Search This Blog

29/01/2017

ઍનકાઉન્ટર : 29-01-2017

* 'ગુજરાત સમાચાર'ની આ રવિ પૂર્તિનો સર્વોત્તમ લેખક કોણ ?
-
કોઇ પણ અખબારની કોઇ પણ પૂર્તિનો સર્વોત્તમ લેખક પોતે જ છે, એવું દરેક ભોળુડો કૉલમિસ્ટ માનતો હોય છે.
(
શ્રીમતી મનસ્વી પી. શેઠ, સુરત)

*
ગુજરાતમાં રહેતા કેજરીવાલ સમર્થકોને તમારો કોઇ સંદેશ ?
-
કેજરીની છાપ જ મારો સંદેશ છે.
(
અંકુર મિસ્ત્રી, અજરાઇ-નવસારી)

*
વિજય રૂપાણી પ્રજાને શું કહેવા માંગે છે ?
-
ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાયા છે, એ સમજ હજી પ્રજા સુધી પહોંચાડવાની બાકી છે. હજી એ બહુમાનોમાં બહુ વ્યસ્ત છે.
(
યાસિન વાજા, ચાવજ-ભરૂચ)

*
આતંકવાદ નરેન્દ્ર મોદી માટે પડકાર બની ગયો છે ?
-
હાલનો પડકાર  ઉ.પ્ર.ની ચૂંટણીઓ છે...! આતંકવાદ... એ વળી શું છે.
(
ધવલ જે. સોની, ગોધરા)

*
ફિલ્મોની નકલી સીડીઓને કારણે ફિલ્મ ઉદ્યોગને વર્ષે  ૧૯ હજાર કરોડની ખોટ જાય છે. એમાં આપણા હીરો-હીરોઇનો બેકાર નહિ બની જાય ને ?
-
મહેશ શાહને  સાડા તેર હજાર કરોડની ખોટ ગઇ... એ બેકાર બન્યો ?
(
વિદુર પંડયા, ગાંધીનગર)

*
કેજરીવાલની લાંબી જીભ માટે શું કહેવું ?
-
એ માણસ આમ જ નૉન-સૅન્સ બોલીને પબ્લિસિટી ભેગી કરે છે... ને આપણે રીઍક્ટ કરીને એને સફળ બનાવીએ છીએ.
(
ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઇ-બાયડ)

*
શું બૉસ... પેલી ગોટીની શેરીવાળીનું કબાટ પછી ખસેડયું કે નહિ ?
-
એ જમાનામાં અમારે ખાડીયામાં આવી ઘણી બધી ખસમખસી કરવાની હતી. અમે વાંકા વળી ગયા !
(
વિજય ખાચરીયા, જેતપુર)

*
મુંબઇના મરાઠીઓ 'જયહિંદ'ને બદલે કાયમ 'જય મહારાષ્ટ્ર' બોલતા હોય છે. દેશ મોટો કે રાજ્ય... ?
-
એક ગુજરાતી બતાવો, જેને ગુજરાતી હોવાનું ગૌરવ હોય... !
(
જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

* પાકિસ્તાનને છપ્પનની છાતીવાળો જવાબ મળી ગયો ?
-
છપ્પન ઈંચનું પેટ પણ હોઇ શકે ને ?
(
રેખા પટ્ટણી, અમદાવાદ)

*
મારે આલ્બર્ટ આઇન્સ્ટાઇન જેવા સાયન્ટિસ્ટ બનવું છે. કોઇ ઉપાય ?
- '
જેવા' શું કામ...? એમનાથી 'મોટા' કેમ નહિ ?
(
મુનિર વ્હોરા, આણંદ)

*
ટૉલનાકા ઉપર આપણી સાઇડમાં જ વાર કેમ લાગે છે ?
-
આપણી સાઇડમાં આપણે બેઠા હોઇએ છીએ માટે.
(
મેધાવી હેમંત મેહતા, સુરત)

*
કાગડાઓ ખીર-પૂરી ખાઇ ગયા... હવે ?
-
કાળાં નાણાંને બદલે હવે કાળી ખીર અને કાળી પુરીઓ બહાર આવશે.
(
કૃપા સેવક, વડોદરા)

*
પાકિસ્તાન  હવે તો સુધરી જશે ને ?
-
એક યુધ્ધ ભારત જેવા સમૃધ્ધ દેશને ય ગરીબ બનાવી શકે છે, તો પાકિસ્તાનનું તો અસ્તિત્વ પણ નહિ રહે. માટે એ યુધ્ધ કરતાં આતંકવાદને વધુ મહત્ત્વ આપે છે.
(
રાજેન્દ્ર ધનવાણી, જામનગર) અને (હાર્દિક એસ. બલર, સુરત)

