક નિકોલાઇ ગોગોલના નાટક ‘ધ ગવર્નમેન્ટ ઓફિસર’ ઉપરથી ચેતને ‘અફસર’ બનાવી અને એના ઉપરથી ‘સાહિબ બહાદુર’.

એર ફોર્સની ફિલ્મ છે ને ભારતના પ્રેક્ષકોએ ટૅઇક–ઓફ અને લેન્ડ થતાં લશ્કરી વિમાનો તો જોયા ન હોય, એટલે ચેતન આનંદે ફિલ્મની પટ્ટીઓનો ૨૦–૨૫ ટકા ભાગ તો વિમાનોને રન–વે પર દોડતા–ઉતરતા જ બતાવે રાખ્યા છે. અહીં
ર–માર્શલ કે ફોર્સના મોટા અધિકારીઓને જરાક અમથી સાયરન વાગે, એટલે આડુંઅવળું વિચાર્યા વગર ફિલ્મના પાયલટો કાંકરીયાનું સાયકલ પર રાઉન્ડ લેવા નીકળતા હોય એમ આંટા મારી આવે છે. બન્ને ભાઇઓ એમનાથી ૧૦–૧૨ વર્ષ નાના ભાઇ વિજય આનંદ પાસેથી કાંઈ ન શીખ્યા. (આ લોકોનો સૌથી મોટો ભાઈ પણ હતો, ‘મનમોહન આનંદ’. બહેન ઐટલે શીલા કપૂર, જે શેખર કપૂરની મમ્મી થાય !) વિજયે મોટા ભાગે ઉત્કૃષ્ટ ફિલ્મો ઉતારી છે, જ્યારે આ બન્ને ભાઇઓ માટે ‘મોટા ભાગે’ શબ્દો વાપર્યા પછી જોનારા માંદા પડી જાય એવી ફિલ્મો ઉતારે રાખી છે.

૧૯૭૩ની આ યુદ્ધ ફિલ્મ ઇન્ડિયન
રફોર્સના ભારત–પાકિસ્તાન વચ્ચે ૧૯૭૧માં થયેલા યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત ‘ઓપરેશન કૅક્ટસ લિલી’ ઉપરથી બનાવી છે, એટલે કે યુદ્ધમાં આપણા રફોર્સનો કેવો યશસ્વી ફાળો હતો, તે બતાવવાનો પ્રયાસ કર્યો છે. ભારતના પશ્ચિમ પ્રદેશના રબેઝ ઉપર પાકિસ્તાની વિમાનો હુમલો કરે છે, જેના જવાબમાં આપણા પાયલટો પાકિસ્તાનના ઘણા મહત્વના રડારનો નાશ કરવાનું બીડું ઝડપે છે. આ રડારને કારણે હવામાં ઊડતા આપણા વિમાનોના રેડિયો બંધ થઇ જાય છે, જેથી વિમાનોનો એમની ફિસો સાથે કોઇ સંપર્ક ન રહે. પાકિસ્તાની રફોર્સના પાયલટ અમજદ ખાનની ફિયાન્સી તાહિરા (પ્રિયા રાજવંશ)ની બહેન (મોહિની) ભારતના ચંદીગઢમાં રહે છે, જે રાજકુમારની પ્રેમિકા છે. મોહિની તાહિરા બનીને પાકિસ્તાન જાય છે, જ્યાં રેડિયો–એનાઉન્સરની નોકરી કરીને ગુપ્ત રીતે રેડિયોના જામરો કાઢી નાંખે છે, જેથી ભારતીય હવાઇદળ પાકિસ્તાનના રબેઝ ઉપર હુમલો કરી શકે. આ ફિલ્મમાં સ્પેશિયલ પિયરન્સમાં આવતા બલરાજ સાહની અને તેમનો પુત્ર અજય (એ વખતે એ પોતાનું અસલી નામ ‘પરિક્ષત’ લખાવતો) પણ છે. વિજય આનંદને ફિલ્મ શરૂ થતાં જ શહીદ કરી દેવામાં આવે છે. નવાનવા અમજદ ખાનને ભાગે બે–ત્રણ સંવાદો બોલવાના આવ્યા છે.