*
ઘણા સાહિત્યકારોમાં અંગ્રેજી ભાષા માટે રોષ કેમ જોવા મળે છે ?
-
વાચકો એમના માટે રોષ રાખે છે.
(
હર્ષ ઓઝા, અમદાવાદ)

*
મારે તમને વર્લ્ડ-ટુર પર સાથે લઇ જવા છે...
-
ઓહો... ! બાબો આટલો મોટો થઇ ગયો ?
(
ધર્મેન્દ્ર જોષી, સાવરકુંડલા)

*
કહે છે કે, લેખકોની હાલત બહુ ખરાબ  છે. તમારે કેમનું છે ?
-
બસ... હજી તો રૂ. ૨૦૦૦/-ની નોટોનો દરોડો પડયો નથી !
(
પી.કે. ચાવડા, મેંદરડા-જૂનાગઢ)

*
તમને નવરાત્રીના ગરબાનો શોખ છે કે નહિ ?
-
મને શોખો રાખવાનો કોઇ શોખ નથી.
(
રહીમ મલકાણી, ભાવનગર)

*
વરસાદ વગર વાઇફ દાળવડાં બનાવે એ શું કામનાં ?
-
અડોસપડોસમાં સંબંધો રાખતા જાઓ, ભાઈ !
(
દીપક એસ. કાળે, અમદાવાદ)

*
અબ્રાહમ લિન્કન એમના પત્નીથી ડરતા હતા. એ વાત સાચી છે ?
-
એની તો બહુ ખબર નથી, પણ હું એમની પત્નીથી આજે ય ડરૂં છું.
(
જગદિશ રસિકલાલ શાહ, રાજકોટ)

*
ગાર્ડનમાં ચાલવાનો ક્રેઝ વધતો જાય છે. તમે ય હાથ ઊંચાનીચા કરતા ચાલવા જાઓ છો ?
-
હું તો પગ પણ ઊંચાનીચા કરીને ચાલું છું.
(
પુરંજય જોશીપુરા, અમદાવાદ)

*
યુધ્ધ થાય તો કેજરીવાલ અને સંજય નિરૂપમને યુધ્ધ મોરચે મોકલી દેવા જોઈએ કે નહિ ?
-
યુધ્ધ થતું હોય એ ભૂમિ પવિત્ર હોય... એને ગંદી ન કરાય !
(
સુનિલ નાણાવટી, રાજકોટ)

*
ગોરી હંમેશા ગામડાની જ કેમ હોય ?
-
શહેરમાં તો પતંજલી બાબા હોય !
(
દેવાંગી દેત્રોજા, જામનગર)

*
મંદિરોમાં સ્ત્રી-પુરુષ માટે ડ્રેસ-કોડ હોવો જોઇએ કે નહિ ?
-
એમ ને એમે ય ખબર પડી જાય કે, આ સ્ત્રી છે કે પુરુષ... !
(
જયેશ અંતાણી, ભાવનગર)

*
આજકાલ શું ચાલે છે ?
-
પહેલાં ચાલતું'તું એ જ !
(
અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલા સોપારા)

*
તમારા જવાબ અને અમારા સવાલ... કદી ધારી શકાતા નથી.. ખરું ને ?
-
ત્યાં સુધી જ આ કૉલમ ચાલુ રહેશે.
(
મધુલતા માંકડ, મુંબઇ)

25/01/2017

'હોવાપણું' એટલે શું ?

છેલ્લા થોડા વર્ષોથી ગુજરાતી કવિઓના હાથમાં મહામેહનતે બીજાએ શોધેલો અથવા બનાવી કાઢેલો શબ્દ 'હોવાપણું' હાથમાં આવ્યો છે. કવિઓએ આ શબ્દના વાપરી વાપરીને છોડાં ફાડી નાંખ્યા છે ! 'હોવાપણું' શબ્દ આ સદીની કોઇ મહાન શોધ હોય અને પોતાને હવે સદરહૂ 'હોવાપણું' વાપરતા બરોબર આવડી ગયું હોય, એમ કવિઓ ભૂલ્યા વિના 'હોવાપણાંને' સાબુના લાટાની માફક કવિતાના કાપડ ઉપર ઘસે છે. કપડું ફાટી જાય પણ... 'હોવાપણું' ફાટતું નથી !

હવે તો જો કે, હું ય મર્યો કે, તમે મને પૂછવાના કે, 'હોવાપણું' એટલે શું ? અમે તો કોઇએ આ શબ્દ સાંભળ્યો નથી. એ શું કોઇ નામ છે ? ક્રિયાવિશેષણ છે ? ઉપનામ છે ? એમાં જોવાપણું શું છે ?

જુઓ ભાઇઓ. આજ સુધી મારી ગમે તે છાપ મારા લખાણોથી પડી હોય, પણ હું સાચ્ચું બોલી જઉં છું કે, હું કવિ તો નથી જ. 'હોવાપણું', 'ધોવાપણું' કે ઈવન 'રોવાપણું' શું ચીજો છે, તેની મને ખબર નથી. પણ છેલ્લા કેટલાય વખતથી કવિઓ વિફર્યા છે ને પોતાની ગઝલ, કવિતા, અછાંદસ કે નઝમમાં ગમે ત્યાંથી આ 'હોવાપણું' ઉપાડી લાવે છે.

મને સમજ ન પડે, એટલે મેં એક આદ્યકવિ જેવા લાગતા તાજા કવિને ફોન કરીને પૂછ્યું, '''ઇ...આ 'હોવાપણું' એટલે શું ?'' એમણે તાત્કાલિક મારો ઉધડો લેતા મને સુધાર્યો, ''દવે સાહેબ, ''' નહિ, ''ભાઇ'' બોલો....આપણે જ ગુજરાતી ભાષાને બગાડીએ છીએ અને--''
''
અચ્છા તો ભાઇ.... અપૂન કો યે 'હોવાપણે' કા મતલબ માલૂમ નંઇ, ભાઇ....!''

''
અરે બાપા... એ દુબાઇવાળો 'ભાઇ' ય અહીં ન ચાલે... 'ભાઇ' એટલે આપણી માતૃભાષામાં વ્યાકરણની દ્રષ્ટિએ શુધ્ધ લખાતો 'ભાઇ'.... બેનનો ભાઇ...!''

''
તો તો આપ મારા 'ભાઇ' નહિ...મારી 'બેન થયા, બેન !'''
''
હવે ક્ષમા કરશો... અને 'બજાવવાનું' બંધ કરશો ? ઊફ્ફ્ફ...આ 'બજાવવાનું' છેકી નાંખશો... તમને ખાડીયાવાળાઓને તો પાછા 'બજાવવાના'ય અર્થો સમજાવવા પડે ! બોલો, સવાલ શું છે ?''

''....
અઅઅઅ, મને લાગે છે કે, 'સવાલ' તો ઉર્દુ શબ્દ છે... અહીં શું આપણે 'પ્રશ્ન' વાપરી ન શકીએ ?... અને, ક્ષમા કરજો... પણ મારા માટે 'બાપા' શબ્દ વાપરીને તમે તમારા કુટુંબને અન્યાય કરી રહ્યા છો. વળી તમે મને 'ભાઇ' બનાવ્યો, એમાં લેવાદેવા વિનાનું મારા કુટુંબના ઇતિહાસને ચૅક કરી જોવાનું (આઇ મીન, ફંફોસવાનું) આવી પડયું છે...'' પોતાના કપાળ ઉપર હાથ પછાડીને એ જતો રહ્યો !

વર્ષો પહેલા કાઠીયાવાડી તળપદા શબ્દોના સ્વ. આદ્યકવિ રમેશ પારેખ જે કોઇ નવો શબ્દ લઇ આવે, એ પછી સદા ય ને માટે બાકીના કવિઓ માટે આધારસ્તંભ બની જતો. જેમ કે, ''કૂંપળ,' 'લીલા કાચ જેવો... ટેરવાં'' બાકીના ઘણા કવિઓ માટે આજે પણ ઑક્સિજન બની ગયા છે.

કવિઓ પણ તડકાને હવે સીધોસાદો રહેવા દેતા નથી.... 'લીલા કાચ જેવો તડકો !' આ લોકોની આંગળીઓમાંથી પાછા ટહૂકા ફૂટે, એ કોઇ કાળે ય ગળે ઉતરે એવું નથી. સ્ટેજ પર બેઠેલા કોઇ તબલચીની આંગળીના ટેરવાઓમાંથી ટહૂકા ફૂટે... ભલે 'ઍક્ચ્યૂઅલ ટહૂકા ન ફૂટતા હોય, પણ એવી સીમિલી વાપરો તો વાંધો ન આવે, પણ ઝનૂને ચઢેલા હજારેક કવિઓ ગમે તેના આંગળે ટહૂકા ભરાવી દે છે, એમાં અસલી મોર-લોકો ઇવન બાજુમાં ઢેલો ઊભી હોવા છતાં, ગળામાંથી ટહૂકા કાઢવા જાય છે, તો એમાંથી અછાંદસ ટહૂકા, અછાંદસ ગઝલો કે એટલે સુધી કે મોરલોકો ગળામાંથી અછાંદસ ખોંખારા કહેવા માંડયા છે.'