પોતાના મોભા ભાગના શોટ્સમાં હાથમાં સિગારેટ કે પાઇપનો કાયમ આગ્રહ રાખનાર ‘જાની’ અભિનેતા રાજકુમાર અંગત જીવનમાં પણ રોજની વધુ પડતી સિગારેટો પીતો. અંજામ બહુ બૂરો આવ્યો. સિગારેટ પીનારા વહેલા મોડા મરે તો છે જ, પણ રાજકુમાર સિગારેટને કારણે થયેલા ગળાના કેન્સરને કારણે જીવનના આખરી વર્ષોમાં બિહામણી રીતે રિબાયો. કેન્સરનો દુ:ખાવો એ સહન પણ ન કરી શકતો. આવા ખૌફનાક દુ:ખ કરતા ભગવાન જલ્દી ઉપાડી લે, ઐવી એ બૂમો પાડતો, પણ મૌતની તારીખ તો ઉપરવાળો ય બદલી આપતો નથી અને બહુ રિબાઇને કરૂણતામાં રાજકુમાર મર્યો. ‘જાની’ માત્ર સંવાદો બોલવાની એની છટાથી જ મશહૂર નહતો, એની ચાલ પણ ગુફામાંથી તાજા બહાર નીકળેલા સિંહ જેવી મર્દાના હતી. તે જ સાથેની ખુમારી તો એ ફિલ્મોમાં આવ્યો, એ પહેલાની રાખતો. મુંબઈના પોલિસ સ્ટેશનમાં એ એક સામાન્ય સબ–ઈન્સપેક્ટર હતો, કોઇ આઇજીપી નહિ. સબ ઈન્સપેક્ટર એટલે હૅડ કોન્સ્ટેબલથી એક પોસ્ટ ઊંચી, છતાં પોતાના ઉપરીને પણ (પોલીસ ખાતામાં આજે ય ચાલ્યા આવતાં બ્રિટિશ રિવાજ મુજબ, પોતાના ઉપરીને લશ્કરી સલામ તો મારવાની જ ! ) રાજકુમારને આ બધું ના ફાવે. અને આગળની કરિયરનું શું થશે, એ વિચાર્યા વિના નોકરી છોડી દીધી. પાકિસ્તાન જેને ઘાતકીપણે નફરત કરે છે, એ બલૂચિસ્તાનના લોરાઇલમાં જન્મેલો આ ગ્રેટ એક્ટર પરણ્યો હતો એક
ર હોસ્ટેસને, જેનું ક્રિશ્ચિયન નામ જેનીફર બદલીને એણે ગાયત્રી રાખ્યું હતું, પણ ફિલ્મી પાર્ટીઓ તો બહુ દૂરની વાત છે, આ કાશ્મીરી બ્રાહ્મણ (અસલી નામ ‘કુલભૂષણ પંડિત’) ક્યાંય પણ પત્નીને સાથે લઇને નીકળતો કોઇએ જોયો નથી. બે વચ્ચે કોઇ કંકાસ નહતો, પણ પોતાની પ્રાયવસીને એ નાની બરણીમાં સાચવેલી પાણીની માછલીની જેમ પવિત્ર ગણતો. સ્ટુડિયોમાં શૂટિંગ વચ્ચે બ્રેક પડે ત્યારે કોઇ ઐરો, ગૈરો કે નથ્થુ ખેરો તો ઠીક છે, હીરોઈનો પણ એની પાસે જવાની હિમ્મત માંડ કરતી. બૉસ હાથમાં પાઇપ કે સિગારેટ પકડીને ઈઝી–ચેરમાં કોઇ ઇંગ્લિશ ક્લાસિક પુસ્તક વાંચતા હોય. એ સિડની શૅલ્ડન કે જ્હોન ગ્રીશામની ફિક્શનો ન વાંચે... દોસ્તોયેવ્સ્કીની ‘ક્રાઇમ એન્ડ પનિશમૅન્ટ’ કે પોતાના દેશ રશિયાએ કાઢી મૂક્યા પછી અમેરિકન બનેલા વ્લાદિમીર નોબોકોવની લખેલી વિવાદાસ્પદ નૉવેલ ‘લોલિતા’ કે આ બાજુ બર્ટ્રેન્ડ રસેલ જેવા ક્લાસિક લેખકોને વાંચતો. (અશોક દવે લિખિત ‘ફિલ્મ ઇન્ડિયા’ તો એ ક્યારેય નહોતો વાંચતો !)