ભાવનગરના કવિ વિનોદ જોશીએ એમની કૂંચી (ચાવી) ઘરમાં વાપરવાને બદલે કવિતામાં વાપરી નાંખી એમાં અન્ય કવિઓ માટે તો કૂંચીઓનો ઝૂડો બની ગયો. કવિએ બાઇને બદલે જરા માનભેર 'બાઇજી' શબ્દ વાપર્યો... અને લો લો લો, કવિઓએ પોતાની તમામ બાઇઓને 'બાઇજી' બનાવી દીધી ! વાત જસ્ટિફાઇડ છે કે, 'બાઇજી' શબ્દ બોલાતો હોય કે નહિ, બાકી સાંભળવામાં (અને ખાસ તો કવિતાકર્મમાં) લાગે છે મીઠો ! 'કૂંચી આપો બાઈજી...'

તળપદાં શબ્દોનો ઝાઝો સ્ટૉક રહ્યો નહિ, એટલે કવિઓ અત્યંત કઠિન ગુજરાતી શબ્દો તરફ વળ્યા. સાયન્સ કે મારી જેમ કૉમર્સ ગ્રૅજ્યુઍટ થયેલાને 'રિક્તતા, તિતિક્ષા, ઘેઘુર લીલાશ કે આંતરકૃતિત્વ, વિનિયોગ...' શબ્દોના અર્થો શું થાય, એ જાણવા જે તે કવિઓના ઘેર ફોનો કરવા પડે... અથવા થોડા વર્ષો રાહ જોઇને, એમનું વસીયતનામું વંચાવાનું હોય ત્યાં પહોંચી જઇને પ્રતિક્ષા કરવી કે, એમાં ક્યાંય તિતિક્ષા, રિક્તતા વગેરે-ફગેરે લખ્યું છે કે નહિ. ફૂટપાથ પર ચાની લારીએ બે અડધીનો ઓર્ડર આપતા આમાંનો એકે ય શબ્દ વપરાય કે નહિ, એ હિમ્મત કરવા જેવી નહિ. (મારે તો આમાંની એકલી 'તિતિક્ષા' કામમાં આવી હતી, બોલો!)

વર્ષો પહેલાં કોઇ કવિના ભેજાંમાં આવા ક્રિયાપદનું નખ્ખોદ વાળવાના ધખારા ઊપડયા હશે, એટલે 'તમે ત્યાં જમુના કિનારે હશો ખરા ?' એવા કોઇ પ્રશ્નના જવાબમાં કવિએ કીધું હશે, ''શક્ય છે, મારૂં ત્યાં 'હોવું' અને 'હોવાપણું' બન્ને અલગ અલગ ઘટનાઓ બની જાય ! મારૂં હોવું એટલે 'નિશ્ચિતતા' બને છે, જ્યારે 'હોવાપણું' મારો સ્વભાવ દર્શાવે છે...''

તારી ભલી થાય ચમના... આમાં અમારે શું સમજવું ? વાચકો ધ્યાન આપે. અમદાવાદ કે જામનગરમાં 'જમુના કિનારો' ક્યાંથી લાવવો ?

પણ અહીં વાતમાં વજન લાવવા, 'તમે ત્યાં રાયપુર દરવાજે હશો ખરા ?' કહેવાને બદલે 'જમુના કિનારે' વધુ કલાત્મક અને કાવ્યાત્મક લાગે છે. પેલામાં ભાવક ભજીયા લેવા ગયો હોય એવું લાગે ને આમાં જમુનાતટ પર બંસી સાંભળવા પહોંચ્યો હશે, એવું મીઠડું લાગે ! બંસરી સાંભળવામાં અને ભજીયા ખાવામાં મીઠા લાગે, એટલું કાફી છે. સુઉં કિયો છો ?