સાચું નામ વીરા સુંદરસિંઘ ધરાવતી પ્રિયા રાજવંશ પણ વ્હી. શાંતારામની સંધ્યા કે દેવ આનંદની કલ્પના કાર્તિક જેવું ફિલ્મી જીવન જીવી. એ ચેતન આનંદની ઉપપત્ની હતી અને સંધ્યા કે કલ્પનાની જેમ પ્રિયાએ પણ અન્ય કોઇ નિર્માતાની ફિલ્મમાં કામ કર્યું નથી. (પ્રિયા સીખ્ખ હતી) ચેતન આનંદની પત્ની (આ પત્ની નહોતી, આજની ભાષા મુજબ ‘લિવ–ઇન–રીલેશન’માં હતી, છતાં ય મરતાં પહેલા ચેતને રૂઇયા પાર્ક, જુહુવાળો બંગલો અને અન્ય પ્રોપર્ટી પ્રિયાને નામે કરી હતી) ઉમાથી થયેલા બે પુત્રો કેતન આનંદ અને વિવેક આનંદ ઉપરાંત કામવાળી માલા અને નોકર અશોક (નોકરના નામો ય આવા હોય???)ને પણ મુંબઇ હાઇકોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. એ લોકો જેલમાં છે. આ લોકો દ્વારા પોતાનું ખૂન થવાનું છે, એવી મતલબનો એક પત્ર મરતાં પહેલા પ્રિયાએ વિજય આનંદને લખી દીધો હતો, જે વિજયે કોર્ટમાં રજૂ કરતાં આ લોકો જેલ ભેગા થયા હતાં.

એ સમયની સફળ અભિનેત્રી કામિની કૌશલનું નામ ‘ઉમા કશ્યપ’નું નામ બદલવાનું ચેતન આનંદનું કારણ એ હતું કે, એની પોતાની પત્નીનું નામ પણ ઉમા હતું અને ચેતનની પહેલી ફિલ્મ ‘નીચાનગર’માં બન્ને અભિનેત્રીઓ સાથે હતી. ચેતને એક બાજુ બીજી વાળી ઉમા કશ્યપનું નામ બદલીને ‘કામિની કૌશલ’ રાખ્યું અને સગ્ગી વાઈફનું નામ બદલવાને બદલે આખેઆખી વાઇફ જ બદલી નાંખી અને પ્રિયા રાજવંશને પોતાના ઘેર બેસાડી દીધી.... ને તો ય, પ્રિયાનું નામ તો બદલ્યું જ, જે ‘વીરા સુંદરસિંઘ’ હતી.

ક્ટરો તરીકે તો આ ફિલ્મમાં બલરાજ સાહની, ખુદ ચેતન આનંદ, વિજય આનંદ કે ઈવન રાજકુમાર વેડફાઇ ગયા છે. ઇંગ્લિશ ફિલ્મો જોનારા ગુજરાતીઓને ખબર છે કે, વોર–ફિલ્મો તો કેવી હોય ! અહીં તો ઇન્ડિયન રફૉર્સ પાસેથી પરમિશન લઇને ચેતન આનંદ આકાશમાં ઇન્ડિયાના ને ઇન્ડિયાના જ ફાઇટર પ્લેનો ઊડતા બતાવે અને એ સમજાવે એમ આપણે માની લેવાનું કે આ દુશ્મન દેશના પ્લેનો છે. બૉમ્બ પડે એમાં દિવાળીના ફટાફટ ધૂળના ઢગલા નીચે મૂકી દેતા હશે એટલે બૉમ્બ બ્લાસ્ટ થવાનું પ્રેક્ષકો માની લે. વૉર ફિલ્મમાં કામ કરતા તમામ કલાકારોની હૅર–કટ લમણેથી પૂરેપૂરી છોલાયેલી હોવી જોઇએ... લશ્કરોમાં માથે વાળના ગુચ્છા ન ચાલે ! અહીં એકાએક કલાકાર જથ્થાવાળા વાળ રાખે છે.