વળી કવિશ્રી જવાબમાં, કડીયો લેલું પકડીને ભીંત પર સીમૅન્ટનો લબ્દો મારતો હોય, એમ અહીં  'હોવાપણું' ચોંટાડે છે, એ આપણને મૂંઝવે જરૂ, પણ આખો સંવાદ કેવો સાહિત્યિક અને ભાવનાત્મક થઇ જાય છે, એ તમે જોયું ? (આમાં વળી 'ભાવનાત્મક' ક્યાંથી આવ્યું, શું કરવા આવ્યું અને એટલે શું વળી... એ સઘળા પ્રશ્નો અસ્થાને છે... સાહિત્યકારો વાત કરતા હોય ત્યારે આવા રચનાત્મક શબ્દોનું હોવાપણું શોભનીય છે.

કવિકર્મથી એકાદ ગાઉ (સાહિત્યમાં 'કીલોમીટર' કે 'માઇલ' જેવા આંગ્લભાષી શબ્દો ન વાપરો તો સારૂં !) આગળ જવું હોય તો તમારી રચનાઓમાં 'મૅટાફર' અને 'મેટામોર્ફોસિસ' જેવા અઘરા શબ્દો વાપરો. યુલિસીસને પકડી લાવો. ભાવકો અંજાશે કે, કવિ ક્યા લૅવલનું ઊંચું ઇંગ્લિશ જાણે છે ! વળી તમારી રચનાઓમાં રણછોડભ'ઇ મફાભ'ઇ પટેલ કે દવે અશોક ચંદુભાઇ જેવા દેસી નામો ધરાવતા લોકોના ય ઉલ્લેખો નહિ કરવાના. એને બદલે, 'મૉલિયર, કાફકા, યેહૂદા આમિચાઈ અને હારૂકિ મુરકમિની જેવા 'આયાતી' સર્જકોના નામો લખવાથી (વાચકો નહિ...), વિવેચકોના હૃદયમાં ઊંચું સ્થાન મળે છે.'

મોટી વાત એ છે કે, કવિતાને જીવંત રાખવા ઉપરાંત એને દીર્ઘાયુ બનાવવા 'દસે દિશાની કવિતા'ને વધુ તંદુરસ્ત બનાવવા દર મહિનાના પહેલા રવિવારે આશ્રમ રોડના 'આત્મા હૉલ'માં કવિતા-ગઝલનો સદ્યસ્નાતો (નાહીને તાજો બહાર નીકળેલો) કાર્યક્રમ ગોઠવાય છે, એ જોયા પછી ગુજરાતને પેલા કઠિન શબ્દોના અર્થો જાણવા કવિના વસીયતનામા સુધી રાહ જોવી નહિ પડે !

મને અંગત રીતે ગઝલ-નઝમ વધારે ગમે છે ને આજકાલ સોશિયલ મીડિયા ઉપર 'કવિ કહે છે...'ના આશ્રયે કવિતાની મજાકો ઊડવા માંડી છે, એમાં જે તે લખનારના સાહિત્યિક સ્તરને ચકાસવા જેવું હોતું નથી, છતાં કવિઓએ લાગણીશીલ બનવાને બદલે સ્માઈલ સાથે સ્વીકારવામાં કોઇ નુકસાન નથી. 'કવિ કહે છે'ના સર્જકો (!) સાહિત્યમાં કાચા હશે પણ એ કોઇને વ્યક્તિગત નિશાને મૂકતા નથી. અને કેટલીક પૅરડી તો ખરેખર મજાની હોય છે. ખેલદિલીપૂર્વક આ નવી મજાકોને ય માણવી જોઇએ.

કવિતાને નામે છીછરી મજાકો કરનારાઓને તો અમથું  કોઇ ગણતું નથી, માટે એની ચિંતા ન હોય !

ગુજરાતીઓ નોટબંધીના અર્થઘટનો શીખે, એના કરતા કવિતા શીખે એ વધુ તંદુરસ્ત ક્રાંતિ કહેવાશે. જૂનાગઢના તરવરાટીયા સર્જક કવિ મિલિંદ ગઢવી લખે છે,
'
તમે આવશો સાંજે - અમે એમ ધારીને
દિવસને વળાવ્યો છે ઉતાવળ કરાવીને'

સિક્સર
-
શહેરને આખેઆખું ખાઇ જતા આ રાક્ષસી ટ્રાફિક-જામને પહોંચી વળવાનો કોઇ ઉપાય ?
-
ઉપાય એક જ. આવા દરેક સ્થળે ટ્રાફિક-પોલીસનો પૂરતો ફૉર્સ હોય અને ઘટનાસ્થળે જ આકરો દંડ ફટકારે !