ફિલ્મમાં એક રાહત મોટી છે. એક નહિ, બે રાહત ! એક તો પૂરી ફિલ્મ ફક્ત ૧૩ જ રીલ્સ છે, એટલે પતે છે જલ્દી અને બીજું મદન મોહને વેઠ ઉતારી હોય એવા ટોટલ ચાર જ ગીતો છે. મન્ના ડેનું ‘હર તરફ અબ યહી અફસાને હૈ....’ ફિલ્મમાં જોવું ગમે એવું નથી.

‘પાકીઝા’માં મીનાકુમારી બહેન બનતી ચરિત્ર અભિનેત્રી વીણાને અન્યની જેમ હું પણ ઇફ્તેખારની બહેન સમજતો હતો. ક્યાંક બન્નેના મોંઢા મળતા આવે છે, પણ એ બન્ને વચ્ચે નામનું ય સગપણ નથી. રાજ કપૂર – સુરૈયાની ફિલ્મ ‘દાસ્તાન’માં વીણા મશહૂર થઇ હતી. એ ફિલ્મમાં એ સુરૈયાની ભારે ક્રોધી બહેનનો કિરદાર કરે છે... ગુસ્સો, ગુસ્સો અને ગુસ્સો ! ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં બુદ્ધો રાજ કપૂર વીણાની હવેલીમાં જાય છે, ત્યારે મૃત પડેલી વીણાના ચહેરા ઉપર પણ ગુસ્સો છલકતો હોય છે, એ જોઇને રાજ બોલે છે, ‘રસ્સી જલ ગઇ, લેકીન બલ નહિ ગયા !’

આ ફિલ્મમાં પાકિસ્તાની આતંકવાદી બનતો ઉસ્માન એટલે કે સાઇડ–આર્ટિસ્ટ ભરત કપૂર છેલ્લે ૨૦૧૧માં જોવા મળ્યો હતો, પછી સમાચાર સાચા હોય તો તેનું મૃત્યુ થયું છે. ઇ.સ. ૧૯૭૨માં કિરણ કુમારવાળી કૉમેડી ફિલ્મ ‘જંગલ મે મંગલ’ ફિલ્મથી એ આવ્યો હતો અને છેલ્લી ફિલ્મ ઇ.સ. ૧૯૯૬માં ‘હિમ્મતવર’માં ઐ હતો. હજી હમણાં અવસાન પામેલા સિતારવાદક ઉસ્તાદ રઇસ ખાન અને મદન મોહનની જોડીના નામની આગળ ‘મહાન’ નામનું વિશેષણ લાગતું હતું. વચમાં અચાનક શું થયું તે બન્ને વચ્ચે કોઇ વાતે મનદુ:ખ થઇ ગયું. રઇસ ખાને મદનના સંગીતમાં સિતાર વગાડવાની કાયમ માટે ના પાડી દીધી. આ બાજુ જીદ મદનની પણ હતી કે, જો મારા સંગીતમાં રઇસ ખાન વગાડવાના ન હોય તો હવે પછીના મારા કોઇ સંગીતમાં સિતાર નહિ વાગે અને એમ જ બન્યું, નહિ તો જસ્ટ... ‘નૈનોં મે બદરા છાયે, બીજલી સે ચમકે હાયે...’ની જ સિતાર યાદ કરી લો...! મહાન લોકો ઝઘડે છે એમાં નુકસાન ચાહકોને મોટું થાય છે.

એ વાત જુદી છે કે, મદનના સંગીતમાં કે કૈફી આઝમીના ગીતોમાં કોઇ ભલીવાર નથી. મદન મોહન પણ પોતાની જ અગાઉની ધૂનો રીપિટ કરવા ઉપર ચઢી ગયો હતો. લતા મંગેશકરનું ફિલ્મ ‘હંસતે ઝખ્ખમ’નું ‘બેતાબ દિલ કી તમન્ના યે હી હૈ...’ ઉપરાંત, ‘આજ સોચા તો આંસુ ભર આયે’ અને મદન મોહનના જ સંગીતમાં લતાનું ગાયેલું આ ફિલ્મનું ‘હૈ તેરે સાથ મેરી વફા, મૈં નહિ તો ક્યા...?’ એક સરખા લાગે છે.

રાજકુમાર ફિલ્મમાં હોવા છતાં ફિલ્મ ન ચાલે, તો વિચારી જુઓ ને ફિલ્મ કેવી હશે ?